Saturday, March 28, 2020

દુનિયાએ બચવું હશે તો ચીનનો બહિષ્કાર કરવો જ પડશે


દુનિયાએ બચવું હશે તો ચીનનો બહિષ્કાર કરવો જ પડશે

--- કોરોના વાયરસના વિશ્વવ્યાપી રોગચાળાએ એક વાત સંપૂર્ણ સ્પષ્ટ કરી દીધી છે કે ચીન અને ચીની નીતિ વિસ્તારવાદી છે, અધિકારવાદી છે. આજે હવે ચીનાઓની દાનતને નહીં સમજો તો કાલે ઘણું મોડું થઈ જશે. ભારત અને અમેરિકાની મજબૂત નેતાગીરી તરફથી પડકાર ઊભો થતાં ધૂંધવાયેલું ચીન વાયરસ બાદ સાયબર ઍટેક - કંઈ પણ કરી શકે છે!


n  અલકેશ પટેલ

અનેક દાયકાથી દુનિયા અમેરિકાને વિલન ચીતરી રહી છે, ચીતરવા મથી રહી છે અને તેમાં સફળતા પણ મળી છે. કેટલેક અંશે એ સાચું પણ હશે, કેમ કે એ દેશ પોતાની શક્તિ, ક્ષમતા અને મહેનતથી સક્ષમ બન્યો છે, કોઇનું આંચકી લઈને, કોઈ પ્રદેશો આંચકી લઈને શક્તિશાળી નથી બન્યો. એથી વિરુદ્ધ ચીન અને ચીનની નીતિ ઘૂસણખોરીની, વિસ્તારવાદની, બીજાનું પચાવી પાડવાની રહી છે અને છતાં દુનિયાને અમેરિકા માટે જેટલો ધિક્કાર છે એટલો ધિક્કાર ચીન માટે નથી. આવું શા માટે?
આવું એટલા માટે કે અમેરિકામાં લોકશાહી છે અને ચીનમાં સામ્યવાદી શાસન છે. અમેરિકાની લોકશાહીમાં કુશળતા અને ક્ષમતાના આધારે પ્રગતિ થાય છે, તક મળે છે. એથી વિરુદ્ધ સામ્યવાદી ચીનમાં સૌથી ઉપર બેઠેલો નેતા અથવા બે-ચાર નેતાઓની ટોળી જ બધું નક્કી કરે છે. બીજાની કુશળતા કે ક્ષમતાનું કોઈ મૂલ્ય ચીની વ્યવસ્થામાં હોતું નથી.
આજના લેખનો મુદ્દો અહીંથી જ આગળ વધે છે. કોરોના વાયરસને કારણે ઊભી થયેલી આંતરરાષ્ટ્રીય કટોકટીએ ચીનના અતિશય વિકરાળ અને જોખમી ઇરાદાને છતો કરી દીધો છે. આટલો ખતરનાક અને ગંભીર વાયરસનો રોગચાળો આખી દુનિયામાં ફેલાવવા પાછળ બદમાશ ચીનાઓની ચાલ છે એ વિશે કોઇને હવે શંકા રહેવી ન જોઇએ. પરંતુ વાત ત્યાંથી પૂરી નથી થતી. વાત ત્યાંથી શરૂ થાય છે. ચીન કઈ હદે દુનિયા માટે જોખમી છે એ હવે સમજવું જ પડશે.
ચીનમાં માઓ ઝીડોંગ નામના એક હિંસાખોર વૃત્તિ ધરાવતા સામ્યવાદીએ (જેને માઓ ત્સે તુંગ તરીકે પણ ઓળખવામાં આવે છે) તેણે છેક 1930ના દાયકાથી ચીનને હિંસાની આગમાં નાખી દીધું હતું. તે સમયે થયેલા અને ત્યારબાદ 1960ના દાયકામાં કલ્ચરલ રેવોલ્યુશનના નામે આ હિંસાખોર માઓના હાથ લાખો લોકોના લોહીથી ખરડાયેલા હતા.


 (https://www.britannica.com/biography/Mao-Zedong/The-Cultural-Revolution) અહીં આ હિંસાખોર માઓને યાદ કરવાનું કારણ એ છે કે, માઓએ ચીની સામ્યવાદી પક્ષમાં જે સત્તા હાંસલ કરી લીધી હતી એવી એકહથ્થુ સત્તા તેના મૃત્યુ પછી નાબુદ કરવામાં આવી હતી, પરંતુ હાલના ચીની પ્રમુખ શી જિન પિંગે ફરીથી ત્યાંના સામ્યવાદી પક્ષના બંધારણમાં સુધારો કરાવીને પોતે જીવે ત્યાં સુધીની અમર્યાદ-એકહથ્થુ સત્તા હાંસલ કરી લીધી છે. હિંસાખોર માઓ અને શી જિન પિંગ એક સ્તરે આવી ગયા છે. માઓ ખેડૂતો અને મજૂરોની બનેલી રેડ આર્મીના જોરે લાખો વિરોધીઓની કત્લેઆમ કરતો હતો, શી જિન પિંગ ટેકનોલોજી અને વાયરસ (જૈવિક હથિયાર)નો સહારો લે છે.
ચીન શા કારણે આખી દુનિયા માટે જોખમી બની ગયું છે એ વાત સમજવી હોય તો ઉપર કહ્યો એ ટૂંકો ઇતિહાસ જાણવો જરૂરી હતો. જેમને આ વિશે અભ્યાસ કરવો હોય તે – [(1) https://www.britannica.com/biography/Mao-Zedong/The-Cultural-Revolution) તથા (2) https://en.wikipedia.org/wiki/Mao_Zedong#Civil_War)] આ બંને લિંક ઉપર ક્લિક કરીને વિગતે વાંચી શકે છે.
ખેર, તો વાત ચીનના જોખમને સમજવાની અને આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત કરવાની છે. ચીના, ખાસ કરીને સામ્યવાદી સરકારમાં બેઠેલા ચીના વિસ્તારવાદી વૃત્તિ ધરાવે છે (ઘણી ખરી પ્રજા બૌદ્ધ ધર્મી અને શાંતિપ્રિય છે). હિંસાખોર માઓએ 1950માં તિબેટ ઉપર કબજો જમાવી લીધા પછી 1962માં ભારત ઉપર પણ હુમલો કર્યો હતો. ભારતની કોઈ દેખીતી દુશ્મની ચીન સાથે તો શું દુનિયાના એકપણ દેશ સાથે નહોતી, છતાં હિંસાખોર માઓની રેડ આર્મીએ ચડાઈ કરી હતી.
આવી માનસિકતા ધરાવતા ચીના વર્તમાન પ્રમુખ શી જિન પિંગના નેતૃત્વ હેઠળ 2013માં વન બેલ્ટ, વન રોડ નામે અતિશય ચાલાક યોજના ઘડી કાઢી હતી જેના હેઠળ ચીનાઓનો ઈરાદો આડકતરી રીતે આખી દુનિયાને પોતાના નિયંત્રણ હેઠળ લાવવાનો હતો.
ભારતના સદ્દનસીબે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આ ચીની ચાલ દ્વારા ભારતને ઘેરવાના ઇરાદાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો. બીજી તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપ પ્રમુખપદે આવતા તેમણે પણ રાષ્ટ્રવાદી નીતિ અખત્યાર કરીને ચીની નીતિઓ સામે કડક વલણ અખત્યાર કર્યું. વન બેલ્ટ, વન રોડની નીતિમાં સફળ નહીં થઈ રહેલા ચીનાઓએ ભારતમાં ડોકલામ તરફથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ પણ કરી જોયો, પણ ફરી એક વખત નરેન્દ્ર મોદીની નિર્ણાયક અને મક્કમ તાકાતના સહારે ભારતીય લશ્કરે ડોકલામમાં ચીનાઓને 72 દિવસ સુધી અટકાવી રાખ્યા. છેવટે ચીનાઓએ પીછેહઠ કરવી પડી. આ બધું ચાલતું હતું એ દરમિયાન વિસ્તારવાદી હિંસક ચીનાઓએ સાઉથ ચાઈના સી ક્ષેત્રમાં (જે રીતે ભારતમાં દક્ષિણે હિંદ મહાસાગર છે એવો ચીનની દક્ષિણમાં આવેલો દરિયાઈ વિસ્તાર) અનેક ટાપુ ઉપર કબજો જમાવવાનું 2018થી જ શરૂ કરી દીધું છે એટલું જ નહીં પરંતુ હજારો કિ.મી.ના છીછરા દરિયાઈ વિસ્તારમાં પુરાણ કરીને ત્યાં લશ્કરી થાણા સ્થાપવાનું અને ગૅસ સહિત કુદરતી ખનીજો ખેંચી લેવાનું શરૂ કરી દીધું હતું.  (https://www.cfr.org/interactive/global-conflict-tracker/conflict/territorial-disputes-south-china-sea) આ સાઉથ ચાઈના સી ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય વિસ્તાર છે અને કોઈ એક દેશ તેના ઉપર હક કરી ન શકે. એ વિસ્તારમાંથી તમામ દેશના જહાજ પસાર થઈ શકે. પરંતુ ચીન દાદાગીરી કરીને આ આખો વિસ્તાર કબજે કરી લેવા માગે છે. આ જ મુદ્દે હાલ સાઉથ ચાઈના સી ક્ષેત્રની આસપાસના ફિલિપાઇન્સ, વિયેટનામ સહિત અન્ય દેશો સાથે ચીનને ભારે તંગદિલી ચાલે છે. સાઉથ ચાઈના સી ક્ષેત્રના વિવાદના નિવારણ માટે રચાયેલી ટ્રિબ્યુનલ અદાલતનો ચુકાદો ફિલિપાઇન્સની તરફેણમાં આવવા છતાં ચીની સરકાર એ ચુકાદો માનવા તૈયાર નથી. એકાદ વર્ષ પહેલાં તો ચીન – અમેરિકાના યુદ્ધ જહાજ પણ આ ક્ષેત્રમાં એકબીજાની સામે આવી ગયાં હતાં અને યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
ટૂંકમાં, હિંસાખોર અને વિસ્તારવાદી ચીનને અમેરિકા, ભારત સહિત દુનિયાના કેટલાક મજબૂત નેતાઓ તરફથી હાલ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને કારણે ચીના ભારે ગુંગળાઈ રહ્યા છે. શી જિન પિંગે કદાચ એટલે જ ગયા વર્ષે બંધારણમાં સુધારો કરાવીને અમર્યાદ સમય સુધી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી જેથી પક્ષમાં કોઇને પણ પૂછ્યા વિના પોતે એકલા નિર્ણય લઈ શકે.
એક તરફ અમેરિકાએ તેની બિઝનેસ નીતિ ટાઇટ કરતાં ચીનની મુશ્કેલી વધી. આ તરફ ભારતમાં માલ ઘૂસાડવામાં ચીનને ખાસ સફળતા મળતી નથી. ભારતની વર્તમાન રાજકીય નેતાગીરી એટલી બધી સબળ અને સક્ષમ છે કે ચીની નીતિઓથી મુંઝાઈ રહેલા દુનિયાના દેશો ભારતમાં ઉત્પાદન ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવા પણ આતુર છે. અમેરિકાની સાથે સાથે ભારતનો દબદબો પણ વધી રહ્યો છે. આવા તમામ કારણોથી ધૂંધવાયેલા ચીના વાયરસ ઉપરાંત સાયબર ઍટેક પણ ગમેત્યારે કરી શકે છે.
ચીનને આવું કોઈ દુઃસાહસ કરતાં કેવી રીતે રોકી શકાય?
એ માટે આખી દુનિયાએ ચીનનો આર્થિક બહિષ્કાર કરવો પડે અથવા આર્થિક બહિષ્કાર કરવાની ચીમકી આપવી પડે. વર્તમાન સમયમાં પરંપરાગત યુદ્ધનો કોઈ અર્થ નથી કેમ કે તેનાથી તો તમામને બહુ મોટાપાયે નુકસાન થવાનું જોખમ રહેલું છે. પરંતુ દુનિયાના શક્તિશાળી દેશો ચીનનો આર્થિક બહિષ્કાર કરે તો જ ચીન સીધું ચાલે એમ છે. અન્યથા ચીનાઓએ સેલફોન મારફત, અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ તેમજ મોબાઇલ એપ્લિકેશન્સ મારફત દુનિયાના દરેક દેશોના નાગરિકોમાં એ હદે ઘૂસણખોરી કરી દીધેલી છે કે એ ધારશે ત્યારે સાયબર હુમલા દ્વારા આખી દુનિયાને ઘૂંટણીએ લાવી દેશે. ભારત, અમેરિકા સહિત દેશોએ ચેતી જવા માટે આ જ સમય છે, કાલે ઘણું મોડું થઈ જશે.
એટલું યાદ રાખજો કે હિંસાખોર માઓએ રાષ્ટ્રવાદના નામે જ 1920-30ના દાયકામાં ચીનમાં સિવિલ વૉર છેડ્યું હતું. એ જ દેશમાં હાલ રાષ્ટ્રવાદના નામે શી જિન પિંગ પણ દુનિયાને જોખમી સ્થિતિમાં લાવી રહ્યા છે અને અહીં આપણા દેશ ઉપરાંત દુનિયામાં ફેલાયેલા ચીનાઓના ડાબેરી ચેલા રાષ્ટ્રવાદીઓને આતંકવાદી ચીતરવા માટે રાત-દિવસ મહેનત કરે છે. ચીનના આ ડાબેરી ચેલા મીડિયાથી માંડીને શૈક્ષણિક સંસ્થાઓ સુધી ફેલાયેલા અને સક્રિય છે. દુનિયાના બાકીના તમામ દેશોએ પણ હવે રાષ્ટ્રવાદના નામે ચીનાઓ અને ચીની નીતિઓનો બહિષ્કાર કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ છેલ્લી તક છે.અલકેશ પટેલ (ચૈત્ર સુદ ચોથ, 2076. શનિવાર) 28-03-2020