Sunday, October 3, 2021

અમેરિકામાં ઉજવાઈ રહ્યો છે ‘હિન્દુ હેરિટેજ મહિનો’

 

--- અમેરિકાના પાંચ રાજ્યોમાં આખો ઑક્ટોબર મહિનો હિન્દુ હેરિટેજ મહિના તરીકે ઉજવાશે. ઉપરાંત પહેલા નોરતે- સાતમી ઑક્ટોબરે અમેરિકન હિન્દુ મહિલાઓ બિંદી દિવસની પણ ઉજવણી કરશે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

હજુ ગયા મહિને જ ભારત સહિત દુનિયાભરમાં વસતા હિન્દુઓ આઘાતમાં હતા, આક્રોશમાં હતા કેમ કે, ભારત વિરોધી ટુકડે ગેંગ દ્વારા સપ્ટેમ્બર, 2021માં અમેરિકામાં ડિસમેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ (વૈશ્વિક હિન્દુત્વને ઉખાડી ફેંકવો) કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. (એ વિશે આ જ સ્થળે તમે 22 અને 29 ઑગસ્ટ- એમ બે લેખ વાંચ્યા હતા). પણ હવે એ જ અમેરિકામાં જે થઈ રહ્યું છે તેણે કરોડો હિન્દુઓની છાતી ગજ-ગજ ફુલાવી દીધી છે.

અમેરિકાના પાંચ રાજ્ય ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂજર્સી, ઓહાયો, મેસાચ્યુસેટ્સમાં આખો ઑક્ટોબર મહિનો હિન્દુ હેરિટેજ મહિનો ઉજવાશે. આ માટે જે તે રાજ્યોના ગવર્નર દ્વારા સત્તાવાર ઠરાવ પસાર કરીને હિન્દુઓને તેમના વારસાની ઉજવણી કરવા પરવાનગી આપી છે. વાસ્તવમાં અમેરિકાના જે જે રાજ્યોમાં હિન્દુઓની નોંધપાત્ર વસ્તી છે ત્યાં હેરિટેજ મહિનો ઉજવવાની જાહેરાત વિશ્વ હિન્દુ પરિષદ ઑફ અમેરિકા (વીએચપી-એ) દ્વારા ગત જુલાઈ મહિનામાં કરવા વિનંતી કરવામાં આવી હતી. અને આપણા સૌના આનંદ વચ્ચે પાંચ રાજ્યોએ એ વિનંતી માન્ય રાખી. આ માટેની સત્તાવાર જાહેરાતમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છેઃ The office of the governors of various states, congressmen and Senators noted, “Communities of the faith have long served as beacons of hope, sharing their beliefs and bettering their communities through service; improving and inspiring the lives of thousands of followers around the world. Hinduism has contributed greatly to our state and nation through its unique history and heritage.”

હિન્દુ હેરિટેજ મહિનો ઉજવવા માટે પરવાનગી આપનાર રાજ્યોના ગવર્નરો, અમેરિકી સંસદમાં પ્રતિનિધિત્વ કરતા એ રાજ્યોના કોંગ્રેસમેન અને સેનેટર (સાંસદો)એ સંયુક્તરૂપે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, અમેરિકા આવીને વસેલા હિન્દુઓએ અમેરિકાના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે તથા તેમની વિશિષ્ટ સંસ્કૃતિ દ્વારા અમેરિકન સમાજને સમૃદ્ધ કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ ઑફ અમેરિકા ઉપરાંત વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઑફ અમેરિકા, હિન્દુ સ્ટુડન્ટ કાઉન્સિલ, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન સહિત વિવિધ સંગઠનો પણ આ દિશામાં પ્રયત્નશીલ હતાં.

હવે પાંચ રાજ્યોના ગવર્નર દ્વારા મંજૂરી આપવામાં આવતા હિન્દુત્વ વિશે અપ-પ્રચાર ફેલાવી રહેલી ટુકડે ગેંગ સહિત ભારત વિરોધી ટોળકીઓને તો બૅકફૂટ પર જવું જ પડશે, પરંતુ તેના કરતાં હકારાત્મક લાભ એ થશે કે હિન્દુત્વ પ્રત્યે જાગ્રતિ ફેલાશે. મૂળ ભારતીયોની બીજી-ત્રીજી પેઢી અમેરિકામાં ઉછરી રહી છે તેમને ભારતીય વારસો અને પરંપરાઓ વિશે વધારે નજીકથી જાણવા મળશે. સાથે જ મૂળ અમેરિકી તથા અન્ય દેશોના નાગરિકોને પણ સર્વસમાવેશી હિન્દુત્વ વિશે જોવા-જાણવા મળશે.

એક રીતે જોઇએ તો ભારત માટે આ ઘણો મોટો વિજય ગણાય કેમ કે, હજુ છેક 1943 સુધી ભારતીય સહિત એશિયન નાગરિકોને અમેરિકામાં મર્યાદિત માત્રામાં પ્રવેશ મળતો હતો. એશિયન નાગરિકો મોટી સંખ્યામાં અમેરિકામાં ન આવી શકે તે માટે 1924નો એશિયન એક્સક્લુઝન કાયદો 1943માં રદ્દ કરવામાં આવ્યો હતો. અલબત્ત, અમેરિકામાં સ્થાયી થવા માટે હિન્દુઓએ સ્થળાંતર કરવાની શરૂઆત 20મી સદીના પ્રારંભિક દાયકામાં જ કરી દીધી હતી. તે સમયે કેલિફોર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા હિન્દુઓએ 1906ની સાતમી જાન્યુઆરીએ સાન ફ્રાન્સિસ્કોમાં પ્રથમ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરીને ત્યાં પૂજા-અર્ચના શરૂ કરી હતી. આજે એક સદી કરતાં વધુ સમય પછી સમગ્ર અમેરિકામાં વિવિધ હિન્દુ સંપ્રદાયના 120 કરતાં વધુ મંદિર છે.

અમેરિકામાં 22 લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા ભારતીયો આજે ત્યાંના રાજકારણ, સમાજજીવન, વેપાર-ઉદ્યોગ, ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રમાં હિન્દુત્વનો ડંકો વગાડે છે અને એ કારણે જ આપણા દેશ અને આપણા ધર્મ- એમ બંનેનું માન ત્યાં વધે છે.

આપણને સૌને ગૌરવ થાય એવી બીજી એક ઘટના પણ આ જ અઠવાડિયે અમેરિકામાં બનવાની છે. સાતમી ઑક્ટોબરે અમેરિકાસ્થિત હિન્દુ મહિલાઓ બિંદી દિવસ ઉજવવાની છે. (http://missionbindi.com/world-bindi-day-2021/) ભારતમાં ઉર્દુવૂડ (બોલિવૂડ) તેમજ નકલી નારીવાદને રવાડે ચડેલી મહિલાઓ સિવાય મોટાભાગની હિન્દુ મહિલાઓ ગૌરવભેર કપાળે ચાંલ્લો કરે છે, તે ઉપરાંત પુરુષોમાં પણ તિલક-ચાંલ્લો કરવાની પરંપરા છે, પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલી હિન્દુ મહિલાઓ માટે વિવિધ કારણસર રોજેરોજ ચાંલ્લો (બિંદી) કરવાનું શક્ય ન બને, અને કદાચ એ જ કારણે તેમણે નવરાત્રિના પ્રથમ દિવસે સાતમી ઑક્ટોબરે બિંદી દિવસ ઉજવીને પરંપરાનું ગૌરવ કરીને એ દ્વારા યુવતીઓ તથા કિશોરીઓને બિંદી માટે પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે. આ બંને રસપ્રદ વિષયની નવી વિગતો અને માહિતી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment