Monday, July 23, 2018

ચાલો હવે એક દેશ, એક ચૂંટણીની ચર્ચા શરૂ કરીએ


--- રાહુલે સંસદની અંદર ભાષણ આપીને દેશ અને દુનિયાને સંદેશો આપી દીધો કે મારા ઉપર ભરોસો રાખવા જેવો નથી. તો હવે રાહુલની ચર્ચા કરવાનો અર્થ પણ નથી. તેથી જ હવે – એક દેશ, એક ચૂંટણીની ચર્ચા શરૂ થવી જોઈએ


-- અલકેશ પટેલ

જે રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષને અવિશ્વાસ દરખાસ્તની ગંભીરતાનો ખ્યાલ ન હોય, જે રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ પાસે સરકાર ઉપર પસ્તાળ પાડવા માટે કોઈ તર્ક ન હોય, કોઈ વાસ્તવિક આંકડા ન હોય, વિષયોની સાચી માહિતી ન હોય, જે રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષને સંરક્ષણ કરારમાં ગુપ્તતા શું હોય છે એ ખબર ન હોય – એવા કથિત નેતા વિશે હવે વધારે સમય ચર્ચા કરીને સમય અને શક્તિ તેમજ અખબારની મહામૂલી જગ્યા બગાડવાનો કોઈ અર્થ નથી.
અને તેથી જ આપણે વધારે અગત્યના મુદ્દાની ચર્ચા તરફ આગળ વધીએ. હાલના તબક્કે તથા નજીકના ભવિષ્યમાં સૌથી અગત્યનો મુદ્દો જે બની રહેવાનો છે તે છે – એક દેશ, એક ચૂંટણી. સૌથી પહેલાં તો આ વિષય અંગે જે લોકો સાવ અજાણ છે તેમના માટે... એક દેશ, એક ચૂંટણી એટલે શું?
હાલ આપણા દેશમાં લોકસભાની તથા રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી અલગ અલગ સમયે થાય છે. મતદાન માટેની વ્યવસ્થામાં ચૂંટણીપંચથી માંડીને સરકારી તંત્ર તેમજ રાજકીય પક્ષોને પુષ્કળ ખર્ચ થાય છે. તે ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે પાંચ વર્ષની મુદત પૂરી થતી હોવાથી સરેરાશ દર છ-આઠ મહિને દેશમાં ચૂંટણી આવે છે. આમ જાણે કાયમ ચૂંટણીનો માહોલ ચાલ્યા કરે છે. આ બધું બંધ કરીને દર પાંચ વર્ષે લોકસભાની તેમજ તમામ રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સમયે યોજવાની દરખાસ્ત એટલે એક દેશ, એક ચૂંટણી.
આ વાત લાગે છે એટલી સહેલી અને સરળ નથી, કેમકે આપણી બંધારણીય વ્યવસ્થા એવી છે. પરંતુ આવું થાય તો દેશ માટે લાભદાયક ચોક્કસ છે. એક દેશ, એક ચૂંટણીની વ્યવસ્થા લાગુ કરવા માટે થોડા બંધારણીય ફેરફાર તથા પૂરતી સંખ્યામાં ઇવીએમ મશીનની વ્યવસ્થા કરવા સિવાય ખાસ કોઈ મોટી અડચણ નથી. હા, એ ખરું પ્રાદેશિક પક્ષોને તેમના ટૂંકા હિતોની ચિંતા હોય, કેમકે આવી વ્યવસ્થાથી લાંબાગાળે વધારા પડતા રાજકીય પક્ષોને બદલે બે કે ત્રણ રાષ્ટ્રીય પક્ષોનું જ વજૂદ રહે. ટૂંકા, અંગત સ્વાર્થ વાળા નેતાઓ અને રાજકીય પક્ષો નાબૂદ થતાં જાય.
ખેર, એક દેશ, એક ચૂંટણીના લાભ ઘણા વધારે છે. સૌથી પહેલાં તો હાલ અલગ અલગ ચૂંટણી પર જે જંગી ખર્ચ થાય છે તેમાંથી બચી જઈએ. એક અંદાજ પ્રમાણે 2014ની લોકસભા ચૂંટણીમાં રૂ. 30,000 કરોડ જેવો જંગી ખર્ચ થયો હતો. તેમાં રૂ. 3,400 કરોડનો ખર્ચ ચૂંટણીપંચને તથા સરકારના વિવિધ વિભાગને થયેલા રૂ. 2,000 કરોડના ચૂંટણી લક્ષી ખર્ચનો સમાવેશ થાય છે. આ સિવાય ખર્ચ રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોએ કરેલો છે. લોકસભા ચૂંટણી દરમિયાન રૂ. 30,000 કરોડના ખર્ચની સામે જે તે રાજ્ય વિઘાનસભાની ચૂંટણી દરમિયાન સરેરાશ રૂ. 10,000 કરોડની આસપાસ ખર્ચ થાય છે. આ ખર્ચ ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ રાજસ્થાન જેવાં મોટાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો સરેરાશ ખર્ચ છે. નાના રાજ્યોની વિધાનસભા માટે આના કરતાં થોડો ઓછો ખર્ચ થાય. હવે જો આ રાજ્યોની ચૂંટણીના પ્રત્યેકના રૂ. 10,000 કરોડના ખર્ચની જ વાત કરીએ તો તમામ રાજ્યો ઘણી મોટી બચત કરી શકે તેમ છે. રાજ્યોની ચૂંટણીને લોકસભા સાથે જોડી દેવામાં આવે તો રાજ્યોને અલગથી કરવો પડતો ખર્ચ ઘટીને સાવ 1,000 કરોડની આસપાસ રહી જાય. પછી જે કંઈ છે તે રાજકીય પક્ષો અને ઉમેદવારોનો જ ખર્ચ રહે. એ ધ્યાન રહે કે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ વખતે પણ કેન્દ્રીત ચૂંટણીપંચ ઉપર તો ખર્ચનો બોજ પડતો જ હોય છે. પણ જો સાથે ચૂંટણી કરવામાં આવે તો ચૂંટણીપંચ તેમજ રાજ્ય સરકાર બંનેના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે.
ખર્ચની આ ગણતરી ઉપરાંત સલામતી દળો તેમજ ચૂંટણી વ્યવસ્થામાં રોકાતા સ્ટાફનો મુદ્દો પણ અત્યંત અગત્યનો છે. અલગ અલગ સમયે ચૂંટણી થાય તો સલામતી દળોને વારંવાર એ કામમાં રોકવા માટે બોલાવવા પડે, પરિણામે દેશની સલામતી તેમજ આંતરિક સલામતી ઉપર તેઓ ધ્યાન ન આપી શકે. સાથે ચૂંટણી સ્ટાફ, ખાસ કરીને શૈક્ષણિક સ્ટાફને પણ ભારે મુશ્કેલી પડતી હોય છે. લોકસભા ચૂંટણી વખતે પણ શૈક્ષણિક સ્ટાફને ચૂંટણીના કામમાં રોકાઈ રહેવું પડે છે તથા વિધાનસભા ચૂંટણી વખતે પણ તેમણે ફરી આ કામગીરી બજાવવી પડે છે. પરંતુ જો લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે યોજાય તો શૈક્ષણિક સ્ટાફને પણ પાંચ વર્ષે એક જ વખત આ કામગીરીમાં જવું પડે અને બાકીનો સમય તેઓ શિક્ષણકાર્ય માટે સારી રીતે ફાળવી શકે.
દેશમાં 1950માં બંધારણ અમલમાં આવ્યું પછી 1951થી 1967 સુધી આ રીતે દર પાંચ વર્ષે એક વખત જ ચૂંટણી થતી હતી, પરંતુ રાજ્યોમાં બિનકોંગ્રેસી સરકારો રચાવા લાગી એ કેન્દ્રમાં રહેલી કોંગ્રેસી સરકારોને ફાવ્યું નહીં અને તેમણે બંધારણની કલમ 356નો દુરુપયોગ કરીને રાજ્ય સરકારોને પાડવાની શરૂઆત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધા. રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ છ મહિના રાખી શકાય તેથી જે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય ત્યાં છ મહિના પછી ચૂંટણી આવે. અને આ રીતે કેન્દ્રની કોંગ્રેસી સરકારોએ દર પાંચ વર્ષે એક સાથે ચૂંટણીનું ટાઈમટેબલ હતું એ ખોરવી નાખ્યું. કોંગ્રેસનું એ પાપ દેશ આજે પણ ભોગવી રહ્યો છે. વર્તમાન કેન્દ્ર સરકારે ફરી એ દિશામાં વિચારણા શરૂ કરી છે, ત્યારે અત્યારે પણ કોંગ્રેસ સિવાયના ઘણાખરા રાજકીય પક્ષ એક દેશ, એક ચૂંટણી માટે તૈયાર છે.
અગાઉ કહ્યું તેમ આ વ્યવસ્થા ફરી શરૂ કરવા માટે બંધારણમાં થોડા સુધારા કરવા ઉપરાંત 1951ના લોકપ્રતિનિધિત્વ કાયદામાં આંશિક ફેરફાર કરવા પડે તેમ છે. આ ફેરફાર મુખ્યત્વે કલમ 356ના ઉપયોગ તેમજ રાષ્ટ્રપતિ શાસનને લગતા છે. એ માટે જો કોંગ્રેસ સહિત બધા રાજકીય પક્ષો સંમત થાય તો ખાસ મુશ્કેલી વિના આપણે એક દેશ, એક ચૂંટણીની દિશામાં આગળ વધી શકીએ તેમ છીએ.
એક સાથે ચૂંટણી યોજવા માટે એક નાનકડી વ્યવહારિક મુશ્કેલી ઈવીએમ મશીનની સંખ્યાની છે, કેમકે એક જ દિવસે, એક જ જગ્યાએ લોકસભા ચૂંટણી માટે અલગ મશીનો રાખવાં પડે અને વિધાનસભા માટે પણ અલગ મશીનો રાખવાં પડે. જોકે, આ અંગે પૂરતાં મશીનો પૂરાં પાડવાની સરકારે બાંયધરી આપેલી જ છે તેથી બંધારણીય સુધારા સિવાય કોઈ મોટો અવરોધ કે મુશ્કેલી નથી. બસ જરૂર એટલી જ છે કે તમામ પક્ષો સરકારની પહેલને ટેકો આપે.

Wednesday, July 18, 2018

ડર ફેલાવવાનું રાજકારણ દેશ માટે ઘાતક સાબિત થશે

21મી સદીને 17 વર્ષ વીતી ગયાં અને દેશની સ્વતંત્રતાનાં 70 વર્ષ વીતી ગયાં છતાં કોંગ્રેસ પક્ષ હજુ પણ જ્ઞાતિ-ધર્મના રાજકારણથી ઉપર નથી ઊઠ્યો. રાહુલ ગાંધીનું છેલ્લું પગલું અને શશી થરૂરનું છેલ્લું નિવેદન આ બાબતનું પ્રમાણ છે.



--- અલકેશ પટેલ

ડર ફેલાવીને સત્તા કબજે કરવી એ કોંગ્રેસ પક્ષની મૂળભૂત નીતિ-રીતિ છે. કોંગ્રેસ સત્તા ઉપર આવે તેમાં કોઈને કશો વાંધો ન હોવો જોઈએ અને નથી, પરંતુ હકીકત એ છે કે એ પક્ષને દેશની પ્રગતિમાં ખરેખર કોઈ રસ જ નથી. કોંગ્રેસનું આખું ચરિત્ર અને તેનું રાજકારણ માત્ર એક પરિવારના પગમાં આળોટવામાં પૂરું થઈ જાય છે. અને આ પરિવાર પણ એવો છે જેને ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર, ભારતીય પરંપરા પ્રત્યે કોઈ પ્રકારનું માન-સન્માન કે શ્રદ્ધા નથી. પરિણામે આ પક્ષ અને તેના રાજકારણીઓ એવાં કૃત્યો કરે છે અને એવાં નિવેદનો આપ્યાં કરે છે જેને કારણે સમાજમાં એક પ્રકારનો તનાવ પેદા થાય છે. અત્યંત કમનસીબ અને દુઃખદ વાત એ છે કે તણાવ મૂળભૂત રીતે કોંગ્રેસને કારણે પેદા થાય છે, પરંતુ કોંગ્રેસીઓ તેની જવાબદારી ભારતીય જનતા પક્ષ અને સંઘ પરિવાર ઉપર ઢોળી દે છે. વળી આ દેશનું મીડિયા પણ એ હદે હજુ પણ કોંગ્રેસની ગુલામી અવસ્થામાં છે કે કોંગ્રેસીઓ દેશને નુકસાન કરી રહ્યા છે એ એમને દેખાતું નથી. ઉલટાનું કોંગ્રેસીઓની વાતો સાંભળીને આ મીડિયા પણ ભાજપ અને સંઘ પરિવારને દોષિત ઠેરવી દે છે. આ દેશના મીડિયા પાસે પણ પોતાના સ્વતંત્ર વિચારો અને સમીક્ષા કરવાની સ્વતંત્ર ક્ષમતા નથી એનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે..!
કોંગ્રેસી નેતા અને એક સમયે યુએનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર શશી થરૂર આ હદે ભાગલાવાદી માનસિકતા ધરાવતા હશે એ જાણીને ભારતના નાગરિકોને ઉપરાંત વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને ભારે આઘાત લાગ્યો છે. થરૂરે એવું નિવેદન કર્યું છે કે, 2019માં જો ભાજપની સરકાર ચૂંટાશે તો ભારત દેશ હિન્દુ પાકિસ્તાન બની જશે. આ નિવેદન સ્પષ્ટ રીતે ભારતના લઘુમતી સમાજમાં ભય ફેલાવવા માટેનું છે. થરૂર જેવા લોકો ન જાણતા હોય કે હિન્દુ સમાજ ક્યારેય હિંસક બન્યો નથી અને બની શકે એમ નથી એવું કેવી રીતે માની શકાય..!? અને તેથી જ એ બાબતમાં કોઈ શંકા રહેતી નથી કે કોંગ્રેસીઓ પ્રજાને અને ખાસ કરીને લઘુમતીઓને ભયભીત કરવા માગે છે.
રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસને પૂરો અધિકાર છે કે ભાજપ સહિત તેના તમામ વિરોધી પક્ષો સામે આક્રમક બને. પોતાના વિરોધી પક્ષોની આકરી ટીકા કરવાનો કોંગ્રેસને પૂરો અધિકાર છે જ, પરંતુ છેલ્લા ચાર વર્ષથી કોંગ્રેસ જે કરે છે એ બધું આ દેશને ગૃહયુદ્ધ (સિવિલ વૉર) તરફ દોરી જશે એવું લાગ્યા વિના રહેતું નથી. કોંગ્રેસ હિન્દુઓ સામે મુસ્લિમોને ઉશ્કેરે છે, કોંગ્રેસ સવર્ણો સામે દલિતોને ઉશ્કેરે છે, કોંગ્રેસ દલિતો સામે ઓબીસી વર્ગોને ઉશ્કેરે છે, કોંગ્રેસ લિંગાયતો સામે લિંગાયતોને લડાવી મારે છે, કોંગ્રેસ પાટીદારો સામે પાટીદારોને લડાવી મારે છે. કોંગ્રેસનાં આ કૃત્યોનું પરિણામ એ આવ્યું છે કે આજે ભારતમાં દરેક સમાજ એક-બીજા સામે ગુસ્સામાં રહે છે અને નાની નાની વાતમાં હિંસક બની જાય છે.
આ જ અઠવાડિયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે ગુપ્ત મુલાકાત કરી. ગુપ્ત મુલાકાત એટલા માટે કે એ બેઠક ક્યાં કરી, કોના કહેવાથી કરી, કયા હેતુથી કરી એ કોઈ જાણતું નથી. બસ, દેશને માત્ર એટલી ખબર છે કે રાહુલે આવી ગુપ્ત બેઠક કરી અને તેમાં કથિત મુસ્લિમ બુદ્ધિજીવીઓએ પોતાની વાત રજૂ કરી. સવાલે એ છે કે, શું ભારતમાં માત્ર મુસલમાનો રહે છે..!? શું કોંગ્રેસે માત્ર મુસ્લિમોને ખુશ કરવા સત્તા ઉપર આવવાનું છે..!? કોઈએ ક્યારેય પણ સાંભળ્યું છે કે ભાજપના કોઈ નેતાઓએ હિન્દુઓ સાથે આવી ગુપ્ત બેઠકો કરી હોય..!? અને એ જ કારણે રાહુલ ગાંધીનું આ કૃત્ય દેશના ભવિષ્ય માટે અત્યંત ખતરનાક છે એ સમજવું પડશે.
આ દેશે એ વાત કદી ભૂલવી ન જોઈએ કે અનેક દાયકા સુધી કોંગ્રેસે ઉઘાડે છોગ લઘુમતી તુષ્ટિકરણનું રાજકારણ રમવાનો દ્રોહ કર્યો છે અને એ કારણે ભાજપે પણ સત્તા મેળવવા હિન્દુ રાજકારણ રમવાનું શરૂ કરવું પડ્યું છે. કોંગ્રેસે સાચા અર્થમાં મુસ્લિમોનું કદી ભલું કર્યું નથી, માત્ર તેનો મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે. અને તેનું પરિણામ આપણે સચર સમિતિના અહેવાલ દ્વારા જોઈ ચૂક્યા છીએ. એ સમિતિની નિમણૂક પણ કોંગ્રેસે કરી હતી અને તેનો અહેવાલ પણ કોંગ્રેસના શાસન વખતે આવ્યો હતો. તેમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે મુસ્લિમોની સ્થિતિ સારી નથી. તેનાથી તદ્દન વિરુદ્ધ છેલ્લા ચાર વર્ષમાં દેશના તમામ જાતિ-ધર્મ-સમુદાયના લોકોની સ્થિતિમાં એક સાથે સુધારો આવ્યો છે.
સાચી વાત તો એ છે કે દેશનું અર્થતંત્ર અને તેની સાથે નાગરિકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે એ જોઈને કોંગ્રેસને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગે છે. કોંગ્રેસ પક્ષ સમજી ગયો છે કે નરેન્દ્ર મોદી સરકાર જો આ જ રીતે કામ કરશે તો 15 વર્ષ સુધી તેને સત્તા પરથી દૂર નહીં કરી શકાય. અને એ જ કારણે કોંગ્રેસીઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ, ભાજપ વિરુદ્ધ અને સંઘ વિરુદ્ધ ભય ફેલાવે છે. ત્રિપલ તલાક અને હલાલા જેવા મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધના દમનકારી પર્સનલ લૉ સામે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાક અને હલાલાનો ભોગ બને છે અને તેથી તેમાંથી છૂટવા માગે છે. નરેન્દ્ર મોદી સરકારે મુસ્લિમ મહિલાઓનો પક્ષ લીધો છે અને એ વાત કોંગ્રેસીઓ ઉપરાંત મુલ્લાઓને પસંદ નથી પડતી. આ જ કારણે હવે કટ્ટરવાદી મુસ્લિમોએ શરિયા કોર્ટનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે. અને આ દેશના કમનસીબે કોંગ્રેસ જેવા ભાગલાવાદી પક્ષે તેનું સમર્થન પણ કર્યું છે. શક્યતા તો એવી પણ છે કે આ શરિયા કોર્ટનો મુદ્દો કોંગ્રેસ અને ડાબેરીઓએ જ પડદા પાછળ રહી ઉપસ્થિત કરાવ્યો હોય..! એક સમયના દેશના ઉપરાષ્ટ્રપતિ જેવા ટોચના હોદ્દા ઉપર રહી ચૂકેલા પરંતુ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હમીદ અનસારીએ પણ શરિયા કોર્ટનું સમર્થન કર્યું છે. શરિયા કોર્ટ એ સ્પષ્ટ રીતે દેશને ઇસ્લામી શાસન તરફ લઈ જવાના વ્યાપક કાવતરાનો પ્રારંભ છે એ દરેક જણે સમજવું પડશે. જેમને ના સમજાતું હોય એમણે ઇસ્લામના ઇતિહાસ અને શરિયા કાયદા વિશે જાણી લેવું જોઈએ. ભારત જો આ દિશામાં આગળ વધશે તો થોડાં વર્ષ પછી પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, કેરળ જેવાં રાજ્યોમાં અલગ મુસ્લિમ દેશની માગણી ઊભી થશે એ વાતમાં શંકા નથી કેમકે આ રાજ્યોમાં મુસ્લિમોની વસ્તી બહુમતીમાં આવી ગઈ છે.
આ સ્થિતિની કોંગ્રેસીઓને કાંતો સમજ નથી પડતી અથવા જાણી જોઈને મતબેંક ખાતર આ પક્ષ ભારતને એક ભયંકર જોખમ તરફ ધકેલી રહ્યો છે. આ દેશનો કોઈ નાગરિક મુસ્લિમોનો વિરોધી નથી. એ યાદ રાખવું જોઈએ કે બહારથી આવેલા ઇસ્લામી હુમલાખોરોએ અહીં શાસન સ્થાપ્યા પછી ઇસ્લામ ફેલાયો છે અને ત્યારે જગ્યા કરી આપનારા અને અનુકૂળતા કરી આપનાર આ દેશના લોકો જ હતા. તેઓ હજુ પણ ઇસ્લામ વિરોધી નથી, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે કોંગ્રેસ અને ડાબેરીઓની મિલીભગતથી થઈ રહેલું તુષ્ટિકરણ જોખમી તો છે જ.

Tuesday, July 17, 2018

કોંગ્રેસ માટે કયો શબ્દ યોગ્ય- “Bail-ગાડી” કે “જામીન”દાર?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષને Bail-ગાડી તરીકે ઓળખાવ્યો છે, કેમકે કોંગ્રેસના અધ્યક્ષથી શરૂ કરીને ઘણા નેતા કાંતો ભ્રષ્ટાચારના કેસમાં અથવા ફોજદારી કેસમાં જામીન ઉપર છે
 


--- અલકેશ પટેલ

2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચારની દિશા કઈ હશે તેના સંકેત મળવા લાગ્યા છે. એ સાચું કે ભાજપના કેટલાક નેતા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયેલા છે, પરંતુ એ સંખ્યા સાવ જૂજ છે એ સૌએ સ્વીકારવું પડશે. સાથે એ પણ એટલું જ સાચું છે કે ભાજપના ટોચના કહી શકાય એવા એકપણ નેતા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ આટલાં વર્ષોમાં કદી થયા નથી. તેથી વિરુદ્ધ કોંગ્રેસમાં તેમના અધ્યક્ષ અને વડાપ્રધાન સ્તરના નેતાઓ પોતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું વારંવાર પુરવાર થતું રહ્યું છે, આજે પણ એ જ સ્થિતિ છે. હા, એ વાત અલગ છે કે કોંગ્રેસ અધ્યક્ષ અને વડાપ્રધાન હંમેશાં એક જ પરિવારના રહ્યા છે.
આજે આ વાત કરવી એટલા માટે જરૂરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત જુલાઈને શનિવારે રાજસ્થાનના જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન એવું નિવેદન કર્યું કે કોંગ્રેસ પક્ષ હવે બેલ-ગાડી થઈ ગયો છે. સાંભળનાર તમામને પહેલા તો એવું લાગ્યું કે વડાપ્રધાન કોંગ્રેસને બળદગાડા સાથે સરખાવે છે, પરંતુ તરત જ તેમણે આ અંગે વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે બેલ નહીં પણ બેઇલ અર્થાત જામીન. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના ટોચના અનેક નેતાઓ બેઇલ એટલે જામીન ઉપર છે. દેખીતી રીતે તેમનો ઇશારો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ અને હાલના યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી, ભૂતપૂર્વ ગૃહ અને નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ્ તેમજ કોંગ્રેસના નેતા અને એક સમયે યુએનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર શશી થરૂર તરફ હતો. આ ઉપરાંત મોતીલાલ વોરા, સામ પિત્રોડા, ઓસ્કર ફર્નાન્ડિસ તેમજ દિગ્વિજયસિંહ જેવા નેતાઓ પણ જામીન ઉપર છે. આ આખી યાદીમાં એકમાત્ર શશી થરૂરને બાદ કરતાં બાકીના બધા ભ્રષ્ટાચારના વિવિધ કેસમાં જામીન ઉપર છે જ્યારે થરૂર તેમના પત્ની સુનંદા પુષ્કરના શંકાસ્પદ મૃત્યુના કેસમાં હાલ પૂરતા જેલની સજાથી બચીને બહાર છે.
કોંગ્રેસની મુશ્કેલી એ છે કે એ પક્ષ હંમેશાં માત્ર એક પરિવારને આધિન રહ્યો છે. અને આ દેશની કમનસીબી એ છે કે છેક જવાહરલાલ નહેરુથી માંડીને રાહુલ ગાંધી સુધી દરેક ઉપર વ્યક્તિગત ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. દેશ 1947માં સ્વતંત્ર થયો અને બીજા જ વર્ષે 1948માં જવાહરલાલ નહેરુના નાક નીચે તે સમયના બ્રિટન ખાતેના ભારતીય રાજદૂત વી કે કૃષ્ણમેનને જાતે જ ભારતીય લશ્કર માટે જીપ ખરીદવા વિદેશી કંપની સાથે કોન્ટ્રેક્ટ કરી દીધો હતો. કોન્ટ્રેક્ટ 200 જીપ માટેનો હતો અને તે માટે જવાહલાલ નહેરુની સરકારે નાણાં પણ ચૂકવી દીધા અને ત્યારબાદ ઘણા મહિના પછી ભારતને 155 જીપ આપવામાં આવી. 45 જીપના નાણાં કોની પાસે ગયા એ કોઈ જાણતું નથી, પરંતુ ભારત સહિત આખી દુનિયાને એટલી ખબર છે કે એ જ કૃષ્ણ મેનનને ત્યારબાદ નહેરુએ અંગત સચિવ અને પછી સંરક્ષણપ્રધાન બનાવ્યા હતા. જે નહેરુ પોતે ભ્રષ્ટાચારમાં સામેલ ન હોય તો કૃષ્ણ મેનનને આટલું મહત્ત્વ કેવી રીતે મળે તેનો જવાબ આજ સુધી કોઈની પાસે નથી.
રાજીવ ગાંધી ઉપર લાગેલા બોફર્સ તોપ ભ્રષ્ટાચારના ડાઘ આજ સુધી ધોવાયા નથી. તો તેમનાં પત્ની સોનિયા ગાંધી અને પુત્ર રાહુલ ગાંધી નેશનલ હેરલ્ડ અખબાર જૂથમાં 5000 કરોડના ગોટાળાના કેસમાં હાલ જામીન ઉપર છે. આ જ કેસમાં ટૅકનોક્રેટ અને ભારતમાં ટેલિફોન ક્રાંતિના જનક તરીકે ઓળખાવાતા સામ પિત્રોડા, પીઢ નેતા મોતીલાલ વોરા તેમજ ઓસ્કર ફર્નાન્ડિસે પણ જામીન મેળવવા પડ્યા છે. સામ પિત્રોડા પોતે અંગત રીતે કોઈ ભ્રષ્ટાચારમાં સામેલ હોય એવું માનવાને કારણ નથી, પરંતુ તેમણે માતા અને પુત્રના ભ્રષ્ટાચારને મૂક રહી ચલાવી લીધો છે એ સ્વીકાર્ય નથી. તો મનમોહનસિંહ સરકારમાં ગૃહપ્રધાન અને નાણાંપ્રધાન રહી ચૂકેલા પી. ચિદમ્બરમ્ તેમના આખા પરિવાર સાથે જામીન મેળવીને હાલ અદાલતોના ચક્કર લગાવ્યા કરે છે.
રંગીન મિજાજના કોંગ્રેસી નેતા શશી થરૂર છેલ્લા આઠ-દસ દિવસથી આગોતરા જામીન ઉપર મુક્ત છે અને અદાલતમાં હાજરી પુરાવવી પડે છે. તેમનાં પત્ની સુનંદા પુષ્કર જાન્યુઆરી 2014માં દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટેલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. તે સમયે પ્રાથમિક રીતે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે તેમણે આપઘાત કર્યો છે, પરંતુ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેસ દાખલ કરીને સુનંદા પુષ્કરના મૃત્યુની તપાસ કરવાની માગણી કર્યા બાદ એવું તારણ નીકળ્યું કે પુષ્કરની હત્યા થઈ છે. આ કેસમાં હવે શંકાની સોય શશી થરૂર સામે છે.
કોંગ્રેસના વધારે પડતા બોલકા અને કટ્ટર હિન્દુવિરોધી નિવેદનો માટે કુખ્યાત દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન હતા ત્યારે તેમની સામે ભ્રષ્ટાચારના કેસ થયા હતા. ટૂંકમાં કોંગ્રેસની ટોચની નેતાગીરી ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી કદી મુક્ત રહી શકી નથી અને તેથી જ કદાચ કેટલાક લોકો તેના માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને બદલે ઇન્ડિયન નેશનલ કરપ્શન પણ કહે છે.
હવે અહીં મજાની વાત એ છે કે આખા દેશમાં હારી રહેલો કોંગ્રેસ પક્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે વિવિધ પ્રાદેશિક પક્ષો સાથે ચૂંટણી જોડાણ કરવા તૈયાર છે. કોંગ્રેસ જે પક્ષો સાથે ચૂંટણી જોડાણ કરવા માગે છે એ કયા પક્ષો છે? એ પક્ષો છે - રાષ્ટ્રીય જનતા દળ, જેના સર્વોચ્ચ નેતા લાલુપ્રસાદ યાદવ ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહ્યા છે. બીજો પક્ષ છે – બહુજન સમાજ પાર્ટી, જેનાં સર્વોચ્ચ નેતા માયાવતી સામે એક સાથે અનેક કેસમાં તપાસ ચાલે છે. ત્રીજો પક્ષ છે – સમાજવાદી પાર્ટી, જેના સર્વોચ્ચ નેતા અખિલેશ યાદવ સામે લખનૌના ગોમતીઘાટ કેસમાં ભ્રષ્ટાચારની આશંકા છે તો તાજેતરમાં સરકારી બંગલો ખાલી કરતી વખતે તેઓ એ બંગલામાંથી નાની નાની ચીજો પણ લઈ ગયા હોવાનું કહેવાય છે. ચોથો પક્ષ છે – તૃણમૂલ કોંગ્રેસ, જેનાં સર્વોચ્ચ નેતા મમતા બેનરજી કટ્ટર લઘુમતીવાદી છાપ ધરાવે છે, એટલું જ નહીં પરંતુ તેમના પક્ષના સૌથી નજીકના સાથીદારો બંગાળના કુખ્યાત ચીટફંડ કાંડમાં ફસાયેલા છે.
ટૂંકમાં એટલું નિશ્ચિત છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં શાસક પક્ષ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની વાતો કરશે, પોતાની કામગીરીની વાતો કરશે પણ સાથે ભ્રષ્ટાચારને પણ મુદ્દો બનાવશે. ઘણાને એવું લાગતું હશે કે તો પછી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ચિદમ્બરમ્ વગેરેની ધરપકડ કરી જેલમાં શા માટે નથી પૂરાતાં. તો તેના બે જવાબ છે – એક તો કેસ થયા પછી સમગ્ર મામલો અદાલતને આધિન હોય છે અને ત્યાં કેટલી ઝડપથી કે કેવી ગતિએ કેસ ચાલે છે તેના ઉપર આધાર હોય છે. અને બીજું, સરકાર ઉતાવળ કરીને જો સોનિયા અને રાહુલ ગાંધીની ધરપકડ કરે તો શક્ય છે કે ભારતની ભોળી (અથવા મુર્ખ) પ્રજાને એ ગાંધી પરિવાર માટે સહાનુભૂતિ પેદા થાય અને 2019માં કોંગ્રેસને સત્તા આપી દે તો! 1977માં ઈન્દિરા ગાંધી આવી જ સહાનુભૂતિના આધારે અને 1985માં રાજીવ ગાંધી પણ સહાનુભૂતિના આધારે સત્તા પર આવેલા છે. ભારતની ભોળી પ્રજાને રાષ્ટ્રપ્રેમને બદલે નહેરુ-ગાંધી પરિવારની સહાનુભૂતિ વધારે પસંદ છે!

Monday, July 16, 2018

આવી જાહેરખબરો આપણા સમાજની નબળાઈ દર્શાવે છે


 --- શું ગૃહિણીઓ ટુ-વ્હીલર જોઈને ડિલિવરી બૉયના પ્રેમમાં પડી જાય? શું આપણે ચૉકલેટ ચોર છીએ? શું આપણી પોલીસ અપ્રામાણિક છે? આટલી ખરાબ જાહેરખબરો સામે દેશમાં કોઈને ગુસ્સો કેમ નથી આવતો?
 -- અલકેશ પટેલ
 શું આપણા પરિવારની - આપણા સમાજની સ્ત્રીઓ કોઈ ટુ-વ્હીલર જોઈને તેનાથી એ હદે પ્રભાવિત થઈ જાય છે કે એ લઈને આવનાર ડિલિવરી બૉય કે સેલ્સમેનના પ્રેમમાં પડી જાય? શું આપણા પરિવારની માતાઓ એટલી બધી શિથિલ અને નબળી છે કે પોતાના પતિ અને દીકરીની સામે જ દીકરીના બૉયફ્રેન્ડના પરફ્યુમથી ઘાયલ થઈ જાય? શું આપણો સમાજ એ સ્તરે આવી પહોંચ્યો છે જ્યાં પરિવારની કિશોરવયની દીકરીઓ વ્યક્તિ સ્વતંત્રતાના નામે એક જ શહેરમાં પણ માતા-પિતાથી અલગ રહેવા લાગે? શું આપણા જાહેરજીવનના આગેવાનો કે નેતાઓ એ હદે નબળા છે કે એ ચૉકલેટ ચોરીને ખાઈ જાય? શું આપણી પોલીસ એ હદે નબળી અને અણસમજુ છે કે ગેરકાયદે દબાણ કરનારા વેપારીઓ એ પોલીસને ઉલ્લુ બનાવી જાય?
હું જાણું છું કે આ તમામ સવાલના જવાબ સોએ સો ટકા નકારમાં હશે, તેમછતાં તમે બધા રોજેરોજ આ બધું જ તમારા ટીવી સ્ક્રીન ઉપર જોતા રહો છો. પરિવારની સાથે બેસી જોતા રહો છો, બાળકોની સાથે બેસી જોતા રહો છો, માતા-પિતા કે અન્ય વડીલોની હાજરીમાં આ બધું જોતા રહો છો... અને જાણતાં કે અજાણતાં આવી તમામ અનૈતિક જાહેરખબરોને ચૂપચાપ સંમતિ આપતા રહો છો. અથવા ક્યારેક તો એવી ચીજો ખરીદીને આવી જાહેરખબરોને પ્રોત્સાહન પણ આપતા રહો છો, ખરું ને?
આમ તો તમારામાંથી ઘણા બધા હું કઈ જાહેરખબરોની વાત કરું છું એ સમજી ગયા હશે કેમકે લગભગ બધા રોજેરોજ ટીવી ઉપર એ જોતા જ હોય છે, પરંતુ પ્રત્યેક 100 માંથી 95 દર્શકોને એ વાતનો ખ્યાલ જ નથી આવતો કે આવી જાહેરખબરો અનૈતિક છે અને આપણા સમાજની ખોટી બાજુ વ્યક્ત કરી રહી છે. જે પાંચ જણને ખ્યાલ આવે છે કે આ ખોટી જાહેરખબરો છે તેઓ બોલવા તૈયાર નથી. આમ તમામ દર્શકો આટલાં વર્ષથી તેની ઉપેક્ષા કરી રહ્યા છે. 

વધારે આઘાતની વાત એ છે કે મહિલાઓ વિશેની આટલી હલકી જાહેરખબરો ટીવી ઉપર સરેઆમ પ્રસારિત થતી હોવા છતાં કોઈ મહિલાવાદી કાર્યકરો, કોઈ કહેવાતા મહિલા સંગઠનો તેની સામે અવાજ ઉઠવાતાં નથી. (1) સુઝુકીના એક ટુ-વ્હીલરની જાહેરખબર આવે છે, તેમાં ઘરે કોઈ વસ્તુ પહોંચાડવા આવેલા ડિલિવરી બૉય સાથે પહેલાં તો ઘરની મહિલા ગુસ્સેથી વાત કરે છે, પરંતુ પછી તેની નજર એ છોકરાના ટુ-વ્હીલર ઉપર પડે છે અને તરત જ એ મહિલા પોતાના ઘરનો દરવાજો જાણે એ છોકરાને અંદર આવવા નિમંત્રણ આપતી હોય એમ ખોલી નાખે છે. – સવાલ એ છે કે શું આ આપણા સંસ્કાર છે? આપણા પરિવારની મહિલાઓ, આપણા સમાજની મહિલાઓ એક ટુ-વ્હીલર જોઈને અજાણ્યા યુવકને નિમંત્રણ આપી દે છે? (2) બીજી એક પરફ્યુમની જાહેરાત ઘણા મહિનાથી આવે છે. તેમાં કિશોરવયની એક દીકરી તેના બૉયફ્રેન્ડની ઓળખાણ તેની માતા સાથે કરાવે છે. અને માતા તેની દીકરીના બૉયફ્રેન્ડે લગાવેલા પરફ્યુમથી એટલી બધી ઉત્તેજિત થઈ જાય છે કે તે એને કહે છે કે પોતાને મમ્મી નહીં પણ નામથી બોલાવી શકે છે. – સવાલ એ છે કે શું આપણા જાહેર સંસ્કાર આવા છે? (3) મેગીની એક જાહેરખબર પણ અતિશય વાંધાજનક છે. તેમાં એક માતા તેની કિશોરવયની દીકરીને એવું કહેતી સાંભળવા મળે છે કે એક જ શહેરમાં અલગ રહેવાની શું જરૂર છે? પછી જાતે જ જવાબ આપે છે કે હા, હવે તું મોટી થઈ ગઈ છે અને સ્વતંત્ર રહેવા માગે છે. – સવાલ એ છે કે શું આપણા સમાજમાં પશ્ચિમના દેશોની આ માનસિકતા આવી ગઈ છે? એક જ શહેરમાં યુવાન દીકરી અલગ રહેવા લાગે એવું જોયું છે ખરું? જો એવું નથી તો પછી વિદેશી કંપની નેસ્લે તેની મેગી પ્રોડક્ટ દ્વારા ભારતમાં આવા વિદેશી કુ-સંસ્કાર શા માટે લાદે છે? અને કેમ કોઈ કશું બોલતું નથી? સ્વદેશીની વાતો કરનારા સંઘવાળા ક્યાં છે? (એક સ્પષ્ટતા – આ જાહેરખબર મેં જ્યારે પહેલી વખત જોઈ ત્યારે તરત જ ગ્રાહક ફોરમમાં સત્તાવાર રીતે ઈમેલ કરીને મારો વાંધો નોંધાવ્યો હતો.) (4) ફેવિકોલની એક જાહેરાત પણ અતિશય વાંધાજનક છે. તેમાં દરિયા કિનારે ગેરકાયદે હાટડીઓ ઊભી થયેલી બતાવવામાં આવે છે અને પોલીસજીપ આવે ત્યારે એ હાટડીઓ દરિયાના પાણીમાં ઉતારી દેવામાં આવે છે. પોલીસ જાય પછી એ બહાર  કાઢીને ફરી ગેરકાયદે બજાર લાગી જાય છે. આમાં પ્રવાસન સ્થળે ગેરકાયદે બજાર બતાવવામાં આવે છે એટલું જ નહીં પરંતુ પોલીસને એવી નબળી અને મુર્ખ બતાવવામાં આવે છે કે જાણે તેને કશી ખબર પડતી ન હોય! (5) જેમ્સ ચૉકલેટની એક જાહેરાત પણ વાંધાજનક અને ચિંતાજનક છે. તેમાં કોઈ નેતા જેવી વ્યક્તિને બતાવવામાં આવે છે જે એક પરિવારના સ્વર્ગસ્થ વડીલના નામે યોજના શરૂ કરવાનું વચન આપે છે. એ દરમિયાન એ સ્વર્ગસ્થ વડીલના પુતળા ઉપર લાગેલા જેમ્સ ચૉકલેટના હારમાંથી ચૉકલેટો ખેંચીને ખાઈ જવા પ્રયાસ કરે છે, એ દરમિયાન પુતળું નીચે પણ પડી જાય છે. – સવાલ એ છે કે બાળકોને પ્રિય એવી રંગબેરંગી જેમ્સ ચોરી કરીને ખાવી પડે એવી ચીજ છે?



ટૂંકમાં, અનૈતિક્તા, ચોરી, વ્યભિચાર, સ્વતંત્રતાના નામે યુવતીની સ્વચ્છંદતા – એવું બધું દર્શાવતી જાહેરખબરો રોજેરોજ આપણી નજર સામે આવે છે, રોજેરોજ આપણાં બાળકો પણ એ જૂએ છે અને છતાં કોઈને કશી અસર નથી થતી એ આશ્ચર્ય નહીં પણ આઘાતજનક છે. આમ તો મને ખ્યાલ જ છે કે મારા આ લખાણ પછી પણ કોઈ વાચકને, કોઈ સંસ્થાને, કોઈ મહિલાઓને કે કોઈ મહિલા સંગઠનોને કશો ફેર પડવાનો નથી. બધા વાંચીને હા, વાત સાચી છે.. એ કહી અટલ સવેરા બાજુ ઉપર મૂકી દેશે, છતાં મને લાગ્યું કે મારે આ વિષય ઉપર લખવું જોઈએ. અહીં વધુ એક વખત સ્પષ્ટતા કરું કે હું માત્ર લખીને બેસી નથી રહ્યો, મેં આ વિશે ગ્રાહક ફોરમમાં ઈમેલ દ્વારા મારો વાંધો નોંધાવ્યો જ છે. પણ મને લાગે છે કે મારી એકલાની પીપૂડીથી કશું ન થાય. મને જે લાગણી થાય છે તેનો વંટોળ ઊભો થાય અને અનેક લોકો ગ્રાહક ફોરમની વેબસાઈટ ઉપર વિરોધ નોંધાવે તો કદાચ અસર થવાની આશા રાખી શકાય.