Sunday, March 5, 2023

ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનો કાયદોઃ હવે જવાબદારી આપણા સૌની

રાજ્યની તમામ શાળામાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનો કાયદો ભાષાને તો બચાવશે જ, સાથે રોજગારી માટે પણ લાભદાયક રહેશે

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ગુજરાત સરકારે ગયા અઠવાડિયે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ એકથી આઠ સુધીના વર્ગોમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનો કાયદો પસાર કર્યો. સાવ જૂજ કિસ્સામાં બને છે તેમ આ કાયદાને વિપક્ષ કોંગ્રેસે પણ સમર્થન આપ્યું. ઘણે મોડે મોડે પણ એક સારું કામ ગુજરાત સરકારે કર્યું છે. ટુકડે-ટુકડેની માનસિકતા ધરાવતા લોકો જો આ કાયદાને અદાલતમાં ન પડકારે અને પડકારે તો પણ ચુકાદો જો ગુજરાત સરકારની તરફેણમાં આવે તો લાંબા ગાળે આપણી માતૃભાષાને બચાવવા ઉપરાંત શિક્ષિત ગુજરાતીઓની રોજગારીની બાબતમાં પણ લાભદાયક પુરવાર થશે.

ગુજરાતીઓ પોતાની માતૃભાષા ગુજરાતી બાબતે ગંભીર નથી. હાલતાંચાલતાં દરેક બાબતમાં, દરેક સંબંધમાં વેપારી માનસિકતા ધરાવતા ગુજરાતીઓએ સદીઓથી સગવડિયા બનીને ગુજરાતી ભાષાને એ સ્થિતિએ લાવી દીધી કે રાજ્ય સરકારે છેવટે પ્રાથમિક શિક્ષણમાં તેને ફરજિયાત કરવા માટે કાયદો કરવો પડ્યો.

ગુજરાતમાં ખાસ કરીને ચાર મોટાં શહેરોમાં તેમજ અગ્રણી પ્રવાસ સ્થળોએ મોટાભાગના લોકો હિન્દી બોલતાં જોવા મળે છે. ચાર મુખ્ય શહેરોમાં અન્ય રાજ્યોમાંથી આવેલા હિન્દીભાષી ભારતીયોને કારણે, તથા પ્રવાસ સ્થળોએ પર-રાજ્યના લોકો પ્રવાસે આવતા હોવાને કારણે હિન્દી એટલું સહજતાથી બોલાય-સંભળાય છે કે આપણે ગુજરાતમાં હોઇએ એવું જ ન લાગે.

દાયકાઓ પછી આ સ્થિતિનાં જોખમી પરિણામ દેખાવાં લાગ્યાં છે. કેન્દ્ર સરકારની કચેરીઓ, બેંકો, કૉર્પોરેટ હાઉસની કચેરીઓ તેમજ ગુજરાતમાં કંપનીઓ સ્થાપતા પર-રાજ્યના ઉદ્યોગપતિઓનું વલણ ગુજરાતમાં પણ હિન્દી-ભાષીઓની નિમણૂક કરવા તરફનું જોવા મળે છે. આ પર-રાજ્યના લોકોની સંખ્યા વધવાથી અંગ્રેજી સ્કૂલો અને સાથે સીબીએસસી સ્કૂલોનું પ્રમાણ વધવા લાગ્યું. તેનું પરિણામ એ આવ્યું કે, ગુજરાતી માધ્યમની શાળાના સંચાલકોને માતૃભાષા ગુજરાતીને બદલે પરભાષા અંગ્રેજી વધારે સારી લાગવા માંડી. સરકારોએ પણ અત્યાર સુધી આંખે પાટા બાંધીને જેમ ચાલે એમ ચાલવા દીધું. સરકાર તેમજ શાળા સંચાલકોના આવાં વલણને કારણે હતાશ થયેલા ગુજરાતીઓ છેલ્લા કેટલાય દાયકાથી પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવાનું પસંદ કરે છે.

આ વિષચક્રનું પરિણામ એ આવ્યું કે, અંગ્રેજી જાણનારા પર-રાજ્યના યુવાનો તેમજ અંગ્રેજી જાણનારા ગુજરાતી યુવાનોને કેન્દ્ર સરકારની કચેરીઓ, બેંકો, કૉર્પોરેટ ગૃહો તેમજ અન્ય રાજ્યની ગુજરાતમાં ચાલતી કંપનીઓમાં રોજગારી મળવા લાગી. પણ સંપૂર્ણ ગુજરાતી માધ્યમમાં ભણેલા યુવાનો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના યુવાનો રોજગારીથી વંચિત રહેવા લાગ્યા. છેવટે તેમણે પણ રોજગારી મેળવવા અંગ્રેજીના ગાડરિયા પ્રવાહમાં જોડાવું પડ્યું છે.

કેન્દ્ર સરકારની કચેરીઓની વાત તો છોડો પણ ક્યારેક ગાંધીનગરના સચિવાલયની પરસાળમાં ફરીએ ત્યારે પણ ગુજરાતમાં ન હોઇએ એવું લાગે! અંગ્રેજી જાણનારો આઈએએસ અધિકારી અથવા કર્મચારી મુખ્યપ્રધાનનું ભાષણ અંગ્રેજીમાં લખે અને પછી ગુજરાતી અધિકારીઓ તેનું ગુજરાતીમાં ભાષાંતર કરે છે—એ ગંભીર  સ્થિતિ મેં મારી જાતે જોયેલી છે. ગુજરાતમાં ટપાલ વિભાગે બેંકિંગ સુવિધા શરૂ કરી છે પણ અત્યંત આઘાતજનક વાત છે કે ટપાલ વિભાગની બેંકો ગુજરાતીમાં લખાયેલો ચૅક સ્વીકારવાની ના પાડી દે છે એવો અંગત અનુભવ મને પોતાને થયેલો છે.

ખૂબ મોટી સંખ્યામાં ખાસ કરીને ટોચના અધિકારીઓ આજે પણ બિન-ગુજરાતીઓ છે! ભારતનાં કોઇપણ પ્રદેશમાંથી આવેલા લોકો આપણા જ નાગરિકો છે અને તેમને ગુજરાતમાં રોજગારી મળે એમાં વાંધો ઉઠાવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, પરંતુ ભાષાકીય તફાવતને કારણે, અર્થાત અંગ્રેજી નહીં જાણનાર ગુજરાતીઓને ગુજરાતમાં જ રોજગારી ન મળે તો તેનાં જોખમી પરિણામ લાંબાગાળે આવી શકે.

હવે ગુજરાત સરકારે ઘડેલા કાયદાનો જો યોગ્ય અમલ થાય તો ગુજરાતીઓને અર્થાત ગુજરાતી જાણનારા ગુજરાતીઓને રોજગારી મળવાની શક્યતાઓ વધી જશે. ગુજરાતી જાણનારા ગુજરાતીઓને કમ સે કમ સચિવાલય સહિત રાજ્ય સરકારની કચેરીઓમાં, ગુજરાતમાં સંચાલિત સરકારી તેમજ ખાનગી બેંકોમાં રોજગારી મળવાની શક્યતા વધશે.

ભાષા બાબતે કટ્ટર વલણ ન રાખીએ તો પણ તેના માટે એટલું ગૌરવ તો દરેક ગુજરાતીને હોવું જ જોઇએ કે બહારથી આવનારા લોકો ગુજરાતી ભાષાની મશ્કરી ન કરે અને ગુજરાતી જાણનારને નોકરી નહીં આપવાના વલણમાંથી બહાર આવે. શક્ય છે કાયદો નવો બન્યો છે તેથી કેટલીક ખામી રહી હશે, પરંતુ એ તો અમલ શરૂ થયા પછી પણ સુધારો કરી શકાય છે.

ગુજરાતના ચિબાવલા મીડિયાકર્મીઓ તેમના અંધ-ભાજપ વિરોધમાં ઉછળી ઉછળીને આ કાયદાની વિરુદ્ધમાં લોકમત ઊભો કરવા અથવા મિશનરી તથા કોન્વેન્ટ સ્કૂલોના ગુલામ બનીને આ કાયદાની વિરુદ્ધમાં લોકમત ઊભો કરીને કાયદો પાછો ખેંચવા અથવા કાયદાને નબળો પાડી દેવા કુત્સિત પ્રયાસ ન કરે એટલી પ્રાર્થના. વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment