Sunday, June 4, 2023

ચાર ડાબેરીઓના હત્યારા પકડાતા કેમ નથી? રહસ્ય શું છે?

2013થી 2017ના ગાળામાં દેશમાં ચાર ડાબેરી - ડૉ. નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, એમ.એમ.કલબુર્ગી અને ગૌરી લંકેશની હત્યા થઈ હતી. આ હત્યાઓનો આરોપ તત્કાળ હિન્દુવાદીઓ ઉપર લગાવી દેવામાં આવ્યો હતો...પણ...

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

સેક્યુલર-કોમવાદીઓનું રાજકારણ એ હદે શંકાસ્પદ અને રહસ્યમય હોય છે કે સામાન્ય માણસો સાવ સરળતાથી એમની જાળમાં ફસાઈ જાય. સેક્યુલારિઝમ વાસ્તવમાં એવો ગંભીર કોમવાદ છે જેણે માત્ર ભારત જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાં સામાજિક તાણાવાણાને અપાર નુકસાન પહોંચાડ્યું છે. ભારતમાં આ સેક્યુલર-ડાબેરી કોમવાદીઓનો મુખ્ય વ્યવસાય હિન્દુત્વને બદનામ કરવાનો છે. આ માટે એ લોકો કોઇપણ હદે જઈ શકે છે, એટલે સુધી કે હિન્દુ આતંકવાદ - ભગવો આતંકવાદ જેવી થીયરી ઘડવાની હદે પહોંચી ગયા હતા.

ડાબેરીઓ તેમજ ટુકડે ગેંગની ટૂલકિટનો ખુલાસો તાજેતરમાં પ્રકાશિત પુસ્તક THE RATIONALIST MURDERS પુસ્તકથી થાય છે. પુસ્તકના લેખક છે Amit Thadhani. વ્યવસાયે ડૉક્ટર અમિતભાઈની મુલાકાત એક વખત એક સામાજિક પ્રસંગમાં આ કેસમાં એક હિન્દુ સંસ્થાના વકીલ સાથે થઈ. તેમની સાથેની વાતચીત દરમિયાન ડૉ. અમિતને જાણવા મળ્યું કે, ડાબેરીઓની હત્યાના કેસમાં તપાસ એજન્સીઓ કોઈ આરોપીને પકડી શકતી નથી, કશું જ સાબિત કરી શકતી નથી. જે કંઈ ચાલી રહ્યું છે એ બધું માત્ર શંકાના આધારે ચાલે છે. અદાલત પણ પોલીસ અને સીબીઆઈથી નારાજ છે. આટલી જાણકારી મળ્યા બાદ ડૉક્ટર સાહેબે કોરોનાકાળના લૉકડાઉનમાં આ ચારેય કેસોનો વિગતે અભ્યાસ કર્યો, કેસોને લગતા હજારો દસ્તાવેજ, અખબારી અહેવાલો, અદાલતના આદેશ બધું જ વાંચ્યું અને તેને આધારે આ પુસ્તક લખ્યું. આ પુસ્તક આપણી કાયદો-વ્યવસ્થાની કામગીરી અંગે આંખ ઉઘાડનારું છે. (પુસ્તક તમામ ઑનલાઇન અને ઑફલાઇન બુકસ્ટોર્સમાં ઉપલબ્ધ છે)

તમને યાદ હશે કે 2017માં નક્સલવાદના સમર્થક ડાબેરી મહિલા પત્રકાર-કર્મશીલ ગૌરી લંકેશની હત્યા થઈ હતી. તેને પગલે ડાબેરી પક્ષો ઉપરાંત કોંગ્રેસ સહિત તેના જેવા કહેવાતા સેક્યુલર પક્ષો અને કહેવાતા મીડિયાએ આખો દેશ માથે લીધો હતો. આ બધાએ એક અવાજમાં, એક સૂરમાં એ હત્યા માટે સંઘ પરિવાર સમર્થિત હિન્દુવાદીઓ જવાબદાર હોવાની બૂમરાણ મચાવી હતી. એ બૂમરાણ એટલી હદે લાઉડ હતી કે નક્સલી ઇરાદાને નહીં સમજી શકતા લોકો તો એમ જ માની લે કે એ હત્યા હિન્દુવાદીઓએ જ કરી હશે!

હિન્દુત્વ ઉપરના આવા આક્ષેપોમાં સત્ય કેટલું હોય છે એ વિશે કોઇએ કદી વિચાર કર્યો ખરો? કદાચ કોઈ નથી વિચારતું અને એ જ કારણે દેશ આજે રોજેરોજ ટુકડે ગેંગની ટૂલકિટનો શિકાર બની રહ્યો છે.

અહીં વાત માત્ર ગૌરી લંકેશની નથી પણ તેના સહિત કુલ ચાર ડાબેરી એક્ટિવિસ્ટની હત્યાની વાત છે. 2013થી 2017ના ગાળામાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આવી કુલ ચાર હત્યા થઈ. ડૉ. નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, એમ.એમ.કલબુર્ગી અને ગૌરી લંકેશ – આ ચારેય હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના ઘોર વિરોધી હતાં એટલું જ નહીં પરંતુ નક્સલવાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતાં હતાં. એ સાચું કે આ ચારેયના આવાં વલણને કારણે તેમનાથી અનેક હિન્દુ અગ્રણીઓ, હિન્દુ સંસ્થાઓ નારાજ હતા. ક્યારેક કોઈ હિન્દુ અગ્રણીઓ જાહેરમાં આ નક્સલી-સમર્થકોની વિરુદ્ધમાં બોલતા હતા, તો કેટલાક રાષ્ટ્રવાદીઓ સોશિયલ મીડિયા પર આક્રોશ પણ વ્યક્ત કરતા હતા. અને આવાં વાતાવરણમાં 2013માં ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યા થઈ. ટુકડે ગેંગની ટૂલકિટે હિન્દુત્વ વિરુદ્ધ આંગળીઓ ચીંધીને બૂમરાણ મચાવી દીધી. ત્યારબાદ 2015માં સામ્યવાદી નેતા ગોવિંદ પાનસરે તથા ડાબેરી લેખક એમ.એમ. કલબુર્ગીની હત્યા થઈ. ટુકડે ગેંગે તત્કાળ હિન્દુ સંગઠનો સામે આંગળીઓ ચીંધી. અને 2017માં ગૌરી લંકેશની હત્યા પછી તો જાણે હિન્દુઓ માત્ર આતંકવાદીઓ જ છે અને હિન્દુત્વ વિચારધારા આતંકની વિચારધારા છે એવું ચિતરવામાં ટુકડે ગેંગે કશું બાકી રાખ્યું નહીં. પ્રકાશ રાજ અને કમલ હાસન જેવા કહેવાતા અભિનેતાઓ પણ ટુકડે ગેંગના બેન્ડવાજામાં જોડાઈ ગયા.

આ ચારેય હત્યાના કેસમાં પાંચ વર્ષથી લઇને દસ વર્ષનો સમય પસાર થઈ ગયો છે. પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓ એકપણ હિન્દુ સંસ્થા કે હિન્દુવાદી અગ્રણીઓ ઉપર હત્યાનો આરોપ પુરવાર કરી શક્યા નથી. તપાસ એજન્સીઓ છેલ્લા દસ વર્ષથી આ ચારેય કેસને એકબીજા સાથે સાંકળવા તડજોડ કરે છે, પરંતુ સફળતા મળતી નથી. તમામ કેસમાં કાંતો નાની દુકાન ચલાવતા અથવા સાધારણ નોકરી કરતા સાવ સામાન્ય હિન્દુઓને પકડીને જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે, પરંતુ નથી આરોપનામાં દાખલ થતાં, નથી કેસ ચાલતો. આઘાતજનક વાત તો એ છે કે, એક તબક્કે મહારાષ્ટ્રમાં તો આ હત્યા કેસોમાં શકમંદ હિન્દુઓનો કેસ લડી રહેલા વકીલોની ટીમના મુખ્ય વકીલની જ ધરપકડ કરી લેવામાં આવી હતી. દેખીતી રીતે મુખ્ય વકીલની ધરપકડનો આશય બચાવપક્ષને નબળો પાડવાનો જ હતો.

આ પુસ્તકમાં આ અને આવા બીજા અનેક ખુલાસા વાંચીને દેશવિરોધીઓની ટૂલકિટની ફાઇલ તમારી નજર સમક્ષ તાદૃશ્ય થઈ જશે એ નક્કી. આ પુસ્તક વાંચી લો પછી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment