Monday, May 28, 2018

વાંક તો સોએ સો ટકા મોદીસાહેબનો જ છે


વાંક તો સોએ સો ટકા મોદીસાહેબનો જ છે

--- પૂરા 67 વર્ષથી આ દેશની પ્રજા તમામ સુખ-સંપત્તિ સાથે આરામની જિંદગી પસાર કરી રહી હતી... મોદીસાહેબે આવીને જાતજાતનાં સપનાં બતાવ્યાં અને બધી માથાકૂટ શરૂ થઈ


-- અલકેશ પટેલ

વાંક તો મોદીસાહેબનો છે જ કે તેમણે આર્થિક રીતે સક્ષમ લોકોને રાંધણગૅસની સબસિડી છોડવા અપીલ કરી હતી. બાકી, એ વાત અલગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી આખા દેશમાં લગભગ દોઢ કરોડ કરતાં વધુ લોકોએ રાંધણગૅસ પરની સબસિડી છોડી દીધી જેને કારણે સરકારને દર મહિને લગભગ રૂપિયા 1000 કરોડ કરતાં વધુની બચત થાય છે જેનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે થાય છે.
વાંક તો મોદીસાહેબનો જ છે કે તેમને ખુલ્લામાં શૌચાલય માટે મજબૂર દેશના કરોડો લોકોની ચિંતા થઈ હતી. બાકી, એ વાત અલગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગયા વર્ષ સુધીમાં છ કરોડ શૌચાલયનું નિર્માણ થયું હતું અને આ વર્ષે બીજા બે કરોડ શૌચાલય નિર્માણનું લક્ષ્યાંક છે, જેને કારણે ખાસ કરીને મહિલાઓને ઘણી મોટી રાહત થઈ ગઈ છે.
વાંક તો મોદીસાહેબનો છે જ કે તેમને લાકડા અને કોલસાના ચુલા ઉપર કામ કરવા મજબૂર મહિલાઓની ચિતા થઈ. બાકી, એ વાત અલગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્વલા યોજના શરૂ કરીને એવા 3.5 કરોડ કરતાં વધુ પરિવારમાં મફતમાં ગૅસ સિલિન્ડર પહોંચાડી દીધા છે જેને કારણે ગ્રામ્ય તેમજ આદિવાસી વિસ્તારની કરોડો મહિલાઓ કોલસા અને લાકડાના ધૂમાડાથી બચી ગઈ છે.
વાંક તો મોદીસાહેબનો જ છે કે તેમણે દર વર્ષે એક કરોડ યુવાનોને નોકરી આપવાની વાત કરી હતી. બાકી, એ વાત અલગ છે કે મુદ્રા યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષંમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આશરે 10 કરોડ લોકો કોઈપણ જાતની મુશ્કેલી વિના અંદાજે છ લાખ કરોડની લોન લઈને નાના મોટા વ્યવસાય દ્વારા પોતે રોજગારી મેળવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અન્ય લોકોને પણ રોજગારી આપી રહ્યા છે. (સ્રોત - https://www.mudra.org.in/ )
વાંક તો મોદીસાહેબનો જ છે કે તેઓ સત્તા પર આવ્યા ત્યારે દેશના 18,000 કરતાં વધારે ગામડાં વીજળીથી વંચિતા હતાં. બાકી, એ વાત અલગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસનના ચાર વર્ષ પૂરા થાય તે પહેલાં જ તમામ 18,000 ગામોમાં વીજળી પહોંચાડી દીધી, અને હવે પ્રત્યેક ઘરમાં વીજળી પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
વાંક તો મોદીસાહેબનો જ છે કે તેમણે નોટબંધી કરીને રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો એકાએક બંધ કરી દીધી. બાકી, એ વાત અલગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પગલાને કારણે મોટાભાગનું બેનંબરી નાણું બેંન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગયું. અને જે લોકો પાસે નકલી ચલણી નોટો હતી એ બધા રાતા પાણીએ રોયા. સૌથી અગત્યની વાત એ બની કે ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા પાકિસ્તાનમાં ચાલતા નકલી નોટો છાપવાના ધંધા રાતોરાત બંધ થઈ ગયા.
અને GST? અરે એ તો સૌથી મોટો વાંક છે... જીએસટીને કારણે ભાવો નિયંત્રણમાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે વેપારીઓ, જે ઉદ્યોગકારો, જે નાની-મોટી દુકાનવાળા અને રેસ્ટોરંટ-હોટેલવાળા રોકડામાં વ્યવહારો કરીને ધોરાજી ચલાવતા હતા અને એક પણ પૈસાનો ટેક્સ નહોતા ભરતા એ બધાએ જીએસટીની અંદર આવી ગયા ત્યારથી ટેક્સ ભરવો પડે છે, બોલો..! દાયકાઓ સુધી બેનંબરી ધંધા કરીને ટેક્સ નહીં ભરનારાને હવે થોડો ટેક્સ ભરવો પડે છે તો આકરું પડે છે.
મોદીસાહેબના આવા અનેક વાંક તરફ ધ્યાન દોરી શકાય એમ છે. તેમનો સૌથી મોટો વાંક તો એ છે કે એ ખૂબ ઊંચા સ્વપ્ન જૂએ છે અને તેને પૂરા કરવા દિવસ-રાત મહેનત કરે છે. તેમના પ્રધાનમંડળને મહેનત કરવા પ્રોત્સાહન આપે છે અને દેશના અનેક લોકો તેમનામાંથી પ્રેરણા લે છે.
મોદીસાહેબના આ વાંક ને કારણે જ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું વજન ખૂબ વધી ગયું છે. એક માત્ર પાકિસ્તાનને બાદ કરતાં આખી દુનિયા ભારત સાથે કોઈને કોઈ ક્ષેત્રમાં સંબંધ વિસ્તારવા આતુર છે. ભારતે ફ્રાન્સની સાથે મળીને 23 દેશોનું એક જૂથ બનાવ્યું છે જે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને ગ્રીન એનર્જીની દિશામાં આગળ વધશે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ નામે આ યોજનાનો લાભ ભારત ઉપરાંત આફ્રિકાના ગરીબ દેશોને પણ મળશે. (સ્રોત - https://economictimes.indiatimes.com/news/politics-and-nation/india-france-come-together-to-reiterate-their-climate-commitment/articleshow/63255314.cms )
મોદીસાહેબના આવા બધા વાંક ધ્યાનમાં લઈશું તો કોઈ અંત જ નથી. ચાર વર્ષની યાદી ઘણી લાંબી છે. હજુ એક વર્ષ બાકી છે, ત્યારે સમયાંતરે આ વિષય ઉપર વાત કરતા રહીશું.

Tuesday, May 22, 2018

નમાઝ તો એક બહાના હૈ, બતાઓ અસલી મકસદ ક્યા હે?


નમાઝ તો એક બહાના હૈ, બતાઓ અસલી મકસદ ક્યા હે?
--- ભારતના મુસ્લિમોની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેઓ પવિત્ર કુરાનના નામે એવી તમામ પ્રવૃત્તિઓ કરે છે જેનાથી અન્ય સમુદાયોને તકલીફ પડે, અને પછી કોઈ કંઈ કહે અથવા કાયદાના પાલનની વાત આવે તો એ બંધુઓને અન્યાય લાગે છે!
http://www.sadhanaweekly.com/Encyc/2018/5/16/Namaz-should-be-banned-on-roads-and-public-property.html 




n  નમાઝ એ એવી ધાર્મિક વિધિ છે જે વ્યક્તિગત છે. વ્યક્તિ અને અલ્લા વચ્ચેના સંવાદનો સેતુ છે, તો પછી જાહેરમાં બીજા લોકોને નડતરરૂપ થવાનો મતલબ શો છે?

n  સહિષ્ણુતા કદી એક તરફી ન હોઈ શકે. સેક્યુલરવાદીઓને એ ખ્યાલ હોવો જોઈએ કે આ એ જ દેશ છે જેણે દુનિયાભરના તમામ સમુદાયોને ખુલ્લા મને આવકાર્યા છે

n  પાક (અર્થાત પવિત્ર, સાચા) મુસલમાનો છે તેઓ વારંવાર કહી રહ્યા છે કે જાહેર સ્થળોએ, અન્ય લોકોને અવરોધરૂપ થાય એ રીતે નમાઝ પઢવાની હોતી જ નથી

-- અલકેશ પટેલ

8 જુલાઈ, 2017ની રાત્રે મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે કેટલાક લોકો અવર-જવર કરવાના માર્ગમાં જ નમાઝ પઢવા લાગ્યા. ત્યાં તહેનાત સીઆઈએસએફના જવાનોએ એ લોકોને બીજાને નડતરરૂપ ન થવા અને નમાઝ માટે બનાવવામાં આવેલા વિશેષ રૂમમાં જવાનું કહેવાને બદલે અન્ય સેંકડો પ્રવાસીઓને મુશ્કેલી પડવા દીધી. એક વ્યક્તિએ આ બાબતનો વિરોધ કર્યો તો તેને ધમકી આપવામાં આવી.
એ જ રીતે જુલાઈ 2015માં એક સાંજે કોલકાતાના હાવરા બ્રિજના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયા. ત્યાંની સરકારી બસના એક મુસ્લિમ ડ્રાઈવરે બરાબર બ્રિજની વચ્ચોવચ બસ ઊભી રાખી દઈને નમાઝ પઢવાનું શરૂ કરી દીધું. કોલકાતાની અને તેમાંય હાવરા બ્રિજની જેમણે મુલાકાત લીધી હશે તેમને ખ્યાલ હશે કે સાંજના સમયે ત્યાં ટ્રાફિકની સ્થિતિ કેવી હોય છે! અને છતાં એ મુસ્લિમ ડ્રાઈવરે હજારો લોકોના સમયની, હજારો વાહનોમાં બળતા પેટ્રોલ-ડીઝલની – કોઈ વાતની ચિંતા કર્યા વિના નમાઝ પઢી.
ભારતના મુસ્લિમોની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેઓ બધી વાતમાં પવિત્ર કુરાનનો હવાલો આપી દઈને એવા તમામ કૃત્યો કરે છે જેનાથી બીજા સમુદાયોને મુશ્કેલી થાય. પછી બીજા સમુદાય તેમનો વિરોધ કરે અથવા સરકાર કે વહીવટીતંત્ર કાયદાનું પાલન કરવાનું કહે તો મુસ્લિમ સમુદાયને ભારે ખોટું લાગી જાય છે અને પછી જે કંઈ ઘટનાઓ બને તેને દેશ અને દુનિયા જોતી હોય છે. આ વાતનું તાજું ઉદાહરણ હરિયાણાના ગુરુગ્રામમાં નમાઝ પઢવા અંગેનું છે. તાજું એટલા માટે કે છેલ્લા 15 દિવસથી આપણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ટીંગાડેલી ઝીણાની તસવીરના વિવાદમાંથી બહાર નીકળ્યા નથી કેમકે ત્યાંના મુસ્લિમો એ તસવીર હઠાવવા તૈયાર નથી.
ખેર, આજે નમાઝ વિવાદની વાત કરીએ. જે પાક (અર્થાત પવિત્ર, સાચા) મુસલમાનો છે તેઓ વારંવાર કહી રહ્યા છે કે જાહેર સ્થળોએ, અન્ય લોકોને અવરોધરૂપ થાય એ રીતે નમાઝ પઢવાની હોતી જ નથી, અલ્લા એ નમાઝ કબૂલ રાખતા નથી. મેં મારા અહીંના મુસ્લિમ મિત્રો સાથે વાત કરીને એ જાણવા પ્રયાસ કર્યો કે, શું પાકિસ્તાનમાં પણ આવી સ્થિતિ છે જ્યાં જાહેરમાં, બીજા લોકોને મુશ્કેલી પડે એ રીતે નમાઝ પઢવામાં આવતી હોય? એ મિત્રોએ કહ્યું કે ના, ભારતના મુસ્લિમોની જેમ પાકિસ્તાન તો શું, દુનિયામાં બીજે ક્યાંય જાહેર રસ્તા પર, રેલવે ટ્રેક પર, અન્ય સરકારી જગ્યાઓ પર નમાઝ થતી નથી. તેમછતાં માની લો કે એક સમયે પાકિસ્તાનાં આવાં બધાં સ્થળે નમાઝ થતી હોય તો પણ શું... એ ધર્મના આધારે ઈસ્લામિક દેશ છે તો ત્યાં થાય, પણ એમાં ભારતને શું? શું ભારતે પોતાને ધર્મનિરપેક્ષ દેશ જાહેર કર્યો છે એ તેનો વાંક છે?
આ વખતે વિવાદની જ્યાંથી શરૂઆત થઈ તે હરિયાણાના ગુરુગ્રામની વાસ્તવિકતા જાણવા-સમજવા જેવી છે. ગુરુગ્રામમાં મુસ્લિમો 100 કરતાં વધુ સ્થળે જાહેર જગ્યાઓ રોકીને, અનેક લોકોને અવરોધ થાય એ રીતે નમાઝ પઢતા હતા જેની સામે સ્થાનિક નાગરિકોએ વાંધો ઉઠાવ્યો અને ત્યારબાદ મુખ્યપ્રધાને નિવેદન કરવું પડ્યું. એ પછી મુસ્લિમોએ એવું બહાનું કાઢ્યું કે તેમની પાસે પૂરતી મસ્જિદો નથી અને અનેક મસ્જિદો ખંડેર બની ગઈ છે અને કેટલીક મસ્જિદોમાં અન્ય લોકોએ કબજો કરી લીધો છે, તેથી બધાએ જાહેર રસ્તાઓ પર નમાઝ પઢવી પડે છે. આ બહાના પછી તંત્રએ તપાસ કરતાં હકીકત એ બહાર આવી કે, વકફ બોર્ડ તેમજ મસ્જિદોની 80 ટકા જગ્યાઓ પર ગેરકાયદે કબજો છે અને પાછો એ કબજો મુસ્લિમોએ જ કરેલો છે. આ અંગેનો વિગતવાર અહેવાલ (https://hindi.news18.com/news/nation/namaz-controversy-gurgaon-administration-report-over-waqf-board-haryana-allegations-hindu-muslim-1373897.html) પણ પ્રકાશિત થયો છે. આનો અર્થ એ થયો કે મુસ્લિમ સંગઠનો, વકફ બોર્ડ તેમજ મસ્જિદોના મૌલવીઓ તેમની પાસે જે જગ્યા ઉપલબ્ધ છે તેને સાફસુફ અને વ્યવસ્થિત કરીને ત્યાં નમાઝ પઢાવવા તૈયાર નથી, પરંતુ અન્ય સમુદાયોને મુશ્કેલી થાય તો પણ જાહેર રસ્તાઓ, સરકારી જમીનો ઉપર જ નમાઝ પઢવી છે!?
નમાઝ એ એવી ધાર્મિક વિધિ છે જે વ્યક્તિગત છે. વ્યક્તિ અને અલ્લા વચ્ચેના સંવાદનો સેતુ છે, તો પછી જાહેરમાં બીજા લોકોને નડતરરૂપ થવાનો મતલબ શો છે? મસ્જિદો ઉપર ચાર દિશામાં લગાવવામાં આવતા લાઉડસ્પીકર અને તેને કારણે અનેક બિન-મુસ્લિમોને થતી મુશ્કેલીના વિવાદમાંથી હજુ કોઈ ઉકેલ મળ્યો નથી, કેમકે એ મુદ્દામાં પણ મુસ્લિમોએ અતિશય જડ વલણ અખત્યાર કરીને લાઉડસ્પીકર બંધ કરવાની તૈયારી દર્શાવી નથી.
લાઉડસ્પીકરની શોધ છેક 1876-77માં થઈ. ઈસ્લામનો ઈતિહાસ 1400-1500 વર્ષનો છે. આમ ઈસુની 5મી સદીથી છેક 19મી સદી સુધી લાઉડસ્પીકર વિના નમાઝ થઈ શકતી હતી તો પછી હવે અને તે પણ ભારતમાં અને તે પણ દરેક મસ્જિદ ઉપર અને તે પણ ચાર દિશામાં લાઉડસ્પીકર ગોઠવીને દિવસમાં પાંચ વખત અન્ય તમામ સમુદાયોને પણ એ બધું સાંભળવા ફરજ પાડવાનું ઔચિત્ય કોઈ તાર્કિક રીતે સમજાવી શકે તેમ છે?
--- સેક્યુલારિઝમ કસોટીની એરણ ઉપર છેઃ-
ભારતના મુસ્લિમોના આવા વલણને કારણે હવે તો સેક્યુલારિઝમ પણ કસોટી ઉપર છે. સાવ નાની નજીવી બાબતે હિન્દુવાદી નેતાઓ ઉપર એક સાથે હિંસક બનીને તૂટી પડતા કોંગ્રેસ-ડાબેરી જેવા સેક્યુલર પક્ષો, કેટલાક ચોક્કસ ટીવી અને અખબારી સેક્યુલર મીડિયા તેમજ કેટલીક ચોક્કસ પ્રકારની બોલિવૂડ સેલિબ્રિટી – આ બધાનું સેક્યુલારિઝમ હવે કસોટી ઉપર છે. આ સેક્યુલરવાદીઓ ઈચ્છતા હોય કે આ દેશમાં શાંતિ રહે તો તેમણે મુસ્લિમોને તેમના જડ વલણમાંથી સાચી દિશા તરફ વાળવા પડશે. સહિષ્ણુતા કદી એક તરફી ન હોઈ શકે. સેક્યુલરવાદીઓને એ ખ્યાલ હોવો જોઈએ કે આ એ જ દેશ છે જેણે દુનિયાભરના તમામ સમુદાયોને ખુલ્લા મને આવકાર્યા છે અને દરેકને પોતાના ધર્મનું પાલન કરવાની, તેમને વિકસિત થવાની પૂરી સ્વતંત્રતા આપી છે અને એવા બીજા કોઈ સમુદાય સાથે કદી ભારતીય હિન્દુઓને વાંધો પડ્યો નથી. તો પછી માત્ર મુસ્લિમો સાથે વારંવાર આવું શા માટે થાય છે?
આ આખા મામલામાં કોંગ્રેસ અને ડાબેરીઓનો વાંક પણ ઓછો નથી. છેક 1947થી જુદી જુદી રીતે આ બધું થઈ રહ્યું છે છતાં કોંગ્રેસ અને ડાબેરીઓને મુસ્લિમોમાં માત્ર મત દેખાયા અને તેથી કદી તેમને વાળ્યા નહીં, બલ્કે દરેક નાના-મોટા વિવાદ વખતે મુસ્લિમોનો બચાવ કર્યો અને માત્ર હિન્દુઓને જવાબદાર ઠેરવ્યા. કોંગ્રેસ અને ડાબેરીઓની એ નીતિનું આજે પરિણામ એ આવ્યું છે કે રાષ્ટ્રવાદી સરકાર મુસ્લિમો સહિત રાષ્ટ્રના તમામ નાગરિકોને સમાન ગણવા પ્રયાસ કરે છે તો મુસ્લિમોને એ પસંદ નથી આવતું અને તેઓ હિંસક બની જાય છે.
અહીં માત્ર સેક્યુલરવાદીઓ જ નહીં પરંતુ કહેવાતા મુસ્લિમ અગ્રણીઓની માનવતા પણ કસોટીની એરણ ઉપર છે. આખો દિવસ દરેક બાબતમાં સંઘ અને ભાજપને જવાબદાર ઠેરવીને સમગ્ર હિન્દુ સમાજને આરોપીના પિંજરામાં ઊભા રાખી દેતા મુસ્લિમ અગ્રણીઓએ પણ જાહેરમાં નમાઝ અને લાઉડસ્પીકરના મુદ્દે દેશના હિતમાં આગળ આવીને જીદ્દી તેમજ કટ્ટરવાદી મુસ્લિમોને સમજાવવા પડશે, વાળવા પડશે.
ત્રીજો સૌથી અગત્યનો મુદ્દો વસ્તીનો છે. મુસ્લિમોને નમાઝ માટે દિવસે દિવસે જો જગ્યા ઓછી પડતી હોય તો તેનો સીધો અર્થ એ છે કે તેમની વસ્તી પ્રમાણમાં ઘણી વધારે વધી રહી છે. 130 કરોડના આ દેશમાં 90 કરોડ જેટલા હિન્દુ છે, તેમાંથી 99.99 ટકા ધાર્મિક છે, તેમછતાં તેઓ ધાર્મિક વિધિ માટે કોઈને નડતરરૂપ બનતા નથી. ક્યારેક કોઈ તહેવાર હોય ત્યારે ભીડ કે ઘોંઘાટ લાગે, પરંતુ એ થોડા કલાક કે એકાદ દિવસ પૂરતી વાત હોય છે. તેની સામે મુસ્લિમો દર શુક્રવારે દેશમાં અનેક જગ્યાએ જાહેર રસ્તા, રેલવે ટ્રેક, એરપોર્ટ બધે નમાઝ પઢતા રહેશે તો આ સ્થિતિ આપણને ક્યાં લઈ જશે? આ દેશ અને દેશના બહુમતી નાગરિકો દરેકની ધાર્મિક ભાવનાનો આદર કરે છે, પરંતુ સાથે દરેકે એ સમજવું પડશે કે બીજાને નડતરરૂપ બનીને પરાણે આદરભાવ રાખવા તમે કોઈને મજબૂર કરી શકો નહીં. કદી કોઈ તાળી એક હાથે વાગતી નથી...

Saturday, May 12, 2018

હેરિટેજ સ્મારકઃ એક આવકાર્ય પહેલ


હેરિટેજ સ્મારકઃ એક આવકાર્ય પહેલ
--- કેન્દ્ર સરકારે મૉન્યુમૅન્ટ મિત્ર નામે દેશના સૌથી અગત્યનાં પ્રાચીન રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીની જવાબદારી કૉર્પોરેટ ગૃહોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રવાસન માટે આ ખૂબ આવકાર્ય નિર્ણય છે, તેને રાજકીય રંગ આપી વિરોધ કરવો યોગ્ય નથી



-- અલકેશ પટેલ

શેરેલ કૂક (Sharell Cook) નામનાં એક ખૂબ જાણીતાં પ્રવાસ લેખિકા છે. મૂળ ઑસ્ટ્રેલિયન, પરંતુ ભારત જોયા પછી ભારતના પ્રેમમાં પડીને અહીં જ વસી ગયેલાં સુશ્રી કૂકે થોડાં વર્ષ પહેલાં લખેલું વિધાન આજે મને યાદ આવે છે. તેમના પ્રવાસન બ્લૉગમાં તેમણે લખ્યું હતું, ભારતમાં દરવર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પ્રવાસી આવે છે. મોટાભાગના વિદેશી પ્રવાસીને તેમના પોતાના દેશમાં બીચ અને રિસોર્ટ્સ જોવા-માણવા મળે છે. એ વિદેશીઓ અહીં પ્રાચીન ભારતીય સ્મારકો અને પ્રાચીન ઈતિહાસ જાણવા આવે છે, પરંતુ કમનસીબે આ સ્મારકો અને ઐતિહાસિક સ્થળો જાળવણી (મેન્ટેનન્સ) ના અભાવે વિદેશી પ્રવાસીઓ નિરાશ થાય છે. આટલું લખીને સુશ્રી કૂકે તે સમયની ભારત સરકારે હેરિટેજ સ્મારકોની જાળવણી ઉપર ધ્યાન આપવું જોઈએ એવું સૂચન કર્યું હતું.
બીચ અને રિસોર્ટ્સ વિકસાવવામાં કંઈ ખોટું નથી કેમકે જે ભારતીય પ્રવાસીઓ વિદેશ નથી જઈ શકતા તેઓ અહીં જ તેનો આનંદ માણી શકે, પરંતુ મુદ્દો હેરિટેજ સ્મારકોનો છે. વિદેશીઓ અહીં ભારતને જાણવા આવતા હોય છે અને એ પ્રાચીન સ્મારકો દ્વારા જાણી શકાય. આ સ્થળો જાળવણીના અભાવે કેવી સ્થિતિમાં છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ હવે સ્થિતિ બદલાશે. નરેન્દ્ર મોદી સરકારે મૉન્યુમૅન્ટ મિત્ર નામે જે યોજના અમલમાં મૂકી છે તેનાથી એકાદ વર્ષમાં આ સ્મારકોનું આખું ચિત્ર બદલાઈ જશે એવી આશા રાખવી અસ્થાને નથી. સૌપ્રથમ કામગીરી લાલ કિલ્લા માટે શરૂ થઈ રહી છે. દાલમિયા ભારત કૉર્પોરેટ ગૃહ લાલ કિલ્લાની આસપાસનો વિસ્તાર સુંદર બનાવી, તેમાં જાહેર સુવિધાઓ ઊભી કરીને તેને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવશે. દેશના અલગ અલગ ક્ષેત્રમાં આવાં અન્ય વિખ્યાત સ્મારકોને દત્તક આપવાની પ્રક્રિયા ચાલુ છે. અને હવે તો છેલ્લા સમાચાર પ્રમાણે ગુજરાતમાં પણ આવાં પ્રાચીન રાષ્ટ્રીય સ્મારકો દત્તક આપવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
વાસ્તવમાં હેરિટેજ સ્મારકોની જાળવણી માટે વીસ-બાવીસ વર્ષ પહેલાં એટલે કે 1996માં તત્કાલીન સરકારે નેશનલ કલ્ચરલ ફંડ નામે આવી જ યોજના અમલમાં મૂકી હતી પરંતુ તે સમયે દેશમાં રાજકીય સ્થિતિ એટલી બધી અસ્થિર હતી કે કોઈ સરકાર કે વડાપ્રધાન પાંચ વર્ષ પૂરા કરી શકતા નહોતા. એ સ્થિતિમાં યોજનાઓના અમલની શી હાલત થાય એ સમજી શકાય તેમ છે. પણ હવે એ યોજના નવા નામે રિલૉન્ચ થઈ છે અને આ વખતે તેની સફળતા વિશે શંકા રાખવાને કોઈ કારણ નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે આ વખતની મૉન્યુમૅન્ટ મિત્ર યોજના મોદી સરકારે સપ્ટેમ્બર 2017માં અમલમાં મૂકી હતી અને વિવિધ કૉર્પોરેટ ગૃહે તેમાં સક્રિય રસ લઈને કામગીરી શરૂ પણ કરી દીધી છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે પણ રાષ્ટ્રીય સ્મારકો અને તેની સાથે સંકળાયેલી પ્રવાસન પ્રવૃત્તિ અંગે આવો જ અભિગમ ધરાવતા હતા એ જાણીતી વાત છે. (ઉપરાંત અહીં એક આડવાત કરી લેવી જોઈએ કે નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાન તરીકેના શાસનકાળ દરમિયાન ગુજરાતે મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પ્રચંડ સફળતા મેળવી હતી અને હજુ પણ એ ટ્રેન્ડ ચાલુ છે.)
મૂળ મુદ્દો ઉપેક્ષાનો ભોગ બનીને ભૂલાઈ રહેલાં પ્રાચીન ભારતીય રાષ્ટ્રીય સ્મારકો પ્રત્યે દેશના નાગરિકો ઉપરાંત વિદેશી પ્રવાસીઓમાં આકર્ષણ અને જાગૃતિ ઊભી કરવાનો છે. આ દેશની કમનસીબી એ છે કે ખાસ કરીને મે, 2014 પછી દરેકે દરેક નાની નાની બાબતોને રાજકીય રંગ આપીને વિરોધ શરૂ કરી દેવામાં આવે છે. જો સરકારના દરેકે દરેક પગલાંને રાજકીય દૃષ્ટિકોણથી જ જોવામાં આવશે અને તેનો વિરોધ કરવામાં આવશે તો આ દેશ ક્યારે પ્રગતિ કરશે?
વિપક્ષ ભલે પોતાની રીતે આવી બાબતોને રાજકીય રંગ આપે, પરંતુ દેશની પ્રજાએ અહીં કેટલીક મહત્ત્વની બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. જેમ કે, દેશના અર્થતંત્રમાં પ્રવાસનનો એક ખૂબ મોટો હિસ્સો છે. પ્રવાસન અર્થતંત્રને તો વાયબ્રન્ટ બનાવે જ છે, સાથે સાથે રોજગારી સર્જનમાં પણ તેનો નોંધપાત્ર હિસ્સો રહેલો છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના અહેવાલ અનુસાર 2017માં ભારતમાં પ્રવાસનને કારણે રૂ. 15.24 લાખ કરોડની આવક થઈ હતી અને પ્રવાસનને કારણે સીધી અને આડકતરી રીતે ચાર કરોડ કરતાં વધારે લોકોને રોજગારી મળી હતી. અન્ય એક અહેવાલ પ્રમાણે 2017ના પ્રથમ છ મહિનામાં જ 15 ટકા વધારા સાથે 56 લાખ કરતાં વધુ વિદેશી પ્રવાસી ભારત આવ્યા હતા. હવે આ તમામ આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો દીવા જેવું સ્પષ્ટ છે કે અર્થતંત્ર માટે પ્રવાસન અત્યંત જરૂરી છે. અને પ્રવાસન માટે પ્રાચીન રાષ્ટ્રીય સ્મારકો સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર હોવાં જોઈએ. દેખીતી રીતે એ માટે આવાં સ્મારકોની આસપાસની જગ્યા, ત્યાંની પ્રાથમિક સુવિધા, દિવ્યાંગ પ્રવાસીઓ માટે સરળતાથી હરીફરી શકવાની પાયાની સુવિધાઓ હોવી જોઈએ જેના માટે કૉર્પોરેટ ગૃહો તેમની સીએસઆર પ્રવૃત્તિના ભાગરૂપે આગળ આવે તો એમાં ખોટું શું છે!
આ ક્ષેત્ર ઉપર આટલા દાયકાથી ખાસ ધ્યાન આપવામાં નથી આવ્યું. આપણાં રાષ્ટ્રીય સ્મારકોની હાલત આવી હોવાનાં ચાર કારણ છે – એક તો અત્યાર સુધીની સરકારોની ઉદાસીનતા. બીજું, વહીવટીતંત્રની ઉદાસીનતા અને ભંડોળનો અભાવ. ત્રીજું, આવાં સ્મારોકની અંદર અને તેની આસપાસ ખૂબ મોટાપાયે થયેલાં ગેરકાયદે દબાણો. અને ચાર, પ્રાચીન સ્મારકોની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓ દ્વારા કરવામાં આવતી ગંદકી અને નુકસાન. આપણે સૌ આ ચાર કારણોથી વાકેફ છીએ. અત્યાર સુધીની સરકારોએ તાજ મહલ કે એવાં બીજા બે-ચાર સ્મારકો સિવાય મોટાભાગનાં પ્રાચીન રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતાં સ્મારકો અંગે કોઈ ધ્યાન આપ્યું નથી. આવાં મોટાભાગનાં સ્મારકો પુરાતત્વ વિભાગના નેજા હેઠળ છે. પુરાતત્વ વિભાગ પાસે તમામ સ્મારકોની જાળવણી માટે મેનપાવર અને નાણાં ન હોય એ સ્વાભાવિક છે. આમ સમગ્રતયા સ્થિતિ એવી આવીને ઊભી રહી કે સરકાર અને સરકારી તંત્ર એ બંને પ્રાચીન વારસાની જાળવણીનું મહત્ત્વ સમજવામાં અને તેની સાથે જોડાયેલી આર્થિક પ્રવૃત્તિઓને સમજવામાં ઉણાં ઉતર્યા.
પણ આ સ્થિતિ હવે બદલાઈ શકે તેમ છે. કૉર્પોરેટ ગૃહો દ્વારા તે દત્તક લેવામાં આવશે તો અગાઉ જણાવી તેવી સુવિધાઓ ઊભી થવા ઉપરાંત આ સ્મારકો વિશેની સચોટ માહિતી દેશ અને દુનિયા સુધી પહોંચી શકશે કેમકે દત્તક લેનાર કૉર્પોરેટ ગૃહને પોતાનું નામ તેમાં સંકળાયેલું હોવાથી માર્કેટિંગ કરવાની પણ તક મળશે. એ રીતે આપણા પ્રાચીન રાષ્ટ્રીય સ્મારકો પ્રવાસનની દૃષ્ટિથી આંતરરાષ્ટ્રીય સ્તરનાં બનશે કેમકે સૌંદર્યકરણની કામગીરી પૂરેપૂરી પ્રોફેશનલ રીતે થશે. હેરિટેજ સાઈટને દત્તક લઈને તેની જાળવણીની જવાબદારી લેનાર કૉર્પોરેટ ગૃહને સરકારી ફાઈલિંગ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે, એટલું જ નહીં પરંતુ કામગીરી કરવા માટે નાણાંની રાહ પણ નહીં જોવી પડે.
આ બાબતના કેટલાંક શ્રેષ્ઠ ઉદાહરણ અમદાવાદના છે. તેમાં એક છે શાહીબાગ વિસ્તારમાં આવેલું સરદાર પટેલ સ્મારક ભવન. છેલ્લા એક દાયકામાં આ સ્મારક ભવનને જે રીતે ડેવલપ કરવામાં આવ્યું અને તેની જાળવણી કરવામાં આવી તે અચૂક જોવા જેવી છે. એ સિવાય કૉર્પોરેટ સામેલગીરીના બે ઉત્તમ ઉદાહરણ અમદાવાદમાં જ મળી રહે છે. એક છે કેલિકો મિલ ટેક્સટાઈલ મ્યુઝિયમ તથા લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ. આ બંને સ્થળ પ્રાચીન રાષ્ટ્રીય સ્મારકની કક્ષામાં નથી આવતાં, પરંતુ તેની નોંધ લેવાનું કારણ એ છે કે તેની જાળવણી જે તે ઉદ્યોગગૃહ દ્વારા થાય છે. પરિણામે અનેક દાયકા પછી પણ તે એવાં જ આકર્ષક અને સુંદર રહી શક્યાં છે. આ બંને મ્યુઝિયમે એક સદી પહેલાના આ શહેરના ઈતિહાસ અને વારસાને જાળવવામાં જે ભૂમિકા ભજવી છે એ મોડેલને વિસ્તૃત ફલક ઉપર લઈ જઈને રાષ્ટ્રીય સ્મારકોની જાળવણી ઉદ્યોગગૃહોને સોંપવામાં કશું જ ખોટું નથી. આ પગલાથી રોજગારીના ક્ષેત્રમાં અને તેના દ્વારા અર્થતંત્રને ફાયદો થવાનો છે એ નિશ્ચિત છે. બસ આપણે સૌએ એટલું જ યાદ રાખવાનું છે કે ઉદ્યોગગૃહો ભલે આ સ્મારકો દત્તક લે, પરંતુ તેના મૂળ સત્વરૂપ વારસાના જતનની જવાબદારી તો પુરાતત્વ વિભાગ અર્થાત સરકાર પાસે જ રહેવાની છે અને તેથી વારસા સાથે છેડછાડની આશંકાઓ કરવાનું અથવા આ યોજનામાંથી જે તે ઉદ્યોગગૃહ અબજોની કમાણી કરી લેશે એવી આશંકા રાખવાનું કોઈ કારણ નથી.
http://www.sadhanaweekly.com/Encyc/2018/5/8/Government-sold-Lal-Qilla-Heritage-Smarak-One-acceptable-step.html