Sunday, September 18, 2022

દિલ્હી અને પંજાબની સરકારી તિજોરીઓ ખાલી થઈ, કારણ? રેવડી કલ્ચર!

 


સામાન્ય માણસોને મફતની યોજનાઓની વાતો સાંભળીને ગલગલિયાં થઈ શકે, પરંતુ કમનસીબે એ સામાન્ય નાગરિકોને રાજ્ય અને રાષ્ટ્રની આવક-જાવકના હિસાબોની જાણકારી નથી હોતી. રેવડી કલ્ચર અતિશય ઘાતક છે, જાણો...

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

બીજની રોપણી કર્યા વિના તો ધરતીમાતા પણ અનાજ આપતી નથી. કુદરત દ્વારા માણસજાતને સમજાવવામાં આવતો આ સર્વસામાન્ય સનાતન સિદ્ધાંત છે. આ સિદ્ધાંત બ્રહ્માંડના દરેકે દરેક પાસાંને લાગુ પડે છે. માનવજીવન અને રાજકારણ પણ તેમાંથી મુક્ત નથી. તો પછી કેટલાક રાજકારણીઓ મફતની યોજનાઓની જાહેરાત કરે છે? આવકના સ્રોત વિના જાવકનો અંદાજ કેવી રીતે લગાવી શકાય? સીધો સાદો પ્રશ્ન એ છે કે, પાણીથી ભરેલા ડેમમાંથી માત્ર જાવક થયા કરે અને એ ડેમમાં નવા પાણીની આવક ન થાય તો એ ડેમ કેટલા સમય સુધી પાણી પૂરું પાડી શકશે? બસ આવું જ કંઇક રેવડી કલ્ચરનું થઈ રહ્યું છે.

દિલ્હીની કેજરીવાલ સરકારની સરકારી તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું છે. પંજાબમાં પાંચ મહિના જૂની ભગવંત માન સરકાર આ મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનાના પ્રારંભે ઑગસ્ટ 2022 માટેનો પંજાબ સરકારના કર્મચારીઓનો પગાર ચૂકવી શકી નહોતી. કારણ? કારણ રેવડી કલ્ચર. માત્રને માત્ર સત્તા મેળવવા, દેશ-સેવા કે પ્રજાના લાંબાગાળાના ટકાઉ ઉત્થાન અને પ્રગતિ વિચારણા કર્યા વિના મહેનતુ  કરદાતાઓએ ભરેલી રકમમાંથી જરૂરિયાત ન હોય એવા લોકો માટે પણ મફતની યોજનાઓની લ્હાણી કરવાનું આ પરિણામ છે.

તમારો મોબાઇલ ચાલુ રાખવો હોય તો પણ એને રિચાર્જ કર્યા કરવો પડે છે, તેની બૅટરી ઓછી થઈ જાય તો ચાર્જ કરવી પડે છે...ટૂંકમાં ચાર્જિંગ અને રિચાર્જ વિના જો મોબાઇલ પણ ચાલતો ન હોય તો પછી વિચાર કરો કે કોઈ રાજ્યની કે પછી દેશની તિજોરીમાં આવકનું ચાર્જિંગ અને રિચાર્જ ન થાય તો માત્ર જાવક ક્યાં સુધી ચાલી શકે?!

વીજળી મફતમાં આપવાની, બેરોજગારોને ભથ્થું આપવાની, મહિલાઓને દર મહિને રૂપિયા 1000ની સહાય આપવાની, મહિલાઓને મફત પ્રવાસ કરાવવાની, વૃદ્ધોને યાત્રા કરાવવાની વાતો હવે તમામ મર્યાદા ઓળંગી રહી છે. અલબત્ત આવી વાતોથી મફતનું મેળવવાની માનસિકતા ધરાવતા અમુક ચોક્કસ વર્ગો તથા મીડિયામાં રહેલા અમુક ચોક્કસ લોકોને ગલગલિયાં થતાં હશે. પરંતુ આ વર્ગો અને મીડિયાએ એ હકીકત જાણી લેવી જોઇએ કે, દિલ્હી રાજ્યની અને પંજાબની તિજોરીઓનાં તળિયાં દેખાવા લાગ્યા છે. દિલ્હીની હકીકત એ છે કે, ત્યાં અગાઉની સરકારોની યોગ્ય નીતિને કારણે તથા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા નાણાને કારણે તિજોરી ભરેલી રહેતી હતી. કેજરીવાલ સરકાર સત્તામાં આવી તે પહેલાં સુધી દિલ્હી રાજ્યની તિજોરીમાં સરેરાશ રૂપિયા 10,000 કરોડ પુરાંત રહેતી હતી. પરંતુ કેજરીવાલની મફતની નીતિઓને કારણે આઠ વર્ષમાં આ પુરાંત ઘટીને રૂપિયા એક હજાર કરોડની આસપાસ રહી ગઈ છે.

સાચી વાત એ છે કે, મફતિયા-વૃત્તિ એક પ્રકારનો વાયરસ છે. આ વાયરસ રાષ્ટ્ર-પ્રેમી પ્રજાને પણ લાગી શકે છે. મને હમણાં જ રાજકોટના એક મિત્ર દ્વારા જાણવા મળ્યું કે, તાજેતરમાં કેજરીવાલે રાજકોટમાં સભા કરી ત્યારે કેટલાક વેપારીઓ જીએસટીનો મુદ્દો લઈને તેમની પાસે પહોંચી ગયા હતા અને રજૂઆત કરી હતી. આવા વેપારીઓ માટે આનાથી મોટી શરમજનક બાબત બીજી કોઈ ન હોઈ શકે. જીએસટી એક પ્રકારનો સંકલિત કર છે અને તમારે પ્રજા પાસેથી જ લેવાનો હોય છે. તમારા નફાની રકમ તો તમને પહેલેથી મળી જ ગયેલી હોય છે. પણ તમે રિફંડની લાલચ રાખી બેઠા હોવ છો. એ રકમ જે વાસ્તવમાં પ્રજાએ સરકારને આપેલી રકમ છે. છતાં ઠીક છે કે એ કાયદાની જોગવાઈ છે તેથી અમુક ક્રેડિટ તમને પાછી આપવામાં આવે છે. પરંતુ એ આખી વ્યવસ્થામાં થોડા મહિના લાગી જાય અને તમે તદ્દન છેલ્લી પાટલીએ બેસીને જીએસટી રિફંડનો કકળાટ કરો ત્યારે તમે પણ હદ વટાવી દીધી હોય એમ લાગે. આટલું ઓછું હોય એમ ઘણી મોટી સંખ્યામાં વેપારીઓ અને નાગરિકો પણ જીએસટીથી બચવા બિલ વિનાનો વ્યવહાર કરે છે. શું આ બધી અપ્રામાણિકતા દેશ માટે ઘાતક નથી?

તેની સામે જરા વિદેશની વ્યવસ્થાનો વિચાર કરો. થોડા સમય પહેલાં હું કેનેડામાં હતો અને મને જાણવા મળ્યું કે ત્યાં દરેક વ્યક્તિની આવકના 50 ટકા જેટલી રકમ વિવિધ રીતે ટેક્સમાં ચાલી જાય છે. આ અંગે ભારતમાં કેટલાય અબૂધ લોકો એવી દલીલ વર્ષોથી કરતા આવ્યા છે કે, ત્યાં લોકો ટેક્સ આપે છે કેમ કે સરકાર એમને સુવિધાઓ આપે છે! તો ભાઈ એ દલીલ તમને લાગુ નથી પડતી? 70-70 વર્ષ સુધી અપ્રામાણિક રાજકીય પક્ષોએ કર-માળખું સરખું કરીને સારી આવક કરીને દેશમાં માળખાકીય સુવિધાઓ વધારવા તરફ ધ્યાન કેમ ન આપ્યું? યથા રાજા તથા પ્રજાની જેમ 2014 પહેલાં સરકારમાં બેઠેલા (વચ્ચે વાજપેયી સરકારના સમયને બાદ કરતાં) પોતેય બદમાશી કરતા હતા અને પ્રજાની કરચોરી કરવાની દાનત સામે આંખ આડા કાન કરતા હતા.

આપણને 2014 પછી ખબર પડી કે, 130 કરોડની વસ્તીમાંથી માંડ ત્રણ કરોડ લોકો જ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હતા. બાકીના 127 કરોડ તો ખાઈ-પીને જલસા જ કરતા હતા—આજે પણ એવું જ કરે છે. જોકે થોડો ફેર પડ્યો છે. પ્રામાણિક સરકારના પ્રામાણિક પ્રયાસોને કારણે આ ત્રણ કરોડનો આંકડો આ વર્ષે 31 જુલાઈ, 2022ના રોજ સાડા પાંચ કરોડને પાર કરી ગયો. માત્ર આઠ વર્ષમાં દોઢ ગણો વધારો! આ સંજોગોમાં સાત-સાત દાયકા સુધી અપ્રામાણિક રાજ્યવ્યવસ્થા અને અપ્રામાણિક વહીવટીતંત્રને કારણે સડી ગયેલી પ્રજાની માનસિકતા હવે રેવડીની લાલચમાં ફસાઈ રહ્યા છે?

એક કૉમનસેન્સનો પ્રશ્ન એ છે કે, તમારા ઘરે બાળક જન્મે એ મોટું થઇને જાતે ચાલતાં શીખે એ તમને ગમશે કે પછી ચાલવાની ઉંમર થાય ત્યારે તેને તમે કાખઘોડી આપશો? એ જાતે ચાલવાનું ન શીખે પરંતુ કાખઘોડી અને તમારા ઉપર નિર્ભર રહે એ તમને પસંદ પડશે? જો આનો જવાબ હા હોય તો મારે કશું કહેવાનું નથી. પણ મને ખબર છે કે તમારો જવાબ હા નથી. તો હવે એ વાત તમારા ઉપર લાગુ કરો...શું મફતની વીજળી અને બેરોજગારીના ભથ્થાંથી તમે આખી જિંદગી પૂરી કરી શકશો? શું એ બધું મફત મળવાથી તમે પ્રગતિ કરી શકશો? એવી પ્રગતિ જે તમને મોટું ઘર, ગાડી, વિદેશ પ્રવાસ કરવાની ક્ષમતા આપે એવી પ્રગતિ મફતની વીજળી અને ભથ્થાંથી મળી શકશે? મફતવાલ તો તમને બધું મફત આપીને- તમને માયકાંગલા બનાવીને અને સાથે સાથે રાજ્યની તિજોરી ખાલી કરી દઈને બેશરમની જેમ હાથ ઊંચા કરી ચાલ્યો જશે, પણ પછી તમે મહેનત કરવાને લાયક રહ્યા હશો ખરા?

મફતની વીજળી અને બેરોજગારી ભથ્થાંનાં સ્વપ્ન જોતી વખતે બસ માત્ર એટલું યાદ રાખજો કે વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓને એ માટે ખર્ચ થાય છે. એ ખર્ચ તમે નાણા આપશો ત્યારે ભરપાઈ થશે. પણ તમે નાણા નહીં આપો તો વીજળી ઉત્પન્ન કરતી કંપની ખોટમાં જશે. એ ખોટમાં વધારો થવાથી તેની અસર ઉત્પાદન ઉપર થશે. વીજળી કાપ આવશે. એ વીજ કંપનીઓના કર્મચારીઓની છટણી થશે. એ રીતે બેરોજગારોની સંખ્યામાં વધારો થશે. એ બધા બેરોજગારોને બેરોજગારી ભથ્થાં ક્યાંથી આપવામાં આવશે? જે મુઠ્ઠીભર લોકો ટેક્સ ભરે છે એમના નાણામાંથી જ ને? એ મુઠ્ઠીભર લોકો દેશની 99 ટકા પ્રજાનું ભરણપોષણ કરવાની જવાબદારી કેટલા સમય સુધી વહન કરી શકશે એ બાબતે કોઇએ વિચાર કર્યો છે ખરો?

હવે રેવડીવાલ તમારી સમક્ષ આવીને વાયદા કરે ત્યારે અહીં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એ એમને પૂછજો. એમને પૂછજો કે તમારી પાસે રાજ્યની આવક વધારવાનું કયું મોડેલ છે? એમને પૂછજો કે વિકાસનાં કામો માટે તમારી પાસે કયું મોડેલ છે? આ દેશની સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષણ માટે તેમની પાસે કયું મોડેલ છે એ પણ પૂછવાનું ચૂકશો નહીં. જો રેવડીવાલ-પાર્ટી પાસે આના જવાબો ન હોય તો તેમની નૌટંકી ઉપર નજર નાખતા રહો, બધું આપોઆપ સમજાઈ જશે... મિલતે હૈ બ્રેક કે બાદ!