Sunday, January 9, 2022

વડાપ્રધાન મોદી, પંજાબ, પાકિસ્તાન અને ખાલિસ્તાન

 



 --- 5 જાન્યુઆરી, 2022: એક રાષ્ટ્રવાદીને કાયમ માટે દૂર કરી દેવાની એ ચાલ હતી કે પછી આ તારીખ પંજાબમાં કોંગ્રેસનું આત્મઘાતી પગલું સાબિત થશે? ખાલિસ્તાની ચળવળને કોણ હવા આપી રહ્યું છે? કોણ જીતશે – પંજાબિયત કે વામણા વિપક્ષો?

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

રવિવારે તમે આ લેખ વાંચતા હશો ત્યારે પંજાબની રાજકીય સ્થિતિએ કઈ દિશામાં કરવટ બદલી હશે એનો આજે શુક્રવારે તો કોઈ અંદાજ નથી. હાલની સ્થિતિએ એટલું નિશ્ચિત છે કે, પંજાબની રિમોટ કંટ્રોલ સરકારે હિમાલય જેવડી મોટી ભૂલ કરી દીધી છે. પંજાબના મુખ્યપ્રધાન ચન્નીને આ માટેના દિશા-નિર્દેશ કોના તરફથી, ક્યારે અને કેવી રીતે મળ્યા હતા એ વાત તો કદી બહાર નહીં આવે, પરંતુ એટલું સ્પષ્ટ શબ્દોમાં કહી શકાય કે પાંચ જાન્યુઆરી, 2022ની ઘટનાથી પંજાબ કોંગ્રેસના અંતનો આરંભ થઈ ગયો છે.

આમ તો જે દિવસે નવજોત સિદ્ધુને પંજાબ કોંગ્રેસનો પ્રમુખ બનાવવામાં આવ્યો એ જ દિવસે રાજ્યમાં કોંગ્રેસની ઘોર ખોદાઈ ગઈ હતી, પરંતુ પંજાબ કોંગ્રેસના ઊંટની પીઠ ઉપરનું છેલ્લું તણખલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવને જોખમમાં મૂકવાની ગુસ્તાખી બની રહેશે.

નરેન્દ્ર મોદી નામનું એક રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ તમામ સનાતન-વિરોધીઓની આંખમાં કણાની જેમ ખૂંચે છે. આ માણસે કોઈનું પણ અહિત કર્યું નથી. જે કંઈ કર્યું છે તે માત્ર આ દેશના સાચા નાગરિકોને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. દુનિયામાં ભારતીય તરીકેની ઓળખ ગૌરવ બની રહે એવાં કામ નરેન્દ્ર મોદીએ કર્યાં છે. પાકિસ્તાન અને ભારતમાં રહેતા પાકિસ્તાની મળતિયાઓની લાંબાગાળે જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરી દેવાની યોજના ધૂળમાં મળી ગઈ એ દિવસથી પાકિસ્તાનના ઝેરીલા જેહાદીઓ અને ભારતમાં વસતા તેમના સ્લીપર સેલ મોદીના લોહીના તરસ્યા થયા છે.

રાષ્ટ્રદ્રોહીઓએ 2018ની પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં સભા કરી અને ત્યાં હિંસા થઈ. એ હિંસાખોરોની તપાસ દરમિયાન નરેન્દ્ર મોદીની હત્યા માટે માઓવાદીઓ દ્વારા ઘડવામાં આવેલી રહેલા કાવતરાને લગતો એક પત્ર તપાસ એજન્સીઓના હાથમાં આવ્યો હતો. એ પત્રમાં એક વાક્ય હતું કે, – જે રીતે 1991માં તમિળનાડુમાં એલટીટીઈ દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી એવી જ રીતે નરેન્દ્ર મોદીને તેમના રોડશો દરમિયાન... માઓવાદીઓની આ ટૂલકિટ ઉપર કામ કરવા માટે પાકિસ્તાને ખાલિસ્તાની ચળવળને હવા આપી. એક વર્ષ સુધી ચાલેલા નકલી ખેડૂત આંદોલન દરમિયાન અનેક વખત ઉશ્કેરણી કરવામાં આવી જેથી સરકાર આકરાં પગલાં લે અને પછી આખા દેશમાં હિંસા ફેલાવીને મોદીને બદનામ કરીને સત્તાભ્રષ્ટ કરી શકાય. જોકે, રાષ્ટ્રદ્રોહીઓની ચાલ સારી રીતે સમજી ચૂકેલા નરેન્દ્ર મોદીએ એક પણ ગોળી ચલાવ્યા વિના આંદોલન એક વર્ષ સુધી ચાલવા દીધું અને છેવટે ત્રણ કાયદા ખેડૂતોના હિતમાં હતા છતાં પાછા ખેંચી લીધા. એ કાયદા પાછા ખેંચાવાથી ટુણિયાટ અને વામણા વિપક્ષોનો ગરાસ લૂંટાઈ ગયો છે. કાયદામાં પીછેહઠ છતાં મોદીની સ્થિતિ નબળી ન પડતાં વામણા વિપક્ષે જે ખેલ ખેલવાનું દુઃસાહસ કર્યું તે ગત બુધવારે દેશ અને દુનિયાએ જોયું.

જે કંઈ થયું તેનું સત્ય ગમેત્યારે બહાર આવશે, પરંતુ પંજાબની ચન્ની સરકારનો તેમજ કોંગ્રેસના ગાંધી ખાન-દાનનો બચાવ કરનારા લોકો અને એજન્ડાધારી મીડિયા જે કંઈ કરી રહ્યા છે તે માત્ર ખેદજનક જ નહીં પણ અત્યંત જોખમી છે. આ તત્વો મુખ્યપ્રધાન ચન્નીને દલિત બતાવીને એવી છાપ ઊભી કરવા માગે છે કે મોદી સરકાર દલિતને નિશાન બનાવે છે! ભારતીય નાગરિકોએ વામણા વિપક્ષોની આવી ચાલમાં ફસાવું જોઈએ નહીં. આ સમગ્ર કેસમાં વાત કોઈ દલિત મુખ્યપ્રધાનની નથી, પણ એક ચૂંટાયેલી રાજ્ય સરકારે આ વિશાળ દેશના એક શક્તિશાળી વડાપ્રધાનના સંરક્ષણમાં જે કોઈ ગોબાચારી કરી તેની સામે જો આકરાં પગલાં લેવામાં ન આવે તો વિપક્ષ શાસિત બીજાં રાજ્યોના વામણા નેતાઓને પણ આવી ગુસ્તાખી કરવાની છૂટ મળી જાય.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમની તપાસનું શું પરિણામ આવશે, સુપ્રીમ કોર્ટમાં આ અસાધારણ ઘટના અંગેનો જે કેસ ચાલી રહ્યો છે એ કઈ દિશામાં જશે – એ બધા પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં મળશે... પરંતુ ખાલિસ્તાની માનસિકતાની આગમાં પાકિસ્તાન દ્વારા, વામણા વિપક્ષો દ્વારા, ભારતમાં બેઠેલા પાકિસ્તાનના મીડિયા સહિતના સ્લીપર સેલ દ્વારા જે પેટ્રોલ નાખવામાં આવી રહ્યું છે તે ભારતને અને રાષ્ટ્રવાદી ભારતીયોને તો દઝાડશે જ પણ એ આગની જ્વાળાથી એ લગાડનારા પોતે પણ નહીં જ બચી શકે એ એટલું જ નિશ્ચિત છે.

અકાલી દળ અને ભાજપના સંયુક્ત શાસન દરમિયાન જે પંજાબ શાંત અને સુખી હતું એ પંજાબને કોંગ્રેસે, ખાસ કરીને પાકિસ્તાની તરફી માનસિકતા ધરાવતા સિદ્ધુ જેવા તત્વોએ ફરી અશાંતિ તરફ ધકેલી દીધું છે. સિદ્ધુની સાથે બધા નહીં પણ મુઠ્ઠીભર કોંગ્રેસીઓ છે, મુઠ્ઠીભર મીડિયા છે અને આખું પાકિસ્તાન, ચીન તેમજ ભારતમાં વસતા ઝેરીલા માઓવાદીઓ અને અર્બન નક્સલવાદીઓ સિદ્ધુની સાથે છે. આ બધા ભેગા મળીને ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ વાત સારી રીતે જાણતી-સમજતી જ હશે. ભાજપ અને અન્ય રાષ્ટ્રવાદીઓ હંમેશાં સહિષ્ણુતામાં માનતા હોય છે અને તેથી લોકશાહી પદ્ધતિએ ચૂંટણી દ્વારા પંજાબમાં જીત મેળવીને ત્યાં ફરી શાંતિ સ્થાપવાની ગણતરી હશે...પરંતુ પાંચ જાન્યુઆરી, 2022ની ઘટના પછી આવી કોઈ સહિષ્ણુતા રાખવાનું માત્ર ભાજપને જ નહીં, સમગ્ર દેશને મોંઘું પડી શકે છે. એ દિશામાં કેન્દ્રીય નેતૃત્વ વિચાર કરે ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment