Thursday, February 22, 2018

પીએનબી-નીરવ મોદી કાંડઃ સવાલ સિસ્ટમમાં રહેલી “નબળી કડીઓ”નો છે



(ગુજરાતી સામયિક અભિયાનના 3 માર્ચ, 2018ના અંકમાં પ્રકાશિત મારો લેખ)
પીએનબી-નીરવ મોદી કાંડઃ
સવાલ સિસ્ટમમાં રહેલી નબળી કડીઓનો છે

--- અલકેશ પટેલ
       
આપણે સૌ નીરવ મોદી છીએ. આપણે સૌ મેહુલ ચોક્સી છીએ. આપણે સૌ વિજય માલ્યા છીએ. આપણે સૌ હર્ષદ મહેતા છીએ... તફાવત માત્ર એટલો છે કે આ લોકોને સિસ્ટમનાં છીંડાં શોધવાની અને તેનો દૂરુપયોગ કરવાની તક મળી એટલે મધ્યમવર્ગીય શબ્દોમાં એ લોકોને જલસા પડી ગયા અને આપણને આવી કોઈ તક નથી મળતી એટલે આપણે મધ્યમવર્ગે ભોગવવું પડે છે..!’ બોલો, આમાં એકપણ શબ્દ ખોટો હોય તો પાછો આપો. નથી જ, કેમકે તક મળ્યે ભ્રષ્ટાચાર કરી લેવો, તક મળ્યે થોડું સેરવી લેવું, તક મળ્યે મફતનું મેળવવા પ્રયત્ન કરવો – એ સરેરાશ ભારતીયનું મૂળભૂત ડીએનએ (DNA) છે અને તેથી વિરૂદ્ધ તક ન મળે તો આવું બધું થતું હોય ત્યાં ચૂપ રહેવું, તક ન મળે તો આ બધું થતું હોય એ જોઈને અંદર-અંદર કાનાફૂસી કરવી, તક ન મળે તો પોતે અન્યાયનો ભોગ બન્યા છે એવી કાગારોળ કરવી.
ભારતની મધ્યવર્ગીય માનસિક્તા ઉપર આ આઘાત એટલા માટે કરું છું કે આ બધા કૌભાંડ, આ બધો ભ્રષ્ટાચાર, આ બધી અવ્યવસ્થા ક્યારેક આપણામાંથી જ અથવા આપણી આસપાસ જન્મ્યા છે. શાસક અને વિપક્ષના રાજકારણીઓ આપણને એવી ગોળી પીવડાવવા મથે છે કે અમે તો ચોખ્ખા છીએ, જે કંઈ ખોટું છે એ સામેવાળા પક્ષને કારણે છે. મીડિયા અને બુદ્ધિજીવીઓ આપણને એવું સમજાવવા માગે છે કે બધી સમસ્યાઓ માત્ર રાજકારણને લીધે જ છે..! સાચી વાત એ છે કે માણસને પોતાની મુશ્કેલીઓ, પોતાની હાડમારીઓ માટે બીજા ઉપર દોષારોપણ કરવાનું ગમે છે, કેમકે એવું કરવાથી પોતાની જવાબદારીમાંથી છટકવાની તક મળે છે. વાસ્તવમાં જવાબદારીમાંથી છટકવાનું આ એક એવું વિષચક્ર છે જેને કારણે સાત દાયકા વિતવા છતાં આપણે હજુ વિકસિત દેશની નહીં પરંતુ વિકાસશીલ દેશની યાદીમાં આવીએ છીએ.

--- પીએનબી કૌભાંડ અને મોદી-ચોક્સીઃ
ખેર, તો હવે મૂળ મુદ્દાની વાત કરીએ. પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 11,000 કરોડ કરતાં વધુની ઠગાઈએ એકાએક માત્ર દેશના અર્થતંત્રને જ નહીં પરંતુ દેશના રાજકારણને અને સાથે પ્રજાના વિશ્વાસને પણ હચમચાવી નાખ્યો છે. હજુ થોડા દિવસ પહેલાં સુધી દેશના હુઝ હુ માં જેમની ગણતરી થતી હતી તે, હજુ થોડા દિવસ પહેલાં સુધી જેમની બ્રાન્ડનાં ઘરેણાં પહેરવામાં દેશ-વિદેશના સેલિબ્રિટી ગૌરવ અનુભવતા હતા એ નીરવ મોદી આજે એકાએક લાપતા છે. જેમની સાથે ફોટા પડાવવામાં લોકો ગૌરવ અનુભવતા હતા એ વ્યક્તિએ આજે મોં છૂપાવવું પડે છે. જેના નામના સિક્કા પડતા હતા, એ સિક્કો ખોટો નીકળ્યો એવી લાગણી સૌને થઈ રહી છે. નીરવ મોદી કાંડની પાછળ પાછળ રોટોમેક કંપની (સુવિખ્યાત બોલપેન બ્રાન્ડ વાળી કંપની)એ લીધેલી રૂ. 3000 કરોડની લોનનો મામલો પણ બહાર આવી રહ્યો છે.
આ કેસમાં મુખ્ચ ચાર પક્ષકાર પૈકી ત્રણ પક્ષકાર – સરકાર, વિપક્ષ અને મીડિયા પોતપોતાની થીયરી સાથે કૂદી પડ્યા છે. ચોથો પક્ષકાર એટલે મોદી-ચોક્સી પોતે. તેમણે હજુ સુધી (18 ફેબ્રુઆરી સુધી) કશું કહ્યું નથી. અને અસરગ્રસ્ત પક્ષકાર પંજાબ નેશનલ બેંક પોતે છે. સરકાર મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સામે આંગળી ચીંધે છે. એ માટે સરકાર એ તથ્યોનો આધાર લે છે કે આ કથિત કૌભાંડની શરૂઆત 2011માં થઈ હતી અને ત્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર હતી. સરકારના સમર્થનમાં મંત્રીઓ તેમજ અમુક મીડિયા હાઉસ નીરવ મોદી સાથેના કેટલાક કોંગ્રેસી નેતાઓના સંપર્કો, નીરવ મોદીને ત્યાંથી કોંગ્રેસના નેતાઓના પરિવરજનોએ ખરીદેલી જ્વેલરીનો હવાલો આપે છે. કેટલાક તો વળી આગળ વધીને રાહુલ ગાંધી – નીરવ મોદી વચ્ચે થયેલી મુલાકાતના બીજા દિવસે પીએનબીએ પાસ કરેલી લોનનો હવાલો આપે છે. સરકારનું એવું પણ કહેવું છે કે નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કંપનીઓને આઉટ ઑફ ધ વે જઈને લોન આપવામાં આવી રહી હતી ત્યારે કેટલાક લોકોએ ચેતવણી ઉચ્ચારી હતી તેમ છતાં તે સમયની યુપીએ સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ દિનેશ દુબે નામના એક પત્રકાર, જેમને યુપીએ દ્વારા અલ્હાબાદ બેંકમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમણે ચોક્સીની કંપની ગીતાંજલિને આપવામાં આવતી લોન સામે વાંધો ઉઠાવ્યો હતો અને તે અંગે નાણાં મંત્રાલય અને આરબીઆઈને ઈમેલ પણ કર્યો હતો તેમ છતાં પગલાં લેવાયા નહોતા. આ બાબતો તે સમયની કોંગ્રેસની સરકારની સંડોવણી સાબિત કરે છે તેવું હાલની એનડીએ સરકારનું કહેવું છે.
તો સામે હતાશ કોંગ્રેસ બમણા જોરે કૂદે છે. તે એનડીએ સરકાર સામે સવાલો ઉઠાવે છે. કોંગ્રેસનું કહેવું છે કે આ મામલો 2015માં સામે આવ્યો હતો અને આરબીઆઈને જાણ કરવામાં આવી હતી તેમ છતાં સરકારે બે વર્ષ સુધી કેમ કશું કર્યું નહીં અને કૌભાંડની રકમ વધવા દીધી અને છેવટે મોદીને દેશમાંથી ભાગી જવા દીધા..? સરકારના કેસને એ વાતે પણ ધક્કો લાગ્યો છે કે હજુ ગયા મહિને જ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં મળેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની શિખર બેઠકમાં દેશ-દુનિયાના ટોચના ઉદ્યોગ સાહસિકોની સાથે નીરવ મોદી પણ હાજર હતા, એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન મોદીના એક ગ્રુપ ફોટોમાં નીરવ મોદી પણ દેખાય છે. કોંગ્રેસે તો વળી આગળ વધીને ત્યાં સુધી કહી દીધું કે આ કૌભાંડ નોટબંધીને કારણે થયું છે..! મોદી સરકારના પોતાના કોઈ કૌભાંડ પકડી નહીં શકનાર કોંગ્રેસે લલિત મોદી, વિજય માલ્યાના નામો ઉછાળીને પણ ફાગણની હોળી પ્રગટે એ પહેલાં રાજકીય હોળી સળગાવવાના તમામ પ્રયાસ કર્યા છે. એટલે સુધી કે કોંગ્રેસે તો હવે પાંચ માર્ચે ફરી શરૂ થનારા સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં દેશમાં બેંકિંગ કૌભાંડો અને બેંકોની હાલત અંગે શ્વેતપત્ર (વ્હાઈટ પેપર) જારી કરવાની પણ માગ કરી દીધી છે.
હવે અહીં એક અત્યંત અગત્યનો પ્રામાણિક્તાનો મુદ્દો આવે છે. સરકાર, વિપક્ષ તેમજ મીડિયા દ્વારા જે જે વ્યક્તિઓ તરફ, નેતાઓ તરફ ઈશારો કરવામાં આવે છે તેમને પક્ષમાંથી તત્કાળ દૂર કરીને દાખલો બેસાડવામાં શા માટે નથી આવતો..? અર્થાત ઉપર જે દિનેશ દુબેની વાત કરી તેમણે, તેમજ કેટલાક મીડિયા હાઉસ દ્વારા પી. ચિદમ્બરમ્ અને અભિષેક મનુ સિંઘવી જેવા નેતાઓ તરફ ઈશારો કરવામાં આવ્યો છે. હવે જો કોંગ્રેસ ખરેખર નિષ્પાપ હોય, જો તેના આ નેતાઓ ખરેખર નિર્દોષ હોય તો પછી એક વખત તેમને પક્ષમાંથી દૂર કરીને સાચી દિશાની તપાસ માટેનો માર્ગ મોકળો શા માટે કરવામાં નથી આવતો..? પરંતુ લાગે છે કે આવું કશું નહીં થાય... કેમકે પ્રામાણિક્તા સાબિત કરવાની પહેલ કરે કોણ..? અહીં એક વાસ્તવિક્તાની નોંધ લેવી જોઈએ કે યુપીએના શાસન દરમિયાન કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરતા રહેલા, અથવા કહો કે કોંગ્રેસના શાસન દરમિયાન કાયદા અને નિયમોની છટકબારીઓનો દૂરુપયોગ કરતા રહેલા નીરવ મોદી છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની નજરમાં ચડી ગયા છે. નીરવ મોદીએ પૂછપરછ માટે ઈડીની ઑફિસમાં હાજરી આપવી પડી છે એટલું જ નહીં પરંતુ પોતે કરેલા ગોટાળાની સજા રૂપે દંડ પણ ભરવો પડ્યો છે.

--- દિનેશ દુબેનો પડકાર અને તપાસ એજન્સીઓની અગ્નિપરીક્ષાઃ
રૂ. 11,000 કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ જાહેર થયા પછી એક નામ એકાએક ચમક્યું છે – એ છે દિનેશ દુબે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી યુપીએ સરકારમાં નાણાંપ્રધાન હતા ત્યારે તેમણે 2012માં દિનેશ દુબેની નિમણૂક અલ્હાબાદ બેંકમાં ડિરેક્ટર તરીકે કરી હતી. પછી તો મુખરજી રાષ્ટ્રપતિ બની ગયા અને તેમના સ્થાને પી. ચિદમ્બરમ્ નાણાંપ્રધાન બન્યા. વડોદરામાં રહેતા પત્રકાર દિનેશ દુબેનું કહેવું છે કે ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક થયા પછી અલ્હાબાદ બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મીટિંગમાં પોતે જ્યારે જ્યારે હાજરી આપવા જતા ત્યારે ઘણી બધી કંપનીઓની લોન પાસ કરવાની દરખાસ્ત અમારી સામે આવતી. દુબેના દાવા મુજબ મોટાભાગના ડિરેક્ટર સીએમડીની દરખાસ્તમાં હા-જી-હા કરીને પાસ કરી દેતા, પરંતુ ગીતાંજલિ (મેહુલ ચોક્સીની કંપની) તેમજ ગુજરાતની અન્ય એક કંપની (જેની સાથે કોંગ્રેસના એક સર્વોચ્ચ નેતા સંકળાયેલા હોવાના અહેવાલ બે મહિનાથી પ્રકાશમાં આવ્યા છે) અંગેની દરખાસ્તોમાં મને વાંધાજનક જણાતું તેથી હું વિરોધ કરતો. બહુમતીની સામે મારો વિરોધ ચાલે નહીં એટલે છેવટે હું મારી અસંમતિ નોંધ મૂકવા સીએમડીને વિનંતી કરતો. મારી નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવેલી હોવાથી આ અંગે સરકારને જાણ કરવાનું મને જરૂરી લાગ્યું, તેથી મેં તે સમયના નાણાં મંત્રાલયના મુખ્ય સચિવ ઉપરાંત આરબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટરને ઈમેલ કરીને આ બાબતે જાણ કરી દીધી હતી. દુબેનું કહેવું છે કે તેમણે આવા ઈમેલ બે વખત કર્યા તેમ છતાં 2012-2013માં નાણાં મંત્રાલય કે આરબીઆઈ – એકપણ જગ્યાએથી જવાબ મળ્યો નહોત. ઉલટાનું બન્યું એવું કે દુબેને હેરાન કરવાનું શરૂ કરવામાં આવ્યું અને તેમને 2013માં જ ડિરેક્ટરપદેથી રાજીનામું આપવા ફરજ પાડવામાં આવી.
2012-2013માં કોની સરકાર હતી અને આરબીઆઈના ગવર્નર કોણ હતા તેની કોઈ સ્પષ્ટતા કરવાની અહીં કોઈ જરૂર છે ખરી..?
દુબે ઉપરાંત બીજા બે સાક્ષીઓ પણ સામે આવ્યા છે, જેમનો દાવો છે કે મોદી-ચોક્સની કંપનીઓ અંગે તેમણે ચેતવણી ઉચ્ચારી હતી, પરંતુ જે તે સમયે તેની બધા દ્વારા ઉપેક્ષા કરવામાં આવી હતી. આવા એક સાક્ષીનો દાવો છે કે તેમણે 2012માં આરટીઆઈ કરીને માહિતી મેળવી હતી અને ત્યારે લાગતા-વળગતા બધાને આ કૌભાંડ અંગે સાવચેત કરવાનો પ્રયાસ કર્યો હતો. એ જ રીતે અન્ય એક સાક્ષીનો દાવો છે કે તેમણે 2016માં નોટબંધી પછી મોદી-ચોક્સીની કંપનીઓમાં રાતોરાત સોના-ઝવેરાતના થયેલા જંગી વેચાણ અંગે સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું હતું, પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

