Showing posts with label મોદી. Show all posts
Showing posts with label મોદી. Show all posts

Sunday, February 5, 2023

બીબીસી ડોક્યુમેન્ટ્રી અને અદાણી જેવાં સમુદ્રમંથન મે, 2024 સુધી થતાં રહેશે- છેવટે અમૃત નીકળશે


---------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 દુનિયામાં એવી કેટલીક આસુરી વિચારધારાઓ ઉત્પાત મચાવી રહી છે જેમને ભારતની પ્રગતિ સામે વાંધો છે. ભારત ફરી એક વખત વિશ્વગુરુ બને એ આ અસુરોને સહન થતું નથી કેમ કે ક્ષમતાવાન અને સમૃદ્ધ ભારત વિસ્તારવાદી આક્રાંતાઓના બદઇરાદા ઉપર બ્રેક મારવા સમર્થ હોય છે. આ સ્થળે મેં અસંખ્ય વખત કહ્યું છે કે ચાર પ્રકારનાં તત્વો – ડાબેરીઓ, મિશનરીઓ, જેહાદીઓ અને મીડિયા – આ આસુરી વિચારધારાના કાંતો સર્જકો છે અથવા તેના સમર્થક છે. એવું પણ વારંવાર કહ્યું છે કે, આ તમામ તત્વો 2002થી સક્રિય છે અને 2014થી તો રીતસર મરણિયા બન્યા છે. આ સ્થિતિ મે, 2024ની લોકસભા ચૂંટણી સુધી યથાવત્ રહેશે.

બીબીસીની ગુજરાત વિશેની ડોક્યુમેન્ટ્રી અને ત્યારબાદ દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી જૂથ વિરોધી હિંડનબર્ગ અહેવાલ- આ બંને ઘટના ભારતીય રાજ્યસત્તા ઉપર હુમલાનો જ એક ભાગ છે. આ બંને આક્રમણમાં વિદેશી સંસ્થાઓનો દેખીતો હાથ જણાય છે અને તેમને મદદ કરનારા મૂળ ભારતીયો જ છે. ભારતમાં સત્તા અને સન્માન ગુમાવી ચૂકેલા રાજકારણીઓ, રાજકીય પક્ષો તેમજ મીડિયામાં રહેલા તેમના એજન્ટો રાષ્ટ્રવાદી સરકાર અને રાષ્ટ્રવાદી પક્ષોને કોઇપણ ભોગે સત્તા પરથી દૂર કરવા માગે છે, કેમ કે પ્રજાને લૂંટવાનો તેમનો 70 વર્ષનો ગરાસ ખોરવાઈ ગયો છે. બીજું, બીબીસી જેવી વિદેશી સંસ્થાઓ હંમેશાં મિશનરીઓ, ડાબેરીઓ અને જેહાદીઓના કબજામાં રહી છે અને તેથી ભારત-વિરોધી પ્રવૃત્તિ તેમની ગમતી પ્રવૃત્તિ હોય છે. ભારત વિરોધી પ્રવૃત્તિ કરવાની હોય તો ચીન પાસેથી નાણા મળવાની પણ પૂરી ખાતરી હોય છે.

મે, 2014થી અત્યાર સુધીનો ઇતિહાસ જોઇએ તો દર વર્ષે ઓછામાં ઓછી એક અથવા તેથી વધુ ઘટનાઓ બની છે જેનો ઉદ્દેશ સીધે સીધો મોદી સરકારને અને એ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબિ બગાડવાનો હતો. શાસનના પ્રથમ વર્ષમાં 2015માં જ મોદી સરકારે જમીન સંપાદન (સુધારણા) જાહેરનામું બહાર પાડ્યું હતું. મોદી સરકાર એ જાહેરનામા દ્વારા જમીન સંપાદન પ્રક્રિયા સરળ બનાવવા માગતી હતી જેથી વિકાસ કામો ઝડપથી થઈ શકે. પરંતુ વિપક્ષોએ તત્કાળ એ જાહેરનામાનો વિરોધ શરૂ કરી દીધો. વિપક્ષો શેરીઓમાં ઉતરી આવ્યા. એ હદે વિરોધ થયો કે સરકારે છેવટે જાહેરનામું પાછું ખેંચવું પડ્યું. ત્યારપછીના વર્ષે 2016માં ભારત સરકારે નોટબંધી કરી દીધી. કાળા નાણાના વિકરાળ અજગરને કચડી નાખવા માટે તેમજ સમાંતર અર્થતંત્રને ડામી દેવા માટે એ પગલું જરૂરી હતું. દેશની બહુમતી પ્રજાનું જોકે સરકારને પૂરું સમર્થન હતું પરંતુ ફરીથી વિપક્ષોએ અને ચોક્કસ હિત ધરાવતા મીડિયા ગૃહોએ સરકારને બદનામ કરવાના અને એ દ્વારા પ્રજાને ઉશ્કેરવાના તમામ પ્રયાસ કર્યા હતા. એ લોકોએ ઘણા મહિના સુધી એવું વાતાવરણ ઊભું કરી દીધું હતું જાણે મોદી સરકારે દુનિયાનો સૌથી ગંભીર અપરાધ કરી દીધો હોય. એ જ રીતે 2017માં સરકારે જીએસટી કાયદો પસાર કર્યો ત્યારે પણ આ ચારેય તત્વોએ પ્રજાને, ખાસ કરીને વેપારીઓને ઉશ્કેરવા આકાશ-પાતાળ એક કરી દીધા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તો 2017થી હજુ આજ સુધી જીએસટી માટે ગબ્બર સિંહ ટેક્સ જેવા શબ્દો વાપરે છે.

2019માં સરકારે દેશહિતમાં બે મોટાં પગલાં લીધાં. એક તો સાત દાયકાથી જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ રાખતી કલમ 370 નાબૂદ કરી અને ભારતના પાડોશી દેશો- શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં વસતા અને ત્યાં અત્યાચારનો ભોગ બનતા મૂળ ભારતીય એવા હિન્દુ, સિખ, જૈન, બૌદ્ધ તથા ખ્રિસ્તીઓને ભારત પરત આવવા માટે સુવિધા કરી આપવા CAA કાયદો પસાર કર્યો. આ બંને પગલાં સામે મહિનાઓ સુધી રાજકીય પક્ષો અને ખાસ કરીને મુસ્લિમોએ આંદોલન કર્યાં. 2020માં મોદી સરકારે ખેડૂતોની સ્થિતિ સુધારવા ત્રણ કૃષિ કાયદામાં સુધારા કર્યા. અને તે સાથે પંજાબ, હરિયાણાના ખેડૂતોએ ખાલિસ્તાનીઓની મદદથી એક વર્ષ કરતાં વધુ સમય સુધી રાજધાની દિલ્હીને ઘેરાવ કરી રાખ્યો. એ દરમિયાન 2021ની 26 જાન્યુઆરીએ ખાલિસ્તાની સમર્થકોએ છેક લાલ કિલ્લા સુધી પહોંચી જઇને ભારે હિંસક ખેલ માંડ્યો.

આ બધું ઓછું હોય તેમ કેરળમાં કોંગ્રેસે ગૌહત્યાનું સમર્થન કરવા જાહેર રસ્તા ઉપર વાછરડાની કતલ કરીને તેનું માંસ રાંધીને ખાધું. દિલ્હીની ડાબેરીઓથી કુખ્યાત થયેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં આતંકવાદીઓના સમર્થનમાં અને પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચારો કર્યા. દિલ્હીમાં તત્કાલીન અમેરિકી પ્રમુખ ટ્રમ્પની મુલાકાત દરમિયાન જ  આમ આદમી પાર્ટીના સમર્થકોએ CAAના વિરોધમાં હિન્દુ વિરોધી રમખાણો કરીને અનેક હિન્દુઓની હત્યા કરી.

ટૂંકમાં આ બધાં આંદોલન અને તોફાનો મોદી સરકારને સત્તાથી દૂર કરવા માટેના હતાં. આમછતાં એ તમામ પ્રયાસોમાં નિષ્ફળ ગયેલા દેશ-વિરોધી તત્વો તેમના અધુરા રહેલા મનસુબા પાર પાડવા હવે બીબીસી ડોક્યુમેન્ટ્રી અને અદાણી જૂથ સામે કાવતરાં કરીને તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે. આ સંજોગોમાં એવી આશંકા જરાય અસ્થાને નથી કે દેશના અર્થતંત્રને તેમજ દેશની સમાજ વ્યવસ્થાને નુકસાન કરીને સરકાર વિરોધી વાતાવરણ ઊભું કરવા આ તમામ પરિબળો 2024ની ચૂંટણી સુધીમાં હજુ આવી કેટલીય ઘટનાઓને અંજામ આપશે. તેમના પ્રયાસોમાં દેશ-વિરોધી પરિબળો સફળ થશે કે નહીં એ તો મે-જૂન 2024માં જ ખબર પડશે, પરંતુ ત્યાં સુધીમાં દેશને નુકસાન થતું રહેશે એટલું નિશ્ચિત છે. ડાબેરીઓ, મિશનરીઓ, જેહાદીઓ અને સ્થાપિત હિત ધરાવતા મીડિયાની સામે રાષ્ટ્રવાદી નાગરિકો તરીકે તમારે એટલે કે મતદારોએ એ નિર્ણાયક ચૂંટણીમાં શું કરવાનું છે એ વિચારવું રહ્યું. વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, January 9, 2022

વડાપ્રધાન મોદી, પંજાબ, પાકિસ્તાન અને ખાલિસ્તાન

 



 --- 5 જાન્યુઆરી, 2022: એક રાષ્ટ્રવાદીને કાયમ માટે દૂર કરી દેવાની એ ચાલ હતી કે પછી આ તારીખ પંજાબમાં કોંગ્રેસનું આત્મઘાતી પગલું સાબિત થશે? ખાલિસ્તાની ચળવળને કોણ હવા આપી રહ્યું છે? કોણ જીતશે – પંજાબિયત કે વામણા વિપક્ષો?

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

રવિવારે તમે આ લેખ વાંચતા હશો ત્યારે પંજાબની રાજકીય સ્થિતિએ કઈ દિશામાં કરવટ બદલી હશે એનો આજે શુક્રવારે તો કોઈ અંદાજ નથી. હાલની સ્થિતિએ એટલું નિશ્ચિત છે કે, પંજાબની રિમોટ કંટ્રોલ સરકારે હિમાલય જેવડી મોટી ભૂલ કરી દીધી છે. પંજાબના મુખ્યપ્રધાન ચન્નીને આ માટેના દિશા-નિર્દેશ કોના તરફથી, ક્યારે અને કેવી રીતે મળ્યા હતા એ વાત તો કદી બહાર નહીં આવે, પરંતુ એટલું સ્પષ્ટ શબ્દોમાં કહી શકાય કે પાંચ જાન્યુઆરી, 2022ની ઘટનાથી પંજાબ કોંગ્રેસના અંતનો આરંભ થઈ ગયો છે.

આમ તો જે દિવસે નવજોત સિદ્ધુને પંજાબ કોંગ્રેસનો પ્રમુખ બનાવવામાં આવ્યો એ જ દિવસે રાજ્યમાં કોંગ્રેસની ઘોર ખોદાઈ ગઈ હતી, પરંતુ પંજાબ કોંગ્રેસના ઊંટની પીઠ ઉપરનું છેલ્લું તણખલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવને જોખમમાં મૂકવાની ગુસ્તાખી બની રહેશે.

નરેન્દ્ર મોદી નામનું એક રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ તમામ સનાતન-વિરોધીઓની આંખમાં કણાની જેમ ખૂંચે છે. આ માણસે કોઈનું પણ અહિત કર્યું નથી. જે કંઈ કર્યું છે તે માત્ર આ દેશના સાચા નાગરિકોને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. દુનિયામાં ભારતીય તરીકેની ઓળખ ગૌરવ બની રહે એવાં કામ નરેન્દ્ર મોદીએ કર્યાં છે. પાકિસ્તાન અને ભારતમાં રહેતા પાકિસ્તાની મળતિયાઓની લાંબાગાળે જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરી દેવાની યોજના ધૂળમાં મળી ગઈ એ દિવસથી પાકિસ્તાનના ઝેરીલા જેહાદીઓ અને ભારતમાં વસતા તેમના સ્લીપર સેલ મોદીના લોહીના તરસ્યા થયા છે.

રાષ્ટ્રદ્રોહીઓએ 2018ની પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં સભા કરી અને ત્યાં હિંસા થઈ. એ હિંસાખોરોની તપાસ દરમિયાન નરેન્દ્ર મોદીની હત્યા માટે માઓવાદીઓ દ્વારા ઘડવામાં આવેલી રહેલા કાવતરાને લગતો એક પત્ર તપાસ એજન્સીઓના હાથમાં આવ્યો હતો. એ પત્રમાં એક વાક્ય હતું કે, – જે રીતે 1991માં તમિળનાડુમાં એલટીટીઈ દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી એવી જ રીતે નરેન્દ્ર મોદીને તેમના રોડશો દરમિયાન... માઓવાદીઓની આ ટૂલકિટ ઉપર કામ કરવા માટે પાકિસ્તાને ખાલિસ્તાની ચળવળને હવા આપી. એક વર્ષ સુધી ચાલેલા નકલી ખેડૂત આંદોલન દરમિયાન અનેક વખત ઉશ્કેરણી કરવામાં આવી જેથી સરકાર આકરાં પગલાં લે અને પછી આખા દેશમાં હિંસા ફેલાવીને મોદીને બદનામ કરીને સત્તાભ્રષ્ટ કરી શકાય. જોકે, રાષ્ટ્રદ્રોહીઓની ચાલ સારી રીતે સમજી ચૂકેલા નરેન્દ્ર મોદીએ એક પણ ગોળી ચલાવ્યા વિના આંદોલન એક વર્ષ સુધી ચાલવા દીધું અને છેવટે ત્રણ કાયદા ખેડૂતોના હિતમાં હતા છતાં પાછા ખેંચી લીધા. એ કાયદા પાછા ખેંચાવાથી ટુણિયાટ અને વામણા વિપક્ષોનો ગરાસ લૂંટાઈ ગયો છે. કાયદામાં પીછેહઠ છતાં મોદીની સ્થિતિ નબળી ન પડતાં વામણા વિપક્ષે જે ખેલ ખેલવાનું દુઃસાહસ કર્યું તે ગત બુધવારે દેશ અને દુનિયાએ જોયું.

જે કંઈ થયું તેનું સત્ય ગમેત્યારે બહાર આવશે, પરંતુ પંજાબની ચન્ની સરકારનો તેમજ કોંગ્રેસના ગાંધી ખાન-દાનનો બચાવ કરનારા લોકો અને એજન્ડાધારી મીડિયા જે કંઈ કરી રહ્યા છે તે માત્ર ખેદજનક જ નહીં પણ અત્યંત જોખમી છે. આ તત્વો મુખ્યપ્રધાન ચન્નીને દલિત બતાવીને એવી છાપ ઊભી કરવા માગે છે કે મોદી સરકાર દલિતને નિશાન બનાવે છે! ભારતીય નાગરિકોએ વામણા વિપક્ષોની આવી ચાલમાં ફસાવું જોઈએ નહીં. આ સમગ્ર કેસમાં વાત કોઈ દલિત મુખ્યપ્રધાનની નથી, પણ એક ચૂંટાયેલી રાજ્ય સરકારે આ વિશાળ દેશના એક શક્તિશાળી વડાપ્રધાનના સંરક્ષણમાં જે કોઈ ગોબાચારી કરી તેની સામે જો આકરાં પગલાં લેવામાં ન આવે તો વિપક્ષ શાસિત બીજાં રાજ્યોના વામણા નેતાઓને પણ આવી ગુસ્તાખી કરવાની છૂટ મળી જાય.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમની તપાસનું શું પરિણામ આવશે, સુપ્રીમ કોર્ટમાં આ અસાધારણ ઘટના અંગેનો જે કેસ ચાલી રહ્યો છે એ કઈ દિશામાં જશે – એ બધા પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં મળશે... પરંતુ ખાલિસ્તાની માનસિકતાની આગમાં પાકિસ્તાન દ્વારા, વામણા વિપક્ષો દ્વારા, ભારતમાં બેઠેલા પાકિસ્તાનના મીડિયા સહિતના સ્લીપર સેલ દ્વારા જે પેટ્રોલ નાખવામાં આવી રહ્યું છે તે ભારતને અને રાષ્ટ્રવાદી ભારતીયોને તો દઝાડશે જ પણ એ આગની જ્વાળાથી એ લગાડનારા પોતે પણ નહીં જ બચી શકે એ એટલું જ નિશ્ચિત છે.

અકાલી દળ અને ભાજપના સંયુક્ત શાસન દરમિયાન જે પંજાબ શાંત અને સુખી હતું એ પંજાબને કોંગ્રેસે, ખાસ કરીને પાકિસ્તાની તરફી માનસિકતા ધરાવતા સિદ્ધુ જેવા તત્વોએ ફરી અશાંતિ તરફ ધકેલી દીધું છે. સિદ્ધુની સાથે બધા નહીં પણ મુઠ્ઠીભર કોંગ્રેસીઓ છે, મુઠ્ઠીભર મીડિયા છે અને આખું પાકિસ્તાન, ચીન તેમજ ભારતમાં વસતા ઝેરીલા માઓવાદીઓ અને અર્બન નક્સલવાદીઓ સિદ્ધુની સાથે છે. આ બધા ભેગા મળીને ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ વાત સારી રીતે જાણતી-સમજતી જ હશે. ભાજપ અને અન્ય રાષ્ટ્રવાદીઓ હંમેશાં સહિષ્ણુતામાં માનતા હોય છે અને તેથી લોકશાહી પદ્ધતિએ ચૂંટણી દ્વારા પંજાબમાં જીત મેળવીને ત્યાં ફરી શાંતિ સ્થાપવાની ગણતરી હશે...પરંતુ પાંચ જાન્યુઆરી, 2022ની ઘટના પછી આવી કોઈ સહિષ્ણુતા રાખવાનું માત્ર ભાજપને જ નહીં, સમગ્ર દેશને મોંઘું પડી શકે છે. એ દિશામાં કેન્દ્રીય નેતૃત્વ વિચાર કરે ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, August 22, 2021

ડાબેરીઓને ફરી હિન્દુત્વ વિરોધી ચળ ઊપડી

--- રાષ્ટ્રવાદ સહન નહીં કરી શકતા હિંસાખોર ડાબેરીઓ ફરી સક્રિય થયા છે. આ ડાબેરીઓ અમેરિકામાં એકત્ર થઈને ચર્ચા કરવાના છે કે, હિન્દુત્વને કેવી રીતે ઉખાડી ફેંકવું? આ એ જ “બ્રેકિંગ ઈન્ડિયા” પરિબળો છે જેઓ અગાઉ દલિતોના નામે ભારતીયોમાં ઝેર ભરી ચૂક્યા છે, હવે ખેડૂતોને હાથો બનાવવા માગે છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

તમારામાંથી ઘણાને એમ લાગશે કે ઠીક છે, આવું તો ચાલ્યા કરે. ઘણા એવું પણ કહેશે કે, અરે! આ લોકો તો અનેક વર્ષથી આવા પ્રયાસ કરે છે પણ તેમને સફળતા મળી નથી. પરંતુ લેખની સાથે જે ફોટો છે તેના ઉપર ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે આ હિંસાખોર ડાબેરીઓ શું કરવા માગે છે?

આનંદ પટવર્ધન, આયેશા કિડવાઈ, બાનુ સુબ્રમણ્યમ, ભંવર મેઘવંશી, કવિતા કૃષ્ણન, મીના કંદસામી, મોહમ્મદ જુનૈદ, નંદિની સુંદર, નેહા દિક્ષીત, પી. સિવકામી – આ તમામ એ નામો છે અથવા એ લોકો છે જેમને તાલિબાની અને જેહાદી કૃત્યો સાથે જરાય વાંધો નથી, પણ ખુલ્લા મેદાનમાં સામાન્ય લાકડી સાથે કસરતના બે-ચાર દાવ કરતા, માતૃવંદનાનાં ગીતો ગાતા હિન્દુઓ સામે સખત નફરત છે. તેમની આ નફરત એ હદે પહોંચી ગઈ છે કે તેઓ આખા વિશ્વમાંથી હિન્દુત્વને ખતમ કરી દેવા માગે છે!

2011 એટલે કે આજથી દસ વર્ષ પહેલાં એક પુસ્તક પ્રકાશિત થયું હતું બ્રેકિંગ ઈન્ડિયા. અમેરિકામાં વસતા રાજીવ મલ્હોત્રા લિખિત આ અંગ્રેજી પુસ્તકમાં (જેનો ગુજરાતી અનુવાદ હવે ટૂંક સમયમાં પ્રકાશિત થવાનો છે) ભારતને ટુકડા ટુકડામાં વિખંડિત કરી દેવાની “મિશનરી-ડાબેરી-જેહાદી ત્રેખડ”ના કાવતરાની સિલસિલાવાર, દસ્તાવેજી પુરાવા સાથે માહિતી આપવામાં આવી છે. આ ત્રેખડ હવે ટુકડેગેંગ તરીકે કુખ્યાત છે એ વાત તમારામાંથી ઘણા લોકો જાણે છે.

2014થી અલગ અલગ રીતે સક્રિય આ ટુકડેગેંગને શાહીનબાગમાં નિષ્ફળતા મળી ત્યારબાદ કલમ 370 મુદ્દે પણ કશું જ કરી ન શકી. એટલે હવે આ ગેંગ નકલી-ખેડૂત આંદોલનને હાથો બનાવીને ભારતમાં અશાંતિ સર્જીને રાષ્ટ્રવાદી સરકારને હટાવી દેવા તલપાપડ થઈ ગઈ છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ ટુકડેગેંગ દેશમાં અશાંતિ સર્જાય એ માટે સક્રિય થઈ છે.

ઉપર જે નામો લખ્યાં તે ઉપરાંત એવા બીજા ઘણાં પરિબળો હશે જે ભારતને અસ્થિર કરવા માટેની “ડિસ્મેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ” ચળવળમાં જોડાયેલાં હશે. આ ગેંગ દ્વારા આગામી 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વિરોધી આ ટુકડેગેંગ કઈ હદે શક્તિશાળી હશે તેનો અંદાજ એ વાત ઉપરથી આવે છે કે, આ કૉન્ફરન્સ માટે તેમને દુનિયાની 45 કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સાથ મળ્યો છે! આ ગેંગ દ્વારા આ માટેની રીતસર એક વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે, તે ઉપરાંત ટ્વિટર હેન્ડલ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ ચૅનલ પણ બનાવી દેવામાં આવી છે જેના દ્વારા દુનિયાભરના ભારત વિરોધીઓને જોડી રહ્યા છે.

આ ટુકડેગેંગની વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે કે, ભારતની રાષ્ટ્રવાદી સરકાર ભારતના લઘુમતી સમુદાયો ઉપર, ભારતના કચડાયેલા વર્ગો (દલિતો) ઉપર, ભારતના ખેડૂતો ઉપર અસાધારણ અત્યાચારો કરી રહી છે અને તેના આ અત્યાચારોમાં વિશ્વમાં વસતા હિન્દુઓનો પણ ટેકો છે. ચાલાક બદમાશોની બનેલી આ ગેંગ હિન્દુઈઝમ અને હિન્દુત્વને અલગ પાડે છે અને એવું સ્થાપિત કરવા માગે છે કે, ભાજપ જેવા રાજકીય પક્ષ અને સંઘ જેવા હિન્દુવાદી સંગઠનોને કારણે હિન્દુત્વનું આતંકી સ્વરૂપ ભારત માટે જોખમી છે, અને તેથી તેને ઉખાડી ફેંકવું પડે! આ ટુકડેગેંગને શાંતિપૂર્ણ, સમૃદ્ધ, વિકસિત હિન્દુ-સ્થાન પસંદ નથી. આ જ ટુકડેગેંગે ગુજરાતમાં 2002 પછી 59 રામભક્તોની હત્યાના કાવતરાખોરોને બચાવવા આકાશ-પાતાળ એક કર્યું હતું અને તે સમયે પણ અમેરિકા સહિત અન્ય દેશોમાં ડાબેરીઓને એકત્ર કરીને ગુજરાતના નાગરિકોને રાક્ષસ અને પીશાચી ચીતરી દીધા હતા. 2014 પછી આ ટુકડેગેંગની પેટની પીડા વધી ગઈ છે કેમ કે દેશના નાગરિકોએ એક રાષ્ટ્રવાદી સરકારની પસંદગી કરી છે.

ભારતની ટીકા કરવાનો, ભાજપની ટીકા કરવાનો, સંઘની ટીકા કરવાનો અરે હિન્દુ ધર્મની ટીકા કરવાનો દુનિયાના કોઇપણ માણસને અધિકાર છે, પરંતુ અહીં હિંસાખોર ડાબેરીઓ હિન્દુત્વને ભારત અને દુનિયા માટે જોખમી ગણાવે છે અને તેને ઉખાડી ફેંકવા સંગઠન રચે છે – એ ચિંતાજનક બાબત છે. આ ગેંગના પ્રયાસોને દુનિયાની શૈક્ષણિક સંસ્થાઓનો ટેકો છે – એ ચિંતાજનક બાબત છે. આગામી દિવસોમાં ગુજરાતના તેમજ દેશના કેટલાક ચોક્કસ મીડિયા આ ગેંગની વાતોને મહત્ત્વ આપશે – એ ચિંતાજનક બાબત છે. આ વિષય ઘણો ગંભીર છે. બ્રેકિંગ ઈન્ડિયા પરિબળો ફરી સક્રિય થયા છે. એ પરિબળો ભલે હિન્દુત્વને દૈત્ય ચીતરે, પરંતુ આપણે તો ધીરજપૂર્વક એ પરિબળોનો મુકાબલો કરવાનો છે, તેમને હરાવવાના છે, એક હજાર વર્ષથી હરાવતા આવ્યા છીએ તેમ... આ વિષયની ચર્ચા ચાલુ રાખીશું.

 

Tuesday, May 4, 2021

મમતા, ઉદ્ધવ, કેજરી તુમસે બૈર નહીં, મોદી-શાહ તુમ્હારી ખૈર નહીં

 

મમતા, ઉદ્ધવ, કેજરી તુમસે બૈર નહીં, મોદી-શાહ તુમ્હારી ખૈર નહીં

 

*      અલકેશ પટેલ

 

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોએ કરોડો રાષ્ટ્રવાદીઓ તથા ભાજપ સમર્થકોને નિરાશ કર્યા હતા, પરંતુ પરિણામ બાદ છેલ્લા બે દિવસથી બંગાળના હિંસાખોર આતંકીઓ જે કંઈ કરી રહ્યા છે તેને કારણે અગણિત તટસ્થ નાગરિકો પણ કેન્દ્ર સરકારની મોહનદાસ ગાંધી જેવી નપુંસક નીતિથી સ્તબ્ધ છે.

આમ તો પાંચ વિધાનસભાના પરિણામો વિશે કશું લખવું નહોતું, પરંતુ જેહાદી મમતાના જેહાદી સમર્થકો બે દિવસથી આખા બંગાળમાં જે કંઈ કરી રહ્યા છે એટલે લખવું જરૂરી બન્યું.

મારા જેવા અસંખ્ય લોકો છેલ્લા ઘણા દાયકાથી આ વાત કરી રહ્યા છે, તેમછતાં આ દેશના અમુક ટકા વર્ગને હજુ પણ કોંગ્રેસ, ડાબેરીઓ, જેહાદીઓ, મિશનરીઓ અને મીડિયામાં બેઠેલા હિંસાખોર ડાબેરીઓના ઇરાદા સમજાતા જ નથી. આ યાદીમાં અમુક સંઘીઓ પણ સંડોવાયેલા છે (જેના વિશે આગળ સ્પષ્ટતા કરું છું).

પાંચ વિધાનસભા ચૂંટણી પરિણામના આગલા દિવસે એટલે કે પહેલી મેએ મેં બ્લૉગ લખ્યો હતો, જેમાં બીજા અગણિત પત્રકાર, લેખક, સમીક્ષકોની જેમ મેં પણ આશા વ્યક્ત કરી હતી કે બીજી મે પછી પશ્ચિમ બંગાળ જેહાદી હિંસાથી મુક્ત થશે (https://keshav2907.blogspot.com/2021/05/blog-post.html ), પરંતુ પશ્ચિમ બંગાળનું પરિણામ ઊલટું આવ્યું અને ત્યાં 1946માં જેહાદી ઝીણાએ આપેલી “ડાયરેક્ટ એક્શન”ની હાકલ જેવી જ સ્થિતિ પેદા થઈ ગઈ.

તો આજનો મુદ્દો શું છે?

આજનો મુદ્દો એ છે કે, કોંગ્રેસ અને તેના સમર્થકો (મીડિયા સહિત), હિંસાખોર ડાબેરીઓ અને તેમના સમર્થકો (મીડિયા સહિત), જેહાદીઓ અને તેમના સમર્થકો (મીડિયા સહિત), મિશનરીઓ અને તેમના સમર્થકો (મીડિયા સહિત) તથા મીડિયાનો એક મોટો વર્ગ – આ બધા જ વચ્ચે એક સૂત્રો કૉમન છે – મમતા, ઉદ્ધવ, કેજરી તુમસે બૈર નહીં, મોદી-શાહ તુમ્હારી ખૈર નહીં.

આ સૂત્રમાં જેટલા નામો છે એ બધા માત્ર પ્રતીક છે...કોઈ ચોક્કસ વ્યક્તિ નહીં. મમતા, ઉદ્ધવ, કેજરી, અખિલેશ, સ્ટાલિન, કમલ હાસન, રાહુલ, સોનિયા, જયા બચ્ચન, રવીશ, બરખા, મહેબુબા, ઓવૈસી, ડેરેક ઓબ્રાયન...ગમે તે હોઈ શકે. આ બધા જ પ્રતીક છે.

આ તત્વો પ્રતીક છે- જેહાદને સમર્થન આપનારી વિચારધારાના.

આ બધા પ્રતીક છે- મિશનરીને પ્રોત્સાહન આપનારી વિચારધારાના.

આ બધા પ્રતીક છે- હિન્દુ, હિન્દુત્વ, હિન્દી(સંસ્કૃત) ભાષા તેમજ સનાતન પરંપરાને ધિક્કારનારી વિચારધારાના.

અને આ બધાની વચ્ચે ભળેલા છે કેટલાક સંઘી... પણ આર.એસ.એસ. નહીં. એવા સંઘીઓ જે આર.એસ.એસ.ના ફોટા, તેનાં ચિહ્નોનો તદ્દન ખોટો ઉપયોગ કરીને અન્ય ના-સમજ હિન્દુઓને ગેરમાર્ગે દોરે છે એવા. આવા લોકો સોશિયલ મીડિયામાં પોતે સંઘ સાથે જોડાયેલા હોય એવા ઉપજાવી કાઢેલા ફોટા અને ચિહ્નોનો ઉપયોગ કરે છે, પણ હકીકતે આર.એસ.એસ. સાથે જોડાયેલા નથી જ.

હા, એટલું ખરું કે કાંતો રાષ્ટ્રવાદી સંગઠન સંઘને આ વાતની ખબર નથી, અથવા ખબર હોય તો પણ દરેક સામે પગલાં લઈ શકાતા નથી.

સંઘના નામે હિન્દુત્વ તેમજ રાષ્ટ્રવાદને બદનામ કરતાં તત્વો હકીકતે “સંઘ-જેહાદ” કરે છે. જેમ લવ-જેહાદમાં હિન્દુ નામ રાખીને છોકરીઓ, સ્ત્રીઓને છેતરે છે એવી જ રીતે સંઘના ફોટા અને ચિહ્નોનો ઉપયોગ કરીને સંઘને અને એ દ્વારા સમગ્ર રાષ્ટ્રને છેતરે છે. તમારી આસપાસ એવા કેટલાય કહેવાતા હિન્દુ-રાષ્ટ્રવાદીઓ પથરાયેલા છે જેમને ખબર પડે કે તમે મોદીના ટેકેદાર છો એટલે તરત જ તમને “અંધભક્ત” કહીને અપમાનિત કરશે. આવાં તત્વો પેલા જેહાદી-મિશનરીઓ કરતાં વધારે જોખમી છે કેમ કે આવા લોકો છદ્મ હિન્દુ છે, જે તમારી નજીક રહીને તમારી પીઠમાં છરો ભોંકે છે. સાવધાન!

આ બધા જ ભેગા મળીને મોદી-શાહ-યોગી-સંઘ-વિહિંપ-ભાજપને ધિક્કારે છે.

કેમ?

કેમ કે એ બધાને સૌથી પ્રાચીન અને હજુ પણ ટકી રહેલી સનાતન સંસ્કૃતિ સામે ધિક્કાર છે. આ સંસ્કૃતિ ટકી રહે તો ભવિષ્યમાં માઓવાદ અને સામ્યવાદ, જેહાદ અને મિશનરીઓ, તેમજ એજન્ડા-ધારી મીડિયાના હાથ હેઠા પડી શકે એમ છે. અને એટલે જ એ બધા ભેગા થઇને મોદી-શાહ-યોગી-સંઘ-વિહિંપ-ભાજપ ઉપર પ્રહારો કરે છે, જેથી એમની ઉપર આશા રાખીને બેઠેલો હિન્દુ સમાજ તેમના પરનો વિશ્વાસ ગુમાવી દે અને વેરવિખેર થઈ જાય.

હું જાણું છું કે આ બધી વાતો હું કંઈ પહેલીવાર નથી કહેતો. એ પણ જાણું છું કે આ જ વાતો અસંખ્ય સાચા રાષ્ટ્રવાદી સનાતનીઓ કરે છે. પણ મુદ્દો એ છે કે, આ વાતો વારંવાર યાદ કરાવવાનું કારણ સરેરાશ નાગરિકોની શ્રદ્ધા ટકાવી રાખવાનું છે.

ઇતિહાસ સાક્ષી છે કે, માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના કોઇપણ દેશમાં જે કોઈ નેતાએ રાષ્ટ્રવાદની વાત કરી છે, જે નેતાએ પોતાની પ્રજાને આત્મનિર્ભર બનાવીને ઉપર ઉઠાવવાની વાત કરી છે—એ બધા નેતાને કાંતો રાજકીય રીતે અથવા શારીરિક રીતે ખતમ કરી દેવા માટે ઉપર જે કહ્યા એવા પ્રતીકો - મમતા, ઉદ્ધવ, કેજરી, અખિલેશ, સ્ટાલિન, કમલ હાસન, રાહુલ, સોનિયા, જયા બચ્ચન, રવીશ, બરખા, મહેબુબા, ઓવૈસી, ડેરેક ઓબ્રાયન (આ નામો માત્ર સનાતન વિરોધી કાવતરાંને ઓળખવા માટેનાં પ્રતીકો છે, આ કોઈ વ્યક્તિઓ નથી) તરત જ સક્રિય થઈ જાય છે.

આગામી છથી 12 મહિનામાં ચાર દેશ – ભારત, શ્રીલંકા, ફ્રાન્સ અને રશિયામાં જે તે દેશની સ્થાનિક ટુકડેગેંગ સક્રિય થશે અને ભારે હિંસા કરાવશે જેથી એ દેશોના નેતૃત્વ ઉપર સંકટ આવે, કેમ કે આ દેશોએ જેહાદી વિચારધારા ઉપર લગામ લગાવવા અસરકારક પગલાં લીધા છે. પરંતુ હવે મિશનરી-ડાબેરી-જેહાદ સમર્થક ટોળકીઓ અને મીડિયા ઉપરોક્ત ચારેય દેશમાં લાંબા સમય સુધી શાંતિ સ્થાપિત થવા નહીં દે. યાદ રહે, આ ટોળકી અમેરિકામાં આવાં જ કારણોસર સત્તા પરિવર્તન કરાવવામાં સફળ રહી છે.

મિશનરી-ડાબેરી-જેહાદ સમર્થક ટોળકીઓનું લક્ષ્યાંક તો નક્કી જ છે, એ તો હિંસા અને એ દ્વારા (અમેરિકાની જેમ) સત્તા પરિવર્તન કરાવવા આગળ વધી જ રહી છે...નક્કી નાગરિકોએ કરવાનું છે કે, એ લોકોની વાતમાં સપડાઈ જવું કે કેમ!?

રાષ્ટ્રવાદી નાગરિકોને સપડાવવા માટે મિશનરી-ડાબેરી-જેહાદ સમર્થક ટોળકી પાસે "મીડિયા નામની રૂપલલના" છે...એનાથી ચેતજો.

Sunday, July 12, 2020

ભાજપ માટે સાવધાન થવાનો સમય આવી ગયો છે

ગુજરાતમાં કોંગ્રેસે તેના સંગઠનમાં કેટલીક નિમણૂક કરીને સંદેશો આપી દીધો છે કે તેને રાજકીય શુદ્ધિમાં કોઈ રસ નથી. ભાજપ માટે જાણે બગાસું ખાતાં પતાસું મોંમાં આવી ગયા જેવી સ્થિતિ છે...પરંતુ ના, સાવધાની હવે ભાજપે જ રાખવાની છે, રાજ્યમાં અને રાષ્ટ્રીય સ્તરે

n  અલકેશ પટેલ

 હવે ભાજપની જવાબદારી વધે છે. સાવધાન ભાજપે થવું પડશે કેમ કે, આટલી પછડાટ પછી પણ કોંગ્રેસ કોઈ પાઠ શીખવા તૈયાર નથી. ગુજરાત કોંગ્રેસમાં શનિવારે 11 જુલાઈ, 2020ના રોજ થયેલી નવી નિમણૂક પ્રજાને, મતદારોને સ્પષ્ટ સંકેત છે કે એક બ્રિટિશ વ્યક્તિના માર્ગદર્શન અને તેની સૂચના અનુસાર સ્થાપિત 140 વર્ષ જૂના આ પક્ષને માત્ર જૂથવાદી અને ભાંગફોડિયા લોકો પસંદ છે.

એ વાત તો સાચી છે કે, કોની નિમણૂક કરવી અને કોની ન કરવી એ નિર્ણય લેવાનો જે તે પક્ષને અધિકાર છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું પ્રજાએ આવી નિમણૂક સ્વીકારી લેવાની? જે વ્યક્તિએ તદ્દન ખોટી માગણી સાથે હજારો યુવાનોને ગેરમાર્ગે દોરીને હિંસા થાય એવું વાતાવરણ ઊભું કર્યું હોય અને તેને કારણે શાંતિપ્રિય અને પ્રગતિશીલ રાજ્ય ગુજરાત અનેક દિવસ સુધી અશાંતિમાં લપેટાઈ ગયું હોય, જાહેર મિલકતોને નુકસાન થયું હોય, નિર્દોષ લોકોએ જીવ ખોયા હોય - એવા લોકો હજુ પણ પ્રજાનું નેતૃત્વ કરશે? જે લોકોને કારણે અનેક દિવસ સુધી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હોય, કાયદો અને વ્યવસ્થા જાળવવા પરસેવો વહાવતી પોલીસ બદનામ થઈ હોય એ જ પોલીસે ભવિષ્યમાં આવા લોકો શપથ લે પછી તેમને સલામ કરવાની?

આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે? અનેક દાયકાથી ભારતીય માનસમાં એક ખોટી માન્યતા ઘૂસાડી દેવામાં આવી છે કે, રાજકારણમાં તો આવા જ લોકો ચાલે, સજ્જનોનું કામ નથી! તો મને લાગે છે આ માન્યતા બદલવાની જવાબદારી અને ફરજ ભાજપની છે.

ગુજરાત કોંગ્રેસમાં જે કંઈ ફેરફાર થયા તેને કારણે ભાજપને એમ લાગતું હશે કે તેમની પાસે હવે કોંગ્રેસને ઘેરવાની તક આવી ગઈ છે. ભાજપને એમ લાગતું હશે કે કોંગ્રેસના નવા નિમાયેલા લોકોને તેમના ભૂતકાળને કારણે માધ્યમોમાં તેમજ સોશિયલ મીડિયામાં શરમજનક સ્થિતિમાં મૂકી શકાશે. તેની સાથે રાજ્યની ખૂબ મોટી સંખ્યામાં શાણી પ્રજા પણ સોશિયલ મીડિયામાં એવી વાતો કરી રહી છે કે, ગુજરાત કોંગ્રેસના આવા નિર્ણયોથી ભાજપને ફાયદો થશે...તો મને કહેવા દો કે ભાજપ સહિત બધા જ ભૂલ કરે છે.

કારણ?

કારણ એટલું જ કે, હવે રાજકીય શુદ્ધિની ભાજપની જવાબદારી વધી જાય છે.
ભાજપે મીડિયામાં તેમજ સોશિયલ મીડિયામાં કોંગ્રેસની ટીકા કરવાની અસરકારકતા જાળવવી હશે તો શુદ્ધ વિકલ્પ આપવા જ પડશે. ભ્રષ્ટાચાર અને ચારિત્ર્યહીનતા જો નેતા બનવાનાં લક્ષણ ગણાતા હોય તો અમારે એવા કોઈ રાજકીય પક્ષની જરૂર નથી જ. અને આ જ સંદેશ ભાજપ માટે પણ છે.

ટૂંકાગાળાના રાજકીય લાભ માટે સાંસદો કે ધારાસભ્યો કે તેથી નીચેના નેતાઓનું આયારામ-ગયારામ થતું હોય ત્યાં સુધી વાંધો નથી. એ અનિવાર્ય અનિષ્ટ છે અને પ્રજા અમુક અંશે એ ચલાવી લેશે...પરંતુ મુદ્દો રાજકીય શુદ્ધિકરણનો છે. ચૂંટણી જીતવા માટે બાહુબલીઓને ટિકિટ આપવી એ મજબૂરી છે એવી માનસિકતામાંથી કમ સે કમ ભાજપે બહાર નીકળવું જ પડશે. (તમામ પ્રકારના અનિષ્ટ ધરાવતા લોકો માટે હિન્દીમાં “બાહુબલી” શબ્દ છે, એ અર્થમાં ગુજરાતીમાં શબ્દ નથી. ગુજરાતીમાં એ માટેના સચોટ શબ્દ વાપરીએ તો કાનૂની ચક્કરમાં ફસાવાનું જોખમ છે એટલું હું અહીં ઇરાદાપૂર્વક “બાહુબલી” શબ્દ વાપરું છું...અર્થ બધાને ખબર જ છે.) કોઇની સામે રાજકીય કેસો હોય એ અલગ બાબત છે, પરંતુ ભ્રષ્ટાચાર, હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા હોય એવા લોકોને ટિકિટ આપવામાંથી કમ સે કમ ભાજપે તો બચવું જ પડશે. અને તો જ તે અન્ય પક્ષો સામે આંગળી ચીંધી શકશે, અન્યથા તરત જ તમને કહેવામાં આવશે કે, તમે એક આંગળી ચીંધી પણ ત્રણ આંગળી તમારા તરફ છે...ત્યારે એનો જવાબ ભાજપ આત્મવિશ્વાસપૂર્વક નહીં આપી શકે. અને એ દિવસે કોઈ તમને પેલા સાધુ-મહાત્માની વાત યાદ અપાવશે કે એક પાપીને બીજા પાપી ઉપર પથ્થર ફેંકવાનો અધિકાર નથી.

એટલે જ પ્રજાની હંમેશાં અપેક્ષા રહેશે કે કોંગ્રેસની ખરાબીઓનું પુનરાવર્તન ભાજપ ન કરે.

યાદ રહે, ભાજપ માટે લડાઈ સહેલી નથી. ભાજપની સ્થિતિ અભિમન્યુ જેવી છે. તેણે એક સાથે અનેક બાજુ લડવાનું છે. સાત દાયકા કરતાં વધુ સમયથી રાજકારણમાં ઘૂસી ગયેલી ભ્રષ્ટ માનસિકતા સામે, જાતિવાદી રાજકીય માનસિકતા સામે, મુસ્લિમ તૃષ્ટિકરણની રાજકીય માનસિકતા સામે, સગાવાદની રાજકીય માનસિકતા સામે, જૂથવાદી રાજકારણ સામે – ભાજપે લડવાનું છે. પ્રજાએ તમને સત્તા આપી છે અને તમારી સત્તા ટકાવી રાખી છે તેનો સ્પષ્ટ સંદેશો એ જ છે કે ભાજપે આ બધા સામે લડવાનું છે...પણ આ બધી બદીઓની સામે લડતાં લડતાં બહાર નીકળતી વખતે જો તમે પણ બાહુબલીઓના ખભાનો ટેકો લેશો તો એ છેલ્લો કોઠો સાબિત થશે જેને તમે ભેદી નહીં શકો અને અભિમન્યુ બની જશો. ભાજપ વિજેતા અભિમન્યુ બને એમ મોટાભાગની પ્રજા દિલો-દીમાગથી ઇચ્છે છે.

ભાજપ આ કમનસીબ દેશનો એવો અભિમન્યુ છે જ્યાંના અખબાર, સામયિકો તેમજ ટીવી અને હવે વેબપોર્ટલ જેવા પરંપરાગત મીડિયા ઉપર ઘણેખરે અંશે બદમાશોનો કબજો છે. એ બદમાશોને વેટિકન અને જેહાદી નાણા મળે છે. અને તેથી એ બધા મીડિયા કદી તમારી સારી બાબતોને મહત્ત્વ આપે અથવા તમારા સારાં પાસાં પ્રજા સમક્ષ રજૂ કરીને સાચું પત્રકારત્વ કરે એ શક્યતા જ નથી. તમારી સાથે માત્ર આ દેશની શાંત અને શાંતિપ્રય બહુમતી પ્રજા જ છે. અને એટલે જ ભારતવર્ષની બહુમતી પ્રજા પ્રત્યે ભાજપે પણ જવાબદારી નિભાવવી પડશે. કોંગ્રેસ અથવા અન્ય પક્ષોના આંતરિક વિખવાદ કે પછી એ પક્ષોની ભૂલો ઉપર આધાર રાખીને નૌકા પાર નહીં થઈ શકે. તોરલ-નામે-પ્રજા વિશુદ્ધ છે અને તે ભાજપની નૌકા પાર ઊતારવા સક્ષમ છે કેમ કે તેને તેના ઉપર વિશ્વાસ છે. જવાબદારી હવે ભાજપની છે કે એ તોરલના સંકેત સમજે છે કે નહીં.તો ચાલો અલકેશ પટેલના હરિઓમ.

Monday, January 6, 2020

“આઝાદી”નો રોગ વકરી જાય એ પહેલાં જાગી જઇએ


“આઝાદી”નો રોગ વકરી જાય એ પહેલાં જાગી જઇએ


n  અર્બન નક્સલીઓ તેમજ જેહાદીઓના રવાડે ચડેલી આઝાદી ગેંગ ભારતીયતાને પડકારી રહી છે. 19મી સદીમાં કાર્લ માર્ક્સ નામના એક જંતુને ઊગતો ડામી ન દેવાયો એનાં અતિશય માઠાં પરિણામ આખી દુનિયા આજે ભોગવી રહી છે. ભારતીયો માટે સમય છેઃ આ જંતુના વાયરસને ઓળખીને જાગી જાવ... આસુરી માનસિકતા માથું ઊંચકી રહી છે, દૈવી શક્તિઓએ મેદાનમાં આવવું જ પડશે...ભારત મંથન કરવું જ પડશે...

--- અલકેશ પટેલ

આમ તો હું એક વાત વારંવાર કહી ચૂક્યો છું કે, અર્બન નક્સલવાદીઓની બનેલી ટૂકડે ગેંગ કદમાં મોટી નથી, જ્ઞાનમાં પણ મોટી નથી જ, પરંતુ દેશના કમનસીબે એ ગેંગ સંગઠિત છે – અને એટલે જ એ ગેંગ, ખાસ કરીને 2014થી આ દેશને વારંવાર અશાંતિ તરફ ધકેલી રહી છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે, રાષ્ટ્રવાદી અને સનાતન ધર્મીઓ સંગઠિત નથી, એકબીજાના પગ ખેંચવામાં વ્યસ્ત છે એ કારણે પણ આ ટૂકડે ગેંગ અશાંતિ ઊભી કરવામાં સફળ થાય છે. પણ એ ગેંગનો ઇરાદો સફળ ન જ થવા દેવાય. આપણે પણ સંગઠિત તો થવું જ પડે, ટૂકડે ગેંગને એની મર્યાદામાં રાખવી જ પડે.
“અમે શું કરી શકીએ?” “આપણે શું કરી શકીએ?” “ભલે, મરશે મૂંઆ-એમના કર્યા ભોગવશે”... આવા નિવેદનો કરવાનું આપણે હવે બંધ કરવું પડશે કેમ કે આઝાદીના નામે, લોકશાહીના નામે ચાલી રહેલો ખેલ હકીકતે એક એવો મહારોગ છે જે આગળ જતાં દેશને બીજા અફઘાનિસ્તાન, બીજા પાકિસ્તાન, બીજા બાંગ્લાદેશમાં પરિવર્તિત કરી દેશે. આ કંઈ તુક્કાબાજીથી તમને ડરાવતો નથી, પણ દુનિયાના ઇતિહાસ અને ભૂગોળ અને તેમાં થયેલા રાજકીય અને વસ્તીલક્ષી પરિવર્તનની પૂરી જાણકારી પછી કહું છું.
તેની શરૂઆત કાર્લ માર્ક્સ નામના એક ઝેરી જીવાતથી થઈ હતી. એવું નથી કે આ ઝેરી જીવાત પહેલાં દુનિયા સ્વર્ગ સમાન હતી અને કોઇને કોઈ તકલીફ જ નહોતી. ના, એવું કહેવાનો આશય નથી, કેમ કે તકલીફ તો માર્ક્સવાદી કીડો ફેલાયો એ પહેલાં પણ હતી, પરંતુ બંને સમયગાળા વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે, એ કીડા પહેલાંની તકલીફ સ્થાનિક સ્તરે જ હતી. અર્થાત અમેરિકામાં ક્યાંક ક્યાંક કોઈ તકલીફ હોય તો એ અમેરિકા પૂરતી મર્યાદિત હતી. રશિયામાં ક્યાંક કોઈ તકલીફ હોય તો એ રશિયા પૂરતી મર્યાદિત હતી. ચીનમાં કોઈ તકલીફ હોય તો એ ચીનની સરહદોની અંદર મર્યાદિત હતી. એવી જ રીતે ભારતમાં જે કોઈ આંશિક તકલીફ હતી એ ભારત પૂરતી મર્યાદિત હતી. પરંતુ માર્ક્સવાદી કીડાનો વાયરસ ફેલાયો એ આખી દુનિયાને બરબાદ કરી રહ્યો છે.
આજથી બરાબર બે વર્ષ પહેલાં, જાન્યુઆરી 2018માં મેં જિજ્ઞેશ મેવાણીના સંદર્ભમાં મેં પાંચ (5) હપ્તાની શ્રેણી લખી હતી અને ડાબેરીઓ અને અર્બન નક્સલીઓ કોણ છે અને આપણી આસપાસ એ લોકો ક્યાં છે એ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. (એમાંથી જે ઉપલબ્ધ છે એ લેખોની લિંક અહીં મૂકું છું –(1) http://mijaaj.com/gujarati/people-like-jignesh-mevani-can-save-a-society-or-country જિજ્ઞેશ મેવાણી જેવા લોકો કોઈ સમાજ કે દેશનો ઉદ્ધાર કરી શકે ખરા? (2) http://mijaaj.com/gujarati/jignesh-mehvani-there-is-no-person-it-is-a-subversive-mentality જિજ્ઞેશ મેવાણીઃ કોઈ વ્યક્તિ નથી, વિધ્વંસક માનસિક્તા છે (3) http://mijaaj.com/gujarati/who-is-jignesh-mevani-colleagues કોણ છે મેવાણીના સાથીદારો? ઓળખી લો બરાબર...(4) http://mijaaj.com/gujarati/a-scapegoat-has-arrived-in-gujarats-politics?seq=1 ગુજરાતના રાજકારણમાં બ્રેકિંગ ઈન્ડિયાનું એક પ્યાદું આવી પહોંચ્યું છે (5) http://mijaaj.com/gujarati/what-is-the-priority-of-mla-jignesh-mevani?seq=1 ‘ધારાસભ્ય’ જિજ્ઞેશ મેવાણીની પ્રાથમિક્તા શી હશે? --- તા.ક. આ તમામ લિંક હાલ સક્રિય છે કે નહીં એની મને જાણ નથી...છતાં અહીં આપું છું. જો આ લિંક નહીં ખૂલતી હોય તો પછી મૂળ લેખો મારી પાસે પડ્યા છે એ મારા બ્લૉગ ઉપર મૂકીને નવેસરથી લિંક શૅર કરીશ.)

તો મૂળ વાત એ છે કે, માર્ક્સવાદી વાયરસને કોઇપણ દેશની રાજકીય વ્યવસ્થા સામે વાંધો હોય છે. આ તત્વોને એક માત્ર ઇસ્લામ સિવાયના ધર્મો સામે વાંધો છે. ઇસ્લામ સામે વાંધો નથી એનું કારણ તમે સૌ સમજી શકો એમ છો, એમાં મારે કંઈ ખુલાસો કરવા પડે એમ નથી! અને અગાઉ કહ્યું એમ, આખી દુનિયાની તકલીફ જ ત્યાંથી શરૂ થઈ. શાંતિ અને સમાનતાના સિદ્ધાંત માટે શરૂ થયેલા ઇસ્લામિક સંપ્રદાયમાં આમ જોઇએ તો કોઈ વાંધો નથી. આપણી આસપાસ જે મુસ્લિમો છે એમને જોઇને કદી એવું લાગે જ નહીં કે આ સંપ્રદાયમાં હિંસક માનસિકતા ધરાવતા લોકો હશે, અર્થાત જેહાદમાં માનનારા લોકો પણ હશે. છતાં એવા લોકો છે એ હકીકત છે. મુશ્કેલી એ છે કે સારા-સમજદાર મુસ્લિમો હિંમત કરીને જેહાદી માનસિકતા ધરાવતા લોકોને અટકાવતા નથી, તેમને હિંસા છોડવા કહી શકતા નથી. આ જ સ્થિતિ માર્ક્સવાદી વાયરસ ધરાવતા ડાબેરીઓની છે. અને આ ડાબેરીઓ સૌથી વધારે જોખમી છે. એ કેવી રીતે? સમજદાર, શાંતિપ્રિય મુસ્લિમો જેહાદીઓને પ્રોત્સાહન નથી આપતા, પરંતુ આ ડાબેરીઓ, અર્બન નક્સલીઓ જેહાદીઓને પ્રોત્સાહન આપે છે. કદાચ પ્રોત્સાહન ન આપતા હોય તો પણ એ જેહાદીઓ ખોટા છે એવું કહેવાની હિંમત કરતા નથી. પરિણામ એ આવે છે કે અંતિમવાદીઓની હિંમત વધી જાય છે અને તેને કારણે જે તે સમાજ, જે તે શહેર, જે તે રાજ્ય અને જે તે દેશમાં અશાંતિ અને અજંપો વધી જાય છે.
માર્ક્સવાદી ડાબેરી વાયરસ ધરાવતા અર્બન નક્સલોના કરતુતોને કારણે તેમની સામે રાષ્ટ્રવાદીઓ પણ બેચેન બની જાય છે, તેઓ પણ ઉશ્કેરાય છે. એ ઉશ્કેરાટમાં કોઇ જેહાદીને નાનો સરખો ઘા પડે તો પણ ખૂબ મોટે મોટેથી “અન્યાય”ના રોદણાં શરૂ થઈ જાય છે. એ જેહાદી શસ્ત્રો ઉઠાવી લે અને ત્યારે પણ માર્ક્સવાદી વાયરસ ધરાવતા ડાબેરી અર્બન નક્સલીઓ તેને યોગ્ય ઠેરવવા પ્રયાસ કરતા હોય છે.
ટૂંકમાં, આ એક એવું વિષચક્ર છે જે માર્ક્સવાદી ઝેરી વાયરસને કારણે ઊભું થયું છે અને હવે દુનિયાને બચાવવી હશે તો આ વાયરસ ધરાવતા તત્વોને ઓળખીને એમને “આઇસોલેશન”માં નાખવા જ પડશે...પછી એ જે.એન.યુ.માં હોય કે આઈ.આઈ.એમ-અમદાવાદમાં હોય કે પછી એમ.એસ.યુનિવર્સિટી-વડોદરામાં હોય! આ વાયરસ ધરાવતા તત્વોને ઓળખવા જરાય અઘરા નથી. બસ, તમારે દરેકે, દરેક નાગરિકે જે રાષ્ટ્રની એકતામાં માને છે, જે સનાતન ધર્મની મહાનતામાં માને છે – તેમણે ડાબેરી વાયરસ ધરાવતા તત્વોને સવાલ પૂછવા પડશે, દેશ તોડવાની, સનાતન ધર્મને બદનામ કરવાની દિશામાં એ લોકો આગળ વધી રહ્યા હોય તો તમારે તેમની સામે દીવાલ બનીને ઊભા રહી જવું પડશે. યાદ રાખજો, માર્ક્સવાદી વાયરસનાં લક્ષણો ધરાવતા લોકો હિંસક છે, એ નક્સલો છે, અર્બન નક્સલો છે – એ તમને હિંસા માટે ઉશ્કેરશે અને તમને બદનામ કરશે, પણ તમારે હિંસા વિના તર્કથી અને મક્કમતાથી એમનો સામનો કરવાનો છે.
આ ડાબેરી અર્બન નક્સલોને તમારી સામે વ્યક્તિગત વાંધો નથી એનું કારણ તમને ખબર છે? એનું કારણ એ છે કે, સરેરાશ ભારતીય હિન્દુ ભોળો છે. સરેરાશ ભારતીય હિન્દુને માત્ર પોતાની વ્યક્તિગત અને પોતાના પરિવારની જ ચિંતા છે. અને એ કારણે સરેરાશ ભારતીય હિન્દુ સંગઠિત નથી. તેનો ગેરલાભ ડાબેરી અર્બન નક્સલીઓ જેહાદીઓને ઉશ્કેરીને ઉઠાવે છે. તમારે, એટલે કે દરેક સરેરાશ ભારતીય નાગરિકે જાગવું પડશે કેમ કે આગામી સમય હજુ પણ અઘરો આવવાનો છે. દેશની રાષ્ટ્રવાદી સરકાર અને રાષ્ટ્રવાદી નેતાઓ દેશને બચાવવા માટે, દેશને શિખર ઉપર લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે, અને તેથી એ જે પગલાં લેશે તેને કટ્ટર ડાબેરીઓ સહન નહીં કરી શકે. એ તત્વો હિંસા ભડકાવવા પ્રયાસ કરશે. જે.એન.યુ.માં બે દિવસ પહેલાં જેમ જાતે જ લાકડીઓથી હુમલા કરીને એ.બી.વી.પી.નું નામ આપ્યું અને હિન્દુત્વને બદનામ કરવાનો પ્રયાસ કર્યો એવું આગળ જતાં પણ કરશે. હિન્દુત્વવાદી પક્ષો અને હિન્દુત્વવાદી સંગઠનો ઉપર વિશ્વાસ તમારે જ રાખવાનો છે. તમને વિશ્વાસ હોવો જોઇએ કે એ.બી.વી.પી., ભાજપ, બજરંગ દળ કે બીજા આવા કોઈ સંગઠનના સાચા કાર્યકરો કદી મોં ઢાંકીને શૈક્ષણિક સંસ્થામાં આવા હુમલા ન કરે, એ તમને સૌને વિશ્વાસ હોવો જોઇએ, બલ્કે હું કહીશ કે વિશ્વાસ રાખજો જ.
વધારે લાંબું-પહોળું ન સમજી શકો અથવા ન વિચારી શકો તો... માત્ર એટલું તો અવશ્ય યાદ રાખજો કે નરેન્દ્ર મોદી દેશને ઊગારી લેવા મથે છે. એમણે વ્યક્તિગત રીતે કશું જ હાંસલ કરી લેવાનું નથી, અને એટલે જ દેશ માટે સમર્પિત થઈને 1000-1200 વર્ષથી જે કંઈ ખોટું થઈ રહ્યું હતું તેને આગળ વધતું અટકાવવા અને શક્ય હોય તો સુધારી લેવા પૂરી પ્રામાણિકતાથી મથી રહ્યા છે. એમને ટેકો નહીં આપો તો કશો વાંધો નહીં, પણ એમના ઇરાદા ઉપર શંકા ન કરશો. તમારી આજ સારી છે એટલે કોઈ ચિંતા નથી એવું વિચારી બેસી ન રહેશો...તમારી ભાવિ પેઢી પણ તમારી જેમ નિશ્ચિંત રહી શકે એ માટે દેશના વર્તમાન નેતૃત્વના પગલાં જ અસરકારક નિવડશે. તમારી ભાવિ પેઢી માટે લેવાઈ રહેલા એ પગલાં તમારા સમર્થન વિના શક્ય નથી.
CAA, NRC, વસ્તી નિયંત્રણ કાયદો, કૉમન સિવિલ કોડ આવા વિષયોની વિરુદ્ધમાં ફિલ્મી કલાકારો, અન્ય સેલિબ્રિટી, નાટકના કલાકારો, લેખકો, પ્રાધ્યાપક, પત્રકાર-તંત્રી કે પછી આવા કોઇપણ લેબલવાળા લોકો કશું બોલે તો સતર્ક થઈ જજો, એમના સમર્થનમાં નહીં પણ રાષ્ટ્રવાદી સરકારના સમર્થનમાં ઉતરી પડજો...તો ઊગરી જશો. બાકી રામ રામ.-અલકેશ પટેલ