Thursday, August 15, 2019

રાષ્ટ્રવાદઃ વિભાવના જૂની, વિરોધ નવો


રાષ્ટ્રવાદઃ વિભાવના જૂની, વિરોધ નવો

--- લિબરલ આક્ષેપ એવો છે કે 2019ની લોકસભા ચૂંટણી મોદી સરકાર રાષ્ટ્રવાદના નામે જીતી. તો એ લિબરલ સમુદાયને આપણે સવાલ કરવો જોઇએ કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનનું વિભાજન કરવાના મુદ્દાનો હજુ આજે પણ ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવે છે, તો એ શું છે?


--- અલકેશ પટેલ
       
આજે આખી વાતની શરૂઆત કેટલાક સવાલથી કરવી છે. પાકિસ્તાન સાથે થયેલાં ચાર યુદ્ધ શું રાષ્ટ્રવાદ હતો? શું 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના ભાગલા કરી દેવામાં આવ્યા ત્યારે દેશમાં રાષ્ટ્રવાદની લાગણી ચરમસીમાએ નહોતી? યુદ્ધ સમયે નાગરિકોમાં જે જુવાળ હોય તેને જ શું માત્ર રાષ્ટ્રવાદ કહેવાય? છેલ્લા ત્રણેક દાયકાથી ભારત તથા દુનિયાના અનેક દેશ જે પ્રકારના આતંકવાદનો ભોગ બન્યા છે તેની સામેની લડાઈને શું રાષ્ટ્રવાદ સાથે જોડી ન શકાય? શું આતંકવાદ સામે અસરકારક પગલાં લેવામાં આવે તેને ધાર્મિક ચશ્માથી જોવાં જોઇએ? દરેક ક્ષણે કોઇપણ જગ્યાએ બોંબ વિસ્ફોટોનું જોખમ રહેતું હોય, અને તત્કાલીન સરકાર કથિત રીતે સેક્યુલર હોય તો ચાલે, પણ કથિત રીતે કોમવાદી સરકાર તમામ નાગરિકો માટે સલામતીના પગલાં લે તો એ ન ચાલે? શું આતંકવાદ એક પ્રકારે પરોક્ષ યુદ્ધ નથી? તો પછી તેની સામે પગલાં લેવાય અને તેની રાષ્ટ્રીય સ્તરે વાત થાય એમાં ખોટું શું છે?
પ્રારંભમાં જ એક સાથે આટલા બધા સવાલ કરવાનું કારણ એવા તમામ લોકોને ઝકઝોળવાનું છે જેઓ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સરકારે બીજી વખત શપથ લીધા પછી પણ રાષ્ટ્રવાદની વિરુદ્ધમાં છાજિયા લેવાનું બંધ કરતા નથી. યુદ્ધ સમયે રાષ્ટ્રવાદી બની જતા લોકો આતંકવાદ સામે આકરા પગલાં લેવાય ત્યારે શા માટે એકાએક વૈચારિક ચશ્મા બદલી નાખે છે એ સમજવાનું સમજદારો માટે તો મુશ્કેલ નથી.
આ આખી વાત આજે 2019ની લોકસભા ચૂંટણીના સંદર્ભમાં કરવાની છે. દોઢ મહિના સુધી સાત તબક્કામાં ચાલેલી એ ચૂંટણી પ્રક્રિયાએ આપણને રાજકીય પક્ષોના અનેક રંગ જોવાની તક આપી હતી. એ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આપણે ચોક્કસ રાજકીય પક્ષો અને ચોક્કસ નેતાઓનું ધાર્મિક ટુરિઝમ જોયું, અસંખ્ય રાજકીય હત્યા છતાં લિબરલ-સેક્યુલર મૌન જોયું અને એ બધા વચ્ચે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલાને કારણે સીઆરપીએફના 40 જવાનોની શહીદી જોઈ. એ ઘટનાએ દેશને તાબડતોબ બે ભાગમાં વહેંચી દીધો. એક બાલીશ ટોળકીએ એવો પ્રચાર શરૂ કરી દીધો કે આ તો ચૂંટણી જીતવા માટેનું કાવતરું છે. તો બીજું જૂથ રાષ્ટ્રવાદની ભાવના સાથે લાલચોળ થઈ ગયું અને આતંકી હુમલાનો બદલો લેવાની માગણી ઊઠી.
પ્રજાના અંતરની વાત સમજવામાં નરેન્દ્ર મોદીનો કોઈ જોટો નથી એ વાત હવે કદાચ તેમના કટ્ટર વિરોધીઓ પણ સ્વીકારતા થયા હશે એવું માની લઉં છું. અને જો નહીં સ્વીકારે તો એવા લોકોથી વધારે કમનસીબ બીજા કોઈ નહીં હોય એ પણ એટલું જ સાચું છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર હુમલો થયો (14 ફેબ્રુઆરી, 2019. ગુરુવાર) તેના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપતી વખતે જે સંબોધન કર્યું હતું ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે આ વખતે મોદી સરકાર પાકિસ્તાનને પાઠ ભણાવ્યા વિના નહીં રહે. એ ઘટનાના 12 દિવસ પછી જે કંઈ થયું એ ઇતિહાસ છે અને આખી દુનિયા જાણે છે.

--- 29 સપ્ટેમ્બર, 2016 - 26 ફેબ્રુઆરી, 2019 તથા 1 માર્ચ, 2019

આ બધી એ તારીખો છે જેના ઉપર રાષ્ટ્રવાદીઓ ગર્વ કરે છે અને લિબરલ સેક્યુલર પ્રજાતિ નિસાસા નાખે છે. પણ સંસદીય ચૂંટણીના પરિણામ માટે આ ત્રણે તારીખ નિર્ણાયક બની હતી. ઉરીમાં ભારતીય લશ્કરની છાવણી ઉપર સપ્ટેમ્બર 2016માં આતંકી હુમલો થયો તેના 11મા દિવસે 29 સપ્ટેમ્બરે ભારતીય લશ્કરે અંકુશ રેખાની પાર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પહોંચીને ત્યાં આતંકીઓના લૉન્ચ પૅડ ફૂંકી માર્યા અને કેટલાય આતંકીઓને જન્નતમાં પહોંચાડી દીધા. દેશને ચાહતા તમામ નાગરિકોની છાતી એ દિવસે ગજ ગજ ફૂલી ગઈ હતી. ત્યારપછી ના-પાક આતંકીઓએ 2019ના ફેબ્રુઆરીમાં સીઆરપીએફના કાફલા ઉપર ઘાતક હુમલો કર્યો. દેશના નિર્ણાયક નેતૃત્વે આ વખતે આતંકિસ્તાનને એવો પાઠ ભણાવવાનું નક્કી કર્યું કે એ લાંબા સમય સુધી ભારતમાં હુમલા કરવાની ખો ભૂલી જાય. દુનિયાના સૌથી સબળ દેશો જ જે કરી શકે એવું કામ ભારતે અને ભારતીય લશ્કરે કર્યું. પાકિસ્તાનની અંદર કાર્યરત આતંકીઓના અડ્ડા ઉપર ઍરસ્ટ્રાઇક કરી દીધી. ઍરસ્ટ્રાઇકના બે દિવસ પછી પાકિસ્તાની હવાઈદળે ભારતમાં લશ્કરી મથકો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને હાંકી કાઢવા ભારતના વીર જવાનોએ પીછો કર્યો અને અતિ આધુનિક ગણાતું એફ-16 યુદ્ધ વિમાન તોડી પણ પાડ્યું. જોકે એ દરમિયાન ભારતીય જવાન વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં પટકાયા અને તેમને ત્યાંથી માત્ર ત્રણ જ દિવસમાં સહી-સલામત પરત લાવવામાં મોદી સરકારે જે કોઈ નીતિ-રીતિ અપનાવી તેનાથી પણ આ દેશનો સામાન્ય નાગરિક પ્રભાવિત થયો હતો.
આ તમામ ઘટનાઓ એવી હતી જેણે દેશના નાગરિકોને એક પ્રકારે ગૌરવનો અનુભવ કરાવ્યો હતો. છેલ્લા સાત દાયકાથી વારંવાર પાકિસ્તાનીઓની ના-પાક હરકતોને કારણે આતંકી હુમલા અને સતત યુદ્ધની ભયથી ત્રસ્ત નાગરિકો 2014 પછી સલામતી અનુભવી રહ્યા હતા એટલું જ નહીં પરંતુ દેશને એ વાતની ખાતરી પણ થવા લાગી કે હવે જો પાકિસ્તાનીઓ કે તેના પિઠ્ઠુ આતંકીઓ ભારતમાં કશું પણ નુકસાન કરશે તો મોદી સરકાર એ લોકોને પાઠ ભણાવી દેશે.
કોઇપણ દેશનો સરેરાશ નાગરિક કદી હિંસા કે વેરઝેરમાં માનતો હોતો નથી. તેના માટે શાંતિથી જીવવું અને પરિવારનું પાલન-પોષણ કરવું એ જ અગત્યનું હોય છે. પણ કોઈ ચોક્કસ કારણોસર સતત હિંસા કે અશાંતિનો ભય રહેતો હોય અથવા પડોશી દેશ તરફથી અશાંતિ સર્જાવાનું જોખમ રહ્યા કરતું હોય ત્યારે એ સરેરાશ નાગરિક હતાશ થઈ જાય. તેને તેના દેશની સરકાર અને સલામતી દળો સામે શંકા થવા લાગે. 70 વર્ષ સુધી અનેક પેઢીએ આવી સ્થિતિ જોયા પછી એકાએક સરકાર અને સલામતી દળો અગાઉના એ જ દુશ્મનો સામે આક્રમક વલણ અપનાવે અને એવા દુશ્મનોને મળતી તમામ પ્રકારની ગુપ્ત અને છૂપી સહાયના રસ્તા બંધ કરી દે તો એ દુશ્મનો પાંગળા બની જાય અને સરેરાશ સામાન્ય નાગરિકને શાંતિનો અનુભવ થાય.
ભારતમાં એ થયું. એક વિશાળ વર્ગ તરીકે, આ દેશના મૂળભૂત નાગરિકો તરીકે સ્વતંત્રતા પહેલાંની કેટલીક સદી અને સ્વતંત્રતા પછી પણ સતત અપમાન અને ભય હેઠળ જીવનાર પ્રજાને પોતાપણાનો અનુભવ થાય અને તેને રાષ્ટ્રવાદ તરીકે ઓળખાવવામાં આવે તો તેને અપરાધ કેવી રીતે ગણાવી શકાય? રાષ્ટ્રવાદની લાગણીને અપરાધ ગણાવનારા તત્વોને શું ખબર નથી કે 1857નો બળવો રાષ્ટ્રવાદ હતો? શું એ તત્વોને ખબર નથી કે સ્વતંત્રતાના સંઘર્ષમાં જોડાયેલા તમામ અગ્રણીઓ તેમજ નાગરિકો રાષ્ટ્રવાદથી પ્રેરાયેલા હતા? લિબરલ-સેક્યુલર ઝંડાધારીઓને શું ખબર નથી કે 1942માં અંગ્રેજોને ભારત છોડોનું આહવાન કરવામાં આવ્યું તેની પાછળ રાષ્ટ્રવાદ જ હતો? સવાલ એ છે કે, કોઈ દેશની નિર્ણાયક સરકાર દેશના દુશ્મનો સામે આકરા પગલાં લે એ રાષ્ટ્રવાદી મુદ્દો નથી શું?
અને આ તમામ સવાલને અંતે સમગ્ર મુદ્દો ત્યાં જ આવીને ઊભો રહે છે કે, દેશના નાગરિકોને સલામતી અને શાંતિનો અનુભવ કરાવી શકે તેવી સરકાર ફરીથી રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર ચૂંટણી જીતે તો એમાં ખોટું શું છે? હકીકત તો એ છે કે રાષ્ટ્રવાદને અપરાધ માનનારા તત્વો પોતે અપરાધીના પીંજરામાં આવી જાય છે કેમ કે રાષ્ટ્રવાદમાં કોઈ જાતિ-ધર્મ-સમુદાયના ભેદભાવ હોતા જ નથી. અને તેનાથી વિરુદ્ધ રાષ્ટ્રવાદને ખરાબ ગણાવનાર તત્વોના મનમાં જાતિ-ધર્મ-સમુદાયના વાડા હોય છે અને એટલે જ તેઓ સમગ્ર પ્રજાને એક સૂત્રમાં સંગઠિત થવા દેતા નથી. સાચી વાત તો એ છે કે જે રાજકીય પક્ષો હાલ ચૂંટણીમાં રાષ્ટ્રવાદના મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે, એ જ પક્ષો શક્ય છે કે આગામી ચૂંટણીમાં પોતે જ રાષ્ટ્રવાદી હોવાનો પ્રચાર કરશે, એટલું જ નહીં પરંતુ ભાજપ તેમજ નરેન્દ્ર મોદી કરતાં પણ પોતે વધારે રાષ્ટ્રવાદી છે એવું પુરવાર કરવા કથિત સેક્યુલર પક્ષોમાં સ્પર્ધા થશે...એ દિવસો પણ દૂર નથી!

Sunday, August 11, 2019

કોંગ્રેસ તારું રાજકારણ મંજૂર છે, પણ દેશ વિરોધી એજન્ડા તો નહીં જ ચલાવીએ

--- કોંગ્રેસ એટલું યાદ રાખે કે ભારતની પ્રજાએ એ પક્ષને હાંસિયામાં ધકેલી દીધો છે તેનું કારણ કોંગ્રેસના પાકિસ્તાન-તરફી એજન્ડા સામેનો આક્રોશ છે


--- અલકેશ પટેલ

રાજકારણ એની જગ્યા છે અને એ બાબતે કદી કોઇને વાંધો હોતો નથી, હોવો જોઇએ પણ નહીં. છેવટે લોકશાહી શાસન વ્યવસ્થામાં રાજકીય ગણતરીઓ અને કાવાદાવ જ તમારું વર્તમાન અને ભવિષ્ય નક્કી કરતા હોય છે...પરંતુ એ રાજકીય ગણતરી અને સોગઠાંબાજીની રમતમાં તમે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની અદ્રશ્ય લક્ષ્મણરેખા ઓળંગીને કોઈ ચોક્કસ એજન્ડામાં આગળ વધી જાવ ત્યારે સમજદાર પ્રજા તમને જાકારો આપી દે છે. કોંગ્રેસની સાથે હાલ એ જ થઈ રહ્યું છે. 

જેહાદી માનસિકતા ધરાવતા "ડાબેરી તત્વો"ની અસર હેઠળ જ કોંગ્રેસ આજે કલમ-370ના મુદ્દે પાકિસ્તાનીઓની ભાષામાં વાત કરે છે. ડાબેરી જેહાદી તત્વોથી ઘેરાયેલા કોંગ્રેસ પક્ષના હૈયામાં જો ખરેખર જમ્મુ-કાશ્મીરનું હિત વસતું હોત તો તેણે 1964માં જ કલમ-370 નાબૂદ કરી દેવી જોઇતી હતી. જમ્મુ-કાશ્મીરની પ્રજાને બાકીના દેશથી અલગ પાડી દેતી એ કલમ વિરોધી પ્રસ્તાવ ઉપર 1964માં પણ સંસદમાં ચર્ચા થઈ હતી...જો એ વખતે આ વિભાજનકારી કલમ નાબૂદ કરી દીધી હોત તો આટલાં વર્ષોમાં શેષ ભારતની સાથે જમ્મુ-કાશ્મીર એકરસ થઈ ગયું હોત અને ત્યાં પાકિસ્તાની આતંકીઓને પગપેસારો કરવાની તક મળી ન હોત. છતાં ડાબેરી જેહાદીઓની અસર હેઠળ કોંગ્રેસે તૃષ્ટિકરણને માથે ચડાવ્યું હતું અને રાષ્ટ્રપ્રેમને હાંસિયામાં ધકેલી દીધો હતો.

આ જ ડાબેરી જેહાદી માનસિકતાની અસર હેઠળ કોંગ્રેસે કદી સમાન નાગરિક કાયદો (કૉમન સિવિલ કોડ) લાવવાનો પ્રયાસ ન કર્યો. પરિણામે દેશની પ્રજા સતત ધાર્મિક આધાર ઉપર વહેંચાયેલી રહી.

આ જ ડાબેરી જેહાદી માનસિકતાની અસર હેઠળ ટૂંકી દ્રષ્ટિના કોંગ્રેસી નેતાઓને વસ્તી વિસ્ફોટની સમસ્યા વિકરાળ બનશે એ ખબર જ ન પડી અને વસ્તી નિયંત્રણનો કડક કાયદો ન બનાવ્યો, પરિણામે ભારત આજે જનસંખ્યાથી રીતસર ખદબદી રહ્યો છે.

ડાબેરી જેહાદીઓની અસર હેઠળ જ કોંગ્રેસે ધર્માંતરના મુદ્દે પણ કદી કોઈ અસરકારક પગલાં લીધા જ નહીં, પરિણામે આજે દેશના ઓછામાં ઓછા આઠથી નવ (8 થી 9) રાજ્યોમાં ભારતનો મૂળ નાગરિક જય શ્રી રામ પણ બોલી શકતો નથી.

કોંગ્રેસને રાષ્ટ્રવાદ શા માટે પસંદ નથી એ સમજવું અઘરું નથી. કોંગ્રેસની તૃષ્ટિકરણ તેમજ દુશ્મન દેશોને ખુશ કરે એવી નીતિ માટે જવાબદાર છે કોંગ્રેસની અંદર રહેલા ડાબેરી તત્વો. આ ડાબેરી તત્વોની સૌથી મોટી મર્યાદા એ હોય છે કે એ જ્યાં જન્મ્યા અને મોટા થયા હોય ત્યાંની ધર્મ-સંસ્કૃતિ એમને પસંદ નથી હોતી. આ ડાબેરી તત્વોને હંમેશાં બીજા ધર્મ અને સંસ્કૃતિ જ સારા દેખાય છે. પરિણામે આ ડાબેરી તત્વો "માનસિક-વૈચારિક ધોરણે શિથિલ ચારિત્ર્ય"ના હોય છે. વ્યક્તિગત જીવનમાં ઉમદા હોઈ શકે, હશે જ - પણ એમની વૈચારિક શિથિલતા સમાજજીવનને ખતમ કરનારી હોય છે.

ડાબેરી વિચારધારાનો આ સડો કોંગ્રેસમાં પહેલેથી જ પેસી ગયેલો છે. આ જ કારણે કોંગ્રેસે કદી રાષ્ટ્રવાદી નેતાઓને લાંબા સમય સુધી પક્ષનું અને દેશનું નેતૃત્વ સોંપ્યું જ નહીં. જિનેટિકલી પરિણામ એ આવ્યું કે કોંગ્રેસી રાજકારણીઓ માત્ર એવું જ માનતા થઈ ગયા કે એક પરિવાર સિવાય આપણા પક્ષનો કોઈ ઉદ્ધાર છે જ નહીં! એટલે જ હરીફરીને છેવટે 10 જનપથમાં આળોટવાની ફરીથી વ્યવસ્થા કરી દીધી.

ડાબેરી વિચારધારા તમને રાષ્ટ્રપ્રેમથી દૂર લઈ જાય છે. ડાબેરી વિચારધારાનો પાયો ભાગલાવાદ અને ભાંગફોડ છે. ડાબેરી વિચારધારા મહેનત અને પ્રામાણિકતાને ધિક્કારે છે. મહેનત અને પ્રામાણિકતાથી સુખી અને ધનિક થનાર, મહેનત અને પ્રામાણિકતાથી ધર્મ અને અધ્યાત્મના ઊંચા શિખરે પહોંચનાર તમામ લોકો માનવજાતના દુશ્મન છે એવું ડાબેરીઓ સામાન્ય પ્રજામાં ઠસાવતા રહે છે. હકારાત્મક અભિગમ દ્વારા સામાન્ય પ્રજાની મહેનત અને પ્રામાણિકતાને સેલિબ્રેટ કરવાને બદલે, તેને પ્રોત્સાહિત કરવાને બદલે એ પ્રજાને સુખી અને ધનિક થયેલા લોકો વિરુદ્ધ ભડકાવવા એ ડાબેરી એજન્ડા હોય છે - દુનિયાભરમાં. 

ભારતમાં ડાબેરીઓએ એ કામ કોંગ્રેસ મારફત કરાવ્યું. કોંગ્રેસે એક પારકા ધર્મ અને પારકી વિચારધારાવાળા લોકોને ખુશ રાખીને મત મેળવવા પોતાના જ લોકોને લાતો મારી મારીને દૂર કરી દીધા. આજે જવાબદારીપૂર્વક કહેવા માગું છું કે ડાબેરી વિચારધારા એક પ્રકારે જેહાદી જ છે. જેહાદીઓની જેમ જ ડાબેરીઓનો આશય પણ માત્ર હિંસાના જોરે વિસ્તારવાદનો જ હોય છે. જેહાદીઓ પણ ડાબેરીઓના વેશમાં જ તમારી આસપાસ બેઠેલા હોય છે.

ભારતના કમનસીબે કોંગ્રેસ પક્ષ આ બધાનો ભોગ બન્યો છે. આ બધાની નાગચૂડમાં ફસાઈ ગયો છે. ડાબેરી જેહાદીઓની અસર હેઠળ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રનું અને સાથે સાથે રાષ્ટ્રવાદીઓનું સતત અપમાન કરી રહ્યો છે. 
370મી કલમ નાબૂદ થાય એમાં રાષ્ટ્રનું હિત છે. 
કૉમન સિવિલ કોડ બને એમાં રાષ્ટ્રનું હિત છે. 
વસ્તી નિયંત્રણ કાયદો બને એમાં રાષ્ટ્રનું હિત છે. 
ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને હાંકી કાઢવા માટે પગલાં લેવાય એમાં રાષ્ટ્રનું હિત છે. 

રાષ્ટ્રહિતના આ બધા પગલાંમાં જો કોંગ્રેસ પક્ષ દેશની સાથે અને પ્રજાની સાથે ન હોય તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે કોંગ્રેસ પક્ષનો એજન્ડા દેશ વિરોધી છે. કોંગ્રેસ અને ડાબેરીઓ અને જેહાદીઓ એમ માનતા હોય કે પ્રજાને ગેરમાર્ગે દોરીને એ લોકો ગમેત્યારે ફરીથી સત્તા હાંસલ કરી લેશે... તો મને લાગે છે કે કોંગ્રેસ અંધારામાં છે...રાષ્ટ્રીય "સન્માન" અને "સ્વમાન"ના મીઠાં ફળ ચાખી ચૂકેલો સરેરાશ ભારતીય નાગરિક હવે ડાબેરી-જેહાદી-કોંગ્રેસી કાવતરાંમાં ફસાય એ શક્ય લાગતું નથી.#અલકેશ.