Sunday, August 11, 2019

કોંગ્રેસ તારું રાજકારણ મંજૂર છે, પણ દેશ વિરોધી એજન્ડા તો નહીં જ ચલાવીએ

--- કોંગ્રેસ એટલું યાદ રાખે કે ભારતની પ્રજાએ એ પક્ષને હાંસિયામાં ધકેલી દીધો છે તેનું કારણ કોંગ્રેસના પાકિસ્તાન-તરફી એજન્ડા સામેનો આક્રોશ છે


--- અલકેશ પટેલ

રાજકારણ એની જગ્યા છે અને એ બાબતે કદી કોઇને વાંધો હોતો નથી, હોવો જોઇએ પણ નહીં. છેવટે લોકશાહી શાસન વ્યવસ્થામાં રાજકીય ગણતરીઓ અને કાવાદાવ જ તમારું વર્તમાન અને ભવિષ્ય નક્કી કરતા હોય છે...પરંતુ એ રાજકીય ગણતરી અને સોગઠાંબાજીની રમતમાં તમે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની અદ્રશ્ય લક્ષ્મણરેખા ઓળંગીને કોઈ ચોક્કસ એજન્ડામાં આગળ વધી જાવ ત્યારે સમજદાર પ્રજા તમને જાકારો આપી દે છે. કોંગ્રેસની સાથે હાલ એ જ થઈ રહ્યું છે. 

જેહાદી માનસિકતા ધરાવતા "ડાબેરી તત્વો"ની અસર હેઠળ જ કોંગ્રેસ આજે કલમ-370ના મુદ્દે પાકિસ્તાનીઓની ભાષામાં વાત કરે છે. ડાબેરી જેહાદી તત્વોથી ઘેરાયેલા કોંગ્રેસ પક્ષના હૈયામાં જો ખરેખર જમ્મુ-કાશ્મીરનું હિત વસતું હોત તો તેણે 1964માં જ કલમ-370 નાબૂદ કરી દેવી જોઇતી હતી. જમ્મુ-કાશ્મીરની પ્રજાને બાકીના દેશથી અલગ પાડી દેતી એ કલમ વિરોધી પ્રસ્તાવ ઉપર 1964માં પણ સંસદમાં ચર્ચા થઈ હતી...જો એ વખતે આ વિભાજનકારી કલમ નાબૂદ કરી દીધી હોત તો આટલાં વર્ષોમાં શેષ ભારતની સાથે જમ્મુ-કાશ્મીર એકરસ થઈ ગયું હોત અને ત્યાં પાકિસ્તાની આતંકીઓને પગપેસારો કરવાની તક મળી ન હોત. છતાં ડાબેરી જેહાદીઓની અસર હેઠળ કોંગ્રેસે તૃષ્ટિકરણને માથે ચડાવ્યું હતું અને રાષ્ટ્રપ્રેમને હાંસિયામાં ધકેલી દીધો હતો.

આ જ ડાબેરી જેહાદી માનસિકતાની અસર હેઠળ કોંગ્રેસે કદી સમાન નાગરિક કાયદો (કૉમન સિવિલ કોડ) લાવવાનો પ્રયાસ ન કર્યો. પરિણામે દેશની પ્રજા સતત ધાર્મિક આધાર ઉપર વહેંચાયેલી રહી.

આ જ ડાબેરી જેહાદી માનસિકતાની અસર હેઠળ ટૂંકી દ્રષ્ટિના કોંગ્રેસી નેતાઓને વસ્તી વિસ્ફોટની સમસ્યા વિકરાળ બનશે એ ખબર જ ન પડી અને વસ્તી નિયંત્રણનો કડક કાયદો ન બનાવ્યો, પરિણામે ભારત આજે જનસંખ્યાથી રીતસર ખદબદી રહ્યો છે.

ડાબેરી જેહાદીઓની અસર હેઠળ જ કોંગ્રેસે ધર્માંતરના મુદ્દે પણ કદી કોઈ અસરકારક પગલાં લીધા જ નહીં, પરિણામે આજે દેશના ઓછામાં ઓછા આઠથી નવ (8 થી 9) રાજ્યોમાં ભારતનો મૂળ નાગરિક જય શ્રી રામ પણ બોલી શકતો નથી.

કોંગ્રેસને રાષ્ટ્રવાદ શા માટે પસંદ નથી એ સમજવું અઘરું નથી. કોંગ્રેસની તૃષ્ટિકરણ તેમજ દુશ્મન દેશોને ખુશ કરે એવી નીતિ માટે જવાબદાર છે કોંગ્રેસની અંદર રહેલા ડાબેરી તત્વો. આ ડાબેરી તત્વોની સૌથી મોટી મર્યાદા એ હોય છે કે એ જ્યાં જન્મ્યા અને મોટા થયા હોય ત્યાંની ધર્મ-સંસ્કૃતિ એમને પસંદ નથી હોતી. આ ડાબેરી તત્વોને હંમેશાં બીજા ધર્મ અને સંસ્કૃતિ જ સારા દેખાય છે. પરિણામે આ ડાબેરી તત્વો "માનસિક-વૈચારિક ધોરણે શિથિલ ચારિત્ર્ય"ના હોય છે. વ્યક્તિગત જીવનમાં ઉમદા હોઈ શકે, હશે જ - પણ એમની વૈચારિક શિથિલતા સમાજજીવનને ખતમ કરનારી હોય છે.

ડાબેરી વિચારધારાનો આ સડો કોંગ્રેસમાં પહેલેથી જ પેસી ગયેલો છે. આ જ કારણે કોંગ્રેસે કદી રાષ્ટ્રવાદી નેતાઓને લાંબા સમય સુધી પક્ષનું અને દેશનું નેતૃત્વ સોંપ્યું જ નહીં. જિનેટિકલી પરિણામ એ આવ્યું કે કોંગ્રેસી રાજકારણીઓ માત્ર એવું જ માનતા થઈ ગયા કે એક પરિવાર સિવાય આપણા પક્ષનો કોઈ ઉદ્ધાર છે જ નહીં! એટલે જ હરીફરીને છેવટે 10 જનપથમાં આળોટવાની ફરીથી વ્યવસ્થા કરી દીધી.

ડાબેરી વિચારધારા તમને રાષ્ટ્રપ્રેમથી દૂર લઈ જાય છે. ડાબેરી વિચારધારાનો પાયો ભાગલાવાદ અને ભાંગફોડ છે. ડાબેરી વિચારધારા મહેનત અને પ્રામાણિકતાને ધિક્કારે છે. મહેનત અને પ્રામાણિકતાથી સુખી અને ધનિક થનાર, મહેનત અને પ્રામાણિકતાથી ધર્મ અને અધ્યાત્મના ઊંચા શિખરે પહોંચનાર તમામ લોકો માનવજાતના દુશ્મન છે એવું ડાબેરીઓ સામાન્ય પ્રજામાં ઠસાવતા રહે છે. હકારાત્મક અભિગમ દ્વારા સામાન્ય પ્રજાની મહેનત અને પ્રામાણિકતાને સેલિબ્રેટ કરવાને બદલે, તેને પ્રોત્સાહિત કરવાને બદલે એ પ્રજાને સુખી અને ધનિક થયેલા લોકો વિરુદ્ધ ભડકાવવા એ ડાબેરી એજન્ડા હોય છે - દુનિયાભરમાં. 

ભારતમાં ડાબેરીઓએ એ કામ કોંગ્રેસ મારફત કરાવ્યું. કોંગ્રેસે એક પારકા ધર્મ અને પારકી વિચારધારાવાળા લોકોને ખુશ રાખીને મત મેળવવા પોતાના જ લોકોને લાતો મારી મારીને દૂર કરી દીધા. આજે જવાબદારીપૂર્વક કહેવા માગું છું કે ડાબેરી વિચારધારા એક પ્રકારે જેહાદી જ છે. જેહાદીઓની જેમ જ ડાબેરીઓનો આશય પણ માત્ર હિંસાના જોરે વિસ્તારવાદનો જ હોય છે. જેહાદીઓ પણ ડાબેરીઓના વેશમાં જ તમારી આસપાસ બેઠેલા હોય છે.

ભારતના કમનસીબે કોંગ્રેસ પક્ષ આ બધાનો ભોગ બન્યો છે. આ બધાની નાગચૂડમાં ફસાઈ ગયો છે. ડાબેરી જેહાદીઓની અસર હેઠળ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રનું અને સાથે સાથે રાષ્ટ્રવાદીઓનું સતત અપમાન કરી રહ્યો છે. 
370મી કલમ નાબૂદ થાય એમાં રાષ્ટ્રનું હિત છે. 
કૉમન સિવિલ કોડ બને એમાં રાષ્ટ્રનું હિત છે. 
વસ્તી નિયંત્રણ કાયદો બને એમાં રાષ્ટ્રનું હિત છે. 
ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને હાંકી કાઢવા માટે પગલાં લેવાય એમાં રાષ્ટ્રનું હિત છે. 

રાષ્ટ્રહિતના આ બધા પગલાંમાં જો કોંગ્રેસ પક્ષ દેશની સાથે અને પ્રજાની સાથે ન હોય તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે કોંગ્રેસ પક્ષનો એજન્ડા દેશ વિરોધી છે. કોંગ્રેસ અને ડાબેરીઓ અને જેહાદીઓ એમ માનતા હોય કે પ્રજાને ગેરમાર્ગે દોરીને એ લોકો ગમેત્યારે ફરીથી સત્તા હાંસલ કરી લેશે... તો મને લાગે છે કે કોંગ્રેસ અંધારામાં છે...રાષ્ટ્રીય "સન્માન" અને "સ્વમાન"ના મીઠાં ફળ ચાખી ચૂકેલો સરેરાશ ભારતીય નાગરિક હવે ડાબેરી-જેહાદી-કોંગ્રેસી કાવતરાંમાં ફસાય એ શક્ય લાગતું નથી.#અલકેશ.

No comments:

Post a Comment