Thursday, April 1, 2021

“સરદારની આ મોટી ભૂલ હતી, જે આ દેશને બહુ મોંઘી પડી”

 


પુસ્તક સમીક્ષાઃ ભારતને ક્યારેય ન મળેલા શ્રેષ્ઠ વડાપ્રધાન- સરદાર પટેલ

 

સરદારની આ મોટી ભૂલ હતી, જે આ દેશને બહુ મોંઘી પડી

 

-     અલકેશ પટેલ

 

n  રાજકીય મોરચે કોંગ્રેસને ભલે સરદાર વલ્લભભાઈ પટેલને હાંસિયામાં ધકેલવામાં સફળતા મળી, પણ દેશની પ્રજા સરદારને કદી ભૂલી નહોતી. તેમના વિશે પુષ્કળ લખાતું રહ્યું હતું, આજેય લખાય છે, ભવિષ્યમાં પણ લખાતું રહેશે. એ શ્રેણીમાં તાજેતરમાં જ એક અનુવાદ પ્રકાશિત થયો છેઃ ભારતને ક્યારેય ન મળેલા શ્રેષ્ઠ વડાપ્રધાન- સરદાર પટેલ.

n  સરદારને અન્યાય કોંગ્રેસે કર્યો કે પછી મોહનદાસ કરમચંદ ગાંધીની સાથે મળીને નહેરુ-ગાંધી-ખાન-દાને કર્યો એ પ્રશ્નનો જવાબ પુસ્તક વાંચ્યા પછી મળી જાય છે.

n  લેખના શીર્ષકમાં જે વાત કરી છે- સરદારની આ મોટી ભૂલ હતી, જે આ દેશને બહુ મોંઘી પડી – એ પણ એટલી જ સાચી છે. જેમ અન્યાય કરવો એ અયોગ્ય છે, તો અન્યાય સહન કરવો એ પણ એટલું જ ખોટું છે.

માર્ચ 2021ના પ્રથમ અઠવાડિયામાં જેલમબેન વોરાએ તેમના સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી કે, સરદાર પટેલ વિશેના પુસ્તકનો તેમનો અનુવાદ પ્રકાશિત થઈ ગયો છે. મારા માટે આ આનંદના સમાચાર હતા. એકપણ પળ બગાડ્યા વિના તત્કાળ આર.આર. શેઠના ઑનલાઇન સ્ટોર પરથી પુસ્તક મગાવી લીધું. વિષય હૃદયસ્પર્શી હતો એટલે વાંચવામાં પણ કોઈ વિલંબ ન કર્યો. અને ગમતાંનો ગુલાલ કરવાની મારી ટેવ મુજબ આજે આ પુસ્તકની સમીક્ષા પણ તમારા સૌની સેવામાં પ્રસ્તુત છે.

દેશના નાગરિકો આમ તો ઘણા દાયકાથી આ વાત જાણે જ છે કે, દેશના પ્રથમ વડાપ્રધાનપદ માટે સરદાર પટેલ જ સૌથી યોગ્ય વ્યક્તિ હતા અને કોંગ્રેસની રાજ્ય સ્તરની 15માંથી 12 સમિતિઓએ સરદારની જ પસંદગી કરી હતી, બાકીની ત્રણ સમિતિએ કોઈ અભિપ્રાય આપ્યો નહોતો, અર્થાત જવાહલાલ નહેરુને એકપણ પ્રદેશ કોંગ્રેસ સમિતિનું સમર્થન નહોતું.

તેમછતાં આ દેશે કોના કર્મોના દુષ્પરિણામ ભોગવ્યાં?

આ પ્રશ્નનો જવાબ જાણવો-સમજવો હોય તો પુસ્તક - ભારતને ક્યારેય ન મળેલા શ્રેષ્ઠ વડાપ્રધાન- સરદાર પટેલ (લેખકઃ રજનીકાંત પુરાણિક, અનુવાદઃ જેલમ કૌશલ) અનિવાર્યપણે વાંચવું રહ્યું.

રજનીકાંત પુરાણિકનું પુસ્તક મૂળ અંગ્રેજીમાં (Sardar Patel: The Best PM India Never Had) સપ્ટેમ્બર, 2018માં પ્રકાશિત થયું હતું, જેનો ખૂબ સુંદર ગુજરાતી અનુવાદ જેલમબેને આપ્યો છે. આ અનુવાદ ફેબ્રુઆરી, 2021માં પ્રકાશિત થયો છે.

પુસ્તકમાં પાને-પાને ગાંધી-નહેરુ-ગાંધી-ખાન-દાનના આપખૂદ અને અન્યાયી વલણના પુરાવા સચોટ તર્ક અને વિગતો સાથે જોવા મળે છેઃ           > કેટલાક ચમકારાઃ <

(1) 29 એપ્રિલ, 1946ના રોજ સીડબલ્યુસીની પીસીસી દ્વારા મોકલવામાં આવેલા નામાંકનો ચકાસવા અને કોંગ્રેસના અધ્યક્ષ નીમવા માટે બેઠક મળી. 15માંથી 12 (80%) પીસીસીએ સરદાર પટેલને નામાંકિત કર્યા હતા (આરજી-370); બાકીની 3 પીસીસીએ કોઇપણનું નામ નહોતું મોકલ્યું, આનો અર્થ સ્પષ્ટ હતો કે કોંગ્રેસ અધ્યક્ષ બનવા સરદાર પટેલ સામે કોઈ સ્પર્ધામાં જ નહોતું. સરદાર પટેલ એ બહુ સ્પષ્ટ અને નિર્વિવાદ પસંદગી હતા, એક પણ પ્રતિસ્પર્ધી વગર.

અહીં એક વાત નોંધવી રહી કે 20 એપ્રિલ, 1946ના રોજ એટલે કે નામાંકન મોકલવાની અંતિમ તારીખના 9 દિવસ પહેલાં ગાંધીએ તેમની પસંદ નહેરુ છે એવું સૂચિત કર્યું હતું. તેમ છતાં એક પણ પીસીસીએ નહેરુનું નામાંકન ન કર્યું! (પાના નં. 123)

(2) સ્વયં ગાંધી જ અસ્પષ્ટ હતા. અહિંસાનો અર્થ માત્ર હિંસાની ગેરહાજરી એટલો સાંકડો નહોતો, પણ તેનો વિશાળ અર્થ ક્રોધ, અન્યાય, ગેરકાયદેસર કૃત્યો ન કરવા તેવો પણ થતો હતો. ગાંધી અને નહેરુએ જે દાવપેચ ખેલ્યા તે માત્ર અન્યાયી, ગેરકાયદેસર અને અનૈતિક જ નહોતાં, પણ દેશના હિતની વિરુદ્ધમાં હતા. (પાના નં. 124)

(3) છેક 1934માં જ ગાંધીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું જેથી તેઓ અન્ય વિધાયક કામો પર ધ્યાન આપી શકે. તે પછી તેઓ ક્યારેય ફરીથી કોંગ્રેસમાં નહોતા જોડાયા. કોંગ્રેસના સભ્ય ન હોય તેવા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ કોને બનાવવા તેનો હુકમ કઈ રીતે આપી શકે? અને સીડબલ્યુસીની બેઠકમાં હાજરી કઈ રીતે આપી શકે? (પાના નં. 124)

(3) આ જ સમાજવાદી જે.પી. હંમેશાં નહેરુની છાવણીમાં જ રહેતા. આઝાદી બાદ સમાજવાદીઓએ ભેગા મળીને સરદાર પટેલને ગૃહમંત્રીના હોદ્દા પરથી દૂર કરવા કાવતરું ઘડ્યું હતું. જે.પી.એ કહ્યું હતું: 74 વર્ષીય વ્યક્તિ (સરદાર પટેલ) એક એવું મંત્રાલય સંભાળી રહ્યા છે જે 30 વર્ષની વ્યક્તિ માટે પણ લોઢાના ચણા ચાવવા જેવું છે. નહેરુના અંગત એવા મૃદુલા સારાભાઈએ સરદાર પટેલ રાજીનામું આપી દે તે માટે ગુપ્ત ઝુંબેશ હાથ ધરી હતી. (પાના નં. 128)

(4) 1929ની કોંગ્રેસની ચૂંટણીઓમાં પણ આવો જ પ્રહાર થયેલો; બંને વખત ગાંધીએ સરદારના ભોગે નહેરુ પર ભાર મૂક્યો હતો. (પાના નં. 130)

(5) જોગાનુજોગ આ જ વાત નહેરુના ખાસ વિશ્વાસુ એવા રફી અહમદ કિડવાઈએ કહી હોવાનું દુર્ગા દાસે પોતાના પુસ્તકમાં નોંધ્યું છેઃ જવાહરલાલે માત્ર ગાંધીના જ નહીં, પરંતુ ગાંધીવાદના અંતિમ સંસ્કાર કર્યા હતા. (પાના નં. 132)

(6) આચાર્ય કૃપલાણીએ નોંધ્યું હતું કે જવાહરલાલને પ્રાધાન્ય આપવાના ગાંધીનાં કારણો રાજકીય ઓછા ને વ્યક્તિગત વધારે હતા. (પાના નં. 133)

(7) The Man I Met પુસ્તકમાં એમ. એન. રૉયે લખ્યું છેઃ મને બહુ વાજબી રીતે એક શંકા છે કે નહેરુ જો ગાંધીના માનસપુત્ર ન હોત તો ભારતીય રાષ્ટ્રવાદના હીરો બની શક્યા હોત કે નહીં... પ્રસિદ્ધિ મેળવવા માટે નહેરુને પોતાનું વ્યક્તિત્વ દાબી દેવા સિવાય કોઈ છૂટકો જ નહોતો... (પાના નં. 133)

(8) વંશવાદ અને સ્વતંત્રતા માટેની લડાઈ બંને સમાંતર ચાલી રહ્યા હતા. મોતીલાલ પછીના નહેરુ પરિવારના તમામ સભ્યો પોતાના પરિવારને સારામાં સારી જીવનશૈલી મળી રહે તેનો ખ્યાલ રાખી રહ્યા હતા. એ જ તેમની પ્રાથમિકતા હતી- દેશ કરતાં પણ પહેલા! મોતીલાલના બેશરમ વંશવાદની અને ગાંધીના બુદ્ધિહીન, અસમર્થ, અવિચારી પગલાંની આ દેશે લાંબાગાળે બહુ મોટી કિંમત ચૂકવી. (પાના નં. 135)

આ બધી વાતો પછી લેખક લખે છે કે, 1929થી જ ગાંધીનું વલણ સ્પષ્ટપણે નહેરુ તરફી જ હતું. સરદારે પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે નહીં, પણ દેશના હિત માટે ગાંધીના અન્યાયી પક્ષપાતથી બચવા પોતાની જ યુક્તિ ઘડવી જોઇતી હતી. ગાંધીએ લોકશાહીની વિરુદ્ધ જઇને લીધેલા મનઘડંત નિર્ણયની હામાં હા ભેળવવાની જરૂર નહોતી.

ટૂંકમાં, આ પુસ્તકના એક-એક શબ્દ, એક-એક વાક્ય દરેક રાષ્ટ્રવાદી નાગરિકની લાગણીનો પડઘો પાડે છે એમાં શંકાને સ્થાન નથી. પ્રારંભમાં કહ્યું તેમ આ પુસ્તક માહિતી અને વિગતનો એક એવો ખજાનો છે જે ઐતિહાસિક તથ્યોને ઉજાગર કરી આપે છે. માત્ર વાંચવા માટે જ નહીં, પણ અનેક લોકો સુધી, ખાસ કરીને યુવાપેઢી સુધી આ પુસ્તક પહોંચે એ દેશહિતનું કામ બની રહેશે.

પુસ્તકઃ ભારતને ક્યારેય ન મળેલ શ્રેષ્ઠ વડાપ્રધાન – સરદાર પટેલ

લેખકઃ રજનીકાંત પુરાણિક

અનુવાદઃ જેલમ કૌશલ

પ્રકાશકઃ આર. આર. શેઠ

કિંમતઃ રૂ. 350/-

પાનાં. 298

 (પુસ્તક સમીક્ષાઃ અલકેશ પટેલ)