Sunday, December 25, 2022

સોશિયલ મીડિયા પર “સ્ટેટસ”ની કાળી/જોખમી બાજુ


સોશિયલ મીડિયાનો આવિષ્કાર કેવી રીતે અને શા માટે થયો હતો..? દુનિયાભરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે, પરંતુ સૌથી જોખમી રીતે તેનો ઉપયોગ ભારતીયો કરે છે...કમનસીબે!  

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 હજુ ગઈકાલ સુધી હસતી-રમતી, ખીલખીલાટ કરતી કિશોર વયની રમ્યા આજે એકાએક ઘરમાં પુરાઈ ગઈ છે, બલ્કે પુરાઈ જવા મજબૂર બની છે. કેમ કે તેના કઢંગી હાલતના અણછાજતા ફોટા વાયરલ થયા છે. પૂર્ણ સંસ્કારી પરિવારની રમ્યા જાણે છે કે પોતે આવું કશું જ નથી કર્યું જેથી તેના કોઈ ફોટા પાડે અને આ રીતે વાયરલ થાય. તેના પરિવારના સભ્યોને પણ પૂરો વિશ્વાસ છે કે રમ્યાએ આવું કશું કર્યું જ ન હોય...અને છતાં હકીકત એ છે કે તેના કઢંગા ફોટા વાયરલ છે. પરિવાર અને મિત્રો સહિત કોઇને નથી સમજાતું કે આવું કેવી રીતે થયું હશે?

સવાર-સાંજ પૂજા-પાઠ કરતો કાર્તિકેય આજે પોલિસ કસ્ટડીમાં છે. કારણ, તે શરાબ અને ડ્રગની પાર્ટીમાં બેઠો હોય એવા તેના ફોટા વાયરલ થયા છે. કાર્તિકેયને ઓળખનાર એકપણ વ્યક્તિ આ વાત માનવા તૈયાર જ નથી, છતાં વાયરલ ફોટાને આધારે પોલિસ હાલ તો તેને લઈ ગઈ છે.

બંને નિર્દોષ હતાં એમાં કોઇને કશી શંકા નહોતી. પરંતુ આવું કેવી રીતે થયું એ કોઇને સમજાતું નહોતું. છેવટે એક સોશિયલ મીડિયા નિષ્ણાત તથા એક સાયબર ક્રાઈમ નિષ્ણાત- એમ બે જણની ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી. એકાદ અઠવાડિયા સુધી ઊંડી તપાસ, પરીક્ષણો, સમીક્ષા અને રમ્યા તેમજ કાર્તિકેય સાથે કલાકો સુધી વાતચીત કર્યા બાદ આ ટીમે જે તારણો કાઢ્યાં એ ચોંકાવનારા છે એટલું જ નહીં પરંતુ આખા સમાજ માટે ચેતવણીરૂપ છે.

નિષ્ણાતોની ટીમનાં તારણોનો સાર કંઇક આ પ્રમાણે છેઃ સંસ્કારી પરિવારનાં આ બંને બાળકોની ભૂલ એ હતી કે તેઓ પરિવાર અને મિત્રો સાથેના દરેક નાના-મોટા શુભ પ્રસંગોના ફોટા પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં શૅર કરતાં હતાં. સોશિયલ મીડિયામાં માત્ર પરિચિતોને આ બધું શૅર કરવું અને સ્ટેટસમાં શૅર કરવું તેમાં થોડો તફાવત છે. આમ તો પરિચિતોને શૅર કરવામાં પણ ફૉરવર્ડ થવાનું જોખમ તો રહેલું જ છે, છતાં એ વધારે ચિંતાજનક નથી હોતું, પરંતુ સ્ટેટસમાં શૅર કરવામાં પૂરેપૂરું જોખમ છે કેમ કે તમારું સ્ટેટસ તમારા પરિચિત ન હોય, તમારા કૉન્ટેક્ટ લિસ્ટમાં ન હોય એવા લોકો પણ જોઈ શકે, તેનો દૂરુપયોગ કરી શકે એવું જોખમ છે. કેવી રીતે? તો એ મુદ્દો જાતે વિચારો તો વધારે સભાન-સતર્ક થઈ શકશો.

વાસ્તવમાં આવું બધું ન થાય, બદમાશ તત્વો આવો ગેરલાભ ન ઉઠાવે એ માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ અને તમામ સાઇટ ઉપર ચોક્કસ પ્રકારના સલામતીનાં પગલાં અને ફિલ્ટર ઉપલબ્ધ હોય છે, પરંતુ કમનસીબે સાવ જૂજ લોકોને જ તેની જાણકારી હોય છે, બાકીના બધા કોઈ જાણકારી કે સમજ વિના સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા હોય છે અને પરિણામે રમ્યા અને કાર્તિકેયની જેમ મુશ્કેલીમાં સપડાય છે.

મુદ્દો એ છે કે, તમારી કોઈ આગવી કામગીરી, તમારી સિદ્ધિ વિશે માત્ર પરિચિતોને જાણ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો હોય છે. એ બધું તો થતું જ હોય છે, પરંતુ હવે ખૂબ મોટી સંખ્યામાં લોકોને – ખાસ કરીને મહિલાઓ-છોકરીઓને બર્થડે પાર્ટી, લગ્ન પ્રસંગ, રેસ્ટોરાંમાં ભોજન, બગીચાની મુલાકાત કે થિયેટરમાં ફિલ્મ જોવા જવા જેવી સાવ સામાન્ય અને અંગત બાબતોના ફોટા સ્ટેટસમાં શૅર કરવાની ઘેલછા લાગી ગઈ છે. તેનાં પરિણામો માઠાં આવી રહ્યાં છે, હજુ માઠાં પરિણામ આવશે જો સમયસર આ બધું સોશિયલ મીડિયાના જાહેર મંચ ઉપર મૂકવાનું બંધ કરવામાં નહીં આવે તો.

દરેક નાના-મોટા પ્રસંગે પાડેલા ફોટાને સ્ટેટસમાં શૅર કરીને લાઇક અને લવના ઈમોજીની સંખ્યા વધારવાની ઘેલછા ઉપર તાત્કાલિક અસરથી બ્રેક મારવામાં નહીં આવે તો આપણી આગામી પેઢીઓ સાવ મુર્ખ પેદા થશે. તેઓ સોશિયલ મીડિયા પરના સ્ટેટસ જ જીવનનું અંતિમ સત્ય માની લેશે અને અભ્યાસ, સંશોધન, વાચન-વિચારને ગૌણ માની લેશે. વાલીઓ પોતે ઉપરાંત શિક્ષકો, પત્રકારો તથા અન્ય ચિંતકો આ વિશે પોતપોતાના સ્તરે સ્થિતિ સુધારવા માટે કામ નહીં કરે તો વર્તમાન અને આગામી પેઢી માત્ર રીલ બનાવવાને જ મહત્ત્વની કામગીરી ગણશે. તેમનાં એ રીલ ફૉરવર્ડ થતાં રહેશે અને એ રીતે તેમની પોતાની રીલ ઉતરતી રહેશે. મને તો એવું લાગે છે કે સાવધાન થવાનો આ જ સમય છે, તમે શું કહો છો? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, December 18, 2022

શું નરેન્દ્ર મોદી એક દિવસ ‘ભગીરથ’ તરીકે ઓળખાશે?

 


વડાપ્રધાન નરેન્દ્રભાઈને ભગીરથ તરીકે ઓળખાવવામાં ઘણાને અતિશયોક્તિ લાગશે, પરંતુ તેમણે માત્ર દેશમાં જ નહીં, દુનિયાભરમાં મંદિરોના જીર્ણોદ્ધારની જે કામગીરી ઉપાડી છે એ જાણીને બધા અવાક્ થઈ જશો...  

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા આઠેક વર્ષથી લગભગ દર વર્ષે દેશમાં કોઇને કોઈ પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર બાદ તેના પુનઃપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપતા જોવા મળે છે, અથવા સંપૂર્ણ નવા ભવ્યાતિભવ્ય મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપતા જોવા મળે છે. આ તો થઈ રાષ્ટ્રીય સ્તરની વાત, પરંતુ ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકેના સમયગાળા દરમિયાન પણ તેમણે રાજ્યમાં ઘણાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે એ વાત ગુજરાતીઓ જાણે જ છે. પણ હવે તો વાત બહુ આગળ વધી ગઈ છે!

ભારતના તેજસ્વી અને વિદ્વાન વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકરે ગયા અઠવાડિયે જે માહિતી આપી તેને કારણે તો નરેન્દ્રભાઈની કામગીરીના વ્યાપ અંગે અહોભાવ થયા વિના રહેતો નથી. દેવાધિદેવ શિવની નગરી કાશીમાં ચાલી રહેલા કાશી-તમિળ સંગમ કાર્યક્રમમાં 'Contribution of Temples in Society and Nation building' (સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં મંદિરોનો ફાળો) વિષય ઉપર બોલતાં એસ. જયશંકરે જણાવ્યું કે કંબોડિયામાં છેક 11મી સદીમાં બનેલા અને ત્યારબાદ ખંડેર થઈ ગયેલા વિશ્વના સૌથી વિશાળ મંદિરનો જીર્ણોદ્ધાર ભારત સરકાર કરાવી રહી છે. કંબોડિયા ભારતથી અગ્નિ દિશામાં આશરે 2000 કિ.મી. કરતાં વધારે દૂર છે અને સામાન્ય રીતે સમજવા માટે એવું કહી શકાય કે તે થાઈલેન્ડની દક્ષિણે આવેલું છે. અંગકોર વાટ અર્થાત મંદિરોના શહેર તરીકે ઓળખાતા કંબોડિયાના એ વિસ્તારમાં આ ભવ્યાતિભવ્ય મંદિર છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર 11મી સદીમાં તત્કાલીન રાજા સૂર્યવર્મન-બીજાએ બંધાવ્યું હતું. પરંતુ તેમના પછી સત્તા પર આવેલા અન્ય રાજાઓએ બૌદ્ધ સંપ્રદાયનો પ્રભાવ વધતા તેને બૌદ્ધ મંદિરમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત, વિવિધ કારણસર ત્યારબાદ આ મંદિર ઉપર કાળના પડળો ચડી ગયા હતા અને છેક 1860માં એક ફ્રેન્ચ સંશોધકે તે શોધ્યું ત્યારે દુનિયાને આ વિશાળ મંદિરની ફરી જાણ થઈ. પરંતુ હવે કંબોડિયાની સરકારને વિશ્વાસમાં લઇને ભારત સરકારે આ મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી હાથ ધરી છે.

જોકે, નરેન્દ્ર મોદી માટે માત્ર આટલા કારણસર અહોભાવ કરવાનો પ્રશ્ન નથી. હકીકત એ છે કે, નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળની ભારત સરકાર દુનિયાના અન્ય દેશોમાં પણ પ્રાચીન મંદિરોનો જીર્ણોદ્ધાર કરીને તેની પુનઃપ્રતિષ્ઠા કરી રહી છે. ડૉ. એસ. જયશંકરે આપેલી માહિતી અનુસાર ભારત સરકારે શ્રીલંકામાં પણ આવા એક પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. એલટીટીઈના આતંકને કારણે મન્નારસ્થિત ભગવાન શિવનું તિરુકેતીશ્વરમ મંદિર 12 વર્ષ સુધી બંધ રહ્યું હતું. ત્યારપછી મંદિર ખૂલ્યું તો હતું પરંતુ લાંબા ગાળા સુધી મેન્ટેનન્સના અભાવે ખંડેર થવા આવેલા આ મંદિરનો મોદી સરકારે જીર્ણોદ્ધાર કરાવ્યો છે.

2015માં નેપાળમાં પ્રચંડ ધરતીકંપ થયો હતો. તેમાં મોટી સંખ્યામાં મંદિરોને પણ ભારે નુકસાન થયું હતું. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે નેપાળમાં એ મંદિરોના પુનઃસ્થાપનની જવાબદારી લીધી છે અને આ માટે 50 મિલિયન ડૉલરની ફાળવણી પણ કરવામાં આવી છે. તેની સાથે સાથે ભારત સરકાર રૂપિયા 200 કરોડના ખર્ચે નેપાળમાં રામાયણ સર્કિટ પણ તૈયાર કરાવી રહી છે. ભારત સરકારના પ્રયાસોને કારણે જ બે મહિના પહેલાં ઑક્ટોબર, 2022માં દુબઈમાં ભવ્ય હિન્દુ મંદિર દર્શન માટે ખુલ્લું મૂકાયું હતું. (https://indianexpress.com/photos/world-news/dubai-hindu-temple-photos-8190972/ ) પોતાના પ્રવચનમાં ડૉ. એસ. જયશંકરે એવી પણ માહિતી આપી કે હાલ યુએઈ-માં મંદિર નિર્માણની પરવાનગી મળી ગઈ છે અને બહરીનમાં મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આપણે વિએટનામમાં પણ મંદિરોના જીર્ણોદ્ધારની કામગીરી કરી રહ્યા છીએ તેમ ભારતના વિદેશપ્રધાને કહ્યું હતું.

હવે આટલું જાણ્યા પછી કયા સનાતની ભારતીયને નરેન્દ્ર મોદી વિશે માન – અહોભાવ ન થાય! થાય જ. અને એટલે પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધાર તથા નવા મંદિરોના નિર્માણની અસાધારણ કામગીરી કરાવનાર વર્તમાન ભારતીય વડાપ્રધાનને ભવિષ્યમાં આધુનિક ભગીરથનું ઉપનામ મળશે એવું મને તો લાગે છે, તમે શું કહો છો? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, December 11, 2022

પ્રચંડ સમર્થન પછી હવે ભાજપની જવાબદારી પણ એટલી જ પ્રચંડ


ગુજરાતના 53 ટકા મતદારોએ દિલ ખોલીને ભાજપને સમર્થન તો આપ્યું છે, પણ સમર્થન પાછળ રાજ્યના સાડા છ કરોડ નાગરિકોની નાની નાની અપેક્ષાઓ છે. સોમવારે સાતમી વખત શપથ લો છો ત્યારે આ સાત વચન આપો...

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે ઈતિહાસ રચી દીધો. 53 ટકા મતદારોએ દિલ ખોલીને ભાજપને મત આપ્યા. આ એક પ્રકારે પ્રચંડ સમર્થન છે, પરંતુ તે સાથે પક્ષની પ્રજા પ્રત્યેની જવાબદારી પણ એટલી જ પ્રચંડ બની છે. આવતીકાલે માગસર વદ ચોથ, 2079ને સોમવારે એક રાજકીય પક્ષ તરીકે ભાજપ એક જ રાજ્યમાં સાતમી વખત સત્તા સંભાળવા માટેના શપથ લઈ રહ્યો છે ત્યારે રાજ્યની પ્રજા ભાજપના નેતૃત્વ પાસે સાત અપેક્ષા રાખે છે. આ અપેક્ષાઓ આમ તો નાની નાની છે, પરંતુ એનું મૂલ્ય રાજ્યના એવા નાગરિકો માટે ઘણું છે જેમણે કોંગ્રેસની કોમવાદી રાજનીતિનો કચ્ચરઘાણ વાળી દીધો છે અને મફતિયા યોજનાઓના નામે બગલમાં છૂરી લઇને આવેલા કેજરીવાલને લાત મારીને તગેડી મૂક્યા છે.

શુક્રવારે રાત્રે આ લેખ લખવા બેઠો ત્યારે જ એક વૉટ્સએપ ગ્રુપમાં એક ફોરવર્ડ મેસેજ આવ્યો જેનો ફોટો આ લેખ સાથે મૂક્યો છે. આ ફોટામાં કહેલી વાતો સાથે એક લેખક તરીકે હું સંમત છું કે નહીં એ મુદ્દો અલગ છે, પરંતુ રાજ્યના નાગરિકોની આવી લાગણી છે તેનો ઇનકાર થઈ શકે તેમ નથી. આજનો લેખ આ વિષય ઉપર લખવાની શરૂઆત કરવી અને એ જ સમયે વૉટ્સએપ ગ્રુપમાં આ ફોરવર્ડ સંદેશો આવવો – એ સુખદ યોગાનુયોગ છે.

હા, તો વાત સાત નાની નાની અપેક્ષાઓની છે અને એ પૂરી કરવા એક રાષ્ટ્રવાદી-ધર્મરક્ષક પક્ષ તરીકે ભાજપે અને તેની સરકારે સાત વચન આપવાના છે.

(1) હે ભાજપના શાસકો, ગુજરાતના નાગરિકોની સૌથી પહેલી અપેક્ષા એ છે કે, દરેક ચોમાસામાં તૂટી ન જાય એવા રસ્તા બનાવડાવો. નાગરિકો તરીકે અમે જાણીએ છીએ ... અથવા કહો કે અમે એવો વિશ્વાસ રાખીએ છીએ કે ભાજપના નેતાઓ અથવા મંત્રીઓ ભ્રષ્ટ નહીં હોય અને તેમના ભ્રષ્ટાચારને કારણે દરેક ચોમાસામાં રસ્તાઓની આવી હાલત નહીં થતી હોય, પરંતુ રસ્તા તૂટે છે એ હકીકત છે. આ અતિશય પીડાદાયક સ્થિતિ છે. દર ચોમાસે રસ્તા તૂટી જાય એવી સ્થિતિ હવે ચલાવી લઈ શકાય તેમ નથી. આ બાબતે નક્કર કામગીરી થવી જ જોઇએ. જે તે વિભાગના અધિકારીઓ અને રસ્તા બનાવતા કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી થવી જ જોઇએ. એટલું જ નહીં પરંતુ ચોમાસામાં જે વિસ્તારનો રસ્તો તૂટે એ બનાવનાર કોન્ટ્રાક્ટર અને અધિકારી વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થઈને પૂરી પારદર્શકતાથી તેમની સામે કાર્યવાહી થવી જ જોઇએ. તૂટેલા રસ્તાને કારણે કેટલા અકસ્માત થાય છે, કેટલા લોકોને કમરનો દુઃખાવો થઈ જાય છે...એની તપાસ કરાવશો તો શાસકો તરીકે તમારી આંખ પહોળી થઈ જશે.

(2) ગુજરાતના નાગરિકોની બીજી અપેક્ષા એ છેઃ રસ્તા પર ફરતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ મળવી અનિવાર્ય છે. રાજ્યે વિકસિત થવું હોય, પ્રગતિશીલ દેખાવું હોય તો કોઇપણ સંજોગોમાં રસ્તા પર ઢોર ન આવે એ માટે આકરો નિર્ણય લેવાની હિંમત દાખવવી પડશે. 200-500 લોકો સામે અથવા થોડા હજાર લોકોના જૂથ સામે ઝૂકી જવું અને એ રીતે બીજા અસંખ્ય લોકોની જિંદગી જોખમમાં મૂકવી એમાં કોઈ બહાદુરી નથી. અથવા માત્ર કર્ણાવતી, સુરત, રાજકોટ કે વડોદરા જેવાં શહેરોમાં જ રસ્તા પર ઢોર ન આવે એવી વ્યવસ્થા કરવી એ પણ પૂરતું નથી જ નથી. આ સમસ્યા આખા રાજ્યને ગંભીર રીતે નડી રહી છે- તેથી મહાનગરો, જિલ્લા મથકો તેમજ તાલુકા મથકોને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્ત કરાવવા જ પડશે.

(3) ટ્રાફિકની સમસ્યા પણ એ જ હદે ગંભીર અને જીવલેણ છે. એ વાત સાચી કે આ દેશના અને ગુજરાતના મોટાભાગના નાગરિકો પોતે અભણ – ગમાર હોય એવી રીતે વર્તે છે અને ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા. લાખોની સંખ્યામાં આ અભણ – ગમાર ગુજરાતીઓ વાહનો રોંગ સાઇડ ચલાવે છે, ગમે ત્યાં વાહન પાર્ક કરી દે છે...અને એવાં કારણોસર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે એ ખરું, પરંતુ હે સત્તાધીશો, તમે એ ન ભૂલશો કે એક પ્રામાણિક પોલીસ આવી સમસ્યાઓમાંથી નાગરિકોને મુક્તિ અપાવી શકે છે. ગુજરાતના ટ્રાફિક વિભાગના અનેક કર્મીઓ ટ્રાફિક પૉઈન્ટની વચ્ચે ઊભા રહીને પ્રામાણિકતાથી ફરજ બજાવવાને બદલે ખૂણાઓમાં ભરાયેલા રહે છે, તેમના સ્માર્ટફોનમાં મોઢા નાખીને રસ્તા પર ગેરકાયદે ઊભી થયેલી ચાની લારી ઉપર ચા અને ફાકીઓ ખાતા હોય છે. ટ્રાફિક સિગ્નલની ડિજિટલ ઘડિયાળો બંધ હોય છતાં આ અપ્રામાણિક ટ્રાફિક કર્મીઓ તેને રિપેર કરાવવા બાબતે ધ્યાન આપતા નથી. ક્યારેક તો ટ્રાફિક કર્મીઓનું વર્તન રીતસર માત્ર ઉઘરાણાં કરવા માટે ઊભા રહેલા લોકો જેવું હોય છે. આ બાબતે જવાબદાર ટોચના પોલીસ અધિકારીઓ સાથે મંથન કરીને સ્થિતિ સુધારવી જ પડશે.

(4) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન ઉપાડેલું હોવા છતાં હજુ પણ શહેરોમાં અને નગરોમાં અને ગામોમાં પ્રજા પોતે તો સ્વચ્છતા નથી જ રાખતી, પરંતુ જેમના ઉપર સફાઈની જવાબદારી છે એ લોકો પણ એ જવાબદારી પૂરી નથી કરતા. શું સફાઈ કામદારોના કોન્ટ્રક્ટરો સાથે, એ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને તેમને તેમની જવાબદારી પ્રામાણિકતાપૂર્વક નિભાવવા માટે પગલાં લઈ શકાય?

(5) રાજ્યની અને દેશની ઘણી બધી સેવાઓ ઑનલાઇન થઈ છે. લગભગ બધી સેવાઓ સરળતાથી સુપેરે ચાલે છે...પરંતુ આરટીઓ વિભાગ હજુ પણ દલાલો અને અપ્રામાણિક કર્મચારીઓની ચુંગાલમાંથી છૂટી શક્યો નથી. આરટીઓ વિભાગમાં કઈ હદે અને કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હશે કે તેમાં સામાન્ય નાગરિકો ઑનલાઇન સેવાથી પોતાનું કામ કરી જ નથી શકતા. તેમણે ના-છૂટકે એજન્ટ પાસે, દલાલ પાસે કે પછી આરટીઓ કચેરીના કર્મચારીઓ/અધિકારીઓ પાસે જઇને અપમાનિત થવું પડે છે, કાકલુદી કરવી પડે છે એ વાતનો શું શાસકોને આજ સુધી કોઈ અંદાજ જ નથી? તો જરા આ વખતે આ બાબતે ધ્યાન આપજો.

(6) રાજ્યમાં યાત્રાધામોની આસપાસની સ્થિતિ અતિશય પીડાદાયક છે. ઘણાં યાત્રાધામોનો શ્રેષ્ઠ વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ તેની આસપાસ વેપારીઓ જે રીતે બેફામ ખુમચા બાંધી દઈને, પાથરણાં પાથરી દઈને જે રીતે દબાણ કરે છે અને સાથે જે હદે ગંદકી કરે છે એમાંથી મુક્તિ અપાવવા વિશે પણ સરકારે પગલાં લેવા જોઇશે. સ્થાનિક પોલીસ અને સ્થાનિક અધિકારીઓ જો પ્રામાણિક હોય તો આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે, પણ એ માટે સરકારે ખબરદાર રહેવું પડે.

(7) શહેરોની ફૂટપાથોને પગે ચાલનારાઓ માટે ખાલી કરાવવામાં આવે એ આવશ્યક છે. રોજેરોજ અનેક લોકો અનેક જગ્યાએ ફૂટપાથ પર પાથરણા પાથરીને, નાનો ગલ્લો ઊભો કરી દઈને, ખાણી-પીણીની લારી ચાલુ કરી દઈને દબાણ કરે છે. તેને પરિણામે ચાલનારાઓએ રસ્તા પર ચાલવું પડે છે જ્યાં અકસ્માતો થવાનો સતત ભય રહે છે. સ્થાનિક પોલીસ, સ્થાનિક સરકારી કર્મચારી, સ્થાનિક સરકારી અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો આ સ્થિતિને ટાળી શકે છે જો તેમનામાં થોડી હિંમત હોય. અને એ હિંમત આપવાનું કામ રાજ્ય સરકાર કરી શકે છે.

આ સાત નાની અપેક્ષાઓ રાજ્યના નાગરિકોની છે. મેળાવડા અને સમારંભોમાં હાજરી આપવાની સાથે સાથે આ બાબતો ઉપર રાજ્ય સરકાર ધ્યાન આપશે તો પ્રજાએ આપેલી જંગી બહુમતી લેખે લાગશે. આશા રાખું છું કે સ્વર્ણિમ ભારત (કૉલમ) દ્વારા કહેવામાં આવેલી આ વાતો ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચશે અને વિચારણા કરવામાં આવશે ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, December 4, 2022

આવું કામ તો માત્ર મોદી સરકાર જ કરી શકે

 


આંદામાન-નિકોબારના એ 21 નિર્જન ટાપુઓ અત્યાર સુધી માત્ર નંબરથી ઓળખાતા હતા, પણ હવે મોદી સરકારે તેને નામ આપ્યા, અને નામ પણ કોઈ એક પરિવાર કે રાજકારણીઓના નહીં હોં... 

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના વિવિધ વિકાસલક્ષી તેમજ અન્ય સાહસિક કામોની યાદી આપતી વખતે મતદારોને સંબોધીને એક વાક્ય અચૂક બોલતા હતા કે, આ તમે આપેલા એક મતને કારણે શક્ય બન્યું છે. અને હવે એ જ મોદી સરકારે એક એવું કામ કર્યું છે જેનાથી માત્ર ભારતીય સૈન્ય જ નહીં પરંતુ તમામ રાષ્ટ્રવાદી નાગરિકોની છાતી ગૌરવથી પહોળી થઈ જાય.

એ કામ એટલે આંદામાન-નિકોબારના 21 નિર્જન ટાપુઓને ભારતીય સૈન્યના વીરગતિ પામેલા પરાક્રમી અધિકારીઓ અને જવાનોનું નામ આપવાનું. અત્યાર સુધી આ નિર્જન ટાપુઓ ‘INAN370’, ‘INAN308’ જેવા નંબરોથી ઓળખાતા હતા તે હવે 1947થી લઇને કારગિલ સુધીના વિવિધ યુદ્ધમાં વીરગતિ પામેલા અને પરમવીર ચક્રથી સન્માનિત પરાક્રમી સૈન્ય યોદ્ધાઓના નામથી ઓળખાશે.

ઑગસ્ટ 1947માં દેશ સ્વતંત્ર થયો તેના ત્રણ મહિનામાં જેહાદી પાકિસ્તાને કાશ્મીર આંચકી લેવા માટે આક્રમણ શરૂ કર્યું હતું અને ત્યારે ભારતીય સૈન્યે પાકિસ્તાની ઘૂસણખોરોને મારી હટાવવા સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન શ્રીનગર વિમાન મથક નજીક ફરજ બજાવી રહેલા મેજર સોમનાથ શર્મા જેહાદીઓ સામે લડતાં લડતાં વીરગતિ પામ્યા હતા. સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ પરમવીર ચક્ર જેવો સર્વોચ્ચ મરણોત્તર પુરસ્કાર તેમને એનાયત થયો હતો. અને હવે ભારત સરકારે આંદામાન-નિકોબારના ‘INAN370 નંબરના ટાપુ સાથે મેજર સોમનાથનું નામ જોડ્યું છે. હવેથી એ ટાપુ સોમનાથ દ્વીપ તરીકે ઓળખાશે. એવી જ રીતે બીજા વીસ (20) ટાપુઓને મેજર રામ રઘોબા રાણે, નાયક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પિરુ સિંહ શેખાવત, કેપ્ટન ગુરબચન સિંહ સલરિઆ, લેફ. કર્નલ ધન સિંહ થાપા, સુબેદાર જોગિન્દર સિંહ સહનાન, મેજર સૈતાનસિંહ ભાટી, લેફ. કર્નલ અર્દેશર બરજોરજી તારાપોર, મેજર રામસ્વામી પરમેશ્વરન, કેપ્ટન વિક્રમ બત્રા, કેપ્ટન મનોજકુમાર પાંડે, સુબેદાર મેજર સંજય કુમાર વગેરે પરાક્રમી ભારતીય સૈન્ય અધિકારીઓ-જવાનોના નામ વિવિધ ટાપુ સાથે જોડવામાં આવ્યા છે. આ તમામ વીર યોદ્ધા પરમવીર ચક્રથી સન્માનિત છે અને તેઓના નામ સાથે આંદામાન-નિકોબારના 21 ટાપુ દ્વિપ તરીકે ઓળખાશે.

ભારતના વીર જવાનોનું નામ ટાપુઓ સાથે જોડવાની મોદી સરકારની જાહેરાત રાષ્ટ્રવાદી ભારતીય નાગરિકોને ગદગદ કરી દેનારી છે. દેશના સાચા હીરો આ વીર સપૂતો જ છે પરંતુ અગાઉની કોઈ સરકારોએ સૈન્ય જવાનોને આવું સર્વોચ્ચ માન આપ્યું નહોતું. યાદ રહે મોદી સરકારે જ દિલ્હીમાં સૈન્ય સ્મારક સ્થાપીને દેશમાં સ્વતંત્રતાના 70 વર્ષ પછી તમામ સાચા હીરો માટે સન્માન આપવાનું કામ કર્યું હતું. અને હવે ટાપુઓને સૈન્ય જવાનોના નામ આપીને એ સન્માનમાં વધારો કર્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે ભારત સરકારે શુક્રવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી પરંતુ જૂજ રાષ્ટ્રવાદી મીડિયાને બાદ કરતાં બાકીના લગભગ તમામ મીડિયાએ આવા ઐતિહાસિક નિર્ણયના સમાચાર કાંતો લીધા જ નથી અથવા લીધા હોય તો પણ ક્યાંક ખૂણામાં સાવ ટૂંકમાં નોંધ લીધી છે. વીર સન્ય જવાનોને બદલે જો કોઈ ફિલ્મી નટ-નટીનું નામ ક્યાંક જોડ્યું હોત તો આ જ બધા બદમાશ મીડિયા ચાર-ચાર પગે કૂદીને એને સમાચારોમાં સ્થાન આપત, પરંતુ પહેલેથી વીર જવાનોના બલિદાનની ઉપેક્ષા કરતા રહેલા મીડિયા વધુ એક વખત વામણા સાબિત થયા છે.

ખેર, મુદ્દો એ છે કે, સ્વતંત્રતાના સાત દાયકા પછી આવેલી એક સાચી રાષ્ટ્રવાદી સરકારે લીધેલું આ પગલું તમારા સાચી દિશાના એક મતનું પરિણામ છે એ સ્વીકારવું રહ્યું. આવતીકાલે ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનમાં તમારે શું કરવું જોઇએ એ વિચારો ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, October 9, 2022

કેજરીવાલના પાપે દિલ્હીમાં થયો ધર્માંતર-કાંડઃ સાવધાન ગુજરાત!

પત્ની અને બાળકને રાતોરાત તરછોડીને સિદ્ધાર્થ ભાગ્યા ત્યારે હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતાનો તો કોઈ મુદ્દો હતો જ નહીં! તો આ કહેવાતી અસ્પૃશ્યતા અને અસમાનતાની વાર્તાઓ ક્યારે અને કોણે પેદા કરી- અને શા માટે?

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 હિન્દુ સાધુ-સંતો અને કહેવાતા કથાકારોને આજે વધુ એક તમાચો પડ્યો છે. એ લોકો વધુ એક વખત શરમજનક સ્થિતિમાં મૂકાયા છે. દિલ્હીમાં કેજરીવાલની હિન્દુ-વિરોધી સરકારનો એક મંત્રી ધોળે દિવસે હજારોને ધર્માંતર કરાવી ગયો અને હિન્દુ સાધુ-સંતો અને કથાકારો પોતપોતાના અહંકારના મહેલોમાં બંધ થઇને બેસી રહ્યા.

ધર્મનું યુદ્ધ ધાર્મિક નેતૃત્વ વિના લડી શકાતું નથી. સામાન્ય નાગરિકોને વિધિ-વિધાનો, કર્મકાંડ અને કથાઓમાં વ્યસ્ત રાખીને ધર્માંતર સામે લડી નહીં શકાય એ વાત હિન્દુ સાધુ-સંતો અને કથાકારો ક્યારે સમજશે એ સમજાતું નથી.

સનાતની હિન્દુઓ હિંસામાં નથી માનતા એ વાત સાચી પરંતુ સાથે દરેકે એ વાત પણ સમજવી અને યાદ રાખવી પડશે કે ક્રિશ્ચિયાનિટી હોય કે ઇસ્લામ કે પછી બૌદ્ધ – આ કોઈ સંપ્રદાયો અહિંસામાં માનતા નથી. જે જે દેશો બૌદ્ધધર્મી છે ત્યાં ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી માથું ઊંચકી નથી શકતા એ ઐતિહાસિક હકીકત છે. ભારત સહિત પૂર્વના દેશો હાલ જે રોહિંગ્યાઓની સમસ્યાનો સામનો કરી રહ્યા છે એ બધાને બૌદ્ધધર્મી મ્યાનમારમાંથી ભગાડવામાં આવ્યા છે એ વાત કોઈનાથી છૂપી નથી.

દિલ્હીમાં કેજરીવાલના આશીર્વાદથી તેમના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે હજારો હિન્દુઓનું જે રીતે ધર્માંતર કરાવ્યું અને એ દરમિયાન હિન્દુ દેવી-દેવતાઓનાં દર્શન અને તેમની પૂજા નહીં કરવાના જે શપથ લેવડાવ્યા એ કઈ હદે ચિંતાજનક છે એ વાત કદાચ આજે સામાન્ય લોકો, રાજકારણીઓ તેમજ બદમાશ મીડિયાને નહીં સમજાય પરંતુ ભવિષ્યમાં ભારતના હિન્દુઓએ ધર્માંતર કરીને બૌદ્ધ બની જનારા પોતાના જ બાંધવોની હિંસાનો ભોગ બનવું પડશે એ નિશ્ચિત છે.

આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર પાલ ગૌતમે જે હજારો હિન્દુઓનું ધર્માંતર કરાવ્યું તેનું બીજું એક જોખમ તેમનાં નામો વિશેનું પણ રહેવાનું. જ્ઞાતિ-જાતિ સમાનતાના નામે આ બધાએ ધર્માંતર કર્યું છે અને બંધારણ અનુસાર આ લોકો ભારતમાં જ્ઞાતિના ધોરણે મળતા લાભ લેવાના હકદાર રહેતા નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ લોકો તેમનાં મૂળ હિન્દુ નામો યથાવત રાખીને ભારતનાં સંસાધનો અને વ્યવસ્થાઓનો અયોગ્ય લાભ લેતા રહેશે. આવું હાલ ક્રિપ્ટો ખ્રિસ્તીઓ કરી જ રહ્યા છે.

આમછતાં પ્રારંભમાં કહ્યું તેમ, ખાટલે મોટી ખોડ હિન્દુત્વની છે. સાધુ-સંતો અને કથાકારો રોજેરોજ ઘટી રહેલી સનાતનીઓની સંખ્યાને ટકાવી રાખવા પ્રયાસ કરતા નથી એટલું જ નહીં પરંતુ હિન્દુવાદી સંગઠનો પણ નિવેદનબાજીથી આગળ વધતા નથી. જો સાધુ-સંતો અને કથાકારોએ તેમજ હિન્દુવાદી સંગઠનોએ જમીન પર પગ રાખીને હિન્દુ સમાજને સંગઠિત રાખવાની કામગીરી કરી હોત તો તેમને આવાં ધર્માંતરોના કાવતરાંની ગંધ આવી જાત અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાવતારબાજો આટલા મોટાપાયે સફળ ન થાત. પરંતુ આ દેશની કામનસીબી છે કે સાધુ-સંતો-કથાકારો કર્મકાંડ અને કથા-પ્રવચન કરીને વૈભવી આરામની અવસ્થામાં ચાલ્યા જાય છે અને હિન્દુવાદી સંગઠનો માત્ર સૂત્રોચ્ચારો અને બૅનર-પેમ્ફલેટ દ્વારા સક્રિયતા બતાવવા પ્રયાસ કરે છે.

આવી બાબતોમાં રાજકીય નેતૃત્વ ઉપર આધાર રાખવાનો કોઈ અર્થ નથી કેમ કે રાજકીય નેતૃત્વ અર્થાત સરકાર એક પ્રકારે વાલીની ભૂમિકામાં હોય છે અને તેથી તે પોતે ઇચ્છે તો પણ અમુક પ્રકારનાં પગલાં ન લઈ શકે કેમ કે સરકાર બંધારણની મર્યાદામાં બંધાયેલી હોય છે. અને એટલે જ હિન્દુ સાધુ-સંતો-કથાકારો ઉપરાંત હિન્દુ સંગઠનોએ વિવિધ હિન્દુ સમુદાય, જ્ઞાતિ-જાતિ બધા જ એક તાંતણે બંધાયેલા છે એવું દરેક સામાન્ય હિન્દુઓના મનમાં સ્થાપિત કરવા માટે અતિશય સક્રિય થવું પડશે. અન્યથા હાલ નહીં તો ભવિષ્યમાં એ સ્થિતિ ચોક્કસ આવશે જ્યારે હિન્દુ સમુદાયોને એમ લાગશે કે તેમને માર્ગદર્શન આપનાર, તેમનું નેતૃત્વ કરનાર કોઈ છે જ નહીં અને પરિણામે સાવ સરળતાથી કાંતો એબ્રાહમિક સંપ્રદાયોમાં અથવા બૌદ્ધ સંપ્રદાયમાં ભળી જશે. દિલ્હીની ઘટનાની જેમ જો આ પ્રવાહ મોટાપાયે શરૂ થશે તો પછી થોડી સદી પછી સનાતન માત્ર ઈતિહાસનાં પાનાંઓમાં જ રહી જશે.

દિલ્હીમાં કેજરીવાલના આશીર્વાદથી તેમના મંત્રીએ આ જે કાંડ કર્યો છે એ જ કેજરીવાલની નજર હવે ગુજરાત ઉપર છે. ગુજરાતીઓ સાવધાન થઇને શું દરેકે દરેક બેઠક ઉપર કેજરી-મંડળીને ધૂળ ચાટતી કરશે કે પછી દિલ્હી અને પંજાબવાસીઓની જેમ મફતની લાલચમાં સનાતનના દુશ્મનોને ખભે બેસાડશે? વિચારો... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, September 18, 2022

દિલ્હી અને પંજાબની સરકારી તિજોરીઓ ખાલી થઈ, કારણ? રેવડી કલ્ચર!

 


સામાન્ય માણસોને મફતની યોજનાઓની વાતો સાંભળીને ગલગલિયાં થઈ શકે, પરંતુ કમનસીબે એ સામાન્ય નાગરિકોને રાજ્ય અને રાષ્ટ્રની આવક-જાવકના હિસાબોની જાણકારી નથી હોતી. રેવડી કલ્ચર અતિશય ઘાતક છે, જાણો...

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

બીજની રોપણી કર્યા વિના તો ધરતીમાતા પણ અનાજ આપતી નથી. કુદરત દ્વારા માણસજાતને સમજાવવામાં આવતો આ સર્વસામાન્ય સનાતન સિદ્ધાંત છે. આ સિદ્ધાંત બ્રહ્માંડના દરેકે દરેક પાસાંને લાગુ પડે છે. માનવજીવન અને રાજકારણ પણ તેમાંથી મુક્ત નથી. તો પછી કેટલાક રાજકારણીઓ મફતની યોજનાઓની જાહેરાત કરે છે? આવકના સ્રોત વિના જાવકનો અંદાજ કેવી રીતે લગાવી શકાય? સીધો સાદો પ્રશ્ન એ છે કે, પાણીથી ભરેલા ડેમમાંથી માત્ર જાવક થયા કરે અને એ ડેમમાં નવા પાણીની આવક ન થાય તો એ ડેમ કેટલા સમય સુધી પાણી પૂરું પાડી શકશે? બસ આવું જ કંઇક રેવડી કલ્ચરનું થઈ રહ્યું છે.

દિલ્હીની કેજરીવાલ સરકારની સરકારી તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું છે. પંજાબમાં પાંચ મહિના જૂની ભગવંત માન સરકાર આ મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનાના પ્રારંભે ઑગસ્ટ 2022 માટેનો પંજાબ સરકારના કર્મચારીઓનો પગાર ચૂકવી શકી નહોતી. કારણ? કારણ રેવડી કલ્ચર. માત્રને માત્ર સત્તા મેળવવા, દેશ-સેવા કે પ્રજાના લાંબાગાળાના ટકાઉ ઉત્થાન અને પ્રગતિ વિચારણા કર્યા વિના મહેનતુ  કરદાતાઓએ ભરેલી રકમમાંથી જરૂરિયાત ન હોય એવા લોકો માટે પણ મફતની યોજનાઓની લ્હાણી કરવાનું આ પરિણામ છે.

તમારો મોબાઇલ ચાલુ રાખવો હોય તો પણ એને રિચાર્જ કર્યા કરવો પડે છે, તેની બૅટરી ઓછી થઈ જાય તો ચાર્જ કરવી પડે છે...ટૂંકમાં ચાર્જિંગ અને રિચાર્જ વિના જો મોબાઇલ પણ ચાલતો ન હોય તો પછી વિચાર કરો કે કોઈ રાજ્યની કે પછી દેશની તિજોરીમાં આવકનું ચાર્જિંગ અને રિચાર્જ ન થાય તો માત્ર જાવક ક્યાં સુધી ચાલી શકે?!

વીજળી મફતમાં આપવાની, બેરોજગારોને ભથ્થું આપવાની, મહિલાઓને દર મહિને રૂપિયા 1000ની સહાય આપવાની, મહિલાઓને મફત પ્રવાસ કરાવવાની, વૃદ્ધોને યાત્રા કરાવવાની વાતો હવે તમામ મર્યાદા ઓળંગી રહી છે. અલબત્ત આવી વાતોથી મફતનું મેળવવાની માનસિકતા ધરાવતા અમુક ચોક્કસ વર્ગો તથા મીડિયામાં રહેલા અમુક ચોક્કસ લોકોને ગલગલિયાં થતાં હશે. પરંતુ આ વર્ગો અને મીડિયાએ એ હકીકત જાણી લેવી જોઇએ કે, દિલ્હી રાજ્યની અને પંજાબની તિજોરીઓનાં તળિયાં દેખાવા લાગ્યા છે. દિલ્હીની હકીકત એ છે કે, ત્યાં અગાઉની સરકારોની યોગ્ય નીતિને કારણે તથા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા નાણાને કારણે તિજોરી ભરેલી રહેતી હતી. કેજરીવાલ સરકાર સત્તામાં આવી તે પહેલાં સુધી દિલ્હી રાજ્યની તિજોરીમાં સરેરાશ રૂપિયા 10,000 કરોડ પુરાંત રહેતી હતી. પરંતુ કેજરીવાલની મફતની નીતિઓને કારણે આઠ વર્ષમાં આ પુરાંત ઘટીને રૂપિયા એક હજાર કરોડની આસપાસ રહી ગઈ છે.

સાચી વાત એ છે કે, મફતિયા-વૃત્તિ એક પ્રકારનો વાયરસ છે. આ વાયરસ રાષ્ટ્ર-પ્રેમી પ્રજાને પણ લાગી શકે છે. મને હમણાં જ રાજકોટના એક મિત્ર દ્વારા જાણવા મળ્યું કે, તાજેતરમાં કેજરીવાલે રાજકોટમાં સભા કરી ત્યારે કેટલાક વેપારીઓ જીએસટીનો મુદ્દો લઈને તેમની પાસે પહોંચી ગયા હતા અને રજૂઆત કરી હતી. આવા વેપારીઓ માટે આનાથી મોટી શરમજનક બાબત બીજી કોઈ ન હોઈ શકે. જીએસટી એક પ્રકારનો સંકલિત કર છે અને તમારે પ્રજા પાસેથી જ લેવાનો હોય છે. તમારા નફાની રકમ તો તમને પહેલેથી મળી જ ગયેલી હોય છે. પણ તમે રિફંડની લાલચ રાખી બેઠા હોવ છો. એ રકમ જે વાસ્તવમાં પ્રજાએ સરકારને આપેલી રકમ છે. છતાં ઠીક છે કે એ કાયદાની જોગવાઈ છે તેથી અમુક ક્રેડિટ તમને પાછી આપવામાં આવે છે. પરંતુ એ આખી વ્યવસ્થામાં થોડા મહિના લાગી જાય અને તમે તદ્દન છેલ્લી પાટલીએ બેસીને જીએસટી રિફંડનો કકળાટ કરો ત્યારે તમે પણ હદ વટાવી દીધી હોય એમ લાગે. આટલું ઓછું હોય એમ ઘણી મોટી સંખ્યામાં વેપારીઓ અને નાગરિકો પણ જીએસટીથી બચવા બિલ વિનાનો વ્યવહાર કરે છે. શું આ બધી અપ્રામાણિકતા દેશ માટે ઘાતક નથી?

તેની સામે જરા વિદેશની વ્યવસ્થાનો વિચાર કરો. થોડા સમય પહેલાં હું કેનેડામાં હતો અને મને જાણવા મળ્યું કે ત્યાં દરેક વ્યક્તિની આવકના 50 ટકા જેટલી રકમ વિવિધ રીતે ટેક્સમાં ચાલી જાય છે. આ અંગે ભારતમાં કેટલાય અબૂધ લોકો એવી દલીલ વર્ષોથી કરતા આવ્યા છે કે, ત્યાં લોકો ટેક્સ આપે છે કેમ કે સરકાર એમને સુવિધાઓ આપે છે! તો ભાઈ એ દલીલ તમને લાગુ નથી પડતી? 70-70 વર્ષ સુધી અપ્રામાણિક રાજકીય પક્ષોએ કર-માળખું સરખું કરીને સારી આવક કરીને દેશમાં માળખાકીય સુવિધાઓ વધારવા તરફ ધ્યાન કેમ ન આપ્યું? યથા રાજા તથા પ્રજાની જેમ 2014 પહેલાં સરકારમાં બેઠેલા (વચ્ચે વાજપેયી સરકારના સમયને બાદ કરતાં) પોતેય બદમાશી કરતા હતા અને પ્રજાની કરચોરી કરવાની દાનત સામે આંખ આડા કાન કરતા હતા.

આપણને 2014 પછી ખબર પડી કે, 130 કરોડની વસ્તીમાંથી માંડ ત્રણ કરોડ લોકો જ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હતા. બાકીના 127 કરોડ તો ખાઈ-પીને જલસા જ કરતા હતા—આજે પણ એવું જ કરે છે. જોકે થોડો ફેર પડ્યો છે. પ્રામાણિક સરકારના પ્રામાણિક પ્રયાસોને કારણે આ ત્રણ કરોડનો આંકડો આ વર્ષે 31 જુલાઈ, 2022ના રોજ સાડા પાંચ કરોડને પાર કરી ગયો. માત્ર આઠ વર્ષમાં દોઢ ગણો વધારો! આ સંજોગોમાં સાત-સાત દાયકા સુધી અપ્રામાણિક રાજ્યવ્યવસ્થા અને અપ્રામાણિક વહીવટીતંત્રને કારણે સડી ગયેલી પ્રજાની માનસિકતા હવે રેવડીની લાલચમાં ફસાઈ રહ્યા છે?

એક કૉમનસેન્સનો પ્રશ્ન એ છે કે, તમારા ઘરે બાળક જન્મે એ મોટું થઇને જાતે ચાલતાં શીખે એ તમને ગમશે કે પછી ચાલવાની ઉંમર થાય ત્યારે તેને તમે કાખઘોડી આપશો? એ જાતે ચાલવાનું ન શીખે પરંતુ કાખઘોડી અને તમારા ઉપર નિર્ભર રહે એ તમને પસંદ પડશે? જો આનો જવાબ હા હોય તો મારે કશું કહેવાનું નથી. પણ મને ખબર છે કે તમારો જવાબ હા નથી. તો હવે એ વાત તમારા ઉપર લાગુ કરો...શું મફતની વીજળી અને બેરોજગારીના ભથ્થાંથી તમે આખી જિંદગી પૂરી કરી શકશો? શું એ બધું મફત મળવાથી તમે પ્રગતિ કરી શકશો? એવી પ્રગતિ જે તમને મોટું ઘર, ગાડી, વિદેશ પ્રવાસ કરવાની ક્ષમતા આપે એવી પ્રગતિ મફતની વીજળી અને ભથ્થાંથી મળી શકશે? મફતવાલ તો તમને બધું મફત આપીને- તમને માયકાંગલા બનાવીને અને સાથે સાથે રાજ્યની તિજોરી ખાલી કરી દઈને બેશરમની જેમ હાથ ઊંચા કરી ચાલ્યો જશે, પણ પછી તમે મહેનત કરવાને લાયક રહ્યા હશો ખરા?

મફતની વીજળી અને બેરોજગારી ભથ્થાંનાં સ્વપ્ન જોતી વખતે બસ માત્ર એટલું યાદ રાખજો કે વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓને એ માટે ખર્ચ થાય છે. એ ખર્ચ તમે નાણા આપશો ત્યારે ભરપાઈ થશે. પણ તમે નાણા નહીં આપો તો વીજળી ઉત્પન્ન કરતી કંપની ખોટમાં જશે. એ ખોટમાં વધારો થવાથી તેની અસર ઉત્પાદન ઉપર થશે. વીજળી કાપ આવશે. એ વીજ કંપનીઓના કર્મચારીઓની છટણી થશે. એ રીતે બેરોજગારોની સંખ્યામાં વધારો થશે. એ બધા બેરોજગારોને બેરોજગારી ભથ્થાં ક્યાંથી આપવામાં આવશે? જે મુઠ્ઠીભર લોકો ટેક્સ ભરે છે એમના નાણામાંથી જ ને? એ મુઠ્ઠીભર લોકો દેશની 99 ટકા પ્રજાનું ભરણપોષણ કરવાની જવાબદારી કેટલા સમય સુધી વહન કરી શકશે એ બાબતે કોઇએ વિચાર કર્યો છે ખરો?

હવે રેવડીવાલ તમારી સમક્ષ આવીને વાયદા કરે ત્યારે અહીં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એ એમને પૂછજો. એમને પૂછજો કે તમારી પાસે રાજ્યની આવક વધારવાનું કયું મોડેલ છે? એમને પૂછજો કે વિકાસનાં કામો માટે તમારી પાસે કયું મોડેલ છે? આ દેશની સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષણ માટે તેમની પાસે કયું મોડેલ છે એ પણ પૂછવાનું ચૂકશો નહીં. જો રેવડીવાલ-પાર્ટી પાસે આના જવાબો ન હોય તો તેમની નૌટંકી ઉપર નજર નાખતા રહો, બધું આપોઆપ સમજાઈ જશે... મિલતે હૈ બ્રેક કે બાદ!

Tuesday, August 23, 2022

અનેક દાયકાથી ઉપેક્ષિત સુકીભઠ્ઠ ધરતી લીલીછમ કેવી રીતે થઈ?


-- માતા ગંગાની જેમ શિવગંગાને સાકાર કરવાનું કામ કોણ કરી રહ્યું છે

-- ગુજરાતની સરહદ નજીક ઝાબુઆમાં આદિવાસીઓએ કેવી રીતે કરી હરિત-ક્રાંતિ?

 n  અલકેશ પટેલ

 ગુજરાતની પૂર્વ સરહદ નજીક મધ્યપ્રદેશમાં ઝાબુઆ જિલ્લામાં એક શાંત ક્રાંતિ થઈ રહી છે. આ ક્રાંતિનાં શસ્ત્રો છે પાવડા અને કોદાળી. આ ક્રાંતિનું ધ્યેય છે લીલીછમ ધરતી. આ ક્રાંતિનું પરિણામ છે જમીનમાં પાણીનો ભરપૂર સંગ્રહ. આ ક્રાંતિનાં ફળ મળી રહ્યાં છે આદિવાસી યુવાનોને ઘર આંગણે જ રોજગારીના અવસર રૂપે. - આ છે ઝાબુઆના આદિવાસીઓએ, અન્ય ગ્રામ્ય પ્રજાએ કરેલી હરિત-ક્રાંતિ.

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં શિવગંગા સમગ્ર ગ્રામીણવિકાસ પરિષદ નામે એક સંસ્થા આ હરિતક્રાંતિની સૂત્રધાર છે. આ સંસ્થા – જલ, જંગલ, જમીન, જાનવર અને જળ – એમ આદિજાતિઓ માટે પાયાના દરેક ક્ષેત્રમાં કામ કરી રહી છે.

આ સુકાભઠ પ્રદેશને હરિયાળો કરવા માટેના પ્રયાસ 2007માં શરૂ થયા હતા. બન્યું એવું કે, મહેશ શર્મા આદિવાસી વિસ્તારોની સામાજિક – આર્થિક સ્થિતિ વિશે અભ્યાસ કરવા 1998માં ઝાબુઆ પહોંચ્યા. ત્યાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી, યુવાનોને મળ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે એ પ્રદેશના લોકોની સૌથી મોટી ફરિયાદ પાણીની અછતની છે. આ અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત સ્થાનિક આદિવાસી અગ્રણી હર્ષ ચૌહાણ સાથે થઈ. બંનેએ સાથે મળીને ઝાબુઆની પાણીની સમસ્યા હલ કરવા માટે મનોમંથન કર્યું અને તેમાંથી શિવગંગા યોજનાનો વિચાર આવ્યો.

પાણી સિવાય પણ ઝાબુઆ ક્ષેત્રની બીજી અનેક સમસ્યાઓ જેવી કે, આરોગ્ય, શિક્ષણ, આદિવાસી મહિલાઓનું સ્વાસ્થ્ય જેવા પ્રશ્નો પણ હતા. એ લોકોને ચોમાસા સિવાયના સમયમાં રોજગારી માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવું પડતું હતું. આવા સ્થળાંતરને કારણે પરિવારો જૂદા પડી જતા એટલું જ નહીં પરંતુ અન્ય સ્થળોએ તેઓ તેમની પરંપરાગત આદિવાસી સંસ્કૃતિનું જતન કરી શકતા નહોતા. તકોના અભાવે યુવાનો પણ હતાશ થઈ રહ્યા હતા.

આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા બંને કર્મશીલોએ શિવગંગા સમગ્ર ગ્રામીણવિકાસ પરિષદની રચના કરી જેથી અલગ અલગ સમસ્યાઓનો અલગ અલગ માધ્યમ દ્વારા ઉકેલ લાવી શકાય. તેમણે ઝાબુઆ જિલ્લાના 800 ગામમાં એક નેટવર્ક ઊભું કર્યું અને તેના દ્વારા ગામ તળાવો, ખેત તળાવો, નાના-મોટા કદના પાણીના કુંડ બનાવવાની કામગીરી સ્થાનિક આદિવાસીઓ તેમજ યુવાનો અને મહિલાઓની મદદથી શરૂ કરી.

પાણીનો સંગ્રહ શરૂ થયા પછી ખેતી માટે ચોમાસા સિવાય પણ પાણી મળી રહેવાની સુવિધા ઊભી થતાં તેમણે ગામડાંની નજીક જંગલો ઉગાડવાની યોજના બનાવી. આ માટે ખેડૂતો સાથે વાત કરી અને તેઓ જમીન આપવા તૈયાર થયા. ઝાબુઆ જિલ્લાના આદિવાસીઓ જંગલોમાં જ રહેતા હતા પરંતુ વિકાસની દોડમાં એ જંગલોનો નાશ થતા તેમનું પરંપરાગત જીવન ખોરવાઈ રહ્યું હતું. એ જંગલોને આદિવાસીઓ માતાવન તરીકે ઓળખતા હતા. મહેશભાઈ અને હર્ષભાઈએ નવેસરથી ગામડાંઓની નજીક જંગલો ઉગાડવાની જે યોજના બનાવી તેનું નામ માતાવન જ રાખ્યું જેથી આદિવાસીઓને એ પોતીકું લાગે.

સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારના ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગની તાલીમ તથા અન્ય સહાય આપવામાં આવી રહી છે જેને કારણે આ વિસ્તારમાં ખેતીની ઉપજ અને ખેડૂતોની આવક બંનેમાં વધારો થયો છે.

આમ કરતાં કરતાં ઝાબુઆનો આદિવાસી સમૂહ ફરી એકત્રિત અને સંગઠિત થતો ગયો એટલે તેમના માટે સ્થાનિક સ્તરે જ રોજગારીના અવસર ઊભા કરવામાં આવ્યા. સંસ્થા દ્વારા સ્થાનિક યુવાનોને વાંસમાંથી વિવિધ ચીજો બનાવવા સહિત અન્ય રોજગારલક્ષી તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે.

શિવગંગાનો આ ઉપક્રમ સમગ્ર આદિવાસી સમાજ માટે હોવાથી સ્વાભાવિક રીતે જ મહિલાઓ તેમજ કિશોરીઓને તેમાં જોડવામાં આવી છે. આ વિસ્તારમાં હાલ અનેક યોજનાનું નેતૃત્વ મહિલાઓને સોંપવામાં આવ્યું છે. તેની સાથે સાથે કિશોરાવસ્થાની દીકરીઓને પણ શિક્ષણ સહિત વિવિધ તાલીમ કાર્યક્રમોમાં સામેલ કરીને તેમને સક્ષમ બનાવવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં તેઓ સમાજમાં માનભેર સ્થાન મેળવી શકે.

આ ક્ષેત્રના સમુદાયો સાથેની વાતચીત દરમિયાન સંસ્થાના સંચાલકોને ધ્યાનમાં આવ્યું કે, આરોગ્યના પ્રશ્નો ચિંતાજનક છે. જંગલ વિસ્તાર હોવાથી ક્વૉલિફાઈડ ડૉક્ટરો અહીં પ્રેક્ટિસ કરતા નથી. આ કારણે સંસ્થાએ પોતે આ બાબતમાં ધ્યાન આપ્યું અને સાથે દરેકના ઘરાના આંગણાંમાં જડીબુટ્ટીઓના છોડ અને વૃક્ષો ઉગાડવાનો પ્રયોગ પણ શરૂ કર્યો. સંસ્થાના સંચાલકો જણાવે છે કે, જડી-બુટ્ટીઓના છોડ-વૃક્ષોના પ્રયોગ બાદ આશ્ચર્યજનક પરિણામ મળ્યાં છે. આદિવાસી પરિવારોમાં સ્વાસ્થ્યની સમસ્યાઓ ઘટી ગઈ છે એટલું જ નહીં પરંતુ તેનું બીજું એક પરિણામ એ પણ આવી રહ્યું છે કે વૃક્ષો પર ઊગતી વધારાની જડીબુટ્ટીઓ વેચીને પરિવારો આવક પણ કરી રહ્યા છે.

શિવગંગા કાર્યક્રમની સાથે સાથે આદિવાસીઓની હજારો વર્ષ જૂની હલમા પરંપરા પણ પુનઃજીવિત થઈ છે. હલમા એક એવી પરંપરા છે જેમાં કોઇપણ આદિવાસી પરિવારને એવી મદદ જોઈતી હોય જેમાં શારીરિક શ્રમની આવશ્યકતા હોય, પરંતુ એ કામગીરી વ્યવસાયી રીતે કરાવી શકાય એવી નાણાકીય સ્થિતિ ન હોય ત્યારે તે પોતાના સમુદાયને હાકલ કરે અને સમુદાય લોકો એકઠા થઇને સામુહિક રીતે એ પરિવારની જરૂરિયાતનું કામ કરી આપે. હલમાની આવી કામગીરી માટે એકઠા થતા આદિવાસીઓ ભોજન પોત-પોતાના ઘરેથી જ લઇને આવે અને જરૂરિયાતમંદ વ્યક્તિનું કામ કરીને એ માટે કોઈ ફી લીધા વિના હસતાં હસતાં પોતપોતાના ઘરે પરત ફરી જાય.

શિવગંગાના સંચાલકોને આ પરંપરાની જાણ થઈ ત્યારે તેમણે એ લુપ્ત થઈ ગયેલી પરંપરાને પુનઃજીવિત કરી. હકીકતે ગામોની આસપાસ તળાવો બનાવવા, માતાવન વિકસાવવા જેવાં કામો હાલ આ હલમા પરંપરા દ્વારા જ થઈ રહ્યા છે.

સંસ્થા દ્વારા શહેરી યુવાનો માટે ફેલોશિપ કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે જેના હેઠળ આદિવાસી વિસ્તારોમાં કામ કરવા ઈચ્છુક યુવાન-યુવતીઓ ઝાબુઆમાં શિવગંગા સંસ્થા સાથે મળીને પ્રત્યક્ષ કામગીરીનો અનુભવ અને તાલીમ લે છે.

 આ સંસ્થા વિશે વધુ જાણકારી માટે નીચેના સરનામે સંપર્ક કરી શકાયઃ-

Indore Office :
Shivganga Samagra Gramvikas Parishad

50 A Lokmanya Nagar Extension,
Indore – 452009
Ph: 9406922130

 ------------------

Dharampuri Gurukul :
Shivganga Samagra Gramvikas Parishad Gram – Dharampuri,

Gram Panchayat- Charoli Pada
Dist – Jhabua – 4576611
Ph: 9588296068

----------------

Mail Address

Contact@shivgangajhabua.org