Sunday, October 10, 2021

દાદરીથી લખીમપુર વાયા ચોક્કસ મતબેંક

 


--- માત્ર મતબેંક ઉપર નજર રાખતા રાજકારણીઓ હાલ ગેલમાં છે. ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બનેલી એક દુર્ઘટનાએ આ ટૂંકી દૃષ્ટિના રાજકારણીઓને ફરી પોલિટિકલ ટુરિઝમની તક તો આપી, પણ એ બધા પાલઘર અને શ્રીનગર જવાનું ચૂકી ગયા!

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

વધુ એક વખત રાજકારણીઓ મૃતદેહો ઉપર રોટલા શેકવા લખીમપુર દોટ મૂકી રહ્યા છે. વધુ એક વખત રાજકારણીઓને મતબેંકના નામે પિશાચી નૃત્ય કરવાની તક મળી ગઈ છે. આ એ જ રાજકારણીઓ છે જે 2015માં ઉત્તરપ્રદેશના દાદરી જવા ભાગ-દોડ કરી રહ્યા હતા. આ એ જ રાજકારણીઓ છે જે 2018માં જમ્મુ-કાશ્મીરના કથુઆ પહોંચવા એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હતા. આ એ જ રાજકારણીઓ છે જે સીએએના વિરોધમાં દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં બેઠેલા જેહાદીઓને સમર્થન આપવા રોજેરોજ બીરયાની લઈને પહોંચી જતા હતા. આ એ જ રાજકારણીઓ છે જે કલમ 370ની નાબૂદી પછી સંસદમાં અને સંસદની બહાર છાતી કૂટતા હતા અને સંસદ ચાલવા દેતા નહોતા.

... અને હા, આ એ જ રાજકારણીઓ છે જેમને પાલઘરમાં ત્રણ હિન્દુ સાધુની લાકડીઓ મારી મારીને હત્યા કરવામાં આવી ત્યારે પાલઘર જવાનો રસ્તો મળતો નહોતો. આ એ જ રાજકારણીઓ છે જેમને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી હિન્દુઓની કત્લેઆમ થઈ રહી હતી, માતા-બહેનોની ઇજ્જત લૂંટાઈ રહી હતી ત્યારે પશ્ચિમ બંગાળ જવાનો રસ્તો મળતો નહોતો. અને આ એ જ રાજકારણીઓ છે જે જમ્મુ-કાશ્મીરનો રસ્તો ભૂલી ગયા છે જ્યાં આ અઠવાડિયાની શરૂઆતમાં ચાર કરતાં વધુ હિન્દુ-સિખ નાગરિકોની જેહાદી આતંકીઓએ હત્યા કરી દીધી.

આ ઘૃણાસ્પદ રાજકારણીઓ કોણ છે એ ઓળખવાનું તમારા બધા માટે મુશ્કેલ નથી. આ ચોક્કસ પ્રકારના રાજકારણીઓ છેક 1947થી માત્ર લઘુમતી ખુશામતના રાજકારણમાં રચ્યા-પચ્યા રહેલા છે. દરેક યોજનામાં, દરેક ઘટનામાં આ રાજકારણીઓએ હિન્દુઓની સદંતર ઉપેક્ષા કરી છે. માત્ર ઉપેક્ષા જ નહીં પરંતુ હિન્દુ સમાજ તૂટીને વેરવિખેર થઈ જાય એ માટે આ બિભત્સ રાજકારણીઓ હિન્દુ સમાજને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, દલિત, પટેલ, કાયસ્થ, શાહ, તમિળ, મરાઠી, ગુજરાતી, યુપી, બિહાર એમ જ્ઞાતિ-જાતિ-પ્રદેશમાં વિખંડિત કરતા જ રહ્યા છે.

છેલ્લે ઉત્તરપ્રદેશના લખીમપુરમાં જે થયું એ આંખ ઉઘાડનારું છે. આ ક્ષેત્રમાં ખાલિસ્તાન પ્રત્યે કૂણી લાગણી ધરાવતા લોકો વધારે સંખ્યામાં છે. દિલ્હી બહાર અને પંજાબ-હરિયાણામાં જે કહેવાતું ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેમાં ખાલિસ્તાની પીઠબળના નક્કર પુરાવા મળેલા છે. આ આંદોલનનો કહેવાતો આગેવાન રાકેશ ટિકૈત વારંવાર ઉશ્કેરણીજનક નિવેદનો કરતો રહે છે. અને તેને ભાજપ જેવા જૂજ પક્ષોને બાદ કરતાં બાકીના તમામ ટૂંકી દૃષ્ટિના રાજકીય પક્ષો ટેકો પણ આપતા રહ્યા છે.

છેલ્લા આઠ-દસ મહિનાથી કશું નહીં ઉકાળી શકેલું આ કહેવાતું ખેડૂત આંદોલન ચાલુ રાખવા ટિકૈત અને તેના ભાંગફોડિયા મળતિયાઓને ઘી હોમવું જરૂરી લાગતું હતું. ઉત્તરપ્રદેશની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તા મેળવવા તરફડી રહેલા કોંગ્રેસ અને સપા જેવા પક્ષો પણ કોઈ હિંસક તકની રાહ જોતા હતા. એ તક તેમને લખીમપુરમાં મળી ગઈ. ત્યાં કહેવાતા ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાનનો કાફલો પસાર થવાનો હતો. ખાલીસ્તાનીઓએ એ કાફલા ઉપર હુમલો કર્યો. ડ્રાઇવરે એ હિંસક હુમલાથી બચવા ગાડી ખૂબ ભગાવી જેમાં તે કાબુ ખોઈ બેઠો અને અમુક લોકો તેમાં કચડાઈ મર્યા. બસ, ભાંગફોડિયા તત્વોને આટલું જ જોઇતું હતું. એ બધાએ ભેગા થઇને ગાડીના ડ્રાઇવર સહિત તમામને લાકડીઓ ફટકારીને મારી નાખ્યા. માર્યા ગયેલા આ લોકો ભાજપના કાર્યકરો હતા. પણ કમનસીબે મીડિયા અને વિપક્ષો ભાજપના કાર્યકરોને માણસ ગણતા નથી. હકીકતે આ લોકો હિન્દુઓને જ માણસ ગણતા નથી. તેમને મન લઘુમતી અથવા દલિતને કશું થાય તો જ હો-હા મચાવી દેવાની.

વાસ્તવમાં આ રાજકારણીઓ મૃતદેહોના સોદાગર જેવા છે. તેમને મૃતદેહમાં સત્તાની ખુરશી દેખાય છે. અને એટલે જ ચોક્કસ ઘટનાઓમાં ચોક્કસ પ્રકારના લોકોનું મૃત્યુ થાય ત્યારે પિકનિક ઉપર નીકળ્યા હોય એમ આ રાજકારણીઓ નીકળી પડે છે. દેશના સમજદાર લોકોએ આવા રાજકારણીઓને વહેલી તકે ઓળખી લેવાની અને તેમને લોકશાહી રીતે તેમનું સ્થાન બતાવી દેવાની જરૂર છે. મતદારો જો હજુ પણ નહીં સમજે તો દિલ્હીના 2020ના હિન્દુ વિરોધી તોફાનો અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછીના હિન્દુ વિરોધી હત્યાકાંડ અને મહિલા વિરોધી ઘૃણાસ્પદ અત્યાચારો ઉપરાંત કેરળ, તેલંગણા વગેરે રાજ્યોમાં જે સ્થિતિ છે એવી હાલત તમારી થતાં વાર નહીં લાગે. એવી સ્થિતિથી બચવું હોય તો સાવધાન રહો, સમજદાર બનો અને એકબીજાને સધિયારો આપતા રહો. આવા વિષયો ઉપર વાત ચાલુ રાખવા... મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment