Showing posts with label RBI. Show all posts
Showing posts with label RBI. Show all posts

Friday, September 21, 2018

શું ભારતીય રૂપિયાની ‘ચાલ-ચલગત’ ખરેખર બગડી છે?



--- એક સમયે રૂપિયાના મૂલ્યમાં થતી વધ-ઘટ માત્ર સરકાર-રિઝર્વ બેંક અને વેપારજગતનો મુદ્દો હતો એ આજે સાર્વજનિક મુદ્દો બની ગયો છે. રાજકીય મંચથી માંડીને સોશિયલ મીડિયા સુધી બધે જ લોકો રૂપિયાના ઘસારા અંગે પોતપોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. તો હકીકત શું છે?

--- અલકેશ પટેલ
       
અમેરિકી ડૉલરની સામે ભારતીય રૂપિયો ગગડી ગયો. ડૉલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ. ડૉલર સામે ભારતીય રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ. – આવી બધી હેડલાઇન આજકાલ સામાન્ય થઈ ગઈ છે. અમેરિકન ડૉલર સામે જ નહીં પરંતુ દુનિયાના વિવિધ ચલણની સરખામણીમાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં વધ-ઘટ થવાની પ્રક્રિયા કંઈ આજકાલની નથી અને ભવિષ્યમાં બંધ પણ થવાની નથી. પરંતુ હવે ભારતમાં તેના વિશે મોટાભાગના લોકોને ખબર પડવા લાગી છે, અને જેમને ખબર પડવા લાગી છે એ બધા ચિંતિત પણ છે. ડૉલર અને રૂપિયાના વિનિમય દરમાં જે કંઈ ઊથલપાથલ થઈ રહી છે તેને મુદ્દો બનાવીને એક વર્ગ એવું વિકરાળ ચિત્ર તૈયાર કરવામાં વ્યસ્ત છે કે સામાન્ય માણસ તો ડરી જ જાય અને તેને એવું જ લાગવા માંડે કે દેશમાં હવે બધું રસાતાળ જશે. આ સિવાય બીજો વર્ગ બે ભાગમાં વહેંચાયેલો છે – એક ભાગ આશાવાદી છે. તેને એમ લાગે છે કે રૂપિયાનું થોડું અવમૂલ્યન થાય તેમાં વાંધો નથી, ભારતને ફાયદો જ છે. તો બીજો ભાગ ચેતવણી આપીને સાવધાન રહેવા સલાહ આપે છે.
સરકારે અને વહીવટીતંત્રે આ બીજા વર્ગના બીજા ભાગની વાત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. બલ્કે એમની જ વાત કાન ધરીને સાંભળવી જોઈએ અને આંખો ખોલી નાખવી જોઈએ. એવું થઈ પણ રહ્યું છે. સરકાર અને તેના આર્થિક સલાહકારો પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને એટલે જ તો ભારતીય રૂપિયાનું વધુ પતન અટકાવવા માટે 15 સપ્ટેમ્બરને શનિવારે પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. (1) બિનજરૂરી આયાતની ચીજવસ્તુઓ હોય તેમાં ઘટાડો કરવામાં આવશે અને નિકાસ વધારવા માટે પગલાં લેવામાં આવશે. (2) ઉત્પાદન કંપનીઓ હવે એક્સટર્નલ કોમર્સિયલ બોરોઇંગ (ઇસીબી) રૂટ મારફત 50 મિલિયન ડૉલર સુધીની રકમ ત્રણ વર્ષના બદલે એક વર્ષની રેસિડ્યુઅલ મૅચ્યોરિટી સાથે મેળવી શકશે. (3) એક્સટર્નલ કોમર્સિયલ બોરોઇંગ રૂટ મારફત ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન માટેની ફરજિયાત હેજિંગ શરતોની સમીક્ષા કરવામાં આવશે. (4) મસાલા બૉન્ડ પરનો ટૅક્સ સ્થગિત કરવામાંથી મુક્તિ તથા ભારતીય બેંકોને મસાલા બૉન્ડમાં માર્કેટ મેકર બનવાની પરવાનગી આપવામાં આવશે. (5) કોઈ એક કૉર્પોરેટ ગ્રુપના ડેટ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવા ઉપર 20 ટકા એક્સપોઝરની મર્યાદા હટાવી લેવામાં આવશે જેથી વિદેશી રોકાણકારો કૉર્પોરેટ બૉન્ડમાં વધુ રોકાણ કરી શકશે.
આ પગલાં જાહેર થયા પછી અર્થતંત્રના નિષ્ણાતોએ ભારતીય રૂપિયાના વધુ પતનને કાબુમાં લેવા સરકારે લીધેલાં પગલાંને આવકાર્યા છે, સાથે સાવધાની રાખવાની સલાહ પણ આપી છે.
તેમછતાં આ બધા વચ્ચે સામાન્ય માણસને તો તેના મનમાં ઉદ્દભવતા એ પ્રશ્નનો જવાબ નથી મળતો કે રૂપિયો આટલો બધો ગગડે છે શા માટે? સામાન્ય માણસ હજુ એ વાત સમજી નથી શકતો કે લોકોના કહેવા પ્રમાણે સરકાર સાચી દિશામાં હોય તો પછી પેટ્રોલ-ડીઝલના ભાવ માત્ર ટૉપ ગિયરમાં કેમ આગળ વધી રહ્યા છે? પેટ્રોલ-ડીઝલના ભાવનો રિવર્સ ગિયર ક્યાં ગાયબ થઈ ગયો છે?
આ આખી વાત સમજવા ઘણી લાંબી ચર્ચા કરવી પડે. અને એ ચર્ચા માત્ર ભારતીય રૂપિયો અને અમેરિકન ડૉલર પૂરતી સીમિત ન રહેતાં દુનિયાના તમામ મુખ્ય ચલણની ચાલ-ચલગત જોવી પડે. આંતરરાષ્ટ્રીય વેપારની સ્થિતિ શું છે તેની પણ વાત કરવી પડે. ચીન અને તુર્કી પોતપોતાનું અર્થતંત્ર બચાવવા કેવાં પગલાં લઈ રહ્યા છે અને તેની આપણા ઉપર શી અસર પડી રહી છે એ પણ જાણવું પડે. ટૂંકમાં પાયાની વાત એ છે કે ભારતીય રૂપિયામાં જોવા મળતી કોઇપણ વધ-ઘટ અનેક પરિબળો ઉપર આધારિત છે. હા, છતાં એ પણ એટલું જ સાચું છે કે ભારત સરકારનું કામ તેની નીતિ અને પગલાં દ્વારા આ વધ-ઘટની માઠી અસરોમાંથી દેશના સામાન્ય નાગરિકોને બચાવવાનું હોય છે.
સરકારનો પક્ષ લેનારા લોકોની દલીલ એવી છે કે, ડૉલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, પણ ભારતીય રૂપિયો સૌથી કમજોર નથી થઈ ગયો. જો 5 વર્ષનો ડેટા તપાસવામાં આવે તો જાણી શકાય છે કે રૂપિયો બીજાં ચલણો સામે મજબૂત થયો છે. જો કે બીજા ચલણ કરતા ડૉલરનો પ્રભાવ વધુ છે. કેમકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વેપાર ડૉલરથી જ થાય છે. આ કારણે પણ ડૉલર વધુ મજબૂત થયો છે. અમેરિકાના ઘરેલુ કારણોને કારણે બીજા ચલણ કરતા ડૉલરમાં મજબુતાઈ આવી છે. કરન્સીની સપ્લાયમાં અછત અને વધતી ડિમાન્ડના કારણે ડૉલર મજબૂત થયો છે. અમેરિકી કેન્દ્રીય બેન્કે વ્યાજદરોમાં વૃદ્ધિ કરી અને યુરોપિયન કેન્દ્રીય બેન્કે ઘટાડો કર્યો છે. મતલબ કે ડૉલર ડિપોઝિટ પર યૂરોની સામે વધારે રિટર્ન મળશે. આ જ કારણે ડૉલરની ડિમાન્ડ વધી છે. અમેરિકી ડૉલર દુનિયાની સૌથી મહત્વપૂર્ણ ચલણમાંનુ એક છે. આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે તેનો ઉપયોગ વધુ થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની ભૂમિકાને જોતા મોટા ભાગના દેશો પોતાનો વિદેશી મુદ્રા ભંડારમાં ડૉલર રાખે છે, આ જ કારણે ડૉલરનો વિનિમય દર વધે છે. 2013થી 2018ના આંકડાઓની સરખામણી કરવામાં આવે તો ભારતીય રૂપિયો ઓસ્ટ્રેલિયન ડૉલર, કેનેડિયન ડૉલર, મલેશિયાના રિગ્ગિત, બ્રિટિશ પાઉંડ-સ્ટર્લિંગ તેમજ યૂરો, ચીનના યુઆન કરતાં વધુ મજબૂત છે. પરંતુ અમેરિકી ડૉલર ઉપરાંત સિંગાપોર ડૉલર અને સ્વિસ ફ્રેન્કની સામે રૂપિયો સામાન્ય ઘટ્યો છે. અમેરિકી ડૉલર દુનિયાના બીજા ચલણ કરતા મજબૂત થયો છે.
આમછતાં વાસ્તવિકતા તો એ જ છે કે ડૉલર સામે રૂપિયામાં ફ્રી ફૉલની સ્થિતિ છે. રોજ ભારતીય કરન્સી નવી નીચી સપાટીએ સ્પર્શવા દોડી રહી છે. આ દોડમાં છેલ્લા 10 વર્ષનું બીજું સૌથી મોટું ધોવાણ 14 ટકાનું વર્ષના પ્રાંરભથી અત્યાર સુધી (કેલેન્ડર વર્ષ 2018)માં થઈ ચૂક્યું છે. અગાઉ 2011માં ડૉલર સામે રૂપિયો એક જે કેલેન્ડર વર્ષમાં 15.4 ટકા ઘટ્યો હતો. છેલ્લા દસ વર્ષમાં સામાન્ય રીતે ડૉલર સામે રૂપિયો 3-4 ટકાની વધઘટમાં જોવાયો હતો પણ આ વર્ષે ક્રૂડના વધતા ભાવ, ટ્રેડ વૉરની સાથે સાથે કરન્સી વૉરની સ્થિતિ અને ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટ (કેડ) છેલ્લા ચાર વર્ષની સૌથી ઊંચી સપાટી 2.5 ટકાના સ્તરે પહોંચવાના અંદાજે રૂપિયો ધરાશાયી થઈ ગયો છે. 2017માં ડૉલર સામે રૂપિયામાં એક વર્ષમાં 6.8 ટકાની જોવાયેલી રિકવરીથી બમણો 2018માં ક્રેશ થયો છે.
 સોમવારે રૂપિયો એક તબક્કે અમેરિકન ડૉલર સામે 72.68ની સૌથી નીચલા સ્તરે ગબડ્યો ત્યારે કેલેન્ડર વર્ષમાં 14 ટકાનો ઘટાડો સૂચવતો હતો. રૂપિયો આગામી દિવસમાં જો 73.50ના સ્તર સુધી ગબડશે તો 2011માં એક જ વર્ષમાં જોવાયેલા 15.4 ટકાના ધોવાણનો રેકોર્ડ તૂટી શકે છે. બીજી તરફ અમેરિકાએ ચીન પર વધુ 200 અબજ ડૉલરની ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને તેનો જવાબમાં ચીને પણ વળતા પગલાં લેવાની ચિમકી આપતાં કરન્સી પણ દબાણ વધ્યું છે જેની અસર ભારતીય રૂપિયા પર આવી છે.
સાચી વાત એ છે કે, આર્જેન્ટીના, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા ઇમર્જિંગ માર્કેટની કરન્સીના મૂલ્યમાં ઘટાડો થતાં તેની અવળી અસર થઈ છે. ડૉલરના સપ્લાય ચેઇનમાં પુરવઠો ખૂટી જેવા સ્થિતિ જોવા મળે છે. ડૉલર સામે રૂપિયો 69ની નીચે ગબડ્યો ત્યારે નિકાસકારોએ તેમની પોઝિશન હેજ કરી હતી અને આયાતકારો એમ કરવાથી દૂર હતા. હવે આયાતકારો તરફથી ડિમાન્ડ નીકળી છે અને નિકાસકારો હેજિંગ પોઝિશન સુલટાવતા હોવાની સ્થિતિ છે. આમ ડૉલરની માગમાં થયેલી વૃધ્ધિ રૂપિયાના ઘટાડા પાછળનું કારણ રહ્યું છે. વિશ્વના માર્કેટમાં કરન્સી મૂલ્યમાં સતત ઘટાડો જોવાઈ રહ્યો છે. ફ્રી ફ્લોટિંગ કરન્સી પૉલિસી અપનાવ્યા પછી પણ તેમના આવતાં ફેરફારની નેગેટિવ અસર જોવાઈ રહી છે. નવા ઘટાડામાં કઝાકિસ્તાનના ટેંજમાં 20 ટકાથી વધુનું ગાબડું પડયું છે.
એ જ રીતે વિયતનામે તેની કરન્સીનું અવમૂલ્યન કર્યું હતું. રશિયાના રૂબલની કિંમત 2013 પછીના સમયગાળાના પ્રમાણમાં અડધી થઈ ગઈ છે. એવું લાગે છે કે આયાત ઘટાડવા અને નિકાસ વધારવાની હોડમાં દરેક દેશ તેની કરન્સીનું ડીવેલ્યુએશન કરી રહ્યા છે. કરન્સીના ડીવેલ્યુ કરવાની શરૂઆત ચીને કરી હતી.
આ સંજોગોમાં સવાલ એ થાય કે એક તરફ સરકાર મજબૂત લાગતી હોવા છતાં ભારતીય ચલણનું આ રીતે પતન યોગ્ય ગણાય ખરું? આ સ્થિતિના નિયમન અને નિયંત્રણ માટે તો ભારતીય રિઝર્વ બેંક છે. ભારતીય રૂપિયાના મૂલ્યનું નિર્ધારણ સરકારની નીતિ ઉપર આધારિત છે. એ માટે આયાતની સામે નિકાસમાં વધારો કરવો પડે અને જો એ ન થાય તો આયાત અને નિકાસ વચ્ચેનો જે ગૅપ રહી જાય તે પુરવા માટે કૅપિટલ ઇનફ્લો માટે નક્કર પગલાં લેવા પડે. હકીકત એ છે કે છેક 1970ના દાયકાથી ચીને તેની નીતિમાં પરિવર્તન કરીને નિકાસને પ્રચંડ પ્રોત્સાહન આપ્યું પરંતુ તેની સામે તે સમયની ભારત સરકારોએ એ દિશામાં ખાસ ધ્યાન આપ્યું નહીં. આ સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે ભારતીય ઉત્પાદકો પણ નબળા જ રહ્યા કે તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષામાં ટકી શકે તેવાં ગુણવત્તાસભર ઉત્પાદન બનાવ્યા જ નહીં, જેને પરિણામે પણ આપણે નિકાસની ખોટ સહન કરવાનો વારો આવ્યો અને એ સ્થિતિમાંથી આપણે હજુ પણ બહાર નીકળી શક્યા નથી.
અહીં એક રસપ્રદ વાત જાણી લઈએ. હજુ થોડા સમય પહેલાં જ એક અખબારે રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું હોવાને કારણે એક સરવે કર્યો હતો. રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓને આવરી લેતા આ સર્વેક્ષણમાં આશ્ચર્યજનક રીતે રૂપિયો ચાલુ વર્ષે 70 રૂપિયાની સાયકોલોજિકલ બેરિયર તોડીને 72 સુધી ગબડવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ તો જો કે આખા વર્ષ માટે ચલણની સરેરાશ 69.72 રહેવાનો અંદાજ છે, જે ઓગસ્ટ 2013ની સૌથી નીચી સપાટી 68.85 કરતાં નીચે છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના ફોરેક્સ હેડ એમ.એસ. ગોપીક્રિષ્ણે આ બાબતે એવુ્ં કહ્યું હતું કે ચાલુ વર્ષની શરૂઆતથી જ ક્રૂડ અને કોમોડિટીના નીચા ભાવને કારણે ઓછું જોખમ લેવાનું વલણ જોવા મળ્યું હતું, તેના પરિણામે આ અસર થઈ શકે છે. એ સર્વેક્ષણમાં તેમણે કહ્યું હતું કે સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચાવલી શરૂ કરાવાને પગલે ઊભરતાં બજારોના ઇક્વિટી અને ડેટ ફંડ્સમાંથી ભંડોળ પાછું ખેંચવામાં આવી રહ્યું છે. આ સરવેમાં ભાગ લેનારા 15માંથી 50 ટકા કરતાં વધુએ રૂપિયો 70 કે એથી વધુ ખરાબ સ્થિતિએ પહોંચવાની આગાહી કરી હતી જે હાલ સાચી પડી રહી છે. ગયા વર્ષે ચીન દ્વારા તેના ચલણ યુઆનના અચાનક અવમૂલ્યનને કારણે ઊભરતાં બજારોના ચલણ તૂટ્યા તે સમયે રૂપિયો સૌથી મજબૂત રહ્યો હતો. હાલના સમયે પણ ઊભરતાં બજારોમાં ભારત વિદેશી રોકાણકારોનું પસંદગીનું સ્થળ છે પરંતુ સીએલએસએ અને મોર્ગન સ્ટેન્લી જેવા બ્રોકિંગ હાઉસને અમેરિકા ફરી મંદીની પકડમાં આવે તેવી આશંકા છે તેથી તેમના દ્વારા વિદેશી રોકાણ પાછું ખેંચવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. વિદેશી ફંડ્સ દ્વારા 2016ના વર્ષે 17મી ફેબ્રુઆરી સુધી ભારતીય શેરબજારમાં 1.96 અબજ ડૉલરની ચોખ્ખી વેચાવલી કરી છે, ગયા વર્ષે મતલબ કે 2015માં આ ગાળામાં તેમના દ્વારા 7.21 અબજ ડૉલરની ખરીદી કરવામાં આવી હતી. ગોપીક્રિષ્ણને કહ્યું હતું કે ચાલુ વર્ષે વેપાર-ખાધ ઓછી રહેવાનો અંદાજ હોવા છતાં વિદેશી રોકાણપ્રવાહ નેગેટિવ રહે તેવી ધારણા છે અને આ બાબત સીધી રીતે રૂપિયાને પ્રતિકૂળ અસર કરશે.
હાલની જે સ્થિતિ છે તેમાં સરકાર સામે અન્ય એક ઉકેલ કે ઉપાત આયાતો ઘટાડવાનો છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ ઉપાય આવકારદાયક નથી – સલાહભર્યો પણ નથી. આવો ઉપાય વિચારવાનો અર્થ એ થાય કે નબળા અને તંદુરસ્ત બાળક વચ્ચેનો તફાવત ઓછો કરવા તંદુરસ્ત બાળકને નબળો બનાવવા મથામણ કરવી! તેથી આવો કોઈ ઉપાય શક્ય પણ નથી અને વ્યવહારુ પણ નથી. કદાચ એટલે જ ગત શનિવારે જે પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે આગળ જતાં ભારતીય રૂપિયાને થોડોઘણો સ્થિર કરી શકશે.
કદાચ આ જ વાતનો પડઘો પાડતાં આર્થિક નિષ્ણાત પ્રો. ચરણસિંહે 17 સપ્ટેમ્બરને સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, આયાત અને નિકાસ વચ્ચેનો જે તફાવત છે તેમાં સંતુલન માટે રૂપિયાનું આવા ડેપ્રિશિયેશનથી ફાયદો થશે. જોકે તેમણે એવો ભય વ્યક્ત કર્યો કે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે જે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે તે ઇન્વેસ્ટમૅન્ટ વૉરમાં બદલાઈ જાય તો ઘણું મોટું નુકસાન થઈ શકે. આપણી આયાતોમાં સૌથી મોટો હિસ્સો કાચા તેલનો હોવાથી હાલની સ્થિતિમાં કોઈ નાટ્યાત્મક સુધારાની સંભાવના નથી તેમ જણાવી તેમણે આશા વ્યક્ત કરી હતી કે જાહેર પરિવહનનો વ્યાપ વધે તો ઑઇલની આયાત ઓછી થાય અને એ દ્વારા આપણું આયાત બિલ ઘટી શકે. પ્રોફેસર ચરણસિંહની વાત તો સાચી છે અને સરકાર તેમજ આર્થિક નિષ્ણાતો પણ આ વાત જાણે છે પરંતુ આ ઘણો લાંબાગાળાનો ઉપાય છે એ પણ વાસ્તવિકતા છે.
આ સાથે પ્રારંભમાં કહ્યું તેમ બિનજરૂરી હોય એવી ચીજો જેમ કે, સોનું, ડ્રાયફ્રુટ, વિદેશી શરાબ સહિત કેટલીક ચીજો જે હાલ મોટા પ્રમાણમાં આયાત થાય છે તેમાં ઘટાડો કરીને પણ આપણા આયાત બિલને નીચું લાવી શકાય અને તો જ છેવટે એક પ્રકારનું સંતુલન ઊભું થાય અને રૂપિયો ગબડતો બચે. પણ જો હકીકતને ધ્યાનમાં લઈએ તો આપણે કે પછી કોઈ એક દેશ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સ્થિતિ ઉપર નિયંત્રણ કરી શકતા નથી. જે કોઈ ઉપાય હોય તે જે તે દેશે પોતાના હિતમાં લેવો પડે. જેમ કે FIIO ના ડીજી અજય સહાય કહે છે તેમ સરકાર જો એનઆરઆઈ ડિપોઝિટ ઉપર ધ્યાન આપે તો રોકાણો વધે અને એ રીતે દેશમાં ડૉલર આવે. આ તમામ નિષ્ણાતોનો અંદાજ છે કે આ પગલાં લેવાથી ઓછામાં ઓછા 10 થી 15 અબજ ડૉલર દેશમાં આવે તો રૂપિયા ઉપરનું દબાણ હળવું થાય અને પતન ઉપર બ્રેક લાગે. બૉલ સરકારની કોર્ટમાં છે. બૉલ આરબીઆઈની કોર્ટમાં છે. સરકાર આયાત-નિકાસમાં સંતુલનનાં પગલાં લઈને અને આરબીઆઈ વ્યાજદરમાં ફેરફાર કરીને રૂપિયાના પતનનો રિવર્સ ગિયર પાછો લાવશે તેવી આશા.

Thursday, February 22, 2018

પીએનબી-નીરવ મોદી કાંડઃ સવાલ સિસ્ટમમાં રહેલી “નબળી કડીઓ”નો છે



(ગુજરાતી સામયિક અભિયાનના 3 માર્ચ, 2018ના અંકમાં પ્રકાશિત મારો લેખ)
પીએનબી-નીરવ મોદી કાંડઃ
સવાલ સિસ્ટમમાં રહેલી નબળી કડીઓનો છે

--- અલકેશ પટેલ
       
આપણે સૌ નીરવ મોદી છીએ. આપણે સૌ મેહુલ ચોક્સી છીએ. આપણે સૌ વિજય માલ્યા છીએ. આપણે સૌ હર્ષદ મહેતા છીએ... તફાવત માત્ર એટલો છે કે આ લોકોને સિસ્ટમનાં છીંડાં શોધવાની અને તેનો દૂરુપયોગ કરવાની તક મળી એટલે મધ્યમવર્ગીય શબ્દોમાં એ લોકોને જલસા પડી ગયા અને આપણને આવી કોઈ તક નથી મળતી એટલે આપણે મધ્યમવર્ગે ભોગવવું પડે છે..!’ બોલો, આમાં એકપણ શબ્દ ખોટો હોય તો પાછો આપો. નથી જ, કેમકે તક મળ્યે ભ્રષ્ટાચાર કરી લેવો, તક મળ્યે થોડું સેરવી લેવું, તક મળ્યે મફતનું મેળવવા પ્રયત્ન કરવો – એ સરેરાશ ભારતીયનું મૂળભૂત ડીએનએ (DNA) છે અને તેથી વિરૂદ્ધ તક ન મળે તો આવું બધું થતું હોય ત્યાં ચૂપ રહેવું, તક ન મળે તો આ બધું થતું હોય એ જોઈને અંદર-અંદર કાનાફૂસી કરવી, તક ન મળે તો પોતે અન્યાયનો ભોગ બન્યા છે એવી કાગારોળ કરવી.
ભારતની મધ્યવર્ગીય માનસિક્તા ઉપર આ આઘાત એટલા માટે કરું છું કે આ બધા કૌભાંડ, આ બધો ભ્રષ્ટાચાર, આ બધી અવ્યવસ્થા ક્યારેક આપણામાંથી જ અથવા આપણી આસપાસ જન્મ્યા છે. શાસક અને વિપક્ષના રાજકારણીઓ આપણને એવી ગોળી પીવડાવવા મથે છે કે અમે તો ચોખ્ખા છીએ, જે કંઈ ખોટું છે એ સામેવાળા પક્ષને કારણે છે. મીડિયા અને બુદ્ધિજીવીઓ આપણને એવું સમજાવવા માગે છે કે બધી સમસ્યાઓ માત્ર રાજકારણને લીધે જ છે..! સાચી વાત એ છે કે માણસને પોતાની મુશ્કેલીઓ, પોતાની હાડમારીઓ માટે બીજા ઉપર દોષારોપણ કરવાનું ગમે છે, કેમકે એવું કરવાથી પોતાની જવાબદારીમાંથી છટકવાની તક મળે છે. વાસ્તવમાં જવાબદારીમાંથી છટકવાનું આ એક એવું વિષચક્ર છે જેને કારણે સાત દાયકા વિતવા છતાં આપણે હજુ વિકસિત દેશની નહીં પરંતુ વિકાસશીલ દેશની યાદીમાં આવીએ છીએ.

--- પીએનબી કૌભાંડ અને મોદી-ચોક્સીઃ
ખેર, તો હવે મૂળ મુદ્દાની વાત કરીએ. પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 11,000 કરોડ કરતાં વધુની ઠગાઈએ એકાએક માત્ર દેશના અર્થતંત્રને જ નહીં પરંતુ દેશના રાજકારણને અને સાથે પ્રજાના વિશ્વાસને પણ હચમચાવી નાખ્યો છે. હજુ થોડા દિવસ પહેલાં સુધી દેશના હુઝ હુ માં જેમની ગણતરી થતી હતી તે, હજુ થોડા દિવસ પહેલાં સુધી જેમની બ્રાન્ડનાં ઘરેણાં પહેરવામાં દેશ-વિદેશના સેલિબ્રિટી ગૌરવ અનુભવતા હતા એ નીરવ મોદી આજે એકાએક લાપતા છે. જેમની સાથે ફોટા પડાવવામાં લોકો ગૌરવ અનુભવતા હતા એ વ્યક્તિએ આજે મોં છૂપાવવું પડે છે. જેના નામના સિક્કા પડતા હતા, એ સિક્કો ખોટો નીકળ્યો એવી લાગણી સૌને થઈ રહી છે. નીરવ મોદી કાંડની પાછળ પાછળ રોટોમેક કંપની (સુવિખ્યાત બોલપેન બ્રાન્ડ વાળી કંપની)એ લીધેલી રૂ. 3000 કરોડની લોનનો મામલો પણ બહાર આવી રહ્યો છે.
આ કેસમાં મુખ્ચ ચાર પક્ષકાર પૈકી ત્રણ પક્ષકાર – સરકાર, વિપક્ષ અને મીડિયા પોતપોતાની થીયરી સાથે કૂદી પડ્યા છે. ચોથો પક્ષકાર એટલે મોદી-ચોક્સી પોતે. તેમણે હજુ સુધી (18 ફેબ્રુઆરી સુધી) કશું કહ્યું નથી. અને અસરગ્રસ્ત પક્ષકાર પંજાબ નેશનલ બેંક પોતે છે. સરકાર મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સામે આંગળી ચીંધે છે. એ માટે સરકાર એ તથ્યોનો આધાર લે છે કે આ કથિત કૌભાંડની શરૂઆત 2011માં થઈ હતી અને ત્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર હતી. સરકારના સમર્થનમાં મંત્રીઓ તેમજ અમુક મીડિયા હાઉસ નીરવ મોદી સાથેના કેટલાક કોંગ્રેસી નેતાઓના સંપર્કો, નીરવ મોદીને ત્યાંથી કોંગ્રેસના નેતાઓના પરિવરજનોએ ખરીદેલી જ્વેલરીનો હવાલો આપે છે. કેટલાક તો વળી આગળ વધીને રાહુલ ગાંધી – નીરવ મોદી વચ્ચે થયેલી મુલાકાતના બીજા દિવસે પીએનબીએ પાસ કરેલી લોનનો હવાલો આપે છે. સરકારનું એવું પણ કહેવું છે કે નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કંપનીઓને આઉટ ઑફ ધ વે જઈને લોન આપવામાં આવી રહી હતી ત્યારે કેટલાક લોકોએ ચેતવણી ઉચ્ચારી હતી તેમ છતાં તે સમયની યુપીએ સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ દિનેશ દુબે નામના એક પત્રકાર, જેમને યુપીએ દ્વારા અલ્હાબાદ બેંકમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમણે ચોક્સીની કંપની ગીતાંજલિને આપવામાં આવતી લોન સામે વાંધો ઉઠાવ્યો હતો અને તે અંગે નાણાં મંત્રાલય અને આરબીઆઈને ઈમેલ પણ કર્યો હતો તેમ છતાં પગલાં લેવાયા નહોતા. આ બાબતો તે સમયની કોંગ્રેસની સરકારની સંડોવણી સાબિત કરે છે તેવું હાલની એનડીએ સરકારનું કહેવું છે.
તો સામે હતાશ કોંગ્રેસ બમણા જોરે કૂદે છે. તે એનડીએ સરકાર સામે સવાલો ઉઠાવે છે. કોંગ્રેસનું કહેવું છે કે આ મામલો 2015માં સામે આવ્યો હતો અને આરબીઆઈને જાણ કરવામાં આવી હતી તેમ છતાં સરકારે બે વર્ષ સુધી કેમ કશું કર્યું નહીં અને કૌભાંડની રકમ વધવા દીધી અને છેવટે મોદીને દેશમાંથી ભાગી જવા દીધા..? સરકારના કેસને એ વાતે પણ ધક્કો લાગ્યો છે કે હજુ ગયા મહિને જ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં મળેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની શિખર બેઠકમાં દેશ-દુનિયાના ટોચના ઉદ્યોગ સાહસિકોની સાથે નીરવ મોદી પણ હાજર હતા, એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન મોદીના એક ગ્રુપ ફોટોમાં નીરવ મોદી પણ દેખાય છે. કોંગ્રેસે તો વળી આગળ વધીને ત્યાં સુધી કહી દીધું કે આ કૌભાંડ નોટબંધીને કારણે થયું છે..! મોદી સરકારના પોતાના કોઈ કૌભાંડ પકડી નહીં શકનાર કોંગ્રેસે લલિત મોદી, વિજય માલ્યાના નામો ઉછાળીને પણ ફાગણની હોળી પ્રગટે એ પહેલાં રાજકીય હોળી સળગાવવાના તમામ પ્રયાસ કર્યા છે. એટલે સુધી કે કોંગ્રેસે તો હવે પાંચ માર્ચે ફરી શરૂ થનારા સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં દેશમાં બેંકિંગ કૌભાંડો અને બેંકોની હાલત અંગે શ્વેતપત્ર (વ્હાઈટ પેપર) જારી કરવાની પણ માગ કરી દીધી છે.
હવે અહીં એક અત્યંત અગત્યનો પ્રામાણિક્તાનો મુદ્દો આવે છે. સરકાર, વિપક્ષ તેમજ મીડિયા દ્વારા જે જે વ્યક્તિઓ તરફ, નેતાઓ તરફ ઈશારો કરવામાં આવે છે તેમને પક્ષમાંથી તત્કાળ દૂર કરીને દાખલો બેસાડવામાં શા માટે નથી આવતો..? અર્થાત ઉપર જે દિનેશ દુબેની વાત કરી તેમણે, તેમજ કેટલાક મીડિયા હાઉસ દ્વારા પી. ચિદમ્બરમ્ અને અભિષેક મનુ સિંઘવી જેવા નેતાઓ તરફ ઈશારો કરવામાં આવ્યો છે. હવે જો કોંગ્રેસ ખરેખર નિષ્પાપ હોય, જો તેના આ નેતાઓ ખરેખર નિર્દોષ હોય તો પછી એક વખત તેમને પક્ષમાંથી દૂર કરીને સાચી દિશાની તપાસ માટેનો માર્ગ મોકળો શા માટે કરવામાં નથી આવતો..? પરંતુ લાગે છે કે આવું કશું નહીં થાય... કેમકે પ્રામાણિક્તા સાબિત કરવાની પહેલ કરે કોણ..? અહીં એક વાસ્તવિક્તાની નોંધ લેવી જોઈએ કે યુપીએના શાસન દરમિયાન કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરતા રહેલા, અથવા કહો કે કોંગ્રેસના શાસન દરમિયાન કાયદા અને નિયમોની છટકબારીઓનો દૂરુપયોગ કરતા રહેલા નીરવ મોદી છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની નજરમાં ચડી ગયા છે. નીરવ મોદીએ પૂછપરછ માટે ઈડીની ઑફિસમાં હાજરી આપવી પડી છે એટલું જ નહીં પરંતુ પોતે કરેલા ગોટાળાની સજા રૂપે દંડ પણ ભરવો પડ્યો છે.

--- દિનેશ દુબેનો પડકાર અને તપાસ એજન્સીઓની અગ્નિપરીક્ષાઃ
રૂ. 11,000 કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ જાહેર થયા પછી એક નામ એકાએક ચમક્યું છે – એ છે દિનેશ દુબે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી યુપીએ સરકારમાં નાણાંપ્રધાન હતા ત્યારે તેમણે 2012માં દિનેશ દુબેની નિમણૂક અલ્હાબાદ બેંકમાં ડિરેક્ટર તરીકે કરી હતી. પછી તો મુખરજી રાષ્ટ્રપતિ બની ગયા અને તેમના સ્થાને પી. ચિદમ્બરમ્ નાણાંપ્રધાન બન્યા. વડોદરામાં રહેતા પત્રકાર દિનેશ દુબેનું કહેવું છે કે ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક થયા પછી અલ્હાબાદ બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મીટિંગમાં પોતે જ્યારે જ્યારે હાજરી આપવા જતા ત્યારે ઘણી બધી કંપનીઓની લોન પાસ કરવાની દરખાસ્ત અમારી સામે આવતી. દુબેના દાવા મુજબ મોટાભાગના ડિરેક્ટર સીએમડીની દરખાસ્તમાં હા-જી-હા કરીને પાસ કરી દેતા, પરંતુ ગીતાંજલિ (મેહુલ ચોક્સીની કંપની) તેમજ ગુજરાતની અન્ય એક કંપની (જેની સાથે કોંગ્રેસના એક સર્વોચ્ચ નેતા સંકળાયેલા હોવાના અહેવાલ બે મહિનાથી પ્રકાશમાં આવ્યા છે) અંગેની દરખાસ્તોમાં મને વાંધાજનક જણાતું તેથી હું વિરોધ કરતો. બહુમતીની સામે મારો વિરોધ ચાલે નહીં એટલે છેવટે હું મારી અસંમતિ નોંધ મૂકવા સીએમડીને વિનંતી કરતો. મારી નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવેલી હોવાથી આ અંગે સરકારને જાણ કરવાનું મને જરૂરી લાગ્યું, તેથી મેં તે સમયના નાણાં મંત્રાલયના મુખ્ય સચિવ ઉપરાંત આરબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટરને ઈમેલ કરીને આ બાબતે જાણ કરી દીધી હતી. દુબેનું કહેવું છે કે તેમણે આવા ઈમેલ બે વખત કર્યા તેમ છતાં 2012-2013માં નાણાં મંત્રાલય કે આરબીઆઈ – એકપણ જગ્યાએથી જવાબ મળ્યો નહોત. ઉલટાનું બન્યું એવું કે દુબેને હેરાન કરવાનું શરૂ કરવામાં આવ્યું અને તેમને 2013માં જ ડિરેક્ટરપદેથી રાજીનામું આપવા ફરજ પાડવામાં આવી.
2012-2013માં કોની સરકાર હતી અને આરબીઆઈના ગવર્નર કોણ હતા તેની કોઈ સ્પષ્ટતા કરવાની અહીં કોઈ જરૂર છે ખરી..?
દુબે ઉપરાંત બીજા બે સાક્ષીઓ પણ સામે આવ્યા છે, જેમનો દાવો છે કે મોદી-ચોક્સની કંપનીઓ અંગે તેમણે ચેતવણી ઉચ્ચારી હતી, પરંતુ જે તે સમયે તેની બધા દ્વારા ઉપેક્ષા કરવામાં આવી હતી. આવા એક સાક્ષીનો દાવો છે કે તેમણે 2012માં આરટીઆઈ કરીને માહિતી મેળવી હતી અને ત્યારે લાગતા-વળગતા બધાને આ કૌભાંડ અંગે સાવચેત કરવાનો પ્રયાસ કર્યો હતો. એ જ રીતે અન્ય એક સાક્ષીનો દાવો છે કે તેમણે 2016માં નોટબંધી પછી મોદી-ચોક્સીની કંપનીઓમાં રાતોરાત સોના-ઝવેરાતના થયેલા જંગી વેચાણ અંગે સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું હતું, પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

--- હવે શું..?
ચર્ચા અને ચિંતા એ બાબતની થવી જોઈએ કે આવા કૌભાંડ થાય છે કેવી રીતે..? સમગ્ર બેંકિંગ વ્યવસ્થાની અંદર ક્યાંક તો એવા લોકો હશે જ ને જે કાયદા અને નિયમોમાં રહેલાં છીંડા જાણતા હશે..? સિસ્ટમમાં એવા લોકો જરૂર હશે જ, જે એ છીંડાનો દૂરુપયોગ નાના પાયે શરૂ કરતા હશે અને ઑડિટમાં પકડાય નહીં ત્યારે અથવા પકડાય તો એ ઑડિટ કરનારને પણ તેમાં સામેલ કરીને આગળ વધતા હશે અને પછી મોટું કૌભાંડ આચરતા હશે..!
કૉમનસેન્સની વાત એ છે કે કાયદા તો બધા બનેલા જ છે. પેટા કાયદા પણ છે. નિયમો છે અને પેટા નિયમો પણ છે. તો પછી તેમાંથી છટકબારી શોધનારને દોષિત ગણવા કે પછી એ છટકબારી શોધનારને પકડી નહીં શકનાર અથવા પકડવા નહીં માગનાર ઑડિટરને..? સવાલ એ છે કે નાની નાની કંપનીઓમાં પણ નાણાંકીય વ્યવહારોના જો ઑડિટ થતા હોય અને ગેરરીતિ પકડાઈ જતી હોય તો આવી મોટી રાષ્ટ્રીયકૃત બેંકોના ઑડિટર ગેરરીતિ પકડી શકતા નહીં હોય..? શું એ ઑડિટરોને રાજકારણીઓનો ડર હશે કે પછી તેમની પોતાની કોઈ મિલીભગત હશે..? ક્યાંક અહીં આસપાસ જ નબળી કડીઓ રહેલી છે, જેના વિના સિસ્ટમના ડેમમાં તિરાડ પડે નહીં અને હજારો કરોડો રૂપિયા માલ્યા- મોદી -ચોક્સીના નાળાઓમાં વહી જઈ શકે નહીં. એટલું જ નહીં પરંતુ તપાસ એજન્સીઓની સિસ્ટમના ડેમમાં પણ તિરાડો હશે જ, કેમકે તેના વિના તો આ લોકોને સંભવિત પગલાંની જાણ થાય કેવી રીતે..! અને એટલે જ તો ભાગી છૂટ્યા હોય ને..!
આ મુદ્દો સમજવા માટે બેંકના તે સમયના નાયબ મેનેજર ગોકુલનાથ શેટ્ટીનાં કરતૂતો પકડાય જ નહીં એવું કેવી રીતે બની શકે..? આ સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંકનો અહેવાલ ધ્યાનમાં લેવો જોઈએ. આ અહેવાલ અનુસાર 2015થી 2017 વચ્ચે બેંકોના 5000 કરતાં વધુ કર્મચારીઓની ગેરરીતિ પકડી પાડવામાં આવી છે. આ બાબત શું સાબિત કરે છે..! એ જ કે સિસ્ટમની અંદર રહેલા કૌભાંડીઓની મદદ વિના કોઈ નીરવ મોદી કે ચોક્સી કે માલ્યા સફળ થઈ શકે નહીં.
કોંગ્રેસ પક્ષ હાલ અતિશય આક્રમક થઈને બેંકિંગ સેક્ટર, બેંકિંગ કૌભાંડ તેમજ એનપીએ અંગે મોદી સરકારને સવાલો કરે છે. કોંગ્રેસે રવિવારે તો બેંકિંગ સેક્ટર સામે સવાલ ઉઠાવીને શ્વેતપત્ર જારી કરવાની માગણી પણ કરી દીધી. તો પછી મુદ્દો એ છે કે હર્ષદ મહેતા કૌભાંડ, સત્યમ કાંડ (રામલિંગા રાજુ), સહકારી બેંક કૌભાંડ, કેતન પારેખ કાંડ... આ બધું થયું એ શું હતું..? કાયદા તો ત્યારે પણ હતા. છીંડા શોધનારા અને તેનો દૂરુપયોગ કરનારા ત્યારે પણ હતા. એ દૂરુપયોગને નહીં રોકનારા ઑડિટર ત્યારે પણ હતા..! સવાલ તો એ છે કે કોંગ્રેસ હાલ જે કક્ષાએ ચિંતા વ્યક્ત કરે છે એટલી ચિંતા થોડાં વર્ષ પહેલાં કરી હોત તો કૌભાંડની શક્યતા રહેત ખરી..? સામે મોદી સરકારનો દાવો છે કે નોટબંધી પછી હજારો બેનામી કંપનીઓ તેમજ કરોડોના બેનામી નાણાંકીય વ્યવહાર ધ્યાનમાં આવ્યા છે. અહીં એક બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે, 8મી ફેબ્રુઆરીએ લોકસભામાં વક્તવ્ય દરમિયાન વડાપ્રધાન મોદીએ બેંકોની એનપીએ-ના મુદ્દે યુપીએ શાસનની હકીકત જાહેર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસે એનપીએ 32 ટકા હોવાનું જાહેર કર્યું હતું, પરંતુ વાસ્તવમાં એનપીએ-નો આંકડો 82 ટકા જેટલો હતો. હકીકતે દેશમાં જ્યારે પણ કોઈ કૌભાંડ થાય ત્યારે તેમાં એ હદે રાજકારણ પ્રવેશી જાય છે કે મૂળ મુદ્દો બાજુ પર રહી જાય છે. એવું જ અત્યારે થઈ રહ્યું છે. આ આખો કેસ હાલ ગોળ-ગોળ ફરે છે. દરેક પક્ષ અને રાજકારણીઓ અત્યારે એવું સાબિત કરવામાં પડ્યા છે કે પોતાને નિરજ મોદી સાથે કોઈ લેવાદેવા નથી, પણ સામેના પક્ષને તેની સાથે સાંઠગાંઠ છે.
હકીકત તો એ છે કે, કૌભાંડ ક્યારે થયું, કોણ જવાબદાર એવી બધી ચર્ચા કરવાને બદલે હવે એ જાહેર થઈ જ છે ત્યારે એ વાતની ચર્ચા થવી જોઈએ કે ગયેલા નાણાં કેવી રીતે રિકવર થશે..? ભાગેડુ મોદીને પરત કેવી રીતે લાવવામાં આવશે..? શું નાણાં વસુલ કરવા નીરવ મોદીની મિલકતની પાઈએ પાઈ જપ્ત કરાશે..?
છેવટે આ મુદ્દો કોઈ એક રાજકીય પક્ષનો નથી. બેંકિંગ સિસ્ટમનો છે. એ બેંકિંગ સિસ્ટમમાં જે તે રાજકીય પક્ષના કે પછી એ પક્ષના ટેકેદારોના જ નાણાં નથી હોતા, પણ દરેકની મહેનતનાં નાણાં હોય છે. અને તેથી જેમ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈ રાજકીય કે વિચારધારાના મતભેદ ન હોવા જોઈએ એવી જ રીતે આવા જંગી નાણાકીય કૌભાંડ સમયે પણ રાજકીય મતભેદો અને વિચારધારાઓ બાજુ પર મૂકીને મૂળ શોધવાની કવાયતમાં લાગીશું તો શક્ય છે વહેલી તકે ઉગરી જઈએ. આવી સામૂહિક કવાયત એ માટે પણ જરૂરી છે જેથી તેને કારણે છીંડાબાજો અને તેમને છાવરનારા ઑડિટરોને ઓળખી શકાય.
બાકી તો શરૂઆતમાં કહ્યું તેમ, આખું વિષચક્ર ફરીને આપણા ઉપર આવે છે. આપણે સરકાર અને વહીવટીતંત્ર ઉપર જવાબદારી ઢોળીએ છીએ. સરકાર વિપક્ષો ઉપર જવાબદારી ઢોળે છે. મીડિયા અને બુદ્ધિજીવીઓ સરકાર ઉપર જવાબદારી ઢોળે છે. વહીવટીતંત્ર રાજકારણીઓ ઉપર જવાબદારી ઢોળે છે. પણ બધા એ મુદ્દો ચૂકી જવા સભાનપણે પ્રયાસ કરે છે કે વહીવટીતંત્ર અને રાજકારણીઓ આપણામાંથી જ પસંદ થઈને ગયા છે. એ રાજકારણીઓમાંથી બનેલી સરકારમાં આપણે ચૂંટેલા માણસો જ છે. તો પછી જવાબદાર કોણ ગણાય..? અગાઉ કહ્યું તેમ, એ નબળી કડીઓ આપણે પોતે જ છીએ, અથવા આપણી આસપાસના લોકો જ છે. એ નબળી કડી બેંકની બ્રાન્ચમાં હોઈ શકે. એ નબળી કડી હેડ ઑફિસમાં હોઈ શકે. એ નબળી કડી ઑડિટ ટીમમાં હોઈ શકે. ચતુર કરો વિચાર.
(ગુજરાતી સામયિક અભિયાનના 3 માર્ચ, 2018ના અંકમાં પ્રકાશિત મારો લેખ)