Sunday, March 26, 2023

કાશ્મીર પ્રવાસનો અનુભવ* (શરતો લાગુ)

 

કાશ્મીર પ્રવાસ બાબતે ખાસ કરીને ગુજરાતીઓમાં અસાધારણ ઉત્સાહ જોવા મળે છે. પરંતુ શું બધું જ બરાબર છે? સાચી વાતો લખવાની કોઈ હિંમત કે નથી કરતા?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

ગયા અઠવાડિયે કાશ્મીરનો પ્રવાસ કર્યો. આ પ્રવાસનો અનુભવ મિશ્ર રહ્યો કેમ કે આપણને અહીંથી જે કહેવામાં આવે છે અને ત્યાં પહોંચીને જાતે જે કંઈ જોવા-અનુભવવા મળે છે તેમાં ફેર હોય છે...શરતો લાગુ હોય છે.

કાશ્મીરનો સરેરાશ સ્થાનિક નાગરિક ભોળો લાગે છે. તેને પ્રવાસીઓ પાસેથી પૈસા લેવા સિવાય બીજી કોઈ લપ્પન-છપ્પન હોતી નથી. એ તમને માત્ર એવી જગ્યાએ જ લઈ જાય છે જ્યાં તેનું પોતાનું હિત સધાતું હોય. કલમ 370 અને 35A હટી તે પહેલાં જે ભય અને આશંકાનું વાતાવરણ હતું તે હવે નથી, પરંતુ તેમ છતાં તેમના માટે દેશના અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓની કીમત ATM મશીનથી વિશેષ કશી જ નથી.

માત્ર નકારાત્મક વાતો કરવાનો મારો કોઈ આશય નથી. કેમ કે છેવટે કાશ્મીર મારા દેશનો જ એક ભાગ છે. ત્યાંનું કુદરતી સૌંદર્ય અપાર છે, પ્રભાવિત કરી દેનારું છે. હજુ પણ ક્યાંક ખૂણેખાંચરે સંતાઈને બેઠેલા ત્રાસવાદીઓને કાબુમાં રાખવા ઠેરઠેર સૈન્ય અને સીઆરપીએફ-ને સતત સજગ રહેવું પડે છે. ચાર-ચાર દાયકાના ત્રાસવાદ-આધારિત અને પાકિસ્તાન-સંચાલિત અર્થતંત્રમાંથી બહાર આવેલું કાશ્મીર હવે ફરીથી પ્રવાસન-આધારિત અર્થતંત્ર તરફ વળ્યું છે. અને મારા મતે પ્રશ્નો અહીં જ શરૂ થાય છે. શ્રીનગરમાં હું એક સ્થાનિક જાણકાર સાથે વાત કરતો હતો ત્યારે તેના કહેવા મુજબ છેલ્લા એક-દોઢ વર્ષમાં એક કરોડ કરતાં વધુ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી છે. પ્રવાસે જવાના થોડા દિવસ પહેલાં જ મેં મીડિયા અહેવાલોમાં વાંચ્યું હતું કે, ફેબ્રુઆરી 2023માં ત્રણ લાખ કરતાં વધુ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આવ્યા પછી આ વિશે થોડું વધારે જાણવા પ્રયાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે દર મહિને ખરેખર લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીરમાં ઊમટી રહ્યા છે. રેડિયોના સમાચાર વિભાગના એક અહેવાલ અનુસાર તો જાન્યુઆરી 2022થી ઑક્ટોબર 2022 સુધીમાં 1.64 કરોડ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી! અને તેમાં ગુજરાતીઓની સંખ્યા મહત્તમ હોય એ સ્વાભાવિક છે. અમને પણ દરેક સ્થળે ગુજરાતીઓ મળતા જ હતા. અલબત્ત, આ તમામ સંખ્યામાં માતા વૈષ્ણોદેવીની યાત્રા કરનારા તથા અમરનાથ યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે.

જમ્મુ-કાશ્મીરનો, ખાસ કરીને શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ વગેરે જમ્મુ ક્ષેત્ર સિવાયના સ્થળોની મુલાકાત લેનારા 98 ટકા પ્રવાસીઓ હિન્દુઓ છે, પરંતુ કમનસીબે આપણને અનુરૂપ પ્રવાસ નીતિ તેમજ પ્રવાસ કાર્યક્રમ કાશ્મીરના પ્રવાસ આયોજકો બનાવતા નથી. તેનું દેખીતું કારણ એ છે કે આપણે મુર્ખામીની હદે સહિષ્ણુ છીએ. મેં જોયું કે આપણે માગણી કરીએ અથવા આગ્રહ રાખીએ તો જ મંદિરો અથવા એવા બીજા આપણા પોતાના કહેવાય એવાં સ્થળે લઈ જવામાં આવે છે, 





અન્યથા સ્થાનિક પ્રવાસ આયોજકો દ્વારા નિર્ધારિત કરેલાં સેક્યુલર સ્થળોએ જ બધાને ફરવાની ફરજ પાડવામાં આવે છે. આ સ્થિતિમાં તો જ પરિવર્તન આવી શકે જો અહીંથી જનારા પ્રવાસીઓ ભારતીયતાને લગતાં સ્થળોની મુલાકાત કરાવવાનો આગ્રહ રાખે.

એક દાખલો આપું. શ્રીનગરમાં અમે લાલચૉક જવાની ઈચ્છા વ્યક્ત કરી જ્યાં ત્રિરંગો લહેરાય છે.


પરંતુ ટૂર આયોજકે જાતજાતનાં બહાનાં કાઢીને ત્યાં લઈ જવાનું ટાળવા પ્રયાસ કર્યો. જોકે અમે અમારી વાત પકડી રાખી એટલે લઈ ગયો, પરંતુ કહેવાનો આશય એ છે કે જ્યાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને જોઈ-માણી શકાય એવાં કોઈ સ્થળે કાશ્મીરી ટૂર આયોજકો લઈ જતા નથી, એ માટેનો કાર્યક્રમ બનાવતા જ નથી. ગુજરાતીઓએ તેમજ અન્ય રાજ્યોના ભારતીયોએ આ બાબતે સભાન થવું પડશે તો જ ઋષિ કશ્યપની ભૂમિનો આપણે ખરો પરિચય મેળવી શકીશું. અન્યથા ખોખલા ભાઈચારાના નામે આપણે કાશ્મીરી ભાઈઓ માટે ચારો જ બનીને રહી જઈશું.

કેટલાક સજ્જન લાગતા સ્થાનિક લોકોએ દબાતે સ્વરે એવી ફરિયાદ કરી કે, કાશ્મીરના પ્રવાસન વિભાગના ટોચના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ખૂંપેલા છે. આ અધિકારીઓ ટૂર આયોજકો પાસેથી, શિકારાના મેનેજરો પાસેથી, ઘોડાવાળાઓ પાસેથી સતત લાંચ માગ્યા કરે છે અને તેને કારણે આવાં દરેક સ્થળે છેવટે પ્રવાસીઓ જ લૂંટાય છે. એક ટેક્સી ડ્રાઇવરે તો મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કાશ્મીરમાં તહેનાત સૈન્યના જવાનોથી કોઇને કશી જ મુશ્કેલી નથી, પરંતુ સ્થાનિક પોલીસનો ત્રાસ એ લોકો માટે ઘણીવાર અસહ્ય બની જાય છે.

એવું સ્પષ્ટ અનુભવી શકાય કે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં જે સત્ય દર્શાવવામાં આવ્યું છે તેને ખોટું પાડવા માટે કાશ્મીરી ટૂર આયોજકો અને હોટેલવાળા અને ઘોડાવાળા અને ટેક્સીવાળા આપણી સાથે સારો વ્યવહાર કરે છે. તેમની નજર માત્ર આપણા ખિસ્સા ઉપર છે, આપણી ભાવનાઓ કે લાગણી ઉપર નહીં. આપણી મુર્ખામીભરી ભાવુકતા આપણા ખિસ્સા ખાલી કરાવે છે તથા અન્યના ખિસ્સા ભર્યા કરે છે, અને છેવટે કાશ્મીર ફાઇલ્સમાં બતાવવામાં આવ્યું છે તેમ- આપણી પાસે માત્ર આંસુ સિવાય કશું નહીં રહે. કિન્તુ, પરંતુ, અલબત્ત...આપણે કાશ્મીર જવાનું બંધ નથી કરવાનું. એ આપણી ભૂમિ છે, ત્યાં જવાનું ચાલુ રાખીશું તો જ બચાવી શકીશું. જવાનું બંધ કરી દઈશું તો ફરીથી જેહાદી તત્વો તેના ઉપર ડોળા માંડશે અને આપણે પરત મેળવેલું ફરી ગુમાવી દઈશું. વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ! વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment