Sunday, July 12, 2020

ભાજપ માટે સાવધાન થવાનો સમય આવી ગયો છે

ગુજરાતમાં કોંગ્રેસે તેના સંગઠનમાં કેટલીક નિમણૂક કરીને સંદેશો આપી દીધો છે કે તેને રાજકીય શુદ્ધિમાં કોઈ રસ નથી. ભાજપ માટે જાણે બગાસું ખાતાં પતાસું મોંમાં આવી ગયા જેવી સ્થિતિ છે...પરંતુ ના, સાવધાની હવે ભાજપે જ રાખવાની છે, રાજ્યમાં અને રાષ્ટ્રીય સ્તરે

n  અલકેશ પટેલ

 હવે ભાજપની જવાબદારી વધે છે. સાવધાન ભાજપે થવું પડશે કેમ કે, આટલી પછડાટ પછી પણ કોંગ્રેસ કોઈ પાઠ શીખવા તૈયાર નથી. ગુજરાત કોંગ્રેસમાં શનિવારે 11 જુલાઈ, 2020ના રોજ થયેલી નવી નિમણૂક પ્રજાને, મતદારોને સ્પષ્ટ સંકેત છે કે એક બ્રિટિશ વ્યક્તિના માર્ગદર્શન અને તેની સૂચના અનુસાર સ્થાપિત 140 વર્ષ જૂના આ પક્ષને માત્ર જૂથવાદી અને ભાંગફોડિયા લોકો પસંદ છે.

એ વાત તો સાચી છે કે, કોની નિમણૂક કરવી અને કોની ન કરવી એ નિર્ણય લેવાનો જે તે પક્ષને અધિકાર છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું પ્રજાએ આવી નિમણૂક સ્વીકારી લેવાની? જે વ્યક્તિએ તદ્દન ખોટી માગણી સાથે હજારો યુવાનોને ગેરમાર્ગે દોરીને હિંસા થાય એવું વાતાવરણ ઊભું કર્યું હોય અને તેને કારણે શાંતિપ્રિય અને પ્રગતિશીલ રાજ્ય ગુજરાત અનેક દિવસ સુધી અશાંતિમાં લપેટાઈ ગયું હોય, જાહેર મિલકતોને નુકસાન થયું હોય, નિર્દોષ લોકોએ જીવ ખોયા હોય - એવા લોકો હજુ પણ પ્રજાનું નેતૃત્વ કરશે? જે લોકોને કારણે અનેક દિવસ સુધી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હોય, કાયદો અને વ્યવસ્થા જાળવવા પરસેવો વહાવતી પોલીસ બદનામ થઈ હોય એ જ પોલીસે ભવિષ્યમાં આવા લોકો શપથ લે પછી તેમને સલામ કરવાની?

આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે? અનેક દાયકાથી ભારતીય માનસમાં એક ખોટી માન્યતા ઘૂસાડી દેવામાં આવી છે કે, રાજકારણમાં તો આવા જ લોકો ચાલે, સજ્જનોનું કામ નથી! તો મને લાગે છે આ માન્યતા બદલવાની જવાબદારી અને ફરજ ભાજપની છે.

ગુજરાત કોંગ્રેસમાં જે કંઈ ફેરફાર થયા તેને કારણે ભાજપને એમ લાગતું હશે કે તેમની પાસે હવે કોંગ્રેસને ઘેરવાની તક આવી ગઈ છે. ભાજપને એમ લાગતું હશે કે કોંગ્રેસના નવા નિમાયેલા લોકોને તેમના ભૂતકાળને કારણે માધ્યમોમાં તેમજ સોશિયલ મીડિયામાં શરમજનક સ્થિતિમાં મૂકી શકાશે. તેની સાથે રાજ્યની ખૂબ મોટી સંખ્યામાં શાણી પ્રજા પણ સોશિયલ મીડિયામાં એવી વાતો કરી રહી છે કે, ગુજરાત કોંગ્રેસના આવા નિર્ણયોથી ભાજપને ફાયદો થશે...તો મને કહેવા દો કે ભાજપ સહિત બધા જ ભૂલ કરે છે.

કારણ?

કારણ એટલું જ કે, હવે રાજકીય શુદ્ધિની ભાજપની જવાબદારી વધી જાય છે.
ભાજપે મીડિયામાં તેમજ સોશિયલ મીડિયામાં કોંગ્રેસની ટીકા કરવાની અસરકારકતા જાળવવી હશે તો શુદ્ધ વિકલ્પ આપવા જ પડશે. ભ્રષ્ટાચાર અને ચારિત્ર્યહીનતા જો નેતા બનવાનાં લક્ષણ ગણાતા હોય તો અમારે એવા કોઈ રાજકીય પક્ષની જરૂર નથી જ. અને આ જ સંદેશ ભાજપ માટે પણ છે.

ટૂંકાગાળાના રાજકીય લાભ માટે સાંસદો કે ધારાસભ્યો કે તેથી નીચેના નેતાઓનું આયારામ-ગયારામ થતું હોય ત્યાં સુધી વાંધો નથી. એ અનિવાર્ય અનિષ્ટ છે અને પ્રજા અમુક અંશે એ ચલાવી લેશે...પરંતુ મુદ્દો રાજકીય શુદ્ધિકરણનો છે. ચૂંટણી જીતવા માટે બાહુબલીઓને ટિકિટ આપવી એ મજબૂરી છે એવી માનસિકતામાંથી કમ સે કમ ભાજપે બહાર નીકળવું જ પડશે. (તમામ પ્રકારના અનિષ્ટ ધરાવતા લોકો માટે હિન્દીમાં બાહુબલી શબ્દ છે, એ અર્થમાં ગુજરાતીમાં શબ્દ નથી. ગુજરાતીમાં એ માટેના સચોટ શબ્દ વાપરીએ તો કાનૂની ચક્કરમાં ફસાવાનું જોખમ છે એટલું હું અહીં ઇરાદાપૂર્વક બાહુબલી શબ્દ વાપરું છું...અર્થ બધાને ખબર જ છે.) કોઇની સામે રાજકીય કેસો હોય એ અલગ બાબત છે, પરંતુ ભ્રષ્ટાચાર, હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા હોય એવા લોકોને ટિકિટ આપવામાંથી કમ સે કમ ભાજપે તો બચવું જ પડશે. અને તો જ તે અન્ય પક્ષો સામે આંગળી ચીંધી શકશે, અન્યથા તરત જ તમને કહેવામાં આવશે કે, તમે એક આંગળી ચીંધી પણ ત્રણ આંગળી તમારા તરફ છે...ત્યારે એનો જવાબ ભાજપ આત્મવિશ્વાસપૂર્વક નહીં આપી શકે. અને એ દિવસે કોઈ તમને પેલા સાધુ-મહાત્માની વાત યાદ અપાવશે કે એક પાપીને બીજા પાપી ઉપર પથ્થર ફેંકવાનો અધિકાર નથી.

એટલે જ પ્રજાની હંમેશાં અપેક્ષા રહેશે કે કોંગ્રેસની ખરાબીઓનું પુનરાવર્તન ભાજપ ન કરે.

યાદ રહે, ભાજપ માટે લડાઈ સહેલી નથી. ભાજપની સ્થિતિ અભિમન્યુ જેવી છે. તેણે એક સાથે અનેક બાજુ લડવાનું છે. સાત દાયકા કરતાં વધુ સમયથી રાજકારણમાં ઘૂસી ગયેલી ભ્રષ્ટ માનસિકતા સામે, જાતિવાદી રાજકીય માનસિકતા સામે, મુસ્લિમ તૃષ્ટિકરણની રાજકીય માનસિકતા સામે, સગાવાદની રાજકીય માનસિકતા સામે, જૂથવાદી રાજકારણ સામે – ભાજપે લડવાનું છે. પ્રજાએ તમને સત્તા આપી છે અને તમારી સત્તા ટકાવી રાખી છે તેનો સ્પષ્ટ સંદેશો એ જ છે કે ભાજપે આ બધા સામે લડવાનું છે...પણ આ બધી બદીઓની સામે લડતાં લડતાં બહાર નીકળતી વખતે જો તમે પણ બાહુબલીઓના ખભાનો ટેકો લેશો તો એ છેલ્લો કોઠો સાબિત થશે જેને તમે ભેદી નહીં શકો અને અભિમન્યુ બની જશો. ભાજપ વિજેતા અભિમન્યુ બને એમ મોટાભાગની પ્રજા દિલો-દીમાગથી ઇચ્છે છે.

ભાજપ આ કમનસીબ દેશનો એવો અભિમન્યુ છે જ્યાંના અખબાર, સામયિકો તેમજ ટીવી અને હવે વેબપોર્ટલ જેવા પરંપરાગત મીડિયા ઉપર ઘણેખરે અંશે બદમાશોનો કબજો છે. એ બદમાશોને વેટિકન અને જેહાદી નાણા મળે છે. અને તેથી એ બધા મીડિયા કદી તમારી સારી બાબતોને મહત્ત્વ આપે અથવા તમારા સારાં પાસાં પ્રજા સમક્ષ રજૂ કરીને સાચું પત્રકારત્વ કરે એ શક્યતા જ નથી. તમારી સાથે માત્ર આ દેશની શાંત અને શાંતિપ્રય બહુમતી પ્રજા જ છે. અને એટલે જ ભારતવર્ષની બહુમતી પ્રજા પ્રત્યે ભાજપે પણ જવાબદારી નિભાવવી પડશે. કોંગ્રેસ અથવા અન્ય પક્ષોના આંતરિક વિખવાદ કે પછી એ પક્ષોની ભૂલો ઉપર આધાર રાખીને નૌકા પાર નહીં થઈ શકે. તોરલ-નામે-પ્રજા વિશુદ્ધ છે અને તે ભાજપની નૌકા પાર ઊતારવા સક્ષમ છે કેમ કે તેને તેના ઉપર વિશ્વાસ છે. જવાબદારી હવે ભાજપની છે કે એ તોરલના સંકેત સમજે છે કે નહીં.તો ચાલો અલકેશ પટેલના હરિઓમ.