Showing posts with label Citizen. Show all posts
Showing posts with label Citizen. Show all posts

Monday, January 14, 2019

ભારતીય નાગરિકોની તરફેણમાં કોણ છે? કોણ નથી?


ભારતીય નાગરિકોની તરફેણમાં કોણ છે? કોણ નથી?

--- સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાફેલ અને સવર્ણો માટે 10 ટકા અનામતના મુદ્દે હોબાળા વચ્ચે એક અત્યંત અગત્યનો ખરડો પસાર ન થઈ શક્યો. આ સુધારા ખરડો પસાર થયો હોત તો ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તામાંથી વિસ્થાપિત થતા હિન્દુઓ ભારતમાં સહેલાઇથી રહી શકત, પણ...


-- અલકેશ પટેલ

આ મહિનાના પ્રારંભે શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં દિલ્હીમાં અને તેમાંય ખાસ કરીને સંસદભવનમાં ભારે ગરમાગરમી હતી. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો રાફેલ યુદ્ધ વિમાનના મુદ્દે ભારત સરકારને ભીંસમાં લેવા આતુર હતા, તો બીજી તરફ નરેન્દ્ર મોદી સરકાર ત્રણ તલાક અને નાગરિકત્વ સુધારા ખરડા પસાર કરાવવા પ્રયાસ કરતી હતી. જોકે સત્ર પૂર્ણ થવાના છેલ્લા દિવસે સવર્ણ અનામત માટે જોગવાઈ કરવા 124મો બંધારણીય ખરડો લાવીને ઘણો મોટો રાજકીય ખેલ પાડી દીધો.
દેશના સામાન્ય નાગરિકો, વિરોધ પક્ષો, (કથિત) બુદ્ધિજીવીઓ સહિત બધા જાણે છે કે સવર્ણો માટે અનામતની જોગવાઈની વિચારણા ઘણું નોંધપાત્ર રાજકીય પગલું છે અને એટલે જ ડાબેરીઓ તથા મુસ્લિમ પક્ષો સિવાય બીજા કોઇએ તેનો ખુલ્લો વિરોધ કર્યો નથી. સવર્ણ અનામત વિશે ખૂબ ચર્ચા થઈ છે, તેના વિશે ઘણું લખાયું છે અને આગામી સમયમાં એ પ્રવાહ ચાલુ રહેશે, પરંતુ આ બધી હોહા અને હોબાળામાં નાગરિકત્વ સુધારા ખરડો પસાર ન થયો – અથવા કહો કે કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષોએ પસાર ન થવા દીધો તેને કારણે ઘણી મોટી સંખ્યામાં મૂળ ભારતવાસીઓના દિલ દુભાયાં છે.
શું છે નાગરિકત્વ (સુધારા) ખરડો, 2019:
મૂળભૂત રીતે 1955ના આ કાયદા હેઠળ અન્ય દેશોમાં રહેતા મુસ્લિમ સિવાયના ભારતીય નાગરિકો કોઈ કારણથી મુશ્કેલીમાં આવી પડે અને તેઓ જે દેશમાં રહેતા હોય ત્યાંથી ભારત આવવા મજબૂર બને તો કેટલીક શરતોને આધિન ભારતનું નાગરિકત્વ આપવામાં આવે છે. હાલ આ કાયદા હેઠળ આવા મૂળ ભારતીય નાગરિકો દેશમાં આવીને ઓછામાં ઓછા 12 વર્ષ રહ્યા હોય ત્યારે તેમને નાગરિકત્વ અપાય છે.
પરંતુ મોદી સરકારે આ કાયદામાં સુધારો કરીને નવો ખરડો દાખલ કર્યો હતો જે અનુસાર વિદેશમાં વસતા પીડિત ભારતીય નાગરિકોને છ વર્ષમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી અને આ માટે તેમની પાસે કોઈ દસ્તાવેજ ન હોય તો પણ ભારતીય નાગરિકત્વ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. લોકસભામાં ભાજપ અને એનડીએની બહુમતી હોવાથી આ ખરડો પસાર થઈ ગયો હતો, પરંતુ હંમેશાં થાય છે એમ, કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષોએ રાજ્યસભામાં આ ખરડો પસાર થવા ન દીધો.
રાજ્યસભામાં આ ખરડો રજૂ કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે તમામ પક્ષોને આ ખરડો પસાર કરવા સહકાર આપવા માટે અપીલ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત અન્ય દેશોમાં વસતા હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી તથા ખ્રિસ્તી નાગરિકો માટે દુનિયામાં બીજે ક્યાંય આશ્રય લેવાની શક્યતા નહીં હોવાથી ભારતે તેમને આશ્રય સાથે વહેલી તકે નાગરિકત્વ આપવું જોઇએ.
કોંગ્રેસ, ડાબેરીઓ તેમજ છૂટાછવાયા મુસ્લિમ પક્ષોનું વલણ આપણે જાણીએ છીએ. તેઓ દેખાડો અને દંભ કરવા માટે સેક્યુલારિઝમની વાતો કરે છે, પરંતુ તેમના સેક્યુલારિઝમમાં માત્ર લઘુમતી તૃષ્ટિકરણ જ હોય છે. તેમના સેક્યુલારિઝમમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી નાગરિકોનો સમાવેશ થતો નથી. અને એટલે જ આ પક્ષોએ જે રીતે લઘુમતીઓની ખુશામત કરવા માટે ટ્રિપલ તલાકનો ખરડો રાજ્યસભામાં પસાર ન થવા દીધો એ જ રીતે ભારતીય મૂળના વિદેશી પીડિત નાગરિકોને ભારતનું નાગરિકત્વ આપવા માટેનો સુધારા ખરડો પણ પસાર ન થવા દીધો.
ભારતીય રાજકારણની આ અત્યંત દુઃખદ સ્થિતિ છે. અહીં ભાજપ જેવા અમુક પક્ષો રાષ્ટ્રવાદની વાત કરે તો તેને કોમવાદમાં ખપાવી દેવામાં આવે છે. અને સામે કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષો દેશને, દેશની સલામતીને નુકસાન થવાના ભોગે પણ લઘુમતીઓની ખુશામત કરે અને છતાં તેમને સેક્યુલર ગણવામાં આવે! કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષોનું આ પક્ષપાતી વલણ રોહિંગ્યાઓના કેસમાં આપણે સૌ જોઈ ચૂક્યા છીએ. રોહિંગ્યાઓ દેશની સલામતી માટે જોખમી હોવા છતાં આ કહેવાતા સેક્યુલર પક્ષો એમને ભારતમાં રાખવા માગે છે અને સામે મૂળ ભારતીય હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ અને પારસી અન્ય દેશમાં પીડિત હોય અને ભારતમાં આવવા માગતા હોય તો એ જ પક્ષો વિરુદ્ધમાં મત આપે છે!
હવે એવી આશા છે કે જાન્યુઆરીના અંતમાં મળનાર ટૂંકા બજેટ સત્રમાં સરકાર કદાચ ફરીથી નાગરિકત્વ સુધારા ખરડો, 2019 પસાર કરાવવા પ્રયાસ કરશે. જો ત્યારે પણ નિષ્ફળતા મળશે તો પછી એ ખરડાનું ભવિષ્ય શું હશે એ કહેવું મુશ્કેલ છે. સિવાય કે ચૂંટણી પછી લોકસભાની સાથે સાથે રાજ્યસભામાં પણ ભાજપ-એનડીએની બહુમતી થાય તો આવા દેશહિતના કાયદા પસાર થઈ શકે.

Monday, August 6, 2018

દેશ મમતા બેનરજીનો આભારી રહેશે


--- આસામના ગેરકાયદે ઘૂસણખોરોના મુદ્દે આટલા મોટા પાયે હોબાળો કરનાર પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેમને “નાગરિકો”ની નહીં પણ “ચોક્કસ પ્રકારના મતદારો”ની વધારે ચિંતા છે 
-- અલકેશ પટેલ

ત્રણ દાયકા કરતાં વધુ સમયથી કાશ્મીરી પંડિતોના મુદ્દે એક નાનું નિવેદન પણ નહીં કરનાર પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આસામના ગેરકાયદે ઘૂસણખોરોના મુદ્દે જે હદે હોબાળો કર્યો તેને કારણે આ દેશ તેમનો આભારી રહેશે. શા માટે..!? કેમ કે આ હોબાળા દ્વારા તેમણે એ સાબિત કરી દીધું કે તેમને વાસ્તવમાં દેશ અને દેશના નાગરિકોની નહીં પરંતુ ચોક્ક્સ પ્રકારના લોકોની વધારે ચિંતા છે જેઓ સાત દાયકાથી આ દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહ્યા છે. આવા ગેરકાયદે ઘૂસણખોરો પ્રત્યેની તેમની આવી ચિંતા અને હોબાળાને કારણે ભાજપને લાભ થશે એ બાબતમાં કોઈએ શંકા રાખવાની હવે જરૂર નથી..!
સાચી વાત એ છે કે, સેક્યુલારિઝમના નામે મમતા બેનરજી સહિત કોંગ્રેસ તથા અન્ય પક્ષો હવે લઘુમતી ખુશામતની હદ વટાવી રહ્યા છે. જે મુસ્લિમો આ દેશમાં હતા તેઓ રહેવાના જ છે અને તેમને કોઈ કશું જ નુકસાન કરવાનું નથી, પરંતુ છેલ્લા સાત દાયકાથી બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે અને તેને કારણે ભારતમાં બેરોજગારી, સંસાધનોની અછત, બેફામ વસ્તી વધારો, ગંદકી, લાયકાત ધરાવતા લોકોને તકનો અભાવ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમછતાં મમતા બેનરજી તથા અન્ય વિરોધપક્ષોએ આસામની નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનશિપ (એનસીઆર) ના નામે છેલ્લા થોડા દિવસમાં જે કંઈ ઊંબાડિયાં કર્યાં છે તેને કારણે આ દેશના સરેરાશ નાગરિકો હતાશ થઈ રહ્યા છે. મમતા, કોંગ્રેસ સહિત અન્ય વિરોધપક્ષો તો એથી આગળ વધીને હજુ રોહિંગ્યાઓને પણ આ દેશમાં ઘૂસાડવા અને તેમને વસાવવાની તરફેણ કરી રહ્યા છે.
શું મમતા બેનરજી, રાહુલ ગાંધી જેવા રાજકારણીઓને રોહિંગ્યા તેમજ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનાં પરિણામોની જરાય ખબર  નથી? શું આ રાજકારણીઓ એ વાત નથી જાણતાં કે ભારતના અન્ય સરેરાશ પરિવારોમાં સભ્યોની સંખ્યા ચાર કે પાંચથી વધારે નથી હોતી? અને તેની સામે બાંગ્લાદેશીઓ તેમજ રોહિંગ્યાઓના પરિવારોમાં સભ્યોની સરેરાશ સંખ્યા 10-12-15થી ઓછી નથી હોતી એ વાત મમતા, રાહુલ નથી જાણતાં? શું મમતા, રાહુલને ખબર નથી પડતી કે ભારતમાં એક કરોડ કરતાં વધુ બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા છે જેને કારણે દેશના મૂળ નાગરિકો અનેક પ્રકારની સુવિધા અને તકોથી વંચિત રહે છે?
આસામ જેવા નાના રાજ્યમાં 40 લાખ ગેરકાયદે લોકો વસતા હોય તો વિચાર કરો કે પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિળનાડુ, આંધ્રપ્રદેશ જેવાં મોટાં રાજ્યોમાં આવા કેટલા ગેરકાયદે લોકો હશે? આ તમામ લોકોએ આપણા ભ્રષ્ટ વહીવટીતંત્રને કારણે નાગરિકત્વ મેળવી લીધું છે અને સરકારી નોકરીઓ, અન્ય પ્રાઇવેટ નોકરીઓ તેમજ વેપાર-ધંધામાં ઘૂસી ગયા છે. પરિણામે દેશના મૂળ લોકો આ બધાથી વંચિત રહે છે.
હકીકતે મુશ્કેલી આ જ છે. આ કરોડો ગેરકાયદે ઘૂસણખોરો નાગરિક બની ગયા છે અને તેમણે મતાધિકાર મેળવી લીધો છે, જેનો ગેરલાભ રાહુલ ગાંધી, મમતા બેનરજી, માયાવતી, અખિલેશ, ચંદ્રબાબુ નાયડુ, ઓવૈસી, લાલુ યાદવ, અરવિંદ કેજરીવાલ જેવા લોકોને લેવો છે. અને આ ટોળકીમાં ડાબેરીઓની પણ સૌથી ભૂંડી ભૂમિકા છે. ડાબેરીઓ પણ આ બધાને છાવરતા રહે છે. આ બધા ભેગા મળીને ગેરકાયદે બાંગ્લાદેશીઓ તેમજ ગેરકાયદે રોહિંગ્યાઓને મતદાર ગણે છે અને તેમના મતના આધારે આ બધા જ રાજકારણીઓ રાષ્ટ્રવાદી પક્ષોને સત્તાથી દૂર રાખવા માગે છે. આ રાજકારણીઓ ચૂંટણીનું રાજકારણ રમે તેમાં કોઈ વાંધો જ નથી, પરંતુ ચૂંટણીના રાજકારણની લ્હાયમાં આ બધા ભેગા મળી દેશ વિરોધી તત્વોનો રમકડાં તરીકે ઉપયોગ કરે છે અને વળતરમાં એ બધાં પોતે દેશ વિરોધી તત્વોનાં રમકડાં બની ગયાં છે.
ઉપર જણાવ્યા એમાંના એકપણ રાજકારણીએ આજ સુધી કાશ્મીરી પંડિતોની તરફેણમાં એક હરફ ઉચ્ચાર્યો હોય એવું યાદ નથી. 1990ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાંથી ત્રાસવાદીઓને કારણે પૂર્વજોનાં ઘર અને જમીન છોડીને દેશના અલગ અલગ રાજ્યોમાં નાસી છૂટવા મજબૂર થયેલા કાશ્મીરી પંડિતો માટે ધરણા કે નિવેદન નહિ કરનાર ઘૃણાસ્પદ રાજકીય તત્વોએ શનિવારે દિલ્હીમાં જંતર-મંતર ખાતે ભેગા થઈને વધુ એક વખત સાબિત કર્યું કે તેમના માટે દેશની પ્રગતિનું કોઈ મહત્ત્વ નથી, પરંતુ પ્રગતિ માટે મથામણ કરનાર નરેન્દ્ર મોદીને 2019માં કોઈપણ ભોગે અટકાવવા જોઈએ..!?
યોગ્ય અને મજબૂત વિરોધપક્ષ વિના કોઈ લોકશાહી પૂર્ણ ન કહેવાય એ સાચું પરંતુ ભારતમાં હાલ જે વિરોધપક્ષો છે તેમની વિચારવાની ક્ષમતા મુસ્લિમો, દલિતો, ઓબીસી, બાંગ્લાદેશી, રોહિંગ્યા – થી આગળ વધતી જ નથી એ સૌથી જોખમી બાબત છે. રાહુલ ગાંધી, મમતા બેનરજી સહિત અન્ય તમામ ભારતને એક પૂર્ણ દેશના સ્વરૂપમાં જોતાં નથી એ હકીકત છે.
દેશના રાજકીય ઇતિહાસમાં આ તમામ પક્ષોને કોઈને કોઈ તબક્કે શાસનની તક મળેલી છે. આ પક્ષોએ કાંતો આખા દેશમાં અથવા પોતપોતાના રાજ્યમાં વર્ષો સુધી શાસન કર્યું છે, પરંતુ તેમણે તમામ વર્ગોનો સર્વાંગી વિકાસ કર્યો નથી એ પણ એટલી જ નગ્ન વાસ્તવિકતા છે. કમનસીબી એ છે કે આ પક્ષો ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર હિન્દુત્વનું રાજકારણ રમવાનો આક્ષેપ કરે છે, પરંતુ એ પક્ષો અને તેમના પ્રત્યે કૂણું વલણ દાખવનારા કહેવાતા બુદ્ધિજીવીઓ એક સામાન્ય તર્ક એ નથી સમજતા કે જો કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, બસપા, સપા, ડાબેરીઓ એ બધાએ જ્યારે તેમને શાસનની તક મળી ત્યારે હદ વગરની લઘુમતી ખુશામત કરવાને બદલે તમામ નાગરિકોને સમાન ગણીને શાસન કર્યું હોત તો આજે ભાજપ કે નરેન્દ્ર મોદી સત્તામાં આવી જ ન શક્યા હોત..! સંયુક્ત વિપક્ષોની વિખંડિત વિચારધારાને કારણે જ આજે ભાજપ સત્તા ઉપર છે અને છતાં એ જ સંયુક્ત વિપક્ષો હજુ આજે પણ વિખંડિત નીતિ જ અખત્યાર કરી રહ્યા છે. આજે પણ આ વિપક્ષો “મહાગઠબંધન” કરીને માત્ર નરેન્દ્ર મોદીને અટકાવવાની જ વાતો કરે છે. આ કહેવાતા મહાગઠબંધન પાસે તેમની પોતાની કોઈ વિકાસલક્ષી વાતો કે નીતિ નથી અને એ વાત દેશના નાગરિકો સારી રીતે જાણી-સમજી ગયા છે. ગેરકાયદે ઘૂસણખોરોની તરફેણ કરીને વિપક્ષો જે ભૂલ કરી રહ્યા છે તેનાં પરિણામો આપણે રાજકીય અને સામાજિક બંને રીતે ભોગવવાં પડશે.

Thursday, July 12, 2018

પ્રજા તરીકે આપણે કેટલા લાયક છીએ?


--- દેશના નાગરિકો તેમજ મીડિયાની સૌથી ગંભીર ભૂલ એ છે કે દરેક બાબત માટે, દરેક સમસ્યા માટે આપણે માત્ર સરકારને જ જવાબદાર ઠેરવવા પ્રયાસ કરીએ છીએ. શું દેશની પ્રગતિ માટે નાગરિકોની કોઈ ફરજ નથી હોતી..?
 --- અલકેશ પટેલ


10 જુલાઈ, 2018ને મંગળવારે મેં આ સ્થળે લખ્યું હતું કે દરેક સમસ્યા માટે આપણને માત્ર ને માત્ર સરકારને જવાબદાર ઠેરવવાની આદત પડી ગઈ છે. મેં ત્યારે કહ્યું હતું કે ચૂંટાયેલી સરકારની અને રાજકારણીઓની તો આવન-જાવન થતી રહે છે, પરંતુ વહીવટીતંત્ર અને અધિકારીઓ ત્યાં જ હોય છે અને વાસ્તવમાં નિયમો-કાયદાનું પાલન કરાવવાની, સરકાર જે કંઈ નક્કી કરે તેનો અમલ કરાવવાની જવાબદારી આ અધિકારીઓ અને વહીવટીતંત્રની જ હોય છે.

પણ આજે હવે એ વાત કરવી છે કે અધિકારીઓ અને વહીવટીતંત્ર પણ બીજા ક્રમે આવે છે. aઅર્થાત તેમની જવાબદારીનો ક્રમ પણ બીજો છે, પહેલોL ક્રમ તો પ્રજાનો પોતાનો આવે. દેશની પ્રગતિના ખરા ચાલક તો નાગરિકો પોતે છે.
સરકાર અને વહીવટીતંત્રનું kકામ તો માત્ર સાનુકૂળ સંજોગો ઊભા કરી આપવાનું હોય છે જેમાં નાગરિકો સુખેથી રહી શકે.
શા માટે પ્રજાની જવાબદારી..?
તેનો જવાબ છે... શું તમે તમારા ઘરમાં ગમે તે રૂમમાં છી-છી, પી-પી કરી દો છો..? શું તમે તમારા ઘરમાં એવી રીતે ચાલો છો કે હરોફરો છો જેનાથી પરિવારના અન્ય સભ્યો સાથે અથડાઈe જવાય..? શું તમે તમારા રસોડામાં જમ્યા પછી થાળી ગમેત્યાં છુટ્ટી ફેંકી દો છો..? ચા પીધા પછી કપ અથવા પાણી પીધા પછી ગ્લાસ ગમેત્યાં નાખી દો છો..?
જો આ બધાનો જવાબ “હા” હોય તો મારે કશું કહેવાનું રહેતું નથી...
... પણ મને ખબર છે કે ઉપરના કોઈ sસવાલનો જવાબ “હા” માં નથી. ઘરની અંદર આપણે સામાજિક પ્રાણીની જેમ જ રહીએ છીએ, બધું જ વ્યવસ્થિત. પરંતુ જેવા ઘરની બહાર નીકળીએ એટલે પ્રાણી-પશુ જેવા બની જઈએ છીએ. કચરો ગમેત્યાં નાખી દેતાં જરાય અચકાતા નથી. ચા જો પ્લાસ્ટિક કે કાગળના કપમાં પીધી હોય તો એ કપ જ્યાં-ત્યાં જ નાખી દઇએ છીએ. લારી ઉપર નાશ્તો કર્યા પછી ડિશ નાખવા માટે ડસ્ટબીન શોધવાની તકલીફ ઉઠાવતા નથી, પણ સીધી ગમેત્યાં નાખી દઇએ છીએ. ટ્રાફિકના કોઈ નિયમનું પાલન કરવાનું આપણને ગમતું નથી. બેફામ હોર્ન વગાડ્યા કરવાનો, રોંગ સાઇડમાં ઘૂસી જવાનું, ચાર રસ્તા ઉપર પોલીસ ન દેખાય તો ટ્રાફિક સિગ્નલની લાઇટનું સન્માન નહીં કરવાનું આપણામાંથી 95 ટકાને ગમે છે. આ જ પશુ વૃત્તિ કહેવાયh.
પણ...બે ઘડી વિચાર કરો કે આપણે જ ગંદગી નહીં કરીએ તો સ્વચ્છતા માટે કોઈએ બૂમો પાડવી નહીં પડે. આપણે ગમેત્યાં ફેંકેલો એ કચરો રસ્તા પર બનાવેલા વરસાદી નાળામાં નહીં પડે તો ચોમાસામાં વરસાદના પાણીનો ભરાવો નહીં થાય.
આપણે જ જો ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું તો કોઈ પોલીસવાળાએ મેમો ફાડવો નહીં પડે અથવા ઇ-મેમો ઘરે નહીં આવે. આપણે જો રોંગ સાઇડ નહીં જઇએ તો ટ્રાફિક જામ નહીં થાય અને બધા ભીડભાડ વિના સરળતાથી વાહનો ચલાવી શકશે.
આપણે જ જો ફૂટપાથ ઉપર દબાણ નહીં કરીએ તો ત્યાં ચાલનારા લોકો માટે જગ્યા રહેશે અને તેમણે રસ્તા ઉપર ચાલવું નહીં પડે..એ રીતે ટ્રાફિકમાં સરળતા રહેશે અને અકસ્માતો ઘટી જશે.
પણ કમનસીબે થાય છે આ બધાથી ઊંધું. અને તેથી દરેક વ્યવસ્થા કથળે છે પછી આપણે સરકારને જવાબદાર ઠેરવીએ છીએ કે સરકાર કશું કરતી નથી. જો બધું બગાડનાર આપણે પોતે હોઈએ તો બધું સુધારવા માટેની જવાબદારી સરકાર ઉપર કેવી રીતે ઢોળી શકાય..?