Saturday, October 3, 2020

ભાગ-2: દિલ્હીનાં તોફાનઃ એ સત્ય- જે મીડિયા તમને કહેતું નથી



    દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી પુસ્તક સમીક્ષા (ભાગ-2)

------------------------

ગઇકાલે (02-10-2020, શુક્રવાર) આ પુસ્તક પરિચયનો પહેલો ભાગ મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મૂક્યા પછી ઘણા વડીલો તથા મિત્રોએ ખૂબ આવકાર આપ્યો, એટલું જ નહીં પરંતુ આ પુસ્તક વિશે શક્ય તેટલું વધારે લખવા આગ્રહ કર્યો છે. એ દિશામાં ચોક્કસ હકારાત્મક વિચાર કરીશ.

----------------------------------------------

 

n  અલકેશ પટેલ

 

દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી પુસ્તક પરિચયના પહેલા ભાગમાં ગઇકાલે આપણે શાહીન બાગ અને દિલ્હીનાં તોફાનો તરફ દોરી ગયેલા ઘટનાક્રમ વિશે વાત કરી. >> https://keshav2907.blogspot.com/2020/10/blog-post.html <<  હવે આજે જોઇએ કે, એ તોફાન કોણે કરાવ્યાં? તેમાં કોણ-કોણ સામેલ હતા? કોને કોને નુકસાન થયું? કોણે કોણે વરવી ભૂમિકા ભજવી?

ફેબ્રુઆરી 2020ના અંતમાં ત્રણ દિવસ સુધી દિલ્હીમાં તોફાન થતાં રહ્યાં. (1) આ તોફાન પૂર્વયોજિત હતાં. (2) આ તોફાન દેશ વિરોધી હતાં. (3) આ તોફાનના કાવતરામાં જેહાદીઓ તથા અર્બન નક્સલીઓ સામેલ હતા – એમ ત્રણ બાબત સ્પષ્ટ રીતે અને ભારપૂર્વક પ્રસ્થાપિત થાય છે.

નોંધપાત્ર બાબત એ છે કે, ત્રણે લેખકોએ આ તોફાનો અંગે પૂરતું સંશોધન કર્યું છે. લેખકો ઉપરાંત તેમની ટીમના સભ્યો અસરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યાં છે, અસરગ્રસ્તો સાથે વાત કરી છે, જેહાદી ટોળાનો ભોગ બનેલા પોલીસ અધિકારીઓનાં નિવેદન પણ આ પુસ્તકમાં ટાંકવામાં આવ્યાં છે.

પુસ્તકમાં કુલ આઠ પ્રકરણ છે તથા પાંચ પરિશિષ્ઠ (Annexure) છે જેમાં તમામ દસ્તાવેજ અને પુરાવા આપવામાં આવ્યા છે. ત્રણે મહિલા લેખક પૈકી એક સુપ્રીમ કોર્ટનાં વકીલ તથા બે શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલાં છે તેથી તેમનું પ્રોફેશનાલિઝમ પુસ્તકમાં સ્પષ્ટ વર્તાય છે.

પ્રથમ પ્રકરણમાં દિલ્હીનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે આટલી સદીમાં દિલ્હીનો વિસ્તાર કેવી રીતે થયો અને ક્યાંથી-કોણ-ક્યારે આવીને વસ્યા તેની માહિતી મળે. સાથે ડેમોગ્રાફી વિશે જાણકારી મળે. શાહીન બાગ અને તેની સાથે સંકળાયેલી હિંસા અંગે લેખકોએ આ પ્રકરણમાં વિસ્તારથી લખ્યું છે. લેખકો બહુ સચોટ રીતે કહે છે કે, મુસ્લિમોના દેખાવોમાં અગાઉ કદી મહિલાઓ અગ્રસ્થાને રહેતી નહોતી. પરંતુ CAA-વિરોધી દેખાવો તથા ત્યારબાદ થયેલી હિંસામાં મુસ્લિમ મહિલાઓ પહેલી હરોળમાં હતી.

શાહીન બાગનું જે નાટક ચાલતું હતું ત્યારે આખા દેશે ટીવી ઉપર જોયું છે કે મહિલાઓ ચોવીસે કલાક ત્યાં બેસી રહેતી હતી અને તેમની સાથે નાનાં બાળકો પણ હતાં. ભારત માટે આ નવી પેટર્ન હતી અને લેખકોએ આશંકા વ્યક્ત કરી છે કે, દેખાવો-હિંસાનું આ મોડેલ ડાબેરી હિંસાખોર માનસિકતાનું મોડેલ છે. અને ડિસેમ્બરથી માર્ચ સુધી આખા દેશમાં જે CAA-વિરોધી વાતાવરણ હતું તેમાં આ હિંસક અર્બન નક્સલ ડાબેરીઓની હાજરી સતત વર્તાતી હતી.

બીજા પ્રકરણને શહેરી નક્સલવાદ અને જિહાદ- એવું શીર્ષક આપવામાં આવ્યું છે અને પ્રારંભમાં જ કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 2006માં –દેશ માટે નક્સલવાદ કેટલો જોખમી છે- એ વિશે કરેલું નિવેદન મૂક્યું છે. ભારતમાં ખાસ કરીને નક્સલી હિંસા તેમજ જેહાદી હિંસાને સમજવા માટે આ પ્રકરણ અત્યંત અગત્યનું છે.

ડાબેરી પક્ષોને, ડાબેરી વિચારકોને, ડાબેરી પ્રોફેસરોને, ડાબેરી શિક્ષકોને, ડાબેરી કલાકારોને, ડાબેરી મીડિયાકર્મીઓને- ભારત માટે હાડોહાડ ઈર્ષા છે. તેઓ ભારતને નફરત કરે છે. સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સંગઠનો કે હિન્દુવાદી પક્ષોને આ ડાબેરીઓ ધિક્કારે છે અને તેથી તેને ખતમ કરવા તેમજ બદનામ કરવા સતત પ્રયત્નશીલ રહે છે. ડાબેરી પક્ષોએ ભારતની વિરુદ્ધમાં તૈયાર કરેલી વ્યૂહરચનાને આ પુસ્તકના લેખકોએ આ બીજા પ્રકરણમાં ડાબેરીઓના જ દસ્તાવેજોનો હવાલો આપીને ખુલ્લી પાડી છે. દરેક રાષ્ટ્રવાદી નાગરિકે આ વાત વાંચવી, સમજવી જોઇએ અને દેશનું ભવિષ્ય બચાવવા માગતા હોવ તો ડાબેરી કાવતરાંથી ચેતી જવું જોઇએ.

ત્રીજા પ્રકરણમાં દિલ્હીમાં તોફાનો કરવા માટે અને તેમાંય ખાસ કરીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન જ હિંસા થાય એ માટે કોણે-કોણે અને કેવી રીતે કાવતરું કર્યું તેની તબક્કાવાર વિગતો આપવામાં આવી છે. ડાબેરી અને જેહાદી તત્વો માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ તોફાનો થાય એ માટે કેવી રીતે આયોજન કરતા હતા તેની વિગતો આંખ ઉઘાડનારી અને ચિંતાજનક છે.

ચોથું પ્રકરણ આપણી યુવાપેઢી, વિદ્યાર્થી સમુદાય માટે વિશેષ અગત્યનું છે. આ પ્રકરણમાં લેખકો જેએનયુ, દિલ્હી યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સહિત દેશમાં ડાબેરીઓ અને લઘુતીઓના કબજા હેઠળની શૈક્ષણિક સંસ્થાઓમાં કેવી રીતે કટ્ટરવાદનાં બીજ રોપાય છે તેની વિગતો આપી છે. આ તમામ સ્થળે CAA-વિરોધી આંદોલન-દેખાવો અને ત્યારબાદ હિંસાના આયોજન કરવામાં આવ્યા હતા.

પાંચમાં પ્રકરણમાં શાહીન બાગને કોમી ધ્રુવીકરણ તથા હિંસાના મોડેલ તરીકે કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવ્યું તેનું ખૂબ વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને તેમાં વિશેષ કરીને જેહાદી સંગઠનોની સાથે સાથે અર્બન નક્સલી મોડેલ કેવી રીતે મિક્સ કરવામાં આવ્યું તે જાણવા અને સમજવા જેવું છે. આ મોડેલ યોગ્ય રીતે જાણશો તો તમારા શહેર-વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિઓ થતી હશે તો તમને તરત ખ્યાલ આવી શકશે.

છઠ્ઠા પ્રકરણમાં 23-24-25 ફેબ્રુઆરી, 2020 દરમિયાન થયેલાં તોફાનોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. મુસ્લિમ મહિલાઓની આગેવાની હેઠળ જેહાદી ટોળાં કેવી રીતે સરકારી મિલકતો, પોલીસનાં વાહનો તેમજ પોલીસને ખુદને નિશાન બનાવી રહ્યાં હતાં તેનું વર્ણન કોઇપણ સંવેદનશીલ વ્યક્તિને ધ્રુજાવી દે એવું છે.

આ પુસ્તક દ્વારા એક મહત્ત્વનો મુદ્દો પ્રથમ વખત ઉજાગર થાય છે કે, એજન્ડા ધરાવતા મીડિયા દ્વારા શાહીન બાગ સહિત દેશમાં ઠેરઠેર CAA-વિરોધી દેખાવોને શાંતિપૂર્ણ હોવાનું ખોટું વાજું વગાડવામાં આવતું હતું. પણ ડિસેમ્બર-2019થી ફેબ્રુઆરી-2020 સુધી હિંસાની 11 ઘટના બની હોવાની નોંધ અહીં પુસ્તકમાં છે. એ સિવાય 23થી 25 ફેબ્રુઆરીના ભયંકર તોફાનો તો અલગ!

સાતમા પ્રકરણમાં સમગ્ર ઘટનાક્રમનો સાર છે તથા આઠમા પ્રકરણમાં સાક્ષીઓના ઇન્ટર્વ્યુ તથા અન્ય અસરગ્રસ્તોના ઇન્ટર્વ્યુ છે.

સર્વગ્રાહી રીતે આ પુસ્તક એક એવો દસ્તાવેજ છે જે દરેક રાષ્ટ્રવાદી નાગરિકે વાંચવો જોઇએ અને ભવિષ્યમાં ડાબેરી-જેહાદી તત્વો દ્વારા ઊભા થનાર જોખમ સામે સાવધ થઈ જવું જોઇએ.#અલકેશપટેલ

પુસ્તકઃ દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી

લેખકોઃ મોનિકા અરોરા, સોનાલી ચિતલકર, પ્રેરણા મલ્હોત્રા

પ્રકાશકઃ ગરુડ પ્રકાશન, ગુરુગ્રામ, ભારત.

કિમતઃ રૂપિયા 299/-

પૃષ્ઠ સંખ્યાઃ 175

(આ પુસ્તક હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ છે)

 

(આ લેખના પ્રથમ ભાગની લિંક >>> https://keshav2907.blogspot.com/2020/10/blog-post.html

Friday, October 2, 2020

દિલ્હીનાં તોફાનઃ એ સત્ય- જે મીડિયા તમને કહેતું નથી




 

    દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી પુસ્તક સમીક્ષા

------------------------

પુસ્તકઃ દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી

લેખકોઃ મોનિકા અરોરા, સોનાલી ચિતલકર, પ્રેરણા મલ્હોત્રા

પ્રકાશકઃ ગરુડ પ્રકાશન, ગુરુગ્રામ, ભારત.

કિમતઃ રૂપિયા 299/-

----------------------------------------------

 

n  અલકેશ પટેલ

 

શાહીન બાગ.

15 ડિસેમ્બર, 2019થી શરૂ કરીને 26 માર્ચ, 2020ના રોજ કોરોના લૉકડાઉન થયું ત્યાં સુધી...અને ત્યારપછી પણ ઘણા દિવસ સુધી સવાર-બપોર-સાંજ ચોવીસે કલાક દેશના દરેક નાગરિકના આંખ-કાન ઉપર અથડાતું રહેલું નામ એટલે શાહીન બાગ!

