Showing posts with label Gujarati language. Show all posts
Showing posts with label Gujarati language. Show all posts

Sunday, March 5, 2023

ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનો કાયદોઃ હવે જવાબદારી આપણા સૌની

રાજ્યની તમામ શાળામાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનો કાયદો ભાષાને તો બચાવશે જ, સાથે રોજગારી માટે પણ લાભદાયક રહેશે

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ગુજરાત સરકારે ગયા અઠવાડિયે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ એકથી આઠ સુધીના વર્ગોમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનો કાયદો પસાર કર્યો. સાવ જૂજ કિસ્સામાં બને છે તેમ આ કાયદાને વિપક્ષ કોંગ્રેસે પણ સમર્થન આપ્યું. ઘણે મોડે મોડે પણ એક સારું કામ ગુજરાત સરકારે કર્યું છે. ટુકડે-ટુકડેની માનસિકતા ધરાવતા લોકો જો આ કાયદાને અદાલતમાં ન પડકારે અને પડકારે તો પણ ચુકાદો જો ગુજરાત સરકારની તરફેણમાં આવે તો લાંબા ગાળે આપણી માતૃભાષાને બચાવવા ઉપરાંત શિક્ષિત ગુજરાતીઓની રોજગારીની બાબતમાં પણ લાભદાયક પુરવાર થશે.

ગુજરાતીઓ પોતાની માતૃભાષા ગુજરાતી બાબતે ગંભીર નથી. હાલતાંચાલતાં દરેક બાબતમાં, દરેક સંબંધમાં વેપારી માનસિકતા ધરાવતા ગુજરાતીઓએ સદીઓથી સગવડિયા બનીને ગુજરાતી ભાષાને એ સ્થિતિએ લાવી દીધી કે રાજ્ય સરકારે છેવટે પ્રાથમિક શિક્ષણમાં તેને ફરજિયાત કરવા માટે કાયદો કરવો પડ્યો.

ગુજરાતમાં ખાસ કરીને ચાર મોટાં શહેરોમાં તેમજ અગ્રણી પ્રવાસ સ્થળોએ મોટાભાગના લોકો હિન્દી બોલતાં જોવા મળે છે. ચાર મુખ્ય શહેરોમાં અન્ય રાજ્યોમાંથી આવેલા હિન્દીભાષી ભારતીયોને કારણે, તથા પ્રવાસ સ્થળોએ પર-રાજ્યના લોકો પ્રવાસે આવતા હોવાને કારણે હિન્દી એટલું સહજતાથી બોલાય-સંભળાય છે કે આપણે ગુજરાતમાં હોઇએ એવું જ ન લાગે.

દાયકાઓ પછી આ સ્થિતિનાં જોખમી પરિણામ દેખાવાં લાગ્યાં છે. કેન્દ્ર સરકારની કચેરીઓ, બેંકો, કૉર્પોરેટ હાઉસની કચેરીઓ તેમજ ગુજરાતમાં કંપનીઓ સ્થાપતા પર-રાજ્યના ઉદ્યોગપતિઓનું વલણ ગુજરાતમાં પણ હિન્દી-ભાષીઓની નિમણૂક કરવા તરફનું જોવા મળે છે. આ પર-રાજ્યના લોકોની સંખ્યા વધવાથી અંગ્રેજી સ્કૂલો અને સાથે સીબીએસસી સ્કૂલોનું પ્રમાણ વધવા લાગ્યું. તેનું પરિણામ એ આવ્યું કે, ગુજરાતી માધ્યમની શાળાના સંચાલકોને માતૃભાષા ગુજરાતીને બદલે પરભાષા અંગ્રેજી વધારે સારી લાગવા માંડી. સરકારોએ પણ અત્યાર સુધી આંખે પાટા બાંધીને જેમ ચાલે એમ ચાલવા દીધું. સરકાર તેમજ શાળા સંચાલકોના આવાં વલણને કારણે હતાશ થયેલા ગુજરાતીઓ છેલ્લા કેટલાય દાયકાથી પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવાનું પસંદ કરે છે.

આ વિષચક્રનું પરિણામ એ આવ્યું કે, અંગ્રેજી જાણનારા પર-રાજ્યના યુવાનો તેમજ અંગ્રેજી જાણનારા ગુજરાતી યુવાનોને કેન્દ્ર સરકારની કચેરીઓ, બેંકો, કૉર્પોરેટ ગૃહો તેમજ અન્ય રાજ્યની ગુજરાતમાં ચાલતી કંપનીઓમાં રોજગારી મળવા લાગી. પણ સંપૂર્ણ ગુજરાતી માધ્યમમાં ભણેલા યુવાનો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના યુવાનો રોજગારીથી વંચિત રહેવા લાગ્યા. છેવટે તેમણે પણ રોજગારી મેળવવા અંગ્રેજીના ગાડરિયા પ્રવાહમાં જોડાવું પડ્યું છે.

કેન્દ્ર સરકારની કચેરીઓની વાત તો છોડો પણ ક્યારેક ગાંધીનગરના સચિવાલયની પરસાળમાં ફરીએ ત્યારે પણ ગુજરાતમાં ન હોઇએ એવું લાગે! અંગ્રેજી જાણનારો આઈએએસ અધિકારી અથવા કર્મચારી મુખ્યપ્રધાનનું ભાષણ અંગ્રેજીમાં લખે અને પછી ગુજરાતી અધિકારીઓ તેનું ગુજરાતીમાં ભાષાંતર કરે છે—એ ગંભીર  સ્થિતિ મેં મારી જાતે જોયેલી છે. ગુજરાતમાં ટપાલ વિભાગે બેંકિંગ સુવિધા શરૂ કરી છે પણ અત્યંત આઘાતજનક વાત છે કે ટપાલ વિભાગની બેંકો ગુજરાતીમાં લખાયેલો ચૅક સ્વીકારવાની ના પાડી દે છે એવો અંગત અનુભવ મને પોતાને થયેલો છે.

ખૂબ મોટી સંખ્યામાં ખાસ કરીને ટોચના અધિકારીઓ આજે પણ બિન-ગુજરાતીઓ છે! ભારતનાં કોઇપણ પ્રદેશમાંથી આવેલા લોકો આપણા જ નાગરિકો છે અને તેમને ગુજરાતમાં રોજગારી મળે એમાં વાંધો ઉઠાવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, પરંતુ ભાષાકીય તફાવતને કારણે, અર્થાત અંગ્રેજી નહીં જાણનાર ગુજરાતીઓને ગુજરાતમાં જ રોજગારી ન મળે તો તેનાં જોખમી પરિણામ લાંબાગાળે આવી શકે.

હવે ગુજરાત સરકારે ઘડેલા કાયદાનો જો યોગ્ય અમલ થાય તો ગુજરાતીઓને અર્થાત ગુજરાતી જાણનારા ગુજરાતીઓને રોજગારી મળવાની શક્યતાઓ વધી જશે. ગુજરાતી જાણનારા ગુજરાતીઓને કમ સે કમ સચિવાલય સહિત રાજ્ય સરકારની કચેરીઓમાં, ગુજરાતમાં સંચાલિત સરકારી તેમજ ખાનગી બેંકોમાં રોજગારી મળવાની શક્યતા વધશે.

ભાષા બાબતે કટ્ટર વલણ ન રાખીએ તો પણ તેના માટે એટલું ગૌરવ તો દરેક ગુજરાતીને હોવું જ જોઇએ કે બહારથી આવનારા લોકો ગુજરાતી ભાષાની મશ્કરી ન કરે અને ગુજરાતી જાણનારને નોકરી નહીં આપવાના વલણમાંથી બહાર આવે. શક્ય છે કાયદો નવો બન્યો છે તેથી કેટલીક ખામી રહી હશે, પરંતુ એ તો અમલ શરૂ થયા પછી પણ સુધારો કરી શકાય છે.

ગુજરાતના ચિબાવલા મીડિયાકર્મીઓ તેમના અંધ-ભાજપ વિરોધમાં ઉછળી ઉછળીને આ કાયદાની વિરુદ્ધમાં લોકમત ઊભો કરવા અથવા મિશનરી તથા કોન્વેન્ટ સ્કૂલોના ગુલામ બનીને આ કાયદાની વિરુદ્ધમાં લોકમત ઊભો કરીને કાયદો પાછો ખેંચવા અથવા કાયદાને નબળો પાડી દેવા કુત્સિત પ્રયાસ ન કરે એટલી પ્રાર્થના. વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Tuesday, February 21, 2023

માતૃભાષાનો પ્રેમ અને જોડણીની સજ્જતા

 


-- અલકેશ પટેલ

 આજે 21 ફેબ્રુઆરી. વિશ્વ માતૃભાષા દિવસ.

માતૃભાષાને લઇને ઘણી ખેંચતાણ થતી હોય છે. દરેક ભાષા-બોલીના સમૂહને પોતાની માતૃભાષા-બોલી શ્રેષ્ઠ લાગે. માતૃભાષામાં જ વાત કરવાના આગ્રહ – દુરાગ્રહ પણ જોવા મળે. અને તેમાં એક ત્રીજું પરિમાણ ઉમેરાય- જોડણીનું, વ્યાકરણનું.

વિવિધ સમૂહ પોતપોતાની માતૃભાષા માટે તો ઝઘડતા રહે, પરંતુ તેથી વધારે ખેંચતાણ જે તે ભાષાની અંદર જોડણીને લગતી, વ્યાકરણને લગતી હોય છે.

એમાંથી કોણ સાચા અને કોણ ખોટા એવું જજમેન્ટ આપવાનો કોઈ આશય નથી. કેમ કે છેવટે બંનેના પ્રવાહ તો ભાષાના જતન માટેના એક ઉદ્દેશ ઉપર જ આવીને અટકતા હોય છે.

ટૂંકમાં આમ તો આ વિષય ઉપર આજે ખાસ નકારાત્મક નથી લખવું, કોઇની વ્યક્તિગત ટીકા નથી જ કરવી, બસ માત્ર અમુક મુદ્દા પર ધ્યાન દોરવું છે જેથી માતૃભાષા દિવસના હૈશો-હૈશો-ની સાથે એકાદ અંશ જેટલી જાગ્રતિ ફેલાય.  https://www.facebook.com/learnGujaratiBhasha 

ભાષા અને જોડણી-વ્યાકરણ વચ્ચે તફાવતઃ

ભાષા અને જોડણી વચ્ચે તફાવત હોય છે એ જ રીતે ભાષા જાણનાર અને જોડણી જાણનાર વચ્ચે પણ તફાવત હોય છે. ભાષા આવડતી હોય તેને જોડણી આવડતી જ હોય એ નિશ્ચિત નથી. આથી વિરુદ્ધ ક્યારેક સંપૂર્ણ જોડણી જાણનારની ભાષા એ હદે ક્લિષ્ટ થઈ જતી હોય છે કે સામાન્ય લોકો માટે એ વાંચવાનું પણ મુશ્કેલ બની જાય. બંનેનું સાયુજ્ય શક્ય છે જ, પણ એ માટે લેખકની પ્રજ્ઞા જાગ્રત હોવી જોઇએ. ગુજરાતીમાં એવા લેખકો સાવ જૂજ છે, શબ્દશઃ આંગળીને વેઢે ગણી શકાય એટલા.

લખે એ લેખક!?

ગુજરાતીમાં લેખકોનો તોટો નથી. દરેક છાપાં-સામયિકમાં ઢગલાબંધ લેખકો છે એ તો ખરું, પરંતુ સોશિયલ મીડિયાના આવિષ્કાર અને વ્યાપક પ્રચલન પછી લગભગ દરેક ઘરમાં એક લેખક છે એવું કહેવું વધારે પડતું નહીં ગણાય.

હા, એ બધા ભાષા તો જાણે છે પણ સાચી જોડણી કે વ્યાકરણ કે શબ્દ-રચના વિશે સદંતર “અભાન” હોય છે. અનેક પ્રતિષ્ઠિત લેખકોને “ઉ” અને “વ” ક્યાં વપરાય એની જાણ નથી હોતી. “હું રાહ જોઉં છું” – ને બદલે “હું રાહ જોવ છું” એવું લખનાર લોકો લેખક તો હોઈ શકે, પણ એમની પાસે ભાષાની સજ્જતા નથી એવું ભાષા અને જોડણી બંનેના “સભાન” વાચકને ખ્યાલ આવી જાય. ગુજરાતી લખનારા 98 ટકા લોકોને આજે પણ “ઈ” અને “ય” ક્યાં વાપરવો એ ખબર નથી.

પણ તેથી શું? કેમ કે આ તમામ 98 ટકા “અભાન” ઉપરાંત બાકીના બે ટકા સંપૂર્ણ “સભાન” લોકો સહિત બધાને માતૃભાષાનું ગૌરવ હોય છે. એ ગૌરવ અભિમાન સુધી પણ પહોંચતું હોવાનું જોવા મળે છે.

સાચા શિક્ષકોનો અભાવઃ

આપણી મૂળ સમસ્યા સાચા શિક્ષકોના અભાવની છે. જે દિવસથી શિક્ષણ સહાયકોની ભરતીની વલણ શરૂ થયું ત્યારથી તો ભાષાની સજ્જતાનું જાણે નામું જ નખાઈ ગયું. પૂર્ણ સમયના શિક્ષકોમાં થોડી જવાબદારીનો ભાવ હતો. એ સમયે મોટાભાગના શિક્ષકો જાતે સજ્જ રહેવા પ્રયત્નશીલ રહેતા અને જો કોઈ શિક્ષકો સભાન ન હોય તો તેમને ટકોર કરવામાં આવે તો શીખવાની તૈયારી દાખવતા, શીખતા પણ ખરા. પરંતુ શિક્ષણ સહાયકોની બદી ઘૂસી પછી થોડું ભણેલા લોકો શિક્ષક તરીકે પાર્ટ-ટાઇમ ફરજ બજાવવા લાગ્યા અને તેમણે ભાષા-જોડણી-વ્યાકરણને કદી ગંભીરતાથી લીધાં નહીં. તેની અવળી અસર કાયમી શિક્ષકો ઉપર પણ પડી. તેમને લાગ્યું કે શિક્ષણ સહાયકો માટે જો બધું ચલાવી લેવાતું હોય તો અમારે પણ ક્યાં વધારે મહેનત કરવાની જરૂર છે? સરવાળે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને, ખાસ કરીને ભાષાનાં શિક્ષણને ગંભીર અસર પડી.

ગુજરાત માહિતી ખાતું – ભાષાની બાબતમાં સૌથી રેઢિયાળ તંત્ર

જે તે ભાષામાં તેની સરકારનું માહિતી ખાતું ભાષાની, જોડણીની, વ્યાકરણની બાબતમાં સૌથી સજ્જ, સૌથી ગંભીર હોવું જોઇએ. પરંતુ ગુજરાતી ભાષા એ રીતે પણ અતિશય કમનસીબ છે. ગુજરાત સરકારના માહિતી ખાતામાં બેઠેલા માંડ એકાદ ટકા લોકોને સાચી ભાષા – જોડણી – વ્યાકરણ આવડે છે. બાકીના 99 ટકા “આવેલ – ગયેલ – મળેલ – જોયેલ – લખેલ – ફરેલ...વાળા છે.

વાચકોની સજ્જતાઃ

આ બધા સંજોગોમાં વાચકોની સજ્જતા પણ ચિંતાજનક હદે નીચી છે. જે જૂજ લેખકો સાચી ભાષા-જોડણી લખે છે તેનું વાચન જોડણીની સભાનતા સાથે કરવામાં આવે તો પણ આપોઆપ ભાષા સુધરી શકે, પરંતુ પીડાદાયક કમનસીબી એ છે કે, 99.99 ટકા વાચકો, જેમાં “લેખકો”નો પણ સમાવેશ થતો હોય છે—તેઓ પણ જોડણી-વ્યાકરણની સભાનતા સાથે વાંચતા “જ” નથી.

માતૃભાષા માટે ગૌરવ હોય તો એ જાળવવા એક કામ કરો...

માતૃભાષા જળવાવી જોઇએ એવું જો તમે માનતા હોવ તો થોડા સાવ નાનાં નાનાં કામ કરો. (1) જેમ કે, બેંકનો ચૅક લખો તો રકમના આંકડા સિવાયની બાકીની વિગતો ગુજરાતીમાં જ લખવાનો દુરાગ્રહ રાખો. આવું કરશો તો બેંકોને ગુજરાતી જાણનાર લોકોની ભરતી કરવાની ફરજ પડશે. આ રીતે બે હેતુ સિદ્ધ થશે- એક તો ગુજરાતી ભાષા જળવાશે અને બીજું એક ગુજરાતીને રોજગારી મળશે. (2) ગુજરાતમાં જ કુરિયર કરવાનું હોય તો મોકલનારનું તેમજ મેળવનારનું સરનામું ગુજરાતીમાં જ લખવાનો આગ્રહ રાખો. આવું કરવાથી પણ કુરિયર કંપનીઓને ગુજરાતી જાણનાર લોકોની ભરતી કરવાની ફરજ પડશે. આ રીતે બે હેતુ સિદ્ધ થશે- એક તો ગુજરાતી ભાષા જળવાશે અને બીજું એક ગુજરાતીને રોજગારી મળશે. (3) બે હાથ જોડીને વધુ એક વખત વિનંતી કરું છું કે લખાણ વાંચતી વખતે સંપૂર્ણ સભાન રહો જેને કારણે વાક્ય રચના, જોડણી, વ્યાકરણ આપોઆપ આવડતું જાય. અલકેશના જય જય ગરવી ગુજરાત.

Sunday, February 20, 2022

ગુજરાતી ભાષાઃ સાચી જોડણી માતૃભાષાનું ઘરેણું છે

 

 – આવતીકાલે 21 ફેબ્રુઆરીને સોમવારે વિશ્વ માતૃભાષા દિવસ છે. માતૃભાષાનું ગૌરવ તો દરેક જણ કરે છે, પણ પીડાદાયક હકીકત એ છે કે 98 ટકા ગુજરાતીઓને સાચી જોડણી આવડતી જ નથી


*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

આવતીકાલે 21 ફેબ્રુઆરીને સોમવારે વિશ્વ માતૃભાષા દિવસ છે. લાગણીશીલ નેટિઝન્સ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ આપશે. માતૃભાષા અંગે ગામેગામ સેમિનાર યોજાશે. કેટલાક તો વળી ગુજરાતી ભાષાનું ગૌરવ અંગ્રેજી ભાષામાંય વ્યક્ત કરશે! કેટલાક “થોડા વધારે ડાહ્યા લોકો” એમ પણ કહેશે કે જ્યાં સુધી ગુજરાતી લખાતું અને વંચાતું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને વાંધો નહીં આવે. ગુજરાત સરકાર પણ જોડણી અને વાક્ય રચનાઓની અસહ્ય ભૂલો સાથે માતૃભાષા વિશે લખશે-બોલશે. અખબારોમાં લેખો લખાશે જેમાં જોડણી તો ભાગ્યે જ સાચી હશે.

સામાન્ય રીતે હું ભાષા, માતૃભાષા, લેખન, અનુવાદ વિશે આવું નકારાત્મક લખતો-બોલતો નથી, પરંતુ આજે એવું લાગે છે કે માતૃભાષાની સાથે-સાથે જોડણી વિશે પણ થોડું કહું. જોડણીની સાથે સાથે કોઇપણ સમાજના પરંપરાગત રોજગાર-વ્યવસાય ટકાવવા માટે પણ માતૃભાષા એટલી જ અગત્યની છે.

હકીકતે માતૃભાષાનું સાચું ગૌરવ જોડણી સાથે જોડાયેલું છે. સાચી જોડણી વિનાની ભાષા એટલે ગાજ-બટન વિનાનું શર્ટ. સાચી જોડણી વિનાની ભાષા એટલે ટ્રીમ કર્યા વિનાનું જંગલી ઘાસ. સાચી જોડણી વિનાની ભાષા એટલે ગાળ્યા વગરની ચા. સાચી જોડણી વિનાની ભાષા એટલે સોલ વિનાના જૂતાં. સાચી જોડણી વિનાની ભાષા એટલે ગ્લાસ વિનાના ચશ્માની ખાલી ફ્રેમ.

ગુજરાતી ભાષામાં એમ.એ. કરનાર મહાનુભાવો, ગુજરાતી ભાષાના શિક્ષકો, સાહિત્ય સંસ્થાઓમાં અધ્યક્ષપદ શોભાવતા મહાનુભાવો, સાહિત્યકારો પોતે, તંત્રીઓ અને પત્રકારો – આ બધા જ લોકોમાં (થોડા-થોડા અપવાદને બાદ કરતાં) જોડણીની કોઈ સભાનતા જોવા મળતી નથી. વધારે પીડાદાયક એ છે કે, આ લોકો જોડણી શીખવા પ્રયાસ પણ કરતા નથી.

વર્તમાન સમયમાં વધારે ખરાબ સ્થિતિ એ થઈ છે કે, ગૂગલવાળાઓએ પણ સાચી જોડણી જાણનાર અનુવાદકોને કામ સોંપવાને બદલે જે હાથમાં આવ્યા એમને અનુવાદનાં કામ સોંપી દીધાં, અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અંગ્રેજી – હિન્દી વાક્યોના ગુજરાતી વાક્યો કે શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. એનું અતિશય માઠું પરિણામ એ આવી રહ્યું છે કે, પેન્ટના કાપડની કૂર્તની (ખમીસ-શર્ટ) બની જાય છે અને કૂર્તનીના કાપડના પેન્ટ!

પીડાદાયક સ્થિતિ એ પણ છે કે, અંગ્રેજી ભાષામાં સ્પેલિંગની ભૂલ નહીં ચલાવી લેતા લોકો ગુજરાતીની જોડણી માટે સદંતર ઉપેક્ષા કરે છે. આટલું ઓછું હોય એમ, ગુજરાતમાં એક પ્રજાતિ એવી પણ છે જે ઊંઝા જોડણીના નામે ઉધામા કરે છે. આ પ્રજાતિ માને છે કે મા અને માસી વચ્ચે કોઈ તફાવત રહેવો ન જોઇએ. આ પ્રજાતિના મતે બાપા અને કાકા એક જ ગણાય. આ પ્રજાતિ એમ માને છે કે નાના અને દાદા વચ્ચે વળી તફાવત શું કરવાનો હોય! આ પ્રજાતિ આવા ઉધામા માટે દલીલ એવી કરે છે કે, ગુજરાતી જોડણી અઘરી છે એટલે સામાન્ય લોકોને આવડતી નથી, અને તેથી મા-માસી, બાપા-કાકા, નાના-દાદા બધા એક જ! મૂળભૂત રીતે આવો તર્ક કરતી પ્રજાતિ નમાલી છે. તેને જોડણી માટે મહેનત કરવામાં રસ નથી. “જોડણી નથી આવડતી તો વાંધો નહીં, ચાલો શીખીએ, શીખવાડીએ” – એવું વલણ લેવાને બદલે આ પ્રજાતિ જંગલના નિયમને માન્યતા આપી દેવા તત્પર છે. જંગલનો નિયમ એટલે જેને જેમ ફાવે એમ બોલે, જેમ ફાવે એમ લખે.

જોડણી મુદ્દે જે થોડુંઘણું બચ્યું હતું એ મીડિયાએ, ખાસ કરીને ટીવી મીડિયાએ પૂરું કરી નાખ્યું. ટીવીના માલિકોએ ઑફિસ અને ટેકનોલોજી પાછળ ચિક્કાર ખર્ચા કર્યા, પરંતુ સમાચાર લખનાર અને સમાચાર વાંચનારા લોકો સાવ સસ્તા શોધ્યા. પરિણામ એ આવ્યું કે, ચલતાપૂર્જા જેવા લોકો એન્કર તરીકે ગોઠવાઈ ગયા જેમને સાચું ગુજરાતી લખતાં તો નથી જ આવડતું પણ સાચા ઉચ્ચારણ કરતાં પણ નથી આવડતું.

અને ગુજરાત સરકારનું શું કહેવું? જ્યાં ભાષા-જોડણીની કોઈ ભૂલ ન હોવી જોઇએ એવા ગુજરાત સરકારનાં તમામ લખાણ ચીતરી ચડે એવી ગંદી જોડણીમાં લખાયેલાં હોય છે. માહિતીખાતાની અખબારી યાદીમાં મુખ્યપ્રધાન અને પ્રધાનો માટે “માનનીય” શબ્દ લખવામાં જેટલી કાળજી લેવામાં આવે છે એટલી કાળજી સાચી જોડણી લખવા માટે લેવામાં નથી આવતી.

ભાષા હોય કે બીજી કોઇપણ બાબત હોય – કશાય વિશે જડતા રાખવાનો કોઈ અર્થ નથી એ જાણું છું, પરંતુ છૂટછાટ પણ વાજબી સારી લાગે. છૂટછાટને નામે સ્વચ્છંદતાને પોષવામાં આવશે તો આપણા ઉપર લાગેલો “શું શા પૈસા ચાર”નો ડાઘ કદી ધોઈ નહીં શકીએ. બધા ભેગા થઇને જરા વિચાર કરો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ.