Friday, January 28, 2022

વિધાનસભા ચૂંટણીઃ કયું સમીકરણ આદર્શ ગણાય?

 



– હાલ જે 4:1નું સમીકરણ છે તે યથાવત્ રહેશે કે પછી

તે 3:2, 2:3 અથવા 1:4 થશે? દેશ અને પ્રજાનું હિત શામાં છે?

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ભારત ચૂંટણી-પ્રિય દેશ છે. સરેરાશ દર ત્રણ મહિને કાંતો કોઈ રાજ્યમાં પંચાયતની અથવા પાલિકા-મહાપાલિકાની અથવા રાજ્ય વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલુ જ હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્થિતિ બદલવા માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક સાથે ચૂંટણી યોજાય તે માટે વન નેશન, વન ઈલેક્શનનો વિચાર ઘણા વખત પહેલાં આપ્યો હતો, પરંતુ સ્વાર્થી-ભ્રષ્ટ અને ગંદી-ગોબરી માનસિકતા ધરાવતા અન્ય પક્ષો આ વિચારને સમર્થન આપતા નથી અને તેથી આ ક્રાંતિકારી વિચારનો વાસ્તવિક અમલ ક્યારે થઈ શકશે તે કહેવું મુશ્કેલ છે. વન નેશન, વન ઈલેક્શન ના અનેક લાભ છે, પરંતુ ઉપર કહ્યા તેવા વિપક્ષો પરિવર્તન સ્વીકારીને ફૂલની સુવાસ લેવા તૈયાર નથી, એમને એમની ગંદકી જ પસંદ છે!

ખેર, તો હાલની સ્થિતિએ સતત ચૂંટણી-મોડમાં રહેતા આપણા દેશમાં પાંચ રાજ્ય – ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પાંચમાંથી પંજાબને બાદ કરતાં બાકીના ચાર રાજ્યમાં હાલ ભાજપનું શાસન છે, એટલે એ રીતે 4:1 નું સમીકરણ છે. આ લખાય છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કેટલાક કેબિનેટ પ્રધાનો અને ધારાસભ્યોએ ભાજપમાંથી રાજીનામાં આપી દીધાં છે અને સપામાં જોડાઈ રહ્યા છે. ભાજપ છોડી જનારા વરસાદી દેડકા એવો આક્ષેપ કરે છે કે, ભાજપમાં તેમને ન્યાય મળ્યો નથી અને ભાજપ શાસનમાં કચડાયેલા વર્ગોનું કલ્યાણ થયું નથી અને બ્રાહ્મણો સાથે પણ અન્યાય થાય છે...વગેરે વગેરે...વગેરે. ખેર, જૈસી જીસકી સોચ! પણ આ વંડી ઠેકનારા પાંચ વર્ષ પહેલાં ભાજપમાં આવ્યા ત્યારે તેમના જૂના પક્ષ બસપા અને સપા માટે આવું જ કહેતા હતા. બીજું, આ કથિત નેતાઓ એ વાતનો જવાબ આપી શકવા સમર્થ નથી અથવા તેમની પાસે એ જવાબ જ નથી કે સપા-બસપાએ કચડાયેલા વર્ગો અને બ્રાહ્મણોનું શું કલ્યાણ કર્યું? એ પક્ષોએ આ વર્ગો માટે એવી કઈ યોજનાઓ અને કયા કાર્યક્રમો આપ્યા જેને કારણે બધાને સમાનતા મળી ગઈ હોય?

પણ આ ડેવલપમેન્ટથી એટલું નિશ્ચિત છે કે સફળતાના શિખર પર બેઠેલા ભાજપ માટે ત્યાં ટકી રહેવાનું એટલું સહેલું નહીં હોય. તમે સફળ થવા લાગો ત્યારે તમામ પ્રકારના લોકો તમારી આસપાસ વીંટળાઈને તમારી વાહવાહ કરે, પરંતુ એ ચુનાવી હજુરિયા તેમને જે કિંમત જોઇએ એ ન મળે ત્યારે તમારી ઉપર કાદવ ઉછાળીને બીજી તરફ કૂદી જતા હોય છે. 2014 પછી કોંગ્રેસ સાથે જે થયું છે એવું ભાજપ સાથે પણ ગમે ત્યારે થઈ શકે છે, ઉત્તરપ્રદેશ એનું ઉદાહરણ છે.

10 જાન્યુઆરીને સોમવારે બે રાષ્ટ્રીય હિન્દી સમાચાર ચેનલે ઓપિનિય પોલ જાહેર કર્યા હતા. આ બંને ઓપિનિયન પોલનું સરેરાશ તારણ એ જ રહ્યું કે, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપને ફરી સત્તા મેળવવામાં ખાસ વાંધો નહીં આવે. પણ પંજાબમાં કોંગ્રેસ માટે સત્તા ટકાવવી મુશ્કેલ બનશે. આ બંને ઓપિનિયન પોલ અનુસાર પંજાબમાં ઝાડુ-ટોપીનું પ્રતીક ધરાવતા જૂથને બીજા પક્ષો કરતાં વધારે લાભ થઈ રહ્યો છે. જો એ સાચું હોય તો દેશની એકતા-અખંડિતતા અને સલામતી સામે સૌથી મોટું જોખમ ઊભું થઈ જશે કેમ કે પંજાબ એ ઝેરીલા-જેહાદી પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું રાજ્ય છે.

ઝેરીલા-જેહાદી પાકિસ્તાનને એક દેશ તરીકે તેની પોતાની પ્રગતિમાં કોઈ રસ નથી, પરંતુ તેનો એકમાત્ર કાર્યક્રમ અને ધ્યેય ભારતને અસ્થિર રાખવાનો હોય છે. પંજાબમાં છેલ્લા એકાદ વર્ષથી ખાલિસ્તાની ચળવળ ફરી સક્રિય થઈ છે જેના માટે ઝેરીલું-જેહાદી પાકિસ્તાન ઘણા દાયકાથી પ્રયાસ કરતું હતું. પહેલાં અકાલીદળ-ભાજપની સંયુક્ત સરકારને કારણે ના-પાકીઓને સફળતા મળતી નહોતી અને ત્યારબાદ કેપ્ટન અમરિન્દર સિંહ મુખ્યપ્રધાનપદે હોવાને કારણે ના-પાક ઈરાદા સફળ થતા નહોતા. નવજોત સિદ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહને હોદ્દો અને પક્ષ છોડવા ફરજ પાડી ત્યારથી જેહાદી પાકિસ્તાનીઓ ખુશખુશાલ છે. આમછતાં, કોંગ્રેસમાં હજુ પણ રાષ્ટ્રહિતમાં વિચારતા કેટલાક લોકો છે તેથી ઝેરીલા પાકિસ્તાનીઓ આવા કોંગ્રેસી નેતાઓને જીતવા નહીં દે એ નિશ્ચિત છે. એ સંજોગોમાં ઝાડુ-ટોપી ટોળકી સંપૂર્ણપણે તેમના પીઠ્ઠુની જેમ વર્તવા તૈયાર છે. તેથી જ પંજાબ અંગેના ઓપિનિયન પોલના આંકડા ડરામણા છે. સાવધાન પંજાબ, સાવધાન ભારત.

 પંજાબ સરહદી રાજ્ય હોવાને કારણે તથા ઉત્તરપ્રદેશ સૌથી વિશાળ રાજ્ય હોવાને કારણે મહત્ત્વ ધરાવે છે. ઉત્તરપ્રદેશની કુલ વસ્તી 20થી 22 કરોડ છે અને મતદારોની સંખ્યા 18 કરોડની આસપાસ છે. આ આંકડો દુનિયાના ઘણા નાના દેશોની કુલ વસ્તી કરતાં પણ મોટો છે. આવા મહાકાય રાજ્યના મુખ્યપ્રધાન તરીકે યુવાન સંત યોગી આદિત્યનાથે જે મહેનત કરી છે, જે વિકાસ સાધ્યો છે, કોરોનાકાળમાં જે સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કિલ દર્શાવી છે, જેટલી સંખ્યામાં મેડિકલ કૉલેજો સહિત આરોગ્ય સેવાનો વિસ્તાર વધાર્યો છે, જે શ્રદ્ધા અને ભક્તિભાવથી ધાર્મિક સ્થળોનો વિકાસ કર્યો છે – એ બધું ધ્યાનમાં લેતાં તેઓ બીજી વખત સરકાર બનાવશે એવી આશા અસ્થાને નથી. જામી રહેલી આ ચૂંટણીનો માહોલ જોઈએ...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment