Tuesday, February 21, 2023

માતૃભાષાનો પ્રેમ અને જોડણીની સજ્જતા

 


-- અલકેશ પટેલ

 આજે 21 ફેબ્રુઆરી. વિશ્વ માતૃભાષા દિવસ.

માતૃભાષાને લઇને ઘણી ખેંચતાણ થતી હોય છે. દરેક ભાષા-બોલીના સમૂહને પોતાની માતૃભાષા-બોલી શ્રેષ્ઠ લાગે. માતૃભાષામાં જ વાત કરવાના આગ્રહ – દુરાગ્રહ પણ જોવા મળે. અને તેમાં એક ત્રીજું પરિમાણ ઉમેરાય- જોડણીનું, વ્યાકરણનું.

વિવિધ સમૂહ પોતપોતાની માતૃભાષા માટે તો ઝઘડતા રહે, પરંતુ તેથી વધારે ખેંચતાણ જે તે ભાષાની અંદર જોડણીને લગતી, વ્યાકરણને લગતી હોય છે.

એમાંથી કોણ સાચા અને કોણ ખોટા એવું જજમેન્ટ આપવાનો કોઈ આશય નથી. કેમ કે છેવટે બંનેના પ્રવાહ તો ભાષાના જતન માટેના એક ઉદ્દેશ ઉપર જ આવીને અટકતા હોય છે.

ટૂંકમાં આમ તો આ વિષય ઉપર આજે ખાસ નકારાત્મક નથી લખવું, કોઇની વ્યક્તિગત ટીકા નથી જ કરવી, બસ માત્ર અમુક મુદ્દા પર ધ્યાન દોરવું છે જેથી માતૃભાષા દિવસના હૈશો-હૈશો-ની સાથે એકાદ અંશ જેટલી જાગ્રતિ ફેલાય.  https://www.facebook.com/learnGujaratiBhasha 

ભાષા અને જોડણી-વ્યાકરણ વચ્ચે તફાવતઃ

ભાષા અને જોડણી વચ્ચે તફાવત હોય છે એ જ રીતે ભાષા જાણનાર અને જોડણી જાણનાર વચ્ચે પણ તફાવત હોય છે. ભાષા આવડતી હોય તેને જોડણી આવડતી જ હોય એ નિશ્ચિત નથી. આથી વિરુદ્ધ ક્યારેક સંપૂર્ણ જોડણી જાણનારની ભાષા એ હદે ક્લિષ્ટ થઈ જતી હોય છે કે સામાન્ય લોકો માટે એ વાંચવાનું પણ મુશ્કેલ બની જાય. બંનેનું સાયુજ્ય શક્ય છે જ, પણ એ માટે લેખકની પ્રજ્ઞા જાગ્રત હોવી જોઇએ. ગુજરાતીમાં એવા લેખકો સાવ જૂજ છે, શબ્દશઃ આંગળીને વેઢે ગણી શકાય એટલા.

લખે એ લેખક!?

ગુજરાતીમાં લેખકોનો તોટો નથી. દરેક છાપાં-સામયિકમાં ઢગલાબંધ લેખકો છે એ તો ખરું, પરંતુ સોશિયલ મીડિયાના આવિષ્કાર અને વ્યાપક પ્રચલન પછી લગભગ દરેક ઘરમાં એક લેખક છે એવું કહેવું વધારે પડતું નહીં ગણાય.

હા, એ બધા ભાષા તો જાણે છે પણ સાચી જોડણી કે વ્યાકરણ કે શબ્દ-રચના વિશે સદંતર અભાન હોય છે. અનેક પ્રતિષ્ઠિત લેખકોને અને ક્યાં વપરાય એની જાણ નથી હોતી. હું રાહ જોઉં છું – ને બદલે હું રાહ જોવ છું એવું લખનાર લોકો લેખક તો હોઈ શકે, પણ એમની પાસે ભાષાની સજ્જતા નથી એવું ભાષા અને જોડણી બંનેના સભાન વાચકને ખ્યાલ આવી જાય. ગુજરાતી લખનારા 98 ટકા લોકોને આજે પણ અને ક્યાં વાપરવો એ ખબર નથી.

પણ તેથી શું? કેમ કે આ તમામ 98 ટકા અભાનઉપરાંત બાકીના બે ટકા સંપૂર્ણ સભાન લોકો સહિત બધાને માતૃભાષાનું ગૌરવ હોય છે. એ ગૌરવ અભિમાન સુધી પણ પહોંચતું હોવાનું જોવા મળે છે.

સાચા શિક્ષકોનો અભાવઃ

આપણી મૂળ સમસ્યા સાચા શિક્ષકોના અભાવની છે. જે દિવસથી શિક્ષણ સહાયકોની ભરતીની વલણ શરૂ થયું ત્યારથી તો ભાષાની સજ્જતાનું જાણે નામું જ નખાઈ ગયું. પૂર્ણ સમયના શિક્ષકોમાં થોડી જવાબદારીનો ભાવ હતો. એ સમયે મોટાભાગના શિક્ષકો જાતે સજ્જ રહેવા પ્રયત્નશીલ રહેતા અને જો કોઈ શિક્ષકો સભાન ન હોય તો તેમને ટકોર કરવામાં આવે તો શીખવાની તૈયારી દાખવતા, શીખતા પણ ખરા. પરંતુ શિક્ષણ સહાયકોની બદી ઘૂસી પછી થોડું ભણેલા લોકો શિક્ષક તરીકે પાર્ટ-ટાઇમ ફરજ બજાવવા લાગ્યા અને તેમણે ભાષા-જોડણી-વ્યાકરણને કદી ગંભીરતાથી લીધાં નહીં. તેની અવળી અસર કાયમી શિક્ષકો ઉપર પણ પડી. તેમને લાગ્યું કે શિક્ષણ સહાયકો માટે જો બધું ચલાવી લેવાતું હોય તો અમારે પણ ક્યાં વધારે મહેનત કરવાની જરૂર છે? સરવાળે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને, ખાસ કરીને ભાષાનાં શિક્ષણને ગંભીર અસર પડી.

ગુજરાત માહિતી ખાતું – ભાષાની બાબતમાં સૌથી રેઢિયાળ તંત્ર

જે તે ભાષામાં તેની સરકારનું માહિતી ખાતું ભાષાની, જોડણીની, વ્યાકરણની બાબતમાં સૌથી સજ્જ, સૌથી ગંભીર હોવું જોઇએ. પરંતુ ગુજરાતી ભાષા એ રીતે પણ અતિશય કમનસીબ છે. ગુજરાત સરકારના માહિતી ખાતામાં બેઠેલા માંડ એકાદ ટકા લોકોને સાચી ભાષા – જોડણી – વ્યાકરણ આવડે છે. બાકીના 99 ટકા આવેલ – ગયેલ – મળેલ – જોયેલ – લખેલ – ફરેલ...વાળા છે.

વાચકોની સજ્જતાઃ

આ બધા સંજોગોમાં વાચકોની સજ્જતા પણ ચિંતાજનક હદે નીચી છે. જે જૂજ લેખકો સાચી ભાષા-જોડણી લખે છે તેનું વાચન જોડણીની સભાનતા સાથે કરવામાં આવે તો પણ આપોઆપ ભાષા સુધરી શકે, પરંતુ પીડાદાયક કમનસીબી એ છે કે, 99.99 ટકા વાચકો, જેમાં લેખકોનો પણ સમાવેશ થતો હોય છે—તેઓ પણ જોડણી-વ્યાકરણની સભાનતા સાથે વાંચતા નથી.

માતૃભાષા માટે ગૌરવ હોય તો એ જાળવવા એક કામ કરો...

માતૃભાષા જળવાવી જોઇએ એવું જો તમે માનતા હોવ તો થોડા સાવ નાનાં નાનાં કામ કરો. (1) જેમ કે, બેંકનો ચૅક લખો તો રકમના આંકડા સિવાયની બાકીની વિગતો ગુજરાતીમાં જ લખવાનો દુરાગ્રહ રાખો. આવું કરશો તો બેંકોને ગુજરાતી જાણનાર લોકોની ભરતી કરવાની ફરજ પડશે. આ રીતે બે હેતુ સિદ્ધ થશે- એક તો ગુજરાતી ભાષા જળવાશે અને બીજું એક ગુજરાતીને રોજગારી મળશે. (2) ગુજરાતમાં જ કુરિયર કરવાનું હોય તો મોકલનારનું તેમજ મેળવનારનું સરનામું ગુજરાતીમાં જ લખવાનો આગ્રહ રાખો. આવું કરવાથી પણ કુરિયર કંપનીઓને ગુજરાતી જાણનાર લોકોની ભરતી કરવાની ફરજ પડશે. આ રીતે બે હેતુ સિદ્ધ થશે- એક તો ગુજરાતી ભાષા જળવાશે અને બીજું એક ગુજરાતીને રોજગારી મળશે. (3) બે હાથ જોડીને વધુ એક વખત વિનંતી કરું છું કે લખાણ વાંચતી વખતે સંપૂર્ણ સભાન રહો જેને કારણે વાક્ય રચના, જોડણી, વ્યાકરણ આપોઆપ આવડતું જાય. અલકેશના જય જય ગરવી ગુજરાત.

No comments:

Post a Comment