Sunday, February 27, 2022

ગુજરાતમાં રચાયો પુસ્તક પ્રકાશનનો અનોખો વિક્રમ

 


 – અંજારથી સુરત સુધી રચાયો પુસ્તક-સેતુ. ઐતિહાસિક તારીખે ઐતિહાસિક સંખ્યામાં પુસ્તક પ્રકાશિત થવાની નોંધ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકોર્ડ્સમાં લેવામાં આવી

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

શબ્દોમાં એક પ્રકારનું અદૃશ્ય રોમેન્ટિસિઝમ હોય છે. ખાસ કરીને અવ્યક્ત માનવીય લાગણીને સ્પર્શ કરે એવા શબ્દો અનેક લોકોને ભાવુક બનાવી દે છે. વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં અનેક લોકો જે અનુભવતા હોય તેને લખાણમાં વ્યક્ત કરી શકતા નથી, પરંતુ બીજા કોઈ એવી જ લાગણી વ્યક્ત કરતું લખાણ લખે તો એ વાચક અને લખનાર વચ્ચે અદૃશ્ય સેતુ બંધાઈ જાય છે. ધીમેધીમે આ સ્થિતિ લાગણીશીલ લોકોને લેખન કરવા માટે પણ પ્રેરણા આપે છે, કેટલાક લખવાનું શરૂ કરે છે અને એમ કરતાં કરતાં ક્યારેક સમાજને ઉત્તમ સર્જક મળી જાય છે.

સામાન્ય રીતે એવું ભલે કહેવાતું હોય કે કળા શીખી કે શીખવાડી શકાતી નથી અને એ તો કુદરતી હોય છે - પરંતુ વાસ્તવિક જીવનમાં આ વાત સંપૂર્ણ સાચી નથી. હીરામાં હીર હોય તો જ શબ્દો-રૂપી ઝવેરીના સ્પર્શ પછી એ હીર ઝળકી ઊઠે અને એ હીરો (ડાયમંડ) તરીકે પ્રસ્થાપિત થાય. પરંતુ હીર ન હોય તો પણ એક કીમતી રત્ન તરીકે તો એની ઓળખ પ્રસ્થાપિત થાય જ, કેમ કે એ ઘસાય છે, પૉલિસ થાય છે અને તેથી ચમકે છે.

ખેર, આવી પૂર્વભૂમિકા બાંધવાનું કારણ માત્ર એટલું જ છે કે આ અઠવાડિયાના પ્રારંભે અંગ્રેજી તારીખની દૃષ્ટિએ ગુજરાતમાં પુસ્તકોની દુનિયામાં એક અનોખો વિક્રમ કરવામાં આવ્યો. 22-02-2022 જેવી વિશિષ્ટ તારીખે અંજારના એક ઉત્સાહી તથા અત્યંત લાગણીશીલ વાચક અને લેખક શ્રી સાગર ચૌચેટાએ બીજા કેટલાય નીવડેલા તેમજ નવોદિત લેખકોને પ્રોત્સાહિત કરીને સાગમટે બધાં પુસ્તક પ્રકાશિત થાય એવું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. અને તેમનું આ સ્વપ્ન સાકાર કરવામાં સુરતની પ્રકાશન સંસ્થા નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશનનો સાથ મળ્યો.

માણસ સ્વપ્ન સેવે અને એ સાકાર કરવા મહેનત કરે તો અનેક પરિબળોની મદદ મળતી હોય છે એવું આપણે વાંચ્યું-સાંભળ્યું હોય છે, પરંતુ સાગરભાઈના કિસ્સામાં એ બાબત પ્રત્યક્ષ સાકાર થતી જોવા મળી.

સંકલ્પ સાહિત્ય સમૂહના નેજા હેઠળ જે 50 કરતાં વધુ પુસ્તક એક સાથે-એક દિવસે પ્રકાશિત થયાં તેની ત્રણ વિશિષ્ટતા ખાસ ધ્યાન ખેંચે એવી છે. એક તો, આ પુસ્તકોનું વિષય-વૈવિધ્ય. અર્થાત, તેમાં અધ્યાત્મ, ઈતિહાસ, વાર્તા, કાવ્ય, યોગ, ધર્મ, મેનેજમેન્ટ, આરોગ્ય વગેરે વિષયોનું એક સંપૂર્ણ પૌષ્ટિક ભાથું તૈયાર કરવામાં આવ્યું છે. બીજું, આ ઐતિહાસિક ઉપક્રમમાં ભાષાનું બંધન રાખવામાં નથી આવ્યું. અર્થાત, ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી એમ ત્રણે ભાષામાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. ત્રણ, કેટલાક બાળ-લેખકો પણ આ દ્વારા ગુજરાતને મળ્યા છે. અને આવાં કારણોસર જ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ તેમજ એશિયા બુક ઑફ રેકોર્ડ્સમાં તેની નોંધ લેવામાં આવી છે.

સાગરભાઈ તથા નેક્ષસ પ્રકાશનની આ પવિત્ર-નેક્સસને શુભેચ્છા આપવા માટે મેં જાન્યુઆરી, 2022માં જે પત્ર લખ્યો હતો તે આ સમગ્ર ઉપક્રમનું કેટલું મહત્ત્વ છે એ દર્શાવે છે. એ પત્રનો અહીં માત્ર એક અંશ પ્રગટ કરીને સંકલ્પ સાહિત્ય સમૂહ તથા નેક્ષક સ્ટોરીઝ પબ્લિકેશનને વધુ એક વખત શુભેચ્છા અને અભિનંદન. (...ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જ્ઞાન હોય, વિજ્ઞાન હોય, ઈતિહાસ હોય કે સાહિત્ય હોય- દરેકનું લેખિત સ્વરૂપ જ સૌથી વિશ્વાસપાત્ર અને સ્વીકાર્ય હોય છે. અને તેથી પુસ્તકોની મહત્તા અને મહત્ત્વ ઓછાં થવાનાં નથી. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા, ટીવી, ઓટીટી સહિત અન્ય આકર્ષણો હોવા છતાં વિશ્વસનીયતાના શિખર ઉપર તો પુસ્તકો રહેશે. એ સંદર્ભમાં આપ સૌની કામગીરી ઐતિહાસિક ઘટનાક્રમનું એક નોંધપાત્ર પાનું બની રહેશે એવી મને ખાતરી છે.”…) અને હા, ખાસ તો આ ઐતિહાસિક વિમોચનમાં જેમનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે એવા તમામ લેખકોને વિશેષ અભિનંદન, તો...મિલતે હૈ બ્રેક કે બાદ.

Sunday, February 20, 2022

ગુજરાતી ભાષાઃ સાચી જોડણી માતૃભાષાનું ઘરેણું છે

 

 – આવતીકાલે 21 ફેબ્રુઆરીને સોમવારે વિશ્વ માતૃભાષા દિવસ છે. માતૃભાષાનું ગૌરવ તો દરેક જણ કરે છે, પણ પીડાદાયક હકીકત એ છે કે 98 ટકા ગુજરાતીઓને સાચી જોડણી આવડતી જ નથી


*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

આવતીકાલે 21 ફેબ્રુઆરીને સોમવારે વિશ્વ માતૃભાષા દિવસ છે. લાગણીશીલ નેટિઝન્સ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ આપશે. માતૃભાષા અંગે ગામેગામ સેમિનાર યોજાશે. કેટલાક તો વળી ગુજરાતી ભાષાનું ગૌરવ અંગ્રેજી ભાષામાંય વ્યક્ત કરશે! કેટલાક થોડા વધારે ડાહ્યા લોકો એમ પણ કહેશે કે જ્યાં સુધી ગુજરાતી લખાતું અને વંચાતું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને વાંધો નહીં આવે. ગુજરાત સરકાર પણ જોડણી અને વાક્ય રચનાઓની અસહ્ય ભૂલો સાથે માતૃભાષા વિશે લખશે-બોલશે. અખબારોમાં લેખો લખાશે જેમાં જોડણી તો ભાગ્યે જ સાચી હશે.

સામાન્ય રીતે હું ભાષા, માતૃભાષા, લેખન, અનુવાદ વિશે આવું નકારાત્મક લખતો-બોલતો નથી, પરંતુ આજે એવું લાગે છે કે માતૃભાષાની સાથે-સાથે જોડણી વિશે પણ થોડું કહું. જોડણીની સાથે સાથે કોઇપણ સમાજના પરંપરાગત રોજગાર-વ્યવસાય ટકાવવા માટે પણ માતૃભાષા એટલી જ અગત્યની છે.

હકીકતે માતૃભાષાનું સાચું ગૌરવ જોડણી સાથે જોડાયેલું છે. સાચી જોડણી વિનાની ભાષા એટલે ગાજ-બટન વિનાનું શર્ટ. સાચી જોડણી વિનાની ભાષા એટલે ટ્રીમ કર્યા વિનાનું જંગલી ઘાસ. સાચી જોડણી વિનાની ભાષા એટલે ગાળ્યા વગરની ચા. સાચી જોડણી વિનાની ભાષા એટલે સોલ વિનાના જૂતાં. સાચી જોડણી વિનાની ભાષા એટલે ગ્લાસ વિનાના ચશ્માની ખાલી ફ્રેમ.

ગુજરાતી ભાષામાં એમ.એ. કરનાર મહાનુભાવો, ગુજરાતી ભાષાના શિક્ષકો, સાહિત્ય સંસ્થાઓમાં અધ્યક્ષપદ શોભાવતા મહાનુભાવો, સાહિત્યકારો પોતે, તંત્રીઓ અને પત્રકારો – આ બધા જ લોકોમાં (થોડા-થોડા અપવાદને બાદ કરતાં) જોડણીની કોઈ સભાનતા જોવા મળતી નથી. વધારે પીડાદાયક એ છે કે, આ લોકો જોડણી શીખવા પ્રયાસ પણ કરતા નથી.

વર્તમાન સમયમાં વધારે ખરાબ સ્થિતિ એ થઈ છે કે, ગૂગલવાળાઓએ પણ સાચી જોડણી જાણનાર અનુવાદકોને કામ સોંપવાને બદલે જે હાથમાં આવ્યા એમને અનુવાદનાં કામ સોંપી દીધાં, અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અંગ્રેજી – હિન્દી વાક્યોના ગુજરાતી વાક્યો કે શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. એનું અતિશય માઠું પરિણામ એ આવી રહ્યું છે કે, પેન્ટના કાપડની કૂર્તની (ખમીસ-શર્ટ) બની જાય છે અને કૂર્તનીના કાપડના પેન્ટ!

પીડાદાયક સ્થિતિ એ પણ છે કે, અંગ્રેજી ભાષામાં સ્પેલિંગની ભૂલ નહીં ચલાવી લેતા લોકો ગુજરાતીની જોડણી માટે સદંતર ઉપેક્ષા કરે છે. આટલું ઓછું હોય એમ, ગુજરાતમાં એક પ્રજાતિ એવી પણ છે જે ઊંઝા જોડણીના નામે ઉધામા કરે છે. આ પ્રજાતિ માને છે કે મા અને માસી વચ્ચે કોઈ તફાવત રહેવો ન જોઇએ. આ પ્રજાતિના મતે બાપા અને કાકા એક જ ગણાય. આ પ્રજાતિ એમ માને છે કે નાના અને દાદા વચ્ચે વળી તફાવત શું કરવાનો હોય! આ પ્રજાતિ આવા ઉધામા માટે દલીલ એવી કરે છે કે, ગુજરાતી જોડણી અઘરી છે એટલે સામાન્ય લોકોને આવડતી નથી, અને તેથી મા-માસી, બાપા-કાકા, નાના-દાદા બધા એક જ! મૂળભૂત રીતે આવો તર્ક કરતી પ્રજાતિ નમાલી છે. તેને જોડણી માટે મહેનત કરવામાં રસ નથી. જોડણી નથી આવડતી તો વાંધો નહીં, ચાલો શીખીએ, શીખવાડીએ– એવું વલણ લેવાને બદલે આ પ્રજાતિ જંગલના નિયમને માન્યતા આપી દેવા તત્પર છે. જંગલનો નિયમ એટલે જેને જેમ ફાવે એમ બોલે, જેમ ફાવે એમ લખે.

જોડણી મુદ્દે જે થોડુંઘણું બચ્યું હતું એ મીડિયાએ, ખાસ કરીને ટીવી મીડિયાએ પૂરું કરી નાખ્યું. ટીવીના માલિકોએ ઑફિસ અને ટેકનોલોજી પાછળ ચિક્કાર ખર્ચા કર્યા, પરંતુ સમાચાર લખનાર અને સમાચાર વાંચનારા લોકો સાવ સસ્તા શોધ્યા. પરિણામ એ આવ્યું કે, ચલતાપૂર્જા જેવા લોકો એન્કર તરીકે ગોઠવાઈ ગયા જેમને સાચું ગુજરાતી લખતાં તો નથી જ આવડતું પણ સાચા ઉચ્ચારણ કરતાં પણ નથી આવડતું.

અને ગુજરાત સરકારનું શું કહેવું? જ્યાં ભાષા-જોડણીની કોઈ ભૂલ ન હોવી જોઇએ એવા ગુજરાત સરકારનાં તમામ લખાણ ચીતરી ચડે એવી ગંદી જોડણીમાં લખાયેલાં હોય છે. માહિતીખાતાની અખબારી યાદીમાં મુખ્યપ્રધાન અને પ્રધાનો માટે માનનીયશબ્દ લખવામાં જેટલી કાળજી લેવામાં આવે છે એટલી કાળજી સાચી જોડણી લખવા માટે લેવામાં નથી આવતી.

ભાષા હોય કે બીજી કોઇપણ બાબત હોય – કશાય વિશે જડતા રાખવાનો કોઈ અર્થ નથી એ જાણું છું, પરંતુ છૂટછાટ પણ વાજબી સારી લાગે. છૂટછાટને નામે સ્વચ્છંદતાને પોષવામાં આવશે તો આપણા ઉપર લાગેલો શું શા પૈસા ચારનો ડાઘ કદી ધોઈ નહીં શકીએ. બધા ભેગા થઇને જરા વિચાર કરો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ.

Wednesday, February 9, 2022

90 ટકા મુસ્લિમ છોકરીઓ/મહિલાઓની માગણી છે કે...

 

 


90 ટકા મુસ્લિમ છોકરીઓ/મહિલાઓની માગણી છે કે...

મહા સુદ આઠમ, સંવત 2078

09-02-2022, બુધવાર.

---------------------------

n  અલકેશ પટેલ

90 ટકા મુસ્લિમ છોકરીઓ – મહિલાઓની માગણી છે કે, આરફા ખાનમ, સાનિયા મિર્ઝા, સબા નકવી, ઉર્ફી જાવેદ, રાના અયુબ જેવી સેલિબ્રિટી મુસ્લિમ મહિલાઓએ હંમેશાં હિજાબમાં-બુરખામાં જ રહેવું જોઇએ જેથી ભારતની તમામ મુસ્લિમ મહિલાઓને ગૌરવ થાય કે આવી વગદાર મુસ્લિમ મહિલાઓ પણ હિજાબ પહેરે જ છે. પણ કમનસીબે આવું થતું નથી. કટ્ટરવાદને પ્રોત્સાહન આપનારી આ તમામ સેલિબ્રિટી મહિલાઓએ કદી બુરખો-હિજાબ પહેર્યા હોય એવું જોવા મળ્યું નથી.

હકીકતે આ સંપ્રદાય અનેક-રંગી ફિલોસોફી લઇને ચાલે છે. તેનું ધ્યેય અને લક્ષ્યાંક નિશ્ચિત છે, પરંતુ એ હાંસલ કરવા માટેના જે માર્ગો છે, જે દલીલો છે, જે તર્ક છે, જે સાધનો છે – એ જુદાં જુદાં છે. ઓછી સંખ્યા હોય ત્યારનાં ધોરણો જુદાં, સંખ્યા વધે ત્યારનાં ધોરણો જુદાં, ફિલ્મ – મનોરંજન બાબતે ધોરણો જુદાં, પત્રકારત્વ બાબતે, સાહિત્ય બાબતે, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે, ટીવી-રેડિયો જેવાં સાધનોના ઉપયોગ બાબતે – એમ દરેકે દરેક બાબતે જુદાં ધોરણો અને અલગ અલગ તર્ક-દલીલ સાથે આ સંપ્રદાય ચાલ્યા કરે છે.

પણ એમાં એમનો વાંક ક્યાં છે? એ વર્ગ તો જે શીખવવામાં આવ્યું છે, જે ગાંઠ બાંધી આપવામાં આવી છે, જે લક્ષ્યાંક નિર્ધારિત કરી આપવામાં આવ્યાં છે તેને જ અનુસરે છે.

વાંક તો તમારો છે કે તમે એમને તમારા જેવા માની લીધા. વાંક તો તમારો છે કે એમને પીઠબળ આપતા, એમને પોરસ ચડાવતા મીડિયાના બદમાશોને તમે સાચા માની લો છો. વાંક તો તમારો છે કે આ લોકોના સમર્થનમાં છેક નીચે ઉતરીને હિન્દુત્વ-સનાતન-ભારત ઉપર કાદવ ઉછાળતા અર્બન નક્સલીઓને તમે સાચા માની લો છો.

કર્ણાટકનો હાલનો વિવાદ શું છે? એ જ કે શૈક્ષણિક સંસ્થાઓ ગણવેશ દાખલ કરવા માગે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ગણવેશ પહેરવો એ સમાનતાના સર્વોચ્ચ સિદ્ધાંતની જ વાત છે. અને છતાં મુઠ્ઠીભર છોકરીઓએ એ ગણવેશની ઉપર હિજાબ પહેરવાની માગણી કરીને સમગ્ર વાતાવરણ કલુષિત કરી નાખ્યું. સ્થિતિ એ આવી કે આખા દેશમાં એક પ્રકારે તંગદિલી ફેલાઈ ગઈ.

એજન્ડાધારી મીડિયાવાળા ઈતિહાસ-ભૂગોળની કશી ગતાગમ વિના, કશી જાણકારી વિના ડિબેટ કરાવવા લાગ્યા! ગાંધી ખાન-દાનના ગુલામો વસ્ત્રો પહેરવાની સ્વતંત્રતા અને ગૌભક્ષકો ધર્મના નામે હિજાબ અને બુરખાની તરફેણ કરવા લાગ્યા. આવી તરફેણ કરવામાં આ બધા કાંતો ઇરાદાપૂર્વક અથવા મંદબુદ્ધિને કારણે એ વાત ભૂલી ગયા કે –

  • કર્ણાટકમાં માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં, શિક્ષણના સમય પૂરતો જ ગણવેશનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, બાકીના સમયે જેને જે પહેરવું હોય એ પહેરવાની છૂટ છે જ.
  • કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓએ સ્કૂલ – કૉલેજના સમય સિવાય પણ બુરખો અને હિજાબ ન પહેરવા એવો આદેશ તો કર્યો નથી.
  • કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓએ હિજાબ અને બુરખા પહેરવાનો કોઇને અધિકાર જ નથી- એવું તો કહ્યું નથી.

અને એમ છતાં શા માટે આ મુદ્દાને આટલું મોટું સ્વરૂપ આપવામાં આવે છે? દેખીતી રીતે, લક્ષ્યાંક સ્પષ્ટ છે કે, હિન્દુઓને ઉશ્કેરવા અને એ દ્વારા ધ્રુવીકરણ કરવું જેનો પ્રભાવ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડની ચૂંટણી પર પડે. મુદ્દાની વાત એ છે કે, દુનિયાની કમ સે કમ એક પ્રજાતિ તો એવી છે જ જેને અન્ય પ્રજાતિઓ સાથે સહ-અસ્તિત્વ પસંદ નથી. એ કોઇપણ રીતે પોતાનો જ અધિકાર પ્રસ્થાપિત કરવા માગે છે. મુદ્દાની વાત એ પણ છે કે, હિજાબ અને બુરખો પહેરવા માટે જે પુસ્તકનો હવાલો આપવામાં આવે છે એ જ પુસ્તકમાં કોઇપણ પ્રકારના મનોરંજન ઉપર, ખાસ કરીને ફિલ્મમાં અભિનય અને નાચવા-ગાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે...છતાં 50 ટકા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એમનાથી ભરેલી છે. કોઈ મીડિયા કે અર્બન નક્સલીઓએ કદી પ્રશ્ન કર્યો કે આવું શા માટે?

સામાન્ય નાગરિકોએ બસ આટલું જ સમજવાનું છે. તમારી આસપાસના અર્બન નક્સલીઓ – જેવા કે તટસ્થ આરજે, તટસ્થ પત્રકાર-તંત્રી, તટસ્થ સાહિત્યકાર, સર્વધર્મ સમભાવની વાતો કરતા બબુચકો – આ બધાથી સંભાળવાનું છે. આ બધા તમને એ દિશામાં ઢસડી રહ્યા છે જ્યાં તમારે પણ એક દિવસ..!

...અને હા, છેલ્લો એક મુદ્દો હંમેશાં યાદ રાખજો કે, આવા પ્રકારના તમામ વિવાદ ત્યાં સુધી ઉઠાવવાનું ચાલુ રાખવામાં આવશે જ્યાં સુધી કેન્દ્રમાં અને રાજ્યોમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકારો હશે. જે દિવસે ખુશામતની ટોપી પહેરનારી સરકારો સત્તામાં આવશે તે સાથે આવા વિવાદ બંધ થઈ જશે.