Thursday, July 8, 2021

પ્રધાનમંડળમાં ફેરબદલઃ આટલી હિંમત નરેન્દ્ર મોદી સિવાય કોઈ ન કરી શકે


 

પ્રધાનમંડળમાં ફેરબદલઃ આટલી હિંમત નરેન્દ્ર મોદી સિવાય કોઈ ન કરી શકે

 

*      અલકેશ પટેલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે એટલે કે અષાઢ વદ તેરસ, 2077 (07-07-2021)ને બુધવારે પ્રધાનમંડળમાં ફેરફાર કર્યા. સામાન્ય રીતે આ ક્રિયા પ્રધાનમંડળમાં વિસ્તરણ જેવા નામથી ઓળખાતી રહી છે, પણ ગઇકાલે જે થયું એ વિસ્તરણ નહોતું, પણ એક પ્રકારે આખેઆખું સમારકામ હતું. કેટલાક પાયા યથાવત્ રાખીને બાકીનું ધ્વસ્ત કરીને નવું નિર્માણ કરવામાં આવ્યું એમ કહેવાય. પ્રધાનમંડળની આટલા મોટાપાયે ફેરબદલ નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ ન કરી શકે, કેમ કે સૌથી વરિષ્ઠ અને વિશ્વાસુ ગણાતા સાથીદારોને દૂર કરવા અને તેમના સ્થાને બિન-અનુભવી લોકોને જવાબદારી સોંપવી એ માટે ગજું જોઇએ.

બધા રાજકીય સમીક્ષકો પોતપોતાની રીતે પ્રધાનમંડળના આ ફેરબદલનું મૂલ્યાંકન કરે છે. ઘણાને એમ લાગે છે કે સરકારમાં નવી ટેલેન્ટ ઉમેરવામાં આવી છે, યુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે, મહિલાશક્તિનું સન્માન કરવામાં આવ્યું છે વગેરે વગેરે. તો સામે નિરાશાના છાજિયા લેતા લોકો પણ છે. આપણે એમની ઉપેક્ષા કરવાની કેમ કે, નિરાશાનાં કારણો અંગત પણ હોઈ શકે અથવા સામૂહિક સ્થાપિત હિત હોઈ શકે.

 

ખેર, તો મુદ્દો એ છે કે આ ફેરબદલને કેટલી રીતે જોઈ શકાય?

મને લાગે છે કે, આ ફેરબદલના ઓછામાં ઓછા ચાર પરિમાણ છેઃ સૌથી પહેલાં તો મે, 2019માં બીજી વખત એનડીએ સરકારે શપથ લીધા ત્યારપછી વિવિધ કારણસર પ્રધાનોની સંખ્યા ઘટી ગઈ. રામવિલાસ પાસવાન જેવા કેટલાક નેતા કોરોનામાં સપડાઈને જિંદગી હારી ગયા, તો હરસીમરત કૌર જેવા કેટલાક લોકોએ અંગત છીછરા સ્વાર્થને કારણે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો. કૃષિ કાયદામાં સુધારાને કારણે અકાલીદળનો ગરાસ લૂંટાઈ જતાં હરસીમરત કૌરે સરકારમાંથી રાજીનામું આપી દીધું. આવા બધા ફેરફારને કારણે કેન્દ્રના અનેક મંત્રાલયની વધારાની જવાબદારી અન્ય નેતાઓ ઉપર આવી પડી. આ ઉપરાંત છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને કારણે વિવિધ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતાં કેટલાક નેતાઓની અક્ષમતા સૌની નજરમાં આવી ગઈ.

બીજું, આ જ સમયગાળામાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષોમાંથી કેટલાક ટોચના અને વગદાર નેતાઓ ભાજપમાં આવ્યા. સ્વાભાવિક રીતે એ નેતાઓને કોઈ હોદ્દા આપવા પડે, અને તો જ ભવિષ્યમાં બીજા વિપક્ષી નેતાઓનું ભાજપાગમન કરાવી શકાય! એટલું જ નહીં પરંતુ ભાજપના પોતાના અનેક કાર્યકરો અને નેતાઓ વર્ષોથી સરકારમાં અથવા સંગઠનમાં કોઈ મહત્ત્વની જવાબદારી મળે તેની રાહ જોઈ રહ્યા હોય.

ત્રીજું, આગામી એકથી દોઢ વર્ષમાં અર્થાત 2022ના અંત સુધીમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ સહિત કેટલાક અગત્યના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવે છે. ભલે એ વિધાનસભા ચૂંટણી હોય પરંતુ ત્યાં કેન્દ્ર સરકારની કામગીરી, કેન્દ્ર સરકારની નીતિઓ ચૂંટણી મુદ્દા બન્યા વિના રહે નહીં, કેમ કે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો પાસે પોતાના તો કોઈ મુદ્દા છે જ નહીં એટલે એમણે પંચાયતની ચૂંટણી લડવા પણ કેન્દ્રની મોદી સરકારને જ નિશાન બનાવવી પડે! તેથી જ કેન્દ્રની એનડીએ સરકારનું પરફોર્મન્સ સુધારવું પડે અને એ સુધારો પ્રધાનમંડળમાં ફેરબદલ વિના શક્ય નહોતો. અને ચોથો મુદ્દો, 2024ની લોકસભા ચૂંટણી. આજથી બરાબર ત્રણ વર્ષ પછી લોકસભા ચૂંટણી આવી પહોંચશે. એ સમયે મોદી સરકારે પોતાના પરફોર્મન્સ અંગે 60-70-80 ટકા જેટલા લોકોને સંતોષ થાય એવી કામગીરી કરી હોય તો જ ત્રીજી મુદતમાં બહુમતી લાવવાની આશા રાખી શકાય. અને એ માટે દેખીતી રીતે અત્યારથી જ કામ શરૂ કરવું પડે અને તો જ યોજનાઓ તથા લાભ સામાન્ય લોકો સુધી પહોંચવાની શરૂઆત થાય અને બે વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં નાગરિકોમાં સરેરાશ સંતોષની સ્તર આવી જાય. બાકી છેલ્લા વર્ષમાં તો લગભગ કોઈ મોટા કામ થાય નહીં, બધા ચૂંટણીના મોડમાં આવી ગયા હોય, એટલે મોદી સરકાર માટે તેની કામગીરી બતાવવા માટે રોકડા ગણીને બે જ વર્ષ રહ્યા.

આ ઉપરાંત, એક મુદ્દો એનડીએના સાથી પક્ષોનો પણ છે. અત્યાર સુધી ઓછું પ્રતિનિધિત્વ મેળવનાર અથવા અન્ય રાજકીય કારણોસર સાથીપક્ષોનો પણ સમાવેશ કરવાનો સમય પાકી ગયો હતો.

કુલ મળીને નરેન્દ્ર મોદી સરકારમાં જે નવા પ્રધાનોનો ઉમેરો થયો છે તેમાં ઉચ્ચ શિક્ષિત પ્રોફેશનલ્સ છે, ભાજપ પ્રત્યે નિષ્ઠા રાખી ચાર-ચાર ટર્મ સુધી ચૂંટાતા રહેલા સાંસદો છે, શિવસેના-કોંગ્રેસ જેવા પક્ષોમાંથી આવેલા ખૂબ વગદાર અને ટેલેન્ટેડ નેતાઓ છે અને મજબૂરીને કારણે સમાવવા પડેલા સાથીપક્ષોના કેટલાક નેતાઓ પણ મોદી-2.0ના 2.0 પ્રધાનમંડળમાં છે.

 

તો પડતા મૂકાયેલા વિશ્વાસુ વરિષ્ઠ નેતાઓનું શું?

આ પ્રશ્નના બે જવાબ છે અને વિશ્વાસ રાખો બંને સાચા છે. એક તો એ નેતાઓના પરફોર્મન્સને કારણે દેશમાં તેમજ અમુક કિસ્સામાં આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારની છબી ખરાબ થતી હતી, બલ્કે ખરાબ થઈ જ ગઈ છે. આ સંજોગોમાં નરેન્દ્ર મોદી ઉપર દબાણ કરવાની તો કોઇની ક્ષમતા નથી, પરંતુ ચકોર મોદી મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયાના ટ્રેન્ડને સારી રીતે સમજી શકે છે. તેના આધારે આકલન કરવાનું તેમના માટે મુશ્કેલ નથી. અને છબી ખરાબ કરતા લોકોને દૂર રાખવાનું અથવા દૂર કરી દેવાનું કામ તેઓ 2001માં ગુજરાતમાં હતા ત્યારથી કરે છે. બીજું અગત્યનું પાસું, જે મોટાભાગના લોકો ચૂકી જાય છે તે એ કે, અમુક વરિષ્ઠ નેતાઓની ભાજપના સંગઠનને મજબૂત કરવા અને તેને વાયબ્રન્ટ રાખવા માટે પણ જરૂર હોય છે. બધા જ વરિષ્ઠ અને વિશ્વાસુ નેતાઓને સરકારમાં લઈ લેવામાં આવે તો ભાજપના સંગઠનમાં ગાબડાં પડવાનું જોખમ ઊભું થાય. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી આવાં જોખમથી વાકેફ હોય જ અને એટલે જેમણે પ્રધાનમંડળની નોકરી ગુમાવી છે તેમને સંગઠનમાં મહત્ત્વની જવાબદારી મળશે તેમાં મીનમેખ નથી.-અલકેશ.