Wednesday, July 11, 2018

બધી વાતમાં સરકારને જવાબદાર ઠેરવવાનું ગાંડપણ


--- જો બધી વાતમાં સરકારોને જ જવાબદાર ઠેરવીશું તો દેશના નાગરિકો, અધિકારીઓ અને વહીવટીતંત્રને ક્યારે જવાબદાર ઠેરવીશું, વારુ?

--- અલકેશ પટેલ


ફરી એક વખત ભારે વરસાદને કારણે મુંબઈ પાણી-પાણી થઈ ગયું છે. ફરી એક વખત મુંબઈના અસંખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. ફરી એક વખત માત્ર વરસાદની આફતને કારણે 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા... અને આ બધા સાથે ફરી એક વખત 24X7 ચપ-ચપ કર્યા કરતાં ચૅનલના કથિત પત્રકારો (કથિત પત્રકારો એટલા માટે કે તેઓ માત્ર એક જ દિશામાં જૂએ છે, બીજી બાજુ તેમને દેખાતી નથી) એકમાત્ર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પાછળ એવી રીતે પડી ગયા છે જાણે મુંબઈની આવી હાલત માટે બીજું કોઈ જવાબદાર જ ન હોય..!
માન્યું કે નાગરિકોની સુખાકારીની જવાબદારી સરકારની હોય છે. પરંતુ મુંબઈની આવી સ્થિતિ માટે એકલા ફડનવીસ જવાબદાર કેવી રીતે હોઈ શકે..!? શું ફડનવીસ માત્ર મુંબઈના મુખ્યપ્રધાન છે..!? મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષમાં તેમણે ઘણાં નોંધપાત્ર કામ કર્યાં છે, એ વખતે શું આ બધા ચૅનલવાળા આટલા ઉછળી ઉછળીને સરકારના વખાણ કર્યાં હતાં..!?
ખેર, અહીં કોઈનો બચાવ કરવાનો સવાલ જ નથી. કોઈનો બચાવ કરવાનો મુદ્દો પણ નથી. પણ ચર્ચા એ કરવી છે કે આપણે હંમેશાં માત્ર ચૂંટાયેલી સરકારને ક્યાં સુધી જવાબદાર ઠેરવ્યા કરીશું..!? શું દેશના નાગરિકોની કોઈ ફરજ છે જ નહીં..!? શું અધિકારીઓ અને વહીવટીતંત્રની કોઈ જ ફરજ નથી..!?
આ સવાલો ઉપર કોઈ એવી દલીલ મહેરબાની કરીને ન કરતા કે, અધિકારીઓ-વહીવટીતંત્ર પાસે કામ કરાવવાની જવાબદારી પણ સરકારની જ છે..!
સાચી વાત એ છે કે સરકાર તો નિર્ણય કરે. સરકાર આયોજન કરે. પણ એ દરેકનો અમલ કરવાની જવાબદારી અધિકારીઓની – વહીવટીતંત્રની હોય છે.
હવે મૂળ મુદ્દો એ આવે છે કે, દરેક વખતે આપણે ચૂંટાયેલી સરકારને જવાબદાર ઠેરવીને નફ્ફટ અને અપ્રામાણિક અધિકારીઓ – વહીવટીતંત્રને છટકી જવાની તક આપીએ છીએ. નફ્ફટ અને અપ્રામાણિક તંત્રને ખબર પડી ગઈ છે કે મીડિયા અને સામાન્ય પ્રજા તો સરકારને જ જવાબદાર ઠેરવવાની છે, પણ આપણે શું ચિંતા..!? પરિણામે અધિકારીઓ અને તેમની નીચેનું વહીવટીતંત્ર નઠારું, નઘરોળ બનીને મહાલે છે, ભ્રષ્ટાચાર કરે છે અને માત્ર ને માત્ર રાજકારણીઓ વગોવાય છે.
હકીકત એ છે કે અધિકારીઓ જો ખરેખર પ્રામાણિક હોત, અધિકારીઓ જો ખરેખર દેશ માટે અને પ્રજા માટે વિચારતા હોત તો આટલા દાયકામાં આ દેશ આખી દુનિયાનો સૌથી વિકસિત દેશ બની ગયો હોત.
અધિકારીઓ અને વહીવટીતંત્ર ઉપર હું એટલા માટે આટલો ભાર મૂકું છું કે, રાજકારણીઓની મુદત પાંચ-દસ-પંદર વર્ષથી વધારે નથી હોતી. એ લોકો તો ચૂંટાય તો સત્તા ઉપર આવે અને હારે તો લોકો ભૂલી જાય. પણ જે કામ કરવાનું હોય છે તે અધિકારીઓ અને તેમની નીચેના વહીવટીતંત્રે કરવાનું હોય છે. કાયદા અને નિયમોની જાણકારી અધિકારીઓ – વહીવટીતંત્રને હોય છે. અને તેથી એ નફ્ફટ અને નઘરોળ તંત્ર રાજકારણીઓને ઊંઠા ભણાવીને, તેમને પણ ભ્રષ્ટાચારમાં સામેલ કરીને પોતે છટકી જાય છે.
આ અધિકારીઓ અને વહીવટીતંત્ર કોણ છે..!?
એ લોકો આપણામાંના જ એક છે. આપણી આસપાસના લોકો જ અધિકારી કે પછી સરકારી કર્મચારી હોય છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે આ લોકો પ્રામાણિક નથી. આપણે જાણીએ છીએ કે આ લોકો થોડાં વર્ષ પહેલાં જ્યારે સરકારી નોકરીમાં જોડાયા ત્યારે તૂટેલું ફૂટેલું સ્કૂટર લઈને જતા હતા અને બે-ચાર વર્ષમાં જ ગાડીમાં ફરતા થઈ ગયા. તેમ છતાં આપણે હંમેશાં આપણી મુશ્કેલીઓ માટે સરકાર અને રાજકારણીઓને જ જવાબદાર ઠેરવતા રહ્યા છીએ.
મને લાગે છે કે, એ યોગ્ય નથી. આપણે હવે સરકારી તંત્ર ચલાવતા અધિકારીઓ, કર્મચારીઓને જવાબદાર ઠેરવવાનું શરૂ કરવું પડશે તો જ આ દેશમાં કંઈક સુધારો આવી શકશે.
ચતુર કરો વિચાર...અખબારોમાં અને સમાચાર ચૅનલમાં કે પછી કોઈપણ મીડિયામાં અનેક વાર અનેક ભૂલો થતી હોય છે, અનેક ગરબડ થતી હોય છે, કેટલાય ભ્રષ્ટ પણ હોય છે... તો શું દરેક વખતે માત્ર તંત્રીને જવાબદાર ઠેરવવામાં આવે છે..!? શું દરેક વખતે તંત્રીના રાજીનામાની માગણી થાય છે..!?

No comments:

Post a Comment