Sunday, June 19, 2022

આજે પાવાગઢ અને ચાંપાનેર ચર્ચામાં છે, પણ ઈતિહાસ શું કહે છે?

  

મહમૂદ બેગડાએ ખંડિત કરેલી સનાતન પરંપરાનું 500 વર્ષ બાદ પુનઃસ્થાપન. સિકંદર નામના મુસ્લિમ લેખકે લખેલા પુસ્તક મિરાતે સિકંદરીમાં સચવાયો છે ગુજરાતે ભોગવેલી પીડાનો ઈતિહાસ

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરના શિખર ઉપર ધર્મની ધજા લહેરાવી ત્યારે અનેકને આ મંદિર અને ખાસ કરીને તળેટીમાં આવેલા ચાંપાનેરના ઈતિહાસ વિશે જાણવાની ઉત્સુકતા હશે. આ અંગે મિરાતે સિકંદરી નામે એક પુસ્તકમાં ગુજરાતના સુલતાન શાસકો વિશે, તેમણે કરેલી લૂંટફાટ અને મંદિરોની તોડફોડ વિશે ખૂબ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સિકંદર નામના લેખકે વર્ષ 1611માં ફારસી ભાષામાં આ પુસ્તક લખ્યું હતું જેનો અનુવાદ આત્મારામ મોતીરામ દીવાનજીએ કર્યો હતો અને આ પુસ્તક 1914માં (સંવત 1970) પ્રકાશિત થયું હતું.

આ પુસ્તકમાં મુસ્લિમ લેખકે કરેલા વર્ણન પરથી ખ્યાલ આવે છે કે ચાંપાનેર એક સક્ષમ અને સમૃદ્ધ રજવાડું હતું અને અહમદશાહ (1411 1443) થી શરૂ કરીને મહમૂદ બેગડા સુધીના વિવિધ સુલતાનોએ ચાંપાનેર ઉપર વારંવાર હુમલા કર્યા હતા. છેવટે બેગડાને તેમાં સફળતા મળી હતી અને તેણે તમામ હિન્દુઓને ખતમ કરીને તથા શાસક રાવળ પતઈ ઉપર પાંચ મહિના સુધી બંધક બનાવીને તેમને ઇસ્લામ કબૂલવા દમન કર્યું પરંતુ રાવળ પતઈએ તેની વાત ન માનતા તેમની હત્યા કરી દીધી હતી.

પુસ્તકના પાના નં. 115 ઉપર આ વિશે આપેલું વર્ણન આ પ્રમાણે છેઃ ...જ્યારે મદદની બીલકુલ આશા રહી નહિ ત્યારે રાવળ તદ્દન નાસીપાસ થયો. એ અરસામાં સુરંગો પણ તૈયાર થઈ ગઈ હતી અને હિંદુઓ ઘણીજ મુસીબતમાં આવી પહોંચ્યા. તેઓએ પોતાના બાળકો તથા સ્ત્રીઓને અગ્નિમાં હોમી દીધાં અને કિલ્લામાંથી બહારી નીકળી લડાઈની શરૂઆત કરી. એવું કહેવાય છે કે સઘળા હિંદુઓ માર્યા ગયા. પણ રાવળ પતાઇ અને તેનો વઝીર ડુંગરસી જેઓ જખમી થયા હતા તેઓને પકડીને સુલતાન પાસે લાવવામાં આવ્યા. સુલતાને તેઓને નિઝામખાનની દેખરેખ નીચે કેદ રાખવાનો હુકમ ફરમાવ્યો. આ મજલીસમાં મજલીસના તમામ લોકોએ રાવળ પતાઇને ઘણીજ નમ્રતાથી રાજવંશી માન આપી મુસલમાન થવા સમજાવ્યો પણ તેણે તે કબુલ રાખ્યું નહિ. પાંચ મહિના પછી તેના ઝખમ રૂઝાઈ ગયા એટલે તેને ફરી સુલતાનની રૂબરૂમાં લાવવામાં આવ્યો. સુલતાને તેને મુસલમાની ધર્મ અખત્યાર કરવાનું કહ્યું પણ તે તેણે માન્ય રાખ્યું નહિ. છેવટે પંડિતો તથા ધર્મવેત્તાઓનો અભિપ્રાય લઇ તેનું માથું ઉડાડી દેવામાં આવ્યું અને લાકડે ટાંગવમાં આવ્યું. રાવળ પતાઇના વઝીર ડુંગરસીને આ લાકડા પાસે લાવવામાં આવ્યો. તેણે તે અરસામાં ઘણીજ ચપળતા અને દ્રઢ નિશ્ચયથી એક માણસના હાથમાંથી તલવાર ઝુંટવી લઈ કબીરના બેટા શેખન જે સુલતાનના હજુરીયામાંનો એક હતો તા ઉપર ઉગામી અને તેને ઠાર કર્યો. છેવટે તેને પણ મારી નાખવામાં આવ્યો. એવું કહેવાય છે કે રાવળ પતાઇના કુટુંબમાં બે દીકરી અને એક દીકરો બાકી રહ્યા હતા. જ્યારે તેઓને સુલતાનની રૂબરૂમાં મોકલવામાં આવ્યા ત્યારે બે દીકરીઓને સુલતાનના જનાનખાનામાં મોકલવામાં આવી અને તેના દીકરાને સેફઉલમુલ્કના બેટાને સોંપવામાં આવ્યો...

મહમૂદ બેગડાએ ચાંપાનેરના હિન્દુ રાજા સાથે જે કર્યું તેના પહેલાં અહમદ શાહ, મહમ્મદ શાહ પણ ચાંપાનેર ઉપર ચડાઈ કરી ચૂક્યા હતા પરંતુ એ બંનેને સફળતા મળી નહોતી. (એ વિશે વાંચો પુસ્તકના પાના નં. 33 – 34 ઉપર).

 મહમૂદ બેગડોઃ

ચાંપાનેરનો કિલ્લો સર કરવાનો નક્કી નિશ્ચય અને તેને (તલવારની કુંચીથી) જીતી લીધો તે વિષેની હકીકતઃ-

ઇતિહાસ માર્ગના ભોમીઆ લોકો અને ખબરોના આધાર રૂપ પુરુષો આ ચઢાઇનું વર્ણન નીચે પ્રમાણે આપે છેઃ-

જ્યારે સુલતાન ચાંપાનેરનો કિલ્લો જીતી લેવાના વિચારથી અમદાવાદથી નીકળ્યો અને વડોદરા પ્રાંત આવ્યો ત્યારે રાવળ પતઈ અને ચાંપાનેરના લોકોને મોટો ત્રાસ પડ્યો અને તેઓએ પોતાના વકીલો (એલચીઓ)ને સુલતાનની તહેનાતમાં મોકલ્યા અને શરણ માગ્યું. જોકે રાવળ પતાઇના વકીલોએ ઘણીજ નમ્રતા તથા આજીજીથી શરણ માગ્યું તોપણ તેઓની માગણી સ્વીકારવામાં આવી નહિ ને સુલતાને કહ્યું કે અમારી અને તમારી વચ્ચે હવે તલવાર તથા ખંજર સિવાય બીજો કાંઇપણ સંદેશો યા સંદેશો પહોંચાડનાર નથી. પતાઇના વકીલો તેની પાસે ઘણાજ ઉદાસ ચહેરે તથા ગમગીની સાથે આવી જે બન્યું હતું તે જાહેર કર્યું. રાવળે હવે કેસરીયાં કરવાનો નિશ્ચય કર્યો અને કિલ્લો મજબૂત કરી લડાઇને માટે તત્પર થયો. સુલતાને આવી કિલ્લાને ઘેરો ઘાલ્યો અને રોજ સવારથી સાંજ લગી મુસલમાન તથા હિંદુ લશ્કર વચ્ચે ઝપાઝપી ચાલવા માંડી. આ પ્રમાણે કેટલાક દિવસ વીત્યા પછી સુલતાને સુરંગ ખોદવાનો હુકમ આપ્યો અને કામમાં પ્રવીણ ઇજનેરોએ સુરંગ ખોદવાની શરૂઆત કરી. (પાના નં. 113 - 114). ઈતિહાસ જાણો અને વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment