Tuesday, February 21, 2023

માતૃભાષાનો પ્રેમ અને જોડણીની સજ્જતા

 


-- અલકેશ પટેલ

 આજે 21 ફેબ્રુઆરી. વિશ્વ માતૃભાષા દિવસ.

માતૃભાષાને લઇને ઘણી ખેંચતાણ થતી હોય છે. દરેક ભાષા-બોલીના સમૂહને પોતાની માતૃભાષા-બોલી શ્રેષ્ઠ લાગે. માતૃભાષામાં જ વાત કરવાના આગ્રહ – દુરાગ્રહ પણ જોવા મળે. અને તેમાં એક ત્રીજું પરિમાણ ઉમેરાય- જોડણીનું, વ્યાકરણનું.

વિવિધ સમૂહ પોતપોતાની માતૃભાષા માટે તો ઝઘડતા રહે, પરંતુ તેથી વધારે ખેંચતાણ જે તે ભાષાની અંદર જોડણીને લગતી, વ્યાકરણને લગતી હોય છે.

એમાંથી કોણ સાચા અને કોણ ખોટા એવું જજમેન્ટ આપવાનો કોઈ આશય નથી. કેમ કે છેવટે બંનેના પ્રવાહ તો ભાષાના જતન માટેના એક ઉદ્દેશ ઉપર જ આવીને અટકતા હોય છે.

ટૂંકમાં આમ તો આ વિષય ઉપર આજે ખાસ નકારાત્મક નથી લખવું, કોઇની વ્યક્તિગત ટીકા નથી જ કરવી, બસ માત્ર અમુક મુદ્દા પર ધ્યાન દોરવું છે જેથી માતૃભાષા દિવસના હૈશો-હૈશો-ની સાથે એકાદ અંશ જેટલી જાગ્રતિ ફેલાય.  https://www.facebook.com/learnGujaratiBhasha 

ભાષા અને જોડણી-વ્યાકરણ વચ્ચે તફાવતઃ

ભાષા અને જોડણી વચ્ચે તફાવત હોય છે એ જ રીતે ભાષા જાણનાર અને જોડણી જાણનાર વચ્ચે પણ તફાવત હોય છે. ભાષા આવડતી હોય તેને જોડણી આવડતી જ હોય એ નિશ્ચિત નથી. આથી વિરુદ્ધ ક્યારેક સંપૂર્ણ જોડણી જાણનારની ભાષા એ હદે ક્લિષ્ટ થઈ જતી હોય છે કે સામાન્ય લોકો માટે એ વાંચવાનું પણ મુશ્કેલ બની જાય. બંનેનું સાયુજ્ય શક્ય છે જ, પણ એ માટે લેખકની પ્રજ્ઞા જાગ્રત હોવી જોઇએ. ગુજરાતીમાં એવા લેખકો સાવ જૂજ છે, શબ્દશઃ આંગળીને વેઢે ગણી શકાય એટલા.

લખે એ લેખક!?

ગુજરાતીમાં લેખકોનો તોટો નથી. દરેક છાપાં-સામયિકમાં ઢગલાબંધ લેખકો છે એ તો ખરું, પરંતુ સોશિયલ મીડિયાના આવિષ્કાર અને વ્યાપક પ્રચલન પછી લગભગ દરેક ઘરમાં એક લેખક છે એવું કહેવું વધારે પડતું નહીં ગણાય.

હા, એ બધા ભાષા તો જાણે છે પણ સાચી જોડણી કે વ્યાકરણ કે શબ્દ-રચના વિશે સદંતર અભાન હોય છે. અનેક પ્રતિષ્ઠિત લેખકોને અને ક્યાં વપરાય એની જાણ નથી હોતી. હું રાહ જોઉં છું – ને બદલે હું રાહ જોવ છું એવું લખનાર લોકો લેખક તો હોઈ શકે, પણ એમની પાસે ભાષાની સજ્જતા નથી એવું ભાષા અને જોડણી બંનેના સભાન વાચકને ખ્યાલ આવી જાય. ગુજરાતી લખનારા 98 ટકા લોકોને આજે પણ અને ક્યાં વાપરવો એ ખબર નથી.

પણ તેથી શું? કેમ કે આ તમામ 98 ટકા અભાનઉપરાંત બાકીના બે ટકા સંપૂર્ણ સભાન લોકો સહિત બધાને માતૃભાષાનું ગૌરવ હોય છે. એ ગૌરવ અભિમાન સુધી પણ પહોંચતું હોવાનું જોવા મળે છે.

સાચા શિક્ષકોનો અભાવઃ

આપણી મૂળ સમસ્યા સાચા શિક્ષકોના અભાવની છે. જે દિવસથી શિક્ષણ સહાયકોની ભરતીની વલણ શરૂ થયું ત્યારથી તો ભાષાની સજ્જતાનું જાણે નામું જ નખાઈ ગયું. પૂર્ણ સમયના શિક્ષકોમાં થોડી જવાબદારીનો ભાવ હતો. એ સમયે મોટાભાગના શિક્ષકો જાતે સજ્જ રહેવા પ્રયત્નશીલ રહેતા અને જો કોઈ શિક્ષકો સભાન ન હોય તો તેમને ટકોર કરવામાં આવે તો શીખવાની તૈયારી દાખવતા, શીખતા પણ ખરા. પરંતુ શિક્ષણ સહાયકોની બદી ઘૂસી પછી થોડું ભણેલા લોકો શિક્ષક તરીકે પાર્ટ-ટાઇમ ફરજ બજાવવા લાગ્યા અને તેમણે ભાષા-જોડણી-વ્યાકરણને કદી ગંભીરતાથી લીધાં નહીં. તેની અવળી અસર કાયમી શિક્ષકો ઉપર પણ પડી. તેમને લાગ્યું કે શિક્ષણ સહાયકો માટે જો બધું ચલાવી લેવાતું હોય તો અમારે પણ ક્યાં વધારે મહેનત કરવાની જરૂર છે? સરવાળે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને, ખાસ કરીને ભાષાનાં શિક્ષણને ગંભીર અસર પડી.

ગુજરાત માહિતી ખાતું – ભાષાની બાબતમાં સૌથી રેઢિયાળ તંત્ર

જે તે ભાષામાં તેની સરકારનું માહિતી ખાતું ભાષાની, જોડણીની, વ્યાકરણની બાબતમાં સૌથી સજ્જ, સૌથી ગંભીર હોવું જોઇએ. પરંતુ ગુજરાતી ભાષા એ રીતે પણ અતિશય કમનસીબ છે. ગુજરાત સરકારના માહિતી ખાતામાં બેઠેલા માંડ એકાદ ટકા લોકોને સાચી ભાષા – જોડણી – વ્યાકરણ આવડે છે. બાકીના 99 ટકા આવેલ – ગયેલ – મળેલ – જોયેલ – લખેલ – ફરેલ...વાળા છે.

વાચકોની સજ્જતાઃ

આ બધા સંજોગોમાં વાચકોની સજ્જતા પણ ચિંતાજનક હદે નીચી છે. જે જૂજ લેખકો સાચી ભાષા-જોડણી લખે છે તેનું વાચન જોડણીની સભાનતા સાથે કરવામાં આવે તો પણ આપોઆપ ભાષા સુધરી શકે, પરંતુ પીડાદાયક કમનસીબી એ છે કે, 99.99 ટકા વાચકો, જેમાં લેખકોનો પણ સમાવેશ થતો હોય છે—તેઓ પણ જોડણી-વ્યાકરણની સભાનતા સાથે વાંચતા નથી.

માતૃભાષા માટે ગૌરવ હોય તો એ જાળવવા એક કામ કરો...

માતૃભાષા જળવાવી જોઇએ એવું જો તમે માનતા હોવ તો થોડા સાવ નાનાં નાનાં કામ કરો. (1) જેમ કે, બેંકનો ચૅક લખો તો રકમના આંકડા સિવાયની બાકીની વિગતો ગુજરાતીમાં જ લખવાનો દુરાગ્રહ રાખો. આવું કરશો તો બેંકોને ગુજરાતી જાણનાર લોકોની ભરતી કરવાની ફરજ પડશે. આ રીતે બે હેતુ સિદ્ધ થશે- એક તો ગુજરાતી ભાષા જળવાશે અને બીજું એક ગુજરાતીને રોજગારી મળશે. (2) ગુજરાતમાં જ કુરિયર કરવાનું હોય તો મોકલનારનું તેમજ મેળવનારનું સરનામું ગુજરાતીમાં જ લખવાનો આગ્રહ રાખો. આવું કરવાથી પણ કુરિયર કંપનીઓને ગુજરાતી જાણનાર લોકોની ભરતી કરવાની ફરજ પડશે. આ રીતે બે હેતુ સિદ્ધ થશે- એક તો ગુજરાતી ભાષા જળવાશે અને બીજું એક ગુજરાતીને રોજગારી મળશે. (3) બે હાથ જોડીને વધુ એક વખત વિનંતી કરું છું કે લખાણ વાંચતી વખતે સંપૂર્ણ સભાન રહો જેને કારણે વાક્ય રચના, જોડણી, વ્યાકરણ આપોઆપ આવડતું જાય. અલકેશના જય જય ગરવી ગુજરાત.

Sunday, February 19, 2023

રાષ્ટ્રવાદ અને સેક્યુલારિઝમનો સૌથી મોટો દુશ્મન- જ્યોર્જ સોરોસ

 


કાર્લ માર્ક્સ નામના એક બદમાશે તેનાં લખાણો દ્વારા 19મી સદીમાં દુનિયાને હિંસાની આગમાં ઝોંકી દીધી હતી, એ રીતે 21મી સદીમાં જ્યોર્જ સોરોસ નામનો બદમાશ તેના નાણાના જોરે રાષ્ટ્રવાદી સરકારોને ઊથલાવવા પ્રયત્નશીલ છે

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

મોદીજી ઔર બીજેપીને દેશ કી સભી સંસ્થાઓં પર કબજા કર લિયા હૈ. સબકુછ અદાની-અંબાની કો બેચ દિયા હૈ.

મોદી અને ઉદ્યોગપતિ અદાણી ગાઢ સાથીદારો છે. અદાણી ઉપર શૅરોમાં ગરબડ કરવાનો આક્ષેપ છે. મોદી એ વિશે ચૂપ છે. તેમણે વિદેશી રોકાણકારો તથા સંસદમાં જવાબ આપવો પડશે. આને કારણે ભારતના સંઘીય ઢાંચા ઉપર તેમની (મોદીની) પકડ નબળી પડશે અને પરિણામે અતિ આવશ્યક એવા સંસ્થાકીય સુધારા માટે દ્વારા ખૂલશે. હું આશા રાખું છું કે ભારતમાં લોકશાહી પુનઃજાગ્રત થશે.

ઉપરનાં બંને વિધાન બે અલગ વ્યક્તિના છે. એક ભારતીય છે અને બીજો ન્યૂયોર્કમાં રહેતો એક યહૂદી છે. પરંતુ સમાનતા એ છે કે બંનેને ભારતના સબળ નેતૃત્વ તેમજ દુનિયામાં વધી રહેલી ભારતની વગ પસંદ નથી. આત્મનિર્ભર અને સક્ષમ ભારત બંનેને પસંદ નથી કેમ કે તેને કારણે તેમની જેહાદ-પરસ્તીને નુકસાન થઈ રહ્યું છે. ઉપરનાં બે વિધાનમાંથી પહેલું વિધાન કોનું છે એ સમજવું મારી કૉલમના વિદ્વાન વાચકો માટે અઘરું નથી, પરંતુ આજે આપણે વાત બીજું વિધાન કરનાર દુનિયાના ધનકુબેર બદમાશની કરવી છે. એનું નામ છે જ્યોર્જ સોરોસ. જે રીતે આતંકવાદીઓ, જે રીતે દાણચોરો અને ગુંડાઓ માનવજાત માટે જોખમી હોય છે એવો જ જોખમી છે આ 92 વર્ષનો ધનિક સોરોસ.

આ કૉલમમાં અગાઉ પણ માનવજાતના દુશ્મન જ્યોર્જ સોરોસ વિશે વાત કરેલી જ છે, પરંતુ આજે ફરી એના વિશે વાત કરવાનું ખાસ કારણ છે. બે અઠવાડિયા પહેલાં આ જ સ્થળે બીબીસીની ગુજરાત વિશેની ડોક્યુમેન્ટ્રી અને ત્યારબાદ દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી જૂથ વિરોધી હિંડનબર્ગ અહેવાલ વિશે વાત કરી હતી. એ બંને ઘટના પહેલાં અને એ પછી રાહુલ ગાંધી તથા કોંગ્રેસ અને અન્ય પક્ષો જે રીતે હો-હા કરી રહ્યા છે તેને તેમના મેન્ટર-માર્ગદર્શક જ્યોર્જ સોરોસનું ખુલ્લું સમર્થન આ અઠવાડિયે મળ્યું. જે સોરોસ અત્યાર સુધી પડદા પાછળ રહીને ભારત વિરોધી પ્રવૃત્તિઓને માત્ર નાણાકીય સહાય કરતો હતો એ હવે સીધો નરેન્દ્ર મોદીના નામ સાથે ભારતની રાષ્ટ્રવાદી સરકાર ઉપર હુમલો કરવા બહાર પડ્યો છે. તેણે મ્યુનિક સિક્યોરિટી કૉન્ફરન્સમાં વક્તવ્ય આપ્યું જેમાં અન્ય બાબતોની સાથે તેનો ભારતના રાષ્ટ્રવાદીઓ વિરોધી એજન્ડા પણ સ્પષ્ટ રીતે જાહેર થયો. લેખના પ્રારંભે જે બીજું વિધાન છે તે સોરોસનું છે.

હકીકત એ છે કે, ભારત વિરોધી મીડિયાની પ્રવૃત્તિઓને ફંડિંગ કરનાર પણ સોરોસ જ છે અને હિંડનબર્ગ જેવી સંસ્થાઓને નાણા ધિરનાર પણ સોરોસ જ છે. અને આ બધાને પોતાના માથે બેસાડીને ફરે છે- ભારતના એવા રાજકીય પક્ષો જેમને રાષ્ટ્રવાદ પસંદ નથી, જેમને હિન્દુત્વ અને મંદિરો પસંદ નથી, જેમને આત્મનિર્ભર ભારત પસંદ નથી. એ પક્ષો કયા છે એ વાત વાચકો સારી રીતે જાણે છે-સમજે છે.

મૂળ વાત એ છે કે, જ્યોર્જ સોરોસ એ જ ભારત વિરોધી બૌદ્ધિક અને નાણાકીય કડીનો એક હિસ્સો છે જેની શરૂઆત કાર્લ માર્ક્સે કરી હતી. માર્ક્સ કદી ભારત આવ્યો નહોતો પરંતુ દુનિયાભરના ડાબેરી-જેહાદી તેમજ મિશનરી ઇતિહાસકારોનાં લખાણો વાંચીને તેણે ભારતીય ધર્મ-સંસ્કૃતિ વિરુદ્ધ લખ્યું હતું. કમનસીબે 19મી સદીનાં એ લખાણોને આજે 21મી સદીમાં તેના માનસપુત્રો એવા ડાબેરીઓ અને જેહાદીઓ ટાંકતા રહે છે અને ભારતીયતાને બદનામ કરવાની અવિરત પરંપરામાં જોડાયેલા રહે છે.

અગાઉ કહ્યું તેમ જ્યોર્જ સોરોસ અત્યાર સુધી, ખાસ કરીને 2014 પછી પડદા પાછળ રહીને જંગી નાણા ખર્ચીને ભારત વિરોધી આંદોલનો અને હિંસા કરાવતો રહ્યો છે, પરંતુ આ અઠવાડિયે તે સીધો જ મેદાનમાં ઉતર્યો છે અને તેથી નિશ્ચિત થઈ ચૂક્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ ધનિક-બદમાશ ભારતનાં વિવિધ રાજ્યોમાં, ભારતના વિવિધ સમુદાયો વચ્ચે ભારતમાં રહેલા તેના રાજકીય એજન્ટો મારફત વિખવાદ કરાવશે. સોરોસ નામનો બદમાશ મુસ્લિમોને અચૂક ઉશ્કેરશે એ વાતમાં કોઈ શંકા નથી કેમ કે તેના દ્વારા સ્થાપિત ઓપન સોસાયટી નો એ જ ઉદ્દેશ છે. આ જ કામ માર્ક્સવાદીઓ પણ કરે છે અને એટલે જ આ તત્વોને મેં રાષ્ટ્રવાદ અને સેક્યુલારિઝમના સૌથી મોટા દુશ્મન ગણાવ્યા છે.

નક્કી પ્રજાએ કરવાનું છે કે, જ્યોર્જ સોરોસ, બીબીસી, હિંડનબર્ગ જેવા ભારત-વિરોધી એજન્ટો દ્વારા ફેલાવવામાં આવતા જૂઠાણાં માની લઇને તેમને પ્રોત્સાહન આપવાનું છે કે પછી દેશને આત્મનિર્ભર અને વિશ્વગુરુ બનાવવા માટે સતત પ્રયત્નશીલ મોદી સરકારની વાતમાં વિશ્વાસ રાખવાનો છે! વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, February 5, 2023

બીબીસી ડોક્યુમેન્ટ્રી અને અદાણી જેવાં સમુદ્રમંથન મે, 2024 સુધી થતાં રહેશે- છેવટે અમૃત નીકળશે


---------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 દુનિયામાં એવી કેટલીક આસુરી વિચારધારાઓ ઉત્પાત મચાવી રહી છે જેમને ભારતની પ્રગતિ સામે વાંધો છે. ભારત ફરી એક વખત વિશ્વગુરુ બને એ આ અસુરોને સહન થતું નથી કેમ કે ક્ષમતાવાન અને સમૃદ્ધ ભારત વિસ્તારવાદી આક્રાંતાઓના બદઇરાદા ઉપર બ્રેક મારવા સમર્થ હોય છે. આ સ્થળે મેં અસંખ્ય વખત કહ્યું છે કે ચાર પ્રકારનાં તત્વો – ડાબેરીઓ, મિશનરીઓ, જેહાદીઓ અને મીડિયા – આ આસુરી વિચારધારાના કાંતો સર્જકો છે અથવા તેના સમર્થક છે. એવું પણ વારંવાર કહ્યું છે કે, આ તમામ તત્વો 2002થી સક્રિય છે અને 2014થી તો રીતસર મરણિયા બન્યા છે. આ સ્થિતિ મે, 2024ની લોકસભા ચૂંટણી સુધી યથાવત્ રહેશે.

બીબીસીની ગુજરાત વિશેની ડોક્યુમેન્ટ્રી અને ત્યારબાદ દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી જૂથ વિરોધી હિંડનબર્ગ અહેવાલ- આ બંને ઘટના ભારતીય રાજ્યસત્તા ઉપર હુમલાનો જ એક ભાગ છે. આ બંને આક્રમણમાં વિદેશી સંસ્થાઓનો દેખીતો હાથ જણાય છે અને તેમને મદદ કરનારા મૂળ ભારતીયો જ છે. ભારતમાં સત્તા અને સન્માન ગુમાવી ચૂકેલા રાજકારણીઓ, રાજકીય પક્ષો તેમજ મીડિયામાં રહેલા તેમના એજન્ટો રાષ્ટ્રવાદી સરકાર અને રાષ્ટ્રવાદી પક્ષોને કોઇપણ ભોગે સત્તા પરથી દૂર કરવા માગે છે, કેમ કે પ્રજાને લૂંટવાનો તેમનો 70 વર્ષનો ગરાસ ખોરવાઈ ગયો છે. બીજું, બીબીસી જેવી વિદેશી સંસ્થાઓ હંમેશાં મિશનરીઓ, ડાબેરીઓ અને જેહાદીઓના કબજામાં રહી છે અને તેથી ભારત-વિરોધી પ્રવૃત્તિ તેમની ગમતી પ્રવૃત્તિ હોય છે. ભારત વિરોધી પ્રવૃત્તિ કરવાની હોય તો ચીન પાસેથી નાણા મળવાની પણ પૂરી ખાતરી હોય છે.

મે, 2014થી અત્યાર સુધીનો ઇતિહાસ જોઇએ તો દર વર્ષે ઓછામાં ઓછી એક અથવા તેથી વધુ ઘટનાઓ બની છે જેનો ઉદ્દેશ સીધે સીધો મોદી સરકારને અને એ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબિ બગાડવાનો હતો. શાસનના પ્રથમ વર્ષમાં 2015માં જ મોદી સરકારે જમીન સંપાદન (સુધારણા) જાહેરનામું બહાર પાડ્યું હતું. મોદી સરકાર એ જાહેરનામા દ્વારા જમીન સંપાદન પ્રક્રિયા સરળ બનાવવા માગતી હતી જેથી વિકાસ કામો ઝડપથી થઈ શકે. પરંતુ વિપક્ષોએ તત્કાળ એ જાહેરનામાનો વિરોધ શરૂ કરી દીધો. વિપક્ષો શેરીઓમાં ઉતરી આવ્યા. એ હદે વિરોધ થયો કે સરકારે છેવટે જાહેરનામું પાછું ખેંચવું પડ્યું. ત્યારપછીના વર્ષે 2016માં ભારત સરકારે નોટબંધી કરી દીધી. કાળા નાણાના વિકરાળ અજગરને કચડી નાખવા માટે તેમજ સમાંતર અર્થતંત્રને ડામી દેવા માટે એ પગલું જરૂરી હતું. દેશની બહુમતી પ્રજાનું જોકે સરકારને પૂરું સમર્થન હતું પરંતુ ફરીથી વિપક્ષોએ અને ચોક્કસ હિત ધરાવતા મીડિયા ગૃહોએ સરકારને બદનામ કરવાના અને એ દ્વારા પ્રજાને ઉશ્કેરવાના તમામ પ્રયાસ કર્યા હતા. એ લોકોએ ઘણા મહિના સુધી એવું વાતાવરણ ઊભું કરી દીધું હતું જાણે મોદી સરકારે દુનિયાનો સૌથી ગંભીર અપરાધ કરી દીધો હોય. એ જ રીતે 2017માં સરકારે જીએસટી કાયદો પસાર કર્યો ત્યારે પણ આ ચારેય તત્વોએ પ્રજાને, ખાસ કરીને વેપારીઓને ઉશ્કેરવા આકાશ-પાતાળ એક કરી દીધા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તો 2017થી હજુ આજ સુધી જીએસટી માટે ગબ્બર સિંહ ટેક્સ જેવા શબ્દો વાપરે છે.

2019માં સરકારે દેશહિતમાં બે મોટાં પગલાં લીધાં. એક તો સાત દાયકાથી જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ રાખતી કલમ 370 નાબૂદ કરી અને ભારતના પાડોશી દેશો- શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં વસતા અને ત્યાં અત્યાચારનો ભોગ બનતા મૂળ ભારતીય એવા હિન્દુ, સિખ, જૈન, બૌદ્ધ તથા ખ્રિસ્તીઓને ભારત પરત આવવા માટે સુવિધા કરી આપવા CAA કાયદો પસાર કર્યો. આ બંને પગલાં સામે મહિનાઓ સુધી રાજકીય પક્ષો અને ખાસ કરીને મુસ્લિમોએ આંદોલન કર્યાં. 2020માં મોદી સરકારે ખેડૂતોની સ્થિતિ સુધારવા ત્રણ કૃષિ કાયદામાં સુધારા કર્યા. અને તે સાથે પંજાબ, હરિયાણાના ખેડૂતોએ ખાલિસ્તાનીઓની મદદથી એક વર્ષ કરતાં વધુ સમય સુધી રાજધાની દિલ્હીને ઘેરાવ કરી રાખ્યો. એ દરમિયાન 2021ની 26 જાન્યુઆરીએ ખાલિસ્તાની સમર્થકોએ છેક લાલ કિલ્લા સુધી પહોંચી જઇને ભારે હિંસક ખેલ માંડ્યો.

આ બધું ઓછું હોય તેમ કેરળમાં કોંગ્રેસે ગૌહત્યાનું સમર્થન કરવા જાહેર રસ્તા ઉપર વાછરડાની કતલ કરીને તેનું માંસ રાંધીને ખાધું. દિલ્હીની ડાબેરીઓથી કુખ્યાત થયેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં આતંકવાદીઓના સમર્થનમાં અને પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચારો કર્યા. દિલ્હીમાં તત્કાલીન અમેરિકી પ્રમુખ ટ્રમ્પની મુલાકાત દરમિયાન જ  આમ આદમી પાર્ટીના સમર્થકોએ CAAના વિરોધમાં હિન્દુ વિરોધી રમખાણો કરીને અનેક હિન્દુઓની હત્યા કરી.

ટૂંકમાં આ બધાં આંદોલન અને તોફાનો મોદી સરકારને સત્તાથી દૂર કરવા માટેના હતાં. આમછતાં એ તમામ પ્રયાસોમાં નિષ્ફળ ગયેલા દેશ-વિરોધી તત્વો તેમના અધુરા રહેલા મનસુબા પાર પાડવા હવે બીબીસી ડોક્યુમેન્ટ્રી અને અદાણી જૂથ સામે કાવતરાં કરીને તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે. આ સંજોગોમાં એવી આશંકા જરાય અસ્થાને નથી કે દેશના અર્થતંત્રને તેમજ દેશની સમાજ વ્યવસ્થાને નુકસાન કરીને સરકાર વિરોધી વાતાવરણ ઊભું કરવા આ તમામ પરિબળો 2024ની ચૂંટણી સુધીમાં હજુ આવી કેટલીય ઘટનાઓને અંજામ આપશે. તેમના પ્રયાસોમાં દેશ-વિરોધી પરિબળો સફળ થશે કે નહીં એ તો મે-જૂન 2024માં જ ખબર પડશે, પરંતુ ત્યાં સુધીમાં દેશને નુકસાન થતું રહેશે એટલું નિશ્ચિત છે. ડાબેરીઓ, મિશનરીઓ, જેહાદીઓ અને સ્થાપિત હિત ધરાવતા મીડિયાની સામે રાષ્ટ્રવાદી નાગરિકો તરીકે તમારે એટલે કે મતદારોએ એ નિર્ણાયક ચૂંટણીમાં શું કરવાનું છે એ વિચારવું રહ્યું. વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!