Sunday, August 13, 2023

પત્રકારત્વની વિશ્વસનીયતાનો પડકાર – ન્યૂઝક્લિક કૌભાંડ

 


લાલ-લીલા ચશ્માં પહેરીને એજન્ડા ચલાવતા પત્રકારો 75 વર્ષથી પકડાતા નહોતા, પણ હવે રંગેહાથ પકડાયા છે. મીડિયાની આ એ જ ટોળકી છે જેને રાષ્ટ્રવાદ સામે વાંધો છે

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

ગયા અઠવાડિયે આ સ્થળે હિંસાખોર ચીની માઓવાદીઓની વિસ્તારવાદી નીતિને ઉઘાડા પાડતાં એક પુસ્તક (કમ્યુનિસ્ટ ચીનઃ અવૈધ અસ્તિત્વ. લેખકઃ કુસુમલતા કેડિયા) વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારપછીના બે જ દિવસમાં ભારતીય મીડિયા અને ડાબેરીઓની અનૈતિક સાંઠગાંઠનો પુરાવો દુનિયા સમક્ષ જાહેર થયો. આમ તો આવી અનૈતિક સાંઠગાંઠ વિશેની વાત મેં મારા સંપાદિત પુસ્તક પત્રકારત્વઃ વિશ્વસનીયતાનો પડકાર માં વિસ્તારથી કરેલી છે.

ખેર, અહીં મુદ્દો પત્રકારત્વનો અને લાલ-લીલા એજન્ડાનો છે. 2014 પછી રાષ્ટ્રવાદને થોડું થોડું મહત્ત્વ આપવા લાગેલા મીડિયા તેમજ અમુક પત્રકારોને ગોદી મીડિયા કહીને ઉતારી પાડનાર ટોળકી છેક 1950થી નહેરુ-ગાંધી ખાન-દાનની પૂંઠે ભરાઈને ચીની એજન્ડા ચલાવી રહી છે. રાષ્ટ્રવાદી મીડિયા અને રાષ્ટ્રવાદી પત્રકારો તો જનસંઘ કે ભાજપના જન્મ પહેલાં પણ હતા અને ભાજપ નહીં હોય ત્યારે પણ રહેશે, કેમ કે આવા મીડિયા અને પત્રકારો માટે રાષ્ટ્રહિતનું મહત્ત્વ હોય છે, કોઈ સંસ્થા કે રાજકીય પક્ષનું નહીં. જે સંસ્થા કે રાજકીય પક્ષ રાષ્ટ્રહિતની વાત કરતા હોય તેમને આવા મીડિયા તેમને મહત્ત્વ આપે એટલા માત્રથી એમને ગોદી મીડિયા કહીને ઉતારી પાડવા એ બદમાશ કાર્લ માર્ક્સની ગળથૂથી પીવાનું પરિણામ છે.

અગાઉ સોવિયેત સંઘ અને તેના વિઘટન પછી આજની તારીખ સુધી ચીની માઓવાદીઓના નાણાના જોરે ભારતમાં નક્સલવાદ ફેલાવવામાં બૌદ્ધિક સમર્થન આપી રહેલા શહેરી અસૂરો (અર્બન નક્સલો) વિવિધ મીડિયામાં પગદંડો જમાવીને બેઠેલા છે. આ વિશે રાષ્ટ્રવાદીઓએ અનેક વખત ચેતવણી આપી છે, પરંતુ ભારતીય સમુદાયની મુશ્કેલી એ છે કે પોતાના માણસોની વાત ઉપર વિશ્વાસ કરવો નહીં. બીજા, અર્થાત કોઈ વિદેશી કહે ત્યારે જ એ માનવાનું. તો હવે આવા ભારતીય સમુદાયના લાભાર્થે અમેરિકાના મીડિયા ન્યૂયોર્ક ટાઇમ્સે ભારતમાં ભારત-વિરોધી હિંસક એજન્ડા ચલાવનાર ન્યૂઝક્લિક નામની વેબસાઇટનાં કરતૂતો ઉઘાડા પાડી દીધા છે. ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે, ન્યૂઝક્લિક વેબસાઇટ ચલાવનારા ભારતની અંદર ભારત વિરોધી અને ચીન તરફી એજન્ડા બેધડક ચલાવે છે અને એ માટેનું ભંડોળ અમેરિકાસ્થિત એક ધનિક નેવિલે રૉય સિંઘમ પૂરું પાડે છે. આ નેવિલે રૉય સિંઘમ ચીની સામ્યવાદી પક્ષના મીડિયા વિભાગ સાથે સીધી રીતે સંકળાયેલો છે. તેણે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ન્યૂઝક્લિકને રૂપિયા 32 કરોડ કરતાં વધુ આર્થિક સહાય કરી હોવાનું ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ કેસની હકીકત એ છે કે, પૂરા બે વર્ષ પહેલાં ભારતની આર્થિક અપરાધ વિરોધી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આ ન્યૂઝક્લિકના શંકાસ્પદ પત્રકારત્વ અને તેના નાણાકીય સ્રોતો વિશે તપાસ કરી હતી, તેના મુખ્ય તંત્રી પ્રબીર પુરકાયસ્થના ઘરે તેમજ ન્યૂઝક્લિકની ઑફિસે દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ જપ્ત થયેલા દસ્તાવેજોને આધારે સ્પષ્ટ થયું હતું કે, ભારત વિરોધી આ સમાચાર વેબસાઇટને અલગ અલગ સ્રોતો મારફત ચીન અને અમેરિકાસ્થિત ભારત વિરોધી ટોળકીઓ તરફથી કરોડો રૂપિયા મળી રહ્યા છે.

આ અઠવાડિયે ન્યૂયોર્ક ટાઇમ્સનો અહેવાલ જાહેર થયા પછી કેટલાક રાષ્ટ્રવાદી ભારતીય મીડિયા સક્રિય થયા અને તેમણે રૉય સિંઘમ, ન્યૂઝક્લિકના વહીવટકર્તાઓ તેમજ ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અર્થાત સીપીએમની વચ્ચે થયેલા ઇમેલ આદાન-પ્રદાનનું પગેરું શોધી કાઢ્યું. આ ઇમેલને આધારે દેશને વધુ એક વખત ખબર પડી કે ભારતના સામ્યવાદી પક્ષો આટલા દાયકા પછી હજુ આજે પણ ચીની એજન્ડા ચલાવી રહ્યા છે, તેમને ભારતના હિતોની કશી જ પડી નથી. ભારતને સામાજિક, આર્થિક નુકસાન થાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબિ ખરાબ થાય એ જ સ્વપ્ન આ ડાબેરીઓ, શહેરી અસૂરો તેમજ તેમના આધારે ચાલતા ન્યૂઝક્લિક જેવા મીડિયા જોઈ રહ્યા છે. આ રાષ્ટ્ર-વિરોધીઓ માત્ર સ્વપ્ન નથી જોતા પણ એ માટે સતત સક્રિય છે.

ગુજરાતમાં પણ આવા તત્ત્વો આપણી આસપાસ જ છે. એ બધા શિક્ષણ ક્ષેત્ર, કલા ક્ષેત્ર, ફિલ્મ ક્ષેત્રમાં ગોઠવાઈ ગયેલા છે અને મીડિયામાં તો છે જ, જેમને ઓળખવાનું ખાસ અઘરું નથી. બીજા કોઈ કહે ત્યારે આપણી આંખ ઉઘડે તેના બદલે આ શહેરી અસૂરો, મીડિયામાં બેઠેલા ચીની એજન્ટોને કેવી રીતે ઓળખવા એ નાગરિકોએ જાતે જ શીખી લેવા જેવું છે. જેની એક સામાન્ય ટિપ એ જ છે કે, જે લોકો રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુત્વની મજાક ઉડાવે, હિન્દુ સંસ્થાઓ અને સંગઠનો વિશે બેફામ લખે કે બોલે ત્યારે સમજી લેવાનું કે એ ચીની નાણાને જોરે કૂદે છે. આવા શહેરી અસૂરોથી અને તેમના જેવા લોકોથી ભરાયેલા મીડિયાથી સાચા અર્થમાં બહિષ્કારની શરૂઆત કરવાની જરૂર છે. એ કેવી રીતે કરવું એ વિચારો ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment