Showing posts with label Atal Savera. Show all posts
Showing posts with label Atal Savera. Show all posts

Monday, March 11, 2019

આ તફાવત છે ટીમ-મોદી અને ટીમ-રાહુલ વચ્ચે!


આ તફાવત છે ટીમ-મોદી અને ટીમ-રાહુલ વચ્ચે!

--- પરિવાર, સંસ્થા, રાજકીય પક્ષ કે દેશના વડાની નેતૃત્વ ક્ષમતાને આધારે એ પરિવાર, સંસ્થા, રાજકીય પક્ષ કે દેશનો ખ્યાલ આવે છે અને તેનું ભાવિ નિર્ધારિત થાય છે

-- અલકેશ પટેલ

તમારામાંથી મોટાભાગના લોકો સમાચાર ચૅનલો ઉપર થતી ચર્ચા જોતા હશો. તમારામાંથી મોટાભાગના તટસ્થ નાગરિકોએ એ નોંધ્યું હશે કે “રાજકીય વિશ્લેષક”ના નામે બેસતા મોટાભાગના (લગભગ 95 ટકા) પત્રકારો અથવા ટીવી ચર્ચામાં ભાગ લેનારા લોકો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ ઉપરાંત સંઘ વિશે બેફામ બોલતા હોય છે. એ જ ચર્ચાની પૅનલમાં ભાજપ અને સંઘના પ્રવક્તાઓ પણ હોય છે, છતાં તેઓ પોતાની વિરુદ્ધના નિવેદનોથી ઉશ્કેરાઈને બેફામ બોલતા નથી... આ જ ચર્ચાની પૅનલમાં કોંગ્રેસના પ્રવક્તા પણ બેઠા હોય છે, અને ભૂલેચૂકે જો કોઈ રાજકીય વિશ્લેષક (પત્રકાર અથવા અન્ય વ્યક્તિ) કોંગ્રેસની વિરુદ્ધમાં એકાદ વાક્ય પણ બોલે તો કોંગ્રેસી પ્રવક્તાઓ આક્રમક અને બેફામ બની જતા હોય છે. ગુજરાતમાં તો આ થાય જ છે અને રાષ્ટ્રીય સ્તરે પણ આ જ સ્થિતિ છે.
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં જે રાજકીય ઊથલપાથલ થઈ છે એ સંદર્ભમાં પણ આજે આ મુદ્દે વાત કરવી જરૂરી છે. રાજકારણ અને સત્તા કાયમી નથી હોતાં, એ કામચલાઉ હોય છે. અને છતાં રાજકારણીઓનો તૉર અને પાવર ચિંતાજનક છે. આ આખી વાત એક તરફ નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વ હેઠળના ભાજપની તથા બીજી તરફ રાહુલ ગાંધી અને તેમના નેતૃત્વ હેઠળના કોંગ્રેસ પક્ષની છે.
દેશનો દરેક નાગરિક જાણે છે કે 2002માં ગોધરામાં કેટલાક જેહાદી મુસ્લિમોએ અયોધ્યાથી પરત ફરી રહેલા રામભક્તોને સળગાવી દીધા તેને કારણે પ્રજામાં જે આક્રોશ ફેલાયો હતો તેનો દોષનો ટોપલો સેક્યુલર ટોળકીએ અને મીડિયામાં બેઠેલા તેમના એજન્ટોએ નરેન્દ્ર મોદી ઉપર ઢોળી દીધો હતો. એ દિવસથી શરૂ કરીને હજુ આજે સુધી એટલે કે 2019ના માર્ચ સુધી નરેન્દ્ર મોદી ઉપર અને તેમના નામે ભાજપ ઉપર અને તેની સાથે સંઘ ઉપર પથરા ફેંકવાનું અને કાદવ ઉછાળવાનું ચાલુ છે. આમ છતાં, નાગરિકો જાણે છે કે, નરેન્દ્ર મોદી કે ભાજપ કે સંઘે કોઇની સામે બેફામ કે હિંસક વર્તન કર્યું નથી.
આથી વિરુદ્ધ શાંતિ અને પ્રેમની વાતો કરનાર રાહુલ ગાંધી પોતે અને તેમની ટીમના સભ્યો દેશના વડાપ્રધાનના હોદ્દાનું પણ માન જાળવી શકતા નથી, જાળવતા નથી. 2002થી 2019 સુધી આ પ્રથા ચાલુ રહી છે. પણ હવે કોંગ્રેસના પ્રવક્તાઓ સાચા અર્થમાં તટસ્થ રાજકીય વિશ્લેષકોને પણ નિશાન બનાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે અહીં કોંગ્રેસના તમામ નેતાઓ અને તમામ પ્રવક્તાની વાત નથી. પણ કેટલાક એવા છે જેમની સહનશક્તિ ખૂટી ગઈ છે અને બેફામ બની રહ્યા છે.
સવાલ એ છે કે, આવું થવાનું કારણ શું?
આવું થવાનું કોઈ એક કારણ નથી, પણ ઘણાં કારણ છે. સૌથી પહેલાં તો ભાજપની સામે દરેક મોરચે કોંગ્રેસને જે રીતે પછડાટ મળે છે તે તેમનાથી સહન થતી નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનો ભાજપ દેશમાં તો હાલ દરેક મોરચે પ્રભુત્વ જમાવી રહ્યો છે, પરંતુ વિદેશનીતિમાં પણ તેને સફળતા મળી રહી છે. બીજું, નોટબંધી, જીએસટી જેવા પગલાં ઊંધા પડી જશે અને મોદી સરકારની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થશે તેવી ઇચ્છા અને તેવો પ્રચાર સફળ થયો નથી. ત્રીજું, કોંગ્રેસ કે અન્ય વિપક્ષો ભ્રષ્ટાચારના મુદ્દે મોદી સરકાર સામે કશું જ નક્કર પુરવાર કરી શક્યા નથી. ચોથું, ગાંધી-વાડરા પરિવારના ચાર સભ્યો – રાહુલ અને સોનિયા ગાંધી તથા રૉબર્ટ વાડરા અને તેમનાં માતા સામે ભ્રષ્ટાચાર મુદ્દે અદાલતી કેસ ચાલે છે. ઉપરાંત ચિદમ્બરમ્ પરિવાર સામે પણ કેસ ચાલે છે. પાંચમું, પાકિસ્તાનના આતંક સામે પગલાં લેવામાં મોદી સરકારે ભારે હિંમત દર્શાવી છે.
આ અને આવા બીજા અનેક કારણસર કોંગ્રેસમાં ભારે ધુંધવાટ છે. આટલું ઓછું હોય તેમ, ઉત્તરપ્રદેશમાં સપા-બસપા, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી વગેરે કોંગ્રેસ સાથે ચૂંટણી જોડાણ કરવા તૈયાર નથી. શિવસેના ભાજપ સાથે ચૂંટણી જોડાણ નહીં કરે તેવી કોંગ્રેસ સહિત વિપક્ષોને આશા હતી એ પણ ધૂળમાં મળી ગઈ છે. તેથી કોંગ્રેસ દેખીતી રીતે હતાશ છે. આ હતાશામાં રાહુલ ગાંધી પોતે “ચોકીદાર ચોર હૈ” એવું દરેક સભામાં બોલ્યા કરે છે, અને તેમની આ ભાષાની અસર કોંગ્રેસના અમુક નેતાઓ અને પ્રવક્તાઓમાં આવી છે. આથી સ્થિતિ એ આવી છે કે લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ ક્યાં ભૂલ કરે છે એવું તટસ્થ અવલોકન કરનાર પત્રકારો તેમજ અન્ય બુદ્ધિજીવીઓને પણ કોંગ્રેસ અને તેમના પીઠ્ઠુ મીડિયાવાળા બેફામ બોલવા લાગ્યા છે. મેં આ સ્થળે વારંવાર કહ્યું છે કે, લોકશાહીમાં મજબૂત વિરોધપક્ષ હોવો જરૂરી છે, પરંતુ આપણા કમનસીબે રાષ્ટ્રીય સ્તરનો એક જ વિરોધપક્ષ છે – કોંગ્રેસ, પરંતુ તેની પાસે યોગ્ય અને મૅચ્યોર નેતૃત્વ નથી.

Monday, March 4, 2019

ઑપરેશન ‘આતંકી જૈશ’ થી ‘વીર અભિનંદન’


ઑપરેશન ‘આતંકી જૈશ’ થી ‘વીર અભિનંદન’

--- CRPF ઉપરનો હુમલો આતંકીઓને ભારે પડશે એવું મક્કમ નિવેદન વડાપ્રધાન મોદીએ સાબિત કરી બતાવ્યું. આતંકી ક્ષેત્રો ઉપર હુમલો કર્યો, એટલું જ નહીં પરંતુ પછીની કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન પહોંચી ગયેલા વિંગ કમાન્ડર અભિનંદનને અઢી દિવસમાં પરત લાવી શકાયો... આ નવું ભારત છે #IndiaFirst


-- અલકેશ પટેલ

આ નવું ભારત છે. ભારત ઘણું બદલાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ દેશને જાણે એક નવી ઓળખ મળી છે. રાષ્ટ્રવાદ અને ધર્મ વિશે જાગ્રતિ વધી છે. કદાચ એટલે જ ગત 14 ફેબ્રુઆરીના આતંકવાદી હુમલા પછી જે કોઈ ઘટનાક્રમ બની રહ્યો છે તેમાં 97 ટકા લોકો સરકારના દરેક પગલામાં સાથ આપે છે. મને ખ્યાલ છે કે તમારા બધાના મનમાં તરત સવાલ થશે, 97 ટકા કેમ અને બાકીના ત્રણ ટકા કોણ? બાકીના ત્રણ ટકામાં ડાબેરીઓના રવાડે ચડેલી નક્સલવાદી માનસિકતા ધરાવતી ટુકડે ગેંગ, ઉપરાંત મુઠ્ઠીભર જેહાદી મુસ્લિમો, ઉપરાંત મુઠ્ઠીભર નાસમજ વિરોધપક્ષો, ઉપરાંત મુઠ્ઠીભર સાવ રબ્બીશ મીડિયાવાળાનો સમાવેશ થાય. આ ત્રણ ટકાની કિમત અને હેસિયત આમ તો સાડાત્રણ ટકા જેટલી જ છે, છતાં એ છે એવું આપણે ઉદારપણે સ્વીકારવું જોઇએ.
ખેર, તો મુળ વાત એ છે કે, દેશ અનિર્ણાયકતા, મીટિંગ-ઇટિંગ અને ચીટિંગ, સમિતિઓની રચના અને અહેવાલો, એ અહેવાલોની સમીક્ષા માટે બીજી સમિતિઓની રચના અને તેમના અહેવાલો... આ બધામાંથી સદનસીબે સાડા ચાર વર્ષથી બહાર આવી ગયો છે. આપણા સંરક્ષણ દળો પહેલેથી ખૂબ બાહોશ હતાં, પરંતુ તેમના પગ બાંધી રાખવામાં આવેલા હતા. તેમને પૂરતાં શસ્ત્રો અને યુદ્ધ વિમાનો પણ આપવામાં આવતાં નહોતાં. દેશમાં છેક 1990ના દાયકામાં મિગ યુદ્ધ વિમાન ખરીદવામાં આવ્યાં હતાં, પછી છેલ્લા 28 વર્ષથી એકપણ નવું, આધુનિક યુદ્ધ વિમાન ખરીદવામાં આવ્યું નહોતું. આ ગાળામાં મોટેભાગે કયા પક્ષ અથવા કયા ગઠબંધનોનું શાસન હતું એ કહેવાની જરૂર ખરી..!? મોદી સરકારે નવા અત્યાધુનિક રાફેલ વિમાન માટે સોદો કરેલો છે જે આપણને આગામી સપ્ટેમ્બરથી મળવાના શરૂ થશે.
આવી સ્થિતિ છતાં, આપણા સંરક્ષણ દળો કેટલા સક્ષમ છે એ આપણે સૌએ 26 ફેબ્રુઆરીને મંગળવારે જોઈ લીધું. હવાઈ દળના 12 યુદ્ધ વિમાનોએ અડધી રાત્રે છેક પાકિસ્તાનમાં જઈને ત્યાં સક્રિય આતંકવાદીઓની છાવણીઓનો ખાત્મો બોલાવી દીધો. એ આઘાત અને એ અપમાન સહન ન થતાં ના-પાકિસ્તાને બીજા દિવસે જમ્મુ-કાશ્મીરમાં ભારતના લશ્કરી મથકો ઉપર હુમલા કરવાનો પ્રયાસ કર્યો, પણ હંમેશની જેમ પાકિસ્તાનીઓનો પનો ટૂંકો પડ્યો અને ભારતને કશું નુકસાન કરી શક્યા નહીં. પરંતુ એ દરમિયાન ભારતીય હવાઈદળના બાહોશ જવાન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ત્રણ દાયકા જૂના મિગ વિમાન દ્વારા પાકિસ્તાનીઓનો પીછો કરીને તેમને તગેડી મૂક્યા. એ દરમિયાન છોડેલી મિસાઇલનો ઝાટકો મિગ વિમાન સહન કરી શકતાં તે હવામાં ફંગોળાવા લાગ્યું અને તેથી પોતાનો જીવ બચાવવા કૂદી ગયેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પેરાશૂટ સાથે પાકિસ્તાનની સરહદમાં ઉતર્યા.
મેલાં મનના પાકિસ્તાનીઓનો ઇરાદો વિંગ કમાન્ડર અભિનંદનના બદલામાં સોદો કરવાનો હતો, પરંતુ ભારતીય સરકાર તથા ભારતીય સૈન્ય અને ભારતીય પ્રજાની મક્કમતા ઉપરાંત આંતરરાષ્ટ્રીય દબાણ સામે ના-પાકીઓએ ઝૂકી જવું પડ્યું.
પ્રારંભમાં કહ્યું તેમ, આ સમગ્ર ઘટનાક્રમમાં ભારત સરકારની મક્કમતા અને કૂટનીતિનો ઘણો મોટો ફાળો છે અને હકીકતે તેનો જ વિજય છે. બાકી, આપણાં લશ્કરી દળો સાત દાયકાથી આ જ હતાં, આપણું વહીવટીતંત્ર સાત દાયકાથી આ જ હતું પણ અનિર્ણાયક સરકારોને કારણે બધું બંધિયાર થઈ ગયેલું હતું. સપ્ટેમ્બર, 2016માં ઉરીમાં ભારતીય લશ્કરી છાવણી ઉપર આતંકવાદી હુમલા પછી 15 દિવસમાં જ પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ-કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતીય લશ્કરી જવાનોએ અનેક આતંકીઓનો ઠાર મારી દીધા હતા એટલું જ નહીં પરંતુ એમની કમર તોડી નાખી હતી. ગયા મહિને પણ 12 દિવસના ગાળામાં જ છેક પાકિસ્તાનની અંદર પહોંચીને પ્રચંડ હુમલો કરીને ભારતીય લશ્કર અને ભારતીય સરકારે એટલું તો સાબિત કરી દીધું છે કે આ દેશ અને અહીંની સરકાર હવે નબળી અને નમાલી નથી.
બસ હવે આ દેશ ઉપર જો કોઈ વધારે જોખમ હોય તો તે ઉપર કહ્યા એ ત્રણ ટકા લોકોનું છે. આ ત્રણ ટકા દેશ વિરોધી તત્વો છે એ વાતનો હિંમતભેર અને મક્કમપણે સ્વીકાર કરવો પડશે. જો એવો સ્વીકાર થશે તો જ એ ડાબેરી તેમજ જેહાદી ટોળકીઓનો ખાત્મો બોલાવી શકાશે. જ્યાં સુધી આ બંને ટોળકી સક્રિય હશે ત્યાં સુધી દેશ ઉપરથી જોખમ ટળશે નહીં એ પણ એટલું જ નિશ્ચિત છે, કેમ કે આ ટોળકીઓ સરહદપારના જેહાદીઓના ઇશારે અને તેમના માટે કામ કરે છે. તેથી જ દેશની અંદર રહેલા આવા તત્વોને ઓળખવા અને તેમને હરાવવા પણ એટલું જ અગત્યનું છે.

Wednesday, January 23, 2019

કોલકાતામાં ગઠબંધનનો કૉમેડી શો


કોલકાતામાં ગઠબંધનનો કૉમેડી શો

--- શનિવારે કોલકાતામાં ગઠબંધનની રેલી યોજાઈ. રેલીનું આયોજન મમતા બેનરજીએ કર્યું. આ રેલી કૉમેડી શો હતી...કેવી રીતે? શું મારે એ રેલીને કૉમેડી શો કહેવો જોઇએ? શું આ ગઠબંધન રેલીનું કોઈ મહત્ત્વ નથી? – ચાલો વિચારીએ...


-- અલકેશ પટેલ

“દેશ વિભાજીત થઈ રહ્યો છે”, “ભાજપ દેશના ટુકડા કરી નાખવા માગે છે”, “મોદી-શાહની જોડી આ દેશને ખતમ કરી નાખશે”, “ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર એનડીએ-મોદી સરકારે કર્યો છે”, “જે કામ પાકિસ્તાન 70 વર્ષમાં ન કરી શક્યું એવું દેશ તોડવાનું કામ મોદી સરકારે કર્યું છે”, “મોદી સરકારે એક પણ વિકાસનું કામ કર્યું નથી”, “પાંચ વર્ષમાં કરોડો લોકો બેરોજગાર થયા,”, “દેશના તમામ ખેડૂતો બરબાદ થઈ ગયા છે અને બધા આપઘાત કરી રહ્યા છે”, “2019માં દેશને નવા વડાપ્રધાન મળશે, મોદીને જીતવા નહીં દઇએ”... આ બધા નિવેદનો વાંચીને તમારામાંથી કેટલાને હસવું આવ્યું..? – સાચું બોલજો હોં..!
ઠીક છે, ચાલો હવે આ કૉમેડી નિવેદનો વિશે થોડી વાત કરી લઈએ. 19 જાન્યુઆરીને શનિવારે કોલકાતામાં ખૂબ મોટી સંખ્યામાં વિરોધ પક્ષના નેતાઓ એકત્ર થયા હતા. જેમ કે, મમતા બેનરજી, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, શરદ યાદવ, શરદ પવાર, ચંદ્રબાબુ નાયડુ, મલ્લિકાર્જુન ખડગે, અરવિંદ કેજરીવાલ, પ્રફુલ્લ પટેલ, યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા, અરુણ શૌરી, આ ઉપરાંત ગુજરાતમાંથી પણ સામાન્ય કક્ષાના બે લોકો ત્યાં મંચ ઉપર ઉપસ્થિત હતા.
એ વાતનો ઇનકાર ન થઈ શકે કે, લોકશાહીમાં વિરોધ પક્ષનું અત્યંત મહત્ત્વ છે. એ વાત તદન સાચી જ છે કે, વિરોધ પક્ષ વિના લોકશાહી ટકી જ ન શકે. પરંતુ આ બધા વિરોધ પક્ષોએ શનિવારે કોલકાતામાં ભેગા થઈને જે નિવેદનો કર્યાં તે એટલા માટે કૉમેડી હતાં કે, જે 20-22 નેતા બોલ્યા એ બધાનો સૂર એક જ હતો – મોદી-શાહને રોકો. નરેન્દ્ર મોદીની એનડીએ સરકારે પાંચ વર્ષમાં વિકાસના કેટલાં કામ કર્યાં છે એ તમને ભાજપના પ્રચારકો અને સોશિયલ મીડિયાના યોદ્ધા કહેશે... પરંતુ મારે આજે અહીં એ વિપક્ષી નેતાઓને ખુલ્લા પાડવા છેઃ (1) એ રેલીમાં મમતા બેનરજીએ લોકશાહીની વાત કરી. પણ પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં અન્ય પક્ષોને ભાગ લેવા દેવામાં નહોતો આવ્યો. છેલ્લા એક મહિનાથી ભાજપને પશ્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢવા દેવામાં નથી આવતી અને છેલ્લા સમાચાર અનુસાર માલ્દાના સ્થાનિક શાસકોએ અમિત શાહના હેલિકૉપ્ટરને લેન્ડિંગ માટે પરવાનગી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. (2) એ સભામાં શરદ પવાર અને ખડગેએ મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. શરદ પવારની ભ્રષ્ટાચારની યાદી વિશે સૌ જાણે છે, પરંતુ યુપીએ સરકાર વખતનું એર ઈન્ડિયા કૌભાંડનું રહસ્ય ગમેત્યારે ખૂલશે તેમાં શંકા નથી. અને ખડગે કોંગ્રેસના નેતા છે. કોંગ્રેસના ટોચના બે નેતા અર્થાત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર નેશનલ હેરલ્ડ કેસનો કોર્ટ કેસ ચાલુ જ છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર કૌભાંડ ગમે ત્યારે છાપરે ચડીને પોકારશે. (3) એ સભામાં કુમારસ્વામી, કેજરીવાલ અને ચંદ્રબાબુ નાયડુ કહેતા હતા કે મોદીએ વિકાસનું એક પણ કામ કર્યું નથી. પણ આ ત્રણેના રાજ્યમાં વિકાસના કયા-કેટલા કામ થયાં તેનો હિસાબ આપી શકે તેમ છે? (4) એ સભામાં શત્રુઘ્ન સિંહા, યશવંત સિંહા અને અરુણ શૌરીએ હાજર રહીને ભાષણ કર્યાં. આ ત્રણે ભાજપમાંથી ફેંકાઈ ગયેલા છે એ સૌ જાણે છે. શત્રુઘ્ન સિંહાને તો ચારાકાંડના જેલવાસ ભોગવી રહેલા લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવમાં ભારતનું ભવિષ્ય ઉત્તમ નજર આવે છે!
આ બધી બાબતોને કૉમેડી ન કહેવાય તો શું કહેવાય? એ સભામાં વિપક્ષી નેતાઓ સીબીઆઈ, ઈડી, સુપ્રીમ કોર્ટ, ચૂંટણીપંચ – આ તમામ સંસ્થાઓ સામે એક સાથે આશંકા વ્યક્ત કરી છે. આ વિપક્ષી નેતાઓને હાલ સીબીઆઈમાં વિશ્વાસ નથી તો ભૂલેચૂકે સત્તા પર આવશે તો સીબીઆઈ ઉપર વિશ્વાસ રહેશે? આર્થિક ગોટાળા સામે ઈડી જે કામ કરે છે તેનામાં આ વિપક્ષી નેતાઓને વિશ્વાસ નથી, તો શું સત્તા પર આવશે તો ઈડી વિશ્વાસુ બની જશે? આ વિપક્ષી નેતાઓને રફાલ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં પણ વિશ્વાસ નથી.
ખેર, આ ચર્ચા હવે છેક મે મહિના સુધી ચાલુ રહેશે. કોણ સાચું છે અને કોણ ખોટું છે... ચર્ચા થશે પાંચ વર્ષમાં સરકારે કેટલી કામગીરી કરી અને સામે વિપક્ષી નેતાઓએ આટલા દાયકામાં કેટલાં કામ કર્યા હતા અથવા જ્યાં તેમની રાજ્ય સરકાર છે ત્યાં પ્રગતિ-વિકાસના કેટલાં કામ થયાં? ચર્ચા એ વાતની થશે કે પ્રજાને દેશની પ્રગતિમાં રસ છે કે પછી મોદી-શાહને અટકાવવાના રાજકારણમાં રસ છે? ચર્ચા એ વાતની થશે કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ પગલાં લેવા જરૂરી છે કે પછી ભ્રષ્ટાચારીઓ એકત્ર થઈને એકતા બતાવે એ લાભદાયી છે?

Monday, January 14, 2019

ભારતીય નાગરિકોની તરફેણમાં કોણ છે? કોણ નથી?


ભારતીય નાગરિકોની તરફેણમાં કોણ છે? કોણ નથી?

--- સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાફેલ અને સવર્ણો માટે 10 ટકા અનામતના મુદ્દે હોબાળા વચ્ચે એક અત્યંત અગત્યનો ખરડો પસાર ન થઈ શક્યો. આ સુધારા ખરડો પસાર થયો હોત તો ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તામાંથી વિસ્થાપિત થતા હિન્દુઓ ભારતમાં સહેલાઇથી રહી શકત, પણ...


-- અલકેશ પટેલ

આ મહિનાના પ્રારંભે શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં દિલ્હીમાં અને તેમાંય ખાસ કરીને સંસદભવનમાં ભારે ગરમાગરમી હતી. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો રાફેલ યુદ્ધ વિમાનના મુદ્દે ભારત સરકારને ભીંસમાં લેવા આતુર હતા, તો બીજી તરફ નરેન્દ્ર મોદી સરકાર ત્રણ તલાક અને નાગરિકત્વ સુધારા ખરડા પસાર કરાવવા પ્રયાસ કરતી હતી. જોકે સત્ર પૂર્ણ થવાના છેલ્લા દિવસે સવર્ણ અનામત માટે જોગવાઈ કરવા 124મો બંધારણીય ખરડો લાવીને ઘણો મોટો રાજકીય ખેલ પાડી દીધો.
દેશના સામાન્ય નાગરિકો, વિરોધ પક્ષો, (કથિત) બુદ્ધિજીવીઓ સહિત બધા જાણે છે કે સવર્ણો માટે અનામતની જોગવાઈની વિચારણા ઘણું નોંધપાત્ર રાજકીય પગલું છે અને એટલે જ ડાબેરીઓ તથા મુસ્લિમ પક્ષો સિવાય બીજા કોઇએ તેનો ખુલ્લો વિરોધ કર્યો નથી. સવર્ણ અનામત વિશે ખૂબ ચર્ચા થઈ છે, તેના વિશે ઘણું લખાયું છે અને આગામી સમયમાં એ પ્રવાહ ચાલુ રહેશે, પરંતુ આ બધી હોહા અને હોબાળામાં નાગરિકત્વ સુધારા ખરડો પસાર ન થયો – અથવા કહો કે કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષોએ પસાર ન થવા દીધો તેને કારણે ઘણી મોટી સંખ્યામાં મૂળ ભારતવાસીઓના દિલ દુભાયાં છે.
શું છે નાગરિકત્વ (સુધારા) ખરડો, 2019:
મૂળભૂત રીતે 1955ના આ કાયદા હેઠળ અન્ય દેશોમાં રહેતા મુસ્લિમ સિવાયના ભારતીય નાગરિકો કોઈ કારણથી મુશ્કેલીમાં આવી પડે અને તેઓ જે દેશમાં રહેતા હોય ત્યાંથી ભારત આવવા મજબૂર બને તો કેટલીક શરતોને આધિન ભારતનું નાગરિકત્વ આપવામાં આવે છે. હાલ આ કાયદા હેઠળ આવા મૂળ ભારતીય નાગરિકો દેશમાં આવીને ઓછામાં ઓછા 12 વર્ષ રહ્યા હોય ત્યારે તેમને નાગરિકત્વ અપાય છે.
પરંતુ મોદી સરકારે આ કાયદામાં સુધારો કરીને નવો ખરડો દાખલ કર્યો હતો જે અનુસાર વિદેશમાં વસતા પીડિત ભારતીય નાગરિકોને છ વર્ષમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી અને આ માટે તેમની પાસે કોઈ દસ્તાવેજ ન હોય તો પણ ભારતીય નાગરિકત્વ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. લોકસભામાં ભાજપ અને એનડીએની બહુમતી હોવાથી આ ખરડો પસાર થઈ ગયો હતો, પરંતુ હંમેશાં થાય છે એમ, કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષોએ રાજ્યસભામાં આ ખરડો પસાર થવા ન દીધો.
રાજ્યસભામાં આ ખરડો રજૂ કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે તમામ પક્ષોને આ ખરડો પસાર કરવા સહકાર આપવા માટે અપીલ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત અન્ય દેશોમાં વસતા હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી તથા ખ્રિસ્તી નાગરિકો માટે દુનિયામાં બીજે ક્યાંય આશ્રય લેવાની શક્યતા નહીં હોવાથી ભારતે તેમને આશ્રય સાથે વહેલી તકે નાગરિકત્વ આપવું જોઇએ.
કોંગ્રેસ, ડાબેરીઓ તેમજ છૂટાછવાયા મુસ્લિમ પક્ષોનું વલણ આપણે જાણીએ છીએ. તેઓ દેખાડો અને દંભ કરવા માટે સેક્યુલારિઝમની વાતો કરે છે, પરંતુ તેમના સેક્યુલારિઝમમાં માત્ર લઘુમતી તૃષ્ટિકરણ જ હોય છે. તેમના સેક્યુલારિઝમમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી નાગરિકોનો સમાવેશ થતો નથી. અને એટલે જ આ પક્ષોએ જે રીતે લઘુમતીઓની ખુશામત કરવા માટે ટ્રિપલ તલાકનો ખરડો રાજ્યસભામાં પસાર ન થવા દીધો એ જ રીતે ભારતીય મૂળના વિદેશી પીડિત નાગરિકોને ભારતનું નાગરિકત્વ આપવા માટેનો સુધારા ખરડો પણ પસાર ન થવા દીધો.
ભારતીય રાજકારણની આ અત્યંત દુઃખદ સ્થિતિ છે. અહીં ભાજપ જેવા અમુક પક્ષો રાષ્ટ્રવાદની વાત કરે તો તેને કોમવાદમાં ખપાવી દેવામાં આવે છે. અને સામે કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષો દેશને, દેશની સલામતીને નુકસાન થવાના ભોગે પણ લઘુમતીઓની ખુશામત કરે અને છતાં તેમને સેક્યુલર ગણવામાં આવે! કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષોનું આ પક્ષપાતી વલણ રોહિંગ્યાઓના કેસમાં આપણે સૌ જોઈ ચૂક્યા છીએ. રોહિંગ્યાઓ દેશની સલામતી માટે જોખમી હોવા છતાં આ કહેવાતા સેક્યુલર પક્ષો એમને ભારતમાં રાખવા માગે છે અને સામે મૂળ ભારતીય હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ અને પારસી અન્ય દેશમાં પીડિત હોય અને ભારતમાં આવવા માગતા હોય તો એ જ પક્ષો વિરુદ્ધમાં મત આપે છે!
હવે એવી આશા છે કે જાન્યુઆરીના અંતમાં મળનાર ટૂંકા બજેટ સત્રમાં સરકાર કદાચ ફરીથી નાગરિકત્વ સુધારા ખરડો, 2019 પસાર કરાવવા પ્રયાસ કરશે. જો ત્યારે પણ નિષ્ફળતા મળશે તો પછી એ ખરડાનું ભવિષ્ય શું હશે એ કહેવું મુશ્કેલ છે. સિવાય કે ચૂંટણી પછી લોકસભાની સાથે સાથે રાજ્યસભામાં પણ ભાજપ-એનડીએની બહુમતી થાય તો આવા દેશહિતના કાયદા પસાર થઈ શકે.