દિલ્હીનો એ વિસ્તાર જ્યાં અર્બન નક્સલવાદીઓની મદદથી મુસ્લિમોએ, ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ તથા બાળકોએ ત્રણ મહિના સુધી કબજો જમાવી દીધો હતો અને તેને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લાખો લોકોનું જીવન નર્ક સમાન બનાવી દીધું હતું. એ વિસ્તારના ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા. એ વિસ્તારની હૉસ્પિટલો સુધી દર્દી પહોંચી નહોતા શકતા. દિવસના 12-12, 14-14 કલાક સુધી એ સ્થળેથી માઇક ઉપર ભારત વિરોધી, સરકાર વિરોધી, હિન્દુઓ વિરોધી સૂત્રોચ્ચાર થયા કરતા હતા.

આ વિરોધ પ્રદર્શનનું કારણ શું હતું?

કારણ નાગરિકતા સંશોધન કાયદો (CAA) હતો.

આ કાયદો શું છે?

આ કાયદો ભારતના ત્રણ ઇસ્લામિક પાડોશી દેશ- અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં ત્યાંની લઘુમતી અર્થાત હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી તથા ખ્રિસ્તીઓ સાથે થઈ રહેલા અત્યાચાર અને અન્યાયથી બચવા તેઓ ભારત આવી ગયા હોય તો તેમને ભારતનું નાગરિકત્વ આપવું. આવું નાગરિકત્વ આપવાનો કાયદો તો અસ્તિત્વમાં હતો જ, માત્ર તેમાં સુધારો એટલો કરવામાં આવ્યો કે, આ નાગરિકોને (જે 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારતમાં આવી ગયા હોય) તેમને તત્કાળ નાગરિકત્વ આપવું. અગાઉ એ લોકો 14 વર્ષ ભારતમાં રહ્યા હોય પછી નાગરિકત્વ મળતું, જેમાં સુધારો કરી રોકાણનો ગાળો પાંચ વર્ષ કરવામાં આવ્યો.

બસ, આટલો જ મુદ્દો હતો.

સમગ્ર કાયદામાં ક્યાંય મુસ્લિમ શબ્દનો ઉલ્લેખ નથી.

આ કાયદા દ્વારા ભારતના એકપણ (રિપિટ – એકપણ) મુસ્લિમને કોઈ લેવા-દેવા એ દિવસે પણ નહોતી, આજે પણ નથી.

અને છતાં, ડિસેમ્બર 2019માં લોકસભા-રાજ્યસભામાં આ કાયદો પસાર થયો તે સાથે જ મુસ્લિમ તૃષ્ટિકરણના ઑક્સિજન ઉપર જીવતા રાજકીય પક્ષો તેમજ મુસ્લિમ તૃષ્ટિકરણને જ સેક્યુલારિઝમ માનતા અને પ્રેસ્ટિટ્યૂટના નામે વગોવાયેલા કેટલાક ચોક્કસ મીડિયા ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, કલા સંસ્થાઓ ઉપર કબજો જમાવી બેઠેલા અને અર્બન નક્સલીઓ તરીકે વગોવાયેલા હિંસાખોર ડાબેરી વિચારધારા ધરાવતા તત્વોએ આ સંશોધિત કાયદા સામે ઝેર ઓકવાનું શરૂ કરી દીધું.

આ તમામ તત્વોએ સામાન્ય મુસ્લિમોની વચ્ચે જઇને એવો અપ-પ્રચાર કર્યો કે, CAAને કારણે હવે ભારતના મુસ્લિમોનું અસ્તિત્વ જોખમમાં આવી જશે અને મુસ્લિમોએ તેમનું નાગરિકત્વ સાબિત કરવા દસ્તાવેજો બતાવવા પડશે અને જે મુસ્લિમો દસ્તાવેજ નહીં બતાવી શકે તેમને કાંતો દેશમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા કોન્સન્ટ્રેશન કૅમ્પમાં ધકેલી દેવામાં આવશે. આ અસત્ય વારંવાર કહેવામાં આવ્યું, મોટે મોટેથી કહેવામાં આવ્યું, દરેક મંચ ઉપરથી કહેવામાં આવ્યું, અને આ લોકો ઇચ્છતા હતા એમ- મુસ્લિમો ગેરમાર્ગે દોરાઈ ગયા.

એવું નથી કે, રાજકીય પક્ષો, અર્બન નક્સલીઓ તેમજ મીડિયામાં બેઠેલા બદમાશો સાચી વાત નહોતા જાણતા. તેઓ જાણતા જ હતા કે CAA માં કશું જ મુસ્લિમ વિરોધી નથી તથા સી.એ.એ.થી ભારતના એકપણ મુસ્લિમને કશું જ થવાનું નથી. તેમ છતાં, એ બધાએ મુસ્લિમોને ભડકાવવાનું ચાલુ રાખ્યું.

 

પણ...આ લોકો શું માત્ર CAAને કારણે મુસ્લિમોને ભડકાવતા હતા?

ના, સી.એ.એ. તો માત્ર બહાનું હતું. પણ તે પહેલાં ત્રણ એવા મોટાં કારણ બની ગયાં હતાં જે દરમિયાન દેશમાં અશાંતિ ફેલાઈ નહોતી, જેની બેચેની રાષ્ટ્ર વિરોધીઓને અકળાવતી હતી. રાજકીય પક્ષો, અર્બન નક્સલીઓ તેમજ એજન્ડા ધરાવતા મીડિયા- એ ત્રણ પક્ષકારોની બેચેની એ હતી કે 2019ની પાંચ ઑગસ્ટે કલમ-370 નાબૂદ થઈ ગઈ અને છતાં મુસ્લિમો ભડક્યા નહોતા. આ ત્રણે પક્ષકારોની બેચેની એ હતી કે, ત્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવતો કાયદો સંસદના બંને ગૃહમાંથી પસાર થઈ ગયો અને છતાં મુસ્લિમો રસ્તા ઉપર આવ્યા નહોતા. આ ત્રણે પક્ષકારોની બેચેની એ હતી કે, દેશની સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ વિવાદમાં હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને છતાં મુસ્લિમોએ નારાજગી વ્યક્ત કરી નહોતી. અને એટલે હવે આ ત્રણે પક્ષકારોને સીએએનો મુદ્દો મળી ગયો. (પુસ્તક સમીક્ષા – ક્રમશઃ ભાગ-2માં...)

Thursday, October 1, 2020

અયોધ્યા કેસઃ વધુ એક સત્યમેવ જયતે


--- અયોધ્યામાં રામ મંદિર સ્થળે 16મી સદીમાં બાંધી દેવામાં આવેલા વિવાદી માળખાના વિધ્વંસ માટે અગાઉથી કાવતરું થયું હોવાની થીયરી વિશેષ અદાલતે ફગાવી દીધી, અને તે સાથે આ કેસમાં રામ સેવકો નિર્દોષ જાહેર થયા

 -- અલકેશ પટેલ

અયોધ્યા કેસમાં સત્યનો વધુ એક વખત વિજય થયો છે. રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય મંદિર ઉપર 16મી સદીમાં બાંધી દેવામાં આવેલા વિવાદી માળખાના વિધ્વંસ કેસમાં ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘના નેતાઓ સહિત તમામ વિરુદ્ધ કાવતરાની વાત સીબીઆઈની વિશેષ અદાલતે સ્વિકૃત રાખી નથી. બીજા શબ્દોમાં વિવાદી માળખાનો વિધ્વંસ એ કોઈ કાવતરું હતું એવું સીબીઆઈ પુરવાર કરી શકી નહોતી, અને તેથી કાવતરા કેસમાં ફસાવવામાં આવેલા રામ સેવકો નિર્દોષ છૂટ્યા.

કાવતરામાં ફસાવવામાં આવેલા રામ સેવકો?

હા, ફસાવવામાં આવેલા રામ સેવકો. જે તે સમયના સત્તાવાળાઓએ, જે તે સમયના રાજકીય પક્ષોએ એક સમુદાયના જેહાદી તત્વોને ખુશ રાખવા માટેનો આખો કેસ હતો, જે હવે પૂરો થયો. રામ જન્મભૂમિ સ્થળે તદ્દન ગેરકાયદે રીતે ઊભેલા માળખાના વિધ્વંસ કેસમાં એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર, સાક્ષી મહારાજ, સ્વ. અશોક સિંઘલ, સ્વ. બાળ ઠાકરે, સ્વ. ગિરિરાજ કિશોર, મહંત નૃત્યગોપાલ દાસ સહિત 49 રામ સેવકો વિરુદ્ધ કાવતરાનો કેસ કરી દીધો હતો. તેમાંથી હાલ 32 હયાત છે. તમામ નિર્દોષ છૂટ્યા.

આ કેસમાં સીબીઆઈએ 351 સાક્ષી તથા 600 દસ્તાવેજ રજૂ કર્યા હતા. તેમછતાં વિવાદી માળખાના વિધ્વંસ કાવતરું હતું એવું સાબિત ન થઈ શક્યું. યાદ રહે, છઠ્ઠી ડિસેમ્બર, 1992ના દિવસે આ ઘટના બની ત્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરસિંહ રાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી. નરસિંહ રાવ અને કોંગ્રેસનો ઉલ્લેખ ઇરાદાપૂર્વક કરું છું. કેમ કે આજે, ખાસ કરીને મે, 2014 પછી દેશમાં ગમે તે ખૂણામાં કોઈ નાની ઘટના બને તો પણ એ માટે સીધા નરેન્દ્ર મોદી તથા મોદી સરકારને જવાબદાર ઠેરવતાં તત્વો હજુ આજની તારીખે પણ ડિસેમ્બર 1992ની એ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવતા નથી. આવું શા માટે છે? – દરેકે જાતે તેનું વિશ્લેષણ કરીને સમજવું જોઇએ.

આપણી ન્યાય વ્યવસ્થા પણ દુનિયામાં અતિ વિશિષ્ઠ છે. આપણે ત્યાં 10-20-30 વર્ષ કેસ ચાલે એ સામાન્ય બાબત ગણાય છે. વિવાદી માળખાના વિધ્વંસના કેસનો ચુકાદો પણ 28 વર્ષે આવ્યો. આવું શા માટે અને કેવી રીતે થયું હશે? કોઇએ કદી એ સવાલ કર્યો છે? અથવા એ બાબતે વિચાર કર્યો છે?

વાચક મિત્રો, એક ખાસ વાત અહીં જાણી લો કે, આ કાવતરા કેસમાં સીબીઆઈએ તમામ કથિત પુરાવા અને મોટાભાગના સાક્ષીઓને મે, 2014 પહેલાં રજૂ કરી દીધા હતા. આ તારીખનું શું મહત્ત્વ છે? આ તારીખનું મહત્ત્વ એ છે કે, મે, 2014 પહેલાં કેન્દ્રમાં ડૉ. મનમોહનસિંહના વડપણ હેઠળ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકાર હતી. તો એનો અર્થ શો થયો? એનો અર્થ એ થયો કે, મોદી સરકાર સત્તામાં આવી એ પહેલાં સીબીઆઈ ઉપર ભાજપ સરકારનું કોઈ નિયંત્રણ નહોતું. અહીં નિયંત્રણ શબ્દ ઇરાદાપૂર્વક વાપરું છું, કેમ કે 30 સપ્ટેમ્બરે આ ચુકાદો આવ્યો તેના બીજા કલાકથી કોંગ્રેસ, ડાબેરીઓ અને બીજા પક્ષો સીબીઆઈને નિશાન બનાવે છે, પણ તમારાથી અર્થાત દેશના નાગરિકોથી આ પક્ષો એ વાત સંતાડે છે કે સીબીઆઈ દ્વારા મોટાભાગના કેસની રજૂઆત તો—કોંગ્રેસના  શાસન દરમિયાન, ડૉ. મનમોહનસિંહના વડાપ્રધાનપદના ગાળા દરમિયાન, સોનિયા ગાંધીના યુપીએ ચૅરમેનપદના ગાળા દરમિયાન કરી દેવામાં આવી હતી. તો પછી સીબીઆઈને બદનામ કરવાનો શો મતલબ?

પ્રશ્ન તો એ છે કે, કેસ 28 વર્ષ કેમ ચાલ્યો? શા માટે 2014 પહેલાં આ કેસનો ચુકાદો ન આવ્યો? કેસ વર્ષો સુધી લંબાયા કરે તેમાં કોને રસ હતો? અદાલતે સંપૂર્ણ કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને, તમામ પુરાવા ચકાસીને, તમામ સાક્ષીઓની ઊલટતપાસ લઇને પછી 28 વર્ષના લાં....બા ગાળા પછી ચુકાદો આપ્યો એ ચુકાદામાં હવે કોને વિશ્વાસ નથી? જેમને ચુકાદામાં વિશ્વાસ નથી તેમને ખરેખર તો અદાલતી પ્રક્રિયામાં વિશ્વાસ નથી એવો જ અર્થ થાય.

પણ બદમાશ ડાબેરીઓ અને બદમાશ મીડિયા અને એટલા જ શંકાસ્પદ રાજકીય પક્ષો સીબીઆઈ સામે આંગળી ચીંધી રહ્યા છે ત્યારે તમને એટલે કે દેશની પ્રજાને પ્રશ્ન થવો જોઇએ કે આ જ સીબીઆઈ પાંચ-પાંચ, છ-છ દાયકા સુધી અન્ય રાજકીય પક્ષોના તાબામાં હતી ત્યારે શું એ એજન્સી તમારા કહ્યા પ્રમાણે જ માત્ર ચાલતી હતી?

સાચી વાત તો એ છે કે, વિશેષ અદાલતે 30 સપ્ટેમ્બર, 2020ના તેના ચુકાદામાં 2000 પાનાં ભરીને તમામ વાતો નોંધી છે. છ ડિસેમ્બરનો ઘટનાક્રમ નોંધ્યો છે, ત્યારબાદ એ જ દિવસે દાખલ કરવામાં આવેલી બે એફ.આઈ.આર. વિશે વાત કરી છે, કેસ સીબીઆઈને સોંપાયો અને તેની તપાસની પણ વાત કરી છે. અદાલતે જો આટલો બધો વિસ્તૃત ચુકાદો આપ્યો હોય તો પછી તેને સહર્ષ સ્વીકારીને વધાવી લેવામાં જ સૌનું હિત સમાયેલું છે.

ખેર, મુદ્દો એ છે કે, વિવાદી માળખાનો વિધ્વંસ કાવતરું નહોતું.

મુદ્દો એ છે કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે મંદિર અસ્તિત્વમાં હતું એ સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદાથી સાબિત થઈ ગયું છે.

મુદ્દો એ છે કે, રાજકીય તથા ધાર્મિક અગ્રણીઓના નેતૃત્વ હેઠળ આખો રામભક્ત દેશ (અર્થાત દેશમાં જેટલા રામભક્ત હોય એ તમામ) રામ મંદિરની જગ્યા પરત લેવા માગતા હતા અને તેથી હજારો લોકો અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારપછી જે કંઈ થયું એ આપણે બધા જાણીએ છીએ.

પણ હવે, આપણા તમામ વયોવૃદ્ધ નેતાઓ, સાધુ-સંતો ઉપરાંત ઉમા ભારતીજી, સાધ્વી ઋતંભરાજી—એ બધાં જ આરોપમુક્ત થયાં છે. સૌએ રાહતનો શ્વાસ લીધો છે. આશા એવી રાખીએ કે, નવેમ્બર 2019ના રામજન્મભૂમિ ચુકાદા પછી જે રીતે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે ધમકી આપી હતી એવી ધમકી હવે ફરી નહીં આપે...તો ચાલો...જય શ્રી રામ