Sunday, January 2, 2022

કોંગ્રેસનું “આ મહાપાપ” છાપરે ચડીને પોકારે છે

 


--- લઘુમતી ખુશામતની કોંગ્રેસી નીતિથી આ દેશનો કોઈ નાગરિક અજાણ નથી, પરંતુ 2013માં કોંગ્રેસે વકફ કાયદામાં ફેરફાર કરીને જે પાપ કર્યું છે એ કલમ 370 કરતાં અનેકગણું મોટું છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

તમારામાંથી લગભગ મોટાભાગના અથવા તમામ વાચકો ગયા અઠવાડિયે (26-12-2021ના અખબારોમાં) દ્વારકાના ટાપુ અંગે અદાલતે કરેલી ટિપ્પણીના સમાચારથી વાકેફ હશે. દ્વારકા જિલ્લાના બે બેટ વકફની માલિકીના હોવાના દાવાનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલાં આવો જ એક કેસ મધ્યપ્રદેશમાં પણ બન્યો હતો. સાચી વાત એ છે કે, લગભગ દરેક રાજ્યમાં દર ચાર-છ મહિને એક કેસ બનતો રહે છે. અનેક દાયકાથી આ થઈ રહ્યું છે પરંતુ આવા કેસને સામાન્ય અદાલતોમાં જતા રોકવા કોંગ્રેસની સરકારે 2013માં વકફ બોર્ડના કાયદામાં ફેરફાર કરીને વકફની મિલકતના દાવાના કેસ માત્ર વકફની ટ્રિબ્યુનલમાં ચાલે એવું ઠરાવ્યું હતું.

આગળ વધતા પહેલાં વાચકોને અહીં કોંગ્રેસની જ સરકારે લાવવા ધારેલા પરંતુ તે સમયના વિપક્ષ તેમજ પ્રજાના પ્રચંડ વિરોધ બાદ પસાર નહીં થઈ શકેલા એક ખરડાની યાદ અપાવી દઉં. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર કોમી તોફાનોને લગતો એક ખરડો પસાર કરવા માગતી હતી જેમાં દેશમાં ગમેત્યાં કોમી તોફાન થાય તો એ માટેની જવાબદારી માત્ર બહુમતીની અર્થાત હિન્દુઓની જ નિર્ધારિત કરવાની જોગવાઈ હતી. આ જોગવાઈ અનુસાર જવાબદાર સંદિગ્ધ હિન્દુઓની બિન-જામીનપાત્ર કલમો હેઠળ તત્કાળ ધરપકડ કરી લેવાની, જ્યારે કોમી તોફાનોમાં સંડોવાયેલા લઘુમતી સમુદાયના લોકો સામે કેસ બને છે કે નહીં તેનો નિર્ણય માત્ર જિલ્લા કલેક્ટરે તપાસ કર્યા પછી લેવાનો હતો.

ભારતીયોના સદ્દનસીબે આ ખરડો પસાર થઈને કાયદો ન બન્યો, પરંતુ 1995ના વકફ કાયદામાં 2013માં સુધારો કરીને દેશને અત્યંત ભયાવહ સ્થિતિમાં નાખી દેવામાં આવ્યો છે. આ સુધારા અનુસાર જે મિલકત ઉપર વકફ દ્વારા પોતાની મિલકત છે એવો દાવો કરી દેવામાં આવે પછી એ મિલકતના માલિકે પોતાની વાતની રજૂઆત માત્ર વકફ બોર્ડ સમક્ષ જ કરવી પડે. વકફ બોર્ડમાં મામલાનું સમાધાન ન આવે તો કેસ ટ્રિબ્યુનલમાં જાય, પરંતુ આ કાયદાની જોગવાઈ અનુસાર ટ્રિબ્યુનલમાં પણ વકફના સભ્ય હોવા જોઇએ.

ટૂંકમાં મિલકતો અંગેના વકફના કાયદાને એ હદે જટિલ બનાવી દેવામાં આવ્યો છે કે એક વખત કોઇપણ જમીન કે મિલકત ઉપર વકફના નામે દાવો થઈ ગયો તો પછી તેમાંથી નીકળવાનું લગભગ અશક્ય બની જશે.

આવી સ્થિતિ આવે તે પહેલાં મોદી સરકારે વકફના કાયદા અંગે પગલાં લેવા જરૂરી છે. તે સાથે રાષ્ટ્રવાદી વકીલોએ પણ આ કાયદાનો યોગ્ય અભ્યાસ કરીને તેના વિશે ગુજરાતના અને દેશના નાગરિકોમાં જાગ્રતિ ફેલાવવી જોઇએ. દેશનો સરેરાશ નાગરિક કોઇની સાથે સંઘર્ષ ઈચ્છતો નથી. સરેરાશ નાગરિકો સંઘર્ષ કરી પણ શકતા નથી કેમ કે તેમને પરિવારની ચિંતા હોય છે અને તે સાથે અદાલતોમાં કેસ લડવા માટેની આર્થિક ક્ષમતા અને સમય પણ બધા નાગરિકો પાસે હોતા નથી. આ સંજોગોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પણ વકફ કાયદાનો અભ્યાસ કરીને વહેલામાં વહેલી તકે લોકજાગ્રતિનું કામ કરે એ જરૂરી છે. પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ અને તેની ટીમના સભ્યો આવી લોકજાગ્રતિનું કામ કરી જ રહ્યા છે, પરંતુ 135 કરોડની વસ્તીના દેશમાં માત્ર બે-પાંચ વ્યક્તિ મથામણ કરે એ પૂરતું નથી. આ બાબતમાં સંઘે એની શક્તિ વહેલામાં વહેલી તકે કામ લગાડવી જોઇએ. અન્યથા આજે દ્વારકાના બે બેટ ઉપર દાવો થયો છે, આવતીકાલે મંદિરોની જમીનો પર દાવા કરવાનું શરૂ થશે ત્યારે બંને સમાજ વચ્ચે જે તણાવ ઊભો થશે એ બધા માટે અસહ્ય હશે. ભવિષ્યમાં હિન્દુ-મુસ્લિમ ઘર્ષણ ટાળવું હોય તો દરેકે અત્યારથી જ આ દિશામાં કામ શરૂ કરી દેવું પડશે. (આ કાયદા વિશે આ લિંક પર જઇને અભ્યાસ કરો - https://www.indiacode.nic.in/show-data?actid=AC_CEN_44_74_00001_199543_1517807323904&orderno=41  ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment