Sunday, September 10, 2023

સનાતનઃ બાહ્ય હુમલા અને આંતરિક સંઘર્ષની ગાથા સનાતન છે

 


એક તરફ દ્રવિડિયન અંતિમવાદીઓએ સનાતન ઉપર હુમલા શરૂ કર્યા છે, તો બીજી તરફ સનાતનની અંદર જ સાંપ્રદાયિક ખેંચતાણ ચાલુ છે. હે ધર્માચાર્યો! મેદાનમાં આવો...

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

જેના આરંભના સમયગાળા વિશે કોઈ જાણતું નથી અને જેનો કદી અંત થવાનો નથી એવો સનાતન ધર્મ હાલ બે પ્રકારના હુમલાની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. તમિલનાડુના દ્રવિડિયન અંતિમવાદીઓ સનાતનને જીવ-જંતુઓ અને રોગચાળા સાથે સરખાવીને તેનો અંત લાવવાના હાકલા કરે છે, તો બીજી તરફ ખાસ કરીને હાલ ગુજરાતમાં સનાતનના જ એક પેટા-પંથના અમુક મુઠ્ઠીભર લોકોની ભૂલને કારણે સનાતનીઓ સામસામી છાવણીમાં વહેંચાઈ ગયા છે.

તમિલનાડુની ડીએમકે સરકારના પ્રધાન અને મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિનના કુ-પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન અંગે કરેલા નિવેદનથી આખો દેશ પરિચિત છે અને તમામ સનાતની હિન્દુઓ ખિન્ન છે. ડીએમકે મૂળભૂત રીતે વટલાયેલા ખ્રિસ્તીઓનો પક્ષ છે. હિંસાખોર ખ્રિસ્તી મિશનરીઓએ સદીઓ પહેલાં દક્ષિણનાં રાજ્યોમાં ઘૂસણખોરી કરીને ત્યાંની પ્રજાને સનાતનની વિરુદ્ધ સદંતર ખોટી રીતે ઉશ્કેરીને ધર્માંતર કરાવ્યા હતા. ઇસ્લામિક આક્રમણકારીઓની જેમ જ હિંસાખોર ખ્રિસ્તી મિશનરીઓએ પણ અનેક હિન્દુ મંદિરોનો વિધ્વંસ કરીને ગ્રામ્ય ભોળી પ્રજામાં વટાળ પ્રવૃત્તિ કરી હતી. આજે પણ એ પ્રવૃત્તિ ચાલુ જ છે. આ મિશનરીઓએ ખાસ કરીને પુરાણોની વાતોના અમુક કિસ્સા ઉપાડીને બ્રાહ્મણો વિરુદ્ધ તેમજ સંસ્કૃત ભાષા વિરુદ્ધ સતત અભિયાન ચલાવ્યું જેને પરિણામે ખાસ કરીને તમિલનાડુના દ્રવિડિયનો પોતાને સનાતનથી અલગ સમજવા લાગ્યા અને મિશનરીઓના ધર્માંતરનાં કાવતરાંમાં સપડાઈ ગયા.

સામે પક્ષે સનાતની હિન્દુ સાધુ-સંતો તરફથી આવા મિશનરીઓના અપ-પ્રચાર તેમજ ધર્માંતર રોકવા કોઈ આક્રમક પ્રયાસ થયા નહીં. હિન્દુ સાધુ-સંતોમાં ધર્મને બચાવવાની આક્રમકતાના અભાવે હિંસાખોર મિશનરીઓને મોકળું મેદાન મળી ગયું અને દ્રવિડિયનોમાં એ માન્યતા વધારેને વધારે ઘર કરતી ગઈ કે સનાતન એ બ્રાહ્મણવાદી ધર્મ છે અને તેમાં દ્રવિડિયનોનું સ્થાન નથી.

આ દ્રવિડવાદ હવે અંતિમવાદનું સ્વરૂપ લઈ રહ્યો છે અને રાજકીય કારણોસર સનાતનને વધારે ખંડિત કરવા મરણિયો બન્યો છે. ડીએમકેના પરિવારવાદી દ્રવિડિયનો ભાજપ કે નરેન્દ્ર મોદીને રાજકીય રીતે હરાવી શકવા સમર્થ નથી અને તેથી ભાજપની મુખ્ય મતબેંક એવા હિન્દુઓમાં વિભાજન કરાવવા મથામણ કરે છે. દ્રવિડિયન ખ્રિસ્તી ઉદયનિધિ સ્ટાલિનને મૂળ ખ્રિસ્તી વિચારધારામાંથી ઉતરી આવેલા કોંગ્રેસીઓનું છૂપું સમર્થન છે. ગાંધી નામધારી ચૂંટણીલક્ષી હિન્દુઓને સનાતન પ્રત્યે ખરેખર કોઈ લગાવ નથી. દ્રવિડિયનો અને કોંગ્રેસ અને તેમની ટૂલકિટ ટોળકીને હવે એટલો ખ્યાલ આવી ગયો છે કે, સનાતન ઉપર હુમલા કરવાથી, હિન્દુઓમાં વિભાજન કરવાથી તેમની મુસ્લિમ મતબેંક સંગઠિત થઈ શકે છે અને તેઓ આ સ્થિતિનો ગેરલાભ ચૂંટણી જીતવા માટે ઉઠાવી શકે છે. બંગાળ અને કર્ણાટકના ચૂંટણી પરિણામોએ તેમને આવું માનવા પ્રેર્યા છે.

ભારત વિરોધી ટૂલકિટ ટોળકી તેમની આ કુત્સિત ચાલ હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અપનાવી રહી છે. પાટીદાર આંદોલનની પેટર્ન ઉપર મહારાષ્ટ્રમાં મરાઠાઓને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, તો ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નામે હિન્દુઓની ખાઈ પહોળી કરવામાં આવી રહી છે. ગુજરાતના કિસ્સામાં એવી આશંકા અસ્થાને નથી કે, સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ ચગાવવા પાછળ ખાલિસ્તાનવાદી આપિયાઓનો હાથ હોઈ શકે. અલબત્ત, સાળંગપુરમાં હનુમાનદાદાની મૂર્તિનો જે કિસ્સો છે અથવા સ્વામિનારાયણ સંપ્રદાયના જૂજ સાધુઓની કથાઓમાં જે વાણીવિલાસ થાય છે અથવા અમુક પુસ્તકોમાં ક્યાંક ખૂણેખાંચરે કશુંક લખાયું છે – એ બધાનો બચાવ કરવાનો કોઈ આશય નથી. સંપ્રદાય દ્વારા આ ભૂલ થઈ છે તો પછી તેને સુધારી લેવી જોઇએ અને એ કામ માટે સમગ્ર સનાતનના ધર્માચાર્યો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો સક્ષમ છે અને તેઓ શાંતિપૂર્વક આ બધાનો ઉકેલ લાવી શકે તેમ છે. સનાતનની એકતા માટે આ જ રસ્તો યોગ્ય છે, સોશિયલ મીડિયા ઉપર એકબીજા સામે દાંતિયા કાઢવાથી સનાતનનું ભલું નહીં થાય. રહી વાત મીડિયાની...તો મીડિયા તો વંડી ઉપર બેઠેલા લોકો જેવા હોય છે, એ ગમે તે બાજુ કૂદ્યા કરે. એમની પાસે વિશુદ્ધ પત્રકારત્વના કોઈ ધારાધોરણો રહ્યાં નથી. એથી આગળ વધીને હકીકત એ છે કે, મોટાભાગના મીડિયામાં મિશનરી તેમજ જેહાદી માનસિકતાના લોકો ટોચના સ્થાને બેઠેલા છે અને સનાતનને નુકસાન કરવું એ તેમનું મિશન હોય છે.

આ બંને સ્થિતિનો ઉપાય શો?

ઓછામાં ઓછા આઠેક વર્ષથી મારી કૉલમ દ્વારા હું એક વાત કહ્યા કરું છું કે, સનાતનને સંગઠિત રાખવો હોય અને દ્રવિડિયન કે મિશનરી કે જેહાદી કાવતરાંથી હિન્દુ ધર્મને બચાવવો હોય તો ધર્માચાર્યોએ મેદાનમાં આવ્યા વિના છૂટકો નથી. સંતો-મહંતો-ધર્માચાર્યો-બાપુઓએ તેમનાં મંદિરો અને આશ્રમો અને કથાઓની સાથે સાથે હિન્દુ પ્રજાની વચ્ચે નિયમિત મુલાકાત લઇને આભડછેટ અને સામાજિક દુષણોની સામે ધૂણી ધખાવવી જ પડશે.

સનાતન હિન્દુત્વ ઉપર થઈ રહેલા હુમલા અને સનાતનની અંદર સતત ચાલતા રહેતા સંઘર્ષને ખાળવા માટે જો કોઈ એક સમુદાય સક્ષમ અને ઑથોરિટી હોય તો તે સાધુ-સંતો, મહંતો, ધર્માચાર્યો જ છે. એ વિના કોઈ ઉપાય નથી. આનંદમઠની જેમ તેમણે જ નેતૃત્વ લેવું પડશે. ધાર્મિક નેતૃત્વ વિનાની પ્રજા વેરવિખેર થતી જશે અને છેવટે ક્યારે નેસ્તનાબૂદ થઈ જશે એ આપણને ખબર પણ નહીં પડે. મોટાભાગની પ્રજા આ રીતે ધર્માંતરીઓના સકંજામાં આવી જશે તો મંદિરો અને આશ્રમો અને કથા-વાર્તાઓનો પણ કોઈ અર્થ નહીં રહે. ધર્માચાર્યો આ અંગે વિચારે ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment