Sunday, June 26, 2022

મહામહિમ (ભાવિ) રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ

ભાજપના નેતૃત્વ હેઠળ 1998થી અત્યાર સુધીની ત્રણ એનડીએ સરકારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પસંદ કરવાની તક મળી અને ત્રણેય વખતે ભાજપની સર્વસમાવેશી નીતિ ઉજાગર થઈ

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

        સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ – એ માત્ર સૂત્ર નથી એવું ભારતીય જનતા પાર્ટીએ વધુ એક વખત સાબિત કર્યું છે. 2022ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વનવાસી સમુદાયની એક મહિલાની પસંદગી કરવી એ બાબત જ સબકા વિકાસનું સર્વોચ્ચ ઉદાહરણ છે. હકીકતે ભાજપનું અગાઉનું નેતૃત્વ પણ આ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરતું હતું. 1998થી 2004 દરમિયાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ ત્રીજી વખત એનડીએ સરકાર સત્તામાં હતી ત્યારથી આ સૂત્રનો વાસ્તવિક અમલ થતો હોવાનું દેશ અને દુનિયાએ અનુભવ્યું છે.

વાજપેયી સરકારના એ ગાળામાં 2002માં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી હતી અને વડાપ્રધાન અટલ બિહારીએ ભારતના મિસાઇલ કાર્યક્રમના અગ્રણી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવીને દેશ અને દુનિયાને સુખદ આશ્ચર્ય આપ્યું હતું. એક પ્રખર વિદ્વાન રાષ્ટ્રવાદી મુસ્લિમને આવું સર્વોચ્ચ સન્માન ભાજપે જ આપ્યું હતું. અને યાદ રહે, ડૉ. કલામનું અવસાન થયું ત્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન હતા. તેઓ પોતે ડૉ. કલામની અંતિમક્રિયામાં હાજરી આપવા ગયા હતા એટલું જ નહીં પરંતુ ચેન્નઈમાં ડૉ. કલામનું ભવ્ય સ્મારક નરેન્દ્રભાઈની પહેલથી જ બન્યું છે જે સ્થળ આજે અંતરિક્ષ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે તેમજ સામાન્ય લોકો માટે એક પ્રવાસધામ બની ગયું છે.

2014માં ફરી ભાજપને પૂર્ણ બહુમતી સાથે તેના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર બની ત્યારબાદ 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી ત્યારે નરેન્દ્ર મોદી સરકારે દલિત અગ્રણી રામનાથ કોવિંદની સર્વોચ્ચ સ્થાન માટે પસંદગી કરીને અનેકને સાનંદાશ્ચર્ય આપ્યું હતું. અને હવે વનવાસી સમુદાયની મહિલાને આવું સર્વોચ્ચ સન્માન મળી રહ્યું છે.

એકાત્મ માનવવાદની સનાતન વિચારધારા ભાજપ દ્વારા હંમેશાં અમલમાં મૂકવામાં આવે છે તેનાં આ ઉદાહરણો છે. અન્ય રાજકીય પક્ષોની કથની અને કરણીમાં હંમેશાં વિરોધાભાસ રહેતો હોય છે. સેક્યુલારિઝમની વાતો કરનારા પક્ષોનું વાસ્તવિક આચરણ સેક્યુલર નથી હોતું. દલિતોદ્ધારની વાતો કરનારા પક્ષોએ ખરા અર્થમાં દલિતોને કેટલું સન્માન આપ્યું એ વાત આ દેશ જાણે છે. આદિવાસીઓના નામે રાજકીય પક્ષની સ્થાપના કરનારા રાજકારણીઓ આદિવાસીઓનું કેટલું શોષણ કરે છે એ વાત કોઇનાથી અજાણી નથી. પણ તેની સામે ભાજપે વોર્ડ પ્રમુખ અને પેજ પ્રમુખથી લઇને છેક રાષ્ટ્રપતિપદ સુધીના હોદ્દાઓ ઉપર મહેનતુ અને લાયક ઉમેદવારોને જ હંમેશાં પ્રમોટ કરીને એક રીતે અંગ્રેજી કહેવત વૉક ધ ટૉકને ચરિતાર્થ કરી છે.

આ વખતે ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ દ્વારા રાષ્ટ્રપદિપદ માટે જે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે તે દ્રૌપદી મૂર્મુની રાજકીય કારકિર્દી ઉપર નજર કરવાથી ખ્યાલ આવશે કે મહેનતુ અને લાયક નેતાઓને હંમેશાં સ્થાન (હોદ્દો) અને સન્માન આપવામાં ભાજપનો રેકોર્ડ તમામ રાજકીય પક્ષો કરતાં શ્રેષ્ઠ છે.

દ્રૌપદી મૂર્મુ હિન્દુ સમાજના વનવાસી પરિવારમાંથી આવે છે અને ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે. 20 જૂન 1958ના રોજ ઓડિશામાં જન્મેલા દ્રૌપદી મૂર્મુએ 1997માં ભાજપ તરફથી નગર પંચાયતની ચૂંટણી જીતીને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ઓડિશામાં બે વખત ભાજપના રાયરંગપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. ઓડિશા વિધાનસભામાં શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ પુરસ્કારથી સન્માનિત દ્રૌપદી મૂર્મુ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.  દ્રૌપદી મૂર્મુએ જીવનમાં દરેક પડકારોનો સામનો કર્યો હતો. પતિ અને બે પુત્રો ગુમાવ્યા પછી પણ તેઓ હતાશ ન થયા અને લોકસેવાનો તેમનો સંકલ્પ વધુ મજબૂત બન્યો. શું આટલા ઉદાહરણો પરથી લાગતું કે સબકા સાથ- એ માત્ર કહેવા પૂરતું સૂત્ર નહીં પરંતુ કમિટમેન્ટ છે?  વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment