Sunday, June 26, 2022

મહામહિમ (ભાવિ) રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ

ભાજપના નેતૃત્વ હેઠળ 1998થી અત્યાર સુધીની ત્રણ એનડીએ સરકારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પસંદ કરવાની તક મળી અને ત્રણેય વખતે ભાજપની સર્વસમાવેશી નીતિ ઉજાગર થઈ

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

        સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ – એ માત્ર સૂત્ર નથી એવું ભારતીય જનતા પાર્ટીએ વધુ એક વખત સાબિત કર્યું છે. 2022ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વનવાસી સમુદાયની એક મહિલાની પસંદગી કરવી એ બાબત જ સબકા વિકાસનું સર્વોચ્ચ ઉદાહરણ છે. હકીકતે ભાજપનું અગાઉનું નેતૃત્વ પણ આ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરતું હતું. 1998થી 2004 દરમિયાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ ત્રીજી વખત એનડીએ સરકાર સત્તામાં હતી ત્યારથી આ સૂત્રનો વાસ્તવિક અમલ થતો હોવાનું દેશ અને દુનિયાએ અનુભવ્યું છે.

વાજપેયી સરકારના એ ગાળામાં 2002માં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી હતી અને વડાપ્રધાન અટલ બિહારીએ ભારતના મિસાઇલ કાર્યક્રમના અગ્રણી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવીને દેશ અને દુનિયાને સુખદ આશ્ચર્ય આપ્યું હતું. એક પ્રખર વિદ્વાન રાષ્ટ્રવાદી મુસ્લિમને આવું સર્વોચ્ચ સન્માન ભાજપે જ આપ્યું હતું. અને યાદ રહે, ડૉ. કલામનું અવસાન થયું ત્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન હતા. તેઓ પોતે ડૉ. કલામની અંતિમક્રિયામાં હાજરી આપવા ગયા હતા એટલું જ નહીં પરંતુ ચેન્નઈમાં ડૉ. કલામનું ભવ્ય સ્મારક નરેન્દ્રભાઈની પહેલથી જ બન્યું છે જે સ્થળ આજે અંતરિક્ષ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે તેમજ સામાન્ય લોકો માટે એક પ્રવાસધામ બની ગયું છે.

2014માં ફરી ભાજપને પૂર્ણ બહુમતી સાથે તેના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર બની ત્યારબાદ 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી ત્યારે નરેન્દ્ર મોદી સરકારે દલિત અગ્રણી રામનાથ કોવિંદની સર્વોચ્ચ સ્થાન માટે પસંદગી કરીને અનેકને સાનંદાશ્ચર્ય આપ્યું હતું. અને હવે વનવાસી સમુદાયની મહિલાને આવું સર્વોચ્ચ સન્માન મળી રહ્યું છે.

એકાત્મ માનવવાદની સનાતન વિચારધારા ભાજપ દ્વારા હંમેશાં અમલમાં મૂકવામાં આવે છે તેનાં આ ઉદાહરણો છે. અન્ય રાજકીય પક્ષોની કથની અને કરણીમાં હંમેશાં વિરોધાભાસ રહેતો હોય છે. સેક્યુલારિઝમની વાતો કરનારા પક્ષોનું વાસ્તવિક આચરણ સેક્યુલર નથી હોતું. દલિતોદ્ધારની વાતો કરનારા પક્ષોએ ખરા અર્થમાં દલિતોને કેટલું સન્માન આપ્યું એ વાત આ દેશ જાણે છે. આદિવાસીઓના નામે રાજકીય પક્ષની સ્થાપના કરનારા રાજકારણીઓ આદિવાસીઓનું કેટલું શોષણ કરે છે એ વાત કોઇનાથી અજાણી નથી. પણ તેની સામે ભાજપે વોર્ડ પ્રમુખ અને પેજ પ્રમુખથી લઇને છેક રાષ્ટ્રપતિપદ સુધીના હોદ્દાઓ ઉપર મહેનતુ અને લાયક ઉમેદવારોને જ હંમેશાં પ્રમોટ કરીને એક રીતે અંગ્રેજી કહેવત વૉક ધ ટૉકને ચરિતાર્થ કરી છે.

આ વખતે ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ દ્વારા રાષ્ટ્રપદિપદ માટે જે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે તે દ્રૌપદી મૂર્મુની રાજકીય કારકિર્દી ઉપર નજર કરવાથી ખ્યાલ આવશે કે મહેનતુ અને લાયક નેતાઓને હંમેશાં સ્થાન (હોદ્દો) અને સન્માન આપવામાં ભાજપનો રેકોર્ડ તમામ રાજકીય પક્ષો કરતાં શ્રેષ્ઠ છે.

દ્રૌપદી મૂર્મુ હિન્દુ સમાજના વનવાસી પરિવારમાંથી આવે છે અને ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે. 20 જૂન 1958ના રોજ ઓડિશામાં જન્મેલા દ્રૌપદી મૂર્મુએ 1997માં ભાજપ તરફથી નગર પંચાયતની ચૂંટણી જીતીને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ઓડિશામાં બે વખત ભાજપના રાયરંગપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. ઓડિશા વિધાનસભામાં શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ પુરસ્કારથી સન્માનિત દ્રૌપદી મૂર્મુ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.  દ્રૌપદી મૂર્મુએ જીવનમાં દરેક પડકારોનો સામનો કર્યો હતો. પતિ અને બે પુત્રો ગુમાવ્યા પછી પણ તેઓ હતાશ ન થયા અને લોકસેવાનો તેમનો સંકલ્પ વધુ મજબૂત બન્યો. શું આટલા ઉદાહરણો પરથી લાગતું કે સબકા સાથ- એ માત્ર કહેવા પૂરતું સૂત્ર નહીં પરંતુ કમિટમેન્ટ છે?  વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, June 19, 2022

આજે પાવાગઢ અને ચાંપાનેર ચર્ચામાં છે, પણ ઈતિહાસ શું કહે છે?

  

મહમૂદ બેગડાએ ખંડિત કરેલી સનાતન પરંપરાનું 500 વર્ષ બાદ પુનઃસ્થાપન. સિકંદર નામના મુસ્લિમ લેખકે લખેલા પુસ્તક મિરાતે સિકંદરીમાં સચવાયો છે ગુજરાતે ભોગવેલી પીડાનો ઈતિહાસ

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરના શિખર ઉપર ધર્મની ધજા લહેરાવી ત્યારે અનેકને આ મંદિર અને ખાસ કરીને તળેટીમાં આવેલા ચાંપાનેરના ઈતિહાસ વિશે જાણવાની ઉત્સુકતા હશે. આ અંગે મિરાતે સિકંદરી નામે એક પુસ્તકમાં ગુજરાતના સુલતાન શાસકો વિશે, તેમણે કરેલી લૂંટફાટ અને મંદિરોની તોડફોડ વિશે ખૂબ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સિકંદર નામના લેખકે વર્ષ 1611માં ફારસી ભાષામાં આ પુસ્તક લખ્યું હતું જેનો અનુવાદ આત્મારામ મોતીરામ દીવાનજીએ કર્યો હતો અને આ પુસ્તક 1914માં (સંવત 1970) પ્રકાશિત થયું હતું.

આ પુસ્તકમાં મુસ્લિમ લેખકે કરેલા વર્ણન પરથી ખ્યાલ આવે છે કે ચાંપાનેર એક સક્ષમ અને સમૃદ્ધ રજવાડું હતું અને અહમદશાહ (1411 1443) થી શરૂ કરીને મહમૂદ બેગડા સુધીના વિવિધ સુલતાનોએ ચાંપાનેર ઉપર વારંવાર હુમલા કર્યા હતા. છેવટે બેગડાને તેમાં સફળતા મળી હતી અને તેણે તમામ હિન્દુઓને ખતમ કરીને તથા શાસક રાવળ પતઈ ઉપર પાંચ મહિના સુધી બંધક બનાવીને તેમને ઇસ્લામ કબૂલવા દમન કર્યું પરંતુ રાવળ પતઈએ તેની વાત ન માનતા તેમની હત્યા કરી દીધી હતી.

પુસ્તકના પાના નં. 115 ઉપર આ વિશે આપેલું વર્ણન આ પ્રમાણે છેઃ ...જ્યારે મદદની બીલકુલ આશા રહી નહિ ત્યારે રાવળ તદ્દન નાસીપાસ થયો. એ અરસામાં સુરંગો પણ તૈયાર થઈ ગઈ હતી અને હિંદુઓ ઘણીજ મુસીબતમાં આવી પહોંચ્યા. તેઓએ પોતાના બાળકો તથા સ્ત્રીઓને અગ્નિમાં હોમી દીધાં અને કિલ્લામાંથી બહારી નીકળી લડાઈની શરૂઆત કરી. એવું કહેવાય છે કે સઘળા હિંદુઓ માર્યા ગયા. પણ રાવળ પતાઇ અને તેનો વઝીર ડુંગરસી જેઓ જખમી થયા હતા તેઓને પકડીને સુલતાન પાસે લાવવામાં આવ્યા. સુલતાને તેઓને નિઝામખાનની દેખરેખ નીચે કેદ રાખવાનો હુકમ ફરમાવ્યો. આ મજલીસમાં મજલીસના તમામ લોકોએ રાવળ પતાઇને ઘણીજ નમ્રતાથી રાજવંશી માન આપી મુસલમાન થવા સમજાવ્યો પણ તેણે તે કબુલ રાખ્યું નહિ. પાંચ મહિના પછી તેના ઝખમ રૂઝાઈ ગયા એટલે તેને ફરી સુલતાનની રૂબરૂમાં લાવવામાં આવ્યો. સુલતાને તેને મુસલમાની ધર્મ અખત્યાર કરવાનું કહ્યું પણ તે તેણે માન્ય રાખ્યું નહિ. છેવટે પંડિતો તથા ધર્મવેત્તાઓનો અભિપ્રાય લઇ તેનું માથું ઉડાડી દેવામાં આવ્યું અને લાકડે ટાંગવમાં આવ્યું. રાવળ પતાઇના વઝીર ડુંગરસીને આ લાકડા પાસે લાવવામાં આવ્યો. તેણે તે અરસામાં ઘણીજ ચપળતા અને દ્રઢ નિશ્ચયથી એક માણસના હાથમાંથી તલવાર ઝુંટવી લઈ કબીરના બેટા શેખન જે સુલતાનના હજુરીયામાંનો એક હતો તા ઉપર ઉગામી અને તેને ઠાર કર્યો. છેવટે તેને પણ મારી નાખવામાં આવ્યો. એવું કહેવાય છે કે રાવળ પતાઇના કુટુંબમાં બે દીકરી અને એક દીકરો બાકી રહ્યા હતા. જ્યારે તેઓને સુલતાનની રૂબરૂમાં મોકલવામાં આવ્યા ત્યારે બે દીકરીઓને સુલતાનના જનાનખાનામાં મોકલવામાં આવી અને તેના દીકરાને સેફઉલમુલ્કના બેટાને સોંપવામાં આવ્યો...

મહમૂદ બેગડાએ ચાંપાનેરના હિન્દુ રાજા સાથે જે કર્યું તેના પહેલાં અહમદ શાહ, મહમ્મદ શાહ પણ ચાંપાનેર ઉપર ચડાઈ કરી ચૂક્યા હતા પરંતુ એ બંનેને સફળતા મળી નહોતી. (એ વિશે વાંચો પુસ્તકના પાના નં. 33 – 34 ઉપર).

 મહમૂદ બેગડોઃ

ચાંપાનેરનો કિલ્લો સર કરવાનો નક્કી નિશ્ચય અને તેને (તલવારની કુંચીથી) જીતી લીધો તે વિષેની હકીકતઃ-

ઇતિહાસ માર્ગના ભોમીઆ લોકો અને ખબરોના આધાર રૂપ પુરુષો આ ચઢાઇનું વર્ણન નીચે પ્રમાણે આપે છેઃ-

જ્યારે સુલતાન ચાંપાનેરનો કિલ્લો જીતી લેવાના વિચારથી અમદાવાદથી નીકળ્યો અને વડોદરા પ્રાંત આવ્યો ત્યારે રાવળ પતઈ અને ચાંપાનેરના લોકોને મોટો ત્રાસ પડ્યો અને તેઓએ પોતાના વકીલો (એલચીઓ)ને સુલતાનની તહેનાતમાં મોકલ્યા અને શરણ માગ્યું. જોકે રાવળ પતાઇના વકીલોએ ઘણીજ નમ્રતા તથા આજીજીથી શરણ માગ્યું તોપણ તેઓની માગણી સ્વીકારવામાં આવી નહિ ને સુલતાને કહ્યું કે અમારી અને તમારી વચ્ચે હવે તલવાર તથા ખંજર સિવાય બીજો કાંઇપણ સંદેશો યા સંદેશો પહોંચાડનાર નથી. પતાઇના વકીલો તેની પાસે ઘણાજ ઉદાસ ચહેરે તથા ગમગીની સાથે આવી જે બન્યું હતું તે જાહેર કર્યું. રાવળે હવે કેસરીયાં કરવાનો નિશ્ચય કર્યો અને કિલ્લો મજબૂત કરી લડાઇને માટે તત્પર થયો. સુલતાને આવી કિલ્લાને ઘેરો ઘાલ્યો અને રોજ સવારથી સાંજ લગી મુસલમાન તથા હિંદુ લશ્કર વચ્ચે ઝપાઝપી ચાલવા માંડી. આ પ્રમાણે કેટલાક દિવસ વીત્યા પછી સુલતાને સુરંગ ખોદવાનો હુકમ આપ્યો અને કામમાં પ્રવીણ ઇજનેરોએ સુરંગ ખોદવાની શરૂઆત કરી. (પાના નં. 113 - 114). ઈતિહાસ જાણો અને વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, June 12, 2022

આપ એવી નાટકમંડળી છે, જે દરેક દૃશ્યમાં વેશ બદલે છે


 કોંગ્રેસના વિકલ્પે જે ટોળકી ગુજરાતમાં પગપેસારો કરવા મથામણ કરે છે એની વિશ્વસનીયતા શૂન્યથી પણ નીચે છે. મફતની લાલચ અને જૂઠાણા તમને ક્યાં પહોંચાડી દેશે એ વિચારી લેજો, #સાવધાન_ગુજરાત

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 સાવધાન ગુજરાત! રાત-દિવસ ખોટું બોલનારા તત્વો, દેશની સનાતન સંસ્કૃતિનું અપમાન કરનારા તત્વો, મફતની લાલચો આપીને દેશના અર્થતંત્રને ખોખલું કરી દેવાની દાનત ધરાવતા લોકો અત્યારે મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં સક્રિય છે. એ તત્વો ગામડાંઓમાં લાલચુ લોકોના ઘર મફતમાં રંગી આપે છે. એ તત્વો ગુજરાતમાં પરિવર્તન લાવવા માગે છેઃ ત્યારે પ્રશ્ન એ છે કે, ગુજરાતમાં અઢી દાયકાથી શાંતિ છે. શું આપ-ને શાંતિ ગમતી નથી? ગુજરાતમાં સ્થિર શાસનને કારણે આર્થિક પ્રગતિ થઈ છે, શું આપ-ને એ પ્રગતિ પસંદ નથી? ગુજરાતમાં મહિલાઓ સલામત છે, શું આપ-ને મહિલાઓ સલામત રહે એ પસંદ નથી? ગુજરાતમાં દારૂબંદીને કારણે સુખ-શાંતિ અને સલામતી છે, શું આપ દિલ્હી અને પંજાબની જેમ અહીં પણ દારૂની રેલમછેલ કરવા માગે છે? ગુજરાતમાં શાહીનબાગ થતા નથી અને તાહિર હુસેનો ઘરની છત પરથી પેટ્રોલ બોંબ ફેંકતા નથી, શું આપ ગુજરાતમાં શાહીનબાગ અને તાહિર હુસેનોને છૂટો દોર આપવા માગે છે? આપ-ના તત્વોને એક્ઝેટલી શું પરિવર્તન કરવું છે?

આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દ્વારા વારંવાર અને અવિરત ખોટું બોલવામાં આવે છે અને આવી દરેક વખતે કોઇને કોઈ રાષ્ટ્રવાદી નાગરિક એ જૂઠનો પર્દાફાશ કરી દે છે. ગુજરાત અંગે પણ કેજરીવાલના આવા હળહળતા જૂઠનો એક સજાગ નાગરિકે કરેલી આર.ટી.આઈ. દ્વારા પર્દાફાશ થઈ ગયો છે. ગત 11મી મેએ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન બેધડક એવું ખોટું નિવેદન કરી દીધું હતું કે, ગુજરાત સરકારે 27 વર્ષ દરમિયાન રાજ્યના એકપણ નાગરિકને ધાર્મિક યાત્રા કરાવી નથી. પોતાના જૂઠને ઢોળ ચડાવવાની આદત ધરાવતા કેજરીવાલે જાહેરસભામાં એક વૃદ્ધાના નામે વાર્તા પણ ઘડી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, એક વૃદ્ધાએ મારી પાસે આવીને કહ્યું હતું કે, બેટા અયોધ્યા જવાની મારી ઘણી ઈચ્છા છે. ભાજપે 27 વર્ષમાં એકપણ વ્યક્તિને ધાર્મિક યાત્રા કરાવી નથી, જ્યારે દિલ્હીમાં અમે ત્રણ વર્ષમાં 50,000 લોકોને તીર્થયાત્રા કરાવી છે, ગુજરાતમાં પણ કરાવીશું.

કેજરીવાલનું આ જૂઠાણું આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ફેલાવવામાં આવ્યું હતું. તેને પગલે રાજ્યના એક સજાગ નાગરિક સુજીત પટેલ દ્વારા ગુજરાતના જાહેર માહિતી અધિકાર વિભાગમાં અરજી કરીને કેજરીવાલના દાવા અંગેની સચ્ચાઈ વિશે પૂછવામાં આવ્યું. સુજીત પટેલની અરજીનો ગુજરાતના જાહેર માહિતી અધિકાર વિભાગે પહેલી જૂન, 2022ના રોજ જે જવાબ આપ્યો હતો જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારની ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 89,891 લોકોએ લાભ લીધો છે. સુજીત પટેલ નિયમિત રીતે #મહાઠગ હૅસટૅગ સાથે કેજરીવાલના એક પછી એક જૂઠનો પર્દાફાશ કરતા રહે છે.

દિલ્હીની કેજરીવાલ સરકાર માત્ર જાહેરાતો ઉપર ચાલતી સરકાર છે એવો આક્ષેપ અનેક વખત થતો રહ્યો છે. આ આક્ષેપને સત્ય પુરવાર કરતો એક ખુલાસો વધુ એક આરટીઆઈ દ્વારા થયો હતો. સુજીત પટેલે જ દિલ્હીના માહિતી અને પ્રસારણ ડિરેક્ટોરિટમાં એક અરજી કરીને કેજરીવાલ સરકારે વર્ષ 2013-14થી 2021-22 સુધીમાં જાહેરખબરો પાછળ કરેલા ખર્ચની વિગતો માગી હતી. આ આરટીઆઈનો તેમને જે જવાબ મળ્યો તે માત્ર આંખ ઉઘાડનારો જ નહીં પરંતુ ચોંકાવી દે એવો છે. 2013-14માં કેજરીવાલ સરકારે 252,47,10,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો તે આંકડો 2021-22માં વધીને 488,97,03,000 ચારસો ઈઠ્યાસી કરોડ સત્તાણું લાખ ત્રણ હજાર સુધી પહોંચી ગયો છે. આ આંકડાનું વર્ષના 365 દિવસમાં વિભાજન કરવામાં આવે તો કેજરીવાલ સરકારે દરરોજ 133.96 લાખ રૂપિયાનો ખર્ચ માત્ર જાહેરખબરો પાછળ કર્યો છે. આખો દેશ જાણે છે કે, ત્રણ કરોડ કરતાં ઓછી વસ્તી ધરાવતા અને એક બૃહદ મહાપાલિકા જેવું ક્ષેત્રફળ ધરાવતા દિલ્હી વિધાનસભા ક્ષેત્રની એક સરકાર દરેક નાની-મોટી વાતે દેશની લગભગ તમામ મુખ્ય ભાષાના અગ્રણી અખબારોમાં નિયમિત રીતે આખા પાનાની જાહેરખબરો આપ્યા કરે છે. તે ઉપરાંત દેશની તમામ હિન્દી અને અંગ્રેજી ભાષાની સમાચાર ચૅનલો ઉપર સરેરાશ દર 15 મિનિટે કેજરીવાલની જાહેરાત દેખાયા કરે છે. અને એટલે મીડિયાના મોં બંધ રહે એમાં શી નવાઈ!

જૂઠાણા અને જાહેરખબરો ઉપર સવાર આ તત્વો વિશે પ્રજાએ જાતે જ વિચારવું પડશે. રાજકીય અખાડાબાજી તો ચાલ્યા કરશે, પણ સાચું હિત ક્યાં અને શેમાં છે એ નાગરિકોએ જાતે વિચારવું પડશે.

જો તમે આ દેશને, આ રાષ્ટ્રને એક ચપટી જેટલું પણ ચાહતા હોવ તો હું આત્મવિશ્વાસપૂર્વક કહી શકું કે તમે આપની નાટકમંડળીના ચક્કરમાં નહીં ફસાવ...અને જો તમને એ નાટકમંડળીમાં દેશનું ભવિષ્ય દેખાતું હોય તો તમારા ઉપર દયા ખાવા સિવાય કંઈ રહેતું નથી, વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Saturday, June 11, 2022

શું આ દિશામાં વિચારી શકાય? ❓❗️



પ્રશ્ન છે - શું સમાચાર ચૅનલો પરની ડિબેટ બંધ થવી જોઇએ?

------------------------------
#નૂપુર_શર્મા વિવાદમાં એ આરોપી આબાદ છટકી ગયા અને એક નિર્દોષ વિદ્વાન મહિલાને વિવાદનું કેન્દ્ર બનાવી દેવામાં આવ્યા.

કયા બે આરોપી છૂટી ગયા?
1. મીડિયા (આ કિસ્સામાં નાવિકા કુમાર)
અને
2. તસલીમ રહેમાની ("કહેવાતો" સ્કૉલર)

હવે મૂળ વાત.
ત્રણેક દાયકા પહેલાં ઉત્તર ગુજરાતના એક અંતરિયાળ વિસ્તારમાં એક સામાજિક કાર્યકર સાથેની વાતચીત દરમિયાન તેમણે મને કહ્યું હતું કે, એ વિસ્તારમાં પરમ શાંતિ હતી, બધા એકબીજા સાથે હળીમળીને રહેતા હતા (હા, એ સમયે એ અંતરિયાળ વિસ્તારમાં માત્ર હિન્દુઓ જ હતા હોં) પરંતુ જે દિવસથી ગામમાં છાપું આવવાનું શરૂ થયું એ દિવસથી ગામમાં અશાંતિ છે. બધાનાં મન ઉચાટમાં રહે છે. અલગ વિચારસરણી ધરાવતા લોકો વારંવાર ઝઘડી પડે છે.

આ વાત મેં મારા પુસ્તક #પત્રકારત્વ_વિશ્વસનીયતાનો_પડકાર માં પણ ટાંકી છે.

પત્રકારત્વ અશાંતિનું મૂળ છે. તેનું કારણ મીડિયાની #પત્રકારત્વ કરવાને બદલે અભિપ્રાય આપવાની બદમાશી છે. હેડિંગ સાથે ગંદી રમત કરીને, લખાણમાં ચોક્કસ વિચારધારાની ભેળસેળ કરીને મીડિયાએ માત્ર એ ગામડાંનું નહીં, માત્ર ભારતનું નહીં પણ સમગ્ર દુનિયાનું વાતાવરણ ડહોળી નાખ્યું છે.
પત્રકારત્વનું કામ માત્ર સમાચાર જેમ છે તેમ આપવાનું હતું, પણ ગુમાનમાં આવી ગયેલા પત્રકારોએ, તંત્રીઓએ પોતાની વિચારધારાની ભેળસેળ કરીને સ્થિતિ બગાડી છે.
આજની સ્થિતિમાં આ કામ સમાચાર ચૅનલો ઉપર થતા ડિબેટના કાર્યક્રમો કરી રહ્યા છે. ડિબેટ એ ચૅનલો માટે #ટીઆરપી ઉઘરાવવાથી વિશેષ કશું નથી. ટીઆરપી વધે એટલે જાહેરખબર મળે. આમ ધંધાદારી ચક્કર ચાલ્યા કરે.
વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ - પ્રવક્તાઓ અને વિવિધ વિચારધારા ધરાવતા રાજકીય સમીક્ષકો ઑનસ્ક્રિન ઝઘડા કરે અને એને કારણે તમાશો ઊભો થાય... અને તમાશાને તેડું મળે, લોકો જૂએ, ટીઆરપી વધે, જાહેરખબર વધે અને જોનારા દર્શકોમાં પણ વૈચારિક ભાગલા પડી જાય - સોશિયલ મીડિયાની સીડી ઉપર કૂદકા મારીને એકબીજા સામે જીભડા કાઢે, સમાજમાં તંગદિલી ફેલાય.
તો આ તંગદિલીનું મૂળ કયું?
દેખીતી રીતે સમાચાર ચૅનલો પરની ડિબેટ.
સમાચાર ચૅનલો તટસ્થતાના વાઘાં પહેરીને ક્રુર હિંસાવાદી માનસિકતા ધરાવતા (તસલીમ રહેમાની જેવા) લોકોને પણ બોલાવે. એ તત્વો ઉશ્કેરણી કરે અને બહેન નૂપુર જેવા લોકો સપડાઈ જાય.
ડિબેટમાં એન્કર તરીકે બેસતા બે પૈસાની કિમતના પાર્ટટાઇમ લોકો પણ હોય છે અને ક્યારેક તંત્રીઓ પોતે બેસતા હોય છે. પણ એ બધાની દાનત ધંધાદારી અર્થાત ટીઆરપી વધારવાની જ હોય છે. સત્ય રજૂ કરવાની એમાંથી એકેયની આવડત કે દાનત હોતી નથી. તેનું કારણ એ છે કે, આપણા દેશના એન્કરો અને તંત્રીઓ હજુ પુખ્ત થયા નથી. પશ્ચિમના દેશોના એન્કર-પત્રકારો-તંત્રીઓને તેમના દેશનું ગૌરવ હોય છે, તેમના ધર્મનું ગૌરવ હોય છે અને એ રીતે ડિબેટમાં પણ એ વલણ પકડી રાખે છે, પરંતુ આપણા દેશના એન્કર-પત્રકારો-તંત્રીઓને રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિનું ગૌરવ નથી. વ્યક્તિગત રીતે એ બધા ધાર્મિક હોઈ શકે, તથા વ્યક્તિગત રીતે એ બધા રાષ્ટ્રપ્રેમી હોઈ શકે...પરંતુ ડિબેટમાં બેસે ત્યારે એમને તટસ્થતા નામનો અસાધ્ય રોગ લાગુ પડી જાય છે. અને એમાં ય વળી #ફેકરીવાલ જેવા જાહેરાતો આપવા માંડે એટલે એનો મફતિયો એજન્ડા પણ ધરાર ચલાવવા લાગે છે. ખેર...
હું દાવા સાથે કહું છું કે સમાજને સુરક્ષિત અને તંદુરસ્ત બનાવવો હોય તો ચૅનલો પર ડિબેટ બંધ થવી જોઇએ.
....... શું કહો છો તમે બધા?
..... હા ? કે,
..... ના ? 🤔

Monday, June 6, 2022

આઠ વર્ષની મોદી સરકારઃ વિકાસનો ગ્રાફ ક્યાં પહોંચ્યો?

 

ભવિષ્યમાં ભારતીય રાજકારણના ઈતિહાસને બે ભાગમાં વહેંચીને ચર્ચા કરવી પડશે. મે, 2014 પહેલાંનું રાજકારણ અને મે, 2014 પછીનું ભારત

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આઠ વર્ષની થઈ. પ્રજા વતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અર્થાત સરકાર દેશનું સંચાલન કરતી હોય છે. સરકાર કામ ન કરે, પ્રજાની સલામતી, સુખાકારીનું ધ્યાન ન રાખે અને તેમાં નિષ્ફળ જાય તો ચૂંટણીમાં પ્રજા એ સરકારને બદલી નાખે. પણ વર્તમાન નરેન્દ્ર મોદી સરકારને દેશની પ્રજાએ 2014માં જે બહુમતીથી ચૂંટી હતી તેના કરતાં વધારે બહુમતી 2019ની ચૂંટણીમાં આપી. તેનું શું કારણ? 

કારણ બહુ સીધું અને સ્વાભાવિક છે. મોદી સરકારે કામગીરી કરી છે. મારી દૃષ્ટિએ હકીકતે તો આ સરકારે પ્રચંડ કામગીરી કરી છે. તેને સાચા અર્થમાં ભગીરથ કાર્ય કહી શકાય એમ છે. દેશને અગાઉની આર્થિક બેહાલીની સ્થિતિમાંથી ઉગાર્યો છે એટલું જ નહીં પરંતુ દેશને એક નોંધપાત્ર મહાસત્તા તરફ વિશ્વાસપૂર્વક આ સરકાર આગળ વધારી રહી છે. મારા મતે આ સરકારની સૌથી મોટી સફળતા સ્થિરતાની છે. ઘણા દાયકા સુધી ગઠબંધન સરકારોને કારણે સ્થિરતાનો અભાવ હતો. એ સંજોગોમાં દેશ ચાલ્યા તો કરેવેપાર-રોજગાર પણ યથાવત્ ચાલ્યા કરે પરંતુ તેમાં પ્રગતિ ન થાય. મોટાપાયે મૂડીરોકાણની સંભાવના સાવ ઓછી રહે. પરિણામે રોજગારીનો પ્રશ્ન વિકરાળ બને. રોજગારીની પાછળ બાકીના તમામ પેરામીટર સતત નીચા જ રહે. આ સ્થિતિ હવે રિવર્સ થઈ છે એટલે જ વડાપ્રધાન પાંચ ટ્રિલિયન ઈકોનોમીની વાત કરે છે.

વર્તમાન સરકારના સૌથી મહત્ત્વનાં પગલાં મારી દૃષ્ટિએ ડીમોનેટાઇઝેશન અને કલમ 370ની નાબૂદી છે. ડીમોનેટાઇઝેશનને કારણે 2016 સુધી જે સમાંતર અર્થતંત્ર ચાલતું હતું તેના ઉપર બ્રેક વાગી છે તેનો કોઈ ઇનકાર થઈ શકે એમ જ નથી. ત્યારબાદ જે રીતે ડિજિટલ ઇકોનોમીનેઑનલાઇન નાણાકીય વ્યવહારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું તેનાથી ભ્રષ્ટાચાર નિયંત્રણમાં આવ્યો છે એ જોઈ – અનુભવી શકાય છે.

આઠ વર્ષમાં અનેક સેવાઓ ડિજિટલ થવાથી નાગરિકોનું જીવન સરળ બન્યું છે એ દરેકનો અનુભવ છે. આજે નાના-મોટા અનેક કામો માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી અને એ વાત સામાન્ય નાગરિક જાણે છે, અનુભવે છે. વડાપ્રધાન પોતે એક રાષ્ટ્રનેતા હોવાની સાથે અનેક લોકો માટે મોટિવેટર છેપ્રેરણાદાયી છે. મન કી બાત દ્વારા દર મહિને તેઓ દેશ અને દુનિયાની પૉઝિટિવ વાતો કરે છે અને એ દ્વારા સકારાત્મક કામ કરનારાઓને પ્રોત્સાહન તો આપે જ છેપરંતુ સાથે દેશના નાગરિકોને એવી સકારાત્મકતા માટે દિશાસૂચન પણ કરે છે.

આ સંદર્ભમાં આપણા પદ્મ પુરસ્કારો વિશે પણ વાત કરવી જોઇએ. આ ઘણું મોટું પરિવર્તન છે. પદ્મ સન્માન સમાજ જીવનમાં પાયાનું કામ કરનાર માટે જ હતાપરંતુ 2014 સુધી એ પુરસ્કારો કોને મળતા હતા એ આપણે જાણીએ છીએ, અને છેલ્લા આઠ વર્ષમાં સાચા હકદારોને પદ્મ પુરસ્કાર મળી રહ્યા છે. દેશના અંતરિયાળ વિસ્તારોમાં સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન લાવવા પ્રયત્નશીલ રહેતા લોકોજે સામાન્ય રીતે ગુમનામ હોય છેમીડિયા જેમની નોંધ લેતું નથી તેમને શોધી શોધીને પદ્મ પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે.

એ જ રીતે રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેનું પરિણામ ઓલિમ્પિક તેમજ રાષ્ટ્રકુળ (કૉમનવેલ્થ)ની રમતો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં હવે ભારતીય ખેલાડીઓ મોટી સંખ્યામાં ગોલ્ડ મેડલ જીતવા લાગ્યા છે એમાં દેખાય છે. વાચકોને યાદ હશે કે નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી તેમણે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો.

ભારતને હાલ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ગૌરવપૂર્વકનું સ્થાન મળ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન અમેરિકા અને યુરોપના દેશોના દબાણ છતાં ભારત ઝુક્યું નહીં અને રશિયા વિરૂદ્ધ યુએનમાં મતદાન કર્યું નહીં. એ જ રીતે થોડા સમય પહેલાં અમેરિકી વિદેશપ્રધાને ભારતમાં માનવ અધિકારના કહેવાતા ઉલ્લંઘન વિશે ટિપ્પણી કરી ત્યારે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સભ્ય ભાષામાં જવાબ આપતા કહી દીધું હતું કે, ભારતને પણ અમેરિકામાં થતા માનવ અધિકારોના વ્યાપક ઉલ્લંઘનની ચિંતા છે. 2014 પહેલાં ભારત સરકાર અમેરિકા જેવી મહાસત્તા સામે જાહેરમાં આવું બોલવાની હિંમત કરતી નહોતી.

મોદી સરકારની આઠ વર્ષની કામગીરી જ છે જેને કારણે તેની લોકપ્રિયતા ક્યારેય ઓછી થતી નથી. કોરોનાકાળ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતા હાલ તેના સર્વોચ્ચ સ્તરે છે. સાવ જૂજ પેરામીટરમાં લોકોની નારાજગી વચ્ચે પણ દેશના 67 ટકા કરતાં વધુ લોકોએ મોદી સરકારની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. સમાચાર વેબસાઇટ બ્લુમબર્ગમાં પ્રકાશિત અહેવાલમાં લોકલસર્કલ્સ (LocalCircles) દ્વારા કરવામાં આવેલું સર્વેક્ષણ દર્શાવે છે કેવર્ષ 2020માં નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતા 62 ટકા હતીઅને ગયા વર્ષે આ આંકડો 51 ટકા હતો જેમાં જંગી વધારો થઇને હાલ (2022માં) 67 ટકા કરતાં વધુ લોકોએ મોદી સરકારને થમ્સ-અપ આપ્યું છે. દેશમાં 64,000 લોકો સાથે કરવામાં આવેલી વાતચીતને આધારે સ્પષ્ટ થાય છે કેભાવ વધારો તથા બેરોજગારી જેવા જૂજ મુદ્દાને બાદ કરતાં બાકીની તમામ બાબતોમાં મોદી સરકારે દેશનો વિશ્વાસ મેળવ્યો છે.

જોકે, 2021માં 27 ટકા લોકો એમ માનતા હતા કે સરકારે રોજગારીના મુદ્દે સારી કામગીરી કરી છે જ્યારે આ વર્ષે તેમાં દસ ટકા વધારો થયો છે અને હવે 37 ટકા ભારતીયો સ્વીકારે છે કે રોજગારીની બાબતમાં સરકારની કામગીરી સંતોષજનક છે. મોંઘવારીના મુદ્દે ચિંતા વ્યક્ત કરતા લોકો સાથે સાથે એ વાતનો પણ સ્વીકાર કરે છે કેલૉકડાઉન તથા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જે આંતરરાષ્ટ્રીય સ્થિતિ પેદા થઈ છે તેની આ અસર હોઈ શકે. સર્વેક્ષણમાં 73 ટકા લોકોએ જણાવ્યું કેછેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેમની મુખ્ય ચિંતાનો વિષય મોંઘવારી રહ્યો છે. દેશમાં કોમી સંવાદિતાના વાતાવરણ અંગે 60 ટકા કરતાં વધુ લોકોએ જણાવ્યું કેઆ દિશામાં સરકારે લીધેલા પગલાંથી તેમને પૂરો સંતોષ છે. તમે મોદી સરકારને 100માંથી કેટલા માર્ક આપશો? વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!