--- હવે શું..?
ચર્ચા અને ચિંતા એ બાબતની થવી જોઈએ કે આવા કૌભાંડ થાય છે કેવી રીતે..? સમગ્ર બેંકિંગ વ્યવસ્થાની અંદર ક્યાંક તો એવા લોકો હશે જ ને જે કાયદા અને નિયમોમાં રહેલાં છીંડા જાણતા હશે..? સિસ્ટમમાં એવા લોકો જરૂર હશે જ, જે એ છીંડાનો દૂરુપયોગ નાના પાયે શરૂ કરતા હશે અને ઑડિટમાં પકડાય નહીં ત્યારે અથવા પકડાય તો એ ઑડિટ કરનારને પણ તેમાં સામેલ કરીને આગળ વધતા હશે અને પછી મોટું કૌભાંડ આચરતા હશે..!
કૉમનસેન્સની વાત એ છે કે કાયદા તો બધા બનેલા જ છે. પેટા કાયદા પણ છે. નિયમો છે અને પેટા નિયમો પણ છે. તો પછી તેમાંથી છટકબારી શોધનારને દોષિત ગણવા કે પછી એ છટકબારી શોધનારને પકડી નહીં શકનાર અથવા પકડવા નહીં માગનાર ઑડિટરને..? સવાલ એ છે કે નાની નાની કંપનીઓમાં પણ નાણાંકીય વ્યવહારોના જો ઑડિટ થતા હોય અને ગેરરીતિ પકડાઈ જતી હોય તો આવી મોટી રાષ્ટ્રીયકૃત બેંકોના ઑડિટર ગેરરીતિ પકડી શકતા નહીં હોય..? શું એ ઑડિટરોને રાજકારણીઓનો ડર હશે કે પછી તેમની પોતાની કોઈ મિલીભગત હશે..? ક્યાંક અહીં આસપાસ જ નબળી કડીઓ રહેલી છે, જેના વિના સિસ્ટમના ડેમમાં તિરાડ પડે નહીં અને હજારો કરોડો રૂપિયા માલ્યા- મોદી -ચોક્સીના નાળાઓમાં વહી જઈ શકે નહીં. એટલું જ નહીં પરંતુ તપાસ એજન્સીઓની સિસ્ટમના ડેમમાં પણ તિરાડો હશે જ, કેમકે તેના વિના તો આ લોકોને સંભવિત પગલાંની જાણ થાય કેવી રીતે..! અને એટલે જ તો ભાગી છૂટ્યા હોય ને..!
આ મુદ્દો સમજવા માટે બેંકના તે સમયના નાયબ મેનેજર ગોકુલનાથ શેટ્ટીનાં કરતૂતો પકડાય જ નહીં એવું કેવી રીતે બની શકે..? આ સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંકનો અહેવાલ ધ્યાનમાં લેવો જોઈએ. આ અહેવાલ અનુસાર 2015થી 2017 વચ્ચે બેંકોના 5000 કરતાં વધુ કર્મચારીઓની ગેરરીતિ પકડી પાડવામાં આવી છે. આ બાબત શું સાબિત કરે છે..! એ જ કે સિસ્ટમની અંદર રહેલા કૌભાંડીઓની મદદ વિના કોઈ નીરવ મોદી કે ચોક્સી કે માલ્યા સફળ થઈ શકે નહીં.
કોંગ્રેસ પક્ષ હાલ અતિશય આક્રમક થઈને બેંકિંગ સેક્ટર, બેંકિંગ કૌભાંડ તેમજ એનપીએ અંગે મોદી સરકારને સવાલો કરે છે. કોંગ્રેસે રવિવારે તો બેંકિંગ સેક્ટર સામે સવાલ ઉઠાવીને શ્વેતપત્ર જારી કરવાની માગણી પણ કરી દીધી. તો પછી મુદ્દો એ છે કે હર્ષદ મહેતા કૌભાંડ, સત્યમ કાંડ (રામલિંગા રાજુ), સહકારી બેંક કૌભાંડ, કેતન પારેખ કાંડ... આ બધું થયું એ શું હતું..? કાયદા તો ત્યારે પણ હતા. છીંડા શોધનારા અને તેનો દૂરુપયોગ કરનારા ત્યારે પણ હતા. એ દૂરુપયોગને નહીં રોકનારા ઑડિટર ત્યારે પણ હતા..! સવાલ તો એ છે કે કોંગ્રેસ હાલ જે કક્ષાએ ચિંતા વ્યક્ત કરે છે એટલી ચિંતા થોડાં વર્ષ પહેલાં કરી હોત તો કૌભાંડની શક્યતા રહેત ખરી..? સામે મોદી સરકારનો દાવો છે કે નોટબંધી પછી હજારો બેનામી કંપનીઓ તેમજ કરોડોના બેનામી નાણાંકીય વ્યવહાર ધ્યાનમાં આવ્યા છે. અહીં એક બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે, 8મી ફેબ્રુઆરીએ લોકસભામાં વક્તવ્ય દરમિયાન વડાપ્રધાન મોદીએ બેંકોની એનપીએ-ના મુદ્દે યુપીએ શાસનની હકીકત જાહેર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસે એનપીએ 32 ટકા હોવાનું જાહેર કર્યું હતું, પરંતુ વાસ્તવમાં એનપીએ-નો આંકડો 82 ટકા જેટલો હતો. હકીકતે દેશમાં જ્યારે પણ કોઈ કૌભાંડ થાય ત્યારે તેમાં એ હદે રાજકારણ પ્રવેશી જાય છે કે મૂળ મુદ્દો બાજુ પર રહી જાય છે. એવું જ અત્યારે થઈ રહ્યું છે. આ આખો કેસ હાલ ગોળ-ગોળ ફરે છે. દરેક પક્ષ અને રાજકારણીઓ અત્યારે એવું સાબિત કરવામાં પડ્યા છે કે પોતાને નિરજ મોદી સાથે કોઈ લેવાદેવા નથી, પણ સામેના પક્ષને તેની સાથે સાંઠગાંઠ છે.
હકીકત તો એ છે કે, કૌભાંડ ક્યારે થયું, કોણ જવાબદાર એવી બધી ચર્ચા કરવાને બદલે હવે એ જાહેર થઈ જ છે ત્યારે એ વાતની ચર્ચા થવી જોઈએ કે ગયેલા નાણાં કેવી રીતે રિકવર થશે..? ભાગેડુ મોદીને પરત કેવી રીતે લાવવામાં આવશે..? શું નાણાં વસુલ કરવા નીરવ મોદીની મિલકતની પાઈએ પાઈ જપ્ત કરાશે..?
છેવટે આ મુદ્દો કોઈ એક રાજકીય પક્ષનો નથી. બેંકિંગ સિસ્ટમનો છે. એ બેંકિંગ સિસ્ટમમાં જે તે રાજકીય પક્ષના કે પછી એ પક્ષના ટેકેદારોના જ નાણાં નથી હોતા, પણ દરેકની મહેનતનાં નાણાં હોય છે. અને તેથી જેમ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈ રાજકીય કે વિચારધારાના મતભેદ ન હોવા જોઈએ એવી જ રીતે આવા જંગી નાણાકીય કૌભાંડ સમયે પણ રાજકીય મતભેદો અને વિચારધારાઓ બાજુ પર મૂકીને મૂળ શોધવાની કવાયતમાં લાગીશું તો શક્ય છે વહેલી તકે ઉગરી જઈએ. આવી સામૂહિક કવાયત એ માટે પણ જરૂરી છે જેથી તેને કારણે છીંડાબાજો અને તેમને છાવરનારા ઑડિટરોને ઓળખી શકાય.
બાકી તો શરૂઆતમાં કહ્યું તેમ, આખું વિષચક્ર ફરીને આપણા ઉપર આવે છે. આપણે સરકાર અને વહીવટીતંત્ર ઉપર જવાબદારી ઢોળીએ છીએ. સરકાર વિપક્ષો ઉપર જવાબદારી ઢોળે છે. મીડિયા અને બુદ્ધિજીવીઓ સરકાર ઉપર જવાબદારી ઢોળે છે. વહીવટીતંત્ર રાજકારણીઓ ઉપર જવાબદારી ઢોળે છે. પણ બધા એ મુદ્દો ચૂકી જવા સભાનપણે પ્રયાસ કરે છે કે વહીવટીતંત્ર અને રાજકારણીઓ આપણામાંથી જ પસંદ થઈને ગયા છે. એ રાજકારણીઓમાંથી બનેલી સરકારમાં આપણે ચૂંટેલા માણસો જ છે. તો પછી જવાબદાર કોણ ગણાય..? અગાઉ કહ્યું તેમ, એ નબળી કડીઓ આપણે પોતે જ છીએ, અથવા આપણી આસપાસના લોકો જ છે. એ નબળી કડી બેંકની બ્રાન્ચમાં હોઈ શકે. એ નબળી કડી હેડ ઑફિસમાં હોઈ શકે. એ નબળી કડી ઑડિટ ટીમમાં હોઈ શકે. ચતુર કરો વિચાર.
(ગુજરાતી સામયિક અભિયાનના 3 માર્ચ, 2018ના અંકમાં પ્રકાશિત મારો લેખ)


Friday, February 16, 2018

મજબૂત સેનાપતિના નબળા સાથીદારો



#PNBfraud

મજબૂત સેનાપતિના નબળા સાથીદારો

--- અલકેશ પટેલ

1.    મોદી ચાર વર્ષથી સત્તામાં છે તો કૌભાંડીઓને હજુ સુધી જેલમાં કેમ નથી પૂર્યા..?
2.   મોદી પાસે બહુમતી છે તો કૌભાંડીઓ સામે પગલાં કેમ નથી લેવાતાં..?
3.   મોદી વિરોધીઓને શા માટે મુક્ત રીતે ફરવા દે છે..?
4.   આવી રીતે ઉદાર રહેવાથી 2019ની ચૂંટણી નહીં જીતાય...
5.   વિકાસની વાતો કરવાથી 2019ની ચૂંટણી નહીં જીતાય...
6.   તમારા મંત્રીમંડળના સાથીદારો જ તમને ડૂબાડશે, તમને કંઈ ખબર પડે છે કે નહીં..?
---- બ્લા બ્લા બ્લા બ્લા બ્લા............................................


ફરી એક વખત નરેન્દ્ર મોદી ઉપર હુમલા શરૂ થઈ ગયા છે. ફરી એક વખત નરેન્દ્ર મોદીના નજીકના સાથીદારો ઉપર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના શાસન વખતે થયેલા કૌભાંડ માટે ફરી એક વખત નરેન્દ્ર મોદી સામે આંગળીઓ ચીંધવામાં આવી રહી છે અને એવા સમયે નરેન્દ્ર મોદીના ચાહકોએ તેમના ઉપર વિશ્વાસ રાખીને તેમને મજબૂત સમર્થન આપવાને બદલે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે... આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે...

આપણા દેશ માટે એક એવી છાપ છે કે અહીં દરેક ત્રીજી વ્યક્તિ ફિલોસોફર છે, જ્ઞાની છે. આવા ફિલોસોફર-જ્ઞાની લોકોને બધી જ ખબર હોય છે. તેનું કારણ એ છે કે આ બધા જ અનેક વર્ષ સુધી વડાપ્રધાન, નાણાંપ્રધાન, સંરક્ષણપ્રધાન, ગૃહપ્રધાન, વિદેશપ્રધાન... વગેરે હોદ્દા ઉપર રહી ચૂક્યા હોય છે. અને ત્યાંથી ફ્રી થયા એટલે અહીં એફબી ઉપર આવ્યા હોય છે અને પછી મોદી-જેટલી-રાજનાથસિંહ... તમામને સલાહ આપે, તમામને કોડીના કરી નાખીને અપમાનિત કરે – એફબી કે વૉટ્સએપ ઉપર હોં...

ખેર, સોશિલય મીડિયાના આ ફિલોસોફર-જ્ઞાનીઓને તો કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ બાકીના જે ડાહ્યા-સમજદાર લોકો છે તેમનું ધ્યાન વડાપ્રધાન મોદીના આજના (16-02-18, શુક્રવાર) વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપ તરફ દોરવા માગું છું.

આ વાર્તાલાપ દરમિયાન વડાપ્રધાને બે અગત્યની વાત કરી (1) કોઈની સાથે સ્પર્ધા કરતા હોવ તો તેના મેદાનમાં જઈને લડવાનું ટાળો, પણ એ સ્પર્ધકને કે દુશ્મને તમારા મેદાનમાં આવવા માટે ફરજ પાડો અને એવું કરશો તો તમે જીતી શકશો. અને (2) ઈમોશનલ (ઈ-ક્યુ) નું મહત્ત્વ સમજો.

ઈ-ક્યુની વાત તો ફરી ક્યારેક કરીશું, પરંતુ પહેલો મુદ્દો – સ્પર્ધક કે દુશ્મને તમારા મેદાનમાં આવવા માટે ફરજ પાડો.. – જો આ વાત સમજાઈ હોય તો રાષ્ટ્રવાદી ચાહકોને હવે નરેન્દ્ર મોદી વિશે શંકા રાખવાની જરૂર નથી.

આજની વાતનું હેડિંગ મેં રાખ્યું છે, મજબૂત સેનાપતિના નબળા સાથીદારો... – આનો અર્થ એ છે કે સેનાપતિ પોતે મજબૂત છે, એ જાણે છે કે પોતે કયા દુશ્મનો સાથે લડે છે. એ સેનાપતિને તેની પોતાની યુદ્ધકળા ઉપર પૂરો આત્મવિશ્વાસ છે. દુશ્મનોને એ પોતાના મેદાનમાં ખેંચી લાવવા મજબૂર કરે છે... પરંતુ અફસોસ એ છે કે તેમના સાથીદારો એટલે કે દેશવાસીઓને એ સેનાપતિની કુશળતા-ક્ષમતા ઉપર વિશ્વાસ નથી. જરાક કોઈ ઘટના બને છે અને આ રાષ્ટ્રવાદી ચાહક દેશવાસીઓનો વિશ્વાસ ડગી જાય છે અને નરેન્દ્ર મોદીને કોસવા બેસી જાય છે.

અરે દોસ્તો, લાલગેંગ (કોંગી-ડાબેરીઓ-જેએનયુના પરચુરણ સહિત બધા) તો મોદીને પાડવા માગે જ છે, પણ તમે શા માટે વિશ્વાસ નથી રાખી શકતા મોદીની ક્ષમતા ઉપર..?  #AP/16/2/18

Wednesday, February 14, 2018

હું, રતનિયો અને સરકાર



#BlameOnGovernment-1
હું, રતનિયો અને સરકાર
--- અલકેશ પટેલ

હેડિંગમાં મુખ્ય ત્રણ પાત્ર છે – હું, રતનિયો અને સરકાર. ઘણા લોકો જાણતા હશે મૂળભૂત રીતે હું, તું અને રતનિયો – નામનું નાટક છે. તેના પરથી અહીં મેં હું, રતનિયો અને સરકાર કર્યું છે.

અહીં હું એટલે દેશના તમામ સામાન્ય નાગરિકો. રતનિયો એટલે મીડિયામાં બેઠેલા એવા લોકો જે લાલગેંગના એજન્ડા સાથે કામ કરે છે. અને સરકાર એટલે મોદી સરકાર... કેમકે હું અને રતનિયાને આજ સુધી આ દેશમાં બીજી કોઈ સરકારો હતી કે નહીં એની ખબર નથી... બસ મોદી સરકાર આવી ત્યારથી હું તેમજ રતનિયાઓને દેશમાં ગરીબી, બેકારી, ગંદકી, ત્રાસવાદ – બધું દેખાવા લાગ્યું છે... એક રીતે આ ઘણી સારી વાત છે કે આ બધું દેખાવા લાગ્યું છે... પણ આજની ચર્ચાનો મુદ્દો અલગ છે.

કેટલાક મિત્રો, કેટલાક સામાન્ય નાગરિકો તેમજ લાલગેંગનો એજન્ડા લઈને બેઠેલા કહેવાતા પત્રકારો છેલ્લા ઘણા વખતથી દેશની દરેક નાની-મોટી સમસ્યા માટે, ભારે વરસાદ જેવી કુદરતી આફતો માટે, મંદિર કે રેલવે સ્ટેશને થતી ધક્કામુક્કી અને તેને કારણે થતાં મૃત્યુ અંગે, કમોસમી વરસાદ અને ખેડૂતોની સ્થિતિ, પાણીની અછત અને બસની ગંદકી... આ બધા માટે નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીને જવાબદાર ઠેરવે છે..! એમાંય વળી લાલગેંગના ચપડગંજુઓ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ને પણ વચ્ચે લઈ આવે છે.

આ મિત્રો ઉપરાંત હું અને રતનિયાઓને આજે એટલો જ પ્રશ્ન પૂછવા માગું છું કે –
આપણે જવાબદાર નાગરિક ક્યારે બનીશું..? જો બસની સફાઈ જેવી બાબતે પણ આપણે નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીને જવાબદાર ઠેરવીશું તો પછી વહીવટીતંત્ર શું કરશે..?
અતિવૃષ્ટિ થાય અને મુંબઈ-દિલ્હી જેવાં શહેરોમાં થોડા કલાક માટે પાણી ભરાઈ જાય તો એમાં નરેન્દ્ર મોદીનો શો વાંક..?
મુંબઈના કોઈ રેલવે સ્ટેશને લોકોની ભીડ અચાનક વધી જાય અને કોઈ તોફાની વ્યક્તિ અફવા ફેલાવીને લોકોને ગભરાવે અને તેને કારણે નાસભાગ થાય તેમાં લોકો મૃત્યુ પામે એમાં નરેન્દ્ર મોદી અને રેલવેપ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કેવી રીતે વાંકમાં આવે..?
નાગરિક તરીકે આપણે પોતે ક્યારે અને કેટલા જવાબદાર બનીશું..?
વહીવટીતંત્રના અધિકારીઓની કોઈ જવાબદારી ખરી કે નહીં..?
આવા અધિકારીઓને ઉચ્ચ હોદ્દા આપવામાં આવેલા છે અને એ માટે તગડા પગાર ચૂકવવામાં આવે છે... તો પછી ફરજ બજાવવામાં એ નિષ્ફળ જાય તો પણ સરકારનો વાંક..?

--- સાચી વાત એ છે કે વ્યક્તિગત રીતે પ્રામાણિક્તા, નિષ્ઠા સાવ તળિયે બેઠેલી છે. જે લોકોને એસટી બસોના સંચાલન અને જાળવણીનું કામ સોંપવામાં આવ્યું છે તેમને હોદ્દો આપવામાં આવ્યો છે અને એ માટે વેતન પણ ચૂકવવામાં આવે છે... પણ એ અધિકારીઓ ફરજ બજાવતા નથી. અહીં એસટી બસનો કિસ્સો એક માત્ર નમૂનાના ઉદાહરણ તરીકે લેવો... એ જ સ્થિતિ તમામ સરકારી વિભાગોની છે... પણ આ અપ્રમાણિક, ભ્રષ્ટ, સ્વાર્થી અધિકારીઓ દેશનું નુકસાન કરતા હોય તો એના માટે સીધેસીધા નરેન્દ્ર મોદી કે વિજય રૂપાણી જવાબદાર ન ગણી શકાય...

છતાં એ લોકોને જવાબદાર ઠેરવવા હોય તો સૌથી પહેલા તો એ સવાલ થવો જોઈએ કે શું આપણે જે તે અપ્રમાણિક અધિકારી, ભ્રષ્ટ અધિકારી, નિયમિતતા નહીં જાળવતા અધિકારી કે વિભાગો વિરૂદ્ધ સરકારમાં વિધિસર ફરિયાદ કરી છે ખરી..? જો આવી ફરિયાદો કરી હોય અને સરકાર કોઈ પગલાં ન લે તો સોશિયલ મીડિયા ઉપર મોદી-રૂપાણી વિરુદ્ધ લખીને વાહવાહ મેળવવામાં કોઈ વાંધો નથી... પણ પહેલાં અરીસામાં તો જૂઓ... તમે દેશ માટે શું કર્યું..? ક્યાંક કશું ખોટું થાય છે તો યોગ્ય રસ્તે, યોગ્ય રીતે, યોગ્ય સ્તરે રજૂઆત કરી છે ખરી..?

મૂળ મુદ્દો એ છે કે જો દરેક વાતની જવાબદારી નરેન્દ્ર મોદી – વિજય રૂપાણીની જ હોય તો પછી વહીવટીતંત્ર, અન્ય સરકારી વિભાગો, પોલીસતંત્ર... એ બધાની જરૂર જ ક્યાં છે..? કેમ ખરું ને વ્હાલા..? #AP/14/2/18