Thursday, September 30, 2021

અનુવાદને ક્રિએટિવિટીનું સન્માન મળવું જ જોઇએ


 

ભાદરવા વદ નવમી, 2077

---------------------------

અનુવાદને ક્રિએટિવિટીનું સન્માન મળવું જ જોઇએ

 

n  આજે (30 સપ્ટેમ્બર) આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ નિમિત્તે એક અનુવાદકના મનોભાવ!

 

n  અલકેશ પટેલ

 

પ્રારંભે મારા અનુવાદ-સખાઓને આજના દિવસે અભિનંદન અને શુભેચ્છા.

જરા વિચાર કરો, અંગ્રેજી ભાષા નહીં જાણતા બે દેશના ટોચના નેતાઓ વચ્ચે દુભાષિયા (અનુવાદક) વિના સંવાદ કેવી રીતે શક્ય બનત?

જરા વિચાર કરો વેદ જેવા સંસ્કૃતના સર્વોત્તમ ગ્રંથો અનુવાદક વિના જનસામાન્ય સુધી કેવી રીતે પહોંચત?

જરા વિચાર કરો અનુવાદક વિના ભગવદ્ ગીતાનો સંદેશ દુનિયાના ખૂણે ખૂણે કેવી રીતે પહોંચત?

આખી દુનિયામાં સમાચારો મહદ્અંશે અંગ્રેજીમાં સર્જાય છે અને પછી જે તે દેશ-પ્રદેશની સ્થાનિક ભાષામાં તે વાચકો સુધી પહોંચે છે. શું અનુવાદક વિના આ શક્ય છે? હકીકત તો એ છે કે, સબ-એડિટર અર્થાત અનુવાદક વિના દુનિયાનું કોઇપણ ભાષાકીય અખબાર કે સામયિક ચાલી જ ન શકે.

30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવવામાં આવે છે. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે આવા મોટાભાગના આંતરરાષ્ટ્રીય દિવસો ખ્રિસ્તી મિશનરીઓની સાથે જ જોડી દેવામાં આવેલા હોય છે. (આંતરરાષ્ટ્રીય દિવસો સંયુક્ત રાષ્ટ્ર સંગઠન-યુએન દ્વારા જાહેર કરવામાં આવે છે. યુએન તમામ દેશોની બનેલી સંસ્થા છે, પણ જૂજ અપવાદને બાદ કરતાં એ સર્વસમાવેશી સંસ્થા નથી, ત્યાં મિશનરી માનસિકતા પ્રમાણે જ કામ થાય છે.) બાઇબલનો અનુવાદ કરનાર ખ્રિસ્તી પાદરી 30 સપ્ટેમ્બર, 420 (વર્ષ વાંચીને હસવું નહીં...) ના રોજ અવસાન પામ્યા હતા, તે નિમિત્તે 1953થી દર વર્ષે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવવામાં આવે છે.

ખેર, આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ માટે યુએન-નો આભાર.

ટ્રાન્સલેશન – અનુવાદ – ભાષાંતર – ભાવાનુવાદ – રૂપાંતર, એમ વિવિધ રીતે આ પ્રક્રિયા(!) ને ઓળખવામાં આવે છે. પ્રક્રિયા શબ્દ પણ સ-કારણ જ વાપર્યો છે.

અનુવાદના ક્ષેત્રમાં મારા અનુભવનું આ 31મું વર્ષ છે. અખબારમાં રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સમાચારોના અનુવાદથી કરેલી શરૂઆત 2008માં મારા જીવનના સૌથી મોટા સ્વપ્નના મુકામ ઉપર આવી પહોંચી હતી. એ સ્વપ્ન હતું પુસ્તકોના અનુવાદ કરવાનું. 2008થી શરૂ થયેલો એ પ્રવાસ આજે 2021માં (13મા વર્ષમાં) અવિરત ચાલુ છે અને લગભગ ચાળીસેક (40) પુસ્તકોના અનુવાદ કર્યા છે.

ખેર, આજના બ્લૉગનો વિષય હું નથી, પણ આજનો વિષય અનુવાદ છે, ભાષાંતર છે, ભાવાનુવાદ છે.

કમનસીબે અનુવાદ – ભાષાંતર પ્રક્રિયાને સર્જનાત્મકતા ઉર્ફે ક્રિએટિવિટી માનવામાં નથી આવતી. પણ વાસ્તવમાં અનુવાદની કામગીરી સર્જનાત્મકતા કરતાં જરાય ઊતરતી નથી. બલ્કે હું તો આગળ વધીને એમ કહીશ કે અનુવાદ વધારે સર્જનાત્મક છે... કેમ કે અનુવાદક બંને ભાષાને વધારે સારી રીતે જાણે છે. જે ભાષામાંથી તે અનુવાદ કરે છે એ ભાષા તો તેને આવડે જ છે, સાથે જે ભાષામાં તેનું રૂપાંતર કરે છે એ ભાષા ઉપર પર તેની પકડ મજબૂત હોય છે.

મૌલિક સર્જકનું સ્થાન સર્વોચ્ચ છે એમાં ના નહીં, પરંતુ એ (દરેક) મૌલિક સર્જક બીજી ભાષામાં પોતાની વાત એટલી જ અસરકારક રીતે મૂકી શકતા નથી. અને ત્યાં અનુવાદક – ભાષાંતરકાર – ટ્રાન્સલેટર એક નવ-સર્જક બનીને ઊભરે છે. તેની પકડ બંને ભાષા ઉપર હોય છે અને લેખકની વાતને અન્ય ભાષામાં ઢાળી પણ શકે છે. (હા, એ ખરું કે દરેકે દરેક અનુવાદ ઉત્તમ નથી હોતા, પણ પ્રયાસની પ્રશંસા તો કરી શકાય!)

ગુજરાતી પુસ્તક પ્રકાશન ક્ષેત્રમાં છેલ્લા ઘણાં વર્ષથી સ્થિતિ એ છે કે, મૌલિક સર્જનના, મૌલિક સાહિત્યનાં પુસ્તકોની સરખામણીમાં અનુવાદિત પુસ્તકોનું વેચાણ અને વાચન ઘણું મોટું છે. 80ના દાયકા સુધી નગીનદાસ પારેખ, ભોળાભાઈ પટેલ, અનિલા દલાલ સહિત અન્ય સાહિત્યકારોએ શ્રેષ્ઠ બંગાળી સાહિત્યના ગુજરાતી અનુવાદ કર્યા હતા. મરાઠી અને ઉડિયા ભાષાઓમાંથી પણ આપણને ગુજરાતી અનુવાદ મળ્યા. પણ ત્યારપછી ભારતીય ભાષાઓમાંથી અનુવાદનું પ્રમાણ ઘટ્યું છે (બંધ નથી થયું...) તેની સામે અંગ્રેજી બેસ્ટસેલર "પ્રેરણાદાયક" પુસ્તકોના અનુવાદ ભરપુર માત્રામાં થાય છે...તે વેચાય છે અને વંચાય પણ છે. ફરીથી ભારતીય ભાષાઓમાંથી અનુવાદના પ્રયાસ વધુ તીવ્ર બને, ગુજરાતી સાહિત્યની કૃતિઓને અન્ય ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજીમાં અનુવાદિત કરવાના પ્રયાસ સઘન બને એવી આશા સાથે મારા સૌ અનુવાદ-સખાઓને ફરી એક વખત અભિનંદન, શુભેચ્છા. 

અંતે ફરી એ જ પ્રશ્ન ઉપસ્થિત કરું છું કે, અનુવાદને સર્જનાત્મકતા, ક્રિયેટિવિટી કેમ ન ગણી શકાય?

No comments:

Post a Comment