Friday, September 15, 2023

અમારા પત્રકાર, તમારા પત્રકાર, એમના પત્રકાર! કોના પત્રકાર?

 


--------------------------------------

છેવટે ભારત વિરોધી ઠગબંધને પત્રકારોની વહેંચણી કરી લીધી. મીડિયાની સ્વતંત્રતાની બાંગ પોકારતા ઠગબંધનને મંજૂર નથી કે પત્રકારો તેમને કોઈ પ્રશ્ન કરે!

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

1989નો એ સમય હતો. લાલકૃષ્ણ અડવાણી રામજન્મભૂમિ આંદોલન સાથે દેશભરમાં ફરી રહ્યા હતા. લગભગ તમામ રાજ્યમાં તમામ મોટાં અખબારો આ આંદોલનને કોમવાદી ઠરાવીને ભાજપ-સંઘના નેતાઓને વિલન ચીતરી રહ્યા હતા. – અડવાણી અને સંઘે મીડિયાનો બહિષ્કાર કર્યો નહોતો.

2002નો એ સમય હતો. ગોધરા રેલવે સ્ટેશને જેહાદીઓએ 59 નિર્દોષ રામભક્તોને જીવતા સળગાવી દીધા હતા. તેનો આક્રોશ ગુજરાતમાં અન્યત્ર ફેલાયો ત્યારે અખબારો અને જૂજ માત્રામાં શરૂ થયેલા ટીવી મીડિયાએ નરેન્દ્ર મોદી અને ભાજપ અને સંઘને વિલન ચીતરી દીધા. – મોદી અને ભાજપ અને સંઘે મીડિયાનો બહિષ્કાર કર્યો નહોતો.

2023. દેશ પ્રગતિ કરી રહ્યો છે. દુનિયાના દિગ્ગજ નેતાઓ ભારતના નેતૃત્વની ક્ષમતાને સન્માન આપે છે. આ બધું સહન નહીં કરતા શકતા વિભાજનકારી રાજકીય પક્ષો સનાતનને ખતમ કરી દેવાની હાકલો કરવા લાગે છે. મીડિયા આવા સનાતન વિરોધીઓની ટીકા કરે છે. એવાં તત્ત્વોને સમર્થન આપનારાને પ્રશ્ન પૂછે છે. – વિભાજનકારી વિપક્ષોએ કેટલાક દિગ્ગજ પત્રકારોને પ્રતિબંધિત કરી દીધા. તેમના ટીવી શોમાં નહીં જવાનો નિર્ણય લીધો.

તમારું સાચું ચરિત્ર મુશ્કેલ સ્થિતિમાં ઓળખાય છે. પોતાના વિરુદ્ધ અદાલતનો ચુકાદો આવવાથી ઈન્દિરા ગાંધી આખા દેશને કટોકટીના ખપ્પરમાં હોમી દે છે. મીડિયા ઉપર સેન્સરશિપ લદાય છે. દેશ અનેક દાયકા પાછળ ધકેલાઈ જાય છે. અને છતાં ઈન્દિરા ગાંધીના વંશજો ઇચ્છે છે કે, મીડિયા કોંગ્રેસની ટીકા ન કરે. મીડિયા કોંગ્રેસને પ્રશ્ન ન પૂછે. રાજકીય રીતે અસ્તિત્વ ગુમાવવાથી ઘાંઘો થઈ ગયેલો કોંગ્રેસ પક્ષ અને તેમના મળતિયા રાજકીય પક્ષો બેવડાં ધોરણો રાખીને એક તરફ મંદિરોની મુલાકાત લે છે અને બીજી તરફ સનાતનને ખતમ કરવાની ટૂલકિટ તૈયાર કરે છે. પરંતુ વિપક્ષોની આવી ભાગલાવાદી માનસિકતા સામે જાગી ચૂકેલા મીડિયાકર્મીઓ પ્રશ્નો પૂછે છે તો ભાગલાવાદીઓને માઠું લાગી જાય છે, એટલું નહીં પરંતુ એવા મીડિયાકર્મીઓના ટીવી શોમાં નહીં જવાની જાહેરાત કરે છે.

રમૂજની વાત એ છે કે, આ ભાગલાવાદી વિપક્ષો સતત એવો અપપ્રચાર કર્યા કરે છે કે, મીડિયાના અમુક પત્રકારો વેચાઈ ગયા છે અને ભાજપને તથા મોદીના વખાણ કરે છે અને એટલે એ બધા ગોદી મીડિયા છે. ભાગલાવાદી વિપક્ષો એવું જ માને છે કે, મીડિયાએ અમને પંપાળવા જોઇએ અને દરરોજ સવાર-સાંજ મોદીની ટીકા કરવી જોઇએ. જે મીડિયા આવું ન કરે એ ગોદી મીડિયા અને એટલે એવા પત્રકારોનું ચાલુ ટીવી શો દરમિયાન અપમાન કરવાનું, સોશિયલ મીડિયા ઉપર એવા પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરવાની અને એ રીતે રાષ્ટ્રવાદી મીડિયાનું ગળું દબાવી દેવાનું.

કમનસીબે ભાગલાવાદી વિપક્ષો એ વાત સ્વીકારવા તૈયાર જ નથી કે, પત્રકારોમાં પણ રાષ્ટ્રવાદની ભાવના હોય છે, પત્રકારોમાં પણ ધર્મ અને સનાતનની સમજ હોય છે. આ જ ભાગલાવાદી માનસિકતા ધરાવતા વિપક્ષોએ એક જમાનામાં પ્રખર રાષ્ટ્રવાદી તંત્રીઓ ગિરિલાલ જૈન અને અરુણ શૌરીને પણ અપમાનિત કરવામાં કશું બાકી નહોતું રાખ્યું.

ભાગલાવાદી વિપક્ષો દેશના ભોળા લોકોના મનમાં એવું ઠસાવવા પ્રયાસ કરે છે કે, મીડિયાનો ઘણોખરો વર્ગ મોદીના મોહમાં ફસાયો છે અથવા મોદીથી ડરે છે. આ વિપક્ષો એવો પણ અપપ્રચાર કર્યા કરે છે કે, જે પત્રકારો રાષ્ટ્રવાદ અને ધર્મની તરફેણમાં છે એ બધા ભાજપના એજન્ટ છે. પરંતુ વિપક્ષોની આ વાત સદંતર ખોટી છે. ભાજપે ક્યારેય રાષ્ટ્રવાદી અને સનાતની પત્રકારોની ખુશામત કરવાનો પ્રયાસ કર્યો નથી. ઊલટાનું એથી ઊંધું ચોક્કસ થયું છે. રાષ્ટ્રવાદ અને ધર્મની બાબતમાં પ્રમુખતાથી પોતાનો અવાજ રજૂ કરતા પત્રકારો – તંત્રીઓને બદલે ભાજપે અને સંઘે લઘુમતી તરફી સેક્યુલર ઝેર ફેલાવતા પત્રકારો – તંત્રીઓને માથે બેસાડ્યા છે. 30 કિલોમીટર દૂર આવેલા વિમાનમથકે ટોઇલેટ જવા જનાર સડકછાપ માનસિકતા ધરાવતા લેખકોને ય ભાજપ તો પોતાના મંચ ઉપર બોલાવે છે અને સન્માન કરે છે. ભાજપની આવી પ્રવૃત્તિઓને કારણે લગભગ મોટાભાગના રાષ્ટ્રવાદી પત્રકારો – લેખકો ભાજપથી નારાજ રહે છે. માત્ર જૂજ રાષ્ટ્રવાદી અને સનાતની પત્રકારો આવાં કારણોસર ભાજપથી નારાજ નથી થતા કેમ કે તેમના માટે રાષ્ટ્રવાદ અને ધર્મ મહત્ત્વનો છે, પક્ષ તરફથી કશું મળે એવી આ જૂજ રાષ્ટ્રવાદી પત્રકાર-લેખકો અપેક્ષા નથી રાખતા. પરંતુ મોટી સંખ્યામાં આવા રાષ્ટ્રવાદી પત્રકાર-લેખકો ભાજપથી નારાજ રહે છે એ પણ વાસ્તવિકતા છે.

તો હવે ફરી મુદ્દો એ ઉપસ્થિત થાય છે કે, ભાગલાવાદી વિપક્ષોએ અમુક પત્રકારોનો બહિષ્કાર કરવાનો શા માટે નિર્ણય લીધો?

મૂળભૂત રીતે ભાગલાવાદી વિપક્ષો લઘુમતી જેવી માનસિકતા ધરાવતા થઈ ગયા છે. નરેન્દ્ર મોદી અને ભાજપનો રાજકીય રીતે મુકાબલો નહીં કરી શકતા, રાષ્ટ્રીય સ્વયં સંઘના વિરુદ્ધમાં લોકોને ભડકાવી નહીં શકતા આ વિપક્ષો લઘુમતીઓની જેમ વિક્ટિમ કાર્ડ રમવા લાગ્યા છે. ભાગલાવાદી વિપક્ષોની મીડિયા પ્રત્યેની માનસિકતા વિશે મેં મારા પુસ્તક પત્રકારત્વઃ વિશ્વસનીયતાનો પડકાર માં ચાર વર્ષ પહેલાં જ એ વાત સ્પષ્ટપણે લખી હતી કે છેક 1947થી મીડિયાને સનાતન ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં અને લઘુમતીઓની તરફેણમાં કરવાનું પદ્ધતિસર અને વ્યવસ્થિત રીતે કાવતરું ઘડાયું હતું અને તેનો અમલ થયો હતો. ગિરિલાલ જૈન અને અરુણ શૌરી તથા તેમના જેવા સાવ જૂજ અપવાદોને બાદ કરતાં લગભગ તમામ મીડિયા હાઉસ (અખબારો અને સામયિકો) તેમજ પત્રકારો – તંત્રીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેક્યુલારિઝમના નામે લઘુમતી તરફી કોમવાદી નીતિનો અમલ કરતા હતા, આજે પણ કરે છે. પરંતુ મે, 2014ની લોકસભા ચૂંટણીએ રાષ્ટ્રીય સ્તરે આખું ચિત્ર બદલી નાખ્યું. જે પત્રકારો, તંત્રીઓ અથવા મીડિયા હાઉસમાં રાષ્ટ્રવાદ અને સનાતનનો આત્મા દબાવીને રાખવામાં આવ્યો હતો તે બહાર આવ્યો. તેમણે પોતાના અંતરઆત્માની વાત રજૂ કરવાનું શરૂ કર્યું. અને આ સ્થિતિ ભાગલાવાદી વિપક્ષોને પચી નહીં. તેમણે તેમના પીઠ્ઠુ પત્રકારો તેમજ મીડિયા હાઉસની મદદથી રાષ્ટ્રવાદી – સનાતની પત્રકારોને બદનામ કરવાનું, તેમને હેરાન કરવાનું, તેમના ઉપર કેસ કરવાનું શરૂ કર્યું. આમછતાં આવા પત્રકારો ડરી જવાને બદલે અથવા દબાઈ જવાને બદલે પોતાનું કામ કરતા રહ્યા.

આ સ્થિતિમાં ભાગલાવાદી વિપક્ષોને ખાતરી થઈ ગઈ છે કે, રાષ્ટ્રવાદી – સનાતની પત્રકારો, તંત્રીઓ, મીડિયા હાઉસ હવે તેમનાથી દબાય એમ નથી. આ વિપક્ષોને સમજાઈ ગયું છે કે આત્માથી જાગૃત થઈ ગયેલા પત્રકારો હવે તેમને પ્રશ્નો પૂછવાના જ છે અને તેના જવાબો આપવાનું ભારે પડવાનું છે. તેથી લઘુમતી વિક્ટિમકાર્ડની જેમ વિપક્ષોએ પણ પત્રકારોનો બહિષ્કાર કરીને તેમના ઉપર દબાણ લાવવાનો તદ્દન છેલ્લી કક્ષાનો પ્રયાસ કરી જોયો છે. હવે જોઇએ આ લડાઈ કેવો રંગ લાવે છે. અસ્તુ!

No comments:

Post a Comment