Showing posts with label sonia gandhi. Show all posts
Showing posts with label sonia gandhi. Show all posts

Sunday, August 11, 2019

કોંગ્રેસ તારું રાજકારણ મંજૂર છે, પણ દેશ વિરોધી એજન્ડા તો નહીં જ ચલાવીએ

--- કોંગ્રેસ એટલું યાદ રાખે કે ભારતની પ્રજાએ એ પક્ષને હાંસિયામાં ધકેલી દીધો છે તેનું કારણ કોંગ્રેસના પાકિસ્તાન-તરફી એજન્ડા સામેનો આક્રોશ છે


--- અલકેશ પટેલ

રાજકારણ એની જગ્યા છે અને એ બાબતે કદી કોઇને વાંધો હોતો નથી, હોવો જોઇએ પણ નહીં. છેવટે લોકશાહી શાસન વ્યવસ્થામાં રાજકીય ગણતરીઓ અને કાવાદાવ જ તમારું વર્તમાન અને ભવિષ્ય નક્કી કરતા હોય છે...પરંતુ એ રાજકીય ગણતરી અને સોગઠાંબાજીની રમતમાં તમે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની અદ્રશ્ય લક્ષ્મણરેખા ઓળંગીને કોઈ ચોક્કસ એજન્ડામાં આગળ વધી જાવ ત્યારે સમજદાર પ્રજા તમને જાકારો આપી દે છે. કોંગ્રેસની સાથે હાલ એ જ થઈ રહ્યું છે. 

જેહાદી માનસિકતા ધરાવતા "ડાબેરી તત્વો"ની અસર હેઠળ જ કોંગ્રેસ આજે કલમ-370ના મુદ્દે પાકિસ્તાનીઓની ભાષામાં વાત કરે છે. ડાબેરી જેહાદી તત્વોથી ઘેરાયેલા કોંગ્રેસ પક્ષના હૈયામાં જો ખરેખર જમ્મુ-કાશ્મીરનું હિત વસતું હોત તો તેણે 1964માં જ કલમ-370 નાબૂદ કરી દેવી જોઇતી હતી. જમ્મુ-કાશ્મીરની પ્રજાને બાકીના દેશથી અલગ પાડી દેતી એ કલમ વિરોધી પ્રસ્તાવ ઉપર 1964માં પણ સંસદમાં ચર્ચા થઈ હતી...જો એ વખતે આ વિભાજનકારી કલમ નાબૂદ કરી દીધી હોત તો આટલાં વર્ષોમાં શેષ ભારતની સાથે જમ્મુ-કાશ્મીર એકરસ થઈ ગયું હોત અને ત્યાં પાકિસ્તાની આતંકીઓને પગપેસારો કરવાની તક મળી ન હોત. છતાં ડાબેરી જેહાદીઓની અસર હેઠળ કોંગ્રેસે તૃષ્ટિકરણને માથે ચડાવ્યું હતું અને રાષ્ટ્રપ્રેમને હાંસિયામાં ધકેલી દીધો હતો.

આ જ ડાબેરી જેહાદી માનસિકતાની અસર હેઠળ કોંગ્રેસે કદી સમાન નાગરિક કાયદો (કૉમન સિવિલ કોડ) લાવવાનો પ્રયાસ ન કર્યો. પરિણામે દેશની પ્રજા સતત ધાર્મિક આધાર ઉપર વહેંચાયેલી રહી.

આ જ ડાબેરી જેહાદી માનસિકતાની અસર હેઠળ ટૂંકી દ્રષ્ટિના કોંગ્રેસી નેતાઓને વસ્તી વિસ્ફોટની સમસ્યા વિકરાળ બનશે એ ખબર જ ન પડી અને વસ્તી નિયંત્રણનો કડક કાયદો ન બનાવ્યો, પરિણામે ભારત આજે જનસંખ્યાથી રીતસર ખદબદી રહ્યો છે.

ડાબેરી જેહાદીઓની અસર હેઠળ જ કોંગ્રેસે ધર્માંતરના મુદ્દે પણ કદી કોઈ અસરકારક પગલાં લીધા જ નહીં, પરિણામે આજે દેશના ઓછામાં ઓછા આઠથી નવ (8 થી 9) રાજ્યોમાં ભારતનો મૂળ નાગરિક જય શ્રી રામ પણ બોલી શકતો નથી.

કોંગ્રેસને રાષ્ટ્રવાદ શા માટે પસંદ નથી એ સમજવું અઘરું નથી. કોંગ્રેસની તૃષ્ટિકરણ તેમજ દુશ્મન દેશોને ખુશ કરે એવી નીતિ માટે જવાબદાર છે કોંગ્રેસની અંદર રહેલા ડાબેરી તત્વો. આ ડાબેરી તત્વોની સૌથી મોટી મર્યાદા એ હોય છે કે એ જ્યાં જન્મ્યા અને મોટા થયા હોય ત્યાંની ધર્મ-સંસ્કૃતિ એમને પસંદ નથી હોતી. આ ડાબેરી તત્વોને હંમેશાં બીજા ધર્મ અને સંસ્કૃતિ જ સારા દેખાય છે. પરિણામે આ ડાબેરી તત્વો "માનસિક-વૈચારિક ધોરણે શિથિલ ચારિત્ર્ય"ના હોય છે. વ્યક્તિગત જીવનમાં ઉમદા હોઈ શકે, હશે જ - પણ એમની વૈચારિક શિથિલતા સમાજજીવનને ખતમ કરનારી હોય છે.

ડાબેરી વિચારધારાનો આ સડો કોંગ્રેસમાં પહેલેથી જ પેસી ગયેલો છે. આ જ કારણે કોંગ્રેસે કદી રાષ્ટ્રવાદી નેતાઓને લાંબા સમય સુધી પક્ષનું અને દેશનું નેતૃત્વ સોંપ્યું જ નહીં. જિનેટિકલી પરિણામ એ આવ્યું કે કોંગ્રેસી રાજકારણીઓ માત્ર એવું જ માનતા થઈ ગયા કે એક પરિવાર સિવાય આપણા પક્ષનો કોઈ ઉદ્ધાર છે જ નહીં! એટલે જ હરીફરીને છેવટે 10 જનપથમાં આળોટવાની ફરીથી વ્યવસ્થા કરી દીધી.

ડાબેરી વિચારધારા તમને રાષ્ટ્રપ્રેમથી દૂર લઈ જાય છે. ડાબેરી વિચારધારાનો પાયો ભાગલાવાદ અને ભાંગફોડ છે. ડાબેરી વિચારધારા મહેનત અને પ્રામાણિકતાને ધિક્કારે છે. મહેનત અને પ્રામાણિકતાથી સુખી અને ધનિક થનાર, મહેનત અને પ્રામાણિકતાથી ધર્મ અને અધ્યાત્મના ઊંચા શિખરે પહોંચનાર તમામ લોકો માનવજાતના દુશ્મન છે એવું ડાબેરીઓ સામાન્ય પ્રજામાં ઠસાવતા રહે છે. હકારાત્મક અભિગમ દ્વારા સામાન્ય પ્રજાની મહેનત અને પ્રામાણિકતાને સેલિબ્રેટ કરવાને બદલે, તેને પ્રોત્સાહિત કરવાને બદલે એ પ્રજાને સુખી અને ધનિક થયેલા લોકો વિરુદ્ધ ભડકાવવા એ ડાબેરી એજન્ડા હોય છે - દુનિયાભરમાં. 

ભારતમાં ડાબેરીઓએ એ કામ કોંગ્રેસ મારફત કરાવ્યું. કોંગ્રેસે એક પારકા ધર્મ અને પારકી વિચારધારાવાળા લોકોને ખુશ રાખીને મત મેળવવા પોતાના જ લોકોને લાતો મારી મારીને દૂર કરી દીધા. આજે જવાબદારીપૂર્વક કહેવા માગું છું કે ડાબેરી વિચારધારા એક પ્રકારે જેહાદી જ છે. જેહાદીઓની જેમ જ ડાબેરીઓનો આશય પણ માત્ર હિંસાના જોરે વિસ્તારવાદનો જ હોય છે. જેહાદીઓ પણ ડાબેરીઓના વેશમાં જ તમારી આસપાસ બેઠેલા હોય છે.

ભારતના કમનસીબે કોંગ્રેસ પક્ષ આ બધાનો ભોગ બન્યો છે. આ બધાની નાગચૂડમાં ફસાઈ ગયો છે. ડાબેરી જેહાદીઓની અસર હેઠળ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રનું અને સાથે સાથે રાષ્ટ્રવાદીઓનું સતત અપમાન કરી રહ્યો છે. 
370મી કલમ નાબૂદ થાય એમાં રાષ્ટ્રનું હિત છે. 
કૉમન સિવિલ કોડ બને એમાં રાષ્ટ્રનું હિત છે. 
વસ્તી નિયંત્રણ કાયદો બને એમાં રાષ્ટ્રનું હિત છે. 
ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને હાંકી કાઢવા માટે પગલાં લેવાય એમાં રાષ્ટ્રનું હિત છે. 

રાષ્ટ્રહિતના આ બધા પગલાંમાં જો કોંગ્રેસ પક્ષ દેશની સાથે અને પ્રજાની સાથે ન હોય તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે કોંગ્રેસ પક્ષનો એજન્ડા દેશ વિરોધી છે. કોંગ્રેસ અને ડાબેરીઓ અને જેહાદીઓ એમ માનતા હોય કે પ્રજાને ગેરમાર્ગે દોરીને એ લોકો ગમેત્યારે ફરીથી સત્તા હાંસલ કરી લેશે... તો મને લાગે છે કે કોંગ્રેસ અંધારામાં છે...રાષ્ટ્રીય "સન્માન" અને "સ્વમાન"ના મીઠાં ફળ ચાખી ચૂકેલો સરેરાશ ભારતીય નાગરિક હવે ડાબેરી-જેહાદી-કોંગ્રેસી કાવતરાંમાં ફસાય એ શક્ય લાગતું નથી.#અલકેશ.

Tuesday, March 26, 2019

દેશને આ વિશે ગંભીર ચિંતા થવી જોઇએ...

દેશને આ વિશે ગંભીર ચિંતા થવી જોઇએ...

રાહુલ ગાંધી એ પરિવારના વંશજ છે જેણે કોઈ સંઘર્ષ વગર સત્તા ભોગવી છે.  રાહુલને મન મહેનત અને શ્રમનું કોઈ મૂલ્ય નથી. અને એટલે જ સત્તા મેળવવા આ ગાંધી ગરીબોને ખેરાતના ટુકડા આપવા માગે છે
-- અલકેશ પટેલ
 મોતીલાલ નહેરુ વેપારી હતા. તેમણે ઊભી કરેલી મિલકત ઉપર જવાહરલાલ નહેરુ તાગડધીન્ના કરતા હતા. મોહનદાસ ગાંધીની લાગણીઓ સાથે રમત રમીને સંપૂર્ણ લાયક એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે પછી સુભાષચંદ્ર બોઝ કે પછી બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકર વગેરેને પાછળ રાખી વડાપ્રધાન બની ભૂલો કરતા રહ્યા. ઈન્દિરા નહેરુ-ખાનને રાજકીય વારસો આપ્યો. (ઈન્દિરાજીના પતિ ફિરોઝ ખાન ક્યારે અને કેવી રીતે ગાંધી થયા એ બધા જાણે છે) ઈન્દિરા બેન ગયાં પછી ગુલામીથી ટેવાયેલા કોંગ્રેસીજનોએ રાજીવ ગાંધી-ખાનને ધરાર વડાપ્રધાન બનાવી દીધા. તેમના ગયા પછી એ જ ગુલામ કોંગ્રેસીજનોએ સોનિયા ગાંધીને ધરાર માથે બેસાડી રાખ્યાં. અને હવે જે વ્યક્તિને પાંચ વ્યક્તિના ઑફિસ સ્ટાફની જવાબદારી પણ સોંપી શકાય એવી નથી તેને કોંગ્રેસીજનો વડાપ્રધાન બનાવવા માગે છે..! 

કોંગ્રેસનો સત્તા વિનાનો તરફડાટ અને સત્તા મેળવવા ગમે-તે કરવાની તૈયારી દેશને કઈ દિશામાં લઈ જશે એ જો સમજદાર નાગરિકો નહીં સમજે તો પછી આપણને સૌને કોઈ બચાવી નહીં શકે.

25 માર્ચને સોમવારે રાહુલ ગાંધીએ જે કથિત યોજનાનું વચન આપ્યું એ અતિશય ચિંતાજનક છે. પરાપૂર્વથી ચાલી આવતી ખેરાત આપવાની આ કોંગ્રેસી માનસિકતાનું ઉદાહરણ છે. જવાહરલાલ નહેરુ ડાબેરી-પ્રેમી હતા. તેમણે તેમની એ ખોટી માન્યતાઓ અને ખોટા સંસ્કાર તે સમયના કોંગ્રેસીઓમાં નાખ્યા અને એ દ્વારા દેશ ઉપર ઠપકારી દીધા. નહેરુએ જે સમયે ડાબેરી ચાલ-ચલગત પકડી ત્યારે પણ દુનિયામાં સામ્યવાદ કે સમાજવાદ સફળ થયા નહોતા અને એક સદી પછી આજે પણ સફળ થયા નથી. 

તેમ છતાં કમનસીબે નહેરુના એ વારસદાર રાહુલ ગાંધી દેશની 20 ટકા પ્રજાને ઘેર બેઠા કોઈ કામ-કાજ વિના ખેરાત આપી દેવાની જાહેરાત કરે છે..! 

 કોંગ્રેસના તમામ ટોચના નેતા, જે નહેરુ-ગાંધી-વાડ્રા પરિવારની આસપાસ ફરે છે - એ બધા જ રાહુલનું આઇક્યુ સ્તર સારી રીતે જાણે છે. તો પણ શા માટે તેને કોંગ્રેસના અધ્યક્ષ બનવા દેવાયા અને શા માટે તેમને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે... એ સમજની બહાર છે.

રાજકારણ એ સત્તા મેળવવાનો ખેલ છે, અને તેનો ઇનકાર થઈ જ ન શકે. તમામ રાજકીય પક્ષ એ માટે જ મથામણ કરતા હોય છે. પરંતુ સત્તા મેળવવા માટેના પ્રયાસમાં લાંબાગાળે દેશના અર્થતંત્રને, દેશને નુકસાન થાય છે કે ફાયદો થાય છે...એ તો જોવું પડે કે નહીં..?

દેશમાંથી ગરીબી દૂર થવી જ જોઇએ અને તેમાં પણ કોઈને વાંધો-વિરોધ ન હોઈ શકે...ન હોવો જોઈએ. પરંતુ ગરીબી દૂર કરવા માટે રોજગારી ઊભી કરવી એ વધારે યોગ્ય રસ્તો છે કે ખેરાત આપવી એ..?! 

મેઇનસ્ટ્રીમ મીડિયાની ભૂમિકા પણ શંકાસ્પદ થઈ રહી છે. આ મીડિયાએ રાહુલ ગાંધીની આ ખેરાતી યોજના, જે દેશના અર્થતંત્રને તોડી-ફોડી નાખી શકે તેમ છે ... તે વિશે સવાલ કરવાને બદલે શાહમૃગની જેમ જમીનમાં માથું નાખી દીધું છે..! 

મીડિયા, સિવિલ સોસાયટી, શિક્ષણ જગતના અગ્રણીઓ, અર્થતંત્રના જાણકારો, વેપાર ક્ષેત્રના અગ્રણીઓ...આ બધાએ વ્યક્તિગત રીતે અથવા સામૂહિક રીતે રાહુલ ગાંધીને સવાલ કરવા જોઇએ કે (1) આવી ખેરાતી યોજના જાહેર કરવા પાછળ તેમનો ઇરાદો શો છે? 

(2) આ માટે નાણાકીય વ્યવસ્થા ક્યાંથી થશે? 

(3) શું હાલ જે લોકો ટેક્સ ભરે છે તેમના ટેક્સમાં વધારો કરી દેવામાં આવશે?

(4) ટેક્સમાં વધારો નહીં કરો તો શું વિશ્વબેંક પાસેથી લોન લઈને આ ખેરાત કરશો? 

(5) તો એ વિશ્વબેંકનું દેવું પરત ભરપાઈ કરવાનું કોના માથે આવશે? 

હજુ ભારપૂર્વક વારંવાર કહું છું કે, દેશમાં એક પણ નાગરિક ગરીબ ન રહેવા જોઇએ... પરંતુ તેમને ઘેર બેઠા કોઈ મહેનત વિના નાણાં આપી દેવાથી દેશનું કલ્યાણ નહીં જ થાય - એ પણ એટલું જ સનાતન સત્ય છે.

માત્ર આવું વચન આપવાથી કોંગ્રેસને સત્તા મળી જશે એવી કોઈ શક્યતા નથી જ... પરંતુ આપણામાં કહેવત છે તેમઃ ડોસી મરે એનો વાંધો નહીં, જમ ઘર ભાળી જશે. - અર્થાત કોંગ્રેસની આવી જાહેરાતથી બીજા રાજકીય પક્ષોને પણ લોભામણી જાહેરાતો કરવાની ફરજ પડશે. કોંગ્રેસીઓને કારણે બીજા પક્ષો પણ પ્રજા અને દેશના સાચા કલ્યાણને બદલે ખેરાતની માનસિક્તા તરફ ખેંચાશે...એવું જોખમ છે અને એ જ ચિંતાજનક છે.

હવે નક્કી પ્રજાએ કરવાનું છે - કે તમને "ટુકડા" આપીને "નબળા" રાખનારા યોગ્ય છે કે પછી "તક" આપીને "મજબૂત" બનાવનારા યોગ્ય છે? (C)અલકેશ પટેલ 

Monday, December 24, 2018

કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ કૌભાંડની ચર્ચા કેમ નથી થતી?


કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ કૌભાંડની ચર્ચા કેમ નથી થતી?

--- અખબાર શરૂ કરવા કોંગ્રેસની સરકારે કોંગ્રેસ પક્ષને આખા દેશમાં જમીનો આપી. અખબારને બદલે મુખપત્ર શરૂ થયું, પણ એ ન ચાલ્યું એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવીને ‘કમાણીનો બિઝનેસ’ શરૂ કર્યો. અબ આયા ઊંટ પહાડ કે નીચે



-- અલકેશ પટેલ

21 ડિસેમ્બરને શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો. અદાલતે કોંગ્રેસને પાંચ માળનું વિશાળ હેરાલ્ડ હાઉસ બે અઠવાડિયામાં ખાલી કરી દેવા આદેશ આપ્યો છે. એક અઠવાડિયાના ગાળામાં કોંગ્રેસ માટે આ બીજો મોટા અદાલતી ઝટકો હતો. ગયા અઠવાડિયે રાફેલ યુદ્ધ વિમાનના સોદાના મુદ્દે સુપ્રીમ કોર્ટે લપડાક મારી હતી અને ગત શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસના ભ્રષ્ટાચારને આગળ વધતાં અટકાવી દીધો. અહીં ચિંતાનું કારણ એ છે કે જે મીડિયા રાફેલ સોદામાં કોઈ ગરબડ નહોતી તેમ છતાં તેને દિવસ-રાત ચગાવ્યા કરતું હતું એ જ મીડિયા નેશનલ હેરાલ્ડ કેસમાં ગેરરીતિ સાબિત થવા છતાં શા માટે તેને દબાવી દે છે?
નેશનલ હેરાલ્ડની ગેરરીતિને ટૂંકમાં સમજી લઇએ. આમ તો મામલો છેક 1963નો છે. તે વખતની કેન્દ્રની કોંગ્રેસ સરકારે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાપિત એસોસિયેટેડ જર્નલ લિમિટેડ (એજેએલ) નામની મીડિયા કંપનીને અખબાર શરૂ કરવા માટે દેશના તમામ મુખ્ય શહેરોમાં સાવ પાણીના ભાવે જમીનો ફાળવી હતી. અને જાન્યુઆરી 1967માં એક લીઝ કરાર કરવામાં આવ્યો, જેમાં અખબારના પ્રકાશન હેતુની શરત સ્પષ્ટ હતી. અખબારો તેમજ અન્ય મીડિયા હાઉસને તમામ સરકારો આ રીતે જમીન ફાળવતી હોય છે. પરંતુ અહીં તફાવત એ છે કે બીજા બધા મીડિયા હાઉસ વાસ્તવમાં અખબાર કે ચૅનલ શરૂ કરે છે, પણ એજેએલે જે નેશનલ હેરાલ્ડ નામનું અખબાર શરૂ કર્યું હતું તે દેખીતી રીતે કોંગ્રેસ પક્ષનું મુખપત્ર જ હતું, તેમાં બીજા કોઈ તટસ્થ સમાચારને સ્થાન મળતું નહોતું. આનું પરિણામ એ આવ્યું કે અખબાર જરાય ચાલતું નહોતું. તેને કારણે તેનું પ્રકાશન બંધ કરવાનો એજેએલ અર્થાત કોંગ્રેસ પક્ષે નિર્ણય લીધો.
હવે સ્વાભાવિક રીતે કોંગ્રેસમાં જો પ્રામાણિકતા હોત તો અખબાર માટે લીધેલી જમીન અખબાર બંધ થવાથી સરકારને પરત કરી દેવી જોઇતી હતી. લીઝની શરત મુજબ તો કોંગ્રેસે આવી પ્રામાણિકતા દાખવવી જોઇતી હતી. એવું કરવાને બદલે કોંગ્રેસ પક્ષે 2013માં લીઝની શરતોનો સંપૂર્ણ ભંગ કરીને એજેએલ કંપનીના માળખામાં ફેરફાર કરી નાખ્યો અને દિલ્હીમાં આવેલા પાંચ માળના વિશાળ હેરાલ્ડ હાઉસમાં અન્ય કંપનીઓને ઑફિસો ભાડે આપી દીધી અને કરોડો રૂપિયાની ભાડાની કમાણી શરૂ થઈ ગઈ. બીજી તરફ એજેએલ-ના સ્વરૂપમાં ફેરફાર કરીને નવી કંપની બનાવી તેના 38-38 ટકા એમ કુલ 76 ટકા શૅર સોનિયા અને રાહુલ ગાંધીના નામે કર્યા અને બાકીના 24 ટકા શૅર કોંગ્રેસના જ પદાધિકારીઓ – મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, સામ પિત્રોડા તથા સુમન દુબેને ફાળવવામાં આવ્યા. આ ગેરકાયદે “માલિકી હક” લીધા પછી કોંગ્રેસ પક્ષે એજેએલ-ને થયેલી રૂ. 90 કરોડની ખોટ ભરપાઈ કરવા “લોન” આપી. કંપની લોન કેવી રીતે ભરપાઈ કરશે તેની કોઈ સ્પષ્ટતા નહોતી કેમ કે આ બધો ખેલ કાગળ ઉપર જ થવાનો હતો. ઘરના ભૂવા અને ઘરના જ ડાકલાં હતાં!
આટલું થયા પછી જે ગંભીર ભ્રષ્ટાચારની સંભાવના વધી તે એ કે, એજેએલ-ને મળેલી સાવ સસ્તા ભાવની જમીનો આપોઆપ સોનિયા-રાહુલ ગાંધીને નામે થઈ જાય અને એ દ્વારા ગાંધી પરિવાર ઓછામાં ઓછી 5000 કરોડની જમીનના માલિક બની જાય. ભાજપના પીઢ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ કૌભાંડ પકડી પાડ્યું અને તેમણે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરી દીધો. કેસ દરમિયાન જમીન વિકાસ મંત્રાલય તરફથી એજેએલ-ને નોટિસ આપવામાં આવી અને જમીનના હેતુફેર વિશે પૂછવામાં આવ્યું. એજેએલે આવી વારંવારની નોટિસના કોઈ જવાબ ન આપ્યા ત્યારે છેવટે સરકારે આ જગ્યા ખાલી કરાવવા કોર્ટ પાસે દાદ માગી અને કોર્ટે પણ પુરાવા અને હકીકતોની ચકાસણી કરીને કોંગ્રેસને અર્થાત એજેએલ-ને બે અઠવાડિયામાં જગ્યા ખાલી કરવી આદેશ આપ્યો.
કોંગ્રેસનું આ ઘણું મોટું કૌભાંડ છે તેમ છતાં મીડિયાના તેમના મળતિયાઓ, કહેવાતી સિવિલ સોસાયટીના નાગરિકો, કહેવાતા ડાબેરીઓ, કહેવાતા આમ આદમી પાર્ટી વાળા ક્યાં મોં સંતાડીને બેસી ગયા છે એ સમજાતું જ નથી. આ એ જ લોકો છે જે રાફેલના કાલ્પનિક ભ્રષ્ટાચાર સામે રસ્તા ઉપર દેખાવો કરતા હતા અને ટીવી ચૅનલોમાં બૂમબરાડા પાડતા હતા.
અને હા, એ વાત ખાસ યાદ રહે કે નેશનલ હેરાલ્ડના જ કેસમાં ગાંધી માતા-પુત્ર સામે ગેરરીતિનો કેસ હજુ ચાલુ છે અને આ જ કેસમાં બંને જામીન ઉપર છૂટેલા છે.

Tuesday, October 30, 2018

એવા સરદાર પટેલ-સુભાષ બોઝ શું કામના..?

એવા સરદાર પટેલ-સુભાષ બોઝ શું કામના..?


--- અલકેશ પટેલ

- એવા સરદાર પટેલ શું કામના, જેમણે દેશને સંગઠિત કર્યો હોય?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે કાશ્મીરને સળગતું રાખ્યું.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે ખેડૂત આંદોલન કરીને બ્રિટિશ કાળમાં ખેડૂતોને હક અપાવ્યા હોય?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે સ્વતંત્રતા પછી પણ દાયકાઓ સુધી ખેડૂતોને બીચારા રાખ્યા હોય.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે પોતાના પરિવારના સભ્યોને રાજકારણમાં "ગોઠવ્યા" નહોતા?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે શાસન કરવાના આજીવન પરવાના જાતે મેળવી લીધા હતા.

- એવા સરદાર પટેલ શું કામના જેમને દાયકાઓ સુધી ભારતરત્ન પણ નહોતો મળ્યો?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે જાતે જ પોતાના માટે ભારતરત્ન મેળવી લીધા હતા.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે સોમનાથ મંદિર બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જે આજે પણ રામ મંદિર બનાવવામાં અવરોધ ઊભા કરે છે.

- એવા સુભાષચંદ્ર બોઝ શું કામના જેમણે પ્રખર રાષ્ટ્રવાદી વિચારધારા સાથે આઝાદ હિંદ ફોજની રચના કરી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઈએ જેમણે સુભાષ બોઝને ઇતિહાસમાંથી દૂર કરી દેવાના પ્રયાસ કર્યા હતા.

- એવા સુભાષ બોઝ શું કામના જેમણે "જયહિંદ" અને "વંદેમાતરમ્" - ને લોકોના દિલમાં સ્થાન આપવા મથામણ કરી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમને "જયહિંદ" અને "વંદેમાતરમ્" સામે સખત સૂગ હતી.

(31 ઑક્ટોબર, 2018ની પૂર્વ સંધ્યાએ લાગણીનો થોડો ઊભરો)

Tuesday, July 17, 2018

કોંગ્રેસ માટે કયો શબ્દ યોગ્ય- “Bail-ગાડી” કે “જામીન”દાર?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષને Bail-ગાડી તરીકે ઓળખાવ્યો છે, કેમકે કોંગ્રેસના અધ્યક્ષથી શરૂ કરીને ઘણા નેતા કાંતો ભ્રષ્ટાચારના કેસમાં અથવા ફોજદારી કેસમાં જામીન ઉપર છે
 


--- અલકેશ પટેલ

2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચારની દિશા કઈ હશે તેના સંકેત મળવા લાગ્યા છે. એ સાચું કે ભાજપના કેટલાક નેતા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયેલા છે, પરંતુ એ સંખ્યા સાવ જૂજ છે એ સૌએ સ્વીકારવું પડશે. સાથે એ પણ એટલું જ સાચું છે કે ભાજપના ટોચના કહી શકાય એવા એકપણ નેતા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ આટલાં વર્ષોમાં કદી થયા નથી. તેથી વિરુદ્ધ કોંગ્રેસમાં તેમના અધ્યક્ષ અને વડાપ્રધાન સ્તરના નેતાઓ પોતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું વારંવાર પુરવાર થતું રહ્યું છે, આજે પણ એ જ સ્થિતિ છે. હા, એ વાત અલગ છે કે કોંગ્રેસ અધ્યક્ષ અને વડાપ્રધાન હંમેશાં એક જ પરિવારના રહ્યા છે.
આજે આ વાત કરવી એટલા માટે જરૂરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત જુલાઈને શનિવારે રાજસ્થાનના જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન એવું નિવેદન કર્યું કે કોંગ્રેસ પક્ષ હવે બેલ-ગાડી થઈ ગયો છે. સાંભળનાર તમામને પહેલા તો એવું લાગ્યું કે વડાપ્રધાન કોંગ્રેસને બળદગાડા સાથે સરખાવે છે, પરંતુ તરત જ તેમણે આ અંગે વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે બેલ નહીં પણ બેઇલ અર્થાત જામીન. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના ટોચના અનેક નેતાઓ બેઇલ એટલે જામીન ઉપર છે. દેખીતી રીતે તેમનો ઇશારો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ અને હાલના યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી, ભૂતપૂર્વ ગૃહ અને નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ્ તેમજ કોંગ્રેસના નેતા અને એક સમયે યુએનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર શશી થરૂર તરફ હતો. આ ઉપરાંત મોતીલાલ વોરા, સામ પિત્રોડા, ઓસ્કર ફર્નાન્ડિસ તેમજ દિગ્વિજયસિંહ જેવા નેતાઓ પણ જામીન ઉપર છે. આ આખી યાદીમાં એકમાત્ર શશી થરૂરને બાદ કરતાં બાકીના બધા ભ્રષ્ટાચારના વિવિધ કેસમાં જામીન ઉપર છે જ્યારે થરૂર તેમના પત્ની સુનંદા પુષ્કરના શંકાસ્પદ મૃત્યુના કેસમાં હાલ પૂરતા જેલની સજાથી બચીને બહાર છે.
કોંગ્રેસની મુશ્કેલી એ છે કે એ પક્ષ હંમેશાં માત્ર એક પરિવારને આધિન રહ્યો છે. અને આ દેશની કમનસીબી એ છે કે છેક જવાહરલાલ નહેરુથી માંડીને રાહુલ ગાંધી સુધી દરેક ઉપર વ્યક્તિગત ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. દેશ 1947માં સ્વતંત્ર થયો અને બીજા જ વર્ષે 1948માં જવાહરલાલ નહેરુના નાક નીચે તે સમયના બ્રિટન ખાતેના ભારતીય રાજદૂત વી કે કૃષ્ણમેનને જાતે જ ભારતીય લશ્કર માટે જીપ ખરીદવા વિદેશી કંપની સાથે કોન્ટ્રેક્ટ કરી દીધો હતો. કોન્ટ્રેક્ટ 200 જીપ માટેનો હતો અને તે માટે જવાહલાલ નહેરુની સરકારે નાણાં પણ ચૂકવી દીધા અને ત્યારબાદ ઘણા મહિના પછી ભારતને 155 જીપ આપવામાં આવી. 45 જીપના નાણાં કોની પાસે ગયા એ કોઈ જાણતું નથી, પરંતુ ભારત સહિત આખી દુનિયાને એટલી ખબર છે કે એ જ કૃષ્ણ મેનનને ત્યારબાદ નહેરુએ અંગત સચિવ અને પછી સંરક્ષણપ્રધાન બનાવ્યા હતા. જે નહેરુ પોતે ભ્રષ્ટાચારમાં સામેલ ન હોય તો કૃષ્ણ મેનનને આટલું મહત્ત્વ કેવી રીતે મળે તેનો જવાબ આજ સુધી કોઈની પાસે નથી.
રાજીવ ગાંધી ઉપર લાગેલા બોફર્સ તોપ ભ્રષ્ટાચારના ડાઘ આજ સુધી ધોવાયા નથી. તો તેમનાં પત્ની સોનિયા ગાંધી અને પુત્ર રાહુલ ગાંધી નેશનલ હેરલ્ડ અખબાર જૂથમાં 5000 કરોડના ગોટાળાના કેસમાં હાલ જામીન ઉપર છે. આ જ કેસમાં ટૅકનોક્રેટ અને ભારતમાં ટેલિફોન ક્રાંતિના જનક તરીકે ઓળખાવાતા સામ પિત્રોડા, પીઢ નેતા મોતીલાલ વોરા તેમજ ઓસ્કર ફર્નાન્ડિસે પણ જામીન મેળવવા પડ્યા છે. સામ પિત્રોડા પોતે અંગત રીતે કોઈ ભ્રષ્ટાચારમાં સામેલ હોય એવું માનવાને કારણ નથી, પરંતુ તેમણે માતા અને પુત્રના ભ્રષ્ટાચારને મૂક રહી ચલાવી લીધો છે એ સ્વીકાર્ય નથી. તો મનમોહનસિંહ સરકારમાં ગૃહપ્રધાન અને નાણાંપ્રધાન રહી ચૂકેલા પી. ચિદમ્બરમ્ તેમના આખા પરિવાર સાથે જામીન મેળવીને હાલ અદાલતોના ચક્કર લગાવ્યા કરે છે.
રંગીન મિજાજના કોંગ્રેસી નેતા શશી થરૂર છેલ્લા આઠ-દસ દિવસથી આગોતરા જામીન ઉપર મુક્ત છે અને અદાલતમાં હાજરી પુરાવવી પડે છે. તેમનાં પત્ની સુનંદા પુષ્કર જાન્યુઆરી 2014માં દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટેલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. તે સમયે પ્રાથમિક રીતે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે તેમણે આપઘાત કર્યો છે, પરંતુ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેસ દાખલ કરીને સુનંદા પુષ્કરના મૃત્યુની તપાસ કરવાની માગણી કર્યા બાદ એવું તારણ નીકળ્યું કે પુષ્કરની હત્યા થઈ છે. આ કેસમાં હવે શંકાની સોય શશી થરૂર સામે છે.
કોંગ્રેસના વધારે પડતા બોલકા અને કટ્ટર હિન્દુવિરોધી નિવેદનો માટે કુખ્યાત દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન હતા ત્યારે તેમની સામે ભ્રષ્ટાચારના કેસ થયા હતા. ટૂંકમાં કોંગ્રેસની ટોચની નેતાગીરી ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી કદી મુક્ત રહી શકી નથી અને તેથી જ કદાચ કેટલાક લોકો તેના માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને બદલે ઇન્ડિયન નેશનલ કરપ્શન પણ કહે છે.
હવે અહીં મજાની વાત એ છે કે આખા દેશમાં હારી રહેલો કોંગ્રેસ પક્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે વિવિધ પ્રાદેશિક પક્ષો સાથે ચૂંટણી જોડાણ કરવા તૈયાર છે. કોંગ્રેસ જે પક્ષો સાથે ચૂંટણી જોડાણ કરવા માગે છે એ કયા પક્ષો છે? એ પક્ષો છે - રાષ્ટ્રીય જનતા દળ, જેના સર્વોચ્ચ નેતા લાલુપ્રસાદ યાદવ ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહ્યા છે. બીજો પક્ષ છે – બહુજન સમાજ પાર્ટી, જેનાં સર્વોચ્ચ નેતા માયાવતી સામે એક સાથે અનેક કેસમાં તપાસ ચાલે છે. ત્રીજો પક્ષ છે – સમાજવાદી પાર્ટી, જેના સર્વોચ્ચ નેતા અખિલેશ યાદવ સામે લખનૌના ગોમતીઘાટ કેસમાં ભ્રષ્ટાચારની આશંકા છે તો તાજેતરમાં સરકારી બંગલો ખાલી કરતી વખતે તેઓ એ બંગલામાંથી નાની નાની ચીજો પણ લઈ ગયા હોવાનું કહેવાય છે. ચોથો પક્ષ છે – તૃણમૂલ કોંગ્રેસ, જેનાં સર્વોચ્ચ નેતા મમતા બેનરજી કટ્ટર લઘુમતીવાદી છાપ ધરાવે છે, એટલું જ નહીં પરંતુ તેમના પક્ષના સૌથી નજીકના સાથીદારો બંગાળના કુખ્યાત ચીટફંડ કાંડમાં ફસાયેલા છે.
ટૂંકમાં એટલું નિશ્ચિત છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં શાસક પક્ષ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની વાતો કરશે, પોતાની કામગીરીની વાતો કરશે પણ સાથે ભ્રષ્ટાચારને પણ મુદ્દો બનાવશે. ઘણાને એવું લાગતું હશે કે તો પછી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ચિદમ્બરમ્ વગેરેની ધરપકડ કરી જેલમાં શા માટે નથી પૂરાતાં. તો તેના બે જવાબ છે – એક તો કેસ થયા પછી સમગ્ર મામલો અદાલતને આધિન હોય છે અને ત્યાં કેટલી ઝડપથી કે કેવી ગતિએ કેસ ચાલે છે તેના ઉપર આધાર હોય છે. અને બીજું, સરકાર ઉતાવળ કરીને જો સોનિયા અને રાહુલ ગાંધીની ધરપકડ કરે તો શક્ય છે કે ભારતની ભોળી (અથવા મુર્ખ) પ્રજાને એ ગાંધી પરિવાર માટે સહાનુભૂતિ પેદા થાય અને 2019માં કોંગ્રેસને સત્તા આપી દે તો! 1977માં ઈન્દિરા ગાંધી આવી જ સહાનુભૂતિના આધારે અને 1985માં રાજીવ ગાંધી પણ સહાનુભૂતિના આધારે સત્તા પર આવેલા છે. ભારતની “ભોળી” પ્રજાને રાષ્ટ્રપ્રેમને બદલે નહેરુ-ગાંધી પરિવારની સહાનુભૂતિ વધારે પસંદ છે!