Sunday, August 27, 2023

એક જાગૃત નાગરિક સામે ભ્રષ્ટ તંત્રને પણ ઝૂકવું પડે

 

આરટીઆઈ તો ઘણા કરતા હોય છે, પરંતુ બધાના ઇરાદા સારા નથી હોતા. ક્યારેક આરટીઆઈ રાજકીય ન્યૂસન્સ કરવા માટે પણ થતી હોય છે...પણ આજનો કિસ્સો અલગ છે

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

2024ની લોકસભા ચૂંટણી નજીક આવી છે ત્યારે આમ આદમી પાર્ટી અને તેની માતૃ સંસ્થા કોંગ્રેસના કેટલાક તત્ત્વો રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં આરટીઆઈ અરજીઓના નાખીને રીતસર ન્યૂસન્સ ઊભું કરી રહ્યા છે. મળતી વિગત અનુસાર આવા એક નવરા માણસે રાજ્યની અગ્રણી યુનિવર્સિટીમાં એક સાથે 76 આરટીઆઈ અરજી નાખીને યુનિવર્સિટીના કેટલાય વિભાગોની કામગીરીમાં અડચણો ઊભી કરી છે. આવા તત્ત્વોની આરટીઆઈને કારણે પ્રાધ્યાપકોએ શિક્ષણકાર્ય પડતું મૂકીને વહીવટી કામગીરીને લગતા પ્રશ્નોના જવાબો આપવા પડે છે.

ખેર, ગામ હોય ત્યાં આમ આદમી પાર્ટી રહેવાની. પણ આપણે આજે સાચા અર્થમાં એક જાગૃત નાગરિકની સતર્કતા અને તેમણે કરેલી સાચા અર્થની આરટીઆઈને કારણે દ્વારકા શહેર નજીક ખુલ્લા ડિવાઇડરને બંધ કરવાની સત્તાવાળાઓને ફરજ પડી છે. આ જાગૃત અને રાષ્ટ્રવાદી નાગરિકને કારણે આ સ્થળે ગમેત્યારે ગંભીર અકસ્માત થવાનું જોખમ પણ ટળ્યું છે.

શ્રી સુજિતકુમારે આ અંગે કરેલી વાત અહીં તેમના પોતાના જ શબ્દોમાં મૂકું છું, જેથી તમામ વાચકોને સમગ્ર ઘટનાનો યોગ્ય રીતે ખ્યાલ આવે અને તેમની જેમ પ્રેરણા લઇને અન્ય લોકો પણ લોકહિતના આવાં કામ કરી શકે. ... #Pgportal તથા RTI પોર્ટલ ની મદદ થકી મળેલી વધુ એક નાનકડી સફળતા..

દ્વારકા શહેરમાં પ્રવેશ કરતા શરૂઆતમાં જ હોટલ આવે છે, જેની આગળના રોડ પર મીડિયન ઓપનિંગ હતું એટલે કે ડીવાઈડર ખુલ્લું હતું.

આ મીડિયન ઓપનિંગ ફક્ત હોટલ ચાલકોને ફાયદો કરવા માટે કરેલું હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું જેથી કરીને સામેના રોડના વાહનચાલકો આ બાજુ હોટલ પર આવી શકે અને હોટલ સાઈડના વાહનો સામેની બાજુ જઈ શકે..

૧) અન્ય વાહનચાલકો માટે જોખમી આ મિડિયન ઓપનિંગ બંધ કરવા માટે #pgportal પર રજૂઆત કરેલી.

૨) જે ફરિયાદ બાબતે નેશનલ હાઇવે ઓથરિટી ઓફ ઇન્ડિયા રાજકોટ તરફથી એવો જવાબ મળ્યો કે કંસેશન એગ્રીમેન્ટ અંતર્ગત આ ઓપનિંગ આપવામાં આવ્યું છે.

૩) આ અનુસંધાને ઇન્ડીયન રોડ કોંગ્રેસની માર્ગદર્શિકાનો અભ્યાસ કર્યો જેમાં જણાવ્યું છે કે આવા ઓપનિંગની બાજુમાં શેલ્ટર લેન (એટલે કે વળાંક લેનાર વાહન પાછળના વાહનોને નડતરરૂપ ન થાય એ માટે એ શેલ્ટર લાઈનમાં ઉભું રહે અને વળવા માટેની પ્રતીક્ષા કરે) હોવી જરૂરી છે. જે અહીંના મિડીયન ઓપનિંગમાં હતી નહીં.

બીજું, આ માર્ગદર્શિકા મુજબ બે મીડિયન ઓપનિંગ વચ્ચે ઓછામાં ઓછું ૫૦૦ મીટર અંતર હોવું જોઇએ. જ્યારે અહીં ફકત ૧૫૦ મીટરના અંતરે જ એક મોટું મીડિયન ઓપનિંગ આવે છે.

આ માર્ગદર્શિકાના મુદ્દાઓ અને એના ઉલ્લંઘન બાબતે ફરીથી એક ફરિયાદ નાખવામાં આવી,

૪) સાથે સાથે પણ અપીલ કરવામાં આવી

૫) આ ફરિયાદ અને અપીલ સામે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એવો પ્રત્યુત્તર આપવામાં આવ્યો કે સ્થાનિક રાજ્ય સરકાર અને સ્થાનિક લોકોની માંગણીને અનુસંધાને આ મીડીયન ઓપનિંગ આપવામાં આવ્યું હતું, જ્યાં રિફ્લેક્ટર લાઈટ અને સાઈનબોર્ડ પણ લગાવવામાં આવ્યા અને બન્ને વચ્ચેનો રસ્તો પણ પેવર કરવામાં આવેલો છે.

૬) આ પ્રત્યુત્તરની સામે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજકોટમાં RTI કરીને સ્થાનિક રાજ્ય સરકાર અને સ્થાનિક લોકોની માંગણી બાબતના પત્રોની માહિતી માંગવામાં આવી. જેની સામે એવો જવાબ મળ્યો કે એમની ઓફિસમાં આવા કોઈ પત્રો મળ્યા નથી.

૭) આ આરટીઆઈનો જવાબ મળ્યા બાદ વિજિલન્સ વિભાગમાં આ સમગ્ર બાબતની વિસ્તૃત માહિતી અને પત્રોની કોપી સાથે ઇમેઇલ કર્યો અને આ બાબતે તપાસ કરવા વિનંતી કરી.

૮) ગઈકાલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજકોટ તરફથી પત્ર મળ્યો જેમાં દર્શાવ્યું છે કે એમના દ્વારા આ મીડિયન ઓપનિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

હવે, આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરીશું.

આ સમગ્ર કિસ્સામાં નોંધપાત્ર વાત એ છે કે, શ્રી સુજિતભાઈએ સૌપ્રથમ પીજીપોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી અને ત્યાંથી સંતોષજનક જવાબ ન મળ્યો ત્યારે આરટીઆઈ દ્વારા જવાબ માગીને સમગ્ર સમસ્યાનો ઉકેલ લાવવામાં જાગૃતિ દાખવી. ઘટનાનો સાર એ છે કે, જાગૃતિ અને ખંતથી ઘણાં કામ શક્ય બને છે.

અકસ્માત તથા દુર્ઘટનાઓ માટે વાહન ચાલકો ઉપરાંત બીજી પણ બાબતો જવાબદાર હોય છે. જેમ કે સ્થાનિક સ્તરનું ગંદું - ભ્રષ્ટ રાજકારણ, ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ પોલીસતંત્ર અને એવા જ ભ્રષ્ટ વેપારીઓ... આ બધા ભેગા મળીને સામાન્ય જનતાની સલામતી અને સુખાકારીના અધિકારોને ઘોળીને પી જતા હોય છે. પછી આવી સ્થિતિમાં આવાં સ્થળે અકસ્માત અથવા દુર્ઘટના બને ત્યારે સરકાર તરફથી "વળતર" ની જાહેરાત થાય છે. આ પ્રકરણમાં ઉપર જણાવી એ ચારેય તત્ત્વોના ભ્રષ્ટાચારની બૂ આવે જ છે. છતાં નાગરિકો જાગૃત રહે તો સ્થિતિમાં ફેર તો લાવી શકાય છે. પણ હા, શરૂઆતમાં જણાવ્યું તેમ યુનિવર્સિટીના કોઈ વિભાગમાં બેન્ચ અને બ્લેકબોર્ડ પાછળ કેટલો ખર્ચ થયો એવા મતલબની આરટીઆઈ કરનારા તત્ત્વોના ઇરાદા સારા નથી હોતા એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ. સુજિતભાઈ જેવી જાગૃતિ અન્ય લોકોમાં પણ ફેલાશે તો હાઇવે ઉપર ડિવાઇડર સાથે ચેડાં કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકનારા તત્ત્વો ઉપર લગામ લાવી શકાશે. જાગો...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, August 13, 2023

પત્રકારત્વની વિશ્વસનીયતાનો પડકાર – ન્યૂઝક્લિક કૌભાંડ

 


લાલ-લીલા ચશ્માં પહેરીને એજન્ડા ચલાવતા પત્રકારો 75 વર્ષથી પકડાતા નહોતા, પણ હવે રંગેહાથ પકડાયા છે. મીડિયાની આ એ જ ટોળકી છે જેને રાષ્ટ્રવાદ સામે વાંધો છે

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

ગયા અઠવાડિયે આ સ્થળે હિંસાખોર ચીની માઓવાદીઓની વિસ્તારવાદી નીતિને ઉઘાડા પાડતાં એક પુસ્તક (કમ્યુનિસ્ટ ચીનઃ અવૈધ અસ્તિત્વ. લેખકઃ કુસુમલતા કેડિયા) વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારપછીના બે જ દિવસમાં ભારતીય મીડિયા અને ડાબેરીઓની અનૈતિક સાંઠગાંઠનો પુરાવો દુનિયા સમક્ષ જાહેર થયો. આમ તો આવી અનૈતિક સાંઠગાંઠ વિશેની વાત મેં મારા સંપાદિત પુસ્તક પત્રકારત્વઃ વિશ્વસનીયતાનો પડકાર માં વિસ્તારથી કરેલી છે.

ખેર, અહીં મુદ્દો પત્રકારત્વનો અને લાલ-લીલા એજન્ડાનો છે. 2014 પછી રાષ્ટ્રવાદને થોડું થોડું મહત્ત્વ આપવા લાગેલા મીડિયા તેમજ અમુક પત્રકારોને ગોદી મીડિયા કહીને ઉતારી પાડનાર ટોળકી છેક 1950થી નહેરુ-ગાંધી ખાન-દાનની પૂંઠે ભરાઈને ચીની એજન્ડા ચલાવી રહી છે. રાષ્ટ્રવાદી મીડિયા અને રાષ્ટ્રવાદી પત્રકારો તો જનસંઘ કે ભાજપના જન્મ પહેલાં પણ હતા અને ભાજપ નહીં હોય ત્યારે પણ રહેશે, કેમ કે આવા મીડિયા અને પત્રકારો માટે રાષ્ટ્રહિતનું મહત્ત્વ હોય છે, કોઈ સંસ્થા કે રાજકીય પક્ષનું નહીં. જે સંસ્થા કે રાજકીય પક્ષ રાષ્ટ્રહિતની વાત કરતા હોય તેમને આવા મીડિયા તેમને મહત્ત્વ આપે એટલા માત્રથી એમને ગોદી મીડિયા કહીને ઉતારી પાડવા એ બદમાશ કાર્લ માર્ક્સની ગળથૂથી પીવાનું પરિણામ છે.

અગાઉ સોવિયેત સંઘ અને તેના વિઘટન પછી આજની તારીખ સુધી ચીની માઓવાદીઓના નાણાના જોરે ભારતમાં નક્સલવાદ ફેલાવવામાં બૌદ્ધિક સમર્થન આપી રહેલા શહેરી અસૂરો (અર્બન નક્સલો) વિવિધ મીડિયામાં પગદંડો જમાવીને બેઠેલા છે. આ વિશે રાષ્ટ્રવાદીઓએ અનેક વખત ચેતવણી આપી છે, પરંતુ ભારતીય સમુદાયની મુશ્કેલી એ છે કે પોતાના માણસોની વાત ઉપર વિશ્વાસ કરવો નહીં. બીજા, અર્થાત કોઈ વિદેશી કહે ત્યારે જ એ માનવાનું. તો હવે આવા ભારતીય સમુદાયના લાભાર્થે અમેરિકાના મીડિયા ન્યૂયોર્ક ટાઇમ્સે ભારતમાં ભારત-વિરોધી હિંસક એજન્ડા ચલાવનાર ન્યૂઝક્લિક નામની વેબસાઇટનાં કરતૂતો ઉઘાડા પાડી દીધા છે. ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે, ન્યૂઝક્લિક વેબસાઇટ ચલાવનારા ભારતની અંદર ભારત વિરોધી અને ચીન તરફી એજન્ડા બેધડક ચલાવે છે અને એ માટેનું ભંડોળ અમેરિકાસ્થિત એક ધનિક નેવિલે રૉય સિંઘમ પૂરું પાડે છે. આ નેવિલે રૉય સિંઘમ ચીની સામ્યવાદી પક્ષના મીડિયા વિભાગ સાથે સીધી રીતે સંકળાયેલો છે. તેણે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ન્યૂઝક્લિકને રૂપિયા 32 કરોડ કરતાં વધુ આર્થિક સહાય કરી હોવાનું ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ કેસની હકીકત એ છે કે, પૂરા બે વર્ષ પહેલાં ભારતની આર્થિક અપરાધ વિરોધી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આ ન્યૂઝક્લિકના શંકાસ્પદ પત્રકારત્વ અને તેના નાણાકીય સ્રોતો વિશે તપાસ કરી હતી, તેના મુખ્ય તંત્રી પ્રબીર પુરકાયસ્થના ઘરે તેમજ ન્યૂઝક્લિકની ઑફિસે દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ જપ્ત થયેલા દસ્તાવેજોને આધારે સ્પષ્ટ થયું હતું કે, ભારત વિરોધી આ સમાચાર વેબસાઇટને અલગ અલગ સ્રોતો મારફત ચીન અને અમેરિકાસ્થિત ભારત વિરોધી ટોળકીઓ તરફથી કરોડો રૂપિયા મળી રહ્યા છે.

આ અઠવાડિયે ન્યૂયોર્ક ટાઇમ્સનો અહેવાલ જાહેર થયા પછી કેટલાક રાષ્ટ્રવાદી ભારતીય મીડિયા સક્રિય થયા અને તેમણે રૉય સિંઘમ, ન્યૂઝક્લિકના વહીવટકર્તાઓ તેમજ ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અર્થાત સીપીએમની વચ્ચે થયેલા ઇમેલ આદાન-પ્રદાનનું પગેરું શોધી કાઢ્યું. આ ઇમેલને આધારે દેશને વધુ એક વખત ખબર પડી કે ભારતના સામ્યવાદી પક્ષો આટલા દાયકા પછી હજુ આજે પણ ચીની એજન્ડા ચલાવી રહ્યા છે, તેમને ભારતના હિતોની કશી જ પડી નથી. ભારતને સામાજિક, આર્થિક નુકસાન થાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબિ ખરાબ થાય એ જ સ્વપ્ન આ ડાબેરીઓ, શહેરી અસૂરો તેમજ તેમના આધારે ચાલતા ન્યૂઝક્લિક જેવા મીડિયા જોઈ રહ્યા છે. આ રાષ્ટ્ર-વિરોધીઓ માત્ર સ્વપ્ન નથી જોતા પણ એ માટે સતત સક્રિય છે.

ગુજરાતમાં પણ આવા તત્ત્વો આપણી આસપાસ જ છે. એ બધા શિક્ષણ ક્ષેત્ર, કલા ક્ષેત્ર, ફિલ્મ ક્ષેત્રમાં ગોઠવાઈ ગયેલા છે અને મીડિયામાં તો છે જ, જેમને ઓળખવાનું ખાસ અઘરું નથી. બીજા કોઈ કહે ત્યારે આપણી આંખ ઉઘડે તેના બદલે આ શહેરી અસૂરો, મીડિયામાં બેઠેલા ચીની એજન્ટોને કેવી રીતે ઓળખવા એ નાગરિકોએ જાતે જ શીખી લેવા જેવું છે. જેની એક સામાન્ય ટિપ એ જ છે કે, જે લોકો રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુત્વની મજાક ઉડાવે, હિન્દુ સંસ્થાઓ અને સંગઠનો વિશે બેફામ લખે કે બોલે ત્યારે સમજી લેવાનું કે એ ચીની નાણાને જોરે કૂદે છે. આવા શહેરી અસૂરોથી અને તેમના જેવા લોકોથી ભરાયેલા મીડિયાથી સાચા અર્થમાં બહિષ્કારની શરૂઆત કરવાની જરૂર છે. એ કેવી રીતે કરવું એ વિચારો ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, August 6, 2023

ચીન વિશે કેટકેટલી ભ્રમણા પાળીને બેઠી છે દુનિયા!

 


 કેટલા લોકો જાણે છે કે ચીનને ચીન બનાવવામાં કોઈ ચીનાની ભૂમિકા નથી? શું તમને ખબર છે કે મહાભારતમાં એવા પ્રદેશોનો ઉલ્લેખ છે જે હાલ ચીનમાં છે?

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

હિંસાખોર ડાબેરીઓ અને લૂંટારા અંગ્રેજોએ જે રીતે ભારતવર્ષના ઇતિહાસની ઘોર ખોદી નાખીને ભારતની અનેક પેઢીઓને સેક્યુલારિઝમનાં ટીપાં પીવડાવી નપુંસક બનાવી દીધી છે એવી જ રીતે એ લોકોએ મગતરાં જેવા ચીનની આગળ બિલોરી કાચ ધરીને તેને ડ્રેગન બનાવી દીધું છે. દુનિયા આજે ચીનને જે રીતે ઓળખે છે એ ચીન હકીકતે કોઈ મૂળ ચીની નાગરિકની દેન નથી પરંતુ લૂંટારુ અંગ્રેજ પ્રજાએ તેના બિભત્સ, છીછરા સ્વાર્થ માટે સર્જેલો એક ભૂમિ-પ્રદેશ છે અને ત્યાં તેમણે હિંસાખોર ડાબેરીઓને માનવજાતનું નિકંદન કાઢવાનું લાઇસન્સ આપી દીધું છે. આ એવી જ સ્થિતિ છે જેમાં બિચારી-બાપડી બની જતી અમુક પ્રજાતિ વિવિધ દેશોમાં શરણાગતિ લે અને પછી એ દેશ ઉપર કબજો જમાવવાનું ચાલુ કરી દે.

ચીનનું પણ આવું જ છે. ચીન નામ ભારતે આપેલું છે. મૂળ સ્થાનિક પ્રજા તો તેમના પ્રદેશને ઝુઆંગહુઆ કહે છે, જે સાવ ટચૂકડો પ્રદેશ હતો. મહાભારતકાળમાં ચીન એ હકીકતે ભારતના સેંકડો જિલ્લા પૈકી એક જિલ્લો હતો. ચીનનું જે વર્તમાન સ્વરૂપ છે તે લેખના પ્રારંભમાં કહ્યું તેમ તે સમયના સોવિયેત સંઘ અને પશ્ચિમી દેશોએ ઘડેલું સ્વરૂપ છે.

આ બધું વાંચીને હસવું આવે છે અથવા આશ્ચર્ય થાય છે?

ખેર, જે કંઈ થતું હોય તે. તમારે ખરેખર જો સમાધાન મેળવવું હોય તો કુસુમલતા કેડિયા લિખીત કમ્યુનિસ્ટ ચીનઃ અવૈધ અસ્તિત્વ પુસ્તક વાંચવું જોઇએ. આ પુસ્તક કોઈ નવલકથા નથી કે પછી લેખિકાની કોઈ કલ્પનાશીલતાનું પુસ્તક નથી, પરંતુ નક્કર હકીકતો, ઐતિહાસિક તથ્યો ઉપર આધારિત પ્રમાણભૂત પુસ્તક છે. લેખિકાએ પાને-પાને ઐતિહાસિક પ્રમાણો રજૂ કરીને પુરવાર કર્યું છે કે, પ્રાચીન સમયમાં આવો કોઈ દેશ હતો જ નહીં. છેક ઉત્તર છેડે એક સાવ નાનો પ્રદેશ હતો જ્યાં ભારતીય મૂળના બૌદ્ધ સમુદાયના લોકો જઇને વસ્યા હતા. પરંતુ 17મી-18મી સદીમાં કુસ્તિત અંગ્રેજો અને હિંસાખોર ડાબેરીઓએ છેક ત્યાં સુધી ઘુસણખોરી કરીને શાંતિપ્રિય પ્રજામાં ભાગલા પાડ્યા, પ્રજામાં તેમનામાં સ્થાનિક આગેવાનો પ્રત્યે ઝેર ઘોળ્યું અને એ રીતે વિશ્વયુદ્ધમાં ત્યાંના અમુક સમુદાયોનો સાથ મેળવી લીધો. વિશ્વયુદ્ધ પછી ચીની પ્રદેશના લાલચુ-સ્વાર્થી આગેવાનોને પોતે ઇચ્છે એ રીતે વિસ્તારવાદનો એજન્ડા ચલાવવાની છૂટ આપવામાં આવી. અંગ્રેજો અને ડાબેરીઓના આ બધાં પગલાં પાછળ દેખીતી રીતે ભારત અને હિન્દુત્વ વિરોધી માનસિકતા હતી.

પુસ્તકમાં એવું ચોંકાવનારું સત્ય ઉજાગર કરવામાં આવ્યું છે કે, છેક 1954 સુધી ચીન પાસે તેના પોતાના પ્રાચીન ઇતિહાસના કોઈ પ્રમાણ જ ઉપલબ્ધ નહોતા. આવા પ્રમાણભૂત પુસ્તક પછી હવે ભારતીયોને તથા દુનિયાને ખ્યાલ આવવો જોઇએ કે, હા વાત તો સાચી છે કે ચીન તેનો પ્રાચીન ઇતિહાસ કે પ્રાચીન વારસો બતાવી શકે એવું કશું જ તેની પાસે નથી. પ્રાચીનતાના નામે જે કંઈ દર્શાવવામાં આવે છે તેમાં હિન્દુત્વ અને બૌદ્ધવાદની છાંટ દેખાયા વિના રહેતી નથી.

તો પછી આટલો વિશાળ પ્રદેશ ચીન કેવી રીતે બન્યો? દુનિયાના કયા દેશના લોકો એ પ્રદેશમાં ક્યારે પહોંચ્યા? ખ્રિસ્તી મિશનરીઓએ ક્યારે અને કેવી રીતે ત્યાં પગપેસારો કર્યો અને કેવી રીતે ત્યાંની પ્રાચીન ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવામાં ભૂમિકા ભજવી? અંગ્રેજો અને હિંસાખોર માર્ક્સવાદીઓએ કેવી રીતે સ્થાનિક સમુદાયોની પરંપરાઓને નષ્ટ કરી અને કેવી રીતે હિંસક ડાબેરી માનસિકતાનો ફેલાવો કર્યો? હિંસક માનસિકતા ધરાવતો માઓ કેવી રીતે સત્તા પર આવ્યો અને તેમાં કોણે કોણે કેવી રીતે મદદ કરી? માઓએ સત્તા કબજે કર્યા પછી કેટલા લાખ લોકોની હત્યા કરી હતી?

આ પ્રશ્નોના સાચા, પ્રમાણભૂત જવાબો જાણવા હોય તો હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલું પુસ્તક કમ્યુનિસ્ટ ચીનઃ અવૈધ અસ્તિત્વ સૌએ વાંચવું જ રહ્યું. આ પુસ્તક વાંચ્યા પછી છેલ્લા સાત દાયકામાં ભારતીય મીડિયા, ભારતીય રાજકારણીઓ, શહેરી અસૂરો (અર્બન નક્સલો) વગેરેએ ચીન વિશે જે ચિત્ર ઊભું કર્યું છે તેની વાસ્તવિકતા તરત જ સમજાઈ જશે એ નક્કી છે. તમે સૌ વાંચો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!