Sunday, October 31, 2021

આકરો વસ્તી નિયંત્રણ કાયદો નહીં બને તો શું થશે જાણો છો?

 


 --- ત્રણેક વર્ષ પછી ફરી દેશમાં વસ્તી નિયંત્રણ કાયદાની ચર્ચા શરૂ થઈ છે. વહેલામાં વહેલી તકે આ માટેનો સાચા અર્થમાં કડક કાયદો નહીં બને તો દેશમાં વિકાસ અને પ્રગતિના તમામ પ્રયાસ નિષ્ફળ જશે એટલું જ નહીં પરંતુ...

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

છેલ્લા થોડા દાયકાથી આપણે બધા એવું સાંભળતા-વાંચતા રહ્યા છીએ કે અમુક સમય પછી વસ્તીની બાબતમાં ભારત ચીનને પણ પાછળ રાખી દેશે. આપણે સવા અબજની આસપાસ છીએ, જ્યારે ચીન દોઢ અબજની આસપાસ. એટલે 25 કરોડનો તફાવત છે. તેથી જ વસ્તી વધારાના વર્તમાન દરે આગામી પાંચ-સાત વર્ષમાં પહેલો-બીજો ક્રમ ઊલટસુલટ થઈ શકે.

પણ, શું આ કોઈ ગૌરવ લેવા જેવી વાત છે? વસ્તીની બાબતમાં ચીનને પાછળ રાખીને પહેલા ક્રમે આવીશું તો તેનાથી આપણી સમસ્યાઓમાં વધારો થશે કે હલ થશે? સંસાધનો ઉપર પડી રહેલા અતિશય ભારણ ઉપરાંત બેરોજગારી, ગરીબી જેવા ગંભીર પ્રશ્નો વિશે આ દેશમાં હજુ સુધી વ્યાપકપણે ગંભીર ચિંતન શા માટે શરૂ નથી થયું? છૂટાછવાયા પ્રયાસ થતા રહે છે. જેમ કે 2018માં સુદર્શન સમાચાર ચૅનલના સંચાલક સુરેશ ચવાણકેએ દેશવ્યાપી પ્રવાસ કરીને આ મુદ્દે લોકજાગ્રતિ લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રાજ્યસભાના સાંસદ ડૉ. રાકેશ સિન્હાએ 2019માં રાજ્યસભામાં આ મુદ્દે પ્રાઇવેટ મેમ્બર બિલ દાખલ કર્યું હતું, જેની ચર્ચા 2021ના ચોમાસુ સત્રમાં થવાની હતી, પરંતુ વિરોધ પક્ષોએ સંસદ ચાલવા જ નહોતી દીધી એ આપણે જાણીએ છીએ. એ પછી હમણાં વિજયા દશમીને દિવસે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે પણ તેમના પ્રવચનમાં વસ્તી વધારા અંગે ચિંતા વ્યક્ત કરી. હવે ફરી આ મુદ્દે ચર્ચા અને ચિંતન શરૂ થયું છે જેના ભાગરૂપે ડૉ. રાકેશ સિન્હાએ ગયા અઠવાડિયે કર્ણાવતીના દિનેશ હૉલમાં એક વિશાળ સમૂહને સંબોધન કર્યું હતું.

રાકેશ સિન્હાએ માહિતી આપી કે, વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવાની ચિંતા અને પ્રયાસો સ્વતંત્રતા પહેલાં- છેક 1940થી જ શરૂ થઈ ગયા હતા. તે સમયે એટલે કે આજથી 80 વર્ષ પહેલાં અંગ્રેજ શાસનમાં રાષ્ટ્રીય આયોજન કમિટી હતી જેની એક પેટા સમિતિને વધતી વસ્તી અંગે સર્વમાન્ય ઉકેલ શોધવાની કામગીરી પણ સોંપવામાં આવી હતી. 1946 આવતાં આવતાં સ્વતંત્રતા પહેલાં વચગાળાની સરકાર બની હતી તેણે પણ હેલ્થ સરવે એન્ડ ડેવલપમેન્ટ કમિટીની રચના કરી હતી. ટૂંકમાં દેશમાં પહેલી વચગાળાની સરકાર બની ત્યારથી વસ્તી નિયંત્રણ માટે પ્રયાસ શરૂ થઈ ગયા હતા. આ માટે સ્વતંત્રતા પછી પહેલી પંચવર્ષીય યોજના શરૂ થઈ ત્યારે વસ્તી નિયંત્રણ કાર્યક્રમ માટે રૂપિયા 15 લાખની ફાળવણી થઈ હતી. ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં રૂપિયા બે લાખ કરોડ કરતાં વધુ રકમ વસ્તી નિયંત્રણ કાર્યક્રમો પાછળ વપરાઈ ચૂકી છે, છતાં આ બાબતમાં આપણે ક્યાં ઊભા છીએ?

વળી, સમસ્યા માત્ર વસ્તી વધારાની નથી પરંતુ ખોરવાઈ રહેલા ડેમોગ્રાફિક સંતુલનની પણ ગંભીર સમસ્યા છે. દેશના આઠથી નવ રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે અને આ સ્થિતિ કેટલી જોખમી બની શકે છે એ કાશ્મીર, કેરળ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો પરથી સમજવું પડશે.

કોઈપણ માનવ સભ્યતાને ટકવા માટે તેનો જન્મદર 2.3 ટકા હોવો જોઈએ, પણ ભારતમાં હિન્દુઓનો હાલનો જન્મદર 2.1 થઈ ગયો છે. તેની સામે મુસ્લિમોનો જન્મદર 3.6 ટકા છે. આ વાતને સરળ ભાષામાં સમજવી હોય તો કહી શકાય કે દેશમાં જે પ્રત્યેક 100 બાળક જન્મે છે તેમાં 47 મુસ્લિમ અને 40 હિન્દુ છે. બાકીના 13 અન્ય તમામ સમુદાયોના છે. આ સમસ્યા કેટલી ગંભીર છે અને આગામી સમયમાં તેના કેવાં પરિણામ આવશે એ વિશે કમનસીબે એજન્ડાધારી મીડિયા અને લીલા ચશ્માધારી સેક્યુલરોને કોઈ ચિંતા નથી!

દેશમાં છેલ્લા થોડાં વર્ષમાં જ્યારે જ્યારે વસ્તી નિયંત્રણની વાત કરવામાં આવે છે ત્યારે એજન્ડાધારી મીડિયા અને લીલા ચશ્માધારી સેક્યુલરો તેને ધાર્મિક રંગ આપીને આ ગંભીર સમસ્યાની ચર્ચાને જ છિન્ન-ભિન્ન કરી નાખે છે. પરંતુ હવે આ મુદ્દે વર્તમાન સરકારે કડક વલણ અખત્યાર કરીને વસ્તી નિયંત્રણનો કડક કાયદો લાવવો જ જોઇએ. તેમાં કોઈ ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના – પ્રારંભમાં થોડો છૂટછાટનો સમય આપ્યા પછી કોઈ એક નિર્ધારિત તારીખ બાદ બે કરતાં વધુ બાળકો ધરાવતા પરિવારોને તબક્કાવાર સરકારી સેવાઓનો લાભ લેવામાંથી વંચિત કરવાની જોગવાઈ કરવી જોઇએ. કાયદા છતાં કેટલાક લોકો ન માને તો લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવામાંથી (મતાધિકાર)થી વંચિત કરવાની જોગવાઈ કરતાં પણ ન અચકાવું જોઇએ. હાલની વસ્તીની સમસ્યા મતબેંક સાથે પણ જોડાયેલી છે અને જો કાયદો કડક કરીને એ તોડનારનો મતાધિકાર આંચકી લેવાની જોગવાઈ કરવામાં આવે તો ઘણો ફેર પડી શકે તેમ છે...એજન્ડાધારી મીડિયા, લીલા ચશ્માધારી સેક્યુલરો અને સરકાર આ દિશામાં વિચાર કરે ત્યાં સુધી- મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment