Sunday, December 11, 2022

પ્રચંડ સમર્થન પછી હવે ભાજપની જવાબદારી પણ એટલી જ પ્રચંડ


ગુજરાતના 53 ટકા મતદારોએ દિલ ખોલીને ભાજપને સમર્થન તો આપ્યું છે, પણ સમર્થન પાછળ રાજ્યના સાડા છ કરોડ નાગરિકોની નાની નાની અપેક્ષાઓ છે. સોમવારે સાતમી વખત શપથ લો છો ત્યારે આ સાત વચન આપો...

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે ઈતિહાસ રચી દીધો. 53 ટકા મતદારોએ દિલ ખોલીને ભાજપને મત આપ્યા. આ એક પ્રકારે પ્રચંડ સમર્થન છે, પરંતુ તે સાથે પક્ષની પ્રજા પ્રત્યેની જવાબદારી પણ એટલી જ પ્રચંડ બની છે. આવતીકાલે માગસર વદ ચોથ, 2079ને સોમવારે એક રાજકીય પક્ષ તરીકે ભાજપ એક જ રાજ્યમાં સાતમી વખત સત્તા સંભાળવા માટેના શપથ લઈ રહ્યો છે ત્યારે રાજ્યની પ્રજા ભાજપના નેતૃત્વ પાસે સાત અપેક્ષા રાખે છે. આ અપેક્ષાઓ આમ તો નાની નાની છે, પરંતુ એનું મૂલ્ય રાજ્યના એવા નાગરિકો માટે ઘણું છે જેમણે કોંગ્રેસની કોમવાદી રાજનીતિનો કચ્ચરઘાણ વાળી દીધો છે અને મફતિયા યોજનાઓના નામે બગલમાં છૂરી લઇને આવેલા કેજરીવાલને લાત મારીને તગેડી મૂક્યા છે.

શુક્રવારે રાત્રે આ લેખ લખવા બેઠો ત્યારે જ એક વૉટ્સએપ ગ્રુપમાં એક ફોરવર્ડ મેસેજ આવ્યો જેનો ફોટો આ લેખ સાથે મૂક્યો છે. આ ફોટામાં કહેલી વાતો સાથે એક લેખક તરીકે હું સંમત છું કે નહીં એ મુદ્દો અલગ છે, પરંતુ રાજ્યના નાગરિકોની આવી લાગણી છે તેનો ઇનકાર થઈ શકે તેમ નથી. આજનો લેખ આ વિષય ઉપર લખવાની શરૂઆત કરવી અને એ જ સમયે વૉટ્સએપ ગ્રુપમાં આ ફોરવર્ડ સંદેશો આવવો – એ સુખદ યોગાનુયોગ છે.

હા, તો વાત સાત નાની નાની અપેક્ષાઓની છે અને એ પૂરી કરવા એક રાષ્ટ્રવાદી-ધર્મરક્ષક પક્ષ તરીકે ભાજપે અને તેની સરકારે સાત વચન આપવાના છે.

(1) હે ભાજપના શાસકો, ગુજરાતના નાગરિકોની સૌથી પહેલી અપેક્ષા એ છે કે, દરેક ચોમાસામાં તૂટી ન જાય એવા રસ્તા બનાવડાવો. નાગરિકો તરીકે અમે જાણીએ છીએ ... અથવા કહો કે અમે એવો વિશ્વાસ રાખીએ છીએ કે ભાજપના નેતાઓ અથવા મંત્રીઓ ભ્રષ્ટ નહીં હોય અને તેમના ભ્રષ્ટાચારને કારણે દરેક ચોમાસામાં રસ્તાઓની આવી હાલત નહીં થતી હોય, પરંતુ રસ્તા તૂટે છે એ હકીકત છે. આ અતિશય પીડાદાયક સ્થિતિ છે. દર ચોમાસે રસ્તા તૂટી જાય એવી સ્થિતિ હવે ચલાવી લઈ શકાય તેમ નથી. આ બાબતે નક્કર કામગીરી થવી જ જોઇએ. જે તે વિભાગના અધિકારીઓ અને રસ્તા બનાવતા કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી થવી જ જોઇએ. એટલું જ નહીં પરંતુ ચોમાસામાં જે વિસ્તારનો રસ્તો તૂટે એ બનાવનાર કોન્ટ્રાક્ટર અને અધિકારી વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થઈને પૂરી પારદર્શકતાથી તેમની સામે કાર્યવાહી થવી જ જોઇએ. તૂટેલા રસ્તાને કારણે કેટલા અકસ્માત થાય છે, કેટલા લોકોને કમરનો દુઃખાવો થઈ જાય છે...એની તપાસ કરાવશો તો શાસકો તરીકે તમારી આંખ પહોળી થઈ જશે.

(2) ગુજરાતના નાગરિકોની બીજી અપેક્ષા એ છેઃ રસ્તા પર ફરતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ મળવી અનિવાર્ય છે. રાજ્યે વિકસિત થવું હોય, પ્રગતિશીલ દેખાવું હોય તો કોઇપણ સંજોગોમાં રસ્તા પર ઢોર ન આવે એ માટે આકરો નિર્ણય લેવાની હિંમત દાખવવી પડશે. 200-500 લોકો સામે અથવા થોડા હજાર લોકોના જૂથ સામે ઝૂકી જવું અને એ રીતે બીજા અસંખ્ય લોકોની જિંદગી જોખમમાં મૂકવી એમાં કોઈ બહાદુરી નથી. અથવા માત્ર કર્ણાવતી, સુરત, રાજકોટ કે વડોદરા જેવાં શહેરોમાં જ રસ્તા પર ઢોર ન આવે એવી વ્યવસ્થા કરવી એ પણ પૂરતું નથી જ નથી. આ સમસ્યા આખા રાજ્યને ગંભીર રીતે નડી રહી છે- તેથી મહાનગરો, જિલ્લા મથકો તેમજ તાલુકા મથકોને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્ત કરાવવા જ પડશે.

(3) ટ્રાફિકની સમસ્યા પણ એ જ હદે ગંભીર અને જીવલેણ છે. એ વાત સાચી કે આ દેશના અને ગુજરાતના મોટાભાગના નાગરિકો પોતે અભણ – ગમાર હોય એવી રીતે વર્તે છે અને ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા. લાખોની સંખ્યામાં આ અભણ – ગમાર ગુજરાતીઓ વાહનો રોંગ સાઇડ ચલાવે છે, ગમે ત્યાં વાહન પાર્ક કરી દે છે...અને એવાં કારણોસર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે એ ખરું, પરંતુ હે સત્તાધીશો, તમે એ ન ભૂલશો કે એક પ્રામાણિક પોલીસ આવી સમસ્યાઓમાંથી નાગરિકોને મુક્તિ અપાવી શકે છે. ગુજરાતના ટ્રાફિક વિભાગના અનેક કર્મીઓ ટ્રાફિક પૉઈન્ટની વચ્ચે ઊભા રહીને પ્રામાણિકતાથી ફરજ બજાવવાને બદલે ખૂણાઓમાં ભરાયેલા રહે છે, તેમના સ્માર્ટફોનમાં મોઢા નાખીને રસ્તા પર ગેરકાયદે ઊભી થયેલી ચાની લારી ઉપર ચા અને ફાકીઓ ખાતા હોય છે. ટ્રાફિક સિગ્નલની ડિજિટલ ઘડિયાળો બંધ હોય છતાં આ અપ્રામાણિક ટ્રાફિક કર્મીઓ તેને રિપેર કરાવવા બાબતે ધ્યાન આપતા નથી. ક્યારેક તો ટ્રાફિક કર્મીઓનું વર્તન રીતસર માત્ર ઉઘરાણાં કરવા માટે ઊભા રહેલા લોકો જેવું હોય છે. આ બાબતે જવાબદાર ટોચના પોલીસ અધિકારીઓ સાથે મંથન કરીને સ્થિતિ સુધારવી જ પડશે.

(4) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન ઉપાડેલું હોવા છતાં હજુ પણ શહેરોમાં અને નગરોમાં અને ગામોમાં પ્રજા પોતે તો સ્વચ્છતા નથી જ રાખતી, પરંતુ જેમના ઉપર સફાઈની જવાબદારી છે એ લોકો પણ એ જવાબદારી પૂરી નથી કરતા. શું સફાઈ કામદારોના કોન્ટ્રક્ટરો સાથે, એ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને તેમને તેમની જવાબદારી પ્રામાણિકતાપૂર્વક નિભાવવા માટે પગલાં લઈ શકાય?

(5) રાજ્યની અને દેશની ઘણી બધી સેવાઓ ઑનલાઇન થઈ છે. લગભગ બધી સેવાઓ સરળતાથી સુપેરે ચાલે છે...પરંતુ આરટીઓ વિભાગ હજુ પણ દલાલો અને અપ્રામાણિક કર્મચારીઓની ચુંગાલમાંથી છૂટી શક્યો નથી. આરટીઓ વિભાગમાં કઈ હદે અને કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હશે કે તેમાં સામાન્ય નાગરિકો ઑનલાઇન સેવાથી પોતાનું કામ કરી જ નથી શકતા. તેમણે ના-છૂટકે એજન્ટ પાસે, દલાલ પાસે કે પછી આરટીઓ કચેરીના કર્મચારીઓ/અધિકારીઓ પાસે જઇને અપમાનિત થવું પડે છે, કાકલુદી કરવી પડે છે એ વાતનો શું શાસકોને આજ સુધી કોઈ અંદાજ જ નથી? તો જરા આ વખતે આ બાબતે ધ્યાન આપજો.

(6) રાજ્યમાં યાત્રાધામોની આસપાસની સ્થિતિ અતિશય પીડાદાયક છે. ઘણાં યાત્રાધામોનો શ્રેષ્ઠ વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ તેની આસપાસ વેપારીઓ જે રીતે બેફામ ખુમચા બાંધી દઈને, પાથરણાં પાથરી દઈને જે રીતે દબાણ કરે છે અને સાથે જે હદે ગંદકી કરે છે એમાંથી મુક્તિ અપાવવા વિશે પણ સરકારે પગલાં લેવા જોઇશે. સ્થાનિક પોલીસ અને સ્થાનિક અધિકારીઓ જો પ્રામાણિક હોય તો આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે, પણ એ માટે સરકારે ખબરદાર રહેવું પડે.

(7) શહેરોની ફૂટપાથોને પગે ચાલનારાઓ માટે ખાલી કરાવવામાં આવે એ આવશ્યક છે. રોજેરોજ અનેક લોકો અનેક જગ્યાએ ફૂટપાથ પર પાથરણા પાથરીને, નાનો ગલ્લો ઊભો કરી દઈને, ખાણી-પીણીની લારી ચાલુ કરી દઈને દબાણ કરે છે. તેને પરિણામે ચાલનારાઓએ રસ્તા પર ચાલવું પડે છે જ્યાં અકસ્માતો થવાનો સતત ભય રહે છે. સ્થાનિક પોલીસ, સ્થાનિક સરકારી કર્મચારી, સ્થાનિક સરકારી અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો આ સ્થિતિને ટાળી શકે છે જો તેમનામાં થોડી હિંમત હોય. અને એ હિંમત આપવાનું કામ રાજ્ય સરકાર કરી શકે છે.

આ સાત નાની અપેક્ષાઓ રાજ્યના નાગરિકોની છે. મેળાવડા અને સમારંભોમાં હાજરી આપવાની સાથે સાથે આ બાબતો ઉપર રાજ્ય સરકાર ધ્યાન આપશે તો પ્રજાએ આપેલી જંગી બહુમતી લેખે લાગશે. આશા રાખું છું કે સ્વર્ણિમ ભારત (કૉલમ) દ્વારા કહેવામાં આવેલી આ વાતો ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચશે અને વિચારણા કરવામાં આવશે ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment