Tuesday, October 1, 2019

મનુવાદ, આંબેડકરવાદ અને ભીમઆર્મી


મનુવાદ, આંબેડકરવાદ અને ભીમઆર્મી
(હિન્દુત્વ ઓળખની કટોકટી (02)
--- એક વીડિયો આજકાલ બહુ વાયરલ થયો છે જેમાં કેટલાક તત્વો બંધારણનું નામ આગળ ધરીને મંગળસૂત્ર જેવાં હિન્દુત્વનાં પ્રતીકોનું અપમાન કરી રહ્યા છે. સવાલ એ છે કે કોણ હશે આ તત્વો?

--- અલકેશ પટેલ

મંગળસૂત્રથી પતિનું રક્ષણ ના થાય, એ તો બંધારણથી થાય...આવાં કંઇક સંદિગ્ધ અને તદ્દન ઉપજાવી કાઢેલાં નિવેદનો સાથે કેટલાક તત્વો દ્વારા હિન્દુ સ્ત્રીઓના ગળામાંથી મંગળસૂત્ર ઊતરાવી તોડી નાખવામાં આવે છે, હિન્દુ પુરુષોના હાથમાંથી પવિત્ર નાડાછડી તોડાવી નખાવવામાં આવે છે – આવો એક વીડિયો આજકાલ વાયરલ થયો છે. એ વીડિયો બનાવનારા અને તેને વાયરલ કરનારા એ તત્વો પોતે જ છે જેમને હિન્દુત્વ સામે વાંધો છે.
આશ્ચર્ય, દુઃખ અને આઘાતની વાત એ છે કે કથિત રીતે ભીમ આર્મીના નામે રસ્તા ઉપર નીકળેલા આ લોકો બંધારણના નામે હિન્દુત્વનાં પ્રતીકોનું અપમાન કરી રહ્યા છે. આ તત્વો ડૉ. ભીમરાવ આંબેડકરનું અને બંધારણનું નામ લે છે ત્યારે તેઓ કઈ હદે ગેરમાર્ગે દોરાયેલા છે તેનો ખ્યાલ આવે છે.
કોણ હોઈ શકે આ ભીમ આર્મી વાળા?
ભીમઆર્મી વાળા ડૉ. આંબેડકરનું નામ લે છે. ડૉ. આંબેડકરના ફોટાનો ઉપયોગ કરે છે. પણ હકીકતે શું આ લોકોને ડૉ. આંબેડકર સાથે કોઈ લેવાદેવા હશે ખરી? ના, હરગીઝ નહીં. ડૉ. આંબેડકરે હિન્દુત્વનો ત્યાગ કર્યો હતો, પણ ધર્મનું અપમાન નહોતું કર્યું. મને ખાતરી છે કે આંબેડકરને સાચી રીતે ઓળખનારા લોકો પણ હિન્દુત્વનું અપમાન કરવામાં સામેલ નથી. તો પછી કોણ છે આ બધા?
આ બધા હકીકતે અર્બન નક્સલવાદીઓના રવાડે ચડેલા નિર્દોષ લોકો છે. આ બધા ઓવૈસી જેવા જેહાદી તત્વોના રવાડે ચડેલા મુઠ્ઠીભર ભાંગફોડિયા તત્વો છે જેમને મૂળભૂત રીતે હિન્દુત્વ સામે વાંધો છે. આ બધા ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિથી ભરમાઈ ગયેલા લોકો છે.
અર્બન નક્સલીઓ, જેહાદીઓ તેમજ મિશનરીઓ દ્વારા ભારતના આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગોમાં અવિશ્વાસ અને વિખવાદનાં મૂળિયાં રોપવાનું કામ ચાલુ જ છે અને તેનું જ આ પરિણામ છે કે ગેરમાર્ગે દોરાયેલા ભોળા અને નિર્દોષ લોકો ભીમઆર્મીના નામે પોતાના જ મૂળ ધર્મ અને સંસ્કારોનું અપમાન કરવા તૈયાર થઈ ગયા છે. અને વધારે કમનસીબી એ છે કે આ કામમાં મહિલાઓને જ હાથો બનાવવામાં આવી રહી છે! ભીમ આર્મીના ભુરા ખેસ નાખીને મહિલાઓ એ જ મૂળિયાં ઉખાડી રહી છે જેના ઉપર તેમના પોતાના વંશજો જીવ્યા હતા.
બંધારણ તો એમ કહે છે કે દેશમાં દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાની, પોતાની પરંપરાઓ આગળ વધારવાની સ્વતંત્રતા છે...તો પછી આ અર્બન નક્સલીઓ, જેહાદીઓ તેમજ મિશનરી વાળા હિન્દુ પરંપરાઓ ઉપર શા માટે પ્રહાર કરે છે? કોઈ હિન્દુ સંગઠન અથવા સંસ્થાઓને લાલચ કે ધામધમકીથી કોઈનું ધર્માંતર કરાવતા કે કોઈના ધર્મનાં પ્રતીકો તોડતા જોયા છે કદી?
તો પછી મૂળ હિન્દુત્વના આ દેશમાં આ બધું શું થઈ રહ્યું છે? હિન્દુ તેના પોતાના દેશમાં પોતાના ધર્મનું, પોતાના સંસ્કારોનું, પોતાની પરંપરાઓનું પાલન નહીં કરે તો ક્યાં જઇને કરશે? શું એ શક્ય છે કે કોઈ ખ્રિસ્તી દેશમાં ભીમ આર્મી જેવા કોઈ સંગઠન જાહેરમાં ત્યાંના મૂળભૂત સમુદાયના લોકોને જીસસનો ક્રૉસ ઉતારી નાખવાનું કહી શકે? અથવા કોઈ ઇસ્લામિક દેશમાં ત્યાંની મહિલાઓને બુરખા કાઢીને ફેંકી દેવાનું કહેવાની હિંમત છે?
તો પછી ભારતમાં આવું શા માટે?
ભારતમાં એવું એટલા માટે કે મિશનરીઓ તેમજ જેહાદીઓને હજારો-હજારો વર્ષ જૂનો અને સૌથી પવિત્ર હિન્દુ ધર્મ પસંદ નથી. એમને તો કોઇપણ રીતે સનાતનને ખતમ કરી દેવો છે જેથી તેમની પોતાની ધાર્મિક દુકાનો ચાલી શકે. અને તેમના આ કાવતરાંમાં અર્બન નક્સલીઓ મદદ કરી રહ્યા છે.
અર્બન નક્સલીઓ આ સામાજિક અને આર્થિક રીતે નબળા લોકોની વચ્ચે જઇને એવી ભ્રમણા ઊભી કરી રહ્યા છે કે તેમની એ સ્થિતિનું કારણ મનુવાદ છે. આ અર્બન નક્સલીઓ અનેક દાયકાથી આ ધંધો કરી રહ્યા છે અને ભલા-ભોળા લોકો અર્બન નક્સલીઓની વાતમાં ફસાઈને ભીમ આર્મી જેવાં સંગઠનો ઊભા કરે છે.
સાચી વાત તો એ છે કે આ ભલા-ભોળા લોકો નથી બંધારણ વિશે કશું જાણતા, નથી આંબેડકર વિશે કશું જાણતા, કે પછી નથી તેમની પાસે હિન્દુત્વ અને મનુવાદ વિશેની સાચી માહિતી.
આ દેશમાં હજુ પણ શિક્ષણનું પ્રમાણ ઓછું છે. પરિણામે સ્વાભાવિક રીતે સામાજિક-આર્થિક રીતે નબળા લોકો વાંચી-લખી ન શકે અને તેથી તેમને કોઇપણ વિષયની પ્રાથમિક અને સાચી માહિતી ન હોય. તેનો ગેરલાભ આ અર્બન નક્સલીઓ-જેહાદીઓ-મિશનરીઓની ત્રેખડ ટોળી ઊઠાવી રહી છે.
મંગળસૂત્ર અને નાડાછડી જેવાં પવિત્ર પ્રતીકો તોડીને તેમાંથી કહેવાતી મુક્તિના નામે ભુરા (બ્લુ) ખેસની ગુલામીમાં સપડાયેલા લોકોને અટકાવવાનું અને પાછા વાળવાનું કામ સાધુ-સંતોએ જ કરવું પડશે. આ અમારું કામ નથી એવું કહીને જો સાધુ-સંતો નિષ્ક્રિય રહેશે તો અર્બન નક્સલો-જેહાદીઓ-મિશનરીઓની ટોળી જે કામગીરી કરી રહી છે તેને કારણે કેટલાક દાયકા પછી તમારી રામાયણ કે ભાગવત્ કથા સાંભળનાર પણ બચશે નહીં એટલી દીર્ઘદ્રષ્ટિ સાધુ-સંતોમાં હોવી જોઇએ એવી અપેક્ષા...#અલકેશ.

1 comment:

  1. આ બધું ત્યારે જ અટકે જ્યારે જ્ઞાતિ પ્રથા અને જાતિ વાદ ખતમ થાય

    ReplyDelete