Sunday, June 18, 2023

કોંગ્રેસ ચરિત્રઃ મધ્યપ્રદેશ, છત્તીસગઢ મેં રામ, કર્ણાટક મેં છૂરી

 


કોંગ્રેસનું ચરિત્ર કઈ હદે છેતરપિંડીવાળું છે એ સમજવું હોય તો પાંચ રાજ્યની વર્તમાન ઘટનાઓ ઉપર નજર નાખવાની જરૂર છે. શું હિન્દુ મતદાતા વધુ એક વખત ભોટ સાબિત થઈ રહ્યો છે?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

દેશના પાંચ રાજ્યમાં હાલ ચાલી રહેલા ઘટનાક્રમ ઉપર તમારી નજર છે? લગભગ તો નહીં હોય કેમ કે મોટાભાગના લોકો બિપરજૉય વાવાઝોડામાં અને બાબા બાગેશ્વરમાં અને આંદોલને ચડેલા કુસ્તીબાજોમાં અને આદિપુરુષ ફિલ્મ વિશે દલીલો કરવામાં વ્યસ્ત હશે. પણ આ પાંચ રાજ્ય- કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગણા અને રાજસ્થાન ઉપર ધ્યાન આપવા જેવું છે. આ પાંચમાંથી ત્રણ રાજ્ય કોંગ્રેસ-શાસિત છે એક ભાજપ-શાસિત અને એક બીઆરએસ-શાસિત. (બીઆરએસ એટલે ભારત રાષ્ટ્ર સમિતિ, જેનું જૂનું નામ તેલંગણા રાષ્ટ્ર સમિતિ હતું)

અલબત્ત, આજે તેલંગણાની વાત માત્ર ઉલ્લેખ પૂરતી કરવાની છે અને તે એ કે, તેલંગણામાં હાલ શાસન કરતી એક સમયની ઘોર હિન્દુત્વ વિરોધી પાર્ટી બીઆરએસે હવે નકલી ધર્માંતર કરી લીધું છે અને ચૂંટણી આવે ત્યાં સુધી એણે પોતાને સવાયો હિન્દુવાદી પક્ષ સાબિત કરવા તમામ પ્રકારનાં ગતકડાં શરૂ કરી દીધા છે.

ખેર, મુદ્દો તેલંગણા નથી. મુદ્દો કોંગ્રેસ પક્ષ છે. મુદ્દો કોંગ્રેસ પક્ષની બેવડી અને બેધારી નીતિનો છે જેમાં ભોટ હિન્દુઓ ફસાતા રહે છે અને પોતાના જ પતન માટેની વ્યવસ્થા કરતા રહે છે. તમને બધાને યાદ છે કે, કર્ણાટક ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેના ઢંઢેરામાં બજરંગ દળ ઉપર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું હતું. જેહાદી મતબેંક અંકે કરવાનો આ મોટો દાવ હતો. સફળ પણ થયો. તેની સાથે સાથે એ જ કોંગ્રેસ પક્ષે સંઘ વિરોધી, સાવરકર વિરોધી વલણ લઇને જેહાદીઓને ખુશ કર્યા હતા. ઉપરાંત એવું પણ વચન આપ્યું હતું કે, સત્તા પર આવશે તો ધર્માંતર વિરોધી કાયદો રદ કરી દેશે. હવે કર્ણાટકની કોંગ્રેસ સરકારે આ દરેક વચનનો અમલ કરવાનું તત્કાળ શરૂ કરી દીધું છે.

પણ એ જ કોંગ્રેસ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જૂદો ખેલ કરે છે. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ સવાયા નહીં પણ એથી વધીને દોઢા હિન્દુ હોય એમ મધ્યપ્રદેશના તમામ કોંગ્રેસ કાર્યાલયોમાં સુંદરકાંડ કરાવી રહ્યા છે, હનુમાનજી યાત્રા કાઢી રહ્યા છે અને એટલું ઓછું હોય તેમ બજરંગ દળની સામે બજરંગ સેના બનાવી છે! વળી આ કાર્યક્રમોમાં પ્રિયંકા વાડરા પણ હાજરી આપે છે. આવું જ કંઇક છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ કરી રહ્યા છે. ઘોર હિન્દુ વિરોધી બઘેલને છત્તીસગઢમાં રામાયણકાળનાં સ્થાનકો યાદ આવી રહ્યાં છે. હિન્દુ મતદારોને વધુ એક વખત ભોટ બનાવવા વિવિધ યોજનાઓ શરૂ કરી દીધી છે.

આ બંને રાજ્યમાં ચૂંટણી આવી રહી છે. એમ તો રાજસ્થાનમાં પણ ચૂંટણી નજીક જ છે. પરંતુ ત્યાંના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ટિપિકલ શાતિર છે. એ ભોટ હિન્દુઓ સાથે તો બનાવટ કરે જ છે પણ સાથે મુસ્લિમ મતદારોને પણ ખીસામાં રાખવાની ચાલ ચાલે છે. જેનું ઉદાહરણ ગત બે મહિનામાં બે વખત મળ્યું, જ્યારે પાકિસ્તાનથી આવેલા પીડિત હિન્દુઓ જ્યાં કાચાં ઝૂંપડાં બાંધીને રહેતા હતા એ બંને વસાહતો કોંગ્રેસના ગેહલોતે બુલડોઝરથી તોડી પડાવી. એકાદ વર્ષ પહેલાં આ જ અશોક ગેહલોતે અલવર જિલ્લામાં એક પ્રાચીન મંદિર તોડાવીને મુસ્લિમ મતબેંકને ખુશ કરી દીધી હતી. આ ઉપરાંત ગેહલોત શાતિર રમત રમે એનું કારણ એ પણ છે કે, રાજસ્થાનમાં ઘણા મોટાપાયે ધર્માંતર થયું હોવાને કારણે મુસ્લિમોની સંખ્યા વધારે છે. અશોક ગેહલોત એમની એ પ્રિય મતબેંકને બધી રીતે સાચવે છે. જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એવી સ્થિતિ નથી એટલે એ બંને રાજ્યમાં કોંગ્રેસ હિન્દુઓને સાણસામાં લેવા ખુલ્લેઆમ રમત કરી શકે છે.

સમગ્ર વાતનો સાર એ છે કે, 2014 પછી કોંગ્રેસે અલગ અલગ રાજ્યમાં સમય પ્રમાણે પોતાના પક્ષનું ધર્માંતર કરવાની નીતિ અપનાવી છે. જે રાજ્યમાં મુસ્લિમ મતથી વધારે બેઠક મળે તેમ હોય ત્યાં હિન્દુઓને હડધૂત કરીને, જેહાદી માનસિકતાને ખુશ કરીને સત્તા મેળવવા મથામણ કરે છે. અને જ્યાં હિન્દુ મતદારો વધારે હોય ત્યાં હિન્દુઓને ભોટ બનાવવાના તમામ અખતરા કરે છે. અને મજાની (આમ તો પીડાની) વાત એ છે કે, ભોટ હિન્દુઓ મહિને 1000 રૂપિયા રોકડા, 500 રૂપિયામાં ગેસનો બાટલો જેવી કોંગ્રેસની સાવ સસ્તી જાહેરાતોમાં સપડાઈને સાવ સસ્તા બનીને કોંગ્રેસને મત આપી આવે છે. આવી રીતે સસ્તામાં વેચાઈ જતા લાલચુ હિન્દુઓએ એક દિવસ શું-શું ભોગવવું પડશે એનો એમને અંદાજ જ નથી. ખેર, જૈસી જિસકી સોચ...મિલતે હૈ બ્રેક કે બાદ!

Monday, June 12, 2023

શું ગોડસે પિસ્તોલ કાઢે એ પહેલાં જ ગાંધીને ગોળી વાગી ચૂકી હતી?

  


દિલ્હીના બિરલા હાઉસમાં ગાંધીની હત્યા થઈ એ સમયે એક ફૂટના અંતરે બે મહિલા હતી જેમના ખભે હાથ મૂકીને ગાંધી ચાલતા હતા, પણ કેસમાં સાક્ષી તરીકે બંનેને શા માટે બોલાવવામાં ન આવ્યાં?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

નથુરામ ગોડસે. આ નામ છેલ્લા 75 વર્ષથી એક તરફથી ધિક્કાર અને બીજી તરફથી માન – એમ મિશ્ર લાગણીની વચ્ચે અફળાઈ રહ્યું છે. કોની લાગણી સાચી છે એવી ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ જે પ્રશ્નો પૂરા 75 વર્ષથી દબાતા સ્વરે પૂછાઈ રહ્યા છે એ પ્રશ્નો હવે ઐતિહાસિક દસ્તાવેજી સ્વરૂપે ઉપલબ્ધ થયા છે.

કયા પ્રશ્નો? એ જ કે, ગાંધીની હત્યા ખરેખર નથુરામ ગોડસેએ જ કરી હતી? હત્યા ગોડસેએ નહોતી કરી તો પછી કોણે કરી હતી? હત્યા પિસ્તોલથી થઈ હતી કે રિવોલ્વરથી? ઘટના બાદ તરત ગોડસે પાસેથી જપ્ત કરવામાં આવેલી પિસ્તોલમાં તમામ ગોળી એકબંધ હતી...તો પછી કોની રિવોલ્વરમાંથી ગોળી ચાલી? ઘટના સમયે હુમલાનો ભોગ બનનાર ગાંધી સિવાય બે સૌથી અગત્યનાં સાક્ષી – બે મહિલાઓ ત્યાં એક ફૂટના અંતરે જ હતી, છતાં કેસની કાર્યવાહી દરમિયાન એ બંને મહિલાને સાક્ષી તરીકે બોલાવવામાં કેમ ન આવ્યાં? ગાંધીની હત્યા કરવામાં ગોડસે ઉપરાંત બીજા કયા લોકોને રસ હતો? ગોડસેને હત્યારા સાબિત કરવા માટે પોલીસ પાસે કોઈ પુરાવા હતા ખરા? હતા, તો કયા? અને સૌથી અગત્યનો પ્રશ્ન – ગોડસેએ સામે ચાલીને કબૂલાત શા માટે કરી?

આ અને આવા બીજા ઘણા પ્રશ્ન કર્ણાટકના એક વિદ્વાન લેખક (સ્વર્ગસ્થ) ડૉ. કે.એસ. નારાયણાચાર્યે (Dr. K.S. Narayanacharya) તેમનાં પુસ્તક WHO REALLY KILLED GANDHI? માં ઉપસ્થિત કર્યા છે. તેમણે આ પ્રશ્નો માત્ર ઉપસ્થિત નથી કર્યા પરંતુ એ દિવસના અર્થાત 30 જાન્યુઆરી, 1948ના સમગ્ર ઘટનાક્રમના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે તથા કેસની અદાલતી કાર્યવાહીમાં રહેલી ખામીઓ તરફ સ્પષ્ટ નિર્દેશ પણ કર્યો છે.

ડૉ. નારાયણાચાર્યે મૂળભૂત રીતે 2017માં કન્નડ ભાષામાં આ પુસ્તક લખ્યું હતું, પરંતુ અનેક લોકોના આગ્રહથી તેમણે પોતે જ એ અંગ્રેજીમાં લખ્યું. પુસ્તકમાં લેખકે ગોડસેને બદલે ગાંધીની હત્યા માટે તે સમયના એક કોંગ્રેસ નેતા તરફ ઇશારો કર્યો છે. લેખકે એ કોંગ્રેસી નેતાનું નામ તો નથી આપ્યું પરંતુ એવો સંકેત આપ્યો છે કે હત્યા કરનાર એ કોંગ્રેસી નેતા છેક 1978 સુધી પૂણેમાં રહેતા હતા.

પ્રશ્ન એ થાય કે લેખકે આવું તારણ કેવી રીતે કાઢ્યું? તો તેનો જવાબ એ છે- હત્યાના દિવસે ગાંધીની સાથે ચાલનાર બંને મહિલાઓના બીજા દિવસનાં અખબારોમાં પ્રકાશિત થયેલાં નિવેદન. ત્યારે એ બંનેએ કહ્યું હતું કે, એક વ્યક્તિ ગાંધીજીની છેક નજીક આવી ગયો. તેણે બે હાથ જોડીને નમસ્તે કર્યું અને તેના ખિસામાંથી પિસ્તોલ કાઢીને બાપુ તરફ તાકી એ દરમિયાન તેની જમણી બગલ નીચેથી રિવોલ્વર સાથે એક હાથ બહાર આવ્યો, તેમાંથી ત્રણ ગોળી છૂટી અને એ વ્યક્તિ ટોળામાં ગાયબ થઈ ગયો.

લેખક કહે છે કે, ત્યારપછી પોલીસે આ બંને મહિલાઓનાં નિવેદનો લઇને તેનું સીલબંધ કવર તેમની પાસે રાખી લીધું પરંતુ અદાલતમાં એ નિવેદનો રજૂ કરવામાં આવ્યા નહીં. કોઇક કારણસર બચાવપક્ષના વકીલે પણ આ બંને મુખ્ય સાક્ષીને અદાલતમાં બોલાવવાની રજૂઆત કરી નહીં. એ જ રીતે કોઇક કારણસર કેસ ચલાવનાર જજે પણ પિસ્તોલ અને રિવોલ્વર વચ્ચેના ભેદનું રહસ્ય શોધવા પ્રયાસ ન કર્યો. અદાલતી કાર્યવાહી દરમિયાન પોલીસે ગોડસેની પિસ્તોલ અને તેમાં રહેલી સાતે-સાત ગોળી યથાવત રજૂ કરી છતાં અદાલતે એ બાબત ધ્યાનમાં ન લીધી કે ગોડસેની પિસ્તોલમાંથી ગોળી ચાલી જ નથી તો હત્યા કેવી રીતે થઈ? કોણે કરી?

લેખક ડૉ. (સ્વ.) નારાયણાચાર્ય તેમના પુસ્તકમાં બે-ત્રણ તારણ આપે છે તે પણ ચોંકાવનારા છે. સ્વતંત્રતા સમય અને ત્યારપછીની વિવિધ ઐતિહાસિક ઘટનાઓ સંદર્ભે તેઓ કહે છે કે, (અ) વિભાજન અને ત્યારપછી હિન્દુઓએ જે સહન કરવું પડ્યું તેનાથી દેશના મોટાભાગના હિન્દુ ગાંધીથી નારાજ હતા. (બ) કોંગ્રેસ પક્ષમાં કે પછી સરકારમાં કે અન્ય કોઇપણ જગ્યાએ ગાંધી કોઈ બંધારણીય હોદ્દો ધરાવતા ન હોવા છતાં 1947માં સરકારની રચના પછી પણ અનાવશ્યક જીદ કરીને એ સરકાર પાસે પોતાનું ધાર્યું કરાવતા હતા. જેમાં પાકિસ્તાનને રૂપિયા 55 કરોડ આપવાની વાતનો પણ સમાવેશ થતો હતો. (ક) કોંગ્રેસ પક્ષને વિખેરી નાખવા માટે ગાંધી જીદે ચડ્યા હતા જેને કારણે નહેરુ સહિત અનેક કોંગ્રેસી નેતાઓના રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થઈ શકે તેમ હતો. (કહેવાય છે કે, 31 જાન્યુઆરી, 1948ના દિવસે જ ગાંધી કોંગ્રેસના વિભાજનનો મુસદ્દો રજૂ કરવાના હતા!). અને સૌથી અગત્યનું (ડ) ગાંધીની હત્યા કોઈ હિન્દુવાદીએ કરી છે એવું સાબિત કરી શકાય તો કોંગ્રેસને કાયમી રાહત થઈ જાય...(અને 75 વર્ષનો ઇતિહાસ આ વાતનો સાક્ષી છે!) આ પુસ્તકમાં બીજા પણ એવાં અનેક પ્રમાણ આપવામાં આવ્યાં છે જેના વિશે કોંગ્રેસ અને તેમના દરબારીઓ દ્વારા દેશને 75 વર્ષથી અંધારામાં રાખવામાં આવ્યો છે. આ પુસ્તક વાંચો પછી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, June 4, 2023

ચાર ડાબેરીઓના હત્યારા પકડાતા કેમ નથી? રહસ્ય શું છે?

2013થી 2017ના ગાળામાં દેશમાં ચાર ડાબેરી - ડૉ. નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, એમ.એમ.કલબુર્ગી અને ગૌરી લંકેશની હત્યા થઈ હતી. આ હત્યાઓનો આરોપ તત્કાળ હિન્દુવાદીઓ ઉપર લગાવી દેવામાં આવ્યો હતો...પણ...

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

સેક્યુલર-કોમવાદીઓનું રાજકારણ એ હદે શંકાસ્પદ અને રહસ્યમય હોય છે કે સામાન્ય માણસો સાવ સરળતાથી એમની જાળમાં ફસાઈ જાય. સેક્યુલારિઝમ વાસ્તવમાં એવો ગંભીર કોમવાદ છે જેણે માત્ર ભારત જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાં સામાજિક તાણાવાણાને અપાર નુકસાન પહોંચાડ્યું છે. ભારતમાં આ સેક્યુલર-ડાબેરી કોમવાદીઓનો મુખ્ય વ્યવસાય હિન્દુત્વને બદનામ કરવાનો છે. આ માટે એ લોકો કોઇપણ હદે જઈ શકે છે, એટલે સુધી કે હિન્દુ આતંકવાદ - ભગવો આતંકવાદ જેવી થીયરી ઘડવાની હદે પહોંચી ગયા હતા.

ડાબેરીઓ તેમજ ટુકડે ગેંગની ટૂલકિટનો ખુલાસો તાજેતરમાં પ્રકાશિત પુસ્તક THE RATIONALIST MURDERS પુસ્તકથી થાય છે. પુસ્તકના લેખક છે Amit Thadhani. વ્યવસાયે ડૉક્ટર અમિતભાઈની મુલાકાત એક વખત એક સામાજિક પ્રસંગમાં આ કેસમાં એક હિન્દુ સંસ્થાના વકીલ સાથે થઈ. તેમની સાથેની વાતચીત દરમિયાન ડૉ. અમિતને જાણવા મળ્યું કે, ડાબેરીઓની હત્યાના કેસમાં તપાસ એજન્સીઓ કોઈ આરોપીને પકડી શકતી નથી, કશું જ સાબિત કરી શકતી નથી. જે કંઈ ચાલી રહ્યું છે એ બધું માત્ર શંકાના આધારે ચાલે છે. અદાલત પણ પોલીસ અને સીબીઆઈથી નારાજ છે. આટલી જાણકારી મળ્યા બાદ ડૉક્ટર સાહેબે કોરોનાકાળના લૉકડાઉનમાં આ ચારેય કેસોનો વિગતે અભ્યાસ કર્યો, કેસોને લગતા હજારો દસ્તાવેજ, અખબારી અહેવાલો, અદાલતના આદેશ બધું જ વાંચ્યું અને તેને આધારે આ પુસ્તક લખ્યું. આ પુસ્તક આપણી કાયદો-વ્યવસ્થાની કામગીરી અંગે આંખ ઉઘાડનારું છે. (પુસ્તક તમામ ઑનલાઇન અને ઑફલાઇન બુકસ્ટોર્સમાં ઉપલબ્ધ છે)

તમને યાદ હશે કે 2017માં નક્સલવાદના સમર્થક ડાબેરી મહિલા પત્રકાર-કર્મશીલ ગૌરી લંકેશની હત્યા થઈ હતી. તેને પગલે ડાબેરી પક્ષો ઉપરાંત કોંગ્રેસ સહિત તેના જેવા કહેવાતા સેક્યુલર પક્ષો અને કહેવાતા મીડિયાએ આખો દેશ માથે લીધો હતો. આ બધાએ એક અવાજમાં, એક સૂરમાં એ હત્યા માટે સંઘ પરિવાર સમર્થિત હિન્દુવાદીઓ જવાબદાર હોવાની બૂમરાણ મચાવી હતી. એ બૂમરાણ એટલી હદે લાઉડ હતી કે નક્સલી ઇરાદાને નહીં સમજી શકતા લોકો તો એમ જ માની લે કે એ હત્યા હિન્દુવાદીઓએ જ કરી હશે!

હિન્દુત્વ ઉપરના આવા આક્ષેપોમાં સત્ય કેટલું હોય છે એ વિશે કોઇએ કદી વિચાર કર્યો ખરો? કદાચ કોઈ નથી વિચારતું અને એ જ કારણે દેશ આજે રોજેરોજ ટુકડે ગેંગની ટૂલકિટનો શિકાર બની રહ્યો છે.

અહીં વાત માત્ર ગૌરી લંકેશની નથી પણ તેના સહિત કુલ ચાર ડાબેરી એક્ટિવિસ્ટની હત્યાની વાત છે. 2013થી 2017ના ગાળામાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આવી કુલ ચાર હત્યા થઈ. ડૉ. નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, એમ.એમ.કલબુર્ગી અને ગૌરી લંકેશ – આ ચારેય હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના ઘોર વિરોધી હતાં એટલું જ નહીં પરંતુ નક્સલવાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતાં હતાં. એ સાચું કે આ ચારેયના આવાં વલણને કારણે તેમનાથી અનેક હિન્દુ અગ્રણીઓ, હિન્દુ સંસ્થાઓ નારાજ હતા. ક્યારેક કોઈ હિન્દુ અગ્રણીઓ જાહેરમાં આ નક્સલી-સમર્થકોની વિરુદ્ધમાં બોલતા હતા, તો કેટલાક રાષ્ટ્રવાદીઓ સોશિયલ મીડિયા પર આક્રોશ પણ વ્યક્ત કરતા હતા. અને આવાં વાતાવરણમાં 2013માં ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યા થઈ. ટુકડે ગેંગની ટૂલકિટે હિન્દુત્વ વિરુદ્ધ આંગળીઓ ચીંધીને બૂમરાણ મચાવી દીધી. ત્યારબાદ 2015માં સામ્યવાદી નેતા ગોવિંદ પાનસરે તથા ડાબેરી લેખક એમ.એમ. કલબુર્ગીની હત્યા થઈ. ટુકડે ગેંગે તત્કાળ હિન્દુ સંગઠનો સામે આંગળીઓ ચીંધી. અને 2017માં ગૌરી લંકેશની હત્યા પછી તો જાણે હિન્દુઓ માત્ર આતંકવાદીઓ જ છે અને હિન્દુત્વ વિચારધારા આતંકની વિચારધારા છે એવું ચિતરવામાં ટુકડે ગેંગે કશું બાકી રાખ્યું નહીં. પ્રકાશ રાજ અને કમલ હાસન જેવા કહેવાતા અભિનેતાઓ પણ ટુકડે ગેંગના બેન્ડવાજામાં જોડાઈ ગયા.

આ ચારેય હત્યાના કેસમાં પાંચ વર્ષથી લઇને દસ વર્ષનો સમય પસાર થઈ ગયો છે. પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓ એકપણ હિન્દુ સંસ્થા કે હિન્દુવાદી અગ્રણીઓ ઉપર હત્યાનો આરોપ પુરવાર કરી શક્યા નથી. તપાસ એજન્સીઓ છેલ્લા દસ વર્ષથી આ ચારેય કેસને એકબીજા સાથે સાંકળવા તડજોડ કરે છે, પરંતુ સફળતા મળતી નથી. તમામ કેસમાં કાંતો નાની દુકાન ચલાવતા અથવા સાધારણ નોકરી કરતા સાવ સામાન્ય હિન્દુઓને પકડીને જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે, પરંતુ નથી આરોપનામાં દાખલ થતાં, નથી કેસ ચાલતો. આઘાતજનક વાત તો એ છે કે, એક તબક્કે મહારાષ્ટ્રમાં તો આ હત્યા કેસોમાં શકમંદ હિન્દુઓનો કેસ લડી રહેલા વકીલોની ટીમના મુખ્ય વકીલની જ ધરપકડ કરી લેવામાં આવી હતી. દેખીતી રીતે મુખ્ય વકીલની ધરપકડનો આશય બચાવપક્ષને નબળો પાડવાનો જ હતો.

આ પુસ્તકમાં આ અને આવા બીજા અનેક ખુલાસા વાંચીને દેશવિરોધીઓની ટૂલકિટની ફાઇલ તમારી નજર સમક્ષ તાદૃશ્ય થઈ જશે એ નક્કી. આ પુસ્તક વાંચી લો પછી...મિલતે હૈ બ્રેક કે બાદ!