Sunday, November 24, 2019

હું ઇસ્લામ પંથમાં જન્મેલો હિન્દુ છું : તાહીર અસલમ

હું ઇસ્લામ પંથમાં જન્મેલો હિન્દુ છું : તાહીર અસલમ
-----------------------------------------------------------------
n  હજારો વર્ષ જૂની ભારતીય અને હિન્દુ પરંપરાને શ્રદ્ધા, તર્ક અને સમજદારીપૂર્વક માનનારા જે કેટલાક પાક-મુસ્લિમો આપણી આસપાસ છે તેમાં પત્રકાર-લેખક-કર્મશીલ તાહીર અસલમ ગોરા પણ એક છે
-----------------------------------------------------------
n  અલકેશ પટેલ

હું ઇસ્લામ પંથમાં જન્મેલો હિન્દુ છું. હું એક એવો કૅનેડિયન નાગરિક છું જે મૂળ ભારતીય છું પણ પોલિટિકલ પાકિસ્તાનમાં જન્મેલો છું... – પત્રકાર, લેખક, કર્મશીલ એવા તાહીર અસલમ ગોરાએ 21 નવેમ્બરને ગુરુવારની ઢળતી સાંજે અમદાવાદના ભાઈકાકા હૉલમાં આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે આખો હૉલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો હતો.

પ્રસંગ હતો ભારતીય વિચાર મંચ આયોજિત સંવાદનો. ભારત અને પાકિસ્તાન વચ્ચે તો શાંતિ સ્થપાઈ શકે તેમ નથી કેમ કે ભારતના વિભાજનથી જ પાકિસ્તાનનો જન્મ થયો છે અને પાકિસ્તાની સત્તાવાળાઓ, ત્યાંના લશ્કર તેમજ કટ્ટરવાદીઓના અસ્તિત્વનો આધાર ભારતનો વિરોધ કરવામાં જ છે તેમ જણાવી તાહિર અસલમે કહ્યું કે, કેટલાક સમજદાર મુસલમાનો તેમજ અન્ય સામાન્ય પ્રજા જેને રાજકારણમાં રસ નથી તેમના ઉપર થોડી ઘણી આશા રાખી શકાય તેમ છે. તાહિર અસલમ સ્પષ્ટપણે માને છે અને જાહેરમાં એ વિશે બોલે પણ છે કે, દુનિયામાં પાકિસ્તાન જ એકમાત્ર એવો દેશ છે જ્યાંથી આતંક ઊભો થાય છે અને દુનિયાભરમાં ફેલાય છે.
72 વર્ષના સમયગાળામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીનું પ્રમાણ ટોચ ઉપર છે ત્યારે જે કેટલાક પાક-મુસલમાનો (પાક અર્થાત પાકિસ્તાની નહીં પણ પવિત્ર) આપણી આસપાસ છે તેમાં હાલમાં કેરળના રાજ્યપાલ આરીફ મોહંમદ ખાન, તારીક ફતેહ તથા તાહીર અસલમ ગોરા વિશે દરેક ભારતીયને ખબર હોવી જોઇએ અને આવા લોકોને પ્રોત્સાહિત પણ કરવા જોઇએ. આ ત્રણ પૈકી આરીફ મોહંમદ ખાન ભારતીય નાગરિક છે. મૂળભૂત રીતે કોંગ્રેસી નેતા, પરંતુ રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને અવગણીને મુસ્લિમોની ખુશામત કરવાનો હિચકારો પ્રયાસ કર્યો હતો ત્યારે આરીફ મોહંમદ એકમાત્ર હિંમતવાન મુસ્લિમ હતા જેમણે પોતાની જ સરકારના એ પગલાંનો વિરોધ કરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આવા એક સાચા મુસલમાનની મોદી સરકારે થોડા મહિના પહેલાં કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરી છે. એ સિવાયના બંને – તારીક ફતેહ અને તાહીર અસલમ પાકિસ્તાનમાં જન્મેલા પરંતુ કેનેડામાં જઇને વસેલા છે. આ બંનેને પાકિસ્તાની સરકાર-લશ્કર-આઈએસઆઈની ભારત વિરોધી કટ્ટરતા પસંદ નથી અને બંને હંમેશાં જાહેરમાં ભારતની તરફેણમાં નિવેદનો કરે છે, લખે છે.
તો આવા તાહીર અસલમ પ્રત્યે રાષ્ટ્રવાદી ભારતીયોને માન હોય એ સ્વાભાવિક છે. કેનેડામાં ન્યૂઝ ચૅનલ ચલાવતા અને સાથે ત્યાંના મુસ્લિમો પાકિસ્તાન તરફી કટ્ટરવાદી ન બને એ માટે કર્મશીલની જેમ કામ કરતા આ તાહીર અસલમે થોડાં વર્ષ પહેલાં તેમની ટીવી ચૅનલમાં ગાય વિશે ચર્ચા કરી હતી. ભારતમાં ગૌહત્યા અને તેને કારણે ગાયના તસ્કરો સામે કેટલાક લોકો નારાજ થઈને હિંસક બન્યા ત્યારે તાહીર અસલમે ઇસ્લામમાં ગાય વિશે શું માન્યતાઓ છે અને કુર્રાનમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે તેની ચર્ચા કરી હતી. તેમનો આ વીડિયો એ સમયે ભારતમાં ખૂબ જ વાયરલ થયો હતો.
તાહીર અસલમ, તારીક ફતેહ જેવા પાકિસ્તાની કેનેડિયન નાગરિકોને ભારત, ભારતીયો, હિન્દુઓ તેમજ નરેન્દ્ર મોદી ઉપર શ્રદ્ધા, આશા અને વિશ્વાસ છે એ એક સારું લક્ષણ છે. આવા મુસ્લિમોની સંખ્યા વધે એ આખી દુનિયાના લાભમાં છે.

Saturday, October 19, 2019

સગીર સનાતનીઓ

સગીર સનાતનીઓ
#My_Thoughts_On_Nationalism
મોટાભાગના સનાતની અને સગીર બાળકો વચ્ચે ખાસ તફાવત નથી.
જેમ સગીર બાળક તેની મોટાભાગની જરૂરિયાતો માટે માતા-પિતા અથવા પાલક વાલી ઉપર આધારિત રહે છે...એવું જ મોટાભાગના સનાતનીઓનું છે.
દયા-દાન-દક્ષિણા-રાહતો-સહાય-છૂટછાટ...વગેરે ઉપર આધારિત રહેતો સનાતની પોતાની જાત અથવા પોતાના પરિવાર અથવા પોતાના સમુદાયના રક્ષણ માટે પણ કોઇના ઉપર આધારિત જ રહે છે, બિલકુલ સગીર બાળકની જેમ !અ
જ્યાં સુધી મલેચ્છ પડકાર નહોતો ત્યાં સુધી આ સનાતની પુખ્ત હતો, પ્રગતિશીલ હતો, જ્ઞાની હતો.
પણ જેવા મલેચ્છ પડકારો ઊભા થયા તે સાથે જ આ પુખ્ત અને બાહોશ સનાતની સગીર બની ગયો !
તરત જ એ શરણું શોધવા લાગ્યો. તરત જ આશ્રય શોધવા લાગ્યો...આશ્રમો બંધાવા લાગ્યા- માત્ર ભજન માટે !
એનાં શૌર્ય, જ્ઞાન અને બુદ્ધિમત્તા એકાએક સ્વાર્થી બની ગયાં. મલેચ્છોના શરણમાં તે ભીરુ અને સ્વાર્થી બની ગયો. પોતાના જ બાંધવ તેને દુશ્મન લાગવા માંડ્યા...બિલકુલ સગીર બાળકની જેમ જ !
જેમના દરબારમાં મલેચ્છો દરબારી બનીને આવ્યા હતા...એમના જ દરબારમાં આજે સનાતનીઓ દરબારી બની બેઠા છે.
મારે શું અને મારું શું...એ "સગીરી" આજે સનાતની કિલ્લાના એક એક કાંગરાને ચૂપચાપ ખેરવી રહી છે...સનાતની સગીરો ન તો જગદ્દગુરુ શંકરાચાર્યનો સંદેશો પામી શક્યા, ન તો છત્રપતિ શિવાજીનો સંદેશો ઝીલી શક્યા, ન તો મહારાણા પ્રતાપ થઈ શક્યા અને ના તો વીર સાવરકરના સમર્થનમાં ચટ્ટાન બનીને ઊભા રહી શક્યા...સનાતની સગીરો સરદાર વલ્લભભાઈના સમર્થનમાં રાજકીય રીતે ભટકી ગયેલા કથિત મહાત્માને તેનો નિર્ણય પાછો ખેંચવા મજબૂર પણ ન કરી શક્યા...એ જ સનાતની સગીરોને આંબેડકરની ચેતવણીઓ સમજાઈ જ નહીં...ડિસ્કાઉન્ટ અને મોબાઇલ અને સિનેમાની ટિકિટ લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભો રહેતો આ સગીર સનાતની કદી સમજી જ ન શક્યો કે હિન્દુકુશથી લઈને લંકા સુધી તેનું રાજપાટ હતું તે કેવી રીતે સંકોચાઈ ગયું !કે
આ સગીર સનાતની કદાચ આજે પણ સમજી નથી શકતો કે જમ્મુ-કાશ્મીર, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, કેરળમાં પોતાના જ માટે લઘુમતી દરજ્જાની માગણી કેમ અને શા માટે ઊઠી !
ક્યાંથી સમજે, જ્યારે એને તો #રામધારીસિંહ_દિનકરની આ કાવ્ય પંક્તિ જ સમજાતી નથી...
तलवार पुण्य की सखी, धर्मपालक है,
लालच पर अंकुश कठिन, लोभ-सालक है।
असि छोड़, भीरु बन जहाँ धर्म सोता है,
पातक प्रचण्डतम वहीं प्रकट होता है।
#અલકેશ_પટેલ/19-10-19

Sunday, October 6, 2019

લો બોલો, હિન્દુત્વ 20મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું! (હિન્દુત્વ ઓળખની કટોકટી (03)


લો બોલો, હિન્દુત્વ 20મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું!
(હિન્દુત્વ ઓળખની કટોકટી (03)
--- ગત અઠવાડિયામાં બે આસિસ્ટન્ટ પ્રોફેસરે હિન્દુત્વ વિરુદ્ધ ઝેર ઓકીને સનાતનને નબળો પાડવાના આંતરરાષ્ટ્રીય કાવતરામાં પોતાનો સહયોગ આપ્યો છે!




--- અલકેશ પટેલ
ગયા અઠવાડિયે બે મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે સનાતન હિન્દુ ધર્મ વિશે એવાં નિવેદન કર્યાં છે જે હાસ્યાસ્પદ અને તદ્દન ખોટાં હોવા છતાં તેની ઉપેક્ષા કરીને એ તરફ આંખ આડા કાન ન કરી શકાય. જો ઉપેક્ષા કરીને આંખ આડા કાન કરીએ તો આજની જે #યો_યો_પેઢી છે તેને એમ જ લાગશે કે આ બંને મહિલા પ્રોફેસરની બેહુદી વાતોનો કોઈ જવાબ નથી આપતું એટલે દાલ મેં કુછ કાલા હોગા.
ના યુવા મિત્રો. આપણી દાળમાં કશું જ કાળું નથી. જે કંઈ કાળું છે એ ધર્માંતરના ધંધાદારીઓના પક્ષે છે.
જે બે મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરની વાત છે તેમાંનાં એક છે દિવ્યા દ્વિવેદી. તેઓ આઈઆઈટીમાં ભણાવેછે. અને બીજાં છે ઓદ્રે ટ્રુશેક (Audrey Truschke), જે ન્યૂયોર્કમાં છે.
દિવ્યાબહેને ભારતમાં ટૂકડે ગેંગના પ્રવક્તા તરીકે જાણીતી એક સમાચાર ચૅનલની ચર્ચામાં એવું ભવ્ય નિવેદન કર્યું કે, હિન્દુત્વનો પ્રારંભ તો હજુ 20મી સદીના પ્રારંભે થયો. આ દિવ્યાબહેનની અટક દ્વિવેદી છે. બે વેદના જાણકાર પરંપરાના કૂળનાં! અને છતાં તેમણે સનાતન હિન્દુ ધર્મને 20મી સદીનો ગણાવ્યો. બીજી તરફ ઓદ્રે ટ્રુશેકે ન્યૂયોર્કમાં પાંચ-પંદર લોકોની જંગી રેલીમાં નિવેદન ઠપકારી દીધું કે હિન્દુઓ અને નાઝીઓની વિચારધારા એક છે!
હકીકતે આવાં જૂઠાણાં ફેલાવીને ભ્રમ ઊભો કરવાનું એક વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે. આ કાવતરાંના સૂત્રધારો વેટિકનમાં અને સાઉદીમાં બેઠા છે. તેઓ નાણાંના જોરે કોઇને પણ ખરીદી શકે છે અને અનેક પ્રકારના દબાણ, લોભ, લાલચ હેઠળ ધર્માંતર કરાવીને પોતે ધારે એ બોલાવી શકે છે.
તો પછી આ સંજોગોમાં આપણે શું કરવું જોઇએ? આપણે વેદ વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરવો જોઇએ. આપણે ભગવદ્ ગીતા વાંચીને સજ્જ થવું જોઇએ. આપણે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, એની બેસંટ, શ્યામજી કૃષ્ણવર્મા, વીર સાવરકર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય વગેરે સંતો અને મહાનુભાવો હિન્દુત્વ વિશે તેમજ હિન્દુત્વને બચાવવા અંગે શું કહ્યું છે તે વાંચવું જોઇએ, તેનો ફેલાવો કરવો જોઇએ. આ બધાની સાથે સાથે આપણે રાજીવ મલ્હોત્રા તથા અરવિંદન નીલકાનંદન દ્વારા લખવામાં આવેલું બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક વાંચવું જોઇએ જે ભારત વિખન્ડન નામે આ પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે અને ખૂબ ટૂંક સમયમાં તે ગુજરાતીમાં પણ વાંચવા મળશે.
આપણી બે પ્રકારની સમસ્યા છે અને તેમાંથી જો બહાર આવી શકીએ તો ઉપરોક્ત બંને મહિલા પ્રોફેસર તેમજ તેમના જેવા બીજા ડાબેરી સમર્થિત લોકો તેમજ અર્બન નક્સલવાદીઓ આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ તેમજ આપણી પરંપરાઓ વિશે જે જૂઠાણા ફેલાવે છે તે અટકાવી શકાય.
આપણી પહેલી સમસ્યા- વેદ, ઓમકાર, ભગવદ્ ગીતા વિશે જાણતા નથી એ છે. અને એ જ કારણે ઊભી થતી બીજી સમસ્યા એ છે કે આપણી વિરુદ્ધ ફેલાવાતા જૂઠાણાનો જવાબ આપી શકતા નથી. એક મોટો અનર્થ એ થયો છે કે ઘણા દાયકાથી ગુજરાત સહિત ભારતમાં ઠેરઠેર કથાકારો વધી ગયા છે. આ કથાકારો સનાતન ધર્મ મજબૂત બને એવું કશું કામ કરવાને બદલે માત્ર કૃષ્ણ લીલા અને રામ લીલાની વાતો કર્યા કરે છે. આવી કથાઓથી એ કથાકારો પોતે સેલિબ્રિટી થઈ ગયા, પુષ્કળ ધન કમાયા, મોટા આશ્રમો બનાવી દીધા...અને ભોળી પ્રજા દિવસોના દિવસો સુધી કલાકોના કલાકો એ કથાકારોની સામે બેસી રહી અને નબળી બનતી રહી.
ભોળી પ્રજાએ લાખો માનવ કલાકો આ રીતે માત્ર કૃષ્ણ લીલા અને રામ લીલા સાંભળવામાં વેડફી નાખ્યા. દેશ ગંદકી અને ગરીબીમાં સબડતો રહ્યો. સામે વિદેશીઓની ધર્માંતર પ્રવૃત્તિઓ અટકાવી શકાઈ નહીં. ઉલટાનું નરેન્દ્ર મોદી જેવા નેતાએ આવીને પરિશ્રમ અને સ્વચ્છતાની વાત કરીને દેશને પ્રગતિની દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો તો ધર્માંતરની ધંધાદારી કાવતરા ટોળકીએ નરેન્દ્ર મોદીને જ નિશાન બનાવીને બદનામ કરવાનું શરૂ કર્યું. રાજકીય વિરોધીઓ આવી સ્થિતિનો ગેરલાભ ઉઠાવવા માટે તત્પર હોય એ સમજી શકાય, પરંતુ પ્રજા પણ તેમની વાતમાં આવી જશે તો ધર્માંતરના ધંધાદારીઓનાં કાવતરાં સફળ થશે એ નક્કી છે. સનાતન હિન્દુત્વ ઓળખની કટોકટીનું આ પણ એક ચિંતાજનક પાસું છે. તેની સામે ચેતી જવા માટે આ છેલ્લી તક છે.#અલકેશ.

Tuesday, October 1, 2019

મનુવાદ, આંબેડકરવાદ અને ભીમઆર્મી


મનુવાદ, આંબેડકરવાદ અને ભીમઆર્મી
(હિન્દુત્વ ઓળખની કટોકટી (02)
--- એક વીડિયો આજકાલ બહુ વાયરલ થયો છે જેમાં કેટલાક તત્વો બંધારણનું નામ આગળ ધરીને મંગળસૂત્ર જેવાં હિન્દુત્વનાં પ્રતીકોનું અપમાન કરી રહ્યા છે. સવાલ એ છે કે કોણ હશે આ તત્વો?

--- અલકેશ પટેલ

મંગળસૂત્રથી પતિનું રક્ષણ ના થાય, એ તો બંધારણથી થાય...આવાં કંઇક સંદિગ્ધ અને તદ્દન ઉપજાવી કાઢેલાં નિવેદનો સાથે કેટલાક તત્વો દ્વારા હિન્દુ સ્ત્રીઓના ગળામાંથી મંગળસૂત્ર ઊતરાવી તોડી નાખવામાં આવે છે, હિન્દુ પુરુષોના હાથમાંથી પવિત્ર નાડાછડી તોડાવી નખાવવામાં આવે છે – આવો એક વીડિયો આજકાલ વાયરલ થયો છે. એ વીડિયો બનાવનારા અને તેને વાયરલ કરનારા એ તત્વો પોતે જ છે જેમને હિન્દુત્વ સામે વાંધો છે.
આશ્ચર્ય, દુઃખ અને આઘાતની વાત એ છે કે કથિત રીતે ભીમ આર્મીના નામે રસ્તા ઉપર નીકળેલા આ લોકો બંધારણના નામે હિન્દુત્વનાં પ્રતીકોનું અપમાન કરી રહ્યા છે. આ તત્વો ડૉ. ભીમરાવ આંબેડકરનું અને બંધારણનું નામ લે છે ત્યારે તેઓ કઈ હદે ગેરમાર્ગે દોરાયેલા છે તેનો ખ્યાલ આવે છે.
કોણ હોઈ શકે આ ભીમ આર્મી વાળા?
ભીમઆર્મી વાળા ડૉ. આંબેડકરનું નામ લે છે. ડૉ. આંબેડકરના ફોટાનો ઉપયોગ કરે છે. પણ હકીકતે શું આ લોકોને ડૉ. આંબેડકર સાથે કોઈ લેવાદેવા હશે ખરી? ના, હરગીઝ નહીં. ડૉ. આંબેડકરે હિન્દુત્વનો ત્યાગ કર્યો હતો, પણ ધર્મનું અપમાન નહોતું કર્યું. મને ખાતરી છે કે આંબેડકરને સાચી રીતે ઓળખનારા લોકો પણ હિન્દુત્વનું અપમાન કરવામાં સામેલ નથી. તો પછી કોણ છે આ બધા?
આ બધા હકીકતે અર્બન નક્સલવાદીઓના રવાડે ચડેલા નિર્દોષ લોકો છે. આ બધા ઓવૈસી જેવા જેહાદી તત્વોના રવાડે ચડેલા મુઠ્ઠીભર ભાંગફોડિયા તત્વો છે જેમને મૂળભૂત રીતે હિન્દુત્વ સામે વાંધો છે. આ બધા ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિથી ભરમાઈ ગયેલા લોકો છે.
અર્બન નક્સલીઓ, જેહાદીઓ તેમજ મિશનરીઓ દ્વારા ભારતના આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગોમાં અવિશ્વાસ અને વિખવાદનાં મૂળિયાં રોપવાનું કામ ચાલુ જ છે અને તેનું જ આ પરિણામ છે કે ગેરમાર્ગે દોરાયેલા ભોળા અને નિર્દોષ લોકો ભીમઆર્મીના નામે પોતાના જ મૂળ ધર્મ અને સંસ્કારોનું અપમાન કરવા તૈયાર થઈ ગયા છે. અને વધારે કમનસીબી એ છે કે આ કામમાં મહિલાઓને જ હાથો બનાવવામાં આવી રહી છે! ભીમ આર્મીના ભુરા ખેસ નાખીને મહિલાઓ એ જ મૂળિયાં ઉખાડી રહી છે જેના ઉપર તેમના પોતાના વંશજો જીવ્યા હતા.
બંધારણ તો એમ કહે છે કે દેશમાં દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાની, પોતાની પરંપરાઓ આગળ વધારવાની સ્વતંત્રતા છે...તો પછી આ અર્બન નક્સલીઓ, જેહાદીઓ તેમજ મિશનરી વાળા હિન્દુ પરંપરાઓ ઉપર શા માટે પ્રહાર કરે છે? કોઈ હિન્દુ સંગઠન અથવા સંસ્થાઓને લાલચ કે ધામધમકીથી કોઈનું ધર્માંતર કરાવતા કે કોઈના ધર્મનાં પ્રતીકો તોડતા જોયા છે કદી?
તો પછી મૂળ હિન્દુત્વના આ દેશમાં આ બધું શું થઈ રહ્યું છે? હિન્દુ તેના પોતાના દેશમાં પોતાના ધર્મનું, પોતાના સંસ્કારોનું, પોતાની પરંપરાઓનું પાલન નહીં કરે તો ક્યાં જઇને કરશે? શું એ શક્ય છે કે કોઈ ખ્રિસ્તી દેશમાં ભીમ આર્મી જેવા કોઈ સંગઠન જાહેરમાં ત્યાંના મૂળભૂત સમુદાયના લોકોને જીસસનો ક્રૉસ ઉતારી નાખવાનું કહી શકે? અથવા કોઈ ઇસ્લામિક દેશમાં ત્યાંની મહિલાઓને બુરખા કાઢીને ફેંકી દેવાનું કહેવાની હિંમત છે?
તો પછી ભારતમાં આવું શા માટે?
ભારતમાં એવું એટલા માટે કે મિશનરીઓ તેમજ જેહાદીઓને હજારો-હજારો વર્ષ જૂનો અને સૌથી પવિત્ર હિન્દુ ધર્મ પસંદ નથી. એમને તો કોઇપણ રીતે સનાતનને ખતમ કરી દેવો છે જેથી તેમની પોતાની ધાર્મિક દુકાનો ચાલી શકે. અને તેમના આ કાવતરાંમાં અર્બન નક્સલીઓ મદદ કરી રહ્યા છે.
અર્બન નક્સલીઓ આ સામાજિક અને આર્થિક રીતે નબળા લોકોની વચ્ચે જઇને એવી ભ્રમણા ઊભી કરી રહ્યા છે કે તેમની એ સ્થિતિનું કારણ મનુવાદ છે. આ અર્બન નક્સલીઓ અનેક દાયકાથી આ ધંધો કરી રહ્યા છે અને ભલા-ભોળા લોકો અર્બન નક્સલીઓની વાતમાં ફસાઈને ભીમ આર્મી જેવાં સંગઠનો ઊભા કરે છે.
સાચી વાત તો એ છે કે આ ભલા-ભોળા લોકો નથી બંધારણ વિશે કશું જાણતા, નથી આંબેડકર વિશે કશું જાણતા, કે પછી નથી તેમની પાસે હિન્દુત્વ અને મનુવાદ વિશેની સાચી માહિતી.
આ દેશમાં હજુ પણ શિક્ષણનું પ્રમાણ ઓછું છે. પરિણામે સ્વાભાવિક રીતે સામાજિક-આર્થિક રીતે નબળા લોકો વાંચી-લખી ન શકે અને તેથી તેમને કોઇપણ વિષયની પ્રાથમિક અને સાચી માહિતી ન હોય. તેનો ગેરલાભ આ અર્બન નક્સલીઓ-જેહાદીઓ-મિશનરીઓની ત્રેખડ ટોળી ઊઠાવી રહી છે.
મંગળસૂત્ર અને નાડાછડી જેવાં પવિત્ર પ્રતીકો તોડીને તેમાંથી કહેવાતી મુક્તિના નામે ભુરા (બ્લુ) ખેસની ગુલામીમાં સપડાયેલા લોકોને અટકાવવાનું અને પાછા વાળવાનું કામ સાધુ-સંતોએ જ કરવું પડશે. આ અમારું કામ નથી એવું કહીને જો સાધુ-સંતો નિષ્ક્રિય રહેશે તો અર્બન નક્સલો-જેહાદીઓ-મિશનરીઓની ટોળી જે કામગીરી કરી રહી છે તેને કારણે કેટલાક દાયકા પછી તમારી રામાયણ કે ભાગવત્ કથા સાંભળનાર પણ બચશે નહીં એટલી દીર્ઘદ્રષ્ટિ સાધુ-સંતોમાં હોવી જોઇએ એવી અપેક્ષા...#અલકેશ.