Sunday, November 24, 2019

હું ઇસ્લામ પંથમાં જન્મેલો હિન્દુ છું : તાહીર અસલમ

હું ઇસ્લામ પંથમાં જન્મેલો હિન્દુ છું : તાહીર અસલમ
-----------------------------------------------------------------
n  હજારો વર્ષ જૂની ભારતીય અને હિન્દુ પરંપરાને શ્રદ્ધા, તર્ક અને સમજદારીપૂર્વક માનનારા જે કેટલાક પાક-મુસ્લિમો આપણી આસપાસ છે તેમાં પત્રકાર-લેખક-કર્મશીલ તાહીર અસલમ ગોરા પણ એક છે
-----------------------------------------------------------
n  અલકેશ પટેલ

હું ઇસ્લામ પંથમાં જન્મેલો હિન્દુ છું. હું એક એવો કૅનેડિયન નાગરિક છું જે મૂળ ભારતીય છું પણ પોલિટિકલ પાકિસ્તાનમાં જન્મેલો છું... – પત્રકાર, લેખક, કર્મશીલ એવા તાહીર અસલમ ગોરાએ 21 નવેમ્બરને ગુરુવારની ઢળતી સાંજે અમદાવાદના ભાઈકાકા હૉલમાં આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે આખો હૉલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો હતો.

પ્રસંગ હતો ભારતીય વિચાર મંચ આયોજિત સંવાદનો. ભારત અને પાકિસ્તાન વચ્ચે તો શાંતિ સ્થપાઈ શકે તેમ નથી કેમ કે ભારતના વિભાજનથી જ પાકિસ્તાનનો જન્મ થયો છે અને પાકિસ્તાની સત્તાવાળાઓ, ત્યાંના લશ્કર તેમજ કટ્ટરવાદીઓના અસ્તિત્વનો આધાર ભારતનો વિરોધ કરવામાં જ છે તેમ જણાવી તાહિર અસલમે કહ્યું કે, કેટલાક સમજદાર મુસલમાનો તેમજ અન્ય સામાન્ય પ્રજા જેને રાજકારણમાં રસ નથી તેમના ઉપર થોડી ઘણી આશા રાખી શકાય તેમ છે. તાહિર અસલમ સ્પષ્ટપણે માને છે અને જાહેરમાં એ વિશે બોલે પણ છે કે, દુનિયામાં પાકિસ્તાન જ એકમાત્ર એવો દેશ છે જ્યાંથી આતંક ઊભો થાય છે અને દુનિયાભરમાં ફેલાય છે.
72 વર્ષના સમયગાળામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીનું પ્રમાણ ટોચ ઉપર છે ત્યારે જે કેટલાક પાક-મુસલમાનો (પાક અર્થાત પાકિસ્તાની નહીં પણ પવિત્ર) આપણી આસપાસ છે તેમાં હાલમાં કેરળના રાજ્યપાલ આરીફ મોહંમદ ખાન, તારીક ફતેહ તથા તાહીર અસલમ ગોરા વિશે દરેક ભારતીયને ખબર હોવી જોઇએ અને આવા લોકોને પ્રોત્સાહિત પણ કરવા જોઇએ. આ ત્રણ પૈકી આરીફ મોહંમદ ખાન ભારતીય નાગરિક છે. મૂળભૂત રીતે કોંગ્રેસી નેતા, પરંતુ રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને અવગણીને મુસ્લિમોની ખુશામત કરવાનો હિચકારો પ્રયાસ કર્યો હતો ત્યારે આરીફ મોહંમદ એકમાત્ર હિંમતવાન મુસ્લિમ હતા જેમણે પોતાની જ સરકારના એ પગલાંનો વિરોધ કરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આવા એક સાચા મુસલમાનની મોદી સરકારે થોડા મહિના પહેલાં કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરી છે. એ સિવાયના બંને – તારીક ફતેહ અને તાહીર અસલમ પાકિસ્તાનમાં જન્મેલા પરંતુ કેનેડામાં જઇને વસેલા છે. આ બંનેને પાકિસ્તાની સરકાર-લશ્કર-આઈએસઆઈની ભારત વિરોધી કટ્ટરતા પસંદ નથી અને બંને હંમેશાં જાહેરમાં ભારતની તરફેણમાં નિવેદનો કરે છે, લખે છે.
તો આવા તાહીર અસલમ પ્રત્યે રાષ્ટ્રવાદી ભારતીયોને માન હોય એ સ્વાભાવિક છે. કેનેડામાં ન્યૂઝ ચૅનલ ચલાવતા અને સાથે ત્યાંના મુસ્લિમો પાકિસ્તાન તરફી કટ્ટરવાદી ન બને એ માટે કર્મશીલની જેમ કામ કરતા આ તાહીર અસલમે થોડાં વર્ષ પહેલાં તેમની ટીવી ચૅનલમાં ગાય વિશે ચર્ચા કરી હતી. ભારતમાં ગૌહત્યા અને તેને કારણે ગાયના તસ્કરો સામે કેટલાક લોકો નારાજ થઈને હિંસક બન્યા ત્યારે તાહીર અસલમે ઇસ્લામમાં ગાય વિશે શું માન્યતાઓ છે અને કુર્રાનમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે તેની ચર્ચા કરી હતી. તેમનો આ વીડિયો એ સમયે ભારતમાં ખૂબ જ વાયરલ થયો હતો.
તાહીર અસલમ, તારીક ફતેહ જેવા પાકિસ્તાની કેનેડિયન નાગરિકોને ભારત, ભારતીયો, હિન્દુઓ તેમજ નરેન્દ્ર મોદી ઉપર શ્રદ્ધા, આશા અને વિશ્વાસ છે એ એક સારું લક્ષણ છે. આવા મુસ્લિમોની સંખ્યા વધે એ આખી દુનિયાના લાભમાં છે.