Thursday, September 30, 2021

અનુવાદને ક્રિએટિવિટીનું સન્માન મળવું જ જોઇએ


 

ભાદરવા વદ નવમી, 2077

---------------------------

અનુવાદને ક્રિએટિવિટીનું સન્માન મળવું જ જોઇએ

 

n  આજે (30 સપ્ટેમ્બર) આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ નિમિત્તે એક અનુવાદકના મનોભાવ!

 

n  અલકેશ પટેલ

 

પ્રારંભે મારા અનુવાદ-સખાઓને આજના દિવસે અભિનંદન અને શુભેચ્છા.

જરા વિચાર કરો, અંગ્રેજી ભાષા નહીં જાણતા બે દેશના ટોચના નેતાઓ વચ્ચે દુભાષિયા (અનુવાદક) વિના સંવાદ કેવી રીતે શક્ય બનત?

જરા વિચાર કરો વેદ જેવા સંસ્કૃતના સર્વોત્તમ ગ્રંથો અનુવાદક વિના જનસામાન્ય સુધી કેવી રીતે પહોંચત?

જરા વિચાર કરો અનુવાદક વિના ભગવદ્ ગીતાનો સંદેશ દુનિયાના ખૂણે ખૂણે કેવી રીતે પહોંચત?

આખી દુનિયામાં સમાચારો મહદ્અંશે અંગ્રેજીમાં સર્જાય છે અને પછી જે તે દેશ-પ્રદેશની સ્થાનિક ભાષામાં તે વાચકો સુધી પહોંચે છે. શું અનુવાદક વિના આ શક્ય છે? હકીકત તો એ છે કે, સબ-એડિટર અર્થાત અનુવાદક વિના દુનિયાનું કોઇપણ ભાષાકીય અખબાર કે સામયિક ચાલી જ ન શકે.

30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવવામાં આવે છે. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે આવા મોટાભાગના આંતરરાષ્ટ્રીય દિવસો ખ્રિસ્તી મિશનરીઓની સાથે જ જોડી દેવામાં આવેલા હોય છે. (આંતરરાષ્ટ્રીય દિવસો સંયુક્ત રાષ્ટ્ર સંગઠન-યુએન દ્વારા જાહેર કરવામાં આવે છે. યુએન તમામ દેશોની બનેલી સંસ્થા છે, પણ જૂજ અપવાદને બાદ કરતાં એ સર્વસમાવેશી સંસ્થા નથી, ત્યાં મિશનરી માનસિકતા પ્રમાણે જ કામ થાય છે.) બાઇબલનો અનુવાદ કરનાર ખ્રિસ્તી પાદરી 30 સપ્ટેમ્બર, 420 (વર્ષ વાંચીને હસવું નહીં...) ના રોજ અવસાન પામ્યા હતા, તે નિમિત્તે 1953થી દર વર્ષે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવવામાં આવે છે.

ખેર, આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ માટે યુએન-નો આભાર.

ટ્રાન્સલેશન – અનુવાદ – ભાષાંતર – ભાવાનુવાદ – રૂપાંતર, એમ વિવિધ રીતે આ પ્રક્રિયા(!) ને ઓળખવામાં આવે છે. પ્રક્રિયા શબ્દ પણ સ-કારણ જ વાપર્યો છે.

અનુવાદના ક્ષેત્રમાં મારા અનુભવનું આ 31મું વર્ષ છે. અખબારમાં રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સમાચારોના અનુવાદથી કરેલી શરૂઆત 2008માં મારા જીવનના સૌથી મોટા સ્વપ્નના મુકામ ઉપર આવી પહોંચી હતી. એ સ્વપ્ન હતું પુસ્તકોના અનુવાદ કરવાનું. 2008થી શરૂ થયેલો એ પ્રવાસ આજે 2021માં (13મા વર્ષમાં) અવિરત ચાલુ છે અને લગભગ ચાળીસેક (40) પુસ્તકોના અનુવાદ કર્યા છે.

ખેર, આજના બ્લૉગનો વિષય હું નથી, પણ આજનો વિષય અનુવાદ છે, ભાષાંતર છે, ભાવાનુવાદ છે.

કમનસીબે અનુવાદ – ભાષાંતર પ્રક્રિયાને સર્જનાત્મકતા ઉર્ફે ક્રિએટિવિટી માનવામાં નથી આવતી. પણ વાસ્તવમાં અનુવાદની કામગીરી સર્જનાત્મકતા કરતાં જરાય ઊતરતી નથી. બલ્કે હું તો આગળ વધીને એમ કહીશ કે અનુવાદ વધારે સર્જનાત્મક છે... કેમ કે અનુવાદક બંને ભાષાને વધારે સારી રીતે જાણે છે. જે ભાષામાંથી તે અનુવાદ કરે છે એ ભાષા તો તેને આવડે જ છે, સાથે જે ભાષામાં તેનું રૂપાંતર કરે છે એ ભાષા ઉપર પર તેની પકડ મજબૂત હોય છે.

મૌલિક સર્જકનું સ્થાન સર્વોચ્ચ છે એમાં ના નહીં, પરંતુ એ (દરેક) મૌલિક સર્જક બીજી ભાષામાં પોતાની વાત એટલી જ અસરકારક રીતે મૂકી શકતા નથી. અને ત્યાં અનુવાદક – ભાષાંતરકાર – ટ્રાન્સલેટર એક નવ-સર્જક બનીને ઊભરે છે. તેની પકડ બંને ભાષા ઉપર હોય છે અને લેખકની વાતને અન્ય ભાષામાં ઢાળી પણ શકે છે. (હા, એ ખરું કે દરેકે દરેક અનુવાદ ઉત્તમ નથી હોતા, પણ પ્રયાસની પ્રશંસા તો કરી શકાય!)

ગુજરાતી પુસ્તક પ્રકાશન ક્ષેત્રમાં છેલ્લા ઘણાં વર્ષથી સ્થિતિ એ છે કે, મૌલિક સર્જનના, મૌલિક સાહિત્યનાં પુસ્તકોની સરખામણીમાં અનુવાદિત પુસ્તકોનું વેચાણ અને વાચન ઘણું મોટું છે. 80ના દાયકા સુધી નગીનદાસ પારેખ, ભોળાભાઈ પટેલ, અનિલા દલાલ સહિત અન્ય સાહિત્યકારોએ શ્રેષ્ઠ બંગાળી સાહિત્યના ગુજરાતી અનુવાદ કર્યા હતા. મરાઠી અને ઉડિયા ભાષાઓમાંથી પણ આપણને ગુજરાતી અનુવાદ મળ્યા. પણ ત્યારપછી ભારતીય ભાષાઓમાંથી અનુવાદનું પ્રમાણ ઘટ્યું છે (બંધ નથી થયું...) તેની સામે અંગ્રેજી બેસ્ટસેલર "પ્રેરણાદાયક" પુસ્તકોના અનુવાદ ભરપુર માત્રામાં થાય છે...તે વેચાય છે અને વંચાય પણ છે. ફરીથી ભારતીય ભાષાઓમાંથી અનુવાદના પ્રયાસ વધુ તીવ્ર બને, ગુજરાતી સાહિત્યની કૃતિઓને અન્ય ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજીમાં અનુવાદિત કરવાના પ્રયાસ સઘન બને એવી આશા સાથે મારા સૌ અનુવાદ-સખાઓને ફરી એક વખત અભિનંદન, શુભેચ્છા. 

અંતે ફરી એ જ પ્રશ્ન ઉપસ્થિત કરું છું કે, અનુવાદને સર્જનાત્મકતા, ક્રિયેટિવિટી કેમ ન ગણી શકાય?

Sunday, September 26, 2021

કોંગ્રેસ શા માટે આવું કરે છે, કોઈ કહી શકે?

 



 --- કોંગ્રેસના સલાહકારો પક્ષને ડૂબાડવા માગે છે કે પછી ટોચની નેતાગીરીને જ હવે પક્ષને પુનઃજીવિત કરવામાં કોઈ રસ નથી? પક્ષના વિજય આડેની કૃપા ક્યાં અટકી છે?

