Monday, July 2, 2018

GST @1: એક વખત દેશહિતમાં વિચારી જોઈએ

 
--- સ્વતંત્રતા પછીના સૌથી મોટા કરવેરા સુધારાને એક વર્ષ પૂરું થયું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી વેપારીઓ, રાજકારણીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત બધા પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે, અને તેમાં સરેરાશ દેશહિતની વાતની અછત હોય એવું લાગ્યું

-- અલકેશ પટેલ

ગઇકાલે આપણે આ સ્થળે જીએસટી વિશે એક વિહંગાવલોકન જોયું. આખો દેશ છેલ્લા બે દિવસથી એક જ મુદ્દાની ચર્ચા કરી રહ્યો છે અને એ છે – જીએસટી. આ ચર્ચામાં સરકાર અને વિરોધપક્ષના રાજકારણીઓ, આર્થિક નિષ્ણાતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ વિવિધ ક્ષેત્રના વેપારીઓ પોતપોતાની રીતે અભિપ્રાય આપી રહ્યા છે. આ તમામ ચર્ચા જોયા – સાંભળ્યા અને વાંચ્યા પછી કમ-સે-કમ મારા મનમાં તો એવી છાપ ઉપસ્થિત થઈ રહી છે કે આમાંના મોટાભાગના લોકો (બધા નહીં પણ મોટાભાગના લોકો) મારું શું થયું અને મને શું મળ્યું અને મને શું ન મળ્યું અને મને શું નુકસાન થયું ... બસ આ જ મુદ્દાઓ ઉપર વળગી પડ્યા છે. આમાંથી સાવ જૂજ લોકોને દેશહિતની વાત કરતા જોયા-સાંભળ્યા. આ જ તો આપણા દેશની કમનસીબી છે, આ જ તો આપણા દેશની સૌથી મોટી નબળાઈ છે.
સરકારનું કામ પ્રજા-કલ્યાણનું હોવું જોઈએ એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી. બલ્કે સરકારની પ્રાથમિક ફરજ જ પ્રજા-કલ્યાણની હોય છે, પ્રજાની સુખાકારીની હોય છે. પરંતુ સાધારણ તર્કનો ઉપયોગ કરીએ તો એ સમજવું અઘરું નથી કે દરેક સરકાર એ રીતે તેની પ્રાથમિક ફરજ બજાવતી જ હોય છે. હા, તેના પ્રમાણ અને વાસ્તવિક અસરો વિશે મતભેદ હોઈ શકે.
આજે હું એ મુદ્દા ઉપર ભાર મૂકવા માગું છું કે આપણા બધા માટે આપણો વ્યક્તિગત સ્વાર્થ અગત્યનો છે કે પછી રાષ્ટ્રની ઉન્નતિ? એ વાતમાં કોઈ બેમત નથી કે વ્યક્તિઓનો, સમાજનો વિકાસ થશે તો એ દ્વારા રાષ્ટ્રની જ ઉન્નતિ થવાની છે. એટલે એવી દલીલનો અર્થ નથી. પણ ભારતના સંદર્ભમાં મુશ્કેલી એ છે કે સાડા છ દાયકા સુધી આપણે જે બાબતોની ચિંતા નહોતા કરતા, સાડા છ દાયકા સુધી આપણે જે બાબતે ઘેરી ઊંઘમાં હતા એ બધી બાબતોએ આજે એકાએક ઊઠીને સવાલ કરવા લાગ્યા છીએ.
જીએસટીની જ વાત કરીએ તો આ વ્યવસ્થા ખરેખર તો ઓછામાં ઓછા 25 વર્ષ પહેલાં અમલમાં આવી જવી જોઇતી હતી. જો ત્યારે જીએસટી આવી ગયું હોત તો આજે દેશ ચીન કરતાં આગળ હોત અને અમેરિકા જેવા દેશો સાથે આપણે સ્પર્ધા કરતાં હોત. પરંતુ આટલા લાંબા ગાળા સુધી અવ્યવસ્થા ચાલુ રહી જેને કારણે વેપારીઓ – અધિકારીઓ – રાજકારણીઓ બધાને મનફાવે એવાં ગફલાં કરવાની સ્વતંત્રતા મળતી રહી તેને કારણે હવે આ બધા એવી કોઈ નવી વ્યવસ્થા સ્વીકારી શકતા નથી જે કોઈ ચોક્કસ વર્ગ કે સમુદાયને બદલે સમગ્ર રાષ્ટ્રના હિતમાં હોય..! આજે સવારે જ (રવિવારે સવારે) એક ટીવી ચૅનલ ઉપર ચર્ચા સાંભળતો હતો તેમાં એક સી.એ. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) એવી દલીલ કરી રહ્યા હતા કે કરવેરાનો દર ઊંચો હોવાને કારણે વેપારીઓ કરચોરી કરીને ગેરરીતિ આચરે છે..
હવે સવાલ એ થાય છે કે આ સી.એ. કઈ હદે પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે? શું એ કહેવાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ખબર નથી કે 90 ટકા જીવનજરૂરી ચીજવસ્તુઓને માત્ર 12 ટકા સુધીના (5 ટકાથી 12 ટકાની વચ્ચે) સ્લેબમાં રાખવામાં આવી છે? શું 12 ટકા ટૅક્સ એ અસાધારણ અને વધારેપડતો કહેવાય ખરો? શું એ કહેવાતા સી.એ. ને ખબર નથી કે જીએસટી અમલમાં નહોતો આવ્યો ત્યારે એક ચીજ ઉપર કેન્દ્રીય કરવેરાથી માંડીને છેક સ્થાનિક કરવેરા લાગતા હતા? અને એ બધા કરવેરા ભેગા મળીને દરેક ચીજ ઉપર 30 ટકા કરતાં વધુ ટૅક્ષ થઈ જતો હતો એ વાત શું સી.એ.ને ખબર નથી? તેની સામે હવે મહત્તમ 12 કે ક્યાંક 18 ટકા સુધી ટૅક્સ લાગે છે. અને જે વસ્તુઓ ઉપર હાલ 28 ટકા ટૅક્સ છે એ તો લક્ઝરી અર્થાત વૈભવી ચીજો ઉપર છે. સામાન્ય માણસોને અસર કરતી 90 ટકા ચીજો ઉપર તો 12 કે વધી વધીને 18 ટકા ટૅક્સ છે તો એને વેપારી વિરોધી કેવી રીતે કહી શકાય?
સાચી વાત એ છે કે કોંગ્રેસી શાસનની કહેવાતી સમાજવાદી નીતિને કારણે પ્રજાને મફતનું મેળવવાની (કુ)ટેવ પડી ગઈ છે એટલે હવે વર્તમાન સરકાર વ્યવસ્થામાં થોડોઘણો ફેરફાર કરે છે તો પણ એ જ કોંગ્રેસી અને ડાબેરી રાજકારણીઓ અપપ્રચાર કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે. આ કમનસીબ સ્થિતિ છે. પ્રજાએ જાતે વિચારવું પડશે કે લાંબાગાળે આપણી ભાવિ પેઢી માટે સુંદર ભવિષ્યનું નિર્માણ કરવું છે કે પછી હાલ માત્ર આપણો અંગત સ્વાર્થ વિચારીને બધી જાતની છૂટ અને બધી જાતના કન્સેશન લઈ લેવા છે? જો આવું જ વિચારશો તો એટલું નક્કી છે કે 70 વર્ષે પણ જો ભારત અલ્પવિકસિત દેશ હોય તો તમારી આવી વિચારસરણીથી બીજા 100 વર્ષ સુધી ભારત વિકસિત દેશ નહીં જ બની શકે. એક વખત દેશહિતમાં વિચારી જોઈએ..!

No comments:

Post a Comment