Friday, January 28, 2022

સ્વાતંત્ર્યના ખરા લડવૈયાનું 75 વર્ષે સાચું સન્માન થયું

 



– નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિંદ ફોજનાં સંસ્મરણો હજુ પણ ક્યાંક ક્યાંક સચવાયેલા છે. આઈ.એન.એ.ના એ તમામ વારસદારો દિલ્હીમાં રાજપથ પર નેતાજીની પ્રતિમા જોઇને આજે કેટલા પુલકિત હશે!

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

દિલ્હીમાં જે રાજપથની છાતી ઉપર બ્રિટિશરો ભારતને ગુલામ બનાવવાના અહંકારમાં કૂચ કરતા હતા એ જ રાજપથ ઉપર સ્વતંત્રતાની લડાઈનો એક સાચો વીરયોદ્ધો ઊભો હશે ત્યારે કરોડો રાષ્ટ્રવાદીઓની છાતી ગજગજ ફૂલી જશે એનો અંદાજ લગાવવાનું મુશ્કેલ નથી. આપણને સ્વતંત્રતા બિના ખડગ, બિના ઢાલ મળી છે એવી ભ્રમણામાંથી મુક્ત થવાનો આજે અવસર છે. આજે ભારતના એ સપૂતનો જન્મદિવસ છે જે એક આખા બ્રિટિશ સામ્રાજ્ય સામે સૈન્યદળ સ્થાપીને માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યુદ્ધમાં ઉતર્યા હતા. દેશને સ્વતંત્ર કરાવવા માટેની લડાઈના ખરા લડવૈયાઓ પૈકી એક એવા સુભાષચંદ્ર બોઝને આજે- 2022ની 23 જાન્યુઆરીએ એ રાજપથ ઉપર સ્થાન મળી રહ્યું છે જે સ્થાન મેળવવા માટે તેઓ હકીકતે 1947ની 15 ઑગસ્ટે હકદાર હતા.

ખેર, સાચા વીરોની ઓળખ માત્ર સાચા વીરોને જ થઈ શકે એ વાત આજે નરેન્દ્ર મોદીએ વધુ એક વખત સાબિત કરી છે. આપ સૌ વાચકોને યાદ હશે કે હજુ ત્રણ વર્ષ પહેલાં જ, 2019ની 23 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લામાં આઝાદ હિંદ ફોજ સંગ્રહાલયનું ઉદ્દઘાટન કર્યું હતું જેમાં નેતાજી બોઝ સાથે જોડાયેલાં તમામ સંસ્મરણો રાખવામાં આવ્યાં છે. આ સ્થળને એક વર્ષ અગાઉ એટલે કે 2018ની 21 ઑક્ટોબરે રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. આ સ્મારક અને સંગ્રહાલયનું મહત્ત્વ એ છે કે, તે સ્થળે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજના બાહોશ જવાનોને કેદી બનાવીને તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

પરિવારવાદ અને નકલી મહાત્માઓની કિન્નાખોરીને કારણે દાયકાઓ સુધી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સુભાષચંદ્ર બોઝને યોગ્ય સન્માન મળી રહ્યું છે ત્યારે આઈ.એન.એ.ના એ બાહોશ કમાન્ડરનાં કેટલાંક પરાક્રમને ફરી એક વખત યાદ કરી લેવાં જોઇએ. આ દેશની એ કમનસીબી રહી છે કે નહેરુ-ગાંધી ખાન-દાન પ્રત્યેની ગુલામ માનસિકતાને કારણે માત્ર સ્વતંત્રતા ચળવળ જ નહીં પરંતુ એ સિવાય પણ આ દેશના સેંકડો રાષ્ટ્રવાદી વિદ્વાન નાયકોએ ભારતીય જીવન ઉપર પાડેલા પ્રભાવને ઇતિહાસનાં પાનાઓમાં હાંસિયામાં ધકેલી દેવાનું ઘોર પાપ કરેલું છે. આવી ઉપેક્ષા અને અન્યાયનો ભોગ નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ બન્યા હતા.

નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, ડૉ. ભીમરાવ આંબેડકર જેવા વિદ્વાન અને બાહોશ સ્વતંત્રતા સેનાનીઓ સાથે શા માટે અને કોના ઈશારે અન્યાયની શરૂઆત થઈ હતી એ વાત દરેક રાષ્ટ્રવાદી ભારતીય સારી રીતે જાણે છે. દેશનો એક ઘણો મોટો વર્ગ આ અને આવા બીજા અનેક સાચા નાયકો પ્રત્યે આજે પણ સાચી શ્રદ્ધા ધરાવે છે, અને હવે તો એ નાયકોને તેમનું યોગ્ય સન્માન પણ મળવા લાગ્યું છે.

દેશની ઘણી મોટી વસતીને હજુ થોડાં વર્ષ પહેલાં જ એ વાતની ખબર પડી કે નેતાજી સુભાષચંદ્ર બોઝે તો 21મી ઑક્ટોબર, 1943ના દિવસે જ, એટલે કે 15 ઑગસ્ટ, 1947ના ચાર વર્ષ પહેલાં જ ભારતને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધો હતો એટલું જ નહીં પરંતુ એવા સ્વતંત્ર ભારતના એ પ્રથમ વડાપ્રધાન અને વિદેશપ્રધાન પણ બન્યા હતા. સૌથી અગત્યની વાત એ છે કે 1943ની 21 ઑક્ટોબરે નેતાજી બોઝે તેમની સરકારની રચના કરી તેને વિશ્વના નવ (9) દેશોએ માન્યતા પણ આપી હતી. આ દેશોમાં જાપાન, જર્મની, ફિલિપિન્સ, થાઇલેન્ડ, મંચુરિયા, ક્રોએશિયા જેવા દેશોનો સમાવેશ થતો હતો. વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝની સરકાર 21 ઑક્ટોબર, 1943થી 18 ઑગસ્ટ, 1945 સુધી અસ્તિત્વમાં હતી. 1945ની 18 ઑગસ્ટે તેમના રહસ્યમય નિધન સાથે બધું જ ઇતિહાસનાં પાનાઓમાં માત્ર હાંસિયામાં ધકેલાઈ ગયું.

આઝાદ હિન્દ ફોજના કેટલાક સૈનિકો નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અન્ય નગરો-શહેરોમાં હતા અથવા છે એવી જાણકારી મને 2013માં મળી હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે આઈ.એન.એ. સાથે સંકળાયેલા સ્વતંત્રતા સંગ્રામના દસ્તાવેજો એ સેનાનીઓના વારસદારો પાસે સચવાયેલા છે. આશા છે હવે એ વારસદારો એ બધા દસ્તાવેજો ભારત સરકારને સોંપીને દેશના સાચા ઇતિહાસને ઉજાગર કરવામાં તેમજ સુભાષચંદ્ર બોઝ અને તેમના સેનાનીઓને ગૌરવ અપાવવામાં મદદરૂપ થશે...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!જયહિંદ.

No comments:

Post a Comment