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

પંજાબ કોંગ્રેસમાં કલહ ચરમસીમાએ છે. રાજસ્થાનમાં ગમે તે દિવસે ફરી ગેહલોત-પાઇલોટનો ટકરાવ થશે, છત્તીસગઢ કોંગ્રેસના પરસ્પર વિરોધી જૂથ થોડા થોડા દિવસે ગાંધી પરિવારના દરબારમાં ધામા નાખે છે. ગુજરાતમાં બે દિવસથી સમાચાર ફરી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસને હાંસિયામાં રાખીને અખિલ ભારત કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)એ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ વિશે સરવે કરાવ્યો છે. બીજી બાજુ દિગ્ગજ નેતાઓ જી-23 (ગ્રુપ-23) નામે અલગ ચૉકો કરીને બેઠેલા છે. ટૂંકમાં કોંગ્રેસના ગઢમાં હાલ ચારે બાજુ આગ અને અશાંતિની સ્થિતિ છે. લોકશાહી માટે આ દુઃખદ સ્થિતિ છે.

એક સમયનો રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ કોંગ્રેસ નજીકના ભવિષ્યમાં કેન્દ્રમાં સત્તા ઉપર આવે એવી કોઈ જ શક્યતા નથી, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે તેની પાસે હાલ આંગળીના વેઢે ગણી શકાય એટલાં રાજ્યોમાં સત્તા હોવા છતાં ત્યાં પણ એ સાચવી રાખવાની તેની તૈયારી નથી!

વર્ષોથી હું મારા લેખોમાં તેમજ ટીવી ચર્ચામાં કહેતો આવ્યો છું કે, કોંગ્રેસની સમસ્યા પારિવારિક ખુશામતની છે. કેન્દ્રીય નેતાઓ હોય કે પછી રાજ્યોના હોય- દરેક જણ પોતપોતાના જૂથ બનાવીને પોતે પરિવારની કેટલાક નજીક છે એ દર્શાવવામાં જ બધો સમય અને શક્તિ વેડફે છે. આવો જૂથવાદ હોય એટલે સ્વાભાવિક છે કે તેમાં જ્ઞાતિ-જાતિ-ધર્મનાં જૂથો પણ પોતપોતાની ક્ષમતા બતાવી દેવા ઉધામા કરે. આવી પારિવારિક ખુશામતમાં રચ્યા-પચ્યા રહેતા કોંગ્રેસના નેતાઓ જૂથવાદ ઉપર વધારે ધ્યાન આપતા હોવાથી લોકોની સેવા, લોકોની સમસ્યા વિશે ધ્યાન આપી જ શકતા નથી.

હકીકતે કોંગ્રેસ માટે આ બધું નવું પણ નથી અને જો વધારે સચોટ રીતે કહું તો જ્યાં સુધી નહેરુ-ગાંધી ખાન-દાનની ખુશામતનો મુદ્દો રહેશે ત્યાં સુધી જૂથવાદ જૂનો પણ થવાનો નથી. કોંગ્રેસમાં સ્વતંત્રતા પહેલાં પણ જૂથવાદ અને નેતૃત્વની હુંસાતુંસી હતી. મોહનદાસ કરમચંદ ગાંધીના આપખૂદીભર્યા વર્તનને કારણે નહેરુને બિનજરૂરી મહત્ત્વ મળતું રહ્યું અને સામે સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દીર્ઘદૃષ્ટા-બાહોશ રાષ્ટ્રવાદી નેતાઓ હાંસિયામાં ધકેલાતા ગયા. નહેરુ પછી ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસનું નેતૃત્વ સંભાળ્યું ત્યારથી તો આ પક્ષ સતત તૂટતો જ રહ્યો છે. પારિવારિક ખુશામતનાં બીજ પણ એ જ અરસામાં રોપાયાં, પરિણામે મોરારજી દેસાઈ જેવા પ્રતિભાશાળી નેતાઓએ અલગ માર્ગ અખત્યાર કરવો પડ્યો.

વળી કોંગ્રેસની સમસ્યા આ પારિવારિક ખુશામત અને તેને પરિણામે ઊભા થયેલા જૂથવાદ પૂરતી મર્યાદિત નથી. આ પક્ષની સમસ્યા જાતિવાદ અને લઘુમતી ખુશામતની પણ છે. કદાચ અહીં કોઈ વાચકને એવો વિચાર આવી શકે કે, જાતિવાદ તો બધા રાજકીય પક્ષો કરે છે અને ભાજપ પણ બહુમતી ખુશામત કરે જ છે ને! પરંતુ તેનો જવાબ એ છે કે, આ દેશની રાજકીય ક્ષિતિજ ઉપર કોંગ્રેસ સૌથી જૂનો પક્ષ છે અને તેણે પ્રારંભથી જે કાવાદાવા, તડજોડ સહિત દેશને નુકસાન કરે એવા તમામ પ્રકારના પગલાં લીધાં અને તેનો મુકાબલો કરવા બીજા પક્ષોએ પણ એ જ નીતિ-રીતિ અપનાવી. બીજા પક્ષો પણ કોંગ્રેસને કારણે આવું કરે છે એમ કહી તેમનો બચાવ કરવાનો જરાય ઈરાદો નથી, પરંતુ સૌએ એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે ભાજપ (મૂળ જનસંઘ)ને બાદ કરતાં મોટાભાગના રાજકીય પક્ષોનો જન્મ કોંગ્રેસમાંથી જ થયો છે. અર્થાત જ્યારે જ્યારે કોંગ્રેસમાં જૂથવાદને કારણે અસંતોષ ઊભો થયો અને અલગ ચૉકા કરવાની સ્થિતિ આવી ત્યારે અન્ય રાજકીય પક્ષો, ખાસ કરીને પ્રાદેશિક રાજકીય પક્ષો ઊભા થયા. કહેવાનું તાત્પર્ય એ કે, મૂળ કોંગ્રેસી કૂળ અને સંસ્કાર ધરાવતા અન્ય પક્ષોના નેતાઓ પણ ખુશામત અને જૂથવાદને આગળ ધરીને ગંદું રાજકારણ રમે ત્યારે તેનાં મૂળ અને કૂળ તરીકે કોંગ્રેસ જ બદનામ થાય.

ખેર, દેશનો સમજદાર નાગરિક આ બધું જ જૂએ છે. દુઃખી પણ થાય છે. સાથે સાથે તે ઇચ્છે છે કે, કોંગ્રેસ તથા અન્ય પક્ષો કમ સે કમ અંગત સ્વાર્થ, જૂથવાદ, ધાર્મિક ખુશામત બાજુ પર રાખીને દેશના વ્યાપક હિતમાં વિચારે તો એ કોંગ્રેસ પક્ષના લાભમાં તો હશે જ, સાથે દેશને પણ ફરી યોગ્ય અને જવાબદાર વિપક્ષ મળવાથી શાસન ઉપર લગામ રાખી શકાશે. કોંગ્રેસ આ દેશના નાગરિકોની આ વાત કાને ધરે છે કે કેમ એ જોવાનું રહ્યું. આપણે તો માત્ર આશા રાખી શકીયે. તો મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, September 19, 2021

આવી ગઈ રાજકીય ધર્માંતરની મોસમ

 


 

--- 2014 સુધી રાષ્ટ્રીય સ્તરે ભારતીયતા, રાષ્ટ્રવાદ જેવા કોઈ મુદ્દા જ નહોતા. ભાજપને બાદ કરતાં તમામ રાજકીય પક્ષનો ચૂંટણી એજન્ડા લઘુમતી ખુશામતથી શરૂ થતો હતો અને ત્યાં જ પૂરો થતો હતો. પણ- છેલ્લાં સાત વર્ષમાં ક્યાં – શું - કેમ બદલાયું?

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

આ દેશનાં સંસાધનો ઉપર પહેલો હક મુસ્લિમોનો હોવો જોઇએ એવું લાલ કિલ્લાના મંચ ઉપરથી નિવેદન કરનાર કહેવાતા વિદ્વાન અને કહેવાતા પ્રામાણિક ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ/ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા થોડાં વર્ષથી મંદિરે મંદિરે ફરી રહ્યા છે. તિલક, તરાજુ ઔર તલવાર-ઉસકો મારો જૂતે ચાર – સૂત્ર આપનાર બહુજન સમાજ પાર્ટીના વડા સુશ્રી માયાવતી બ્રાહ્મણ સંમેલન કરે છે. અયોધ્યામાં રામસેવકો ઉપર ગોળીઓ ચલાવનાર સમાજવાદી પક્ષના અખિલેશ યાદવને અયોધ્યાના ઊભરા આવે છે. આ વર્ષ સહિત છેલ્લા કેટલાય વર્ષથી દિલ્હીમાં દિવાળીના ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકી દેનાર અને રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે એવા નિવેદનો કરનાર આમ આદમી પાર્ટીનો નાયબ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશના પ્રવાસની શરૂઆત અયોધ્યાથી કરે છે. અઝાનના સમયે દુર્ગા વિસર્જન યાત્રા બંધ રાખવાનો આદેશ આપનાર તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજીએ આ વખતે પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા પંડાલોમાં પોતાની દુર્ગા તરીકેની મૂર્તિઓ મૂકાવી છે. આવા અનેક ચમત્કાર છેલ્લાં છ-સાત વર્ષથી આ દેશમાં થઈ રહ્યા છે. આ ચમત્કાર કેમ થઈ રહ્યા છે- એ તો બધાને ખબર છે.

મુદ્દો એ છે કે, આના વિશે દેશને ચિંતા થવી જોઇએ અને ચિંતન કરવું જોઇએ. રાજકારણીઓની અને રાજકીય પક્ષોની આ વાસ્તવિક ઘરવાપસી નથી, પરંતુ છેતરામણું રાજકીય ધર્માંતર છે. ઉત્તરપ્રદેશ અને ગુજરાત જેવા મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એવા સમયે રાહુલ ગાંધીથી લઇને કેજરીવાલ સુધીના રાજકારણીઓએ રંગ બદલવાની અને છેતરામણું ધર્માંતર કરવાની શરૂઆત કરી છે. તેમનું આવું રાજકીય ધર્માંતર હિન્દુઓ માટે તો જોખમી છે જ, પરંતુ મુસ્લિમો માટે પણ એટલું જ જોખમી છે.

અત્યાર સુધી મુસ્લિમ તરફી રાજકારણ રમનારા આ તમામ તત્વોને હવે હિન્દુઓ, હિન્દુત્વ, હિન્દુ ધર્મ, અયોધ્યા અને શ્રીરામ યાદ આવ્યા છે તેનો સીધો અર્થ એ છે કે, આ બધા હિન્દુઓમાં ભાગલા પડાવીને સંગઠિત હિન્દુ-મતમાં ભંગાણ પાડવા માગે છે. આવું થાય તો ભાજપની હાર થાય અને ભાજપની હાર થાય તો 1947થી 2014 સુધીના શાસનમાં હિન્દુઓ સાથે, મંદિરો સાથે, રામસેતુ સાથે, કાશ્મીરી પંડિતો સાથે જે કંઈ થતું રહ્યું છે તેનું પુનરાવર્તન શરૂ થઈ જાય.

આ દેશનો નાગરિક મુસ્લિમ, ખ્રિસ્તી હોય કે બીજા કોઇપણ લઘુમતી સમુદાયનો હોય તેની સાથે કોઇપણ પ્રકારનો અન્યાય ન જ થવો જોઇએ, દરેકને સમાન તક મળવી જોઇએ, દરેકના અધિકાર અને ફરજ સમાન હોવા જોઇએ...આ બધું જ આપણને છેલ્લા છ-સાત વર્ષમાં સ્પષ્ટ રીતે અનુભવવા મળ્યું છે. તેની અગાઉના સાત દાયકામાં હિન્દુ બિચારાની સ્થિતિમાં હતો એ વાત શું કોઇનાથી અજાણી છે?

શરૂઆતમાં કહ્યું તેમ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હવે મંદિરોમાં આંટાફેરા મારતાં થયાં, પણ 2014 પહેલાં શું સ્થિતિ હતી? રાહુલે એવું નિવેદન કર્યું હતું કે, મંદિરોમાં જનારા જ મહિલાઓની છેડતી કરે છે અને બળાત્કાર કરે છે. રાહુલના કોંગ્રેસ પક્ષે 2013-14માં કોમી તોફાનો સંદર્ભે એક ખરડો તૈયાર કર્યો હતો. એ ખરડામાં એવી જોગવાઈ હતી કે કોઈપણ કોમી તોફાન થાય તેની જવાબદારી માત્ર બહુમતી સમુદાયની એટલે કે હિન્દુઓની જ ગણાય! એ ખરડા અનુસાર કોમી તોફાન થાય તો હિન્દુઓની કોઈ વૉરન્ટ વિના જ બિનજામીનપાત્ર ધરપકડ કરી શકાશે, પરંતુ મુસ્લિમો પર તોફાનનો આરોપ હોય તો તે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરવામાં આવે ત્યારપછી જ જરૂર જણાય તો મુસ્લિમ આરોપીની ધરપકડ થઈ શકે. આ એ જ કોંગ્રેસ છે જેનો રામસેતુ-કાંડ આખા દેશને યાદ છે.

શું ગુજરાતમાં પણ દિવાળી સમયે ફટાકડાના વેચાણ ઉપર અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાવવા માગો છો? જે ગુજરાતીઓ કેજરીવાલની આમ આદમી પાર્ટીના રવાડે ચડ્યા છે એમને શું ખ્યાલ છે ખરો કે, કહેવાતા પ્રદૂષણના નામે આ ટોળકીએ દિલ્હીમાં દિવાળી સમયે ફટાકડાના વેચાણ, સંગ્રહ અને ફોડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે? માત્ર એક કે બે દિવસ ફોડવામાં આવતા ફટાકડાથી એવું કોઈ ગંભીર પ્રદૂષણ થતું નથી એ સાબિત થયેલું છે તેમ છતાં હિન્દુ પરંપરાઓ અને હિન્દુ તહેવારોને ખતમ કરવા માગતા એ તત્વો ગુજરાતમાં દિવાળી અને તેની પહેલાં નવરાત્રી ઉપર પ્રતિબંધ મૂકી દેશે તો શું કરશો?

યાદ રાખો, સાત દાયકા સુધી અપમાનિત દશામાં, ચુમાઈને રહેવા મજબૂર બનેલા તમે છેલ્લા સાત વર્ષથી રાહતનો શ્વાસ લઈ રહ્યા છો. થોડીઘણી આર્થિક મુશ્કેલી પડતી હોય તો એ સહન કરી લેજો કેમ કે એ માત્ર સરકારને કારણે નથી આવી, તેમાં કોરોનાએ પણ ભાગ ભજવ્યો છે. પરંતુ એવી થોડી મુશ્કેલીથી ચિડાઈને હિન્દુ વિરોધી પક્ષો તરફ અથવા નોટા તરફ વળી જશો તો પછી હવે બીજા 70 નહીં પરંતુ 700 વર્ષ પસ્તાવાનો વારો આવશે. રાષ્ટ્રહિતની આવી જ વાતો આપણે અહીં ચાલુ રાખીશું- મિલતે હૈં બ્રેક કે બાદ..!

Sunday, September 12, 2021

તાલિબાની વાપસી વાયા જાવેદ અખ્તર અને નાગેશ્વર રાવ

 


 


--- અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરી સરકાર બનાવી અને અહીં ભારતમાં જાવેદ અખ્તર નામના એક દંભી સેક્યુલરે સંઘ અને તાલિબાનને એક જ ત્રાજવામાં મૂકી દીધા તો બીજાએ આરએસએસ-મુક્ત ભારતનું એલાન આપ્યું!

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી થઈ અને તેણે સરકાર બનાવી એ સાથે ભારત સહિત દુનિયાભરના સેક્યુલર બદમાશો અને જેહાદી માનસિકતા ધરાવતા લોકો ખુલ્લા પડી ગયા. ભારતમાં કેટલાક ચોક્કસ રાજકીય પક્ષોમાં બેઠેલા રાજકારણીઓએ તાલિબાનનું ખુલ્લું સમર્થન કરીને પોતાની જેહાદી માનસિકતાનો પરિચય આપી દીધો. હવે એ અંગે સમજવાનું છે પ્રજાએ અને મીડિયાએ.

ખેર, માનવજાતના દુશ્મનોને તો ઓળખી જવાશે, પરંતુ સેક્યુલારિઝમની ખાલ ઓઢીને બેઠેલા લોકોને ઓળખવાનું સામાન્ય લોકો માટે મુશ્કેલ હોય છે. મૂળભૂત રીતે સેક્યુલારિઝમ અર્થાત ધર્મનિરપેક્ષતામાં કશું ખોટું નથી. માનવમાત્ર સેક્યુલર હોવો જોઇએ. દરેક જ્ઞાતિ-જાતિ, પંથ, સંપ્રદાય અને ધર્મના પ્રત્યે એકસમાન ભાવ હોય અને આ તમામના ગુના પ્રત્યે એકસમાન આક્રોશ હોય એ સેક્યુલારિઝમ. પરંતુ કમનસીબે આવું હોતું નથી. ખાસ કરીને ભારતમાં સેક્યુલારિઝમના નામે ડાબેરીઓ સહિત ચોક્કસ રાજકીય પક્ષો, માઓવાદી અર્બન નક્સલીઓ તથા મીડિયામાં રહેલા આ લોકોના સ્લીપરસેલ – એમ બધા ભેગા મળીને હિન્દુત્વને ઝૂડાઝૂડ કરવાને તથા હિન્દુત્વનું અપમાન કરવાને જ સેક્યુલારિઝમ ગણે છે, અને સમસ્યા ત્યાંથી જ શરૂ થાય છે.

આ અઠવાડિયે આવા બે સેક્યુલર બદમાશોનો પરિચય ભારતને થયો. એક તો જાવેદ અખ્તર અને બીજા નિવૃત્ત પોલીસ અધિકારી એમ. નાગેશ્વર રાવ. જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તાલિબાનને એક ત્રાજવામાં મૂકીને બંનને સરખા ગણાવ્યા તો નાગેશ્વર રાવે આરએસએસ-મુક્ત ભારતનું એલાન આપી દીધું! રાવને જોકે પછીથી ભાન થયું હશે એટલે આવું એલાન કરતા ટ્વિટ ડીલીટ કરી દીધા છે, એટલે હવે એનો પુરાવો મળવો મુશ્કેલ છે, પરંતુ આ અંગેનો અહેવાલ ભારત-વિરોધી એક ડિજિટલ મીડિયાએ લીધો હતો.

તો હવે આ બંને ભારત વિરોધીઓની કુંડળી એક પછી એક જાણી લઇએ.

જાવેદ અખ્તર પોતાને નાસ્તિક ગણાવે છે. જાણકારો ખૂબ સારી રીતે જાણે છે કે, ઇસ્લામમાં નાસ્તિકતા જેવું કશું હોતું નથી. ધર્માંતર કરી લીધા પછી કાં તો તમે ઇસ્લામી છો, અને જો કુરાન-શરિયતનો ઇસ્લામ નથી માનતા તો તમે પણ કાફિર જ છો. એટલે જ પોતાને નાસ્તિક ગણાવનાર જાવેદને નથી ઇસ્લામીઓ સ્વીકારતા કે નથી હિન્દુઓ સ્વીકારતા. જે લોકો સ્વીકારે છે એ અબૂધ-ભોળા (હકીકતે મુર્ખ) હિન્દુઓ છે જેઓ ફિલ્મી ડાયલોગ અને ફિલ્મી ગીતોને કારણે જાવેદને મહાન સર્જક માને છે!

ખેર, તો વાત એમ છે કે, પોતાની ધાર્મિક ઓળખ બાબતે અધવચ્ચે લટકી ગયેલા આ જાવેદ અખ્તરે એવું નિવેદન ઠપકારી દીધું કે, તાલિબાન અને આરએસએસ એક સરખા છે. ઇસ્લામ અંગીકાર કરી ચૂકેલા, પરંતુ તેમ છતાં હિન્દુમાં લોકપ્રિય રહેવા માગતા લોકોની આ મુશ્કેલી હોય છે. આવાં તત્વોની જેહાદી માનસિકતાને વખોડવાની તાકાત હોતી નથી, છતાં મીડિયામાં અને હિન્દુઓમાં લોકપ્રિય રહેવું હોય તો શું કરવાનું? એટલે જેહાદીઓની ટીકા કરવાના નામે હિન્દુત્વના સામાજિક સંગઠનની પણ ટીકા કરી દેવાની. એણે જ લખેલી ફિલ્મ શોલેની ભાષામાં કહું તો- જેહાદી પણ ખુશ, મીડિયાના સ્લીપર સેલ પણ ખુશ અને હિન્દી ફિલ્મ જોનારા મુર્ખાઓ પણ ખુશ!

બીજી તરફ, એમ. નાગેશ્વર રાવ નામનો નિવૃત્ત આઈપીએસ સરકારી પેન્શન ખાતાં ખાતાં હિન્દુઓનો નેતા થવાનો ડોળ કરી રહ્યો છે. પણ તેની વાસ્તવિકતા એ છે કે, તે હિન્દુ સમાજમાં ભાગલા પડાવવાના ધંધા કરે છે. જે કામ ખ્રિસ્તી મિશનરીઓ અને જેહાદી સંગઠનો કરે એ કામ આ નાગેશ્વર રાવ કરી રહ્યા છે. ગયા મહિને જાપાનમાં ઓલિમ્પિક દરમિયાન આ દંભી હિન્દુ નેતા નાગેશ્વર રાવે ખેલાડીઓના ખભે બંદૂક મૂકીને મંદિરોના પૂજારીઓનો મુદ્દો ચગાવ્યો હતો. ત્યારબાદ આ અઠવાડિયા સરસંઘચાલક મોહન ભાગવતના એક ભાષણને આધાર બનાવીને આરએસએસ-મુક્ત ભારતનું એલાન આપી દીધું.

તમારામાંથી ઘણાને એમ થશે કે પૂજારીઓનો મુદ્દો ઉઠાવવો, મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવવાનો મુદ્દો ઉઠાવવો, હિન્દુ એકતાની વાત કરવી એમાં ખોટું શું છે? પણ અહીં જ દેશ-વિરોધી તત્વોને ઓળખવાની સાચી પરીક્ષા થાય છે. વાસ્તવમાં આ એમ. નાગેશ્વર રાવ કોંગ્રેસી સલાહકાર છે. ગયા મહિને જ કોંગ્રેસ દ્વારા આયોજિત એક ટ્વિટર-સ્પેસ ચર્ચામાં તે કોંગ્રેસી નેતાઓને 2024માં નરેન્દ્ર મોદીને કેવી રીતે હરાવવા એની સલાહ આપતા મેં પોતે સાંભળ્યા છે. એ ચર્ચામાં નાગેશ્વર રાવ કોંગ્રેસી નેતાઓને કહેતા હતા કે, નરેન્દ્ર મોદીની તાકાત હિન્દુ મતો છે અને જો 2024માં કોંગ્રેસે જીતવું હોય તો હિન્દુ મતોમાં ભાગલા પાડવા પડે. નાગેશ્વર રાવ કોંગ્રેસની તરફેણ કરે કે ભાજપની તરફેણ કરે એની સાથે મારે કોઈ લેવાદેવા નથી, પરંતુ એ હિન્દુ મતમાં ભાગલા કેવી રીતે પાડવા એની સલાહ આપતા હતા – અને એ જોખમી બાબત છે. ઠીક છે, તો સેક્યુલારિઝમ વિરુદ્ધ દેશહિતની વાતો આપણે અહીં ચાલુ રાખીશું- મિલતે હૈં બ્રેક કે બાદ..!

Friday, September 10, 2021

સત્ય પીડા આપે, પરંતુ અસત્ય તો હત્યા પણ કરી નાખે!

સત્ય પીડા આપે, પરંતુ અસત્ય તો હત્યા પણ કરી નાખે!

 


n  મૂળ લેખકઃ Nandini Bahri-Dhanda

n  અનુવાદઃ અલકેશ પટેલ

 

શેખર ગુપ્તા જેવા લોકો હજુ પણ એમ કહ્યા કરે કે, સમાજના એક વર્ગને બાકીના લોકો કરતાં વધારે મહત્ત્વ મળવું જોઇએ, નાજૂક જીવોની જેમ તેમનું રક્ષણ કરવું જોઇએ, તેમની આળપંપાળ કરવી જોઇએ, તેમની સતત ખુશામત કરતા રહેવું જોઇએ જેથી તેઓ આપણા બધાની વિરુદ્ધમાં ન પડે! કેટલી હાસ્યાસ્પદ વાત છે!

આશ્ચર્યની વાત છે કે આવા (શેખર ગુપ્તા જેવા) લોકો એ સમજી જ શકતા નથી કે આવા ભયને કારણે જ આપણી લોકશાહીમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતને વિકૃત કરી નાખ્યો છે અને આપણને સૌથી વધુ નુકસાન કર્યું છે.

આવી જ રીતે આપણને એક વખત કહેવામાં આવ્યું હતું કે, દેશનાં સ્ત્રોતો ઉપર પહેલો અધિકાર એમનો છે (ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિવેદન યાદ છે ને?) એ દ્વારા એવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, બીજા કોઇપણ નાગરિકો કરતાં આ ચોક્કસ વર્ગની લાગણીઓ, સંદેવનો તેમજ ધાર્મિક બાબતોનું માન જાળવવામાં આવે.

જોકે, આવા વલણનું પરિણામ એ આવ્યું કે, બીજો વર્ગ હવે ખુલ્લેઆમ પોતાનો વિરોધ અને આક્રોશ વ્યક્ત કરતાં ખચકાતો નથી. શિક્ષણનું ક્ષેત્ર હોય કે ધાર્મિક સ્થળો ઉપર સરકારી નિયંત્રણનો મામલો હોય, તહેવારો તથા પરંપરાની ઊજવણી હોય કે પછી અખબારી અહેવાલોમાં અપરાધીઓના નામો સંતાડવાની બદમાશીભરી ચાલાકી હોય. આક્રોશ અને વિરોધ સ્પષ્ટ રીતે બહાર આવી રહ્યા છે.

હવે તો એવું લાગે છે કે, સર્વોપરિતાની વાત તો બાજુમાં રહી પરંતુ માત્ર સમાનતાની માગણી થાય તો પણ દાયકાઓથી વિશેષાધિકારો ભોગવતો વર્ગ અસાલમતી અનુભવે છે! અસાધારણ રીતે શાંત રહેલી બહુમતી હવે અવાજ ઉઠાવી રહી છે એ જોઇને સેક્યુલારિઝમના ઝંડાધારીઓને આઘાત લાગ્યો છે. તેઓ બહુમતીના અવાજને ધૃષ્ટતા ગણાવવા લાગ્યા છે!

શું બુદ્ધિજીવીઓ તેમજ મીડિયાના અમુક વર્ગની આંખ આડે પડદા પડી ગયા છે કે પછી નવા વિચારોથી વંચિત થઈ ગયા છે જેથી ભૂતકાળની ભૂલો સ્વીકારવાને બદલે અને સાથે જ ચોક્કસ વર્ગની ખુશામતના એ જ જૂના વિચારોના પ્રચારનો અતિરેક કરીને હજુ તેઓ તમામ સમુદાય એકબીજામાં ભળી જાય, સંગઠિત થાય તથા તમામને સમાન તક મળે એવું સૂચન કરવા પણ તૈયાર નથી?

લાગે તો એવું છે કે એ લોકોના તમામ પ્રયાસ એક સમુદાયને અલગ જ રાખવા માટેના છે. માનસિક અને શારીરિક ઘેટ્ટોની સ્થિતિ લાંબાગાળે નથી સમુદાય માટે લાભદાયક કે નથી દેશ માટે. ખરેખર કમનસીબ બાબત છે કે ભાગલાના 74 વર્ષ પછી પણ એ બદમાશ ટોળી હજુ પણ આપણી વચ્ચે છે જેને કારણે આપણે આ સ્થિતિમાં મૂકાયા છીએ. આપણને તેમના વિરોધી તરીકે અંકિત કરી દીધા છે. તેઓ તેમની ભૂલોને અલગ અલગ આવરણોથી ઢાંકી દેવા સતત પ્રયત્નશીલ છે.

--------x-------x---------

અને આ બધા પછી, આ ગંભીર સમસ્યાનું સરળીકરણ કરીને તથા જે કંઈ બની રહ્યું છે તે તેને ગંભીરતાથી લેવાને બદલે હળવાશથી લેવાનો તર્ક કોઈ એક રવિવારે સવારે આપણા માથે મારી દેવામાં આવે છે.

આપણી સમક્ષ એવાં ચાગલા-ચુગલા નિવેદનો કરવામાં આવે છે કે, આધુનિક ભારતમાં હિન્દુત્વ પહેલાંના સમયમાં ઉછરેલા મારી પેઢીના લોકો માટે ઇસ્લામ એટલે પાંચ વખતનની નમાજ નહીં પરંતુ કવિતા, સાહિત્ય, સિનેમા અને સંગીત. ભારતના ઇસ્લામે આ બધી બાબતો છોડી નથી દીધી(!). હિન્દુત્વ પહેલાંના દિલ્હી સાથે જોડાયેલી મારી ભૂતકાળની યાદો છે. એ સમયે અમે મુશાયરામાં જતા અને દર ગુરુવારે સાંજે કવ્વાલી સાંભળવા નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે જતા અને જામા મસ્જિદની બાજુમાં કરીમના રેસ્ટોરામાં સવારે નાશ્તો કરવા જતા.

કૉલમ લેખિકા (તવલીન સિંહ) આવી બધી ચાગલી-ચુગલી વાતો કરે ત્યારે પ્રશ્ન એ થાય કે તો પછી શા માટે 1947માં પંજાબ અને પશ્ચિમ બંગાળ રાજ્યો બે-બે ભાગમાં વહેંચાઈ ગયા? અને તો પછી કહેવાતા હિન્દુત્વ-પૂર્વેના ભારતમાં સેંકડોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ કોમી તોફાનો શા માટે થતાં હતાં?

જો સ્પષ્ટ અભિપ્રાય આપવાના મારા અધિકારનો ઉપયોગ કરી શકું તો હું કહેવા માગું છું કે, જે લોકો કવ્વાલી સાંભળવા દરગાહમાં જતા હતા અને બ્રેકફાસ્ટ કરવા જામા મસ્જિદ પાસે કરીમના રેસ્ટોરામાં જતા હતા ...એ લોકોએ રાજકારણીઓ દ્વારા ઉપજાવી કાઢવામાં આવેલી અધકચરી ધર્મનિરપેક્ષતાના વિકૃત રાજકારણ સામે તેમની આંખો બંધ કરી દીધી હતી. આ (તવલીન સિંહ જેવા) લોકોએ કોમી તોફાનો અને તેના અત્યાચારોનો ભોગ બની રહેલા બહુમતી સમુદાયના સામાન્ય ભારતીય નાગરિકોના આક્રંદ પ્રત્યે આંખ આડા કાન કરી લીધા હતા. એ રાજકારણીઓ અને એ ધર્મનિરપેક્ષતાના ઝંડાધારીઓને ચિંતા નહોતી, કેમ કે કોમી તોફાનો પછીની સ્થિતિનો તેમને લાભ મળતો હતો. બધા જ એ લાભ લેવા મેદાનમાં હતા.

હવે જરા હકીકત તરફ નજર કરી લઇએ તો, હિન્દુત્વ પહેલાંના ભારત માં મારી પેઢીના જે લોકો 33 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે આટલાં કોમી તોફાન જોયાં હતાં –

રાંચી - 1967

અમદાવાદ - 1969 અને 1973

મોરાદાબાદ - 1980

નેલ્લી – 1983

ભિવંડી – 1983

ગુજરાત – 1985

જમ્મુ અને કાશ્મીર – 1986

મેરઠ – 1987

દિલ્હી – 1987

ઔરંગાબાદ – 1988

મુઝફ્ફરનગર – 1988

ભાગલપુર – 1989

કોટા – 1989

બદાયું – 1989

ઇન્દોર – 1989

કાશ્મીરી પંડિત – 1990

કર્નલગંજ – 1990

ગુજરાત – 1990

કર્ણાટક – 1990

હૈદરાબાદ – 1990

કાનપુર – 1990

આગરા – 1990

ગોંડા – 1990

ખુરજા – 1990

સહારનપુર – 1990

મેરઠ – 1991

વારાણસી – 1991

સિતામઢી – 1992

મુંબઈ – 1992

કર્ણાટક – 1992

હુબલી – 1994

બેંગલોર – 1994


અને આમછતાં, કેટલાક લોકોને કરીમની રેસ્ટોરાનો ચટાકેદાર બ્રેકફાસ્ટ જ યાદ રહે છે!

આ માટે શેરીઓમાં થોડું લોહી રેડાય તો પણ શું...?


જો તમે હંમેશાં એવું માનતા હોવ કે દરેકે એક સરખા નિયમો સાથે રમવું જોઇએ અને દરેકનું મૂલ્યાંકન એક સમાન ધોરણે થવું જોઇએ, તો આવી માન્યતા બદલ 60 વર્ષ પહેલાં તમને કટ્ટરવાદી ગણાવી દેવામાં આવત, 30 વર્ષ પહેલાં લિબલર ગણવામાં આવત અને આજે જાતિવાદીનું લેબલ તમારા ઉપર ચોંટાડી દેવામાં આવત” – થોમસ સોવેલ

(મૂળ અંગ્રેજી લેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક – ક્લિક >>>

 

https://nandinibahri-dhanda.blogspot.com/2021/09/truth-hurts-but-lies-kill.html?m=1&s=03#more

Sunday, September 5, 2021

છંદ છોડીને કુછંદે ચડેલા કવિને ખુલ્લો પત્ર

 




છંદ છોડીને કુછંદે ચડેલા કવિને ખુલ્લો પત્ર

 

કવિ મહાશય, છેલ્લા થોડા સમયથી તમે છંદ છોડીને કુછંદે ચડ્યા છો. તમને હિન્દુ, હિન્દુત્વ, ભાજપ, સંઘ, વિહિંપ – આ બધાને લગતી તમામ બાબતો અને આ બધા સાથે જોડાયેલા લોકો મુર્ખ, ડફોળ, હિંસક, પાપી, અપ્રામાણિક લાગે છે. તેથી વિરુદ્ધ એબ્રાહેમિક પંથો સાથે જોડાયેલા લોકો મહાન, પ્રામાણિક, શાંતિપ્રિય, વિદ્વાન લાગે છે. તમારી આવી માનસિક સ્થિતિનો સામાન્ય સંજોગોમાં કોઈ ઉપાય નથી.

કવિ મહાશય, આ સ્થિતિને ભ્રમણાની સ્થિતિ કહે છે અને આવી ભ્રમણા કાર્લ માર્ક્સ નામના એક આળસુ, મફતખોરે સમાજ અને દેશોને તોડવાની એક થીયરી ઘડી કાઢી હતી ત્યારથી તમારા જેવા ઘણા લોકો તેના વાયરસની અસરમાં આવ્યા અને મુક્ત થતા નથી.

ખેર, કવિ મહાશય, આપના ત્રણ ઊંબાડિયા વિશે વાત કરવી છે એટલે આ પત્ર લખ્યો છે. એક તો આપે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાનને ખુલ્લો પત્ર લખ્યો હતો તે બદલ. બીજું આપે સ્વામી વિવેકાનંદ જે બોલ્યા જ નથી એ વાત એમના મોંમાં મૂકી તે બદલ. અને ત્રીજું, આપે ઋગ્વેદનું અનર્થઘટન કરવાની જે બદમાશી કરે તે બદલ.

સામાન્ય રીતે મારી માન્યતા એવી છે કે, કાદવમાં પથ્થર ન નાખવો, શ્વાનને ન છંછેડવું. પણ આપે જે ધૃષ્ટતા (અનેક અર્થમાંથી કનિષ્ઠ અર્થમાં) શરૂ કરી છે તેથી મને લાગ્યું કે એક જાગ્રત સનાતની તરીકે જવાબ તો આપવો જોઇએ.

એક વ્યક્તિ તરીકે, એક કહેવાતા કવિ તરીકે, એક કહેવાતા પ્રબુદ્ધ નાગરિક તરીકે તથા એક વૃદ્ધ વ્યક્તિ તરીકે આપને આપનો અભિપ્રાય હોય એમાં કોઇને કશો વાંધો ન હોવો જોઇએ, હોઈ પણ ન શકે. છતાં જવાબ આપવો, સંવાદ કરવો એ પણ ઉચ્ચ સનાતની પરંપરા જ છે.

સાચી વાત એ છે કે, આપના જેવા ઘણા કહેવાતા સર્જકો આભાસી દુનિયામાં જીવતા હોય છે. આપના જેવા કહેવાતા સર્જકને વિવિધ પ્રજાતિના લોકો વખાણતા હોય છે એટલે આપના જેવા લોકોને એમ લાગતું હોય છે કે આપ દુનિયાનું સૌથી મહાન કામ કરી રહ્યા છો. આ વખાણ કરનારાઓમાં હિંસાખોર-અસહિષ્ણુ માઓવાદીઓ પણ હોય છે, ધર્માંતરના સ્પષ્ટ ઇરાદા સાથે સમાજમાં રખડતા મિશનરીઓ પણ હોય છે. અને હા, તેમાં અર્થાત આ વખાણ કરનારાઓમાં હૃદયના ઊંડાણમાં જેહાદી માનસિકતાનું પાલન-પોષણ કરતા, પરંતુ ચહેરા ઉપર મહોરાં અને જીભ ઉપર આભાસી મીઠાશ (મીઠાશ જોખમી હોય છે એ તો જાણતા જ હશો ને કવિ!) રાખતા લોકો પણ હોય છે.

હવે સમસ્યા એ ઊભી થાય છે કે, આપના જેવા કહેવાતા સર્જકોને એમ લાગે છે કે, આ બધા મારી સાથે આટલું સારી રીતે વર્તે છે એટલે મારે એમનું માન જાળવવા હિન્દુડાઓને ગાળો તો દેવી પડે. અને એ શરૂ કરી દો. એવું શરૂ કરો એટલે એ વખાણ-પ્રજાતિ વધારે ખુશ થાય અને તમારા વધારે વખાણ કરે. એમાં ધીમે ધીમે ઇકોસિસ્ટમ પણ ગોઠવાતી જાય. મીડિયામાં બેઠેલા આવાં તત્વોના સ્લીપર સેલ તમને કોલમું લખવા નિમંત્રણ આપે. એમની બીજી ઇકોસિસ્ટમ આપના જેવા સર્જકો માટે માન-અકરામ-પુરસ્કારની ગોઠવણ કરે. જે કવિતાના ચાર-આનાય નહોતા ઉપજતા એવી કવિતાઓના સર્જકને આ બધું મળે તો ગલગલિયાં તો થાય ને! અને એ ગલગલિયાં કહેવાતા સર્જકોને કુછંદે ચડાવી રહ્યાં છે.

કવિ મહાશય, મારી ચિંતા અલગ છે. મારી ચિંતા તમારા જેવા તત્વોને કારણે આ સમાજમાં જે વિભાજનનાં બીજ રોપાઈ રહ્યાં છે તે છે. મારી ચિંતા 800-900 વર્ષ પહેલાં જેહાદીઓના આક્રમણથી ડરીને તેમની પૂંઠે ભરાઈ ગયેલા અને તેમને મહાન ચીતરતા તમારા જેવા કહેવાતા સર્જકોને કારણે સનાતનીઓએ આજે પણ પોતાને સાચા અને નિર્દોષ સાબિત કરવા મથામણ કરવી પડે છે – તે છે. મારી ચિંતા 18મી-19મી સદીમાં વેપાર કરવાના નામે આ દેશમાં આવેલા અને દેશ એમના પિતાશ્રીની જાગીર હોય એમ કબજો જમાવી બેઠેલા અંગ્રેજોની ભાટાઈ કરવા આજ સુધી કુરનિશ બજાવતા તમારા જેવા કહેવાતા સર્જકોને કારણે સનાતનીઓએ આજે પણ પોતાનાં મૂળ સાબિત કરવા માથામણ કરવી પડે છે – તે છે.

કવિ મહાશય, આપના જેવા કથિત સર્જકોની મુશ્કેલી એ હોય છે કે આપની પ્રજાતિને સર્વસમાવેશી સનાતની સમુદાયમાં તમામ પ્રકારની ખોટ દેખાય છે, કેમ કે એ ખોટ તમારા માટે ઇકોસિસ્ટમ ઊભી કરનાર મિશનરી અને જેહાદી પ્રજાએ બતાવેલી હોય છે.

કવિ મહાશય, આપના જેવા કથિત સર્જકો એ વાત સગવડપૂર્વક ભૂલી જાય છે કે, આ જ હિન્દુ સમાજ જો- તમે માનો છો એવો અસહિષ્ણુ અને હિંસક હોત તો મુહમ્મદ ઘોરી આટલી બધી વખત હુમલા કરી શક્યો જ ન હોત. આ જ હિન્દુ સમાજ જો- તમે માનો છો એવો અસહિષ્ણુ અને હિંસક હોત તો મુઠ્ઠીભર અંગ્રેજોને મસળી ન નાખત? બે દિવસ પહેલાં તમે ઋગ્વેદની ઋચાઓના નામે ફરી વખત હિન્દુ સમાજને અપમાનિત કરવાની ગલીચ હરકત કરી.

કવિ મહાશય, તમારા અજ્ઞાન ઉપર દયા આવે છે. દયા એ વાતની આવે છે કે, જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ વિશે તમને રાઈના દાણા જેટલી પણ જાણકારી નથી. તમારા જેવા તત્વો ઉપર દયા એટલા માટે આવે છે કે, વિરાટ અખંડ ભારતમાંથી સમેટાઈ-સમેટાઈને હિન્દુ આજે 1947 પછીના ભારતમાં પણ માંડ 20 રાજ્યમાં થોડી-ઘણી બહુમતીમાં રહ્યો છે અને તો પણ તમે ઋગ્વેદનો હવાલો આપીને અમને એ મિશનરીઓ અને એ જેહાદીઓના પગમાં પડવાનું કહો છે જે અમને કાફર માને છે?

કવિ મહાશય, આપના જેવા સર્જકો હકીકતે માનવ સભ્યતાનું કલંક છે, કેમ કે લાખોની હત્યા કરનાર માઓ અને તેના પગલે ચાલતા માઓવાદીઓને એક શબ્દ બોલવાની તમારામાં હિંમત નથી. આપના જેવા સર્જકો હકીકતે માનવ સભ્યતાનું કલંક છે, કેમ કે માંડ 2000 વર્ષ પહેલાં કબિલાઈ આધિપત્યના મુદ્દે ઝઘડા કરીને છૂટા પડેલા અને આભાસી વ્યક્તિના નામે કહેવાતું પવિત્ર પુસ્તક લખીને પંથ ઊભો કરનારા, પહેલાં હિંસાથી અને ત્યારબાદ સામ-દામ-દંડ-ભેદથી દુનિયાના 100 કરતાં વધુ દેશોમાં ધાર્મિક શાસન સ્થાપનાર મિશનરીઓની અસલિયત દેખાતી નથી. આપના જેવા સર્જકો હકીકતે માનવ સભ્યતાનું કલંક છે, કેમ કે માંડ 1400 વર્ષ પહેલાં વધુ એક કબિલાઈ આધિપત્યના મુદ્દે ઝઘડા બાદ છૂટા પડેલા અને શાંતિપૂર્વક જીવન જીવતા મૂર્તિપૂજકોને કાફર ગણાવીને તેમનાં મંદિરો અને મૂર્તિઓના વિધ્વંસ ઉપરાંત તેમની કત્લેઆમ કરનાર જેહાદી માનસિકતાની અસલિયત તમને દેખાતી નથી.

આપના જેવા નિર્વીર્ય સર્જકો કીડીથી માંડીને સૃષ્ટિના તત્વોમાં ઈશ્વરનો વાસ જોનાર હિન્દુઓને ઋગ્વેદનું જ્ઞાન આપવા હાલી નીકળે છે, કેમ કે તમને ખબર છે કે તમે જેને હિંસક-અસહિષ્ણુ ગણાવો છો એ હિન્દુડો તો તમને બે-ચાર ગાળો દઇને સાંજે ખીચડી-દૂધ ખાઈને સૂઈ જશે. પણ જો, પેલા મિશનરી-જેહાદી-માઓવાદી વિશે આવું કશું બોલ્યા તો...!?

કવિ મહાશય, હિન્દુઓનાં હજારો મંદિરો તોડી નાખવામાં આવ્યાં છે અને એ વાત હિન્દુ વિદ્વાનોએ નહીં પરંતુ ગઝનીના સમયથી લઇને નહેરુના સમય સુધીના મુસ્લિમ ઇતિહાસકારોએ લખેલી છે, એ આપને ખબર છે? આમ તો તમારા જેવા તત્વો બહુ નબળા માણસો હોય છે એટલે મારી વાત નહીં માનો, છતાં વધારે નહીં પણ બે પુસ્તક વાંચવાનું સૂચન કરું છું – (1) Hindu Temples: What Happened to Them(2) Breaking India તથા (3) Know the Anti-Nationals આ ત્રણે પુસ્તક સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિએ થયેલાં સંશોધન આધારિત છે.

આશા રાખું છું, આ ત્રણે પુસ્તક વાંચી લો ત્યાં સુધી હવે ભાઈ-ચારા ની સુફિયાણી સલાહ હિન્દુઓને આપવાનું સ્થગિત રાખશો.

ગાય, ભારત અને માનવસભ્યતા

 



--- રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે સૌ શિક્ષકોને ચરણવંદન. 

દેશની એક હાઇકોર્ટે આ અઠવાડિયે ગાય વિશે અત્યંત આવકારદાયક ટિપ્પણી કરીને કરોડો ભારતીયોનાં દિલ જીતી લીધાં. હાઇકોર્ટના એ નિરીક્ષણને પગલે વધુ એક વખત ગાય તરફ સૌનું ધ્યાન દોરાયું છે.

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

થોડા મહિના પહેલાં કોરોના રોગચાળો પીક ઉપર હતો ત્યારે તમારામાંથી ઘણા બધાએ સોશિયલ મીડિયામાં વાયરલ એક ફોટો તેમજ વીડિયો જોયો હશે, જેમાં મૂળ અમેરિકી ગોરા નાગરિકો માનસિક શાંતિ મેળવવા માટે ગાયોને ભેટીને બેઠેલા જોવા મળ્યા હતા. મહારોગચાળા અને તેને કારણે આવેલા લૉકડાઉન અને આર્થિક મંદીથી માનસિક રીતે અસ્વસ્થ લોકો ગાયને ભેટીને, તેની પાસે બેસીના શાતા મેળવતા હતા. આ વાત યાદ કરાવવાનું કારણ હજુ માંડ પાંચ દિવસ પહેલાં એટલે કે પહેલી સપ્ટેમ્બરે અલ્હાબાદ હાઇકોર્ટે ગૌહત્યાના એક આરોપી જાવેદની જામીન અરજી પરની સુનાવણી દરમિયાન કરેલાં નિરીક્ષણો છે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નિરીક્ષણ કર્યું કે, ગાય એ ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે અને ગૌમાંસ ખાવું એ કોઇનો મૂળભૂત અધિકાર હોઈ જ ન શકે. ખાવાના અધિકારના નામે એક જીવનો ભોગ લેવો એ કોઈ રીતે યોગ્ય નથી તેમ પણ અદાલતે કહ્યું છે.

હાઇકોર્ટનું એ વિધાન અત્યંત સચોટ છે કે, ગૌમાંસ ખાવું એ કોઇનો પણ મૂળભૂત અધિકાર હોઈ જ ન શકે. હકીકતે, જેહાદી માનસિકતા ધરાવતા અમુક લોકોના ગૌમાંસ ખાવાના કટ્ટરવાદી વલણને કારણે જ ભારતમાં અનેક સદીથી હિન્દુ-મુસ્લિમ તણાવ રહ્યા કર્યો છે. હિન્દુઓ ગાયને પવિત્ર ગણે છે અને માતાનો દરજ્જો આપે છે અને તેથી હિન્દુઓને માનસિક રીતે હેરાન કરવા તથા તેમની શ્રદ્ધાને તોડી પાડવાના મલેચ્છ ઇરાદાથી ગૌમાંસ (બીફ) ખાવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ એ માટે ગાયોની ખૂબ મોટાપાયે દાણચોરી થાય છે. વળી આ દેશના કમનસીબે બદમાશ મીડિયા ગૌમાંસ ભક્ષકો અને ગૌ-તસ્કરોને છાવરે પણ છે! જો આવું બધું ન થતું હોત તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ દેશમાં હિન્દુ-મુસ્લિમ તણાવ આટલો બધો ન હોત.

ખેર, આજના લેખનો મુદ્દો પવિત્ર ગાયમાતા, તેના અસ્તિત્વનું મહત્ત્વ અને તેની સાથે સંકળાયેલા અર્થતંત્રનો છે. ગાય માત્ર પશુ નથી. ગાય એક જીવંત કામધેનુ છે. તેની હાજરી પણ જીવનમાં પરમ શાંતિનો અનુભવ કરાવે છે. ગાયનું દૂધ તો દૂધ, પણ તેનું છાણ-મૂત્ર પણ માનવ સભ્યતાના જીવનચક્રને ચલાવવા માટે ઉપયોગી છે. એટલે જ – સ્કંદપુરાણમાં કહ્યું છેઃ

त्वं माता सर्वदेवानां त्वं च यज्ञस्य कारणम्।

त्वं तीर्थं सर्वतीर्थानां नमस्तेडस्तु सदानधे

છતાં મિશનરી અને જેહાદી માનસિકતાના લોકો ઉપરાંત એ બંનેનું પોષણ કરનારા કથિત સેક્યુલર તત્વો ભલે ગાયના મહત્ત્વનો સ્વીકાર નથી કરતા, પરંતુ આધુનિક વિજ્ઞાન તેમજ પશ્ચિમી સંશોધકો તો ગાયના મહત્ત્વને સ્વીકારતા થયા છે – અને હા, આ વાતની  ગૂગલ કરીને ખાતરી કરી શકાય છે. મારી દૃષ્ટિએ તો આધુનિક વિજ્ઞાન અને પશ્ચિમી સંશોધકોનો હવાલો આપવો એ બાબત જ સાવ તુચ્છ અને છીછરી છે. કેમ કે, છેક વેદકાળથી ગાયના સનાતન મહત્ત્વનો સ્વીકાર કરવામાં આવેલો છે. કહેવાય છે કે, વેદોમાં કુલ 1,311 વખત ગાયનો ઉલ્લેખ છે, જે પૈકી ઋગ વેદમાં 723 વખત, યજુર્વેદમાં 87, સામવેદમાં 170 તથા અથર્વવેદમાં 331 વખત ગાયનો ઉલ્લેખ આવે છે. હકીકતે તમામ દેવી-દેવતાનો વાસ ગાયમાં હોવાનું સનાતની પરંપરામાં સ્વીકારવામાં આવેલું છે.

છેક 18મી સદી સુધી ઋષિઓ દ્વારા ચાલતી ગુરુકુળ પરંપરામાં ગુરુની સાથે જ ગાયને પણ સર્વોચ્ચ સ્થાન આપવામાં આવેલું હતું. આજની તારીખે પણ જ્યાં જ્યાં ગુરુકુળ ચાલે છે (કર્ણાટક, ગુજરાત વગેરે રાજ્યોમાં) ત્યાં ગૌશાળાઓ અચૂક જોવા મળે છે. ગુજરાતમાં તો સરકારે આખી કામધેનુ યુનિવર્સિટી સ્થાપી છે જ્યાં પશુપાલન અને ડેરી ઉદ્યોગનું શિક્ષણ આપવામાં આવે છે.

અલ્હાબાદ હાઇકોર્ટના જજ શેખરકુમાર યાદવે ભલે તટસ્થતા જાળવવાના પ્રયાસમાં એવું કહ્યું હોય કે ગાયનું ધાર્મિક મહત્ત્વ નથી પરંતુ ગાય ભારતની સાંસ્કૃતિક પરંપરાનો આધાર છે, પણ હકીકતે ભારતની સાંસ્કૃતિક પરંપરા એટલે જ સનાતન પરંપરા. એ પરંપરાને ખતમ કરવા માગતા તત્વો જ ગૌમાંસ ખાવાને પોતાનો અધિકાર ગણાવી દીધો અને નબળા, દંભી, ભ્રષ્ટ રાજકારણીઓએ થોડા મત માટે થઇને હિન્દુ સમાજની લાગણી ઉપર થઈ રહેલા કુઠારા ઘાતને અટકાવ્યો નથી. એવું નથી કે, ગૌવંશના રક્ષણ માટે કોઈ પ્રયાસ નથી થયા કે પછી કોઈ કાયદા નથી બન્યા. પ્રયાસ પણ થયા છે અને કાયદા પણ બન્યા છે, છતાં નબળા અને ભ્રષ્ટ રાજકારણીઓની સાથે સાથે હાડકું પણ ચૂસી લેવાની વૃત્તિ ધરાવતા (અમુક) સરકારી અધિકારીઓ અને પોલીસતંત્ર પણ ગૌવંશની ચોરી અને ગૌહત્યા રોકવામાં નિષ્ફળ ગયા છે એવું તારણ ન્યાયમૂર્તિ શેખરકુમાર યાદવની ટિપ્પણીમાંથી કાઢી શકાય. આશા રાખીએ કે, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની તેમજ ગાયના રક્ષણને હિન્દુઓના મૂળભૂત અધિકાર ગણવાની હાઇકોર્ટની ભલામણનો સ્વીકાર થાય, અને જો એવું થશે તો આ દેશનું અર્થતંત્ર ફરી સુદર્શન-ગતિએ આગળ વધી શકશે.

છેલ્લે એક વાતનો સ્વીકાર કરવો જ જોઇએ કે, ગૌવંશની ચોરી અને ગૌહત્યામાં માત્ર જેહાદીઓ કે મિશનરીઓ જ જવાબદાર નથી, પણ કેટલાક લાલચુ અને વર્ણસંકરની પેદાશ સમાન હિન્દુઓ પણ જવાબદાર છે. અમુક પશુપાલકો પણ ગાયોને ગમેત્યાં છોડી દઇને ગૌહત્યાનો ભોગ બનવા દે છે. મોટાભાગના હિન્દુઓ ઘણી બધી અયોગ્ય જગ્યાએ ખર્ચા કરે છે અને ખોટી ખોટી જગ્યાએ દાન ઠાલવતા રહે છે, તેને બદલે જો ગૌશાળાઓમાં દાન કરે તો ગૌવંશને બચાવી શકાય તેમ છે. વિચારજો.