--- તંત્ર એટલે સરકાર? કે તંત્ર એટલે ભાજપ? તંત્ર એટલે પંચાયત કે પછી તંત્ર એટલે નગરપાલિકા? તંત્ર એટલે ખરેખર શું? અને “એ તંત્ર” સામે આંગળી ચીંધવામાં મીડિયા શા માટે ગેંગેફેંફે થઈ જાય છે?
આપણામાં એક કહેવત છે, “નબળો ધણી, બૈરી પર શૂરો.” બહાર જેનું કંઈ ન ચાલે એ ઘરે આવીને
હાકલા-પડકારા કરે. ભારતનું મીડિયા આ નબળો ધણી છે. ખાસ કરીને 2014 પછી આ ધણીની
નબળાઈ ઘણી વધી ગઈ છે. મીડિયાએ “આવી નબળાઈ” 2014 પહેલાંના 70 વર્ષ સુધી દાખવી હોત
તો આજે ભારત દુનિયાના ટોચના દસ દેશોમાં સ્થાન પામતો હોત.
ગુજરાત અને ભારતના કોઇપણ શહેર, નગર કે ગ્રામ્ય વિસ્તારમાં
જાવ એટલે તમારો સામનો ગેરકાયદે દબાણ, ગંદકી, બેફામ પાર્કિંગ, ટ્રાફિક જામ – જેવી
તમામ પ્રકારની સમસ્યાઓથી થશે. આ દેશનો દરેક ત્રીજો નાગરિક તમને આ સમસ્યાઓ માટે
સરકારને જવાબદાર ઠેરવતો સાંભળવા મળશે. અને લગભગ તમામ મીડિયા પણ આવી સમસ્યાઓના ફોટા
અને આકરી ભાષામાં સમાચાર લખી નાખશે. પછી સરકારને ગાળો દેતા એ જ નાગરિકો અને એ જ
મીડિયાવાળા સાંજે મસ્તમજાનું ભોજન કરીને ટીવી શ્રેણી માણતાં માણતાં સૂઈ જશે.
પ્રશ્ન એ છે કે, શું એ ગંદકી સરકાર પોતે કરે છે? શું એ ટ્રાફિક જામ અને આડેધડ પાર્કિંગ
સરકાર પોતે કરે છે? શું રસ્તા પર
અને ફૂટપાથ પર અને સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ સરકાર પોતે કરે છે?
આખી સમસ્યાનું સૌથી પહેલું પગલું તો એ છે કે, ભારતના
મીડિયાને સરકાર, વહીવટીતંત્ર, અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકીય પક્ષ – આ બધા
વચ્ચેના તફાવતનું ભાન જ નથી. અથવા માની લો કે ભાન છે, અને તેમ છતાં દરેક સમસ્યા
માટે સરકાર સામે આંગળીયો ચીંધ્યા કરે છે તો તેનો સીધો અર્થ એ છે કે, મીડિયાને
વહીવટીતંત્ર સાથે નહીં પણ સત્તાધારી પક્ષ સાથે વાંધો છે. (એનાં કારણો વાચકો તમે
જાતે સમજી જશો.)
સરકાર અને શાસક પક્ષ કોઇપણ રીતે પોતાની જવાબદારીમાંથી છટકી
ન શકે અને તેમને ક્લિનચીટ આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પરંતુ મૂળ મુદ્દો નબળા
ધણી- નામે મીડિયાનો છે. ભારતના મીડિયાને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ (સંશોધન
પત્રકારત્વ)ની કોઈ ગતાગમ જ નથી. કોઇપણ સમસ્યા થાય, કોઇપણ ઘટના બને એટલે સીધા જ શાસક
પક્ષ ઉપર તૂટી પડે છે.
કમનસીબે ભારતના મીડિયાને ભાન જ નથી કે, શાસક પક્ષો તો
કામચલાઉ હોય છે. ચૂંટાયેલી સરકાર તો કામચલાઉ હોય છે. એ પાંચ વર્ષ સત્તા પર રહે કે
25 વર્ષ, પણ રાજકીય પક્ષે (ચૂંટાયેલી સરકારે) લોકશાહી પદ્ધતિનો ઉપયોગ કરીને સત્તા
પર આવવાનું હોય છે, અને વિપક્ષમાં પણ બેસવું પડે છે.
આથી વિરૂદ્ધ જે વહીવટીતંત્ર છે, જે અધિકારીઓ છે, જે
કર્મચારીઓ છે – એ બધું સ્થાયી હોય છે, કાયમી હોય છે. અધિકારીઓ અને કર્મચારીઓનું
બનેલું વહીવટીતંત્ર ગંધાઈ ઊઠેલું છે, સડી ગયેલું છે. એ ભ્રષ્ટાચાર અને સગાવાદથી
ખદબદી રહ્યું છે. પણ તેમછતાં મીડિયાને આ બધું દેખાતું નથી. ક્યાંક આગની ઘટના બને
અથવા ક્યાંક મકાન તૂટી પડે અથવા ક્યાંક જમીન ધસી પડે ત્યારે સીધેસીધી ચૂંટાયેલી
સરકાર ઉપર શૂરા થઈને તૂટી પડતા મીડિયાવાળાને કોણ સમજાવશે કે સરકારના દરેક સ્તરે
સુચારુ સંચાલન માટેના કાયદા અને નિયમો ઘડાયેલા છે! અને તેની જવાબદારી જે તે વિભાગના
અધિકારીઓ તથા કર્મચારીઓની હોય છે!
શું આટલી સાદી વાત મીડિયાને ખબર નથી? ખબર તો બધી છે, પરંતુ એ અધિકારીઓ તથા એ
કર્મચારીઓને સીધાસીધા જવાબદાર ઠેરવવાની મીડિયામાં હિંમત નથી. આગ કે તેના જેવી અન્ય
દુર્ઘટનાઓ બાદ એ માટે કયા અધિકારી અને કયા કર્મચારીઓ જવાબદાર છે એ ઇન્વેસ્ટિગેશન
કરીને બહાર લાવવાની મીડિયા પાસે હિંમત નથી, કેમ કે મીડિયા નબળો ધણી છે. દુર્ઘટના
માટે, ગંદકી માટે, ટ્રાફિકની સમસ્યા માટે, ગેરકાયદે દબાણ માટે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ
અને કર્મચારીઓના નામ જાહેર કરવામાં સ્થાપિત હિતોનો ટકરાવ થઈ શકે, પરંતુ તેનાથી
વિરૂદ્ધ ચૂંટાયેલી સરકારનું નામ છાપરે ચડાવી દેવાથી “બધાનું બધું સચવાઈ જાય છે”... ખરું ને!
અલબત્ત, એ વાત એટલી જ સાચી છે કે, ચૂંટાયેલી સરકાર આ સમગ્ર
વહીવટીતંત્રના સંચાલન અને નિયમન માટે જવાબદાર હોય છે અને અધિકારીઓ-કર્મચારીઓને કામ
કરતા રાખવા, ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ સામે પગલાં લેવા એ બધી જવાબદારી ચૂંટાયેલી
સરકારની હોય છે જ, પરંતુ મીડિયા દરેક મુદ્દે માત્ર ચૂંટાયેલી સરકારને જ નિશાન બનાવવાનું
અને ખરેખરા ભ્રષ્ટ અપરાધીઓ સાથે ચા-પાણી કરીને ગોઠવણ કરી લેવાનું ચાલુ રાખશે તો ના
ભ્રષ્ટાચાર ખતમ થશે, ના સમસ્યાઓમાંથી મુક્તિ મળશે...કેમ કે મીડિયાએ એ યાદ રાખવું
પડશે કે અધિકારીઓ-કર્મચારીઓ અને નેતાઓ એ બધા જ પ્રજામાંથી જ સર્જાય છે, પરિણામે
આપણને પોતાને, એટલે કે પ્રજાને જવાબદાર ઠેરવવાની હિંમત નહીં કરીએ તો આ દેશમાં કદી
સુધારો નહીં થાય એટલું જ નહીં પરંતુ પત્રકારત્વ પણ શંકાના ઘેરામાં રહેશે. મીડિયા
આપણી આસપાસ, પ્રજાની વચ્ચે જ રહેલા ખરા અપરાધીઓને શોધવા અંગે વિચારે ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:
Post a Comment