Showing posts with label Jammu and Kashmir. Show all posts
Showing posts with label Jammu and Kashmir. Show all posts

Sunday, April 23, 2023

કાશ્મીર ખીણમાં આતંકવાદ એક વિચારધારા છે

  


કલમ 370 નાબૂદ થઈ પરિણામે ભારતના અન્ય રાજ્યોમાંથી લાખો લોકો ઉત્સાહભેર કાશ્મીરની મુલાકાત લે છે, કાશ્મીરીઓ ચિક્કાર કમાણી કરી રહ્યા છે, પરંતુ આતંકી માનસિકતા દૂર થતી નથી. જાણો છો કેમ?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ફરી આતંકી હુમલો થયો, ફરી આપણા વીર જવાનો વીરગતિ પામ્યા. સૈન્ય જવાનોનું વાહન પસાર થઈ રહ્યું હતું અને આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો અને વાહનમાં આગ લાગી ગઈ. મા ભારતીએ પાંચ સપૂત ગુમાવી દીધા. દરેકે પોતપોતાની રીતે વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. હુમલાની તપાસ થશે. કદાચ તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં કાંતો આતંકીઓ પકડાઈ ગયા હશે અથવા એમને ઠાર કરી દેવામાં આવ્યા હશે. કદાચ એવું કશું ન પણ થયું હોય. હજુ એ આતંકીઓની શોધ ચાલુ હોય.

હકીકતે એ આતંકીઓ ત્યાં આસપાસ જ છે. સૌની નજર સામે છે. બધાની સાથે બેસીને એ આતંકીઓ પણ ખોટાંખોટાં આંસુ સારે છે. અને ભોળો દેશ આવા લોકોના ખોટા આંસુને સાચા માનીને એમની સાથે જ બેસે છે, એમનાં જ છાલિયાં ભરે છે.

પૂંચમાં લશ્કરી વાહન ઉપર હુમલાની ઘટના કેવી રીતે થઈ હશે એ હું અહીં ગુજરાતમાં બેઠા બરાબર સમજી શકું છું કેમ કે હજુ ફેબ્રુઆરી 2023માં જ મેં સરેરાશ કાશ્મીરીઓની માનસિકતાને બહુ નજીકથી જોઈ છે. સૈન્ય જવાનોની ટ્રક એકલી જતી હશે ત્યારે સામાન્ય કાશ્મીરીઓએ જ તે જોઈ હશે. તેમની જ વચ્ચે આતંકી માનસિકતા ધરાવતો કોઈ એક કાશ્મીરી બેઠો હશે. તેણે જ અન્ય સ્થળે બેઠેલા આતંકીઓને આ બાતમી આપી હશે. આ બધું કરતી વખતે તેણે જે હિલચાલ કરી હશે એ અન્ય કહેવાતા સામાન્ય-ભોળા કાશ્મીરીઓએ જોઈ જ હશે, પરંતુ એ લોકોએ સીઆરપીએફને અથવા સૈન્યને બાતમી આપવાની દરકાર નહીં કરી હોય. શા માટે દરકાર કરે? એમનો જ એક ભાઈ ભારતીય સૈન્ય જવાનોને મારવાની તૈયારી કરી રહ્યો છે તો પછી ભલે એ કરતો. મારે તો મારા ધર્મના ભાઈ વિરુદ્ધ કશું જ બોલાય નહીં, પછી ભલે ને એ આતંકી હુમલો કરે, મારે શું? – હા, આ જ માનસિકતા 100માંથી 99 કાશ્મીરીઓમાં છે એ હકીકત છે.

ભલા-ભોળા લાગતા કાશ્મીરી નાગરિકો, વેપારીઓ, ઘોડાવાળા, ટેક્સીવાળા, ટૂર આયોજકો બધા જ ઊંડેઊંડે ભારત પ્રત્યે, ભારતીય સૈન્ય પ્રત્યે ભારોભાર નફરત ધરાવે છે. આ ભલાભોળા લાગતા કાશ્મીરીઓ પ્રવાસીઓને કશું નુકસાન નથી કરતા કેમ કે એ જાણે છે કે પ્રવાસીઓ તો બે-પાંચ-પંદર દિવસ રહીને ચાલ્યા જશે અને આપણને લાખો રૂપિયા આપીને જશે.

પણ એ જ કહેવાતા ભલાભોળા કાશ્મીરીઓ ભારતીય સૈન્યના જવાનોને આતંકવાદી હુમલાથી બચાવવા માટે કશું જ કરતા નથી - આ હકીકત દરેકે સ્વીકારવી જ પડશે. એવું કહેવાનો જરાય આશય નથી કે, આપણા વીર જવાનો પોતાનું રક્ષણ કરવા સમર્થ નથી. એ તો સમર્થ છે જ અને એટલે જ પાકિસ્તાન અને ચીન જેવા ઘાતકી પાડોશીઓ પણ ભારતીય સૈન્યથી દૂર રહે છે. મુદ્દો એ છે કે, આતંકીઓ એકલ-દોકલ સૈન્ય જવાનોની હત્યા કરી નાખે છે, અથવા ભારતીય સૈન્યના એકલદોકલ વાહનોને નિશાન બનાવે છે. અને આવું કરનાર આતંકીઓ અન્ય સામાન્ય કાશ્મીરીઓની વચ્ચે જ બેઠેલા હોય છે. હુમલા કરનાર આતંકીઓ તો મુઠ્ઠીભર છે...પરંતુ તેમને આશ્રય આપનારા અથવા તેમની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરનારા એ જ સામાન્ય કાશ્મીરીઓ છે જે આપણી સાથે સારો વ્યવહાર રાખીને આપણને લૂંટે છે. હકીકતે સામાન્ય કાશ્મીરીઓ જો ખરેખર સાચા દિલના હોત અને ખરેખર આતંકને નફરત કરતો હોત તો આતંકવાદીઓ એક દિવસ પણ ટકી ન શકે. આતંકવાદીઓને પકડાવી દેવાનું અથવા તેમની બાતમી સીઆરપીએફ અથવા ભારતીય સૈન્યને આપવાનું જરાય મુશ્કેલ નથી, પણ સાચી વાત એ છે કે, કાશ્મીરીઓની એ દાનત જ નથી.

આતંકવાદ એક માનસિકતા છે. આતંકવાદ એક વિચારધારા છે. એ નેસ્તનાબૂદ થાય એ શક્ય નથી. એ ગળથૂથીમાં આવે છે. ભલાભોળા દેખાતા લોકો, સારું વર્તન કરતા લોકો પણ તેમનાં મનના ઊંડાણમાં આતંકી માનસિકતા ધરાવતા હોય એ શક્યતા નહીં પરંતુ હકીકત છે.

મેં હજુ ગત 26 માર્ચે આ જ સ્થળે લખ્યું હતું કે, ... “કાશ્મીરનો સરેરાશ સ્થાનિક નાગરિક ભોળો લાગે છે. તેને પ્રવાસીઓ પાસેથી પૈસા લેવા સિવાય બીજી કોઈ લપ્પન-છપ્પન હોતી નથી. એ તમને માત્ર એવી જગ્યાએ જ લઈ જાય છે જ્યાં તેનું પોતાનું હિત સધાતું હોય. કલમ 370 અને 35A હટી તે પહેલાં જે ભય અને આશંકાનું વાતાવરણ હતું તે હવે નથી, પરંતુ તેમ છતાં તેમના માટે દેશના અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓની કીમત ATM મશીનથી વિશેષ કશી જ નથી.”

એ લેખમાં મેં આગળ એમ પણ લખ્યું હતું કે, ... “એવું સ્પષ્ટ અનુભવી શકાય કે “ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મમાં જે સત્ય દર્શાવવામાં આવ્યું છે તેને ખોટું પાડવા માટે કાશ્મીરી ટૂર આયોજકો અને હોટેલવાળા અને ઘોડાવાળા અને ટેક્સીવાળા આપણી સાથે સારો વ્યવહાર કરે છે. તેમની નજર માત્ર આપણા ખિસ્સા ઉપર છે, આપણી ભાવનાઓ કે લાગણી ઉપર નહીં. આપણી મુર્ખામીભરી ભાવુકતા આપણા ખિસ્સા ખાલી કરાવે છે તથા અન્યના ખિસ્સા ભર્યા કરે છે, અને છેવટે કાશ્મીર ફાઇલ્સમાં બતાવવામાં આવ્યું છે તેમ- આપણી પાસે માત્ર આંસુ સિવાય કશું નહીં રહે...” શું હજુ પણ આપણે થોડાં વૃક્ષો અને થોડો બરફ જોવાની લાલચમાં આતંકવાદીનું પાલન-પોષણ કરતા અથવા આતંકવાદીઓની પ્રવૃત્તિઓ સામે આંખઆડા કાન કરતા કહેવાતા “સામાન્ય કાશ્મીરી ભાઈઓ” માટે “ચારો” બનતા રહીશું? વિચારો. ...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, March 26, 2023

કાશ્મીર પ્રવાસનો અનુભવ* (શરતો લાગુ)

 

કાશ્મીર પ્રવાસ બાબતે ખાસ કરીને ગુજરાતીઓમાં અસાધારણ ઉત્સાહ જોવા મળે છે. પરંતુ શું બધું જ બરાબર છે? સાચી વાતો લખવાની કોઈ હિંમત કે નથી કરતા?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

ગયા અઠવાડિયે કાશ્મીરનો પ્રવાસ કર્યો. આ પ્રવાસનો અનુભવ મિશ્ર રહ્યો કેમ કે આપણને અહીંથી જે કહેવામાં આવે છે અને ત્યાં પહોંચીને જાતે જે કંઈ જોવા-અનુભવવા મળે છે તેમાં ફેર હોય છે...શરતો લાગુ હોય છે.

કાશ્મીરનો સરેરાશ સ્થાનિક નાગરિક ભોળો લાગે છે. તેને પ્રવાસીઓ પાસેથી પૈસા લેવા સિવાય બીજી કોઈ લપ્પન-છપ્પન હોતી નથી. એ તમને માત્ર એવી જગ્યાએ જ લઈ જાય છે જ્યાં તેનું પોતાનું હિત સધાતું હોય. કલમ 370 અને 35A હટી તે પહેલાં જે ભય અને આશંકાનું વાતાવરણ હતું તે હવે નથી, પરંતુ તેમ છતાં તેમના માટે દેશના અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓની કીમત ATM મશીનથી વિશેષ કશી જ નથી.

માત્ર નકારાત્મક વાતો કરવાનો મારો કોઈ આશય નથી. કેમ કે છેવટે કાશ્મીર મારા દેશનો જ એક ભાગ છે. ત્યાંનું કુદરતી સૌંદર્ય અપાર છે, પ્રભાવિત કરી દેનારું છે. હજુ પણ ક્યાંક ખૂણેખાંચરે સંતાઈને બેઠેલા ત્રાસવાદીઓને કાબુમાં રાખવા ઠેરઠેર સૈન્ય અને સીઆરપીએફ-ને સતત સજગ રહેવું પડે છે. ચાર-ચાર દાયકાના ત્રાસવાદ-આધારિત અને પાકિસ્તાન-સંચાલિત અર્થતંત્રમાંથી બહાર આવેલું કાશ્મીર હવે ફરીથી પ્રવાસન-આધારિત અર્થતંત્ર તરફ વળ્યું છે. અને મારા મતે પ્રશ્નો અહીં જ શરૂ થાય છે. શ્રીનગરમાં હું એક સ્થાનિક જાણકાર સાથે વાત કરતો હતો ત્યારે તેના કહેવા મુજબ છેલ્લા એક-દોઢ વર્ષમાં એક કરોડ કરતાં વધુ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી છે. પ્રવાસે જવાના થોડા દિવસ પહેલાં જ મેં મીડિયા અહેવાલોમાં વાંચ્યું હતું કે, ફેબ્રુઆરી 2023માં ત્રણ લાખ કરતાં વધુ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આવ્યા પછી આ વિશે થોડું વધારે જાણવા પ્રયાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે દર મહિને ખરેખર લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીરમાં ઊમટી રહ્યા છે. રેડિયોના સમાચાર વિભાગના એક અહેવાલ અનુસાર તો જાન્યુઆરી 2022થી ઑક્ટોબર 2022 સુધીમાં 1.64 કરોડ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી! અને તેમાં ગુજરાતીઓની સંખ્યા મહત્તમ હોય એ સ્વાભાવિક છે. અમને પણ દરેક સ્થળે ગુજરાતીઓ મળતા જ હતા. અલબત્ત, આ તમામ સંખ્યામાં માતા વૈષ્ણોદેવીની યાત્રા કરનારા તથા અમરનાથ યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે.

જમ્મુ-કાશ્મીરનો, ખાસ કરીને શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ વગેરે જમ્મુ ક્ષેત્ર સિવાયના સ્થળોની મુલાકાત લેનારા 98 ટકા પ્રવાસીઓ હિન્દુઓ છે, પરંતુ કમનસીબે આપણને અનુરૂપ પ્રવાસ નીતિ તેમજ પ્રવાસ કાર્યક્રમ કાશ્મીરના પ્રવાસ આયોજકો બનાવતા નથી. તેનું દેખીતું કારણ એ છે કે આપણે મુર્ખામીની હદે સહિષ્ણુ છીએ. મેં જોયું કે આપણે માગણી કરીએ અથવા આગ્રહ રાખીએ તો જ મંદિરો અથવા એવા બીજા આપણા પોતાના કહેવાય એવાં સ્થળે લઈ જવામાં આવે છે, 





અન્યથા સ્થાનિક પ્રવાસ આયોજકો દ્વારા નિર્ધારિત કરેલાં “સેક્યુલર” સ્થળોએ જ બધાને ફરવાની ફરજ પાડવામાં આવે છે. આ સ્થિતિમાં તો જ પરિવર્તન આવી શકે જો અહીંથી જનારા પ્રવાસીઓ ભારતીયતાને લગતાં સ્થળોની મુલાકાત કરાવવાનો આગ્રહ રાખે.

એક દાખલો આપું. શ્રીનગરમાં અમે લાલચૉક જવાની ઈચ્છા વ્યક્ત કરી જ્યાં ત્રિરંગો લહેરાય છે.


પરંતુ ટૂર આયોજકે જાતજાતનાં બહાનાં કાઢીને ત્યાં લઈ જવાનું ટાળવા પ્રયાસ કર્યો. જોકે અમે અમારી વાત પકડી રાખી એટલે લઈ ગયો, પરંતુ કહેવાનો આશય એ છે કે જ્યાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને જોઈ-માણી શકાય એવાં કોઈ સ્થળે કાશ્મીરી ટૂર આયોજકો લઈ જતા નથી, એ માટેનો કાર્યક્રમ બનાવતા જ નથી. ગુજરાતીઓએ તેમજ અન્ય રાજ્યોના ભારતીયોએ આ બાબતે સભાન થવું પડશે તો જ ઋષિ કશ્યપની ભૂમિનો આપણે ખરો પરિચય મેળવી શકીશું. અન્યથા ખોખલા ભાઈચારાના નામે આપણે કાશ્મીરી ભાઈઓ માટે ચારો જ બનીને રહી જઈશું.

કેટલાક સજ્જન લાગતા સ્થાનિક લોકોએ દબાતે સ્વરે એવી ફરિયાદ કરી કે, કાશ્મીરના પ્રવાસન વિભાગના ટોચના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ખૂંપેલા છે. આ અધિકારીઓ ટૂર આયોજકો પાસેથી, શિકારાના મેનેજરો પાસેથી, ઘોડાવાળાઓ પાસેથી સતત લાંચ માગ્યા કરે છે અને તેને કારણે આવાં દરેક સ્થળે છેવટે પ્રવાસીઓ જ લૂંટાય છે. એક ટેક્સી ડ્રાઇવરે તો મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કાશ્મીરમાં તહેનાત સૈન્યના જવાનોથી કોઇને કશી જ મુશ્કેલી નથી, પરંતુ સ્થાનિક પોલીસનો ત્રાસ એ લોકો માટે ઘણીવાર અસહ્ય બની જાય છે.

એવું સ્પષ્ટ અનુભવી શકાય કે “ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મમાં જે સત્ય દર્શાવવામાં આવ્યું છે તેને ખોટું પાડવા માટે કાશ્મીરી ટૂર આયોજકો અને હોટેલવાળા અને ઘોડાવાળા અને ટેક્સીવાળા આપણી સાથે સારો વ્યવહાર કરે છે. તેમની નજર માત્ર આપણા ખિસ્સા ઉપર છે, આપણી ભાવનાઓ કે લાગણી ઉપર નહીં. આપણી મુર્ખામીભરી ભાવુકતા આપણા ખિસ્સા ખાલી કરાવે છે તથા અન્યના ખિસ્સા ભર્યા કરે છે, અને છેવટે કાશ્મીર ફાઇલ્સમાં બતાવવામાં આવ્યું છે તેમ- આપણી પાસે માત્ર આંસુ સિવાય કશું નહીં રહે. કિન્તુ, પરંતુ, અલબત્ત...આપણે કાશ્મીર જવાનું બંધ નથી કરવાનું. એ આપણી ભૂમિ છે, ત્યાં જવાનું ચાલુ રાખીશું તો જ બચાવી શકીશું. જવાનું બંધ કરી દઈશું તો ફરીથી જેહાદી તત્વો તેના ઉપર ડોળા માંડશે અને આપણે પરત મેળવેલું ફરી ગુમાવી દઈશું. વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ! વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, August 11, 2019

કોંગ્રેસ તારું રાજકારણ મંજૂર છે, પણ દેશ વિરોધી એજન્ડા તો નહીં જ ચલાવીએ

--- કોંગ્રેસ એટલું યાદ રાખે કે ભારતની પ્રજાએ એ પક્ષને હાંસિયામાં ધકેલી દીધો છે તેનું કારણ કોંગ્રેસના પાકિસ્તાન-તરફી એજન્ડા સામેનો આક્રોશ છે


--- અલકેશ પટેલ

રાજકારણ એની જગ્યા છે અને એ બાબતે કદી કોઇને વાંધો હોતો નથી, હોવો જોઇએ પણ નહીં. છેવટે લોકશાહી શાસન વ્યવસ્થામાં રાજકીય ગણતરીઓ અને કાવાદાવ જ તમારું વર્તમાન અને ભવિષ્ય નક્કી કરતા હોય છે...પરંતુ એ રાજકીય ગણતરી અને સોગઠાંબાજીની રમતમાં તમે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની અદ્રશ્ય લક્ષ્મણરેખા ઓળંગીને કોઈ ચોક્કસ એજન્ડામાં આગળ વધી જાવ ત્યારે સમજદાર પ્રજા તમને જાકારો આપી દે છે. કોંગ્રેસની સાથે હાલ એ જ થઈ રહ્યું છે. 

જેહાદી માનસિકતા ધરાવતા "ડાબેરી તત્વો"ની અસર હેઠળ જ કોંગ્રેસ આજે કલમ-370ના મુદ્દે પાકિસ્તાનીઓની ભાષામાં વાત કરે છે. ડાબેરી જેહાદી તત્વોથી ઘેરાયેલા કોંગ્રેસ પક્ષના હૈયામાં જો ખરેખર જમ્મુ-કાશ્મીરનું હિત વસતું હોત તો તેણે 1964માં જ કલમ-370 નાબૂદ કરી દેવી જોઇતી હતી. જમ્મુ-કાશ્મીરની પ્રજાને બાકીના દેશથી અલગ પાડી દેતી એ કલમ વિરોધી પ્રસ્તાવ ઉપર 1964માં પણ સંસદમાં ચર્ચા થઈ હતી...જો એ વખતે આ વિભાજનકારી કલમ નાબૂદ કરી દીધી હોત તો આટલાં વર્ષોમાં શેષ ભારતની સાથે જમ્મુ-કાશ્મીર એકરસ થઈ ગયું હોત અને ત્યાં પાકિસ્તાની આતંકીઓને પગપેસારો કરવાની તક મળી ન હોત. છતાં ડાબેરી જેહાદીઓની અસર હેઠળ કોંગ્રેસે તૃષ્ટિકરણને માથે ચડાવ્યું હતું અને રાષ્ટ્રપ્રેમને હાંસિયામાં ધકેલી દીધો હતો.

આ જ ડાબેરી જેહાદી માનસિકતાની અસર હેઠળ કોંગ્રેસે કદી સમાન નાગરિક કાયદો (કૉમન સિવિલ કોડ) લાવવાનો પ્રયાસ ન કર્યો. પરિણામે દેશની પ્રજા સતત ધાર્મિક આધાર ઉપર વહેંચાયેલી રહી.

આ જ ડાબેરી જેહાદી માનસિકતાની અસર હેઠળ ટૂંકી દ્રષ્ટિના કોંગ્રેસી નેતાઓને વસ્તી વિસ્ફોટની સમસ્યા વિકરાળ બનશે એ ખબર જ ન પડી અને વસ્તી નિયંત્રણનો કડક કાયદો ન બનાવ્યો, પરિણામે ભારત આજે જનસંખ્યાથી રીતસર ખદબદી રહ્યો છે.

ડાબેરી જેહાદીઓની અસર હેઠળ જ કોંગ્રેસે ધર્માંતરના મુદ્દે પણ કદી કોઈ અસરકારક પગલાં લીધા જ નહીં, પરિણામે આજે દેશના ઓછામાં ઓછા આઠથી નવ (8 થી 9) રાજ્યોમાં ભારતનો મૂળ નાગરિક જય શ્રી રામ પણ બોલી શકતો નથી.

કોંગ્રેસને રાષ્ટ્રવાદ શા માટે પસંદ નથી એ સમજવું અઘરું નથી. કોંગ્રેસની તૃષ્ટિકરણ તેમજ દુશ્મન દેશોને ખુશ કરે એવી નીતિ માટે જવાબદાર છે કોંગ્રેસની અંદર રહેલા ડાબેરી તત્વો. આ ડાબેરી તત્વોની સૌથી મોટી મર્યાદા એ હોય છે કે એ જ્યાં જન્મ્યા અને મોટા થયા હોય ત્યાંની ધર્મ-સંસ્કૃતિ એમને પસંદ નથી હોતી. આ ડાબેરી તત્વોને હંમેશાં બીજા ધર્મ અને સંસ્કૃતિ જ સારા દેખાય છે. પરિણામે આ ડાબેરી તત્વો "માનસિક-વૈચારિક ધોરણે શિથિલ ચારિત્ર્ય"ના હોય છે. વ્યક્તિગત જીવનમાં ઉમદા હોઈ શકે, હશે જ - પણ એમની વૈચારિક શિથિલતા સમાજજીવનને ખતમ કરનારી હોય છે.

ડાબેરી વિચારધારાનો આ સડો કોંગ્રેસમાં પહેલેથી જ પેસી ગયેલો છે. આ જ કારણે કોંગ્રેસે કદી રાષ્ટ્રવાદી નેતાઓને લાંબા સમય સુધી પક્ષનું અને દેશનું નેતૃત્વ સોંપ્યું જ નહીં. જિનેટિકલી પરિણામ એ આવ્યું કે કોંગ્રેસી રાજકારણીઓ માત્ર એવું જ માનતા થઈ ગયા કે એક પરિવાર સિવાય આપણા પક્ષનો કોઈ ઉદ્ધાર છે જ નહીં! એટલે જ હરીફરીને છેવટે 10 જનપથમાં આળોટવાની ફરીથી વ્યવસ્થા કરી દીધી.

ડાબેરી વિચારધારા તમને રાષ્ટ્રપ્રેમથી દૂર લઈ જાય છે. ડાબેરી વિચારધારાનો પાયો ભાગલાવાદ અને ભાંગફોડ છે. ડાબેરી વિચારધારા મહેનત અને પ્રામાણિકતાને ધિક્કારે છે. મહેનત અને પ્રામાણિકતાથી સુખી અને ધનિક થનાર, મહેનત અને પ્રામાણિકતાથી ધર્મ અને અધ્યાત્મના ઊંચા શિખરે પહોંચનાર તમામ લોકો માનવજાતના દુશ્મન છે એવું ડાબેરીઓ સામાન્ય પ્રજામાં ઠસાવતા રહે છે. હકારાત્મક અભિગમ દ્વારા સામાન્ય પ્રજાની મહેનત અને પ્રામાણિકતાને સેલિબ્રેટ કરવાને બદલે, તેને પ્રોત્સાહિત કરવાને બદલે એ પ્રજાને સુખી અને ધનિક થયેલા લોકો વિરુદ્ધ ભડકાવવા એ ડાબેરી એજન્ડા હોય છે - દુનિયાભરમાં. 

ભારતમાં ડાબેરીઓએ એ કામ કોંગ્રેસ મારફત કરાવ્યું. કોંગ્રેસે એક પારકા ધર્મ અને પારકી વિચારધારાવાળા લોકોને ખુશ રાખીને મત મેળવવા પોતાના જ લોકોને લાતો મારી મારીને દૂર કરી દીધા. આજે જવાબદારીપૂર્વક કહેવા માગું છું કે ડાબેરી વિચારધારા એક પ્રકારે જેહાદી જ છે. જેહાદીઓની જેમ જ ડાબેરીઓનો આશય પણ માત્ર હિંસાના જોરે વિસ્તારવાદનો જ હોય છે. જેહાદીઓ પણ ડાબેરીઓના વેશમાં જ તમારી આસપાસ બેઠેલા હોય છે.

ભારતના કમનસીબે કોંગ્રેસ પક્ષ આ બધાનો ભોગ બન્યો છે. આ બધાની નાગચૂડમાં ફસાઈ ગયો છે. ડાબેરી જેહાદીઓની અસર હેઠળ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રનું અને સાથે સાથે રાષ્ટ્રવાદીઓનું સતત અપમાન કરી રહ્યો છે. 
370મી કલમ નાબૂદ થાય એમાં રાષ્ટ્રનું હિત છે. 
કૉમન સિવિલ કોડ બને એમાં રાષ્ટ્રનું હિત છે. 
વસ્તી નિયંત્રણ કાયદો બને એમાં રાષ્ટ્રનું હિત છે. 
ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને હાંકી કાઢવા માટે પગલાં લેવાય એમાં રાષ્ટ્રનું હિત છે. 

રાષ્ટ્રહિતના આ બધા પગલાંમાં જો કોંગ્રેસ પક્ષ દેશની સાથે અને પ્રજાની સાથે ન હોય તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે કોંગ્રેસ પક્ષનો એજન્ડા દેશ વિરોધી છે. કોંગ્રેસ અને ડાબેરીઓ અને જેહાદીઓ એમ માનતા હોય કે પ્રજાને ગેરમાર્ગે દોરીને એ લોકો ગમેત્યારે ફરીથી સત્તા હાંસલ કરી લેશે... તો મને લાગે છે કે કોંગ્રેસ અંધારામાં છે...રાષ્ટ્રીય "સન્માન" અને "સ્વમાન"ના મીઠાં ફળ ચાખી ચૂકેલો સરેરાશ ભારતીય નાગરિક હવે ડાબેરી-જેહાદી-કોંગ્રેસી કાવતરાંમાં ફસાય એ શક્ય લાગતું નથી.#અલકેશ.

Monday, March 25, 2019

કાશ્મીરના આતંકી સાપોલિયા પાંજરે પુરાઈ રહ્યા છે

કાશ્મીરના આતંકી સાપોલિયા પાંજરે પુરાઈ રહ્યા છે

--- 22 માર્ચને શુક્રવારે બે મહત્ત્વની ઘટના બનીઃ એક, તો જમ્મુ-કાશ્મીરના આતંકી સંગઠન જેકેએલએફ ઉપર પ્રતિબંધ મૂકાયો અને બીજું, આતંકી ગીલાનીને 14 લાખ રૂપિયાનો દંડ ભરવા આદેશ થયો



-- અલકેશ પટેલ

ગયા અઠવાડિયે, એટલે કે 22 માર્ચને શુક્રવારે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં એક અત્યંત અગત્યનો નિર્ણય લીધોઃ ત્યાંના આતંકી સંગઠન જેકેએલએફ (JKLF) ઉપર પ્રતિબંધ મૂકી દીધો. એ સંગઠનના મુખ્ય આતંકી યાસીન મલિકને તો થોડા સમય પહેલાં જ પકડી લેવામાં આવેલો છે. આ ઉપરાંત એ જ દિવસે વયોવૃદ્ધ આતંકી ગીલાની ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 14.40 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગેરકાયદે વિદેશી ચલણ રાખવાના આરોપસર ગીલાનીને આ દંડ કરાયો છે અને જો તે દંડ નહીં ભરે તો તેની ધરપકડ થઈ શકે છે.
કેટલાક લોકો એવી પોકળ દલીલો કરવામાં વ્યસ્ત છે કે, મોદી સરકારે પાંચ વર્ષ પછી છેક તેની મુદતના અંતે જેકેએલએફ ઉપર પ્રતિબંધ મૂકીવાનો ચૂંટણીલક્ષી નિર્ણય લીધો છે. પરંતુ આવા લોકો એ ભૂલી જાય છે કે, વાસ્તવમાં ગયા વર્ષે મહેબુબા મુફ્તીના પક્ષ સાથેનું જોડાણ ભાજપે તોડી નાખ્યું અને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું ત્યારથી કેન્દ્ર સરકારે એવા અનેક પગલાં લીધા છે જેને કારણે હુર્રિયતના આતંકીઓમાં ફફડાટ ફેલાયેલો છે. કેન્દ્ર સરકારે હુર્રિયતના આતંકીઓને હવાલા મારફત મળતા નાણાના મુદ્દે પગલાં લીધા જ અને કેટલાય આતંકી સમર્થકોને જેલમાં નાખીને તેમની સામે કેસ ચાલી રહ્યો છે. અને હકીકતે એ જ અનુસંધાનમાં સૈયદ ગીલાની, મીરવાએઝ ફારુક તેમજ યાસીન મલિક જેવા આતંકીઓ સામે પણ કાર્યવાહી થઈ રહી છે.
તમારામાંથી અનેક લોકો સારી રીતે જાણતા જ હશે કે આ એ જ યાસીન મલિક અને આ એ જ આતંકી સંગઠન જેકેએલએફ છે જેને કારણે મુખ્યત્વે કાશ્મીરી પંડિતોનું કાશ્મીર ખીણમાંથી નિકંદન નીકળી ગયું હતું. 1990ના દાયકામાં મુખ્યત્વે જેકેએલએફની હાકલને પગલે જ કાશ્મીર ખીણની મસ્જિદોમાંથી જેહાદી સૂત્રોચ્ચાર થતા હતા. તે સમયે કેન્દ્રમાં સીધી અથવા આડકતરી રીતે કોંગ્રેસનું શાસન હતું. ગઠબંધન સરકારોના એ સમયગાળામાં કોંગ્રેસી દબાણ હેઠળ જમ્મુ-કાશ્મીરના આતંકીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાતા નહોતા. સુરક્ષા દળોના હાથ પણ બાંધી રાખવામાં આવેલા હતા. યાસીન મલિક તે સમયે ભયંકર હિંસક રીતે ભારત વિરુદ્ધ તેમજ હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓકતો હતો. અપહરણકારી, બળાત્કારી અને અત્યાચારી યાસીન મલિકે ત્યારપછી તેનું ધ્યેય સિદ્ધ થઈ ગયા બાદ કથિત રીતે હિંસા છોડીને અલગતાવાદનો ડોળ કરતા અન્ય આતંકી નેતાઓની જમાતમાં ભળી ગયો. તેને મહેબુબા મુફ્તી અને ફારુક અબ્દુલ્લા-ઓમર અબ્દુલ્લા જેવા સ્થાનિક મુસ્લિમ નેતાઓનું સીધું કે આડકતરું સમર્થન મળતું રહ્યું, તો બીજી તરફ કોંગ્રેસે પણ તેના તરફ આંખ આડા કાન કરીને એ સાપને મોટો થવા દીધો.
ભારતને ચાહતા મુસ્લિમો સહિત બીજા કોઈ રાષ્ટ્રવાદીઓએ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે હુર્રિયતના જે નેતાઓ છે એ બધા તો માત્ર અલગતાવાદી છે અને તેમને હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. ના... એવું જરાય નથી. એ બધા જ છેવટે ઘેટાની ખાલ ઓઢીને બેઠેલા વરુઓ છે, જેમનું લક્ષ્યાંક જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરીને ભારતથી અલગ થઈ જવાનું છે. આ બધા જ પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં છે. એટલું જ નહીં પરંતુ નેશનલ કૉન્ફરન્સના અબ્દુલ્લા બાપ-બેટો તેમજ પીડીપીનાં મહેબુબા પણ કંઈ ભારત તરફી છે એવું કોઈએ માની લેવાની જરૂર નથી. એ બધાની દાનત પણ માત્ર ભારતને તોડવાની અને પાકિસ્તાનમાં ભળવાની છે.
આ સંજોગોમાં નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા ઓછામાં ઓછા એકાદ વર્ષમાં હુર્રિયતના આતંકીઓ તેમજ તેમના સમર્થકો ઉપર કાર્યવાહી શરૂ કરી છે. એ કાર્યવાહી દરમિયાન આપણી ધારણા મુજબ પીડીપી અને નેશનલ કૉન્ફરન્સ આતંકીઓના સમર્થનમાં નિવેદનો કરીને ઊઘાડા પડી રહ્યા છે. હુર્રિયતના આતંકીઓને 70 વર્ષ સુધી આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. અને હવે બાકી હતું તે જેકેએલએફ તેમજ આતંકી યાસીન મલિક ઉપર પ્રતિબંધ મૂકીને નિર્ણાયક પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી ખુલ્લેઆમ ફરતો કાશ્મીરી પંડિતોનો હત્યારો હવે પાંજરે પુરાયેલો રહેશે. તેના ઉપર આવી કાર્યવાહી થવાથી દક્ષિણ કાશ્મીર ખીણના છ જિલ્લામાં સક્રિય બીજા નાના-મોટા આતંકી સંગઠનોમાં પણ ફફડાટ ફેલાશે.
છેક 1947થી ભારતને પજવી રહેલા સાપોલિયા જેવા કાશ્મીરી આતંકીઓને એક પછી એક પાંજરે પૂરીને અથવા તો ભાગી જવા પ્રયાસ કરે તો તેમને કચડી નાખીને હવે જમ્મુ-કાશ્મીરમાં તેમજ તેની સાથે દેશમાં શાંતિ સ્થપાય એ જરૂરી છે. લાગે છે કે, કલમ 370 અને કલમ 35-એ અંગે પણ કંઇક નિર્ણાયક પરિણામ આવશે જે શાંતિ પ્રસ્થાપિત કરવામાં વધુ અસરકારક સાબિત થશે.

Friday, February 15, 2019

આતંકીઓના સમર્થકોને કાંતો ખતમ કરો અથવા તેમની ઉપેક્ષા કરો

--- અલકેશ પટેલ. 15-2-19
 

ઇતિહાસ લોકોને ઓળખવાની તક આપે છે. જયચંદો-અમીચંદો આવા સંજોગોમાં જ ઓળખાય.

તમારી પાસે બે રસ્તા હોય છે- કાંતો એવાને ખતમ કરી દો, અથવા ઉપેક્ષા કરો.

સનાતનીઓ જયચંદો-અમીચંદોને ખતમ કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે... કેમ કે "બ્રેકિંગ ઈન્ડિયા" તત્વોએ સનાતનની શ્રેષ્ઠ બાબતો ઉપર પ્રહારો કરી-કરીને આપણી "ક્ષાત્ર-વટ" ને નબળી પાડી દીધી છે.
જે ક્ષત્રિયોની ક્ષાત્ર-વટ ઉપર તથા જે પરશુરામની ક્ષાત્ર-વટ ઉપર આ ધર્મ, આ સંસ્કૃતિ અગણિત સહસ્ત્ર વર્ષોથી ટકી છે, તેને વેટિકન અને સાઉદીના નાણાના જોરે કુદતા લોકો તો બરબાદ કરે જ છે... સાથે આપણી આસપાસ બેઠેલા... ખાસ કરીને શિક્ષણ સંસ્થાઓમાં તેમજ મીડિયા હાઉસોમાં બેઠેલા બ્રેકિંગ ઈન્ડિયા - તત્વો પણ આઘાત પહોંચાડે છે.

અગાઉ કહ્યું તેમ - બે રસ્તા છેઃ ખતમ કરો અથવા ઉપેક્ષા કરો.

આપણી પાસે હાલ ઉપેક્ષાનું ઘણું મોટું શસ્ત્ર છે. ઉપેક્ષા એક રીતે આવા તત્વોની માનસિકતા ભાંગી નાખશે અને એ ખતમ થઈ જશે.

અખબારી પાનાંઓ ઉપર, વેબસાઇટના સ્ક્રિન ઉપર, ફેસબુક-ટ્વિટર જેવાં સોશિયલ મીડિયા ઉપર --- ભારત વિરુદ્ધ, ભારતીયતા વિરુદ્ધ, ભારતીય લશ્કર વિરુદ્ધ, ભારતીય ગુપ્તચર તંત્ર વિરુદ્ધ, ભારત સરકાર વિરુદ્ધ, સનાતન વિરુદ્ધ, હિન્દુત્વ વિરુદ્ધ ઊલ્ટી કરતાં તત્વોની સદંતર ઉપેક્ષા કરો... એવા તત્વો નૅગેટિવ પ્રસિદ્ધિ મેળવવા આવું બધું કરે છે... એમની ઉપેક્ષા કરવાથી પ્રસિદ્ધિની ચળ ઓછી થઈ જશે...આપોઆપ મટી જશે... આપોઆપ ખતમ થઈ જશે.

આવાં અખબારો કે આવા તંત્રીઓ કે આવા કથિત પત્રકારો કે આવા કથિત લેખકો વિરુદ્ધ બળાપો કાઢવાથી એ લોકોની અંદર રહેલા શેતાનને ખોરાક મળશે અને એ વધારે ફેલાશે... ઉપેક્ષા કરશો તો આપોઆપ સૂકાઈ જશે. યાદ રાખોઃ દાંત ચોખ્ખા કરીને થૂંકી દેવાથી વધારે બાવળનું કોઈ મૂલ્ય હોતું નથી. -- અલકેશ પટેલ.15-2-19.શુક્રવાર.

Monday, August 20, 2018

ઇમરાનની ચોટલી પણ પાકિસ્તાની લશ્કરના હાથમાં જ રહેશે


 --- પાકિસ્તાન આખી દુનિયાની આંખમાં ધૂળ નાખવા જ ચૂંટણી અને લોકશાહીનું નાટક કરે છે, બાકી ત્યાં આઇએસઆઇ - લશ્કર અને ત્રાસવાદીઓ જ શાસન કરે છે. ઇમરાનને 22મા “વિઝિટિંગ વડાપ્રધાન” કહી શકાય


-- અલકેશ પટેલ

ઇમરાન ખાને શનિવારે ભાંગ્યા-તૂટ્યા ઉર્દુ સાથે પાકિસ્તાનના 22મા વડાપ્રધાન તરીકે શપથ લીધા. એ સાથે આપણા પાડોશી ઇસ્લામિક દેશમાં વધુ એક વખત કહેવાતી લોકશાહી સરકાર અસ્તિત્વમાં આવી. એ જ કારણ છે કે 70 વર્ષમાં એ દેશમાં 22મા વડાપ્રધાને શપથ લીધા અને ભારતમાં એટલાં જ વર્ષોમાં 14મા વડાપ્રધાન શાસન કરી રહ્યા છે. અર્થાત 70 વર્ષમાં ના-પાકિસ્તાનીઓએ ભારતની સરખામણીમાં બીજા સાત બેસાડ્યા અને ઉઠાડી મૂક્યા. હવે ઇમરાન ખાન કેટલા મહિના કે કેટલાં વર્ષ વડાપ્રધાન રહેશે એ જોવાનું રહ્યું, કેમ કે વિઝિટિંગ પ્રોફેસર, વિઝિટિંગ ફૅકલ્ટીની જેમ પાકિસ્તાનમાં વડાપ્રધાનો પણ વિઝિટિંગ વડાપ્રધાન હોય છે, જે બે-ચાર મહિનાથી માંડીને બે-ત્રણ વર્ષ સુધી હોદ્દા ઉપર રહે અને કાંતો લશ્કર અથવા આઈએસઆઈ અથવા કટ્ટરવાદીઓ-ત્રાસવાદીઓ અને નહીં તો છેવટે અદાલત દ્વારા ઘરે રવાના કરી દેવામાં આવે.
પ્રારંભમાં પાકિસ્તાન માટે ઇસ્લામિક દેશ શબ્દ પ્રયોગ કર્યો છે, તે ખાસ ઇરાદાપૂર્વક અને મુખ્ય ત્રણ કારણસર કર્યો છે. પ્રથમ કારણ, શનિવારે જે લોકોએ ઇમરાનને વડાપ્રધાનપદના શપથ લેતા સાંભળ્યા હશે તેમણે એક વાક્ય અચૂક સાંભળ્યું હશે... કે “…મૈં મુસલમાન હું...” – આ શબ્દો અતિશય સૂચક છે. પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માટે તમે મુસલમાન છો અને કુરાનનું પાલન કરીશ એવું શપથ લેતી વખતે બોલવું પડે છે, એ શપથ ઉપર સહી કરવી પડે છે. ભારતમાં કમનસીબે કહેવાતા સેક્યુલારિઝમના નામે હિન્દુ અને ભગવદ્ ગીતાના નામનો ઉલ્લેખ પણ કોઈ રાજકારણી કરી નથી શકતા, નહીં તો સેક્યુલર-કોમવાદીઓ એવા રાજકારણી-નેતાની ચામડી ઉતરડી નાખે. બીજું કારણ, સમારંભની શરૂઆત મૌલવી દ્વારા ધાર્મિક પાઠ દ્વારા થયો હતો. અને ત્રીજું કારણ, એ સમારંભમાં ઇમરાનનાં ત્રીજાં પત્ની હાજર હતાં, પરંતુ તેમની આંખો પણ જોઈ ન શકાય  હદે શરીર અને મોં ઢાંકેલું હતું. આ બાબત સૂચક પણ છે અને જોખમી પણ છે, કેમકે જે ઇમરાન ખાન એક ક્રિકેટર તરીકે આખી દુનિયામાં પ્રસિદ્ધ થયા, તેમને આજ સુધી દુનિયા એક પ્રગતિશીલ વ્યક્તિ માનતી રહી એ જ ઇમરાનનાં પત્ની તાલિબાન શાસનમાં સ્ત્રીઓએ જે રીતે બુરખા પહેરવા પડે એ રીતે પહેરીને શપથગ્રહણમાં આવે એ દેશનો વડાપ્રધાન કયા મોઢે ઉદારતા અને લોકશાહીની વાત કરશે..!?
25 જુલાઈની ચૂંટણીમાં ઇમરાન ખાનના પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પક્ષને વધારે બેઠકો મળી, બહુમતી નહીં પરંતુ વધારે બેઠકો મળી ત્યારે પોતે 18 ઑગસ્ટે વડાપ્રધાન બનશે એવા પૂરા વિશ્વાસ સાથે ખાને એક વિડીયો જારી કર્યો હતો. તેમાં તેણે પાકિસ્તાનની પ્રગતિના મોટાં મોટાં બણગાં ફૂંકવા સાથે ભારત સંદર્ભે જે વાતો કરી હતી તેના ઉપર આજે ફરી ધ્યાન આપવા જેવું છે. તે સમયે ઇમરાને કહ્યું હતું કે પોતે પાડોશી દેશો સાથે, અને ખાસ કરીને ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે... પરંતુ એ માટે કાશ્મીરનો ઉકેલ જરૂરી છે. આનો સીધો અર્થ જ એ કે પાકિસ્તાનના રાજકારણીઓ, પાકિસ્તાનનું લશ્કર, પાકિસ્તાની આઇએસઆઇ અને પાકિસ્તાની ત્રાસવાદીઓ રોજે રોજ, સવાર-સાંજ-બપોર પાકિસ્તાની પ્રજાને માત્ર એક જ બાળાગોળી પીવડાવ્યા કરે છે, અને એ ગોળીનું નામ છે – કાશ્મીર. આ બાળાગોળી વિના પાકિસ્તાનીઓ નથી શ્વાસ લઈ શકતા, નથી પાણી પી શકતા અને નથી ખાધેલું હજમ કરી શકતા.
અને એટલે જ એ દેશ કે એ દેશના કોઈપણ રાજકારણી ઉપર હજુ સુધી ભરોસો રાખી શકાય એવી સ્થિતિ જ નથી. પાકિસ્તાનમાં ઇમરાન ખાન વડાપ્રધાન બન્યા તેનાથી ભારતમાં કેટલીક ચોક્કસ પ્રકારની પ્રજા ખુશ છે. આ પ્રજાને ભારતના વડાપ્રધાન ઉપર વિશ્વાસ નથી, પરંતુ પાકિસ્તાન બાબતે એવું લાગે છે કે ઇમરાન જાદુઈ લાકડીથી ઉદ્ધાર કરી દેશે.
ખેર, જે લોકો ના-પાકિસ્તાનનો ઇતિહાસ જાણે છે, જે લોકોને પાકિસ્તાની લશ્કરના ઇરાદા વિશે ખબર છે, જે લોકોને પાકિસ્તાની આઇએસઆઇના કાવતરાંની જાણ છે અને જે લોકોને પાકિસ્તાનના તાલિબાની કટ્ટરવાદીઓ વિશે ખબર છે એ તો બધાને ખબર જ છે કે જ્યાં સુધી ના-પાકિસ્તાનીઓ કાશ્મીરનો રાગ આલાપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી બંને દેશ વચ્ચે સંબંધો સુધરવાની કોઈ આશા રાખી શકાય એમ નથી. પરંતુ એ સિવાયની મણિશંકર ઐયર જેવી પાકિસ્તાન-પરસ્ત જે વસ્તી છે તે વસ્તીને પોતાને ખાધાની અને પચાવવાની ખબર પડતી ન હોવા છતાં ભારતના વડાપ્રધાનને તથા ભારત સરકારને સલાહ આપવાનું બંધ નહીં કરે કે ભારતે પાકિસ્તાન સાથે વાટાઘાટ કરવી જોઈએ અથવા તો ભારતે પાકિસ્તાનને સબક શીખવાડી દેવો જોઈએ...બ્લા બ્લા બ્લા.