Sunday, October 31, 2021

આકરો વસ્તી નિયંત્રણ કાયદો નહીં બને તો શું થશે જાણો છો?

 


 --- ત્રણેક વર્ષ પછી ફરી દેશમાં વસ્તી નિયંત્રણ કાયદાની ચર્ચા શરૂ થઈ છે. વહેલામાં વહેલી તકે આ માટેનો સાચા અર્થમાં કડક કાયદો નહીં બને તો દેશમાં વિકાસ અને પ્રગતિના તમામ પ્રયાસ નિષ્ફળ જશે એટલું જ નહીં પરંતુ...

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

છેલ્લા થોડા દાયકાથી આપણે બધા એવું સાંભળતા-વાંચતા રહ્યા છીએ કે અમુક સમય પછી વસ્તીની બાબતમાં ભારત ચીનને પણ પાછળ રાખી દેશે. આપણે સવા અબજની આસપાસ છીએ, જ્યારે ચીન દોઢ અબજની આસપાસ. એટલે 25 કરોડનો તફાવત છે. તેથી જ વસ્તી વધારાના વર્તમાન દરે આગામી પાંચ-સાત વર્ષમાં પહેલો-બીજો ક્રમ ઊલટસુલટ થઈ શકે.

પણ, શું આ કોઈ ગૌરવ લેવા જેવી વાત છે? વસ્તીની બાબતમાં ચીનને પાછળ રાખીને પહેલા ક્રમે આવીશું તો તેનાથી આપણી સમસ્યાઓમાં વધારો થશે કે હલ થશે? સંસાધનો ઉપર પડી રહેલા અતિશય ભારણ ઉપરાંત બેરોજગારી, ગરીબી જેવા ગંભીર પ્રશ્નો વિશે આ દેશમાં હજુ સુધી વ્યાપકપણે ગંભીર ચિંતન શા માટે શરૂ નથી થયું? છૂટાછવાયા પ્રયાસ થતા રહે છે. જેમ કે 2018માં સુદર્શન સમાચાર ચૅનલના સંચાલક સુરેશ ચવાણકેએ દેશવ્યાપી પ્રવાસ કરીને આ મુદ્દે લોકજાગ્રતિ લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રાજ્યસભાના સાંસદ ડૉ. રાકેશ સિન્હાએ 2019માં રાજ્યસભામાં આ મુદ્દે પ્રાઇવેટ મેમ્બર બિલ દાખલ કર્યું હતું, જેની ચર્ચા 2021ના ચોમાસુ સત્રમાં થવાની હતી, પરંતુ વિરોધ પક્ષોએ સંસદ ચાલવા જ નહોતી દીધી એ આપણે જાણીએ છીએ. એ પછી હમણાં વિજયા દશમીને દિવસે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે પણ તેમના પ્રવચનમાં વસ્તી વધારા અંગે ચિંતા વ્યક્ત કરી. હવે ફરી આ મુદ્દે ચર્ચા અને ચિંતન શરૂ થયું છે જેના ભાગરૂપે ડૉ. રાકેશ સિન્હાએ ગયા અઠવાડિયે કર્ણાવતીના દિનેશ હૉલમાં એક વિશાળ સમૂહને સંબોધન કર્યું હતું.

રાકેશ સિન્હાએ માહિતી આપી કે, વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવાની ચિંતા અને પ્રયાસો સ્વતંત્રતા પહેલાં- છેક 1940થી જ શરૂ થઈ ગયા હતા. તે સમયે એટલે કે આજથી 80 વર્ષ પહેલાં અંગ્રેજ શાસનમાં રાષ્ટ્રીય આયોજન કમિટી હતી જેની એક પેટા સમિતિને વધતી વસ્તી અંગે સર્વમાન્ય ઉકેલ શોધવાની કામગીરી પણ સોંપવામાં આવી હતી. 1946 આવતાં આવતાં સ્વતંત્રતા પહેલાં વચગાળાની સરકાર બની હતી તેણે પણ હેલ્થ સરવે એન્ડ ડેવલપમેન્ટ કમિટીની રચના કરી હતી. ટૂંકમાં દેશમાં પહેલી વચગાળાની સરકાર બની ત્યારથી વસ્તી નિયંત્રણ માટે પ્રયાસ શરૂ થઈ ગયા હતા. આ માટે સ્વતંત્રતા પછી પહેલી પંચવર્ષીય યોજના શરૂ થઈ ત્યારે વસ્તી નિયંત્રણ કાર્યક્રમ માટે રૂપિયા 15 લાખની ફાળવણી થઈ હતી. ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં રૂપિયા બે લાખ કરોડ કરતાં વધુ રકમ વસ્તી નિયંત્રણ કાર્યક્રમો પાછળ વપરાઈ ચૂકી છે, છતાં આ બાબતમાં આપણે ક્યાં ઊભા છીએ?

વળી, સમસ્યા માત્ર વસ્તી વધારાની નથી પરંતુ ખોરવાઈ રહેલા ડેમોગ્રાફિક સંતુલનની પણ ગંભીર સમસ્યા છે. દેશના આઠથી નવ રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે અને આ સ્થિતિ કેટલી જોખમી બની શકે છે એ કાશ્મીર, કેરળ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો પરથી સમજવું પડશે.

કોઈપણ માનવ સભ્યતાને ટકવા માટે તેનો જન્મદર 2.3 ટકા હોવો જોઈએ, પણ ભારતમાં હિન્દુઓનો હાલનો જન્મદર 2.1 થઈ ગયો છે. તેની સામે મુસ્લિમોનો જન્મદર 3.6 ટકા છે. આ વાતને સરળ ભાષામાં સમજવી હોય તો કહી શકાય કે દેશમાં જે પ્રત્યેક 100 બાળક જન્મે છે તેમાં 47 મુસ્લિમ અને 40 હિન્દુ છે. બાકીના 13 અન્ય તમામ સમુદાયોના છે. આ સમસ્યા કેટલી ગંભીર છે અને આગામી સમયમાં તેના કેવાં પરિણામ આવશે એ વિશે કમનસીબે એજન્ડાધારી મીડિયા અને લીલા ચશ્માધારી સેક્યુલરોને કોઈ ચિંતા નથી!

દેશમાં છેલ્લા થોડાં વર્ષમાં જ્યારે જ્યારે વસ્તી નિયંત્રણની વાત કરવામાં આવે છે ત્યારે એજન્ડાધારી મીડિયા અને લીલા ચશ્માધારી સેક્યુલરો તેને ધાર્મિક રંગ આપીને આ ગંભીર સમસ્યાની ચર્ચાને જ છિન્ન-ભિન્ન કરી નાખે છે. પરંતુ હવે આ મુદ્દે વર્તમાન સરકારે કડક વલણ અખત્યાર કરીને વસ્તી નિયંત્રણનો કડક કાયદો લાવવો જ જોઇએ. તેમાં કોઈ ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના – પ્રારંભમાં થોડો છૂટછાટનો સમય આપ્યા પછી કોઈ એક નિર્ધારિત તારીખ બાદ બે કરતાં વધુ બાળકો ધરાવતા પરિવારોને તબક્કાવાર સરકારી સેવાઓનો લાભ લેવામાંથી વંચિત કરવાની જોગવાઈ કરવી જોઇએ. કાયદા છતાં કેટલાક લોકો ન માને તો લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવામાંથી (મતાધિકાર)થી વંચિત કરવાની જોગવાઈ કરતાં પણ ન અચકાવું જોઇએ. હાલની વસ્તીની સમસ્યા મતબેંક સાથે પણ જોડાયેલી છે અને જો કાયદો કડક કરીને એ તોડનારનો મતાધિકાર આંચકી લેવાની જોગવાઈ કરવામાં આવે તો ઘણો ફેર પડી શકે તેમ છે...એજન્ડાધારી મીડિયા, લીલા ચશ્માધારી સેક્યુલરો અને સરકાર આ દિશામાં વિચાર કરે ત્યાં સુધી- મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, October 24, 2021

મીડિયાને ‘તંત્ર’નો ડર કેમ લાગે છે?

 


--- તંત્ર એટલે સરકાર? કે તંત્ર એટલે ભાજપ? તંત્ર એટલે પંચાયત કે પછી તંત્ર એટલે નગરપાલિકા? તંત્ર એટલે ખરેખર શું? અને એ તંત્ર સામે આંગળી ચીંધવામાં મીડિયા શા માટે ગેંગેફેંફે થઈ જાય છે?

 સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

આપણામાં એક કહેવત છે, નબળો ધણી, બૈરી પર શૂરો. બહાર જેનું કંઈ ન ચાલે એ ઘરે આવીને હાકલા-પડકારા કરે. ભારતનું મીડિયા આ નબળો ધણી છે. ખાસ કરીને 2014 પછી આ ધણીની નબળાઈ ઘણી વધી ગઈ છે. મીડિયાએ આવી નબળાઈ 2014 પહેલાંના 70 વર્ષ સુધી દાખવી હોત તો આજે ભારત દુનિયાના ટોચના દસ દેશોમાં સ્થાન પામતો હોત.

ગુજરાત અને ભારતના કોઇપણ શહેર, નગર કે ગ્રામ્ય વિસ્તારમાં જાવ એટલે તમારો સામનો ગેરકાયદે દબાણ, ગંદકી, બેફામ પાર્કિંગ, ટ્રાફિક જામ – જેવી તમામ પ્રકારની સમસ્યાઓથી થશે. આ દેશનો દરેક ત્રીજો નાગરિક તમને આ સમસ્યાઓ માટે સરકારને જવાબદાર ઠેરવતો સાંભળવા મળશે. અને લગભગ તમામ મીડિયા પણ આવી સમસ્યાઓના ફોટા અને આકરી ભાષામાં સમાચાર લખી નાખશે. પછી સરકારને ગાળો દેતા એ જ નાગરિકો અને એ જ મીડિયાવાળા સાંજે મસ્તમજાનું ભોજન કરીને ટીવી શ્રેણી માણતાં માણતાં સૂઈ જશે.

પ્રશ્ન એ છે કે, શું એ ગંદકી સરકાર પોતે કરે છે? શું એ ટ્રાફિક જામ અને આડેધડ પાર્કિંગ સરકાર પોતે કરે છે? શું રસ્તા પર અને ફૂટપાથ પર અને સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ સરકાર પોતે કરે છે?

આખી સમસ્યાનું સૌથી પહેલું પગલું તો એ છે કે, ભારતના મીડિયાને સરકાર, વહીવટીતંત્ર, અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકીય પક્ષ – આ બધા વચ્ચેના તફાવતનું ભાન જ નથી. અથવા માની લો કે ભાન છે, અને તેમ છતાં દરેક સમસ્યા માટે સરકાર સામે આંગળીયો ચીંધ્યા કરે છે તો તેનો સીધો અર્થ એ છે કે, મીડિયાને વહીવટીતંત્ર સાથે નહીં પણ સત્તાધારી પક્ષ સાથે વાંધો છે. (એનાં કારણો વાચકો તમે જાતે સમજી જશો.)

સરકાર અને શાસક પક્ષ કોઇપણ રીતે પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે અને તેમને ક્લિનચીટ આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પરંતુ મૂળ મુદ્દો નબળા ધણી- નામે મીડિયાનો છે. ભારતના મીડિયાને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ (સંશોધન પત્રકારત્વ)ની કોઈ ગતાગમ જ નથી. કોઇપણ સમસ્યા થાય, કોઇપણ ઘટના બને એટલે સીધા જ શાસક પક્ષ ઉપર તૂટી પડે છે.

કમનસીબે ભારતના મીડિયાને ભાન જ નથી કે, શાસક પક્ષો તો કામચલાઉ હોય છે. ચૂંટાયેલી સરકાર તો કામચલાઉ હોય છે. એ પાંચ વર્ષ સત્તા પર રહે કે 25 વર્ષ, પણ રાજકીય પક્ષે (ચૂંટાયેલી સરકારે) લોકશાહી પદ્ધતિનો ઉપયોગ કરીને સત્તા પર આવવાનું હોય છે, અને વિપક્ષમાં પણ બેસવું પડે છે.

આથી વિરૂદ્ધ જે વહીવટીતંત્ર છે, જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે – એ બધું સ્થાયી હોય છે, કાયમી હોય છે. અધિકારીઓ અને કર્મચારીઓનું બનેલું વહીવટીતંત્ર ગંધાઈ ઊઠેલું છે, સડી ગયેલું છે. એ ભ્રષ્ટાચાર અને સગાવાદથી ખદબદી રહ્યું છે. પણ તેમછતાં મીડિયાને આ બધું દેખાતું નથી. ક્યાંક આગની ઘટના બને અથવા ક્યાંક મકાન તૂટી પડે અથવા ક્યાંક જમીન ધસી પડે ત્યારે સીધેસીધી ચૂંટાયેલી સરકાર ઉપર શૂરા થઈને તૂટી પડતા મીડિયાવાળાને કોણ સમજાવશે કે સરકારના દરેક સ્તરે સુચારુ સંચાલન માટેના કાયદા અને નિયમો ઘડાયેલા છે! અને તેની જવાબદારી જે તે વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની હોય છે!

શું આટલી સાદી વાત મીડિયાને ખબર નથી? ખબર તો બધી છે, પરંતુ એ અધિકારીઓ તથા એ કર્મચારીઓને સીધાસીધા જવાબદાર ઠેરવવાની મીડિયામાં હિંમત નથી. આગ કે તેના જેવી અન્ય દુર્ઘટનાઓ બાદ એ માટે કયા અધિકારી અને કયા કર્મચારીઓ જવાબદાર છે એ ઇન્વેસ્ટિગેશન કરીને બહાર લાવવાની મીડિયા પાસે હિંમત નથી, કેમ કે મીડિયા નબળો ધણી છે. દુર્ઘટના માટે, ગંદકી માટે, ટ્રાફિકની સમસ્યા માટે, ગેરકાયદે દબાણ માટે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના નામ જાહેર કરવામાં સ્થાપિત હિતોનો ટકરાવ થઈ શકે, પરંતુ તેનાથી વિરૂદ્ધ ચૂંટાયેલી સરકારનું નામ છાપરે ચડાવી દેવાથી બધાનું બધું સચવાઈ જાય છે... ખરું ને!

અલબત્ત, એ વાત એટલી જ સાચી છે કે, ચૂંટાયેલી સરકાર આ સમગ્ર વહીવટીતંત્રના સંચાલન અને નિયમન માટે જવાબદાર હોય છે અને અધિકારીઓ-કર્મચારીઓને કામ કરતા રાખવા, ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ સામે પગલાં લેવા એ બધી જવાબદારી ચૂંટાયેલી સરકારની હોય છે જ, પરંતુ મીડિયા દરેક મુદ્દે માત્ર ચૂંટાયેલી સરકારને જ નિશાન બનાવવાનું અને ખરેખરા ભ્રષ્ટ અપરાધીઓ સાથે ચા-પાણી કરીને ગોઠવણ કરી લેવાનું ચાલુ રાખશે તો ના ભ્રષ્ટાચાર ખતમ થશે, ના સમસ્યાઓમાંથી મુક્તિ મળશે...કેમ કે મીડિયાએ એ યાદ રાખવું પડશે કે અધિકારીઓ-કર્મચારીઓ અને નેતાઓ એ બધા જ પ્રજામાંથી જ સર્જાય છે, પરિણામે આપણને પોતાને, એટલે કે પ્રજાને જવાબદાર ઠેરવવાની હિંમત નહીં કરીએ તો આ દેશમાં કદી સુધારો નહીં થાય એટલું જ નહીં પરંતુ પત્રકારત્વ પણ શંકાના ઘેરામાં રહેશે. મીડિયા આપણી આસપાસ, પ્રજાની વચ્ચે જ રહેલા ખરા અપરાધીઓને શોધવા અંગે વિચારે ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, October 17, 2021

ભારતને બચાવવા ટુકડેગેંગનું કાવતરું સમજવું પડે

--- ટુકડેગેંગ કોઈ એકલદોકલ વ્યક્તિ કે એકલદોકલ સંગઠન નથી. આ એક આખું આંતરરાષ્ટ્રીય કાવતરું છે અને ભારતમાં તમારી અને મારી આસપાસ એમના સ્લીપર સેલ છે. એ વાત સમજાવશે બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક


 સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ 

શા માટે વિજયા દશમીની વહેલી પરોઢે નકલી ખેડૂત આંદોલનના સ્થળે-સિંઘુ સરહદે એક વ્યક્તિની હત્યા કરીને તેને પોલીસના બેરિકેડ સાથે લટકાવી દેવામાં આવ્યો? શા માટે એ ઘટનાના થોડા દિવસ પહેલાં ઉત્તરપ્રદેશના લખીમપુરમાં કથિત ખેડૂત આંદોલનકારીઓ દ્વારા ભાજપના કાર્યકરોનું મૉબ લિંચિંગ થયું? રોહિત વેમુલા પ્રકરણ શા માટે ચગાવવામાં આવ્યું હતું? દાદરીની ઘટનામાં તમામ રાજકીય પક્ષો કેમ આટલો ઊંડો રસ લેતા હતા? CAA કાયદાના વિરોધમાં શાહીનબાગમાં આટલો લાંબો સમય આંદોલન કેમ ચાલ્યું હતું અને તેની પાછળ કયાં પરિબળો હતાં? ખેડૂત આંદોલનને એક વર્ષ થવા આવ્યું તો પણ હજુ કેમ ચાલુ છે, કોણ દોરીસંચાર કરે છે? અને ભાજપ સિવાયના રાજકીય પક્ષોને એમાં શો રસ છે? કોરોનાના બીજા વેવ વખતે ઑક્સિજનની અછત ઊભા કરવા પાછળ કયાં પરિબળો હતાં? ભારતીય રસી વિરૂદ્ધ કોણ અભિયાન ચલાવતા હતા?  - આ અને આવા બીજા અનેક પ્રશ્ન દેશના નાગરિકોને થતા હશે.

દેશનો એક ખૂબ મોટો વર્ગ છે જેને આવી બધી ઘટનાઓ અને તેની પાછળનાં કારણો વિશે કશો ખ્યાલ આવતો નથી. એજન્ડાધારી મીડિયામાં બેઠેલા અમુક તત્વોને બધુ ખબર હોય છે, પણ એ પ્રજાને સાચી વાત જણાવતા નથી કેમ કે એ લોકો પણ આંતરરાષ્ટ્રીય કાવતરાંનો જ એક ભાગ હોય છે. (આ વાત આ અઠવાડિયે જ 13 ઑક્ટોબરને બુધવારે આ સ્થળે રામચંદ્ર નામજોષીજીએ જે પત્રકારત્વના પુસ્તકની સમીક્ષા કરી હતી એ પુસ્તકમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે)

ખેર, તો આ આખી વાત સમજવી હોય અને ભારતવર્ષને બચાવવો હોય તો શું કરવાનું? આ રહી ભારતને બચાવવાની રેસિપી.

ભારતના ટુકડા કરવાની માનસિક્તા બ્રેકિંગ ઈન્ડિયા તરીકે ઓળખાય છે. ડાબેરી ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓ તેમજ જેહાદી ફંડિંગથી ચાલતી સંસ્થાઓ બ્રેકિંગ ઈન્ડિયા (Breaking India) પરિબળો છે. તેમનો ઈરાદો સમગ્ર હિન્દુસ્થાનને છિન્નભિન્ન કરી નાખવાનો છે. બ્રેકિંગ ઈન્ડિયા પરિબળો આ કામ ઘણા દાયકાથી કરી રહ્યા છે. તેની સામે અમેરિકાસ્થિત પ્રખર સનાતની વિદ્વાન શ્રી રાજીવ મલ્હોત્રાએ તથા દક્ષિણ ભારતમાં વસતા અરવિંદન નીલકનંદન સાથે મળીને બ્રેકિંગ ઈન્ડિયા નામે પુસ્તક લખ્યું.

ભારત અને તેની સનાતન સંસ્કૃતિ ખૂબ પ્રાચીન છે. દુનિયાના તમામ સાચા વિદ્વાનો એક વાતે સંમત છે કે વેદો, મહાભારત તથા ભગવદ્ ગીતામાં આખી સૃષ્ટિનો સાર આવી જાય છે. સમાજજીવન હોય કે કૌટુંબિક જીવન, ધર્મ હોય કે આધ્યાત્મ, યુદ્ધ હોય કે શાંતિ, વિજ્ઞાન હોય કે ગણિત, રાજકારણ હોય કે અર્થતંત્ર દુનિયાના કોઈ વિષય એવા નથી જેના વિશે આપણાં શાસ્ત્રોમાં આધારભૂત રીતે કહેવામાં ન આવ્યું હોય. (https://www.booksetu.com/product-page/copy-of-breaking-india-gujarati )

આવી તમામ જ્ઞાન-સમૃદ્ધિથી ભરેલો આપણો દેશ હજારેક વર્ષ પહેલાં જેહાદી આક્રમણકારીઓ અને ત્યારબાદ ખ્રિસ્તી મિશનરીઓની નજરમાં આવી ગયો. મધ્યપૂર્વમાંથી નીકળેલા જેહાદીઓ માટે જમીનમાર્ગે ઉત્તર ભારત સુધી પહોંચવાનું સરળ હતું અને તેથી એ લોકોએ એ તરફ આક્રમણ કર્યાં, અત્યાચાર કર્યા, લૂંટફાટ અને બળાત્કાર કર્યા.

તો બીજી તરફ યુરોપમાં મજબૂત થઈ રહેલા ખ્રિસ્તી મિશનરીઓ દરિયામાર્ગે દક્ષિણ ભારત તરફ આવ્યા અને ત્યાં ચાલાકી અને લાલચ દ્વારા ધર્માંતર કરાવ્યા.

આ તમામ પ્રયાસો છતાં ધર્માંતરમાં ધાર્યા મુજબ સફળતા ન મળતા મિશનરીઓએ તેમની વ્યૂહરચના બદલી અને દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિળનાડુમાં એવો અપ-પ્રચાર શરૂ કર્યો કે, તમે જ મૂળ ભારતીયો હતા અને જર્મની તરફથી ઉત્તર ભારતમાં આવેલા આર્યોએ તમને હાંકી કાઢીને દક્ષિણમાં મોકલી દીધા. મિશનરીઓ આટલા અપ-પ્રચારથી અટક્યા નહીં પરંતુ તમિળ સાહિત્યમાં, તમિળ કળાઓમાં જીસસ અને ખ્રિસ્તી ધર્મનો જ પ્રભાવ છે એવો અપ-પ્રચાર ફેલાવવાનું વ્યવસ્થિત કાવતરું ઘડી કાઢ્યું. અનેક તમિળો આજે પણ ઉત્તર ભારતને તથા સંસ્કૃત તથા હિન્દી ભાષાને ધિક્કારે છે તેનું મૂળ કારણ આ જ છે.

 આ કાવતરાં કેવી રીતે ઘડાયાં, કોણે કોણે તેમાં શું ભૂમિકા ભજવી...એવા તમામ પ્રશ્નના જવાબ રાજીવ મલ્હોત્રા તથા અરવિંદન નીલકંદને શોધ્યા અને તેને બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક દ્વારા દુનિયા સમક્ષ મૂક્યા. અંગ્રેજી તથા હિન્દી પછી આ પુસ્તક હવે ગુજરાતીમાં ઉપલબ્ધ થયું છે (જેનો અનુવાદ કેનેડાસ્થિત શ્રી ઉદિત શાહે કર્યો છે). આ પુસ્તક વિશે દરેક શાળા-કૉલેજ, સંસ્થાઓ અને મંડળોમાં વાચન અને ચર્ચા કરવી આવશ્યક છે. જો એવું નહીં થાય તો આ દેશના અસંખ્ય ટુકડા થતા વાર નહીં લાગે. થોડા ટુકડામાં જેહાદીઓનું શાસન હશે અને થોડા ઉપર મિશનરીઓએ કબજો જમાવેલો હશે. હિન્દુસ્થાનમાં હિન્દુ જ ઓશિયાળો બની જશે...જો એ બચશે તો. આ પુસ્તક વાંચો, વંચાવો, તેની ચર્ચા કરો, ટુકડેગેંગ વિશે જાગ્રતિ ફેલાવો ત્યાં સુધીમાં એક નવા વિષય સાથે... મિલતે હૈ બ્રેક કે બાદ!

---------------- આ પુસ્તકનો વિમોચન સમારંભ આસો સુદ સાતમને મંગળવારે (12-10-2021) યોજાયો હતો. પુસ્તકનું વિમોચન સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી - પ્રખ્યાત રાષ્ટ્રવાદી સુશ્રી મોનિકા અરોરાએ કર્યો હતો. આ ઑનલાઇન કાર્યક્રમ માણવા નીચેની લિંક ઉપર ક્લિક કરો...👇👇👇 (પુસ્તક ખરીદવા માગતા હોવ તો એ માટેની લિંક પણ લેખને અંતે આપવામાં આવી છે)

Book Inauguration Ceremony Breaking India (Gujarati Edition) - YouTube 

---------------

પુસ્તક ખરીદવા માટે લિંક 👇👇👇

https://www.booksetu.com/product-page/copy-of-breaking-india-gujarati 


Sunday, October 10, 2021

દાદરીથી લખીમપુર વાયા ચોક્કસ મતબેંક

 


--- માત્ર મતબેંક ઉપર નજર રાખતા રાજકારણીઓ હાલ ગેલમાં છે. ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બનેલી એક દુર્ઘટનાએ આ ટૂંકી દૃષ્ટિના રાજકારણીઓને ફરી પોલિટિકલ ટુરિઝમની તક તો આપી, પણ એ બધા પાલઘર અને શ્રીનગર જવાનું ચૂકી ગયા!

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

વધુ એક વખત રાજકારણીઓ મૃતદેહો ઉપર રોટલા શેકવા લખીમપુર દોટ મૂકી રહ્યા છે. વધુ એક વખત રાજકારણીઓને મતબેંકના નામે પિશાચી નૃત્ય કરવાની તક મળી ગઈ છે. આ એ જ રાજકારણીઓ છે જે 2015માં ઉત્તરપ્રદેશના દાદરી જવા ભાગ-દોડ કરી રહ્યા હતા. આ એ જ રાજકારણીઓ છે જે 2018માં જમ્મુ-કાશ્મીરના કથુઆ પહોંચવા એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હતા. આ એ જ રાજકારણીઓ છે જે સીએએના વિરોધમાં દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં બેઠેલા જેહાદીઓને સમર્થન આપવા રોજેરોજ બીરયાની લઈને પહોંચી જતા હતા. આ એ જ રાજકારણીઓ છે જે કલમ 370ની નાબૂદી પછી સંસદમાં અને સંસદની બહાર છાતી કૂટતા હતા અને સંસદ ચાલવા દેતા નહોતા.

... અને હા, આ એ જ રાજકારણીઓ છે જેમને પાલઘરમાં ત્રણ હિન્દુ સાધુની લાકડીઓ મારી મારીને હત્યા કરવામાં આવી ત્યારે પાલઘર જવાનો રસ્તો મળતો નહોતો. આ એ જ રાજકારણીઓ છે જેમને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી હિન્દુઓની કત્લેઆમ થઈ રહી હતી, માતા-બહેનોની ઇજ્જત લૂંટાઈ રહી હતી ત્યારે પશ્ચિમ બંગાળ જવાનો રસ્તો મળતો નહોતો. અને આ એ જ રાજકારણીઓ છે જે જમ્મુ-કાશ્મીરનો રસ્તો ભૂલી ગયા છે જ્યાં આ અઠવાડિયાની શરૂઆતમાં ચાર કરતાં વધુ હિન્દુ-સિખ નાગરિકોની જેહાદી આતંકીઓએ હત્યા કરી દીધી.

આ ઘૃણાસ્પદ રાજકારણીઓ કોણ છે એ ઓળખવાનું તમારા બધા માટે મુશ્કેલ નથી. આ ચોક્કસ પ્રકારના રાજકારણીઓ છેક 1947થી માત્ર લઘુમતી ખુશામતના રાજકારણમાં રચ્યા-પચ્યા રહેલા છે. દરેક યોજનામાં, દરેક ઘટનામાં આ રાજકારણીઓએ હિન્દુઓની સદંતર ઉપેક્ષા કરી છે. માત્ર ઉપેક્ષા જ નહીં પરંતુ હિન્દુ સમાજ તૂટીને વેરવિખેર થઈ જાય એ માટે આ બિભત્સ રાજકારણીઓ હિન્દુ સમાજને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, દલિત, પટેલ, કાયસ્થ, શાહ, તમિળ, મરાઠી, ગુજરાતી, યુપી, બિહાર એમ જ્ઞાતિ-જાતિ-પ્રદેશમાં વિખંડિત કરતા જ રહ્યા છે.

છેલ્લે ઉત્તરપ્રદેશના લખીમપુરમાં જે થયું એ આંખ ઉઘાડનારું છે. આ ક્ષેત્રમાં ખાલિસ્તાન પ્રત્યે કૂણી લાગણી ધરાવતા લોકો વધારે સંખ્યામાં છે. દિલ્હી બહાર અને પંજાબ-હરિયાણામાં જે કહેવાતું ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેમાં ખાલિસ્તાની પીઠબળના નક્કર પુરાવા મળેલા છે. આ આંદોલનનો કહેવાતો આગેવાન રાકેશ ટિકૈત વારંવાર ઉશ્કેરણીજનક નિવેદનો કરતો રહે છે. અને તેને ભાજપ જેવા જૂજ પક્ષોને બાદ કરતાં બાકીના તમામ ટૂંકી દૃષ્ટિના રાજકીય પક્ષો ટેકો પણ આપતા રહ્યા છે.

છેલ્લા આઠ-દસ મહિનાથી કશું નહીં ઉકાળી શકેલું આ કહેવાતું ખેડૂત આંદોલન ચાલુ રાખવા ટિકૈત અને તેના ભાંગફોડિયા મળતિયાઓને ઘી હોમવું જરૂરી લાગતું હતું. ઉત્તરપ્રદેશની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તા મેળવવા તરફડી રહેલા કોંગ્રેસ અને સપા જેવા પક્ષો પણ કોઈ હિંસક તકની રાહ જોતા હતા. એ તક તેમને લખીમપુરમાં મળી ગઈ. ત્યાં કહેવાતા ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાનનો કાફલો પસાર થવાનો હતો. ખાલીસ્તાનીઓએ એ કાફલા ઉપર હુમલો કર્યો. ડ્રાઇવરે એ હિંસક હુમલાથી બચવા ગાડી ખૂબ ભગાવી જેમાં તે કાબુ ખોઈ બેઠો અને અમુક લોકો તેમાં કચડાઈ મર્યા. બસ, ભાંગફોડિયા તત્વોને આટલું જ જોઇતું હતું. એ બધાએ ભેગા થઇને ગાડીના ડ્રાઇવર સહિત તમામને લાકડીઓ ફટકારીને મારી નાખ્યા. માર્યા ગયેલા આ લોકો ભાજપના કાર્યકરો હતા. પણ કમનસીબે મીડિયા અને વિપક્ષો ભાજપના કાર્યકરોને માણસ ગણતા નથી. હકીકતે આ લોકો હિન્દુઓને જ માણસ ગણતા નથી. તેમને મન લઘુમતી અથવા દલિતને કશું થાય તો જ હો-હા મચાવી દેવાની.

વાસ્તવમાં આ રાજકારણીઓ મૃતદેહોના સોદાગર જેવા છે. તેમને મૃતદેહમાં સત્તાની ખુરશી દેખાય છે. અને એટલે જ ચોક્કસ ઘટનાઓમાં ચોક્કસ પ્રકારના લોકોનું મૃત્યુ થાય ત્યારે પિકનિક ઉપર નીકળ્યા હોય એમ આ રાજકારણીઓ નીકળી પડે છે. દેશના સમજદાર લોકોએ આવા રાજકારણીઓને વહેલી તકે ઓળખી લેવાની અને તેમને લોકશાહી રીતે તેમનું સ્થાન બતાવી દેવાની જરૂર છે. મતદારો જો હજુ પણ નહીં સમજે તો દિલ્હીના 2020ના હિન્દુ વિરોધી તોફાનો અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછીના હિન્દુ વિરોધી હત્યાકાંડ અને મહિલા વિરોધી ઘૃણાસ્પદ અત્યાચારો ઉપરાંત કેરળ, તેલંગણા વગેરે રાજ્યોમાં જે સ્થિતિ છે એવી હાલત તમારી થતાં વાર નહીં લાગે. એવી સ્થિતિથી બચવું હોય તો સાવધાન રહો, સમજદાર બનો અને એકબીજાને સધિયારો આપતા રહો. આવા વિષયો ઉપર વાત ચાલુ રાખવા... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, October 3, 2021

અમેરિકામાં ઉજવાઈ રહ્યો છે ‘હિન્દુ હેરિટેજ મહિનો’

 

--- અમેરિકાના પાંચ રાજ્યોમાં આખો ઑક્ટોબર મહિનો હિન્દુ હેરિટેજ મહિના તરીકે ઉજવાશે. ઉપરાંત પહેલા નોરતે- સાતમી ઑક્ટોબરે અમેરિકન હિન્દુ મહિલાઓ બિંદી દિવસની પણ ઉજવણી કરશે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

હજુ ગયા મહિને જ ભારત સહિત દુનિયાભરમાં વસતા હિન્દુઓ આઘાતમાં હતા, આક્રોશમાં હતા કેમ કે, ભારત વિરોધી ટુકડે ગેંગ દ્વારા સપ્ટેમ્બર, 2021માં અમેરિકામાં ડિસમેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ (વૈશ્વિક હિન્દુત્વને ઉખાડી ફેંકવો) કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. (એ વિશે આ જ સ્થળે તમે 22 અને 29 ઑગસ્ટ- એમ બે લેખ વાંચ્યા હતા). પણ હવે એ જ અમેરિકામાં જે થઈ રહ્યું છે તેણે કરોડો હિન્દુઓની છાતી ગજ-ગજ ફુલાવી દીધી છે.

અમેરિકાના પાંચ રાજ્ય ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂજર્સી, ઓહાયો, મેસાચ્યુસેટ્સમાં આખો ઑક્ટોબર મહિનો હિન્દુ હેરિટેજ મહિનો ઉજવાશે. આ માટે જે તે રાજ્યોના ગવર્નર દ્વારા સત્તાવાર ઠરાવ પસાર કરીને હિન્દુઓને તેમના વારસાની ઉજવણી કરવા પરવાનગી આપી છે. વાસ્તવમાં અમેરિકાના જે જે રાજ્યોમાં હિન્દુઓની નોંધપાત્ર વસ્તી છે ત્યાં હેરિટેજ મહિનો ઉજવવાની જાહેરાત વિશ્વ હિન્દુ પરિષદ ઑફ અમેરિકા (વીએચપી-એ) દ્વારા ગત જુલાઈ મહિનામાં કરવા વિનંતી કરવામાં આવી હતી. અને આપણા સૌના આનંદ વચ્ચે પાંચ રાજ્યોએ એ વિનંતી માન્ય રાખી. આ માટેની સત્તાવાર જાહેરાતમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છેઃ The office of the governors of various states, congressmen and Senators noted, “Communities of the faith have long served as beacons of hope, sharing their beliefs and bettering their communities through service; improving and inspiring the lives of thousands of followers around the world. Hinduism has contributed greatly to our state and nation through its unique history and heritage.”

હિન્દુ હેરિટેજ મહિનો ઉજવવા માટે પરવાનગી આપનાર રાજ્યોના ગવર્નરો, અમેરિકી સંસદમાં પ્રતિનિધિત્વ કરતા એ રાજ્યોના કોંગ્રેસમેન અને સેનેટર (સાંસદો)એ સંયુક્તરૂપે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, અમેરિકા આવીને વસેલા હિન્દુઓએ અમેરિકાના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે તથા તેમની વિશિષ્ટ સંસ્કૃતિ દ્વારા અમેરિકન સમાજને સમૃદ્ધ કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ ઑફ અમેરિકા ઉપરાંત વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઑફ અમેરિકા, હિન્દુ સ્ટુડન્ટ કાઉન્સિલ, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન સહિત વિવિધ સંગઠનો પણ આ દિશામાં પ્રયત્નશીલ હતાં.

હવે પાંચ રાજ્યોના ગવર્નર દ્વારા મંજૂરી આપવામાં આવતા હિન્દુત્વ વિશે અપ-પ્રચાર ફેલાવી રહેલી ટુકડે ગેંગ સહિત ભારત વિરોધી ટોળકીઓને તો બૅકફૂટ પર જવું જ પડશે, પરંતુ તેના કરતાં હકારાત્મક લાભ એ થશે કે હિન્દુત્વ પ્રત્યે જાગ્રતિ ફેલાશે. મૂળ ભારતીયોની બીજી-ત્રીજી પેઢી અમેરિકામાં ઉછરી રહી છે તેમને ભારતીય વારસો અને પરંપરાઓ વિશે વધારે નજીકથી જાણવા મળશે. સાથે જ મૂળ અમેરિકી તથા અન્ય દેશોના નાગરિકોને પણ સર્વસમાવેશી હિન્દુત્વ વિશે જોવા-જાણવા મળશે.

એક રીતે જોઇએ તો ભારત માટે આ ઘણો મોટો વિજય ગણાય કેમ કે, હજુ છેક 1943 સુધી ભારતીય સહિત એશિયન નાગરિકોને અમેરિકામાં મર્યાદિત માત્રામાં પ્રવેશ મળતો હતો. એશિયન નાગરિકો મોટી સંખ્યામાં અમેરિકામાં ન આવી શકે તે માટે 1924નો એશિયન એક્સક્લુઝન કાયદો 1943માં રદ્દ કરવામાં આવ્યો હતો. અલબત્ત, અમેરિકામાં સ્થાયી થવા માટે હિન્દુઓએ સ્થળાંતર કરવાની શરૂઆત 20મી સદીના પ્રારંભિક દાયકામાં જ કરી દીધી હતી. તે સમયે કેલિફોર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા હિન્દુઓએ 1906ની સાતમી જાન્યુઆરીએ સાન ફ્રાન્સિસ્કોમાં પ્રથમ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરીને ત્યાં પૂજા-અર્ચના શરૂ કરી હતી. આજે એક સદી કરતાં વધુ સમય પછી સમગ્ર અમેરિકામાં વિવિધ હિન્દુ સંપ્રદાયના 120 કરતાં વધુ મંદિર છે.

અમેરિકામાં 22 લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા ભારતીયો આજે ત્યાંના રાજકારણ, સમાજજીવન, વેપાર-ઉદ્યોગ, ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રમાં હિન્દુત્વનો ડંકો વગાડે છે અને એ કારણે જ આપણા દેશ અને આપણા ધર્મ- એમ બંનેનું માન ત્યાં વધે છે.

આપણને સૌને ગૌરવ થાય એવી બીજી એક ઘટના પણ આ જ અઠવાડિયે અમેરિકામાં બનવાની છે. સાતમી ઑક્ટોબરે અમેરિકાસ્થિત હિન્દુ મહિલાઓ બિંદી દિવસ ઉજવવાની છે. (http://missionbindi.com/world-bindi-day-2021/) ભારતમાં ઉર્દુવૂડ (બોલિવૂડ) તેમજ નકલી નારીવાદને રવાડે ચડેલી મહિલાઓ સિવાય મોટાભાગની હિન્દુ મહિલાઓ ગૌરવભેર કપાળે ચાંલ્લો કરે છે, તે ઉપરાંત પુરુષોમાં પણ તિલક-ચાંલ્લો કરવાની પરંપરા છે, પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલી હિન્દુ મહિલાઓ માટે વિવિધ કારણસર રોજેરોજ ચાંલ્લો (બિંદી) કરવાનું શક્ય ન બને, અને કદાચ એ જ કારણે તેમણે નવરાત્રિના પ્રથમ દિવસે સાતમી ઑક્ટોબરે બિંદી દિવસ ઉજવીને પરંપરાનું ગૌરવ કરીને એ દ્વારા યુવતીઓ તથા કિશોરીઓને બિંદી માટે પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે. આ બંને રસપ્રદ વિષયની નવી વિગતો અને માહિતી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ!